Download this page in

वाल्मीकिरामायणे शिवः

देवदेव महादेव लोकस्यास्य हिते रत |
सुराणां प्रणिपातेन प्रसाद कर्तुमर्हसि || वा.रा. १/३६/९)
અર્થાત્ – “ આ જગતના હિતમાં તત્પર રહેનારા દેવાધિદેવ મહાદેવ ! દેવતાઓ આપના ચરણોમાં મસ્તક નમાવે છે. આપ પ્રસન્ન થઈને દેવતાઓ પર કૃપા કરો. ”

रामस्य अयनं इति रामायणम् | આદિકવિ વાલ્મીકિ દ્વ્રારા રચાયેલ રામાયણ ભારતીય સંસ્કૃતિનું આદર્શ મહાકાવ્ય છે. આ આદર્શ મહાકાવ્યમાં ભારતીય સંસ્કૃતિનો નીચોડ રજૂ થયો છે. આ મહાકાવ્યમાં વાલ્મીકિએ ભારતીય જીવનના ઉત્તમ આદર્શો રામકથા દ્વારા રજૂ કર્યા છે. અહીં શ્રીરામને આદર્શ પતિ, આદર્શ ભાઈ, આદર્શ પુત્ર અને આદર્શ પિતા તરીકે રજૂ કરવામાં આવ્યા છે. તો સીતાને આદર્શ પુત્રી, આદર્શ પુત્રવધૂ અને આદર્શ પત્ની તરીકે રજૂ કરવામાં આવ્યાં છે. લક્ષ્મણ ભાતૃવત્સલ ઉત્તમ પ્રકારના ભાઈનું ઉદાહરણ છે. તો હનુમાન ઉત્તમ પ્રકારના સેવક છે. આ સમગ્ર મહાકાવ્યમાં દરેક શ્લોકે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો ઉત્તમ પ્રયાસ થયો છે.

શ્રીરામ ભગવાન વિષ્ણુના અવતાર છે. તેમને પૃથ્વી પર રહેલા દુરાચારી અને પાપી રાક્ષસોના નાશ માટે જન્મ લીધો છે. પરંતુ રામાયણ મહાકાવ્યમાં શ્રીરામ ક્યાંય ભગવાન તરીકે પ્રસ્તુત થયા નથી. ત્રણેયલોકમાં બ્રહ્માના વરદાનથી ઉદંડ બનેલો શિવભક્ત રાવણ આતંક મચાવે છે. ત્યારે વિષ્ણુ અવતારધારી શ્રીરામ તેનો વધ કરે છે અને પૃથ્વી ઉપર શાંતિ સ્થાપિત કરે છે.

‘शिव’ શબ્દનો શાબ્દિક અર્થ (૧) શુભ, કલ્યાણકારી (૨) સુખી, ભાગ્યશાળી, તંદુરસ્ત (૩) શંકર, શંભુ (૪) વેદ એવો થાય છે.(बृहत् कोश पृ. ४२१) આમ, शिव એટલે કલ્યાણ કરનાર દેવ છે. તેઓ આ જગતનું સર્જન અને વિસર્જન કરવા શક્તિમાન છે.

‘राम’ શબ્દનો શાબ્દિક અર્થ (૧) આનંદ આપનાર, (૨) સુંદર (૩) શ્યામ અને (૪) શ્વેત એવો થાય છે. ( बृहत् कोश पृ. ३५२) આમ, રામ સૃષ્ટિ ઉપરના જીવોને આનંદ આપનાર છે. રામ સમસ્ત જીવસૃષ્ટિ આનંદમય રીતે રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેનાર છે.

આ રીતે જોઈએ તો शिव જગતનું કલ્યાણ કરનારા છે. તો राम જગતને આનંદ આપનાર છે. આ शिव અને राम નું સુભગ સમન્વય એટલે રામાયણ. વાલ્મીકિ એ રામકથાના અનુસંનધાનમાં शिवतत्वને રજૂ કરીને તે બંને વચ્યે ઐક્ય સ્થાપિત કર્યું છે.

શિવ-ઉમાની રતિક્રીડા અને દેવતા દ્વારા રતિક્રીડામાંથી નિવૃત્તિનો પ્રયાસ:-

રામાયણના બાલકાંડમાં આવતા સર્ગ ૩૬માં રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રને પ્રશ્ન કરે છે કે –
त्रीन पथो हेतुना केन प्लावयेल्लोकपावनी |
कथं गङ्गा त्रीपथगा विश्रुता सरिदुतत्मा ||(वा.रा. १/३६/३)

અર્થાત્– “સંસારને પવિત્ર કરનારી ગંગા કયા કારણે ત્રણે લોકમાં પ્રવાહિત થઇ ? નદીઓમાં શ્રેષ્ઠ ગંગાજી ‘ત્રિપથગા’ નામે કઈ રીતે પ્રસિદ્ધ થયા?” આ પ્રશ્નના ઉત્તરમાં વિશ્વામિત્ર શિવ-ઉમાના લગ્નથી માંડીને ભગીરથ દ્વ્રારા ગંગાવતરણ સુધીની કથા કહે છે.

દેવાધિદેવ મહાદેવના લગ્ન ઉમા સાથે થયા બાદ તે બંને રતિક્રીડામાં સો વર્ષ સુધી પ્રવૃત્ત રહ્યા. પરંતુ બંનેને પુત્રની પ્રાપ્તિ ન થઇ તેથી દેવતાઓને ચિંતા થવા લાગી. તેઓએ મહાદેવ અને ઉમાને રતિક્રીડામાંથી અટકાવવા પ્રયાસ શરૂ કર્યા. દેવતાઓએ મહાદેવને તેજ(વીર્ય)ને પોતાનામાં જ ધારણ કરી રાખવા માટે જણાવ્યું. ત્યારબાદ મહાદેવમાંથી સ્ખલિત થયેલું તેજ(વીર્ય) પૃથ્વી ઉપર પડ્યું. પૃથ્વીથી શિવનું તેજ સહન ન થતા તેણે વાયુદેવને આપ્યું. વાયુદેવ પણ તેજને ધારણ કરવા સમર્થ ન હતા. તેથી તેમણે અગ્નિદેવને તેજ આપ્યું. અગ્નિદેવ પણ તે તેજથી બળવા લાગ્યા. ત્યારબાદ પૃથ્વીએ અગ્નિ અને વાયુની સહાયતાથી મહાદેવના તેજને ધારણ કરવાનો પ્રયાસ કર્યો. પૃથ્વી ઉપર રહેલું આ તેજ શ્વેત પર્વત સમાન બની રહ્યું. ત્યારપછી પ્રસન્ન થયેલા દેવોએ ભક્તિભાવ પૂર્વક મહાદેવનું પૂજન કર્યું. પરંતુ ઉમાની આંખો ક્રોધથી લાલ થવા લાગી. તે શિવના તેજને પોતાનામાં ધારણ કરીને પુત્રની ઉત્પન્ન કરવા માગતા હતા. પરંતુ દેવતાઓએ તેમાં વિઘ્ન નાખ્યું હોવાથી ઉમાદેવી તેમણે શાપ આપે છે કે “તમે તમારી પત્નીઓથી સંતાન ઉત્પન્ન કરવા યોગ્ય રહેશો નહી. આજથી તમારી પત્નીઓ સંતાન ઉત્પન્ન કરી શકશે નહી.”

अपत्यं स्वेषु दारेषु नोत्पादयितुमर्हसि |
अध्यप्रभृत युष्माकम्प्रजा: सन्तु पत्नय: ||(वा.रा. १/३६/२२)

પૃથ્વીએ શિવનું તેજ ધારણ કર્યું હોવાથી પૃથ્વીને પણ ઉમાએ શાપ આપ્યો કે –
अवने नैकरूपा वां बहुभार्या भार्या भविष्यसि || (वा.रा. १/३७/७)
અર્થાત્ – “ભૂમિ ! તારું એકરૂપ રહેશે નહી, તું પણ ઘણાની પત્ની બનીશ.”

દેવોએ બ્રહ્માજી પાસે જઈને મહાદેવના તેજ(વીર્ય)માંથી પુત્રની ઉત્પત્તિ થાય તે માટે ઉપાય બતાવવા પ્રાર્થના કરી ત્યારે બ્રહ્માજીએ હિમાલયની પુત્રી અને ઉમાના મોટા બહેન આકાશગંગાને શિવનું તેજ આપીને પુત્રની ઉત્પતિનો ઉપાય દર્શાવ્યો.
इयमाकशगङ्गा च यस्यां पुत्र हुताशनः | (वा.रा. १/३७/७)

દેવતાઓએ તે પ્રમાણે કર્યું, પરંતુ ગંગા શિવના તેજથી બનેલા ગર્ભને ધારણ કરવા અસમર્થ બને છે. ત્યારે અગ્નિદેવ તેને હિમાલયના પાછળના ભાગમાં ગર્ભને સ્થાપિત કરવા જણાવે છે. ત્યારબાદ ગંગા દ્વારા સ્થાપિત કરવામાં આવેલા ગર્ભમાંથી કાર્તિકેયનો જન્મ થાય છે.

ગંગાનું પૃથ્વી ઉપર અવતરણ:-

પિતૃઓના ઉદ્ધાર માટે ગંગાજીને પૃથ્વી ઉપર લાવવામાટે ભગીરથે બ્રહ્માજીની ઉપાસના કરી. ભગીરથની તપસ્યાથી પ્રસન્ન થયેલા બ્રહ્માએ ગંગાને પૃથ્વી ઉપર મોકલવાનું વચન આપ્યું. પરંતુ બ્રહ્માજી જણાવે છે –
गङ्गाया:पतनं राजन् पृथ्वी न सहिष्यते |
तां वै धारयितुं राजन् नान्यं पश्यामि शूलिन ||(वा.रा. १/४२/२४)
અર્થાત્ – “રાજા! ગંગાજીનો વેગ આ પૃથ્વી સહી નહીં શકે. ત્રિશૂળધારી ભગવાન શંકર સિવાય ગંગાજીને ધારણ કરી શકે એવો બીજો કોઈને હું જોતો નથી. ”ત્યારબાદ ભગીરથ ભગવાન શિવની તપસ્યા કરીને તેમને પ્રસન્ન કરે છે. શિવ ગંગાને પોતાના મસ્તક ઉપર ધારણ કરવાનું વચન આપે છે. ‘શંકરને પણ હું પાતાળ લઈને જતી રહીશ’ એવા અભિમાનથી પૃથ્વી ઉપર પડતી ગંગાને શિવજી મસ્તક ઉપર ધારણ કરીને જટામાં ગુંચવી નાખે છે.

नैव सा निर्गमं लेभे जटामण्डलमन्तत: |
तत्रैवाबभ्रामद् देवी संवत्सरगणान् बहून् ||(वा.रा. १/४३/९)
અર્થાત્ – “ભગવાન શિવની જટાઓમાં ગુંચવાયઈને એમને(ગંગાને) બહાર નીકળવાનો માર્ગ ન મળ્યો અને ઘણા વર્ષો સુધી તેઓ જટાજુટમાં અટવાઈને ભટકતા રહ્યા ” ત્યારબાદ મહાદેવ દ્વ્રારા બિંદુસરોવરમાં છોડવામાં આવેલા ગંગાજી ભગીરથની પાછળ પાછળ જાય છે. ભગીરથ શાપથી ભસ્મ થયેલા પિતૃઓના સ્થાનમાંથી પસાર થાય છે. તેથી તેમના પિતૃઓને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે.

વિશ્વામિત્ર દ્વારા શિવની તપસ્યા:-

વશિષ્ઠમુનિ સાથેના યુદ્ધમાં વિશ્વામિત્રના સો પુત્રો અને બધાજ સૈનિકોનો નાશ થયો. તેથી વશિષ્ઠમુનિ સાથે બદલો લેવાની મહેચ્છાથી વિશ્વામિત્ર શિવની આરાધના કરવા લાગ્યા.
स गत्वा हिमावत्पार्श्वे किनरोरगसेवितम् |
महादेव प्रसादार्थं तपस्तेपे महातपा: ||(वा.रा. १/५५/१२)
અર્થાત્ – હિમાલયના પાછળના ભાગમાં, જેનું નાગ અને કિન્નરો સેવન કરે છે ત્યાં જઈને મહાદેવજીને પ્રસન્ન કરવા માટે મહાતપસ્વી એવા એ (વિશ્વામિત્ર) તપ કરવા લાગ્યા.” મહાદેવ પ્રસન્ન થતા તેમની પાસેથી અમૂલ્ય અસ્ત્ર-શસ્ત્ર મેળવીને વિશ્વામિત્ર વશિષ્ઠમુનિ સાથે યુદ્ધ કરવા માટે જાય છે.

આમ, રામાયણ મહાકાવ્યમાં ભગવાન શિવ અંગે નિરૂપણ થયેલું છે. આ નિરૂપણથી જણાય છે કે શિવ આ સૃષ્ટિનું કલ્યાણ કરનાર દેવ છે. જે ભક્ત શિવની આરાધના કરે છે, તે મનોવાંછિત ફળ મેળવે છે. શિવ પોતાના ભક્ત ઉપર અનુકંપા રાખનારા છે. ભક્ત ઉપર આવી પડતી મુશ્કેલીઓને દૂર કરીને ભક્તનું તે કલ્યાણ કરનાર છે. જે શિવની ભક્તિ કરે છે. તે ભાગ્યશાળી બનીને સુખીજીવન પામે છે. શિવ ભક્તની ભક્તિથી શીઘ્ર પ્રસન્ન થનાર છે. પરંતુ શિવનો જ્યારે ક્રોધાગ્નિ જાગૃત થાય છે, ત્યારે તે જગતનો સર્વનાશ કરે છે. પ્રસન્ન થયેલા શિવ જગતને બચાવનાર છે. તો ક્રોધિષ્ઠ શિવ જગતનો નાશ કરનાર છે. આમ શિવ સર્જન અને વિસર્જનની શક્તિ ધરાવનાર દેવ છે.

રામ આ જગતના લોકોને આનંદ આપનાર છે. રામના વર્તન, વ્યવહાર અને વાણી લોકો માટે આદર્શરૂપ છે. રામના વ્યક્તિવને જોઇને મનુષ્યના હૃદયમાં આનંદના તરંગો ઉત્પન્ન થાય છે. રામે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રની પ્રજા આનંદદાયી રીતે રહે તે માટે વિતાવ્યું. તેમાં તેમને પોતાનો અંગત સ્વાર્થનો હંમેશા ત્યાગ કર્યો છે.

રામાયણમાં રતિક્રીડામાંથી નિવૃત્ત થવા માટે પ્રાર્થના કરતા દેવો ઉપર શિવ પ્રસન્ન થાય છે અને રતિક્રીડામાંથી નિવૃત્ત થાય છે. અહીં શિવ દેવો પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરતા જોવા મળે છે. તો વળી સૃષ્ટિના કલ્યાણ માટે પવિત્ર ગંગાને પૃથ્વી ઉપર લાવવા ઈચ્છતા ભગીરથના પ્રયાસમાં મહત્વની સહાયતા કરે છે. તેમજ પોતાના અંગત સ્વાર્થ માટે તપ કરતા વિશ્વામિત્રને અનેક શસ્ત્રાસ્ત્ર આપીને તેમની મનોકામના પૂર્ણ કરે છે. આમ, રામાયણ મહાકાવ્યમાં ભગવાન શિવ ભક્તવત્સલ તરીકે રજૂ થયા છે.

સંદર્ભ –:

  1. શ્રીમદ્દવાલ્મીકિ રામાયણ (પ્રથમ ખંડ, દ્વિતીય ખંડ), અનુવાદક – દ્વારકાદાસ ભટ્ટ, સંપાદક – જયેશ રાવલ, ગીતાપ્રેસ, ગોરખપુર
  2. સંસ્કૃત સાહિત્યમાં શ્રીરામ, પ્રધાન સંપાદક – ગૌતમ પટેલ, સંપાદક – વસંત પરીખ, સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  3. વાલ્મીકિ રામાયણ : ગુજરાતી અનુવાદ, અનુવાદ- નરહરિ શાસ્ત્રી, સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, મુંબઈ
  4. रामकथा- उत्पत्ति और विकास, फाधर कामिल बुल्के, प्रकाशक- हिन्दी परिषद् प्रकाशन
  5. वाल्मीकिरामायण, Generel Editor : RAMAKRISNA T. VYASH, Oriental Institute Vadodara (India)

ડૉ. દિલીપકુમાર ઝેડ. ચૌહાણ, અધ્યાપક સહાયક, સંસ્કૃત વિભાગ, શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ઝાલોદ, જિ: દાહોદ. મો. : ૯૭૨૭૭ ૮૬૨૭૭ Email : dilipchauhan277@gmail.com