Download this page in

‘તણખા’ મંડળ’-૧: ધૂમકેતુનું વાર્તાજગત

ગુજરાતી નવલિકાને આજે સો કરતાં વધારે વર્ષ થઈ ચૂક્યાં છે. ઈયત્તા અને ગુણવત્તાની બાબતમાં ગુજરાતી નવલિકાએ વૈશ્વિક ફલક પર પોતાની નામના મેળવી છે. ગુજરાતી વાર્તાનો આરંભ મલયાનિલની ‘ગોવાલણિ’થી થયો અને ત્યાર બાદ ધનસુખલાલ મહેતા અને ક.મા. મુનશી જેવા વાર્તાકારો પાસેથી વાર્તાઓ સાંપડે છે, પરંતુ ગુજરાતી નવલિકાક્ષેત્રે ધૂમકેતુનો પ્રવેશ સીમાચિહનરૂપ બની રહે છે. ગુજરાતી વાર્તાસાહિત્યના ઇતિહાસનું એક મહત્વનું સ્થિત્યંતર એટલે ધૂમકેતુ.

ધૂમકેતુએ ગુજરાતી નવલિકાને લોકપ્રિય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. ગુજરાતી સાહિત્યક્ષેત્રે ધૂમકેતુ જ્યારે કાર્યશીલ હતા ત્યારે ભારતીય સાહિત્યક્ષેત્રે રવીન્દ્રનાથ ટાગોર, પ્રેમચંદ જેવા સર્જકો સાહિત્યક્ષેત્રે પ્રવૃત્ત હતા. વૈશ્વિક ફલક પર જોઈએ તો ધૂમકેતુ અને ટી. એસ. એલિયટનું અવસાન વર્ષ એક જ છે. ધૂમકેતુ પાસેથી આપણે ‘પોસ્ટ ઓફિસ’ મળે છે, તો રવીન્દ્રનાથ પાસેથી ‘પોસ્ટ માસ્તર’ વાર્તા મળે છે. ધૂમકેતુની ‘પોસ્ટ ઓફિસ’ વાર્તાનો ‘The Letter’ શીર્ષકથી અંગેજી અનુવાદ થયો છે; જેને વિશ્વની શ્રેષ્ઠ દસ વાર્તાઓમાં પણ સ્થાન મળ્યું છે, જે ધૂમકેતુની સર્જક પ્રતિભાનું બહુમાન છે. આજના સર્જક માય ડિયર જયું ‘પોસ્ટ ઓફિસ’ના અનુસંધાનમાં ‘બાપ-દીકરી’ જેવી વાર્તા આપે છે, તો ગુણવંત વ્યાસ પોતે ‘હીંચકો’ વાર્તા આપે છે. ‘હિંચકો’માં વૃદ્ધની પત્ર ઝંખનાનો જે વિષય રજૂ થયો છે તેને કોચમેન અલીડોસાની વૃદ્ધાવસ્થા અને પત્ર ઝંખના સાથે સરખાવી શકાય તેમ છે.

ધૂમકેતુ ગાંધીયુગના સર્જક છે. ગાંધીયુગીન મૂલ્યો અને આદર્શ તેમના સર્જનમાં જોઈ શકાય છે. પણ મહત્વનો મુદ્દો એ છે કે વાર્તાકાર તરીકે પન્નાલાલ, મેઘાણીની જેમ તે આજે પણ વધુ વંચાય છે. એક બાજુ ભાવના-આદર્શ અને બીજી બાજુ વાસ્તવના સંમિશ્રણવાળી તેમની વાર્તાઓનો કેન્દ્રભૂત વિષય અનેક સ્વરૂપોમાં વિલસતો માનવીયપ્રેમ છે. સમાજનાં નીચલા થરનાં મનુષ્યોને તેમાં પાત્ર તરીકે સ્થાન મળ્યું છે. તત્કાલિન સમય અને સમાજને યથાર્થ રીતે રજૂ કરવામાં તેમને ધારી સફળતા મળી છે. તેમની કેટલીક વાર્તાઓમાં આવતાં કેટલાંક વિધાનો વાર્તાના હાર્દ કે મર્મને ખોલી દે છે પરંતુ તે યુગના માનસને ધ્યાનમાં લેતાં તેમ કરવું આવશ્યક લાગે છે.

ધૂમકેતુએ તણખા મંડળ-૧માં મૂકાયેલ વાર્તાઓમાં ‘પોસ્ટ ઓફિસ’, ‘ભૈયાદાદા’, ‘જુમો ભિસ્તી’, ‘ગોવિંદનું ખેતર’, ‘કલ્પનાની મૂર્તિઓ’, ‘મશહૂર ગવૈયો’, ‘સોનેરી પંખી’, ‘પૃથ્વી અને સ્વર્ગ’, આત્માનાં આંસુ’ આદિ વાર્તાઓ તેનાં વિષય વસ્તુ, રચના વિધાન અને ભાષા સંદર્ભે નોંધપાત્ર છે. આ વાર્તાઓને આપણે વિષય પરત્વે વાસ્તવ અને કલ્પના એમ બે વર્ગમાં વહેંચીને જોઈ શકીએ છીએ. પોસ્ટ ઓફિસ’, ‘ભૈયાદાદા’, ‘જુમો ભિસ્તી’, ‘ગોવિંદનું ખેતર’, જેવી વાર્તાઓમાં ધૂમકેતુએ વાસ્તવ જગતને નજર સમક્ષ રાખીને ભાવના-આદર્શની સ્થિતિ આલેખી છે જ્યારે ‘કલ્પનાની મૂર્તિઓ’, ‘મશહૂર ગવૈયો’, ‘સોનેરી પંખી’, ‘પૃથ્વી અને સ્વર્ગ’, ‘આત્માનાં આંસુ’માં કલ્પનામય જગતનું આલેખન કર્યું છે. આ વાર્તાઓની ભાષાશૈલી કાવ્યાત્મક ગદ્યની કોટીએ પહોંચે છે. હૃદયંગમ પાત્રચિત્રણ, પ્રાસાદિક ભાષાશૈલી તેમજ સમાજના વ્યાપક ફલક પર પહોંચતી તેમની સર્જકદૃષ્ટિ આદિ તેમની વાર્તાઓમાં ચિરંજીવી અંશો છે.

‘પોસ્ટ ઓફિસ’માં કોચમેન અલીડોસા અને મરિયમના પાત્ર દ્વારા પિતા-પુત્રીના સબંધને રજૂ કરવા માટે પોસ્ટમાસ્તર અને તેની પુત્રીના સંન્નિધિકરણ દ્વારા વાર્તારસની જમાવટ, નાટ્યાત્મક કથાવસ્તુ અને વસ્તુસંકલના સંદર્ભે ધૂમકેતુને ધારી સફળતા મળી છે. તો ‘ભૈયાદાદા’માં પણ અધિકારીઓની તોછડી વર્તણૂક અને માનવતાહીન વર્તન સામે પ્રેમાળ, સંવેદનશીલ એવું વૃદ્ધ ભૈયાદાદાનું પાત્ર મૂકીને વાસ્તવજગતની કરુણાને ચીંધી છે. આ બંને વાર્તાઓનો ધ્વનિ સમાન છે. યુવાનીમાં અલી પોતે શિકારી હતો ત્યારે પોતે પશુ-પક્ષીની યાતના સમજી શક્યો નહોતો. અલીના કારણે પશુપક્ષીને અને પોસ્ટમાસ્તરના કારણે અલીને યત્નનો સામનો કરવો પડ્યો છે. બન્નેએ બીજાનો કદી વિચાર નહોતો કર્યો અને આથી જ ધૂમકેતુ વાર્તાના ધ્વનિને રજૂ કરતાં કહે છે કે “માનવી જો પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિથી જુએ તો અર્ધુ જગત શાંત થઈ જાય.” જ્યારે ભૈયાદાદા વાર્તામાં “આ યંત્રવાદમાં એક વખત જગત પણ યંત્ર જેવું બની જશે” એવું વિધાન કરીને વીસમી સદીના આરંભે જ યંત્રયુગીન સંસ્કૃતિનો પગપેસારો કેવાં ભયાનક પરિણામો સર્જશે તે અંગે પોતાના વિચારોને મૂક્યા છે. રેલવેમાં સંધાવાળાનું કામ કરતા ભૈયાદાદાથી એક વખત ક્રોસિંગ આગળ અકસ્માત થતાં રહી ગયો અને પરિણામે સુપરિટેન્ડેન્ટ પોતે રંગપુરના રેલ્વે સ્ટેશને આવીને ટ્રાફિક ઈન્સ્પેકટર અને શિરસ્તેદાર સાથે મળીને ભૈયાને પોતાની જગ્યાએથી રજા આપવાની વાત કરે છે. પચ્ચીસ વર્ષથી આજ જગ્યાએ નોકરી કરતાં અઠ્ઠાવન વર્ષના વૃદ્ધ ભૈયા પ્રત્યે શિરસ્તેદાર વિનાયકરવને સહાનુભૂતિ હોવા છતાં પોતે કશું જ કહી શકતા નથી. અહીં સત્તાતંત્રની જોહુકમી સામે સહાનુભૂતિનું કાંઈ જ વળતું નથી. જેણે પોતાના કામ પાછળ આખી જિંદગી ખર્ચી નાખી છે તેવા ભૈયાદાદાને જગ્યા ખાલી કરવાની ફરજ પાડવામાં આવતાં તેનું જે પરિણામ આવે છે તે અત્યંત કરૂણ બની રહે છે. ‘ગોવિંદનું ખેતર’માં પણ ગ્રામજીવન અને નગરજીવન વચ્ચેનો સંઘર્ષ રજૂ કર્યો છે. તૂટતાં ગામડાનો અને વધતાં શહેરો વચ્ચે ભીંસતા, રહેસાતા માનવીનું યથાર્થ દર્શન અહીં કરાવ્યું છે. તત્કાલિન સમયમાં આવી રહેલાં પરિવર્તનોને ધૂમકેતુની સર્જક પ્રતિભાએ પ્રમાણી છે, એટલુ જ નહીં તે વિશેનો પોતાનો પક્ષ પણ દર્શાવ્યો છે. વાર્તાન્તે મુકાયેલ ભાગીરથીના શબ્દોમાં લેખકનો ગ્રામજીવન પ્રત્યેનો પક્ષપાત વ્યક્ત થયો છે. “આ પ્રકૃતિનું સોંદર્ય, ખેતરની સ્વાધીનતા, લીલી વાડી ને જિંદગીની તાજગી ખોઈ યંત્રોના મોહમાં શહેરમાં આપઘાત કરવાનો પાઠ કોણ આપી રહ્યું છે? શું ગામડાં ભિખારી થશે અને શહેરો ગુલામ થશે? એ આ સંસ્કૃતિનું ધ્યેય છે?” આપણાં ગાંધીયુગીન સર્જકોએ ગ્રામજીવનની ખૂબ હિમાયત કરી છે. એક મોટો સર્જક વર્ગ ગામડાઓમાંથી આવ્યો હોવાના કારણે પોતાના અનુભવોનું ભાથું કૃતિમાં જીવન દર્શનરૂપે આપે છે. માનવ અને પશુ વચ્ચે પણ અતૂટ બંધન છે અને પશુઓમાં રહેલી વફાદારીના ગુણને ‘જુમો ભિસ્તી’ દ્વારા ધૂમકેતુએ સાબિત કર્યો છે. જુમો ભિસ્તી પોતાના પાડા વેણુ માટે પોતાનો જીવ આપવા તૈયાર છે ત્યાં એ જ પાળેલ પશુ પાડાએ પોતાના માલિકને દૂર ફેંકીને તેને મરતો બચાવીને પોતે ગાડી નીચે છૂંદાઈને માલિક પ્રત્યેનો પ્રેમ અને વફાદારી દાખવે છે. આજે એકવીસમી સદીમાં માનવ-માનવ વચ્ચેના સંબંધોમાં આવતી દૂરતાના સંદર્ભે વિચારતા કરે તેવી આ વાર્તા છે.

‘કલ્પનાની મૂર્તિઓ’ ત્રણ કલાપ્રેમીની વાર્તા છે. પિતા, પુત્રી અને પુત્રીનો પ્રેમી એ ત્રણ પાત્રો દ્વારા કલાપ્રેમીઓની ધૂન અને તેની ઘેલછા નિરૂપાઈ છે. કલાપ્રેમીની ભાવના અને પ્રેમીજનના ભાવ ધૂમકેતુએ આબાદ રીતર પકડ્યા છે પણ વાર્તાના આલેખન પાછળ કોઈ પ્રતીતિજનક આશય સ્પષ્ટ ન થઈ શકવાને કારણે ફેન્ટસી પ્રકારની બની રહે છે. ‘પૃથ્વી અને સ્વર્ગ’માં પણ કલાકારના જીવનની કરુણતાનું દર્શન કરાવ્યું છે. તેમાં મનુષ્ય સમાજના પતનની કાલ્પનિક કથા છે. ઇર્ષ્યાભાવ અને ભૌતિક સંપત્તિથી સાચાપ્રેમને જીતી શકાય નહીં. સુમેરુ પોતે શુકેશીના પ્રેમની ઈર્ષ્યા કરીને તેને પામવા દ્રવ્ય અને સત્તા મેળવે છે પણ તેના હૃદયને જીતવામાં નિષ્ફળ જાય છે અને અંતે માનવ સમાજના પતનનું પોતે કારણ બને છે. પોતે આ વાત જાણે છે ત્યારે પારાવાર પશ્ચાતાપ અનુભવે છે. અધિકાર, સત્તા, ઈર્ષ્યા તેમજ ભૌતિક સંપત્તિના કારણે માનવ સમાજનું અધોપતન થતું દર્શાવ્યું છે. માનવીની નિકૃષ્ટ વૃત્તિઓએ જ સ્વર્ગ જેવી પૃથ્વીને કંગાળ બનાવી મૂકી છે. ‘આત્માનાં આંસુ’માં ઐતિહાસિક વસ્તુના આધારે આમ્રપાલિના બલિદાનની કથા આલેખી છે. ‘સોનેરી પંખી’માં સોહનના જીવનની કરૂણતાનું આલેખન થયું છે. અહીં પણ ‘પોસ્ટ ઓફિસ’ની જેમ ભૂતકાલીન જીવન અને વર્તમાન જીવન વચ્ચેનો સંઘર્ષ રજૂ કર્યો છે.

ધૂમકેતુમાં આપણે સ્પષ્ટ રીતે દેખીતાં બે વિરોધને જોઈ શકીએ છીએ. ગ્રામજીવન અને શહેરી જીવન, પ્રાચીન સંસ્કૃતિ અને આધુનિક સંસ્કૃતિ, જૂની પેઢી અને નવી પેઢી, કલ્પના જગત અને વાસ્તવ જગત આના કારણે તેમણે જીવનને બે વિભાગમાં વહેંચી દીધું જણાય છે. એકના મુકાબલે બીજું વધુ સારું, શ્રેષ્ઠ અને આદર્શ છે તેવું બતાવવાનો પ્રયત્ન તેમણે પોતાની વાર્તાઓમાં કર્યો છે. માનવીય પાસાને ઉજાગર કરવાના વધુ પડતા આગ્રહને કારણે કલાતત્વને ચૂકી જાય છે અને ત્યારે વાર્તામાં બોધપ્રધાન સૂર આગળ આવી જાય છે. વાસ્તવ જગતનું કલાતત્વમાં રૂપાંતરણ ન થવાના કારણે કલાગત મુશ્કેલીઓ સર્જે છે.

ધૂમકેતુની વાર્તાઓનું ઇતિહાસમૂલ્ય ઓછું મૂલ્ય નથી. ગુજરાતને સૌ પ્રથમ એમને જ ટૂંકીવાર્તાનો પરિચય કરાવ્યો છે. પોતાના સર્જનના ચાર દાયકા દરમ્યાન ચોવીસ નવલિકા સંગ્રહો અને ચારસો બાણું જેટલી નવલિકાઓ આપીને ગુજારી નવલિકાક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન કર્યું છે. મલયાનિલ, ધનસુખલાલ મહેતા અને મુનશી જેવા પુરોગામી વાર્તાકારો થયા હોવાં છતાં ધૂમકેતુએ ગુજરાતી વાર્તાક્ષેત્રે જે સર્જક પ્રતિભા દાખવી છે તેના કારણે ગુજરાતી નવલિકાના આદ્યપ્રણેતા બની રહે છે.

સંદર્ભ સૂચિ::

  1. ધૂમકેતુ - ઈલા નાયક, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, પ્ર. આ. ૨૦૦૨
  2. ધૂમકેતુ -ડૉ. ભરતકુમાર ઠાકર, આદર્શ પ્રકાશન, અમદાવાદ, પ્ર. આ. ૨૦૦૮
  3. તણખામંડળ-૧,૨ ધૂમકેતુ, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  4. ટૂંકી વાર્તા અને ગુજરાતી ટૂંકી વાર્તા- સંપા. જયંત કોઠારી,
  5. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ-૪ સંપા. ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ,
  6. ધૂમકેતુ - નીતિન વડગામા, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ

ડૉ. રમેશ ચૌધરી, આસિસ્ટન્ટ પ્રોફેસર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી,વલ્લભ વિદ્યાનગર મો. 99098 23922