Download this page in

નરસિંહ મહેતા અને હલધરદાસ કૃત 'સુદામાચરિત્ર’નો તુલનાત્મક અભ્યાસ

ભાગવતના દશમસ્કંધ ૮૦-૮૧મા અધ્યાયમાં સુદામાની કથા આવે છે. સુદામાના આ ભાગવતમાંના કથાનકને જુદી જુદી ભાષાના સર્જકોએ પોતાની સર્જનશક્તિ અનુસાર અને દેશકાળ અનુસાર પોતાની રીતે ન્યાય આપ્યો છે. જેમા ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ નરસિંહ મહેતા દ્વારા રચાયેલ ‘સુદામાચરિત્ર’ નવપદની અને ૧૫મી સદીની સ્વતંત્ર કૃતિ છે જ્યારે હિન્દી સાહિત્યમાં સૌ પ્રથમ રચના હલધરદાસ કૃત ‘સુદામાચરિત્ર’ ૩૬૦ છપ્પય છંદોમાં, ૧૫૬પ માં રચાયેલ એ પણ સ્વતંત્ર રચના છે. આ બંનેય કૃતિઓ જે-તે ભાષાની ‘સુદામાના કથાનક’ આધારિત સૌ પ્રથમ રચના તરીકેનું સ્થાન-માન ધરાવે છે. સાથે સાથે બંનેય ભાષાના કવિઓ પણ પોતપોતાના સાહિત્યમાં નોખું-અનોખું મૂલ્ય-મહત્વ પણ પ્રાપ્ત કરે છે.

બંનેય કવિઓની રચનાનું મૂળ એક જ ‘ભાતવત્ કથા’ છે. બંનેય સર્જકોનો ઉદ્દેશ્ય પણ તેને લીધે સમાન જણાય છે. એટલે કે પોતપોતાની આ અલગ અલગ કૃતિઓ દ્રારા કૃષ્ણની કૃપા અને દીન-ઉદ્ધારનું દ્રષ્ટાંત પ્રસ્તુત કરવાનો છે, બંનેયમાં કૃષ્ણની ભક્તિ કેન્દ્રમાં છે. પરંતુ ભાગવતની મૂળ કથાને વધુ વફાદાર રહેવાની બાબતમાં તફાવત જોવા મળે છે. શ્રી મગનભાઇ દેસાઇ નરસિંહની કૃતિના સંદર્ભમાં લખે છે તે સર્વથા સાચું છે- ‘નરસિંહનું આખ્યાન ભાગવતકારની મૂળકથાના શુદ્ધ ભક્તિરસને વફાદાર રહી એક ઉમદા ભક્તિજીવન વર્ણવે છે.’૧ આની તુલનાએ હલધરદાસ ભાગવતની મૂળકથાને વફાદાર રહ્યા નથી, તેમણે પોતાના ‘સુદામાચરિત્ર’ કથાવસ્તુમાં અનેક મૌલિક પ્રસંગોનું ઉમેરણ કરીને તેને નવું સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો છે. જેમકે- સુદામાની ગરીબી-કંગાલ પરિસ્થિતિથી દુઃખી સુદામાપત્ની સુદામાને ઉદ્યમ કરવાની સલાહ આપે છે. તે પ્રસંગ, દ્રારકા ન જવા સુદામાપત્ની સમક્ષ સુદામા કૃષ્ણની નિંદા કરે છે તે, કૃષ્ણ ફરુહી ખાતા હોય છે ત્યારે તેમને કંઇક થઈ જશે તેવી ચિંતા કરતા સુદામાની માનસિકતા, સુદામાની દારિદ્રતા દૂર કરવા, તેને વૈભવશાળી બનાવવા શ્રીકૃષ્ણ પોતે જ વિશ્વકર્મા સાથે સુદામાગૃહે જઈને સુદામાપત્નીને દર્શન આપી પોતાની હાજરીમાં જ સુદામાનો મહેલ તૈયાર કરાવી પાછા દ્વારકા ફરે છે. તે ઘટના સ્વગૃહે પાછા આવતા સુદામા સુદામાપુરીમાં પોતાનો જય જયકાર સાંભળે છે તે, પત્નીનું અપહરણ થયું, રાજા દ્વારા સુદામાપત્નીના મૃત્યુની ઘટના, વારંવાર ફરુહી લઈને શ્રીકૃષ્ણને મળવામાં આળસ નહીં કરવાનો પ્રસંગ, કૃષ્ણ કૃપાથી વૈભવ-ઐશ્વર્ય મેળવ્યા પછી સુદામા દ્વારા ગરીબોને દાન આપવું, તેમની સેવા કરવી અને સદાવ્રત ચલાવી પરોપકાર અને ધાર્મિક કાર્યો કરવા વગેરે મૌલિક સર્જનો હલધરદાસમાં જોવા મળે છે. જેથી કથાવસ્તુનો વિસ્તાર થયો છે. જ્યારે નરસિંહમાં આવા ફેરફાર નથી એટલે તે સંક્ષિપ્ત રચના બની છે. આમ, બંનેય કવિઓની રચનાનું કથાવસ્તુ સમાન નથી.

નરસિંહ મહેતા અને હલધરદાસે બંનેય પોતાની રચનાઓના આરંભમાં મંગલાચરણનો ઉલ્લેખ કર્યો નથી. તુલનાત્મક દ્રષ્ટિએ કહીએ તો બંનેય કવિઓએ પોત-પોતાની કૃતિઓનો કથનાત્મક કાવ્યરચનામાં નાટ્યાત્મક શૈલીથી આરંભ કર્યો છે. જે બંનેયમાં સમાનતા સૂચવે છે. પરંતુ બંનેય રચનાઓનો પ્રારંભ બંનેય કવિઓએ ભિન્ન ભિન્ન બિંદુએથી કર્યો છે. એટલે તેમાં વૈષમ્ય જોવા મળે છે. નરસિંહના ‘સુદામાચરિત’ માં સુદામાપત્નીની ઉક્તિથી જ કથાનો સીધો આરંભ કરવામાં આવ્યો છે. નરસિંહના કાવ્યોમાં સુદામા અને સુદામાપત્નીના સંવાદોમાં જ પ્રારંભનો ઘટનાતંતુ વિકસે છે. જ્યારે હલધરદાસે પોતાની કૃતિનો આરંભ દારિદ્રતાનો અતિશયોક્તિવાળા વર્ણન થકી કર્યો છે. બંનેય કૃતિઓમાં સુદામાના કૃષ્ણ પાસે માંગવા-યાચવા જવાની વાતમાં સમાનતા નજરે પડે છે. અને તે એ છે કે બંનેય કૃતિઓમાં સુદામા યાચના-માંગવા જવાના ખચકાટ અને ક્ષોભ-સંકોચ અનુભવે છે તેને ગણાવી શકાય. પરંતુ હલધરદાસનો સુદામો પત્નીની હાજરીમાં શ્રીકૃષ્ણની નિંદા કરે છે જેની તુલનાએ નરસિંહનો સુદામો આવું કરતો નથી. તેવી જ રીતે નરોત્તમદાસમાં સુદામાપત્ની સુદામાને ‘ઉદ્યમ’ કરવાની સલાહ આપે છે. તે પણ નરસિંહના ‘સુદામાચરિત્ર’ માં કે મૂળ કથામાં નથી.

હલધરદાસ અને નરસિંહ મહેતાના ‘સુદામાચરિત્ર’માં પાત્રસૃષ્ટિ સંદર્ભે પણ સામ્ય-વૈષમ્યતા જોવા મળે છે. હલધરદાસની રચના દીર્ઘ હોય તેમા ચરિત્ર-ચિત્રણને માટે અવકાશ રહેલો છે. જ્યારે નરસિંહમાં આવો અવકાશ નથી. આ ઉપરાંત હલધરદાસના કથાવસ્તુમાં મૌલિક સર્જન હોવાને કારણે પણ પાત્રચિત્રણમાં વૈવિધતા જોવા મળે છે. જ્યારે નરસિંહ માત્ર ભાગવત્ ની કથાને જ વફાદાર હોવાને કારણે ચરિત્ર ચિત્રણમાં નાવીન્ય દાખવી શકતો નથી. હલધરદાસે ‘સુદામા'ના આંતરિક અને બાહ્ય બંનેય પાસાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે તેમનો સુદામો-ઉદાત્ત ચરિત્રવાળો, સ્વમાની, દાનવીર, સેવાપ્રવૃત્તિવાળો, નિર્દોષ દયાળુ અને ભક્તવત્સલ છે જેની કથામાં અનેક પ્રસંગોમાં પ્રતીતિ થાય છે. આ ઉપરાંત હલધરદાસનો સુદામાં તો નિર્ધન-ગરીબ રહેવાનું પસંદ કરનારો છે. પણ અધર્મી બનવાનું સ્વીકારનારો નથી. ભિક્ષા માંગવી અને ભગવાનનું ભજન કરવું તે જ તેનો ધર્મ છે તેને છોડીને ધનનો સંગ્રહ કરવો તે ધર્મની વિરોધ ગણાય એમ તે સમજે છે. જેમકે-
“ધન કારણ હરિભજન છાંડી કૈ જાઉ નૃપતિ,
સુર પદવી લૈ શુક્ર શુક્ર યુનિ ભયૌ દૈતગુરુ.
ચિંતામણી પદ ચિંતનો અપર કહા ધન,
ધન કારણ હરિ, દ્વારપાળ જલચર બારન તન.
ધર્મ રહે નિર્ધન રહે ધનિક ભયે નહી ધર્મ રહું,
ઇહે દસા તિય માની સુખ ચરણ-સરણ ગોવિંદ ગહુ” (હલધરદાસ, સુદામાચરિત્ર, ૨૭)

હલધરદાસના સુદામાને પોતાની સજ્જનતા પર ગૌરવ છે. તેમણે સ્વપ્નમાં પણ દુર્જનતા પર પગ નથી રાખ્યો. નરોત્તમદાસનો સુદામો વિવેકી અને વિનમ્ર પણ છે અને એટલે તે ખાલી હાથે દ્વારકાથી પાછા ફર્યા પછી પણ કૃષ્ણ ઉપર નિંદા કે ક્રોધ કરતો નથી. પણ તેમના આતિથ્યની પ્રશંસા કરીને આનંદિત થાય છે. આમ, હલધરદાસે માનવ-મનના ઊંડાણની સમજ સુધી પહોચી સુદામાના ચરિત્રને યથાર્થ રીતે આલેખ્યું છે. અહીં નોંધવું જોઇએ કે મૂળકાળમાં સુદામાનું આવું ચરિત્ર જોવા મળતું નથી. પરંતુ સુદામાના ચરિત્રચિત્રણમાં હલધરદાસની કવિત્વશક્તિ અને મૌલિકતાના ઉત્તમ દર્શન થાય છે. જ્યારે આની તુલનાએ નરસિંહના સુદામાચરિત્રમાં આટલો વિસ્તાર નથી છતાં પણ સુદામાનું ચરિત્ર કેટલાંક પ્રસંગોએ વિશિષ્ટ રીતે ઉભરી આવે છે. નરસિંહમાં સુદામાને કૃષ્ણના મિત્ર, એક નિર્ધન- ગરીબ બ્રાહ્મણ તરીકે જ વર્ણવેલો છે. નરસિંહમાં તો ભક્તનો મહિમા પણ તેની પત્ની ગાય છે, સુદામા તો અશ્રદ્ધાળુ અને કેવળ દૈવવાદી છે. તે સંશયવૃત્તિવાળો હોવાથી જ વિચારે છે કે- કૃષ્ણ બાળપણની મૈત્રી વીસરી ગયા હશે. એમાં શંકા-કુશંકા પણ કરે છે. ઉમાશંકરના શબ્દોમાં કહીએ તો ‘નરસિંહ સુદામાને માનવી તરીકે જરૂર ચીતરે છે પણ એની ભક્તિમયતાને એ પ્રાધાન્ય આપે છે, નરસિંહે આલેખેલું સુદાનામાનું પાત્ર સમાન ધર્મનું પાત્ર છે.’ ટૂંકમાં સુદામાના પાત્રનો સવિશેષ પરિચય આપણને હલધરદાસના ‘સુદામાચરિત્ર’માં થાય છે.

સુદામાપત્નીના પાત્રાલેખનમાં પણ નરસિંહ કરતાં હલધરદાસ વધુ તકેદારી રાખે છે. જેમકે હલધરદાસના ‘સુદામાચરિત્ર’માં સુદામાપત્નીનું ચરિત્ર એક વિદૂષી, વ્યવહાર કુશળ, તર્કશીલ, શાસ્ત્રના જ્ઞાનથી સભર, બુદ્ધિશાળી અને એક પતિવ્રતા નારીના રૂપમાં વિવિધ પ્રસંગોએ આલેખાયેલું જોવા મળે છે. જેમા એક આદર્શ ભારતીય નારીના દર્શન થાય છે. જ્યારે નરસિંહ મહેતાના ‘સુદામાચરિત્ર’માં આરંભના ચાર પદોમાં સુદામાપત્નીના ચરિત્રનો પરિચય થાય છે. અહીં સુદામા પત્નીને પોતાના સંસારની ચિંતા છે, પણ તે કેવળ સંસારી સ્ત્રી નથી, ભક્તપત્ની છે, તેનામાં સુદામા પ્રત્યે સહાનુભૂતિ અને સમભાવ પણ છે. તે સરળ સ્વભાવની, વિવેકી અને વ્યવહારકુશળ પણ છે. નરસિંહની કાવ્યકૃતિમાં પ્રભુશ્રદ્ધા, સંતાન વાત્સલ્ય, પતિવ્રતાપણું ઇત્યાદિ ગુણોને કારણે સુદામાપત્નીનું નરવું વ્યક્તિત્વ ઉપસી આવે છે. ઋષિપત્નીના ઉદ્દગારોથી કાવ્યનો આરંભ કરીને નરસિંહે જદુપતિનાથના ભક્તપ્રેમને પિછાણતી આ નારીના શુદ્ધ અંતઃકરણને અને એને દ્રઢ પ્રભુ આસ્થાને પ્રગટ કરી દીધી છે. આમ બંનેય કવિઓમાં સુદામાપત્નીનું ભિન્ન ભિન્ન ચરિત્ર ઉપસેલું જોઇ શકાય છે.

શ્રીકૃષ્ણ અને તેમની રાણીઓના ચરિત્ર-ચિત્રણમાં પણ બંનેય કૃતિઓમાં સામ્ય વૈષમ્ય જોવા મળે છે. નરોત્તમદાસની રચનામાં શ્રીકૃષ્ણનું પાત્ર મર્યાદાપુરુષ ભક્તપ્રિય દયાળુ અને પરમ સખા તરીકે ઉભરી આવે છે. જે અનેક પ્રસંગોએ પ્રમાણી શકાય છે. જેમકે અહીં શ્રીકૃષ્ણ માત્ર સુદામાને જ દર્શન આપી ધન્ય નથી કરતાં પણ સુદામાપત્નીને પણ દર્શન આપે છે ત્યાં દયાળુ હોવાનું પ્રતીત થાય છે. તો સુદામાની પત્નીને તે ‘ભાભી’ કહીને સંબોધે છે ત્યાં અને સુદામાપત્ની કૃષ્ણના પગે પડે છે ત્યારે શ્રીકૃષ્ણ તેમને તરત ઉપાડી લે છે. ત્યાં મર્યાદજ્ઞી શ્રીકૃષ્ણનું આપણને દર્શન થાય છે. તેમ અહીં સત્યભામાનું આલેખન પણ નોંધપાત્ર છે. તે ગાયિકા અને વિનોદ પ્રિય, કટાક્ષ-વ્યંગના સ્વભાવયુક્ત નારીના રૂપે પ્રગટ થાય છે જ્યારે કૃષ્ણ રાણીઓની આગળ સુદામાની ઓળખાણ કરાવે છે ત્યારે સત્યભામા પાલવથી મોં ઢાંકીને હસતી હતી અને કૃષ્ણ પર ખૂબ જ કટાક્ષ પણ કરે છે. જેમકે-
"સુનત મિત્ર કો સુજસ પાટબંધી હરષાની,
મુખ અંચલ હૈ તનક સત્યભામા મુસુકાની.
નામ કહૈ હમ રહે દીન સો વ્યર્થ બખાની,
નાથ દીનતા નાથ મિત્રહી તે હમ જાની.
જો પિય દીન તો નંદજૂ ઓઢિન કરે કામરી દઈ,
જિન કામરિ કે ઓટ તે કંત વંદન કારી ભઈ." (હલધરદાસ, સુદામાચરિત્ર, ૧૫૦)

જ્યારે આની તુલનાએ નરસિંહના 'સુદામાચરિત્ર'માં વિસ્તારની બદલે લાઘવયુક્ત ચરિત્ર-ચિત્રણ રજૂ થયેલાં જોવા મળે છે. નરસિંહના કાવ્યમાં કૃષ્ણ ભગવાન તરીકે વિશિષ્ટ રૂપે નિરૂપાયા છે. સુદામાને આવકારતાં તે કૃષ્ણ પોતાની ભૂલો એકરાર કરે છે. જેમકે-
"ગૃહસ્થધર્મમાં હું ય વળગી રહ્યો, હું ને મારી બધી ગત્ય ભૂલ્યો,
મિત્ર સુદામાની શુદ્ધ લીધી નહીં, કામની કેફમાં હું ડૂબ્યો." (પ્રેમાનંદ, સુદામાચરિત્ર, પૃ.૭૦)

નરસિંહના 'સુદામાચરિત્ર'માં બાળમિત્રનું ઉમળકાથી આતિથ્ય કરતાં ભગવાન કૃષ્ણની નાનામાં નાની ક્રિયા પણ એમના ભક્તપ્રેમ અને મિત્રવસ્તલતાની લાગણીને વાચા આપે છે. અહીં પ્રત્યેક તબક્કે કૃષ્ણ, પોતાની દરિદ્રતાને કારણે મૂંઝાતા સુદામાના સંકોચને કારણે દૂર કરવા અને પોતાની સમકક્ષ બનાવવા પ્રયાસ કરે છે. પોતાના આ મેલાઘેલા, દરિદ્રી મિત્રને એ સ્વજનો સમક્ષ પ્રતિષ્ઠિત, આદર પાત્ર બનાવે છે. સુદામા કૃષ્ણના મહેલમાં આવે છે. એ સાથે જ કૃષ્ણ એના દુઃખને- સંતાપને દૂર કરે છે. ભક્તનું ભગવાન પ્રતિ પ્રયાણ અને પ્રભુ મંદિરમાં આગમન- એ બે ક્રિયાઓ જ ભક્તના ત્રિવિધ તાપને દૂર કરવા પૂરતી છે. અહીં કૃષ્ણના પાત્રની વિશિષ્ટતા પણ નજરે પડે છે.

નરસિંહના કાવ્યમાં કૃષ્ણએ ભક્તસુદામાના ભેટ સ્વરૂપની તાંદુલની ત્રીજી મૂઠી ભરી પોતાનું સર્વસ્વ સુદામાને અર્પણ કરવા તૈયાર થયેલા કૃષ્ણને અટકાવતી પટરાણીનું પાત્ર નોંધપાત્ર છે. એ ભક્ત અને ભક્તિનો મર્મ પિછાણે છે. પણ સત્યભામા આદિ અન્ય રાણીઓ આ ભક્તની મહત્તા પારખવામાં ઊણા ઊતરે છે. સુદામાની મશકરી કરતી, કટાક્ષ વચનો ઉચ્ચારતી કૃષ્ણની રાણીઓના સામાન્ય સંસારી જેવા ઉદ્દગારોમાં નરસિંહે સ્ત્રી-માનસને પ્રગટ કર્યું છે. આમ બંનેય કૃતિઓમાં ચરિત્ર-ચિત્રણ જે તે કવિના કવિકૌશલ અને કવિપ્રતિભાને પ્રગટાવે છે.

બંનેય 'સુદામાચરિત્ર'માં આલેખાયેલા વર્ણનોની વાત કરીએ તો તેમાં અસમાનતા જોવા મળે છે. એટલે કે હલધરદાસ પ્રસંગો, પાત્રો, પરિવેશ વગેરેના વર્ણનની સાથે સાથે પ્રકૃતિના વર્ણનને પણ મહત્વ આપ્યું છે. જ્યારે નરસિંહના 'સુદામાચરિત્ર'માં પ્રકૃતિના વર્ણનનો અભાવ જોવા મળે છે. આ સાથે બંનેય કવિઓની વર્ણનશક્તિ પણ એકસમાન નથી. હલધરદાસે 'સુદામાચરિત્ર'માં પ્રકૃતિવર્ણનને મહત્વ આપ્યું છે ત્યાં કવિનો પ્રકૃતિપ્રેમ અને પ્રકૃતિ સાથેનો ગાઢ નાતો પણ પ્રગટ થયા વગર રહેતો નથી. જેમકે તેમણે સંધ્યાનું વર્ણન આ રીતે કર્યું છે-
"કરત બાત તમ્બોલ ષાત યક, જામ જામિની,
ગઈ બીત બિરહિન સભીત મૈં ચક્ર કામિની.
છપે તરનિ મધુકરહિ વારિજન પુટ ગરાસ કિય,
ગગન સુભગ તારા અલક ભૂધર ઘર દિપક વરે,
રોમ રોમ દ્વિગ દહન કે શ્યોમ રૂપ ચિતબન કરૈ" (હલધરદાસ, સુદામાચરિત્ર, ૨૧૧)

તથા સવારનું વર્ણન પણ અદ્દભૂત છે.
"રમૈ રૈનિ રજનીશ રૈન લૈ ગયે ભવન કો,
પ્રગટે જગત પ્રચંડ તેજ રવિ હેમ ધ્વન કો,
ચંચલ દ્વિગન ચકોર ચક્ક ચકઈ દ્વિગરાતે,
જલ જ કોસ તે ઉડે ભિંગ મધુ કે મદયતિ,
સુક સારિકા સુહંસ પિક અમ્રિત રવ બાની મેન,
સુભગ દ્વાર સિંધુર ઘટા ધનન ઘંટા રેન." (હલધરદાસ, સુદામાચરિત્ર, પૃ.૨૩૮)

આ ઉપરાંત કાવ્યના આરંભમાં કવિએ સુદામાની ગરીબાઇનું અતિશયોક્તિવાળું અને વિસ્તારથી વર્ણન કર્યું છે. તે માત્ર નિર્દેશ કરીને અટકી જતાં નથી. સુદામા પાસે ખાવા માટે અન્ન નથી, પહેરવા માટે વસ્ત્ર નથી અને રહેવા માટે સારી ઝૂપડી પણ નથી. આવી ગરીબાઇથી ખૂબ જ કંટાળેલી અકળાયેલી પત્નીનું પણ તેમણે વર્ણન કર્યું છે તે સહજ અને સ્વાભાવિક લાગે છે. આ ઉપરાંત શ્રીકૃષ્ણની દ્વારકાના વૈભવ-ઐશ્વર્યનું વર્ણન, સુદામા અને કૃષ્ણના મિલનનું વર્ણન, તેને અર્પેલી ધન-સંપતિ સાથેની સુદામાપુરીનું વર્ણન આપણું ધ્યાન ખેંચે તેવા આકર્ષક પ્રસંગ, પાત્ર તથા પરિવેશને ઉદ્દઘાટિત કરે તેવા આલેખાયાં છે. એટલે હલધરદાસ પાસે વર્ણન કરવાની ક્ષમતા પણ વિશિષ્ટ હતી તેવું કહી શકાય માટે તેનું 'સુદામાચરિત્ર' વર્ણનની દ્રષ્ટિએ પણ નોંધપાત્ર બન્યું છે. તો બીજી બાજુ નરસિંહના 'સુદામાચરિત્ર' માં વર્ણનો આવે છે ખરાં પણ તેનું પ્રમાણ હલધરદાસની તુલનાએ ઓછું છે. પરંતુ જે વર્ણનો નરસિંહ પોતાની કવિત્વશક્તિથી કરે છે. તેમા ઉણપ વર્તાતી નથી. જેમકે-
"હેમ સિંહાસને લેઇ બેસાડિયા;
કનકની પાવડી ચરણ આગળ ધરી,
પુનિત પીતાંબર પહેરવા આપીયું,
કનકને થાળે પકવાન દીધાં,
ભાવતા ભોજન કૃષ્ણ હાથે કર્યા.
નરસૈંનો નાથે પદસવ કરતાં,
કનક કટોરે તે પાણી પીધું." (પ્રેમાનંદ, સુદામાચરિત્ર, પૃ.૭૨)

અહીં કૃષ્ણે કરેલા સુદામાના આદર-સત્કારના વિગતસભર વર્ણન દ્વારા યજમાન પ્રભુએ કરેલા ભક્તના આતિથ્યની- આદરની ભાવના પ્રગટ થઇ છે. તો કૃષ્ણની રાણીઓના મુખે સુદામાની નિર્ધન અવસ્થાનો, એના પરિવેશનો, એની શારીરિક અવસ્થાનો ચિતાર આ રીતે મળે છે. જેમકે-
"અંગ અતિ કમકમે, ધમણ મ્હોડે ધમે,
ઉધરસે ને વળી નાક લૂતો,
જો જો કૌતુક હરી દેહ-દશા ફરી,
કૃપલ તે કૃષ્ણને સંગ સૂતો" (પ્રેમાનંદ, સુદામાચરિત્ર, પૃ.૨૬)

અને
'વસ્ત્ર મેલાં દિસે કર્મ ફૂટ્યો.' (પ્રેમાનંદ, સુદામાચરિત્ર, પૃ.૨૭)

પણ વિશેષ નોંધપાત્ર વર્ણન છે. કૃષ્ણથી છૂટા પડતી વેળા સુદામાના મનોવ્યાપારોનું વર્ણન. દ્વારકાથી નીકળતી વખતે સુદામા વ્યથિત ચિત્તે વિચારે છે કે કૃષ્ણ અપાર સમૃદ્ધિ ભોગવતા હોવા છતાં મુજ સમાન નિર્ધનની પીડા જાણીને એણે મને ફૂટી કોડી પણ પરખાવી નહીં.

"આપ્યું તો કાંઇ નહીં, ત્રીઠ જાણી નહીં." પોતે ઉધાર તાંદુલ માંગી લાવીને મિત્રને ભેટરૂપે આપ્યાં છતાં પોતે કશું જ પામ્યો નહીં એનો વલોપાત કરે છે.

પોતાના ગામ આવતાં જ, પોતાની ઝૂંપડીની જગ્યાએ આલીશાન મહેલને વૈભવ નિહાળતા સુદામાના અચરજની સાથે જ કવિએ એના મહેલની સમૃદ્ધિનું આબેહૂબ વર્ણન કરવાની તક ઝડપી લીધી છે. અહીં કવિએ સુદામાને સત્કારવા આવતી પત્નીનું વર્ણન પણ આપ્યું છે. જેમકે-
"સપ્ત નવ વરસની દીઠી ત્યાં સુંદરી,
નારી નવ જોબના, બહુ રૂપાળી,
સોળ શણગાર તે, અંગ સુંદર ધર્યા." (પ્રેમાનંદ, સુદામાચરિત્ર, પૃ.૭૩)

આમ નરસિંહે ક્યારેક સંક્ષિપ્ત તો ક્યારેક ઝીણવટભર્યા વર્ણનો આપીને પ્રસંગોચિત આલેખન કર્યું છે. ટૂંકમાં બંનેય 'સુદામાચરિત્ર'માં બંનેય કવિઓની વર્ણનશક્તિ કૃતિને સમૃદ્ધ કરવામાં અને તેના વિકાસને ગતિ આપવા મહત્વની બની છે.

બંનેય કવિઓના 'સુદામાચરિત્ર'માં સંવાદો પણ કૃતિપક્ષે મહત્વના પુરવાર થયા છે. સંવાદ યોજના પણ બંનેય કવિઓમાં નોંખી છે. જેમકે-
"સુનિ વિલાપ તિય બૈન બારિ, પિય કે દ્રૃગ છાઇ,
કહેઉ સત્ય મમ ભવન ભામિની બસિ દુઃખ પાઈ.
વિપત્તિ દાહ મેં પુર્ષ હેમ જો ધીર ભલે હૈ,
તૌ સોહાગિની સોહાગ સંગ મિલિ દોઉ ગલે હૈ (હલધરદાસ, સુદામાચરિત્ર, ૩૮)

આ સંવાદ દ્વારા સુદામા ગરીબાઈ અને બાળકોની ચિંતા કરી, તેમના માટે કંઈક કરવું જોઇએ એમ વિચારે છે. આ ઉપરાંત સુદામા અને સુદામાપત્ની વચ્ચે છ્યાસી છપ્પામાં સંવાદ કર્યો છે. જે કંટાળાજનક અને દીર્ધ છે. જેનાથી વેગ મંદ પડે છે અને રસાસ્વાદમાં અવરોધ ઊભો થાય છે. આવો જ બીજો સાંવાદ દ્વારકાથી પાછા આવતાં તેમની પત્ની સાથેનું લાંબું ભાષણ પણ કંટાળાજનક છે. પરંતુ દ્વારકાથી પાછા ફરતાં સુદામા પોતાની પત્નીની શોધમાં અસફળ હોય છે ત્યારે તેના સંવાદો માર્મિક સ્વરૂપ ધારણ કરે છે. જેમકે-
"પાનિ ગ્રહન જબ તે હો રામ તબતે ન જુદાઈ,
એક સુભાવ તેં જુગલ આતમા દિવસ ગંધાઈ.
અજા સમય યહ નવન દોષ લાગ્યો હો સાંઈ,
જાસુ જીવન એક ઠૌર તાસુ મરનો બિલગાઈ,
અબ નાહક રે મૂઢ મન સહસિ સમૂહ ક્લેસ કો,
અબ કૈસડું યહ તાલતે ચલૈ હંસ નજિ દેસ કો.” (હલધરદાસ, સુદામાચરિત્ર, ૩૨૦)

આમ, હલધરદાસમાં સંવાદો કથાવસ્તુ, પાત્રોને અને પાત્ર માનસને જાણવા-માણવામાં ઉપયોગી બન્યા છે. એટલે કૃતિના વિશેષોમાં સંવાદોની ભૂમિકા પણ અહીં નોંધપાત્ર રહી છે. જ્યારે નરસિંહ મહેતાના 'સુદામાચરિત્ર'માં પણ સંવાદો ટૂંકા, માર્મિક અને સરળ શૈલીના જોવા મળે છે. નરસિંહના 'સુદામાચરિત્ર'નો આરંભ જ સંવાદશૈલીથી થાય છે શરૂઆતમાં ચાર પદોમાં પતિ-પત્નીના સંવાદો કથાનો આરંભ કરાવે છે જેમા ભાવના અને બુદ્ધિ વચ્ચેનો સંઘર્ષ શબ્દરૂપ પામ્યો છે. સંવાદ દ્વારા જ ભક્ત સુદામાના આંતરસંબંધની અપરિચિત સુદામાપત્નીની આ ગરીબાઈમાંથી છૂટવાનો વ્યવહારું ઉકેલ રજુ કરેલ છે. આ ઉપરાંત શ્રીકૃષ્ણ અને સુદામાના સંવાદ, કૃષ્ણ અને તેમની રાણીઓના સુદામા સાથેના સંવાદો, પ્રસંગ પરિસ્થિતિ અને કથાને અનુરૂપ રીતે કવિએ પ્રયોજ્યા છે. સંવાદોમાં થોડું નાટ્યાત્મક તત્વ પણ જોઇ શકાય છે.

નરસિંહ મહેતા અને હલધરદાસના 'સુદામાચરિત્ર'માં ભાષા જુદી જુદી છે. એટલે કે નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં 'સુદામાચરિત્ર'ની રચના કરી છે, જ્યારે હલધરદાસે હિન્દી ભાષામાં 'સુદામાચરિત'ની રચના કરી છે. હલધરદાસના 'સુદામાચરિત્ર'માં ભાષાશૈલીની આગવી અને વિશિષ્ટ છટાઓ જોવા મળે છે તેમાં અલંકારો, ઉક્તિઓ, છંદો, શબ્દભંડોળ અને ક્રિયાપદો તથા વિશેષણો વગેરેનો સમાવેશ થાય છે. અહીં દ્રષ્ટાંત અને ઉત્પ્રેક્ષા અલંકારો ધ્યાનપાત્ર છે. જેમકે-
"મિત્રબંધુ પરિવાર કવહું કોઉ સુધિ કોઉ સુધિ ન ગ્રન્થો હૈ,
સર સૂષે તે કવહિં પ્રીત પક્ષી ન સુન્યો હૈ" (હલધરદાસ, સુદામાચરિત્ર)

તો ઉત્પ્રેક્ષા અલંકારની ચમકૃતિ આ રીતે પ્રગટ થઈ છે.
"સુકીય સુદામા નારિ કંત કી સદા અધીની,
ભૂષણ વસન મલીન નયન કજ્જલ બિન દીની,
વિનુ પરિમલ તન તનય તેલ વિનુ ચિકુર મલિન સન,
માનો મધુપ સમાજ, દીન હારે મધુ બિન તન." (હલધરદાસ, સુદામાચરિત્ર)

હલધરદાસે 'સુદામાચરિત્ર'માં તત્સમ અને તદ્દભવ બંનેય શબ્દોનો સરખો પ્રયોગ કર્યો છે. તેમણે કોઇક કોઇક જગ્યાએ સંસ્કૃત ક્રિયાપદોનો પણ પ્રયોગ કર્યો છે. જેમકે-
"કિ કરોમિ હા રામ કાહિ યહં કરો પુછારી" (હલધરદાસ, સુદામાચરિત્ર)

આમ, નરોત્તમદાસની ભાષાશૈલી સરળ, સાદી છતાં અસરકારક અને અર્થક્ષમ જોવા મળે છે. ભાષા સાથે તેમણે ધાર્યું કામ લીધું છે. આની તુલનાએ નરસિંહ મહેતાના 'સુદામાચરિત્ર' માં ભાષાનું લાઘવ ધ્યાનાર્હ છે. સુદામાને ભક્તિનો મર્મ સમજાવતી વેળા સહજ વર્ણાનુપ્રાસમાં 'રાય ને રંક તે એક ઘાટે'- એમ કહેતી સુદામાપત્ની સંક્ષેપમાં પ્રભુને ત્યાં સર્વ ભક્તોની સમાનતાને સુચવી દે છે. પણ અજાતચક્રવ્રત પાળનાર સુદામા પ્રભુ પાસે યાચના કરવામાં 'માંગતા તો બધો મર્મ છૂટે' એવી દીનતા- હીણપત અનુભવે છે દ્વારકા જઈને સુદામા કૃષ્ણને મળે છે, ત્યારે સુદામાની દયનીય સ્થિતિને કવિએ માર્મિક ભાષામાં પ્રસ્તુત કરી છે. જેમકે-
'હેમ સિંહાસને લેઇ બેસાડિયા,
તાણતાં વિપ્રનાં વસ્ત્ર ફાટા' (પ્રેમાનંદ, સુદામાચરિત્ર, પૃ.૭૪)

તો વળી, પોતાને ગામ પાછા ફરતાં, ઝૂંપડીની જગ્યાએ વિશાળ આવાસ જોઇને સુદામાથી 'દેવ શું દ્વારિકા આંહિ લાવ્યો' એવો ઉદ્દગાર સહજપણે થઈ જાય છે. અહીં વિશિષ્ટ સંજોગોમાં પૂછાયેલા કેટલાંક શબ્દો ધ્યાનપાત્ર છે. 'શ્રીપતિનાથે મને રંક સરજાવિયો'- અહીં 'રંક' શબ્દના વિરોધે 'શ્રીપતિનાથ- લક્ષ્મી સ્વામી અને એના નાથ- શબ્દનો પ્રયોગ નોંધવા જેવો છે. તો તાંદુલ પ્રેમપૂર્વક આરોગતા, સુદામાને અઢળક વૈભવ આપતા કૃષ્ણને અટકાવવા રુકિમણીના મર્મવચનો ન સમજનારા આ 'વિપ્ર' કેવો હાસ્યાસ્પદ લાગે છે. 'વનિતા વચન ને વિપ્ર સમજ્યો નહીં'- અહીં 'વિપ્ર' શબ્દનો પ્રયોગ સહેતુક છે. અહીં કવિ સમૃદ્ધિના ઝળહળાટ- ચળકાટ માટે 'જ્યોત' શબ્દ યોજે છે. જેમકે-
"જડિત રત્નો મણી, ક્રાંતિ ભાસે ઘણી,
તિમિર નાથે તેની જ્યોત પાસે" અને
કનકની ભૂમિ ને રત્નના થાંભલા,
અર્કની જ્યોત ઉદ્યોત દીસે. (પ્રેમાનંદ, સુદામાચરિત્ર, પૃ.૭૪)

છેલ્લી પંક્તિમાં વર્ણન દ્વારા કવિતાની ઉચ્ચતા પ્રગટ થતી અનુભવાય છે. આખાય કાવ્યમાં 'કનક' શબ્દ કેટલી બધી વાર આવે છે ! સુદામાની દરિદ્રતાનો, કનક અને કંગાલિયતનો વિરોધ ઉપસાવવા માટે શબ્દ અનેકવાર વપરાયો હોવાનું અનુમાન કરી શકાય.
'પુનિત પીતાંબર પહેરવા આપિયું, કનક થાળે પકવાંન દીધાં'
'કનકની પાવડી, ચરણ આગળ ધરી, કૃષ્ણે ચરણોદક શીશ લીધું'
'કનક ઝારી ભરી, શીત જળ આપિયું, કનક કટારે તે પાણી પીધું.'
'હેતથી હળીમળી, માન દીધું મને, રંક બેસાડ્યો કનક માંયી.'
'કનકની ભૂમિ ને રત્નના થાંભલા, અર્કની જ્યોત ઉદ્યોગ દીસે.' (પ્રેમાનંદ, સુદામાચરિત્ર, પૃ.૭૨)

અંતમાં ભક્તિભાવનો મહિમા કરતાં શાંતરસના આ કાવ્યમાં શબ્દાલંકારોનું બાહુલ્ય ધ્યાનાર્હ છે. આ અલંકારોની ઉપસ્થિતિ પાછળ ઝૂલણાની વિલક્ષણ લયછટાનું એ આંશિક પ્રદાન છે. આમ નરસિંહનું ભાષાકર્મ પણ 'સુદામચરિત'માં રંગ લાવ્યું છે.

હલધરદાસ અને નરસિંહ મહેતાના 'સુદામચરિત'માં રસવૈવિધ્ય ધ્યાનપાત્ર છે. રસાલેખનમાં બંનેય કવિઓ પોતાની પ્રતિભાને સવિશેષ કામે લગાડી છે અને આસ્વાદીય કોટિએ લાવવાનો પ્રયાસ કર્યો છે અને તેમાં બંનેય કવિઓને સમાન સફળતા મળી છે એમ ગણાવી શકાય છતાં રસનિરૂપણમાં તેમની છટાઓ ભિન્ન ભિન્ન જોવા મળે છે. હલધરદાસે પોતાની કૃતિમાં અદ્દભૂત, વિયોગ અને સંયોગ શૃંગારનું પણ આલેખન કર્યું છે. જેમકે દ્વારકાવર્ણનમાં અદ્દભૂત રસનું નિરૂપણ છે તો દ્વારકાથી પાછા ફર્યા પછી પોતાની પત્નીની શોધમાં અસફળ સુદામાના મુખે જે માર્મિક શબ્દો મૂક્યાં છે. જેમકે-
"પાનિ ગ્રહન જલ તે હો સમ તબ તે ન જુદાઇ,
એક અભાવ તે જુગલ આતમા દિવસ ગંધાઇ,
અન્ત સમય યહ નવન દોષ લાગ્યો હો સાંઈ,
જાસ, જીવન એક કૌર તાસુ મરનો બિલગાઈ,
અબ નાહક રે મૂઢ સહસિ સમૂહ ક્લેસ કો,
સબ કૌંસ હું યહ તાલ તે ચલૈ હંસ નિજ દેસ કો" (હલધરદાસ, સુદામાચરિત્ર, ૩૨૦)

આ વિયોગ શૃંગારનું સર્વગુણ સંપન્ન છે એમા સુદામા આશ્રય અને તેમની પત્ની આલેખન છે. હલધરદાસે સુદામાકથાનો અંત શાંતરસમાં કર્યો છે. જ્યારે અહીં સુદામા એ જાણી જાય છે કે પ્રત્યક્ષરૂપે કશું જ નહીં આપનાર કૃષ્ણ એ બે લોકનું રાજ્ય આપી દીધું, તો તે ગદ્ ગદ્ થઈને પરમકૃપાળુ ભગવાનનો જય જયકાર કરવા લાગે છે. ત્યાં તેમની વાણીમાં શાંતરસનો ભવ્ય- ઉજ્જ્વળ ધોધ વહેતો જોઇ શકાય છે. ત્યાં કથા પૂર્ણ થાય છે. આ ઉપરાંત અહીં કરુણ, હાસ્ય, રૌદ્ર વગેરે રસોનું નિરૂપણ અનેક પ્રસંગોએ થયેલું જોઇ શકાય છે. જ્યારે નરસિંહ મહેતાના 'સુદામાચરિત્ર'માં રસનિરૂપણ વિશિષ્ટ અને વૈવિધ્યસભર રીતે થયેલું જોઇ શકાય છે. કવિ નરસિંહ પોતે હરિભક્ત હોવાથી ભક્તિભાવનો મહિમા કરતાં એના કાવ્યમાં ભક્તિરસ અને શાંતરસ મુખ્યત્વે અનુભવાય છે. અહીં સુદામા પત્નીના ઉદ્દગારો ભક્તિભાવસભર છે. ભક્ત ભગવાનના મિલનમાં ભક્તાદર અને પ્રભુમહિમા છે. અને અંતમાં ભગવતકૃપાથી સમૃદ્ધિ મેળવતી સુદામાપત્નીનો ઉદ્દગાર-
“ગોમતી સ્નાન કરી, કૃષ્ણજી નિરખિયા
પુણ્ય પ્રકટ થયું પાપ નાઠું" (પ્રેમાનંદ, સુદામાચરિત્ર, ૭૧)

એના ભક્તિભર્યા હૃદયને પ્રગટ કરે છે, વળી કૃષ્ણ સુદામાની ઝૂંપડીની જગ્યાએ વિશાળ પ્રાસાદ ઊભો કરી દે છે. એનું વર્ણન અદ્દભૂત રસ જગાડે છે તો સુદામાને દારિદ્રતા, ગરીબાઇમાં કરુણ રસ જોવા મળે છે. દ્વારકાની સ્ત્રીઓ, બાળકો, સુદામાની સ્થિતિ જોઇ મજાક ઉડાવે તેમા હળવો હાસ્યરસ પણ છે. સમગ્ર રીતે નરસિંહમાં પણ રસનિરૂપણની કલાત્મકતા નોંધપાત્ર બની છે. બંનેય કાવ્યનો અંત 'શાંતરસ'માં આવ્યો છે. અને બંનેય કાવ્યોમાં 'ભક્તિરસ' કેન્દ્રમાં છે તે તુલનાત્મક દ્રષ્ટિએ સમાન છે તેમ કહી શકાય.

છેલ્લે કહી શકાય કે બંનેય કવિઓ અને બંનેય કૃતિઓ પોતપોતાની આગવી વિશિષ્ટતાઓ પ્રગટાવે છે અને તેને કારણે જે તે સાહિત્યમાં, જે તે ભાષામાં અને જે તે યુગમાં તેમણે પોતાનું આગવું મહત્વ અને સ્થાન જાળવી રાખ્યું છે. જે ઘણી મોટી ઉપલબ્ધિ અને સરાહનીય બાબત ગણાય.

સંદર્ભસૂચિ:

  1. મજમુંદાર,મંજુલા (સંપા.) 'મહાકવિ પ્રેમાનંદ તથા બીજા આઠ કવિઓના સુદામાચરિત્ર'(પ્રેમાનંદ સાહિત્ય સભા, વડોદરા)
  2. દેસાઈ, મગનભાઇ પ્રભુદાસ (સંપા.) 'કવિ પ્રેમાનંદ અને નરસિંહ કૃત સુદામાચરિત્ર'. (પાશ્વ પ્રકાશન, અમદાવાદ)
  3. જેસલપુરા, શિવલાલ (સંશોધક-સંપાદક) 'નરસિંહ મહેતાની કાવ્યકૃતિ' (પાશ્વ પ્રકાશન, અમદાવાદ)
  4. તિવારી, સિયારામ 'મધ્યકાલ કે ખંડકાવ્ય: મૂલ્યાંકન' (હિન્દી સાહિત્ય સંસાર, દિલ્હી)
  5. શર્મા, ડૉ.શિવકુમાર 'હિન્દી સાહિત્યનો ઇતિહાસ યુગ અને પ્રવૃત્તિઓ'. (ગ્લોબલ ઓફસેટ/અશોક પ્રકાશન,અમદાવાદ)
  6. હલધરદાસ. 'સુદામાચરિત્ર', ખડ્ગ વિલાસ પ્રેસ, પટના.

ડૉ. નિલેશ મકવાણા, અધ્યક્ષ અને આસિસ્ટન્ટ પ્રોફેસર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, એન.એસ.પટેલ આર્ટસ્ કૉલેજ, આણંદ.