Download this page in

મહીપતરામ રૂપરામ નીલકંઠનું જીવન

સારાંશ:

ગુજરાતી સાહિત્યમાં ઈ.સ. ૧૮૫૩થી આજ પર્યંત અર્વાચીનયુગ તરીકે જેની ઓળખ થઈ છે તે અનેક નવપ્રસ્થાપનોનો યુગ હતો. અનેક ચહલપહલ અને ફેરફારો આ સમયગાળામાં ઉદ્દભવે છે, તેની પાછળ અનેક પરિબળો જવાબદાર હતાં. મુગલો પાસેથી સત્તા નવાબોના હાથમાં આવે છે અને નવાબોના હાથમાંથી અંગ્રેજોના હાથમાં જાય છે. સત્તાનું આ પરિવર્તન અનેક સુધારાઓને અવકાશ આપે છે. પ્રજા જે ભયમાં જીવતી હતી તે દૂર કરી પ્રજાનો વિશ્વાસ જીતી સુશાસન સ્થાપી, કેટલીક સુખ – સગવડો સ્થાપવાનું કામ અંગ્રેજો દ્વારા કરવામાં આવે છે. રેલ્વે, તાર-ટપાલ, મુદ્રણની સાથે પશ્ચિમની શિક્ષણ પધ્ધતિ દાખલ કરવામાં આવે છે. શાળા કૉલેજ, યુનિવર્સિટીની સ્થાપના કરી અંગ્રેજોએ પોતાના વેપારની સાથે-સાથે શાસન પણ જમાવ્યું. આ સાથે સંસાર સુધારાનો દોર આરંભાય છે. દુર્ગારામ, નર્મદ, દલપતરામ, નવલરામ, મહીપતરામ, કરસનદાસ મૂળજી જેવા અનેક સર્જકો સુધારાની પ્રવૃતિમાં જોડાય છે. લોકોમાં વ્યાપ્ત અજ્ઞાન, અંધશ્રધ્ધા, ભય, વહેમ, કુરિવાજો, જ્ઞાતિબંધનો જેવા દુષણો સામે સુધારો આરંભે છે. ખરા અર્થમાં લોકજાગૃતિનો ઉદય થાય છે. અર્વાચીનયુગમાં પારસીઓએ ઘણો મોટો ફાળો આપ્યો છે. પારસીઓના કાર્યનો પણ ઊંડાણપૂર્વકનો અભ્યાસ થયો નથી તેવી રીતે સુધારકયુગમાં જે ગૌણ સર્જકો છે તેમનો પણ અભ્યાસ થયો નથી. સુંદરમે ‘અર્વાચીન કવિતા’ માં આવા ગૌણ કવિઓનો નિર્દેશ કર્યો છે પરંતુ ગૌણ સર્જકોનો ઊંડાણથી અભ્યાસ થયો નથી. આથી, અહીં મહીપતરામને કેન્દ્રમાં રાખી તેમના સાહિત્યિક સંશોધન ક્ષેત્રે કરેલા પ્રદાનને મૂલવવાનો પ્રયત્ન કર્યો છે.

મહીપતરામનું જીવન :

મહીપતરામે સાહિત્યિક સંશોધન ક્ષેત્રે આપેલા પ્રદાનને મૂલવવાનો પ્રયત્ન અહીં કરવામાં આવ્યો છે. સુધારકયુગના સર્જકોના સાહિત્ય સર્જન વિશે ઘણા સંશોધનો થયાં છે. પરંતુ સંશોધન વિશે ખૂબ ઓછું સંશોધન થયેલું જણાય છે. એમાં પણ નર્મદ, દલપત અને નવલરામ જેવા મુખ્યધારાના સર્જકો વિશે અનેક સંશોધનો થયાં છે પરંતુ ગૌણ સર્જકોના સાહિત્ય પ્રત્યે ખૂબ જ ઓછા અભ્યાસીઓનું ધ્યાન ગયું છે. ગુજરાતી સાહિત્યના ઈતિહાસો તેમજ કેટલાંક આધારભૂત ગણાતાં પુસ્તકો તપાસતા આ વાતની પ્રતીતિ થયા વિના રહેતી નથી.

કેળવણીકાર, સુધારક, નવલકથાકાર, ચરિત્રકાર એવા મહીપતરામનો જન્મ સંવત –૧૮૮૬ એટલે કે ઈ.સ. ૧૮૨૯ની ૩જી ડિસેમ્બરે સુરતમાં થયો હતો. તેઓ જ્ઞાતે વડનગરા નાગર ગૃહસ્થ. તેમના પિતાનું નામ રૂપરામ ઉમીયાશંકર નીલકંઠ હતું. તેમના માતૃશ્રીનું નામ ગિરિજાગૌરી હતું. રૂપરામના વડીલોની સ્થિતિ સારી હતી, પરંતુ રૂપરામની સ્થિતિ એવી સારી નહોતી. અત્યારના સમયમાં પુત્ર-જન્મની જેવી ઘેલછા છે તેવું જ એ સમયમાં પણ હતું. મહીપતરામના જન્મથી ઘર-પરિવારમાં ઘણો જ આનંદ અને ઉલ્લાસ હતો.

મહીપતરામના જીવનમાં માતાનું સુખ બહુ લાંબો સમય મળ્યું નહીં. તેઓ દોઢ વર્ષના હતાં એ જ વખતે તેમના માતા અવસાન પામ્યાં. એ સમયમાં બાળલગ્ન થતાં હતાં. મહીપતરામ ખુદ આ કુરિવાજનો ભોગ બન્યાં હતાં.

મહીપતરામ બાળલગ્નના વિરોધી હતાં પરંતુ તેમના લગ્ન પણ બાળપણમાં જ થયાં હતાં. તેમણે પોતે જ કહ્યું છે કે, ‘‘ એ સમયે મારી વય છ વરસની અને મારી પત્નીની વય પાંચ વરસની હતી. પરણવું એટલે શું તે અમે બહુ સમજતા નહીં.’’ તેમનું સગપણ સુરતના વીર પુરુષ નાગર ગૃહસ્થ સાહેબરાયની સૌથી નાની પુત્રી પાર્વતીકુંવર સાથે કરવામાં આવ્યું હતું.

મહીપતરામની ઉંમર સાત વરસની થઈ એટલે નિશાળે ભણવા મૂક્યાં. ત્યારની નિશાળો ગામઠી કહેવાતી. એ નિશાળોમાં મહેતાજી ભણાવતાં. કોઈ ખુલ્લી જગ્યાએ કે કોઈ ઘરની ઓસરીમાં મહેતાજી બધાને લઈને બેસતા. નિશાળમાં ભણવાની ફી નહોતી પરંતુ વાર-તહેવારે મહેતાજીને દાણો-પાણી અપાતા એ જ એમનું મહેનતાણું ગણાતું. મહેતાજી એકેએક મહોલ્લે ફરતાં ને દરેક વિદ્યાર્થીનું નામ ઊંચા સ્વરે બોલી ‘આવ્યો કે’ એવી બૂમ પાડતા. આ અવાજથી જ નિશાળિયાઓ પોતપોતાના ઘરમાં જ બેઠા થઈ જતાં.

સત્તરમી સદીમાં થઈ ગયેલા ગુજરાતના કવિ નાકરે ચંદ્રહાસ આખ્યાન લખ્યું હતું. તેમાં ચંદ્રહાસના ગુરુએ એને જે ઢબની બારાક્ષરી શીખવી હતી તે જ ઢબથી મહીપતરામના સમયમાં પણ શીખવાતી. આમ કહી શકાય કે જે જૂની ઘરેડ પડી હતી તે અનુસરાતી હતી. બ્રિટિશ સરકારના કેળવણી ખાતામાં શિક્ષાગુરુની યશસ્વી પદવી મેળવનાર મહીપતરામનો વિદ્યારંભ આ પ્રકારનો હતો.

ગુજરાતી બાળ કેળવણી પૂર્ણ કર્યા બાદ મહીપતરામ આગળના અભ્યાસ માટે ગુજરાતી નિશાળમાં દાખલ થયાં. એ સમયમાં અંગ્રેજ સરકાર તરફથી સુરતમાં બે શાળાઓ સ્થાપવામાં આવી હતી. ગોપીપુરામાં મુખ્ય ગુરુ પ્રાણશંકર મહેતા અને હરિપુરામાં દુર્ગારામ મહેતાજી. પ્રાણશંકર મહેતાને સાહિત્યમાં રસ હતો અને દુર્ગારામ મહેતાને ગણિત, ખગોળ, ભૂગોળ, વિજ્ઞાનમાં રસ હતો. આથી પ્રાણશંકરની નિશાળના વિદ્યાર્થીઓ સાહિત્યના વિષયમાં પ્રવીણ બન્યા અને દુર્ગારામના વિદ્યાર્થીઓ ગણિત, ભૂગોળ જેવા વિષયમાં પ્રવીણ થયાં.

મહીપતરામ એ ગોપીપુરામાં પ્રાણશંકરની નિશાળમાં દાખલ થયાં હતાં એટલે સામાન્ય રીતે તેમનું મન સાહિત્ય તરફ વળેલું. આમ, કહી શકાય કે મહીપતરામમાં ત્યાંથી જ સાહિત્યના બીજ રોપાયાં. મહીપતરામ પ્રાણશંકરના શિષ્ય હતા ખરા પરંતુ દુર્ગારામની સાંસારિક, ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં રસ પડેલો. દુર્ગારામ સમાજ સુધારા અંગેના જે ભાષણો કરતાં તે સાંભળવા જતાં. આમ જાણતાં-અજાણતાં જ આટલી નાની ઉંમરમાં મહીપતરામમાં સંસાર સુધારા અને સમાજ સુધારાના બીજ રોપાયા.

આમ કહી શકાય કે મહીપતરામના ઘડતરમાં પ્રાણશંકર મહેતા અને દુર્ગારામ મહેતા જેવા શિક્ષકોનો ઘણો મોટો ફાળો રહેલો હતો.

અંગ્રેજ સરકારે ૧૮૨૬માં શાળાઓ સ્થાપીને શિક્ષણનો આરંભ કરેલો. ત્યારબાદ સોળ વર્ષ પછી ૧૮૪૨માં અંગ્રેજી શાળાઓ સ્થપાઈ. આમ, મહીપતરામ માટે ગુજરાતી કેળવણી મેળવ્યા બાદ અંગ્રેજી કેળવણી મેળવવાની તક સામે જ ઉભી હતી.

આગળના અભ્યાસ માટે તેઓ મુંબઈમાં રહેતા હતાં. રાંધવા ખાવાની અગવડ ના પડે તે માટે પાર્વતીકુવંરને પણ સાથે લઈ ગયાં હતાં. બન્નેની ઉંમર ઘણી મોટી થઈ હતી તેમ છતાં સંતાન પ્રાપ્તિ ન હોતી. આજુબાજુમાં રહેતી સ્ત્રીઓએ એક બ્રાહ્મણનું મંત્રેલું પાણી પીવાનો આગ્રહ કર્યો પરંતુ પાર્વતીકુંવર એકના બે ના થયાં, આવા ખોટા વહેમો પર તેમને શ્રધ્ધા ન હોતી. અને આવા વહેમોથી દૂર રહ્યાં ને એ જ વર્ષે તેમને પુત્ર સાંપડ્યો, પરંતુ એ પુત્ર ઝાઝું જીવ્યો નહીં. એ પછી અનુભાઈનો જન્મ થયો. બીજા પુત્રનો જન્મ થયો તે ગુણાભાઈ અને ત્રીજો પુત્ર તે રમણભાઈ કે જેમણે પિતાના અવસાન પછી સઘળી જવાબદારી નિભાવી હતી.

મહીપતરામ બાળલગ્ન વિરુધ્ધ હતાં. આથી તેમણે તેમના બાળકોના લગ્ન બાળવયમાં કર્યા નહતાં. કારણ કે તેઓ માનતા કે ‘‘ પોતાનું લગ્ન બાળવયમાં થયું તે માટે પોતે જવાબદાર ન હોતા પરંતુ જો પોતાના બાળકોના લગ્ન બાળપણમાં થાય તો તે માટે પોતે જવાબદાર ગણાય.’’

મહીપતરામ સ્ત્રીકેળવણીના હિમાયતી પણ હતાં. ઈ.સ. ૧૮૭૫માં જેષ્ઠ પુત્ર અનુભાઈનું લગ્ન શણગાર સાથે કર્યું. તે પુત્રવધુને પોતાના ઘરે લાવ્યા પછી અંગ્રેજીનો અભ્યાસ કરાવ્યો. ત્યારબાદ ઈ.સ. ૧૮૯૦માં રમણભાઈના લગ્ન પોતાના મિત્ર ભોળાનાથની દીકરી બાળાગૌરીની સૌથી મોટી દીકરી વિદ્યાગૌરી સાથે કરાવ્યાં. વિદ્યાગૌરી એ પણ અંગ્રેજીનો અભ્યાસ કરીને બી.એ.ની ઉપાધિ મેળવી હતી. અને ગુજરાતના પ્રથમ મહિલા સ્નાતક બન્યાં હતાં. આમ, મહીપતરામે પોતાનું કુટુંબ સંસ્કારી બનાવ્યું હતું.

મહીપતરામના જીવનનું ઉથલ-પાથલનું વર્ષ એ તો સન ૧૮૬૦ કે જ્યારે તેમણે વિદેશગમન કર્યું. મહીપતરામ ગુજરાતના પ્રથમ વ્યક્તિ હતાં કે જેમણે વિદેશની ધરતી પર પગ મૂક્યો હતો. વિદેશમાં જવું એ પાપ ગણાતું હતું, ન્યાત બહાર જવું પડતું હતું આ બધું જાણતા હોવા છતાં વિદેશગમન કરવાં માટે મન મક્કમ રાખ્યું. તેઓ માનતા કે ‘‘વિલાયત જવા માટે ન્યાત બહાર રહેવું એમાં આબરૂ છે, ને તેથી પડતાં સંકટ અને અપમાન સહન કરવા એમાં પણ સુખ અને વ્હાણ છે.’’ વિદેશ જવાનું બીડું ઝડપવું એ બહુ મોટી વાત હતી. આવું હિમ્મતવાન પગલું ભરતા અમદાવાદના સરદાર ભોળાનાથે તેમને ‘હિમ્મત બહાદૂર’ નો ઈલ્કાબ આપ્યો હતો.

આમ, સમાજ અને સગા વહાલાંઓનો વિરોધ હોવા છતાં મહીપતરામ ૨૭ મી માર્ચ ૧૮૬૦ની રાત્રીના સાડા નવ વાગ્યે વિલાયત જવા નીકળ્યાં. ઇંગ્લેન્ડ જઈ ત્યાં બાળકોને કેવી જાતનું શિક્ષણ આપાય છે, તથા કયા-કયા વિષયો શીખવવામાં આવે છે, શિક્ષણ પધ્ધતિ કેવા પ્રકારની છે? આ બધાનો અનુભવ એક વર્ષમાં લઈને ૧૮૬૧ના એપ્રિલ માસમાં મુંબઈ પરત આવ્યાં.

મહીપતરામે સમુદ્રગમન કર્યું ત્યારે કવિ દલપતરામે એક ઉક્તિ ગાઈ હતી કે,
‘‘નાગર નર હારે નહીં, હારે હોય હજામ,
કહેવત તે સાચી કરી, રાખી મહીપતરામ ‘‘

તે જ રીતે વિલાયતથી પાછા ફર્યા ત્યારે પણ દલપતરામે પ્રશંસા કરી છે કે
‘‘ મોટું એણે કીધું કામ, મોટે દેશે મોટું માન,
મોટા મોટા મહિપતિ, મહીપતરામને ‘‘

આમ, મહીપતરામનું વિદેશ જવું અમુક લોકોએ બિરદાવ્યું તો કોઈએ વિરોધ કર્યો. ત્યારે કહેવાતું કે કોઈ સાધારણ ગુનો હોય તો તેનું પ્રાયશ્ચિત હોય, પરંતુ સમુદ્રગમન એ તો મહાપાતક એટલે એનું પ્રાયશ્ચિત હોઈ શકે જ નહીં. આમ, આ સમય મહીપતરામ માટે ખૂબ જ કટોકટીનો સમય હતો. અંતે તેમની પાસે દેહશુધ્ધિ પ્રાયશ્ચિત કરાવ્યું, રૂ.૧૫૦૦ બ્રાહ્મણોના ગોદાનમાં આપ્યાં. આ પ્રમાણે સાત વરસ પછી સુરતની નાગરી ન્યાતે તેમને ન્યાતમાં દાખલ કર્યાં. આખરે ૧૮૭૧-૭૨માં ન્યાત સાથેના આ ઝઘડાનો અંત આવ્યો.

૧ એપ્રિલ ૧૮૬૨ના રોજ તેઓ અમદાવાદ ખાતે પુરુષશિક્ષણ પધ્ધતિના મુખ્ય અધ્યાપક તરીકે નિમાયાં. આ પહેલાં તેમણે અંગ્રેજી નિશાળોમાં માસ્તર તરીકે, હાઈસ્કૂલમાં હેડમાસ્તર તરીકે કે ડેપ્યુટી ઈન્સ્પેકટર તરીકે કામ કર્યું હતું. તેમણે આ જ વર્ષે ‘‘ગુજરાત શાળાપત્ર’’ નામનું સામયિક શરૂ કર્યું. આ સામયિક શરૂ કરવા પાછળનો તેમનો હેતુ જે શિક્ષકોને પ્રત્યક્ષ લાભ નથી મળતો તેમને પરોક્ષ રીતે સામયિક દ્વારા લાભ કરી આપવાનો હતો. કોઈપણ નવો વિચાર જે તેમના મનમાં સ્ફૂરે તેને વહેતો કરવો એ એમની પ્રકૃતિ હતી. મહીપતરામે ‘પરહેજગાર’, ‘રાસ્તગોફતા૨ ’ , ‘સત્યપ્રકાશ’, ‘ગુજરાત શાળાપત્ર’, ‘જ્ઞાનસુધા’ જેવા સામયિકોનું તંત્રીપદ શોભાવ્યું હતું. આમ, તેમણે પત્રકાર તરીકેનું કામ ખૂબ જ સરસ રીતે નિભાવ્યું.

મહીપતરામ કોઈપણ કામ ખૂબ જ ખંતથી, હોંશથી , લગનથી કરતાં. તેઓ સત્યવાદી હતાં. પોતાને જે બાબત સાચી લાગતી તે પર વિચારો દર્શાવતા સામેના પક્ષને ખોટું લાગશે એવી બીક રાખતા નહીં.

મહીપતરામના સાંસારિક ધાર્મિક વિચારો ઉપર દુર્ગારામ મહેતાજીનો પ્રભાવ જોવા મળે છે. આમ, તેમણે ‘દુર્ગારામ ચરિત્ર’ આપ્યું છે જેમાં પોતે વીસ જ પાના લખ્યાં છે ને દુર્ગારામના કરેલા ભાષણોને સંગ્રહયાં છે.

મહીપતરામ દેખાવે આકર્ષક લાગે તેવા ન હોતા. ‘‘શરીરના બાંધાએ ઠીંગણા, આંખો નબળી, હિમ પડ્યાથી વસ્તુ હિમાઈ જાય તેવું એમનું હિમાયેલું શરીર, ખેતર લણ્યા પછી તેમાં સાઠા ઊભાં રહેલા દેખાય તેવા ઊભા ને બરછટ વાળ, પહેરવેશ ઘણો સાદો, ઘરમાંથી બહાર જાય ત્યારે પાટલૂન પહેરતા, પાટલૂનની કરચલીઓ ઘૂંટી આગળ વળેલી રહે એટલી મોટી, ડગલો પણ ઝભ્ભા જેવો, માથે પાઘડી પહેરતાં, રંગે ઘઉંર્ણા ને દેખાવ કંઈ વાંદરા જેવો લોકોને લાગતો, વળી વિલાયત જઈને આવેલા આથી લોકો ‘‘વિલાયતી વાંદરુ’’ ના ઉપનામે ઓળખતાં.’’

મહીપતરામ આનંદી સ્વભાવના હતાં. તેઓ પરગજુ હતાં. લૂલાં, લંગળાં, આંધળા, અપંગો, અનાથો પ્રત્યે ઘણી દયા દાખવતાં. વિધવાઓના રખડતાં મુકાયેલા બાળકોને ઉછેરી મોટાં કરી કામ-કાજ શીખવાડી ધંધે વળગાડવા આવું કરવાનું તેમને યોગ્ય લાગ્યું અને આથી તેમની યાદગીરી રૂપે અમદાવાદમાં તેમનાં શિષ્ય લાલશંકર ઉમિયાશંકરે ‘‘મહીપતરામ રૂપરામ આશ્રમ’’ ની સ્થાપના ઈ.સ. ૧૮૯૨માં કરી. સંશોધકે આ સંસ્થાના સંચાલક વિનયભાઈ પંડિતને ટેલિફોન દ્વારા સંસ્થાની મુલાકાતની પરવાનગી લીધી અને તા.૧૨/૦૩/૨૦૧૬ના રોજ આશ્રમની મુલાકાત લેતા જાણવા મળ્યું કે , આ સંસ્થા ૧૫૦ વર્ષ પછી પણ અનાથો માટે કાર્યરત છે. દીકરીઓ ને ત્યાં આશ્રય આપવામાં આવે છે, ભણાવવામાં આવે છે, નોકરીએ લગાડવામાં આવે છે અને આ જ આશ્રમ તરફથી તેમના લગ્ન કરીને વિદાય આપવામાં આવે છે. આમ મહીપતરામની જે ઈચ્છા હતી તે આજે તેમની યાદગીરી રૂપે સ્થપાયેલા આ આશ્રમ દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે. મહીપતરામ બીમારીને કારણે ૩૦મી મે ૧૮૯૧ની સવારે દેહાવસાન પામે છે.

સંદર્ભ

  1. મહીપતરામ ગ્રંથાવલિ, ખંડ-૧, શુકલ રમેશ મ., ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પ્ર. આવૃત્તિ – ૨૦૧૧.
  2. મહીપતરામચરિત્ર, મહેતા ભાનુસુખરામ, પ્ર. આવૃત્તિ – ૧૯૨૯.
  3. અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા, ઠાકર ધીરૂભાઈ, પાંચમી આવૃત્તિ – જુલાઈ ૨૦૧૧.
  4. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ગ્રંથ, ભો જે. વિદ્યાભવન, અમદાવાદ.
  5. ગુજરાતી સાહિત્યકોશ, ખંડ-૨, ગુ.સા.પરિષદ, ૧૯૯૦.
  6. અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન ખંડ-૧ થી ૩, પારેખ હીરાલાલ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અમદાવાદ, ૧૮૩૫.
  7. ગ્રંથ અને ગ્રંથકાર ૧ થી ૧૦ ભાગ, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ. પ્ર. આવૃત્તિ ૧૯૫૨.
  8. સાઠીના સાહિત્યનું દિગ્દર્શન, દેરાસરી ડાહ્યાભાઈ.
  9. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ખંડ -૩, ગુ.સા.પરિષદ, અમદાવાદ.
  10. એકલો જાને રે..... ગુજરાતના નીલકંઠ પરિવારની કથા, પરીખ શૈલજા કાલેલકર, અક્ષરા પ્રકાશન, અમદાવાદ, ૨૦૧૩.

કૃપલ મેકવાન,અધ્યાપક સહાયક, સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિર, નડિયાદ.