Download this page in

‘કંઈક/કશુંક અથવા તો...’ : આધ્યાત્મ દિશાનો ઉઘાડ

કવિ સંજુ વાળાનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘કંઈક/કશુંક અથવા તો..’ ઇ.સ.૧૯૯૦ના એપ્રિલ માસમાં પ્રગટ થયો હતો. ગુજરાત રાજ્યની આર્થિક સહાયથી પ્રકાશિત (ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર) પુસ્તકનું આવરણ મહેન્દ્ર પરમાર દ્વારા તૈયાર થયું છે. કવિ જાતે જ તેના પ્રકાશક તરીકે તથા મુદ્રણસજ્જા સરૂપ મુદ્રિકા દ્વારા થયું છે. કાવ્યસંગ્રહમાં ગીત તેમજ ગઝલોની રચના ભાવકોનું ધ્યાન ખેચે એ પ્રકારની કવિની રચના છે. કાવ્યસંગ્રહમાં બે ભાગ પડે છે, તેમાં ગીત અને ગઝલ, જેમાં પાંત્રીસ જેટલાં ગીતો અને છત્રીસ જેટલી ગઝલોનો સમાવેશ કરેલો છે, તેમનું સીધી જ રીતે જોડાણ કરેલું નથી. પરંતુ ગીત અને ગઝલ વચ્ચેની ભેદરેખારૂપે આ આયોજના નોંધપાત્ર બની રહે છે. બે શીર્ષક વિનાની પંક્તિઓ મુકાયેલી છે તેમાં એક પાન પર ગીત તેમજ બીજા પાન પર ગઝલનો શેર છે. ગીતની શીર્ષક વગરની પંક્તિઓ જોઈએ :
‘આઘેથી ભાળેલી લાલપીળી ભ્રમણાઓ
પાસે જઈએ તો પારદર્શક
એવા ઉઘાડ જેવા તો નેજવાના ભેદ
કરો ચર્ચા કે લોહીઝાણ રકઝક’ પૃ.૪૨

ઉપર્યુક્ત પંક્તિઓમાં માયાની ભ્રામક સ્થિતિ ભ્રમમાં સહુ લાલપીળા રંગનું જણાય,જ્યારે સાવ પાસે જતાં પારદર્શક / જીવનનો ઉઘાડ નેજવા જેવો છે તેને સમજ્યા પછી ભલે ચચા કે હિંસક બોલચાલ થાય તેમજ જીવનની આ પરિસ્થિતિનો ચિતાર આ પંક્તિમાથી મળે છે. તેમજ બીજા પેજ પર શીર્ષક વગરની ગઝલનો શેર મૂકાયેલો છે.તે શેરમાં જેમ જેમ દૃશ્ય પાસે આવે છે,તેમ આંખ બારણાં બની તેને આવકારે છે. જેમ બારણાંમાં પ્રવેશી સમાઈ જવાય તેમ દૃશ્યો સમાય-સચવાય છે. ત્યારબાદ ગઝલ વિભાગની શરૂઆત થાય છે :
‘અચાનક બધા દૃશ્ય ઉડીને આવે કને
અને આંખનુ બારણામાં રૂપાંતર થતું’ પૃ.૪૩

આધુનિકોત્તર કવિતામાં મહત્વનું લક્ષણ પરંપરાને સાથે લઈને ચાલવું,તેમાં પણ ભજન પરંપરામાંથી આવનાર કવિ સંજુ વાળાના આ કાવ્યસંગ્રહમાં અસ્તિત્વ,જીવન, સાંપ્રત ઘટનાઓ, સ્ત્રી સંવેદન તેમજ આધ્યાત્મની અસરપણ રચનાઓમાં ધ્યાન આકર્ષે તેવી છે. તેમના અરૂઢ ગીત અને ગઝલો કંઈક નવું જ પરિણામ રચે છે.તે પ્રસ્તુત કાવ્યસંગ્રહમાંથી પમાય છે.‘કંઈક /કશુંક અથવા તો...’ કાવ્યસંગ્રહની શરૂઆત કવિ સંજુ વાળા ‘સખીરી કાવ્યગુચ્છ’ માંથી સાતમી રચનાની પંક્તિ દ્વારા ગીત-ગઝલસંગ્રહની શરૂઆતમાં આછેરો ઉઘાડ આપે છે :
‘સખીરી, ભૂરા-તૂરા-આછેરા ઝબકારા વચ્ચે અનુભવેલું ગામ’ પૃ.૫

આધ્યાત્મની અસર તેમને બાળપણથી અનુભવવા લાગેલી અને તેમણે તેના કારણે લય અને રાગને એટલા માણેલા કે તેઓ રચનામાં કઈ પણ કરવા જાય છતા આધ્યાત્મનો ભાવ તેમાં ઉતરી આવતો. આ કવિની સાહજિકવૃતિ તેમણે આધ્યાત્મિકતાનો માણેલો કાળ તેમણને મદદરૂપ થયેલો. તેમની રચનામાં સામાન્ય રીતે જોઈએ તો અસ્તિત્વ, જીવન વગેરેનું સંવેદન તો દેખાશે પણ આધ્યાત્મિક ભાવનું સંવેદન સવિશેષ જોવા મળે છે :
‘રાસબરીના નીતર્યા છાયે
બેસતાં લાધે જાંબલી અભિજ્ઞાન
જ્ઞાન કબૂતર-જ્ઞાન કવિતા
જ્ઞાન ચોર્યાસી માળનું હો મકાન
જ્ઞાન પડીકું ખૂલશે પછી
જાંબલી ટશર ફૂટશે રે કાંઈ કાનની બૂટ’ પૃ.૯
***
‘ઓળખને નામે ચિહ્ન હતું ત્યાં મૂક્યું મોટું મીંડું
તે દિવસથી પાડવા લાગ્યું મારાપણામાં છીંડું
હું અહીંથી ત્યાં આવું પણ
તું પણે નો પણે...મને પરાયો ગણે !’ પૃ.૧૯

‘એક ઝાલું ત્યાં...’ ગીતરચનામાં કલ્પનો ઉત્તમ છે. જ્ઞાનમાર્ગની અસર અસ્તિત્વના વિવિધપાસા સાથે જોડે છે. કબૂતર એટલે પ્રણય, કવિતા એટલે શોખ તેમજ ચોર્યાસી માળ એટલે અવતાર. આ બધુ જ્ઞાનમાર્ગી બન્યું છે તેવું અહી અનુભવાય. એ જ રીતે ‘મારામાંથી છટકીને...’ ગીતરચનામાં પરમતત્વને પામવાની મથામણના હાર્દરૂપે આ ગીતરચનામાં પરમતત્વને પામવાની મથામણની સાથે સાથે ‘હું પદ’ની ઓળખને ભૂલાવી પરમને પામવા જવું, પોતે ગતિ કરવા પ્રયત્ન કરે છે પણ ઈશ્વર(પરમતત્વ)ને ત્યાં જ તેને પામવાથી બાહ્યપણું અનુભવે છે :
‘સખિયન ! મેઘાડમ્બર
સખિયન ! રે નીલામ્બર
સખિયન ! ફાટ ફાટ ગોરમ્ભો તૂટે
સખિયન ! અંત:કરણથી ધોધ વછૂટે
સખિયન ! થડાકારા જિલાય વખમ્ભર’ પૃ.૨૩

પ્રસ્તુત કાવ્યરચના ‘પ્રથમ વરસાદ’માં જોતાં લાગે કાંતો આ પ્રણયનું હશે અથવા તો પ્રકૃતિનું હશે પણ તેને સૂક્ષ્મ દૃષ્ટિએ નિરખીએ તો તેમાં આધ્યાત્મની ભાવાનુભૂતિ થાય છે. વરસાદનું રવાનુકારી શબ્દોથી ચિત્ર ખડું થાય છે પણ સાથે સાથે આધ્યાત્મ ચેતનાનો વરસાદ પણ હોય શકે એમ કહી શકાય, તેમાં વજ્ર ભાષાના શબ્દોના આધારે ગીત આકર્ષિત લાગે છે અને ભક્તિમય વાતાવરણમાં તરબોળ કરે છે. કવિ સંજુ વાળા ‘કવિતા નામે સંજીવની’ કાવ્યસંગ્રહમાં આધ્યાત્મભાવને કેન્દ્રમાં મૂકી પોતાની કેફિયત આપે છે કે, ‘થોડું ભણવાનું થયું એ પણ વાણિજ્ય વિષયમાં પરંતુ બચપણથી જ પરંપરિત વાણીનો મને લાભ મળ્યો અને એના કારણે મારા કાન લય સાંભળતા થયા, શબ્દને સમજવાની મારામાં ક્યાંક સૂક્ષ્મસ્તરે જરૂરિયાત ઊભી થઇ હશે એ કારણે શબ્દ સાથે કામ પાડતો થયો. એટલે શાસ્ત્રોક્ત રીતિએ મારા વિચારમાં ક્યાંક દ્વિધા ઊભી થાય એ શક્ય છે’ પ્રસ્તુત રચનામાં જીવરૂપ કુંજડીની આંખમાં દિવ્યતાની સૂક્ષ્મ દૃષ્ટિ (ઝીણું જોયું) પામી સંસારી માયાનું આભા ખોઈ સૂક્ષ્મ તરફ ગતિ કરે છે સાથે સાથે સાંસારિક માયાના ઉજ્જડ ખેતરમાં જીવની હળવાશરૂપી પીછાનો ગઢ ખડકાયો તે ‘છેલ બટાઉ કુંજમનનું ગીત’ રચનામાં અનુભવાય છે :
‘કુંજડીની આંખોમાં ફૂટી રે પાંખો કે
ઝીણું ઝબ્બાક કાંઈક જોયું...
જોયું રે...જોયું રે...એવું તે જોયું કે
આખ્ખુએ આભા એને ખોયું...
ઝીણું ઝબ્બાક કાંઈક જોયું...’
*
‘આવ ઉજ્જડ ડાંગરના ખેતરમાં ખડકાતો લીચ્છાનો ગઢ
હે...ઇ પિચ્છાંનો ખડકાતો ગઢ’ પૃ.૨૭

પ્રસ્તુત ગઝલરચના ‘દિગ્વિજય’માં આધ્યાત્મિકભાવનું સૂચન છે. માનવીયજીવનની ક્ષણભંગુર દશાનું સૂચન (ગૂઢદર્શન) મૂક્યું છે. માટીપગા માનવીનો આકાર ધારેલો માનવીનો ચહેરો (વાસ્તવિકતા) રાખ જેવી (નાશવંત) છે. એ જ એનો સાચો પરિચય છે. અને બીજા શેરમાં કંઈક અલગ જ રીતે આધ્યાત્મભાવનું સૂચન છે. જેમાં દિગ્વિજય (સિદ્ધિઓ પામી) થઈ જ્યારે જ્ઞાનતંતુ (ચૈતન્ય) માં તેનો સાક્ષાત્કાર થાય ત્યારે આ બધુ કઈ ન હોવાનું (ક્ષણભંગુર) જ્ઞાન આત્મતત્વમાંથી લાધે છે તેનો પરિચય આપણને ગઝલના આ શેર દ્વારા પ્રાપ્ત થાય છે:
‘માટીપગા આકારને ચેહરા જુઓ તો રાખનાં
વિશેષ એથી કોઈપણ ના હો પરિચય આપણો’
*
‘-કે જ્ઞાન તંતુમાં સબાકો થાય’ને ‘આ દિગ્વિજય
પણ કંઇ નથી’- નો છેક ઊંડાણથી ઊઠે ઊભરો’ પૃ.૫૦

કવિની ઝીણવટપૂર્વકની દૃષ્ટિ ‘ઊંડાણ કોણ ખોતરે’ ગઝલરચનામાં ગૂઢતા અને સત્યતાની તરફ લઈ જતી આધ્યાત્મિક રચના બને છે. આ ગઝલના શેરમાં મોરપીચ્છમાં અનેક રંગો-ઝાંય રહેલા છે. તે જ રીતે મોરપીચ્છ જેવુ દૈવીતત્વ પણ ગૂઢ છે તે પણ ટહુકા જેયું અદૃષ્ટ છતાં સ્પષ્ટ છે. તેમજ સત્યને સમજવાની ચર્ચાને ન્હોર(ધારદારપણું) જરૂરી છે. તો જ તેથી પડતર બનાવ (સ્થૂળજીવન) નું ઊંડાણ ખોતરી સત્યને લાધી શકે તેની અહી વાત છે :
‘હું મોરપીચ્છનું કરું કેવી રીતે પૃથક્કરણ
પ્રત્યેક રંગ આંખથી ટહુકા બનીને નીતરે
ચર્ચાને તીક્ષ્ણ ન્હોર હોવા જોઈએ નહી તો આ-
પડતર બનાવનું અહી ઊંડાણ કોણ ખોતરે?’ પૃ.૫૫

અનુઆધુનિક ગુજરાતી સાહિત્યમાં મોટા ભાગના કવિઓ પરંપરા સાથે અનુસંધાન સાધે છે અને તેમાં પણ જ્ઞાનમાર્ગી તેમજ ભજન પરંપરાને સાથે લઈને ચાલનારા કવિઓમા હરીશ મીનાશ્રુ, દલપત પઢિયાર, નિરંજન રાજ્યગુરુ અને સંજુ વાળા છે. પરંતુ સંજુ વાળા બધા કવિઓ કરતાં પોતાની સર્જનપ્રક્રિયા દ્વારા નોખા તરી આવે છે. તેમની ‘આજ એ યુવતી નથી’ ગઝલમાં સ્થૂળથી સૂક્ષ્મ તરફ જવાની જે વાત છે તેની ચર્ચા દેખાય છે. જેનામાં ચૈતન્ય(લીલા ઝાડ) છે. તેને વાંસની આગ(વેદના) સળગાવી શકતી નથી.તેમજ એક અલૌકિક દિવ્યતાનો અનુભવ સત્ય લાધતા આકાશ પૃથ્વીનો સ્થૂળ ખ્યાલ દિવ્યતામાં લીન થાય તે બાબતની અહીં જાણકારી થાય છે :
‘વાંસ ઘસવાની જ ઘટના પૂરતી નથી
આગ લીલા વૃક્ષમાં ઊતરતી નથી
ક્યાં અનુભવ સત્યનું આરોપણ થયું
સાર ઉપર આકાશ નીચે ધરતી નથી’ પૃ.૭૬

‘સાંકળ આવે’ ગઝલરચનામાં કોઈક વિલક્ષણ સવારે દિવ્યતાના તેજથી લપેટેલ દિવ્યતાની લિપિથી લખેલો કાગળ આવે. ત્યારે જીવન (શ્વાસ) પાસે સંવેદનાના વાદળો આવે તેની વાત અને જીવ-શિવ બંને કમાડની જેમ એકબીજાથી અળગા રહે છે ત્યારે બારસાખના અવાજ જેવો ચૈતન્યનો અવાજ કે આત્મજ્ઞાની સાંકળથી બંનેનું સંધાન થાય છે :
‘કોઈ સવારે આંખ ખૂલે’ ને તેજ લપેટયો તેજ લિપિમાં કાગળ આવે...
એમ અચાનક શ્વાસ સમીપે ટોળે વળતાં વાટ હતી તે વાદળ આવે...’
*
‘બેય કમાડો બેય દિશામાં દોટ મૂકીને એકબીજાથી અળગા ભાગ્યા
બારસાખના માંડ અવાજે કહ્યું કે તો જ બને જો સાંકળ આવે...’ પૃ.૭૭

પ્રસ્તુત ગઝલરચના ‘બળવા ખોર તણખો’માં આધ્યાત્મભાવ કંઈક અલગ રીતે નીરૂપાયો છે. ઉપરાંત આ રચનામાં સર્જક રદીફ વગરના કાફિયાથી રચેલી ગઝલ દ્વારા કંઈક નવીનતા બક્ષે છે અને રચનામાં બંને શેર આધ્યાત્મભાવનું સૂચન કરે છે. તપખીરી મિજાજને દુન્યયી આદેશોની પડી નથી.જેમકે, નરસિંહ મહેતા, તેમનામાં સ્ફુરતા ગર્ભ રૂપી જ્ઞાનને કોઈ પારખી શકતું નથી અને જગતના લોકો તાળવે બાઝેલ સ્વાદ(સ્થૂળ)માં મગ્ન છે, ત્યારે કવિ કે તેમના જેવા દિવ્યતાને પામવા મથતા લોકો સનાતન રૂપને પ્રગટવા પ્રાર્થે છે :
‘તપખીરી મિજાજને ફટકારેલા આદેશની કંઈ ક્યાં ખબર છે ?
કઈ રીતે સમજાય એના ગર્ભમાં ઉછરી રહેલી તીવ્ર અસરો’
*
‘તાળવે બાઝી રહેલા સ્વાદમાં રમમાણ આખું વિશ્વ હો, ત્યાં –
કોણ આ બાહું પ્રસાદીને ચીખે છે હે સનાતન રૂપ ! પ્રગટો’ પૃ.૪૮

સખીરી કાવ્યગુચ્છમાંનું ‘સખીરી-૭’ ગીતરચનામાં આધ્યાત્મનો સંદર્ભ મળે છે.અહી સખી તે પરમતત્વ, જે ચૈતન્યની પંક્તિ છે તે. જીવ તે કૌંસમાં રહેલો છે, ત્યારે ઋત દિશાને (દૃષ્ટ), નક્ષત્રો(અદૃષ્ટ)નું નામ આપવાનું સૂચન તે જીવ-શિવ ઐક્યનું સૂચક છે :
‘સખીરી, ચેતનવંતી તમે પંક્તિ
અમે કૌંસમાંઆવી ઊભા આમ
આપું ઋત દિશાને નક્ષત્રોમાં નામ...’ પૃ.૪૧

કાવ્યસંગ્રહમાં બીજી આધ્યાત્મ વિષયક કેટલીક વાત છે. તેમાં રહેલો ભાવ કવિનો પોતાનો છે અને તે શબ્દરૂપે તેમાં ઝીલાયેલો છે. ગીતરચના ‘અપરિમેય સ્થિતિ’, ‘સખીરી-૨’, ‘સખીરી-૩’ તેમાં ‘સખીરી-૩’ગીતરચનામાં જીવનની સાથે આધ્યાત્મનો સંદર્ભ વણાઈ આવે છે. જીવનમાં છવાયેલ અંધકારમાં દિવ્ય અજવાસની અનુભૂતિનો અહેસાસ, ફોરે ફોરે ભીંજવા કરતાં અનરાધાર ચૈતન્યના અનુભવની ઝંખના છે અને અણું અણુંમાં ઝીણી લ્હાય (અધીરાઇ) જાગે છે તેની વાત છે :
‘અંધારે અજવાસ સમું કઈ થાય સખીરી,
ફોરે ફોરે શું ભીંજાવું? ઈચ્છું અનરાધાર
આંખ અધીરી ફોરાંઓનો ના સમજે વિસ્તાર
અણું-અણુંથી ઝરતી ઝીણી લ્હાય સખીરી’ પૃ.૩૭

ઉપરાંત ‘એક અનિયત્રિત ગઝલ’, ‘આદિથી અંતે’, ‘તથ્યના ચરું’, ‘પળ’, ‘જેવુ ઉછેરું’, ’વણઝારા રે...’વગેરે રચના જોતાં આધ્યાત્મની વાત સૂક્ષ્મસ્તરે આલેખાયેલી છે.આમ, આ સંગ્રહની સમગ્ર કવિતાને તપાસતા અનુઆધુનિક ગુજરાતી કવિતામાં એક અલગ જ છબી ધરાવતા કવિ તરીકે તેઓ ઉતરી આવે છે.તેમની કવિતાઓમાં આધ્યાત્મની સાથે અસ્તિત્વ, જીવન, સ્ત્રીસંવેદન તેમજ સમકાલીન ઘટના વગેરે વિષયો સંગ્રહમાં વણાય આવે છે.

સંદર્ભસૂચિ :

  1. કંઈક/કશુંક અથવા તો...', સંજુ વાળા, આવૃતિ-૧૯૯૦
  2. આધુનિકોત્તર કવિતા, અજયસિંહ ચૌહાણ, આવૃતિ-૨૦૧3
  3. કવિતા નામે સંજીવની, સંજુ વાળા, આવૃતિ-૨૦૧૪

મનોજભાઈ ઉદેસિંહ પરમાર, શોધછાત્ર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવેર્સિટી, વલ્લભવિદ્યાનગર-૩૮૮૧૨૦ મો.નં. ૯૯૦૪૧૬૯૪૩૨