Download this page in

શામળની લોકવાર્તાઓમાં સમસ્યાઓનું નિરૂપણ

અમદાવાદની ભૂમિમાં જે થોડાં પણ ખ્યાતનામ સાહિત્યકારો થયા છે તેઓમાં પરંપરાથી પ્રાપ્ત લૌકિક વાર્તાઓમાંથી વસ્તુ લઈ અદભૂત પદ્યકથાઓ રચનાર શામળભટ્ટ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મોખરાનું સ્થાન ધરાવે છે. શામળનું મૂળ વતન અમદાવાદનું વેંગણપુર (આજનું ગોમતીપુર) હતું. શામળ જ્ઞાતિએ શ્રીગૌડ માળવી બ્રાહ્મણ, પિતાનું નામ વિરેશ્વર, માતાનું નામ આનંદીબાઈ તથા પુત્રનું નામ પુરુષોત્તમ હતું, શામળના ગુરુ નાના ભટ્ટ હતા. ‘મડાપચીસી’ના આરંભમાં અને ‘મદનમોહના’ના અંતમાં પણ નાના ભટ્ટના શિષ્ય હોવાનું ગૌરવ શામળ અનુભવે છે. માતર પરગણાના સિહુંજ (સુંજ) ગામના જાગીરદાર કણબી લેઉઆ પટેલ રખીદાસનો પરિચય શામળને ગુમાન બારોટ દ્વારા થયો હતો. આ રખીદાસે શામળના ભરણપોષણની જવાબદારી ઉપાડતાં ઉદર નિર્વાહની ચિંતામાથી મુક્ત બનેલા શામળે મન મૂકીને સાહિત્ય સર્જન કર્યું હતું. શામળે પ્રથમ તો કથાકાર પુરાણીનો વ્યવસાય અપનાવેલો. શામળને પણ અન્ય પુરાણીઓની ઈર્ષાનો સામનો કરવો પડયો હતો તથા તત્કાલીન પ્રજા ભવાઈ તરફ ખેંચાઇ જતી હતી તેય રોકવાનું હતું, આથી શામળે પ્રજાને પોતાના તરફ ખેંચવા વાર્તા રચવાનો આરંભ કર્યો એવી કિવદંતી છે.

શામળના જન્મ અને મૃત્યુનું નિશ્ચિત વર્ષ જાણવા મળતું નથી, પરંતુ તેની અનેક કૃતિઓના રચના વર્ષ જાણવા મળે છે. ‘પદ્માવતીની વાર્તા’નું રચના વર્ષ ઈ.સ.૧૭૧૮ (સં.૧૭૩૪) છે. એથી પહેલા રચાયેલી કોઈ કૃતિ મળતી નથી. એની અંતિમ કૃતિ ‘સૂડાબહોતેરી’ ઈ.સ.૧૭૬૫માં પૂરી થઈ હતી. આ બે કૃતિઓના રચના વર્ષને આધારે શામળના મોટાભાગના અભ્યાસીઓ શામળનો જીવનકાળ ઈ.સ.૧૬૯૫થી ઈ.સ.૧૭૭૦ દરમ્યાનનો ગણે છે. આમ શામળનો કવનકાળ સ્પષ્ટપણે અઢારમી સદીમાં છે. શામળનો સર્જક તરીકેનો યશ મનોરંજક લોકકથાઓ પર સવિશેષ અવલંબિત છે. શામળરચિત લોકવાર્તાઓમાં ચંદ્ર-ચંદ્રાવતી, પદ્માવતી, બરાસકસ્તૂરી, મદનમોહના અને નંદબત્રીસી સ્વતંત્ર રૂપમાં લખાયેલી કથાઓ છે.

સમસ્યાને તો મૂળ લોકસાહિત્યનું જ અંગ ગણવામાં આવે છે. શામળની વાર્તાઓમાં સમસ્યાઓ, ઉખાણાં, મહાત્મ્યગાનો, પ્રશ્નોત્તરીઓ, બોધવચનો વગેરે જોવા મળે છે. તેમાં સમસ્યાની વાત કરીએ તો સમસ્યા સ્ત્રી-પુરુષના રાગાત્મક વલણ-વ્યવહાર સાથે વાર્તામાં સંકળાતા સંદેશ અને બારમાસી જેવો પ્રકાર છે. લગ્નની પસંદગીમાં ચાતુર્યની આંકણી તરીકે કે લગ્ન પછી સ્ત્રી-પુરુષના મિલન સમયે કાલનિર્ગમક રમતરૂપે સમસ્યાનો ઉપયોગ થતો હોય છે. સમસ્યાનો ખરો બુદ્ધિવિનોદ તો તેમાં પુછવામાં આવેલા પદાર્થના વિરોધાત્મક અને તેથી જ ચમત્કૃત કરે એ પ્રકારના ગુણલક્ષણોના સૂચનમાં મળે છે. ‘અહીં આવું છે તે છતાં તે આ વસ્તુ તો નથી જ’ એ પ્રકારે વિરોધને પ્રગટ કરી, મૂળ પદાર્થની કલ્પના કરવામાં મદદરૂપ બનવાનો અને મૂળને ગોપિત રાખવાનો પ્રયત્ન હોય છે. ગુણલક્ષણ ઉપરાંત ક્વચિત પદાર્થના શબ્દના પહેલા, છેલ્લા અને વચલા અક્ષરનો સીધો કે આડકતરો ઉલ્લેખ કરીને પણ સમસ્યા પુછાય છે. આમ, સમસ્યા પોતાને અભિપ્રેત અર્થને સામી વ્યક્તિ પ્રત્યે સૂચનાત્મક રીતે સીધો કે આડકતરો અભિવ્યક્ત કરવાનો પ્રયોગ છે. અહીં સામાન્ય નહીં પણ વિશેષને તંતુ આધારે લક્ષ પ્રાપ્ત કરવાનું હોય છે. શામળે પ્રયોજેલી સમસ્યામાંથી કેટલીક તો બાળ ઉખાણાં જેવી છે ને કેટલીક જૂની પરંપરાની ચમત્કૃતિપૂર્ણ સમસ્યાઓ પણ છે. સમસ્યામાં પૂછાયેલા પદાર્થો આપણા મધ્યકાલીન ગુજરાતનાં સામાન્ય પ્રજાજીવનના રોજિંદા જીવનવપરાશના છે.

ચંદ્ર-ચંદ્રાવતીનું કથાનક જેમતેમ જોડી દીધેલા કથકો વડે બનેલું હોઈ શામળની અન્ય વાર્તાઓ જેવું આકર્ષક નથી. પ્રચલિત ઘટકોનો વિનિયોગ કરી નવી સ્વતંત્ર વાર્તા રચવાનો પ્રયાસ અહીં કવિએ કર્યો છે. ચંદ્રસેન-ચંદ્રાવતી નામજોડી શામળ પહેલા જાતકકથાની એક પ્રણયકરુણ કાવ્યાત્મક કથાના નાયક-નાયિકાને મળેલી છે. આ ઉપરાંત મધ્યકાલીન કૃતિ પંડિત શુભશીલગુણિકૃત ‘વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય’ વાર્તામાં સહોદર જોડિયા ભાઈબહેનની જોડી ચંદ્રશેખર અને ચંદ્રાવતી પતિપત્ની ભાવવાળા બને છે. તેમના નામ પણ ચંદ્ર-ચંદ્રાવતીના નાયક નાયિકાને મળતા આવે છે. જૈન કથા પરંપરામાની એકમાં પુષ્પચૂલા અને પુષ્પચૂલ એ સમાન નામવાળા જોડિયા ભાઈબહેનના લગ્નની કથા છે પણ આ કથાના નાયક-નાયિકાના નામ ખુદ શામળે જ ‘મદનમોહના’ની એક મોહનાના ભ્રમણની આડકથામાં અન્ય વાર યોજેલા છે. કૃતિનો ઉત્તરાર્ધ બિલ્હણકથાને આધારે ઘડાએલો છે. રાજજ્ઞાભંગથી વધસ્થંભે લઈ જવાતા મૃત્યુદંડના કેદીને પરણવાની રાજકુમારીની હઠ અને અનુમૃત્યુની ધમકીથી રાજા કેદીની સજા માફ કરી પુત્રીના લગ્ન કરાવી આપે છે એ બિલ્હણકથાનો અંશ અહીં જોવા મળે છે. બિલ્હણકથામાં કેદી અને રાજકુમારી ગુરુશિષ્યારૂપે પૂર્વપરિચિત તથા પ્રેમી છે જ્યારે આ વાર્તામાં ચંદ્રસેન અને નિધિનંદની વચ્ચે કોઈ પૂર્વ પરિચય નથી. સમસ્યા, લગ્ન શરત, ઘડિયાલગ્ન, વિશિષ્ટ પરિસ્થિતિમાં પતિપત્નીનું ગુપ્ત મિલન ને સગર્ભા પત્ની પર પડતી વિપત્તિ, યાત્રા મિષે પરદેશગમન જેવા ઘટકો વડે રચાતી આ રચનામાં પાછળથી રચાયેલિ પદ્માવતી, મદનમોહના જેવી વાર્તાઓના બીજ જોઈ શકાય છે.

‘ચંદ્ર-ચંદ્રાવતી’ વાર્તામાં શ્રીહઠ દેશના શ્રીપતરાય નામના રાજાનો તેર વર્ષનો પુત્ર ચંદ્રસેન ભાગવતશ્રાવણથી પ્રેરાઇને પોતાના મિત્ર પ્રધાન પુત્રને સાથે લઈ યાત્રાએ નીકળે છે. યાત્રા દરમિયાન તે શ્રમેલાપુર પાટણ પહોંચે છે. ત્યાં માના નામની ચતુર માલણ સાથે મેળાપ થાય છે. તેના ઘેર છ-સાત દિવસ રોકાય છે. ત્યાં પાસેના શિવમંદિરમાં શ્રીવંતસંગ રાજાની કુંવરી ચંદ્રાવતી પુજા કરવા આવે છે. અહીં ચંદ્રસેન માળિયામાંથી સંતાઈને તેને જુએ છે અને મોહમુગ્ધ બને છે. અને બીજા રવિવારે શિવલિંગ પર પ્રેમપત્ર મૂકે છે જે ચંદ્રાવતી વાંચતા જ તેના હૈયામાં પણ મોહબાણ વાગે છે, પણ પોતાની સમસ્યા ઉકેલે તેની સાથે જ લગ્ન કરવાની પ્રતિજ્ઞા હોવાથી પોતાના મનને કાબુમાં રાખે છે. ચતુર માના બંનેનો મનોભાવ પામી જાય છે અને મદ્યસ્થી બને છે. ચંદ્રાવતી દ્વારા બત્રીસ સમસ્યાઓ પુછવામાં આવે છે. જેના ચંદ્રસેન યોગ્ય ઉત્તરો આપે છે.
મુગતાફલ જેહેવો વરણ અધિક અવનિ પર પડયો
કોણ જાણે કોહોને માલમ તે કંથ માહારાને જડિયો
સોંપ્યો ત્યે માહારે હાથ્ય મે તો ભાજનમાં ભેલિયો
હરી ગયો કેયેક ચોર કે કો નર નારી ગલીઓ
કોટિ ઉપાયે કોટી રત્નથી લખ માણસ સાટે લીજીએ
શામલ કેહે સોધો નવ મલે તો તાં શો ઉત્તર દીજીએ [ કરો ] ૨૨૮
ચૌદ ચરણા (પર) તક્ષ આપ ચાલે છે આઠે
બાર હાથ બલવંત પાચ મુસ્તગથીર ઠાઠે
ભૂશેણા વસ્ત્ર ઓપંત્ય રાજ દરબાર રહે છે
નારી જાત્યે નવરંગ વપુપર ભાર વહે છે
પુણ્ય વીના નવ પામીએ દશ પંનર હજારેક નામ છે
શામલ કેહે સોધી જુઓ રે સહુને રુદે તો રામ છે [ પાલખા ] ૨૨૯
દીઠું છે અચરત એક સામલુ છે સહુ કર્ણે
જાતા દીઠા જસવંત તોલ થકી જંત્ર ત્રંર્ણે
ખટ પગ ને ખટ હાથ લોચન બે દેવત દેખે
ચરણે બે ચાલંત લલિત લક્ષણથી લેખે
કાનને નામે નામ છે સતવાદી શો(ભિ)ત સદા
શામલ કેહે શોધી જુએ કૂડ બોલ નવ્ય કેદું સદા [ શરવણ ] ૨૩૦
વૃક્ષ નહિ નહિ વેલ નહી પાન ને નહી ફુલે
નહી બીજ વાવેત્ર કેહે કણ અતી અમૂલ્યે
ગુણજસ અપરમપાર દેશ બાધામાં દીઠો
ભોજનમાં તે ભળે મનુષ્યને લાગે મીઠો
મુઘો ગુણ તે મોતી થકો સુધા માહે સુધા સદા
શામલ ભટ્ટ કેહે શોધી જુઓ તે કોણે નવ્ય તજીવો કદા [ લવણ ] ૨૩૧
એક બાલકને બે મુખ એક ઉપર એક હેઠું
ઉપર પાતલું છેક કેડેથી પોહોલ્યુ પીઠું
તલે મુખ તેહમાં જીબ તેહે બોલાવ્યું બોલે
તે હલાવ્યો હાલંત તેહે ડોલાવ્યો ડોલે
ઈશ્વર પાસે રહે અધિક ગુણવંતા જનને ગુણ ગમે
શામલ કેહે તે ઉચરે તારે જગત લોક તેહને નમે [ ઘંટડી ] ૨૩૨

આમ રાજકુમારી ચંદ્રાવતી સર્પની કાંચલી (૨૩૩), ચાક (૨૩૪), ઘાંણી (૨૩૫), આંબુ (૨૩૬), જે વડે પુઆં ખંડાય છે (૨૩૭), વાંસવલોણુંગોલી (૨૩૮), ઢાલ (૨૩૯), નીશા (૨૪૦), ઘંટી (૨૪૧), શુક્રાચાર્ય દેડકાનું વાહન છે (૨૪૨), કોસ સુંઢિયો (૨૪૩), પખાણ બલદની (૨૪૪), વ્યુણા (? વણ) કપાસ (૨૪૫), સેલડી (૨૪૬), તીર (૨૪૭), બરછી (૨૪૮), કાચંડો (૨૪૯), ઝારી (૨૫૦), ચાંચડ (૨૫૧), છાસ (૨૫૨), કોલુ શેરડી પીલ્યાનો (૨૫૩), વાંણ નદીનું (૨૫૪), પ્રથવીની માટી – બીજું સોનું રૂપું (૨૫૫), મુછ (૨૫૬), મોર (૨૫૭), પડાઈ (૨૫૮), રેટીયોં મોટા હીરાને (૫૫૯) વગેરે સમસ્યાઓ જણાવે છે જેના બધા જ ઉત્તરો બુદ્ધિમાન ચંદ્રસેન હલ કરી આપી સામી ચંદ્રાવતીને બત્રીસ સમસ્યાઓ પૂછે છે.
અચરત એ અપાર વપુહ તેહેનું વાંકડીયુ
પાછળ પૂઠ શિયાળ શોભતુ મુખ સાંકડિયુ
ઘણાં રૂપ ઘણાં નામ ઘણી બાબત મુખ બોલે
છતરીસ રાગ છત્ર છત્ર દશી દશાયો ડોલે
બોલાવ્યું બોલે નીચ ઘેર ઉચ અમીરને વસ કરે
સાંમલ સમસ્યા શોભતિ ધારક રુડા મન ધરે [ વાજાં શરણાઈ મુગલભેર કરણઢા ] ૩૪૧
નિરખી નાની નાર કંઈ ઉજળી કંઈ કાળી
કુડકપટ કલંક પંડમાં પોઢી પાલી
ચરણ લંબા બેહે બાહે બોંહો ધુંજાવ્યે બેડી
અનમી નર અહંકાર ટેક રાખની ટેડી
તે ભામની ભોયરું ભોગવે ભૂપતિની પાસે ભજે
દસમંન જંન દેખિ ડરે સાંમલ કેહે સોભા સજે [ કટારી ] ૩૪૨
શીસવિહાંણી નાર મુખ મોટુ સુખ માંણે
ભોરીંગતણ જ્યે ભક્ષ જમી તેહ ઝાઝુ જાંણે
પલક ના રાખે પેટ વલિ ઉઠે વલિ બેસે
પાતલું સરખું પેટ તેહે પૃથ્વીમાં પેસે
વાંકા કઠણને વશ કરે બલતાને બાલે બહુ
સમઝા કેડે તો સહેલ છે સામલ કહે સોધો સહુ [ ધમણ ] ૩૪૩
નૌતમ નિરખી નાર જુલમવાળી ઝળકંતી
નહી હાથ નહીં પગ લાડ ઘણે લળકંતી
મંદિરમાંહો માહાલતાં ઓપ્યે છે ઓઢી પહેરી
નાસે થૈ નિરમાલ્ય વાદ કરે જેહે વેહેરી
નારી જાત્ય નિર્બળ નહી કાળી કુરૂપ કાયાથકી
સામલ કેહે સાણે સમજસે કહૂ ડાહા તેહેને નકી [ તરૂઆર ] ૩૪૪

આ ઉપરાંત ચંદ્રસેને લાખનાં રમકડાં હાથી ઘોડા બે બદામે વેચ્યો (૩૪૫), ઘડીયાલુ (૩૪૬), (૩૪૭), (૩૪૮), એ બાર રાસીનાં બાલક બાંધી શ્રીષ્ટિએ (૩૪૯), (૩૫૦), ઘોડિયું બાલકનું (૩૫૧), એ તો પાવડીઓનું જોડું (૩૫૨), એ ત્યે પરતાલુ (૩૫૩), ખાટલો ને ખાટલી (૩૫૪), એ તો સર્પની કાંચલી (૩૫૫), એ તો નાવડું (૩૫૬), એ તો ટીપણૂ (૩૫૭), એ તો દશોરો (૩૫૮), ત્રાજુઆ કાંટો (૩૫૯), એ તો તાંત્ય પીંજરાને (૩૬૦), એ તો તંબૂરો તાંત્ય (૩૬૧), સુકઠ ઓરસિઓ (૩૬૨), એ ત્યે છે પાઘડી (૩૬૩), માંખી (૩૬૪), એ તો દીવો (૩૬૫), એ તો તોપનાલ (૩૬૬), નગારું (૩૬૭), એ તો શ્રીફલ (૩૬૮), સોગઠાં (૩૬૯), (૩૭૦), દરપણ (૩૭૧), કાગલ (૩૭૨) વગેરે સમસ્યાઓ જણાવી છે. અહીં કોઈક સમસ્યાના જવાબો આપેલા નથી તે સમસ્યાઓમાં હરગોંવિદદાસ નાથાશંકરની મુદ્રિત નકલને ‘હ’ સંજ્ઞા દ્વારા અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીવાળી પ્રતને ‘વિ’ સંજ્ઞા આપી છે. અને અમુક સમસ્યાઓમાં ‘હ’ નો ‘વિ’ જોડે તુલનાત્મક અભ્યાસ કરેલો છે.

આમ ચંદ્રાવતીની સઘળી સમસ્યાઓના હલ સત્વરે મળી જતાં ચંદ્રાવતીને ખ્યાલ આવી જાય છે કે ચંદ્રસેન અહીં નગરમાં જ છે. પછી બંનેનું થતું મિલન, ગાંધર્વ લગ્ન, લગ્ન કર્યા બાદ ચંદ્રસેનનું યાત્રા નિમિત્તે આગળ વધવું, ચતુર માના દ્વારા લગ્ન નિમિત્તનો પત્ર લેવાવો, ચંદ્રાવતીનું સગર્ભા બનવું, ગુસ્સે થયેલા રાજા દ્વારા ચંદ્રાવતીને જંગલમાં છોડી આવવા પ્રધાનને આજ્ઞા, દયાવાન પ્રધાન દ્વારા ચંદ્રાવતીને પોતાના ઘરે રાખવી, ત્યાં પુત્રને જન્મ, યાત્રાએ નીકળેલા ચંદ્રસેનનું રાજસંઘ રાજાની નગરીમાં પહોંચવું, રાજસંઘ રાજા દ્વારા પૂર્વેનો બદલો લેવા ચંદ્રસેનને કેદ કરવો, મૃત્યુદંડનું ફરમાન, રાજકુમારી નિધિનંદનીનું ચંદ્રસેનના પ્રેમમાં પડવું, રાજા દ્વારા કરાવાતા બંનેના લગ્ન, ચંદ્રસેનને ચંદ્રાવતીની યાદ આવવી, સેના લઈ શ્રમેલા પાટણ પહોંચવું, રાજાને કહેવડાવ્યું : ‘જોર હોય તો યુદ્ધ કર અથવા તો તારી પુત્રી પરણાવ’, પુત્રી ચંદ્રાવતીને જંગલમાં મોકલવા બદલ રાજાનો પશ્ચાતાપ, પ્રધાન દ્વારા સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ, ચંદ્રાવતી પ્રધાનના ઘરે હોવાથી રાજાનું ખુશ થવું, ચંદ્રસેન અને ચંદ્રાવતીનું મિલન, અંતે બંને પત્નીઓ અને પુત્રને લઈને શ્રીહઠનગર પાછો ફરે છે.

‘પદ્માવતી’ વાર્તાના કથાવસ્તુની વાત કરીએ તો ચંપાવતી નગરીમાં ચંપકસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. એને પુષ્પાવતી નામની પટરાણી હતી. એમનો યુવાન પુત્ર પુષ્પસેન બત્રીસ લક્ષણો અને બાણવિદ્યામાં પારંગત હતો. પ્રધાનપુત્ર બુદ્ધિસાગર સાથે તેને ગાઢ મૈત્રી હતી. બંને એકવાર શિકાર કરવા સરોવર કિનારે ગયા. ત્યાં કુંવરને જોઈ સુલોચનાએ તેને પરણવાની મનોમન પ્રતિજ્ઞા લીધી. અને માથા પર મૂકેલા ઘડાને વીંધવાની શરત મૂકે છે, અને તેમાં બેડું ન વીંધાતા સુલોચના જીતે છે અને કુંવરને ઘેર આવવાનું નિમંત્રણ આપે છે. પુષ્પસેન તેના નામઠામ પૂછે છે, સુલોચના પુષ્પસેનને સમસ્યા દ્વારા જ પોતાનું ઘર અને મળવાનો સમય જણાવે છે. પુષ્પસેનનું સુલોચનાને મળવા જવું, તે જ વખતે નગરમાં બે વાઘ ઘૂસી આવવા, રાજાનો વાઘને મારવા માટે પડો વગાડાવવો, પુષ્પસેનનું દોષી ઠરવું, રાજા દ્વારા શિરચ્છેદ કરવાનો હુકમ, રાણી દ્વારા આત્મવિલોપનની ધમકી, પુરોહિત દ્વારા મધ્યમમાર્ગ શોધી કાઢવો, પુષ્પસેનને વનવાસ આપવો, પુષ્પસેનની વનમાં જવાની તૈયારી, પ્રધાનપુત્ર બુદ્ધિસાગર દ્વારા રાજા સમક્ષ બધી વાતનો ખુલાસો થવો, નેણ કમળશા શેઠની પુત્રી સુલોચના દ્વારા પુષ્પસેન સાથે પરણવાની હઠ, અને અંતે બન્નેના લગ્ન થાય છે.

લગ્ન પછી પુષ્પસેનનું વનમાં જવું, સુલોચના દ્વારા પાછા ફરવા માટે અપાતી બાર વર્ષની અવધિ, પુષ્પસેનનો વનમાં જક્ષણી સાથે મેળાપ, જક્ષણી દ્વારા સંકટ સમયે મદદ કરવાનું વચન, પુષ્પસેનનું કુંતલપુર પહોંચવું, કુંતીભોજ દ્વારા નોકરીમાં રાખવો, રાજકુમારી પદ્માવતીનું પુષ્પસેનના પ્રેમમાં પડવું, દાસી દ્વારા બંનેનો મેળાપ, બંને દ્વારા એકબીજાની બુદ્ધિકસોટી કરવા સમસ્યાઓ પુછાય છે. પછી બ્રામ્હણ દ્વારા બન્નેના ગુપ્ત લગ્ન થાય છે. પછી વારંવાર ચોરીછૂપીથી એકબીજાને મહેલમાં મળતા રહેવું, કાશી ગયેલા બ્રામ્હણનું ત્રણ વર્ષે પાછા આવવું, કુંવરીના શિક્ષણ વિશે રાજા દ્વારા પુછતાસ થવી, પ્રધાનને કુંવરીને બોલાવવા મોકલવો, પ્રધાનને કુંવરીને જોતાં જ પરપુરુષ સંગની ખબર પડી જાય છે. તે રાજાને જણાવતાં રાજા ક્રોધે ભરાય છે. પદ્માવતીનું પુષ્પસેનને નગર છોડવા જણાવવું, પુષ્પસેને તેવી રીતે ભાગી ન જવા જણાવ્યુ, પદ્માવતી દ્વારા ચાંડાલોને સોનામહોર આપી પુષ્પસેનના બદલે હરણની આંખો રાજાને બતાવવી, પુષ્પસેનનું ચંદ્રાવતી નામની ગણિકાને ત્યાં ગુપ્તવેશે રહેવું, કુંતીભોજની રાજસભામાં ચંપાવતીથી એક ગણિકાનું આવવું, અને ત્યાં પુષ્પસેનના વખાણ કરવા, તેથી કુંતીભોજે પદ્માવતીને પુષ્પસેન સાથે પરણાવવા વિચાર્યું, પણ પોતે તેને મારી નાખ્યો છે તેથી મનોમન દુખી થવું, પ્રધાન દ્વારા સાચી વાતની જાણ થવી, અને ફરીથી પુષ્પસેન અને ચંદ્રાવતીના ધામધુમથી લગ્ન કરાવાય છે.

સમય વિતતાં પુષ્પસેનને માતપિતાની યાદ આવી, ત્યાં ચંદ્રાવતી નામની ગણિકાને મોકલવી, ત્યાં જઈ પુષ્પસેનના પિતા અને સુલોચનાને પદ્માવતી સાથેના લગ્નની વાત કરવી, ચંપકસેન દ્વારા પુષ્પસેનને તેડી લાવવા પ્રધાન ગુણસાગરને મોકલવો, કુંતીભોજે દીકરી અને જમાઈને વિદાય આપી, રસ્તામાં પદ્માવતી સુધબુધ ગુમાવી બેસવી, જક્ષણી દ્વારા પદ્માવતીનો રોગ મટાડવો, આ બાજુ પતિ પાછો વળવામાં ચાર જ દિવસ બાકી રહ્યા છે ત્યારે સુલોચનાને સ્વપ્ન આવવું, બીજે જ દિવસે પુષ્પસેનનું આવી પહોંચવું, સુલોચના પુષ્પસેનનો મેળાપ, પદ્માવતી અને સુલોચના વચ્ચે સમસ્યાબાજી થાય છે. આમ કથા અંતે બધા જ સાથે મળી આનંદમાં દિવસો વિતાવવા લાગે છે.

મદનમોહના વાર્તામાં ગુરુ-શિષ્યાનો પ્રસંગ, રાજાનો રોષ, મદનનો દેશવટો તથા મોહનાનું પુરુષવેશે એની સાથે જવું વગેરે બાબતમાં શામળે પ્રચલિત લોકવાર્તાઓના વસ્તુનું જ અનુસરણ કર્યું છે ગુરુશિષ્યા વચ્ચેના પ્રેમપ્રસંગના ઘટકનો કથાઓમાં ઉપયોગ થયો હોય એવા અનેક ઉદાહરણો સાંપડે છે. ‘બિલ્હણકાવ્ય’ની એક વાચના મુજબ રાજકુમારી શશિકલાને શિક્ષણ આપવા રાજા બિલ્હણ કવિને રાખે છે. તેમની વચ્ચે પરદો બાંધવામાં આવે છે, પરંતુ પરસ્પરનું આકર્ષણ વધતાં શશિકલા જવનિકા દૂર કરે છે અને બંને ગાંધર્વવિવાહ કરી લે છે. આવો જ પ્રસંગ ‘પ્રબંધકોશ’ (ઇ.સ.૧૩૪૮-૪૯) ના ‘મદનકીર્તિ’ પ્રબંધમાં મળે છે. વિનયચંદ્રસૂરરચિત ‘મલ્લિનાથ કાવ્ય’ (ઇ.સ.૧૨૨૮)ના બીજા સર્ગમાં મુર્ખચટ્ટ અને વિનયચટ્ટની અવાંતરકથામાં તથા હીરાણંદરચિત ‘વિદ્યાવિલાસપવાડો’ (ઇ.સ.૧૪૨૮)માં પણ આ કથાઘટક પ્રાપ્ત થાય છે. બીજી કથામાં પ્રધાનપુત્રનું નામ મનમોહન છે. માધવરચિત ‘રૂપસુંદરકથા’ (ઇ.સ.૧૬૪૯)માં રાજકુમારી રૂપા ગુરુપુત્ર સુંદર સાથે પ્રેમમાં પડે છે. ‘મધુમાલતી’ (ઇ.સ.૧૭૨૦ પૂર્વે) માં રાજકુમારી માલતી અને પ્રધાનપુત્ર મધુ સાથે વિધ્યાભ્યાસ કરે છે પણ માલતી પરદા પાછળ બેસીને ભણે છે. એકવાર ગુરુ થોડીવાર બહાર જાય છે ત્યારે બંને પરસ્પરને જોઈ લે છે અને પ્રેમમાં પડે છે. કથારૂઢિના આવા વિકાસનું પ્રથમ દ્રષ્ટાંત જ્ઞાનાચાર્યરચિત ‘બિલ્હણપંચાશિકા’ (ઇ.સ.૧૫૫૯ પૂર્વે) માં પ્રાપ્ત થાય છે. ‘સદેવંત-સાવલિંગા’ની કથામાં પણ આ કથાનક પ્રાપ્ત થાય છે.

શામળે ‘મદનમોહના’નો પ્રારંભિક પ્રસંગ ઉપર્યુક્ત કૃતિઓને આધારે રચ્યો હોવાની સંભાવના છે. ‘અનંતરાયરાવળ લખે છે તેમ “પરંપરા પ્રાપ્ત વાર્તા ભંડારમાંથી અનુકૂલ વાર્તાખંડો કે વસ્તુવળા ઉપાડી યથાપ્રસંગ જુદાજુદા Motif નો ઉપયોગ કરી તેનું કુશળ સંયોજન કરવામાં જ વાર્તાકાર તરીકે તેની વિશિષ્ટતા રહેલી છે.

મથુરાનો રાજા મધુસૂદન અને રાણી મધુસૂદનાની દીકરી મોહના યુવાન બને છે તેથી તેના લગ્નની ચિંતા થવા લાગે છે. પ્રધાન ઇદ્રજિત મોહના માટે વર શોધવાનું અને પરદેશથી પધારેલા પંડિત શુકદેવ પાસે ભણાવવાનું સૂચન કરે છે. પોતાની પુત્રી અને પંડીતનો સમાગમ થતાં તેઓ પરસ્પર આકર્ષાય નહીં તે માટે પ્રપંચ કરી પંડિત કોઢિયો છે અને પુત્રી ડાકણ જેવી તથા આંધળી છે એવું એકબીજાને ભરમાવી પરદાની આડશ રાખવાની ગોઠવણ કરે છે. એકવાર રાજપુત્રીની પરીક્ષા કરવા પંડિત મોહનાને ચોવીસ સમસ્યા પૂછે છે રાજકુમારી બધી સમસ્યાના સાચા ઉત્તરો આપે છે.
પ્રશ્ન: ‘કેતકીપત્ર સમાકારા નારીણાં ત્રય – અક્ષરા;
આદે ‘ક’ ને અંતે ‘રી’ તે જાણે તે પંડિતા’
ઉત્તર: ‘કામની કેહે કેહેવું કશું, કહી તમે કટાર;
બીજું પૂછો બુધ્યથકી, નિશ્ચે કહું નિરધાર’
પ્રશ્ન: ચંદ્રબિંબ સમાકારા, પુરૂષણા ત્રય – અક્ષરા;
આદે ‘પા’ ને અંતે ‘ડ’, તે જાણે તે પંડિતા’
ઉત્તર: ‘પાપડ’ કહ્યો તે પંડિતા અલ્પ એ શાં કેહેણ;
કહો સમસ્યા શોભતી વિદ્યાવંતના વેણ’
પ્રશ્ન: ‘વર્તુલાકાર સમાકારા, નારીણાં ત્રિ – અક્ષરા;
આદે ‘કા’ ને અંતે ‘ણી’, જે જાણે તે પંડિતા’
ઉત્તર: ‘કવિતા કહી તે કાંકણી, હેતે શોભે હાથ;
ભારે પૂછ કાંઇ બ્રામ્હણા, જે શોભે મુજ સાથ’
પ્રશ્ન: ‘ડબી આકાર સમાકારા, પુરૂષણાં ત્રય – અક્ષરા;
આદે ‘અ’ ને અંતે ‘સો’, જે જાણે તે પંડિતા;
ઉત્તર: ‘કહ્યો અરીસો કવિ તમે, એ સમસ્યા સેહેલ;
વદો વિપ્ર શુભ વારતા, જે માણે નિજ મેહેલ’
પ્રશ્ન: સર્પાકાર સમાકારા, પુરૂષણાં ત્રય – અક્ષરા;
આદે ‘ચો’ ને અંતે ‘લો’, જે જાણે તે પંડિતા’
ઉત્તર: ચતુર કહ્યો તે ચોટલો શોભિત શામાશીશ;
પૂછો વાત પુરાણની, રામાએ કીધી રીસ’

આમ મોહના દ્વારા પંડીતની ચોવીસ સમસ્યાઓના સાચા ઉત્તરો આપવામાં આવે છે. પણ પચીસમી સમસ્યાનો ઉત્તર ખોટો માનીને પંડિત ગુસ્સે થઈ મોહનાને કટુવચનો કહે છે. પોતાના ઉત્તરને સાચો સમજતી મોહના ઉશ્કેરાઈને પંડીતને ‘કોઢિયો’ કહે છે. પંડિત તેને ‘આંધળી’ અને ‘શાકણ’ કહે છે. આ સાંભળીને રાજાના તરકટનો ઉભયને ખ્યાલ આવી જાય છે એટલામાં પૂછપરછ માટે આવેલો પ્રધાનપુત્ર મદનસેન બોલી ઉઠે છે “બંને નકામા ઝઘડો છો કેમ કે બંનેનો ઉત્તર સાચો છે” આ શબ્દો સાભળતાં જ મોહના પડદો ઉઠાવે છે અને મદનનું અદભૂત રૂપ જોતાં જ તેના પ્રેમમાં પડે છે. મોહના પંડીતને ગાંધર્વવિવાહથી પરણાવી દેવા કહે છે. પંડિત અને મદનસેન ઉતાવળે કામ ન કરવા મોહનાને સમજાવે છે. પછી પંડિત, મદન અને મોહના દ્વારા એકબીજાને છ દ્રષ્ટાંતકથાઓ કહેવાય છે. અને છેવટે મદનને સંમત થવું પડે છે. મોહનાનું પુરુષવેશે મદન સાથે નીકળવું, રસ્તામાં ગણિકા દ્વારા સપડાવું, સૂતેલી ગણિકાના મોઢે ડૂચો દઈ કાન,નાક,હોઠ અને ચોટલો કાપી ત્યાંથી આગળ વધવું, રસ્તામાં અગ્નિમાંથી નાગને બચાવવો, નાગ દ્વારા ચમત્કારી મણીની ભેટ, તે મણીમાં સર્પવિષ, રક્તપિત્ત, કોઢ, અંધત્વ અને વ્યંધત્વનો પ્રતિકાર કરવાનો ગુણ હતો, તે લઈ ત્યાંથી આગળ મોહના મહિડાપુર, બદરીકેદાર, દમલપુર, ચંદ્રાવતી, અને સોપરા વગેરે રાજ્યોમાં લગ્ન કરે છે. આ બાજુ મદનનું રૂપાવતી નગરી પહોંચવું, રાજકુમારી અરૂણા દ્વારા પોતાના પ્રશ્નોનાં સાચાં ઉત્તરો આપે તેને પરણવા સંકલ્પ લઈ બેસવું, મદન દ્વારા સાચા ઉત્તરો આપવા, બંનેના લગ્ન થવા, મદનનું યાત્રા નિમિત્તે મોહનાના નગરમાં આવવું, બંનેનો મેળાપ, ખંડણી ઉઘરાવવાના બહાને સોપરા, ચંદ્રાવતી, દમલપુર, મહિડાપુર અને રૂપાવતી જઈ કૃષ્ણાવતી, ચંદ્રવદની, પદ્માવતી, કનકાવતી, માણેકદે અને અરુણાને લઈને મદન અને મોહનાનું મથુરામાં આવવું, મથુરાના રાજાનું આ ઘેરાથી ઘભરાઈ જવું, પુત્રીને કાઢી મુકવા બદલ પસ્તાવો, પાછળથી સાચી વાતની રાજાને જાણ, મદનને રાજ્ય પાછું સોપવું, મોહનાનો સ્ત્રી વેશ ધારણ કરવો, બધી રાજકન્યાઓને મદનને પતિ તરીકે સ્વીકાર કરાવવો, અને કથાના અંતમાં મદનને ત્યાં પાંચ પુત્રોનો જન્મ થાય છે.

મધ્યકાળમાં નંદ રાજા વિષયક આઠ કવિઓની રચનાઓ મળે છે. જેમાં નરપતિની ‘નંદબત્રીસી ચોપૈ’, જિનહર્ષ અને જસરાજની ‘નંદ બહુત્તરી’, કુશલસિંહની ‘નંદરાજ ચોપૈ’, અને બાકીના પાંચ કવિઓ ‘સિંહાસન બત્રીસી’ શીર્ષક આપે છે. શામળકૃત ‘નંદબત્રીસી’માં રચના સંવત નોંધાયેલી મળતી નથી પણ કૃતિને અંતે કવિ નોંધે છે.
‘સિંહાસન બત્રીસીની કથા કરી બત્રીસ
નંદ તણી વધતી કથા કહી દીધી આશીશ’ ૪૫૮

પ્રસ્તુત પંક્તિ પરથી અનુમાન થાય છે કે ‘સિંહાસન બત્રીસી’ની રચના કર્યા પછી શામળ ભટ્ટે ‘નંદબત્રીસી’ રચી હશે. પૂર્વ પરંપરાનો લાભ શામળ ભટ્ટને મળ્યો છે. તેથી શામળ અગાઉના વાર્તાકારો કરતાં સુંદર કથાનક રજૂ કરે છે. જેથી શામળકૃત ‘નંદબત્રીસી’ વધુ લોકપ્રિય બને છે.

શામળે ‘નંદબત્રીસી’માં અમુક પ્રસંગોએ સમસ્યાઓનું નિરૂપણ કર્યું છે. તે કથાનક જોતાં આપણી સમક્ષ આવે છે. પશ્ચિમ ભારતમાં આવેલા નંદનગરમાં નંદસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. તેના દરબારમાં વૈરોચન નામે પ્રતાપવંત પ્રધાન હતો. નંદરાજા પ્રજાપ્રિય હતો, માટે પ્રજાના સુખદુ:ખ જાણવા રાત્રિચર્યા કરવા નીકળ્યો. મધરાતે સરોવર કિનારે ધોબી કપડાં ધોતો હતો. તે જોઈને નંદરાજાને કૌતુક થયું. તેથી રાજાએ ધોબીને સમસ્યામાં પ્રશ્ન કર્યો.
રાજા કહે ‘તું કોણ છે રે આ વેલા આ દીસ
બોલ સાચું ઉતાવલો નહીં તો ખેદુ શીસ ૨૬
ભૂત ભાગો બિહુ નહીં ડહાકણ કહાડું દૂર
રાખસને રોલું અમો રે તુજને કરશું ચૂર ૨૭

રાજા ધોબીને પોતાની ઓળખાણ આપવાનું કહે છે અને ઉતાવળો જવાબ નહીં આપે તો મસ્તક છેદી નાખીશ એમ કહે છે. અને વળી ભૂત, ડાકણ કે રાક્ષસથી હું બીતો નથી એમ કહે છે. ત્યારે ધોબી સમસ્યામાં વળતો જવાબ આપે છે.
તારે પરીહટ બોલીયો આંણી મનમાં તાપ
કોહો ભાગો (?) બીતો નથી સૂ છે ભૂતાનો બાપ

હું કોઇથી બીતો નથી ભૂતોનો બાપ તું કોણ છે ? આ સાંભળી રાજા પહેલાં સમસ્યામાં ઉત્તર આપે છે.
કરું રંકને રાયે, રાયેને રંક કરીજે
માહારે વશ સહુ કોયે, કોયે વશ અમો ન રહીજે
અનમી એહ અહંકાર, સાર વાત દલમાં રાખું
પુત્ર મિત્ર સહુ જંન, અન વસ લેખે રાખું
મારણ પાલણ માંની અમો, પણ પરદેહ જીવ ઘાલું નહિ
લખ જીવથી નિકલું રે, તે એકલો આવો અહીં ૩૦

ધોબી રાજાને ઓળખી જાય છે અને સમસ્યામાં જ પોતાનો પરિચય આપે છે.
ધરે અંગ રાયે રંક, રંક રાજા શો દીસે,
શોભે શાહ સૂલતાન, માન પામે મન હીંસ
ે એક વશાનો જંન, ઘરે કરું લાખ વશાનો
જેહને જેવુ કરમ, મરમ તેહને તેહ દશાનો
જેહે ઢાંકણ જગતાં વીખે, અંગ સમારે તાહરું
તેહને નીત અમે સમારીએ રે, સમજ નામ તે માહારું ૩૩

રાજા અને ધોબીને એકબીજાનો પરિચય થાય છે. પછી રાજાએ ધોબીને મધરાતે કપડાં ધોવા આવવાનું કારણ પૂછ્યું. ત્યારે ધોબી ચતુરાઈપૂર્વક બે સમસ્યાઓ રજૂ કરે છે.
લીયો લંક લપેટ, ઠેઠ નહિ રામ હિ આપણ
હરણ શીત તે કામ, નામ નહી પ્રતી રાવણ
હણા કૂરવ જે વેર, પેર મન જોઈ વિચારી
કામનીને મન નેહે, દેહે શોભા જે નારી
એક દંતધાવનનાં બે કરો રે, તેહને નામે નામમાં
તેહ સમારણ કારણે, હું ઉભો છું કામમાં
નવસે નવાણું પૂરી સુધ લીધી તેવું કહી સમસ્યા પૂરી કીધી [ધોબી] ૪૦
દો લોયણ ખટ ચરણ, વરણ તો શામશરીખો
ઘોર નાદ મુખ સાદ, વાદ પરુખાંએ પરીખો
પુષ્પ પ્રેમલ નીશદીશ, શીર મોટું સબ અંગપે
મુખકમલ કો જાત, ભાત અનેરી અંગપે
સુઘડ નારીના સ્વેદનો, મોદ પ્રેમલ અતી ઘણો
માટે આવો આં સમે, રે ભો મુજને છે તેહે તણો [ભમરો] ૪૨

આમ સમસ્યાઓ દ્વારા ધોબી જણાવે છે કે જેના વસ્ત્ર તે મધરાતે ધુએ છે તે નારીના પ્રસ્વેદનો પ્રેમલ-સુગંધ એવો છે કે એના વસ્રો પર ભ્રમરના ઝુંડે-ઝુંડ ઉતરી આવે છે. તેથી હું બચવા રાત્રે વસ્ત્રો ધોઉ છું. રાજા ધોબીની વાતથી મનમાં પ્રસન્ન થાય છે. જેના પ્રસ્વેદની સુવાસ આવી છે તો તે સ્ત્રી કેવી સુંદર હશે? એ જાણવાની રાજાને જિજ્ઞાસા થઈ ત્યારે ધોબી સમસ્યા દ્વારા જ જણાવે છે.
વરણ સહુથી રંક, અંક રાજાથી ઝાઝો
જાત શીરોમણી-શાંણ, રાંણ માંને જસ આઝો
તમને જીતે તેહ, તેહ તમ નવ જીત્યાયે
તેહે વચન તમને ન એણ (?) રંજીત હો રાયે
ભોગી તમ સમધર તણો, આદ્ય અધિકાર અધીકે ઘણે
પારિજાતક પ્રેમલ સમી, પદમની નારી ઘેર તેહ તણે ૪૭

ધોબીની સમસ્યાનો જવાબ રાજાને સમજાઈ ગયો. પ્રધાનની પત્ની અત્યંત સુંદર છે જાણી રાજા પ્રધાન પત્ની પરત્વે કામવિવશ બન્યો. અને પ્રધાનને ગામમાંથી દૂર કરવાની યુક્તિ કરી ત્યાર બાદ પ્રધાન ઘોડા લેવા જાય છે તેને થતાં શુકન-અપશુકન, રાજા પ્રધાનના ઘેર જાય છે ત્યાં દ્વારપાળ, પદ્મિની અને પોપટના વર્તાલાપો, રાજાનું ભેટ આપી ને જવું, પ્રધાન પાછો વળીતા ઘરની પરિસ્થિતી પારખી જતાં પત્નીનો ત્યાગ, રાજા અને પ્રધાનનું શિકાર કરવા જવું, પ્રધાનના સસરાને ત્યાં પાસાં રમતાં યુક્તિ-પ્રયુક્તિઓ યોજાય છે, વળતાં વાવમાં દુહા દ્વારા રાજા પ્રધાનની વાતચીત, રાજાની હત્યા કરી વૃક્ષ નીચે લાશ દાટી દેવી, એક માળી દ્વારા સમગ્ર ઘટના જોવી, અને અણ બનાવ બનતાં પ્રધાનના કૃત્યનો ઘટસ્ફોટ, રાજકુંવર દ્વારા સાચા-જુઠા કરવા, અંતે પદ્મિનીના મંત્ર દ્વારા રાજા સજીવન થાય છે અને પ્રધાનને માફ કરે છે.

સંદર્ભ ગ્રંથસૂચિ :

  1. ૧. પ્રહેલિકાઓ અને સમસ્યાઓ, સં-પ્રો. ભૂપેન્દ્ર બાલકૃષ્ણન ત્રિવેદી, પ્રકાશક-પ્રો. ભૂપેન્દ્ર બાલકૃષ્ણન ત્રિવેદી, સોનાવાળા બિલ્ડિંગ નં-૩, સી બ્લોક, ચોથો માળ, તાર દેવ, મુંબઈ-૪૦૦૦૦૭, પ્રથમ આવૃત્તિ-ડિસેમ્બર-૨૦૦૪
  2. પદ્ય વાર્તાકાર શામળ, લે-પ્રસાદ બ્રહ્મભટ્ટ, પ્રકાશક- પાર્શ્વ પબ્લિકેશન, બાબુભાઇ હાલચંદ શાહ, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧, પ્રથમ આવૃત્તિ-૨૦૦૫
  3. ચંદ્ર-ચંદ્રાવતી વાર્તા, સં-હીરા રામનારાયણ પાઠક, પ્રકાશક-ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમરભાઇ શાહ, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧, પ્રથમ આવૃત્તિ-૧૯૬૮ બીજી આવૃત્તિ-૨૦૧૪
  4. મદનમોહના, સં-અનંતરાય મ. રાવળ, પ્રકાશક-ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, શંભુભાઈ જગશીભાઈ શાહ, ગાંધી રસ્તો, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ-૧૯૫૫
  5. નંદબત્રીસી, સં-કીર્તિદા શાહ, પ્રકાશક-અરુણોદય પ્રકાશન, ૨૦૨, હર્ષ કોમ્પ્લેક્સ, ખત્રીપોળ, પડાપોળ સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧, પ્રથમ આવૃત્તિ-ફેબ્રુઆરી ૨૦૦૭
  6. નંદબત્રીસી અને કસ્તુરચંદ ની વારતા સં-નંદબત્રીસી : ઈંદિરા મરચંટ, કસ્તુરચંદની વારતા : ડૉ. રમેશ જાની, પ્રકાશક-એસ.રામકૃષ્ણન, ભારતીય વિદ્યાભવન, ચોપાટી રોડ, મુંબઈ, પ્રથમ આવૃત્તિ-૧૯૬૭
  7. શામળ, લે-ડૉ. ભરતકુમાર ઠાકર, પ્ર. કૃષ્ણકાંત મદ્રાસી, આદર્શ પ્રકાશન, ગાંધીમાર્ગ, બાલાહનુમાન સામે, અમદાવાદ-૩૮૦૦૦૧, પ્રથમ આવૃત્તિ-૨૦૦૭

સુનિલ જે. પરમાર, પીએચ.ડી. રિસર્ચ ફેલો, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદારપટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, આણંદ-૩૮૮૧૨૦ મો- ૯૫૮૬૬૮૭૮૫૦ Sunilparmar1709@gmail.com