Download this page in

લઘુકથા
ખીર

દર વરસે આ દિવસે બપોર થતાં પહેલા દીદીનો ફોન અચૂક આવે – ‘ ભઈલું, ખીર તૈયાર છે. લઇ જા.’
‘ આ દિવસ’ એટલે પપ્પાનો જન્મદિવસ. પપ્પાને ખીર અતી વ્હાલી. એ દિવસે ખીર બનાવવી એ વણલખ્યો અને વણબદલ્યો નિયમ. મમ્મી હતી ત્યાં સુધી એ બનાવતી. એ ગઇ અને એનાં હાથની ખીરનો સ્વદ્દ દીદીનાં હાથમાં મુકતી ગઇ. દીદીનું સાસરું આ જ શહેરમાં એટલે એણે એ પ્રથા લગ્ન પછીયે જાળવી રાખી. પપ્પાની સાથે અમને સૌને એની બનાવેલી ખીરની મીઠાશ માણવા મળે.
હું દીદીનાં ઘરે જઇ ડ્રોઈંગરૂમમાં બેઠો. દીદીએ આવી ખીરની બરણી મારા હાથમાં આપી. મેં એ ટીપોય પર મુકતા કહ્યું,
“ દીદી, ક્યાં સુધી આ મોકલ્યા કરીશ ? પપ્પાને ગયે બે વરસ થવા આવ્યાં.”
એ મારી બાજુમાં આવીને બેઠી.
“ ભઈલું, પપ્પા કાયમ તારી સાથે એ ઘરમાં રહ્યા. તે એમને ત્યાંથી વળાવ્યા એટલે તને લાગે કે પપ્પા ત્યાં નથી.”
દીદીની વાતથી મને શરીરમાં ખાલી ચડવા લાગી. બરણીની સામે જોઇ એ બોલી.
“ પપ્પાએ મનેય એ ઘરમાંથી વળાવ્યાને વરસો થઇ ગયા. એમનો જન્મદિવસ આવે ને ખીર યાદ આવે. આ મોકલું ત્યારે લાગે છે કે મારી ખીરની રાહ જોતાં પપ્પા આજેય ત્યાં જ છે.”
દીદીની આંખ મને ભીંજવે એ પહેલા હું બરણી લઇ મારા ઘરના ખાલીપામાં દીદીની ખીરમાં ભળેલી પપ્પાની સુગંધ ભરી દેવા નીકળી ગયો.

નસીમ મહુવાકર. ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ (સૌરાષ્ટ્ર)99 1313 5028 / 9426 22 35 22 / ઇમેઇલ : nasim2304@gmail.com