Download this page in

વર્તમાન સમયમાં પુરુષનું સ્થાન- એક દ્રષ્ટિપાત

ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી લેખીકામાં જેમનું નામ પ્રથમ હરોળમાં મૂકી શકાય તેવા હિમાંશી શેલતે ટૂંકીવાર્તાથી પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. આધુનિક વાર્તાકારોમાં હિમાંશી શેલત આગવું સ્થાન ધરાવ છે. સમકાલીન વાર્તાકારોથી તેમની વાર્તાઓ કંઈક અંશે જુદી પડતી વાર્તાઓ છે. તેઓ તેમની વાર્તાઓમાં વિષય વૈવિધ્ય પ્રગટાવવા સતત પ્રયત્નશીલ છે. તેમના ‘અંતરાલ’, ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’ અને ‘એ લોકો’, વગેરે વાર્તાસંગ્રહો પર દ્રષ્ટિપાત કરતાં સ્પસ્ટ થાય છે. તેમણે આપેલી વાર્તાઓમાં ખાસ કરીને ‘વિભીષિકા’ અને ‘મનસુખ’ જેવી કેટલીક સામાજિક વાર્તાઓમાં આધુનિક યુગમાં પુરુષનું સ્થાન ક્યાં ? જેવા પ્રશ્ન સામે આધુનિક યુગમાં પુરુષની આંતર સંવેદના અને માનસિક સંઘર્ષનું આલેખન થવા પામ્યું છે.

વિભીષિકા

પુરુષ પર નારીની જોહુકમીની વાત આપણા સાહિત્યમાં ઘણી ઓછી થઇ છે. તેમ છતાં તેમાં માંગ મૂકાવે તેવી આ કલાત્મક અને મનોવિશ્લેષણાત્મક વાર્તા છે.

‘વિભીષિકા’ વાર્તામાં લેખિકાએ કર્કશા પત્ની અને પતિના માનસિક સંઘર્ષનું કલાત્મક રીતે દર્શન કરાવ્યું છે.

આ વાર્તાની નાયિકા શારદા પરિણીત છે. તેના પતિનું નામ લેખિકાએ યુક્તિપૂર્વક જ અધ્યાહાર રાખ્યું છે. તેને બે સંતાનો છે. નામ એનું શારદા પણ નામ પ્રમાણે તેનામાં ગુણ કે સંસ્કારોનો છાંટોય નથી. મધ્યમ વર્ગના કુટુંબની આ વાત છે. મધ્યમ વર્ગીય સમસ્યાઓનો ભોગ સૌને બનવું પડે છે. આ વાર્તાની નાયિકા શારદા ઘરમાં સતત કકળાટ કર્યા કરતી. આમ સતત કંકાસ અને કકળાટથી પતિને અને બાળકોને કાબુમાં રાખતી.

વારંવાર ઝેર પી જવાની ધમકી આપતી હતી. પતિ પણ તેની ધમકીથી સતત ડર્યા કરતો હતો. શારદા ઝેર પી જશે તો તેનો સંસાર વિખેરાઈ જશે. બીકના માર્યો તેના શરીરે પરસેવો છૂટી જતો. અને આખું શરીર ઓગળી જતું હોય તેમ તેને લાગ્યા કરતું. તે સતત ભયના ઓઠા હેઠળ દિવસો પસાર કરતો. આવા પ્રકારના વિચારોમાંથી બહાર આવવું તેના માટે મુશ્કેલ હતું.

રોજ સાંજે પતિ નોકરીએથી થાક્યો-પાક્યો ઘેર આવતો ત્યારે પણ ઘરમાં પ્રવેશતાંની સાથે ઘરમાં કંઈક બન્યું હશે, એવી શંકા-કુશંકા તેને બેબાકળો બનાવી દેતી. તે સતત ભયગ્રસ્ત દશામાં જીવન જીવતો. ક્યારેક તેના વતનમાંથી પિતાનો ફોન કે પત્ર આવે તો તરત શારદા તાડૂકી ઉઠતી અને ઘરમા કમઠાણ કરી મૂકતી. નાયક સતત માનસિકતાણ અનુભવતો. એકવાર વતનમાંથી પિતાનો પત્ર આવે છે. તેમાં લખ્યું છે કે, બહેનના લગ્ન લેવાના છે. તેના માટે પૈસાની વ્યવસ્થાની વાત ઘરમાં પત્નીને કરતો કે તરત જ શારદા ચંડીનું રૂપ ધારણ કરી તાડુંકવા લાગે, અને ગમે તેવા અપશબ્દો સંભળાવતી. ‘મરી જઈશ, જતી રહીશ બધું છોડીને, ક્યા ભવનું વેર’ વગેરે શબ્દો આક્રોશ પૂર્વક સંભળાવી દેતી. આમ આત્મહત્યાની ધમકી આપી સતત સંતાનો પર અને પતિ પર ક્રોધ વરસાવતી અને સૌને ઘરમાં સતત ભય, ડર, બીક વચ્ચે રાખતી. ઘરના બધા સભ્યો સતત ભયના ઓઠા હેઠળ જીવતા.

પૈસાની ખેંચ તો સૌ અનુભવે છે. મધ્યમવર્ગની આર્થિક સંકડામણની લાચારી અહીં લેખિકાએ આ પ્રસંગ દ્વારા વેધકતાથી ઉપસાવી આપી છે.

પતિને શારદાનો ભારેખમ અવાજ બોજ બની પીડી રહ્યો હતો. શારદા એકલી બહાર જાય તોય તેના જીવને ગમતું નહીં. પરિણામે ચિંતાને કારણે તેની આંખ નીચે કાળાં કૂંડાળા વધવા લાગ્યાં હતાં. અને માથાના સફેદ વાળ પણ વધવા લાગ્યા હતા. અકાળે વૃદ્ધાવસ્થા તેને આવતી જણાતી હતી. તેનું શરીર નરમ પડી ગયું હતું. તેની ચાલ શિથિલ થઈ ગઈ હતી. આમ નાયકના શરીર પર શારીરિક અનેક ફેરફારો થવા લાગ્યા હતા.

ઘરના કલેશ-કંકાસથી ત્રાસીને તે ઘર બહાર નીકળી પડ્યો. અને સ્ટેશને આવી ગામ જવાનું વિચારવા માંડ્યો. પણ પત્નીના ત્રાસની વાત જાણી બા-બાપૂજી પણ દુઃખી થશે. આથી તેણે ગામ જવાનો વિચાર માંડી વાર્યો. આમ અહીં પરિણીત પુરુષની હૈયા વેદના કોઈ સમક્ષ તે રજૂ કરી શકતો નથી. અને મનમાં ને મનમાં જ પીડાય છે. આમ અહીં આંતરપીડાનું સુંદર આલેખન પતિના વર્તન વિચારમાં લેખિકાએ કર્યું છે.

શારદાના અંધ સ્વાર્થ, ક્રોધ, અત્યાચારથી ડરેલો ત્રાસેલો પતિ અંતે રેલ્વેના પાટા પર સૂઈ જીવનને ટૂંકાવવાનો દ્રઢ નિર્ણય કરે છે. આ દુન્વયી ત્રાસ, જોહુકમી, સતત કકળાટ અને કંકાસથી પળવારમાં જ છૂટકારો અને પછી ન કોઈ ચિંતા કે ન કોઈ ઉપાધી. બધા જ પ્રશ્નોનું નિરાકરણ તેમાં તેને સમાયેલું લાગ્યું. અંતમાં લેખિકા સૂચક શબ્દો પ્રયોજે છે. “હિસાબ પતી જ ગયો હતો હવે. સમય મુઠ્ઠીમાં હતો. ક્યારેય ન અનુભવેલી શાંતિ અનુભવતો તે પાટા સામે તાકી રહ્યો.” નાયકના આ વર્તનને રજૂ કરીને મોતના ભયનેય પચાવી ચૂકેલા પતિના માનસનું દર્શન થાય છે. મોત કરતાંય વધુ માનસિક ત્રાસ પત્નીનો હતો. અને તે ત્રાસમાંથી પતિ આજીવન મુક્તિ જ ઝંખતો હતો. પુરુષની જિંદગીને છિન્નભિન્ન કરી નાખનાર આવી સ્ત્રીઓ પણ આ જગતમાં છે. તેનું દર્શન અહીં વાર્તાકાર કરાવે છે.

આપણે ત્યાં સેંકડો શહેરોમાં, સોસાયટીઓમાં જીવતો નોકરીયાત વર્ગ અહીં ચિંધાયેલો છે. ભૌતિક સુવિધાઓની લાલસા, પત્ની અને સંતાનોની ઈચ્છાઓ ન સંતોષાતાં સર્જાતી સમસ્યાઓ, બદલાયેલી માનસિકતા- આ બધું વાર્તા દ્વારા સૂચવાયું છે. કથા તો છે એક જ ઘર- કુટુંબના પતિ-પત્નીની પણ એ તો આપણા સૌનાં પ્રતિનિધિઓ જ છે.

નિમ્ન મધ્યમવર્ગની નાણાભીડ અને કુટુંબગત સમસ્યાઓને હિમાંશી શેલતે અસરકારક રીતે રજૂ કરી વર્તમાન સમાજમાં પ્રવર્તેલી માનસિકતા પ્રતિ અંગૂલી નિર્દેશ કર્યો છે.

મનસુખ

આ વાર્તામાં સંયુક્ત કુટુંબમાં રહેતા તેમજ ઓછો પગાર ધરાવતા, આધેડ વયના પરિણીત પુરુષની વેદના ઘૂંટાઈને આવે છે.

મનસુખ સંયુક્ત કુટુંબમાં પોતાના કશા જ અવાજ વિના, વ્યક્તિત્વ વિના જીવન જીવતા અને પત્નીનું કે પોતાનું સ્વપ્ન કદી પૂરું નહીં કરી શકનારા દુર્ભાગી માનવીઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેનું પોતાનું કોઈ આગવું મહત્વ કે વ્યક્તિત્વ કુટુંબના સભ્યો આગળ નથી. પોતે મોભી હોવા છતાં ઘરમાં તેની કોઈ ગણતરી થતી નથી. તેને સતત ઘરના સભ્યોના અપમાન અને તિરસ્કાર વચ્ચે આંતરિક પીડા સાથે જીવવું પડે છે. કુટુંબમાં તેની આ આર્થિક નબળાઈને કારણે સૌ કોઈ મનસુખને નગણ્ય ગણે છે. આમ મનસુખ પ્રત્યેક ક્ષણે માનસિક સંઘર્ષ અનુભવે છે.

નાયકનું નામ છે ‘મનસુખ’ પણ તેના મનને જીવનમાં ક્યાંય જરાપણ સુખનો અનુભવ થતો નથી. તેને મન-હ્રદયનું સુખ જીવનભર પ્રાપ્ત થયું નથી. આજીવન દુઃખ સહન કરવા જ તે જન્મ્યો હોય તેવો આ બદનસીબ આદમી છે, એમ તે પોતાની જાતને કોશી રહ્યો છે. બીજીબાજુ મનસુખનો નાનો ભાઈ એન્જીનીયર છે. એટલે ઘરમાં તેનું માન-સન્માન વધારે છે. તેની વાતમાં સૌ રસ લે છે. અને ઘરમાં પણ બધું નાનકાની રસ-રૂચી અનુસાર જ થાય છે. મનસુખ મોટો હોવા છતાં તેનો ઘરમાં કોઈ ભાવ-તાલ પૂછતું જ નથી. મનસુખ ઓફિસે જવા તૈયાર થાય છે. ત્યારે તેની પત્ની ભાનુ ઘરકામના સંદર્ભમાં ફરિયાદ કરે છે. પરંતુ મનસુખનીય લાચારી છે, તેથી તે ભાનુ સામે માત્ર જોયા જ કરે છે, કશું જ બોલતો નથી. અને પછી હ્રદયમાં વેદના સંઘરીને(ધરબીને) તે ઓફિસે ચાલ્યો જાય છે.

પણ મનસુખના મનમાં એક આશાનું કિરણ દેખાય છે. અને તે છે તેનો પુત્ર જયેશ. જયેશનો અભ્યાસ હવે પૂરો થવા આવ્યો છે. તેથી મનસુખના હૈયામાં એક ધરપત છે, કે તેને હવે સારી નોકરી મળી જશે. અને નાનકાના રોફથી હવે દબાયેલો કે કોઈના ઓશિયાળા બનીને રહેવું નહીં પડે તેવી શ્રદ્ધા તેના હ્રદયમાં જન્મી છે.

અનેક આશાઓ-અરમાનો સાથે મનસુખ પુત્ર જયેશને કહે છે પણ ખરો કે, તું હવે નોકરી માટે અરજીઓ કરવા માંડ. પણ જયેશ આ સાંભળીને આભો બની પિતાની સામે જોઈ રહે છે, ને કહે છે, “નોકરી ? મારે વળી નોકરી કરવાની શી જરૂર છે ?” વાર્તાના અંતમાં આધેડ વયના પિતાના હ્રદય પર પ્રહાર કરતો હોય તેમ જયેશ પિતાને સંભળાવી દે છે, “મને તો કાકાએ આપણા જ શોપિંગ સેન્ટરમાં બેસવાનું કહ્યું છે, ઘરને છતે ધંધે નોકરીની ગુલામી......તમારી તો કોઈ વાત મને સમજાતી નથી, ખરેખર.......આવો વિચાર વળી તમને ક્યાંથી આવ્યો ?”

પુત્ર જયેશના આ શબ્દો મનસુખના હૈયાને ભાંગી નાખે છે. તે નિરાશ, હતાશ થઇ જાય છે. જે પુત્રને પિતાએ ઓછા પગારની નોકરીમાં પેટે પાટા બાંધીને ભણાવ્યો, જેને માટે સંયુક્ત કુટુંબમાં નાનાભાઈ, માતા-પિતા, નાનાભાઈની પત્ની એમ સૌના અપમાનો-અત્યાચારો સહન કર્યા. તે જ પુત્ર પિતાની મનોદશાને સમજી શકતો નથી. એ આઘાત મનસુખને અકળાવી મૂકે છે. પોતે મનોમન દુઃખ અનુભવે છે.

આમ આ વાર્તામાં મધ્યમવર્ગમાં સંયુક્ત કુટુંબમાં રહેતા અને આર્થિક ભીંસ અનુભવતા, તિરસ્કાર, અપમાન અને ઉપેક્ષાનો ભોગ બનતા પુરુષની મનોદશાને લેખિકાએ મનસુખના પાત્ર દ્વારા ચરિતાર્થ કરી બતાવી છે.

આમ આજના આ વર્તમાન સમયમાં ક્યાંક કર્કશ પત્ની દ્વારા તો ક્યાંક પુરુષની પોતાની ઓછી આવકને કારણે ઘરના અભ્યોના અપમાન-અત્યાચારોનો ભોગ બનવું પડે છે. તો વળી આવા ઓછી આવક ધરાવતા પુરુષનું ઘરમાં કોઈ સાંભળતું પણ નથી, કે તેનું ઘરમાં કોઈ સ્થાન પણ હોતું નથી. આમ વર્તમાન સમયમાં પુરુષ પોતાના કોઈ અવાજ કે વ્યક્તિત્વ વગર જીવન પસાર કરે છે.

સંદર્ભ ગ્રંથ સૂચિ ::

  1. હિમાંશી શેલતની વાર્તાસૃષ્ટિ –મણિલાલ હ. પટેલ -પાર્શ્વ પ્રકાશ અમદાવાદ. ત્રીજી આવૃત્તિ -૨૦૦૫
  2. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ- પ્રસાદ ભ્રહ્મભટ્ટ- પ્રકાશક- બાબુભાઈ શાહ પાર્શ્વ પ્રકાશન- નિશાપોળ, ઝવેરીવાડ, રીલીફરોડ, અમદાવાદ. પ્રથમ આવૃતિ-૨૦૧૦
  3. વાર્તાપર્વ- બાબુ દાવલપુરા- પ્રકાશક- બાબુભાઈ શાહ પાર્શ્વ પ્રકાશન- નિશાપોળ, ઝવેરીવાડ, રીલીફરોડ, અમદાવાદ. પ્રથમ આવૃતિ- ૨૦૦૭
  4. સાઠોતરી ગુજરાતી ટૂંકીવાર્તા- પારુલ પ્રધાન- પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ. પ્રથમ આવૃત્તિ-૨૦૦૫
  5. બાવનનો સઘળો વિસ્તાર- વિજય શાસ્ત્રી- પાર્શ્વ પ્રકાશન અમદાવાદ. પ્રથમ આવૃત્તિ-૨૦૦૦
  6. આધુનિક ટૂંકીવાર્તામાં સન્નીધિકરણ- ભરત સોલંકી પ્રકાશક- બાબુભાઈ શાહ. પાર્શ્વ પબ્‍લ‍િકેશન, નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફરોડ, અમદાવાદ, પ્રથમ આવૃતિ- ૨૦૦૪-
  7. વાર્તાગોષ્ઠી- બાબુ દાવલપુરા- ચંદ્રિકા પ્રિન્ટરી, મિરઝાપુર, અમદાવાદ-પ્રથમ આવૃત્તિ- ૨૦૦૭

પ્રા. ભગવાન એસ. ચૌધરી, ગુજરાતી વિભાગ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પાંથાવાડા, બનાસકાંઠા, મો-૯૬૬૨૬૦૫૨૫૩