Download this page in

અંધકારથી ઉજાસ ભણી ગતિ: ‘તિમિરપંથી’

મારા લખાણો મારી રખડપટ્ટી છે એવું કહેનારા ધ્રુવ ભટ્ટ પાસેથી નવ નવલકથાઓ મળી છે. ‘સમુદ્રાન્તિકે’, ‘અકુપાર’, ‘અતરાપી’, ‘તત્વમસિ’, ‘અગ્નિકન્યા’, ‘કર્ણલોક’, ‘લવલી પાન હાઉસ’ ‘તિમિરપંથી’. અને છેલ્લી હમણાં જ પ્રાપ્ત થયેલી ‘પ્રતિશ્રુતિ’ તેમની નવમી નવલકથા છે.

નેશનલ એવોર્ડ વિજેતા ધ્રુવ ભટ્ટ માનવીય સંવેદનને ખુબીપૂર્વક આલેખનારા સમર્થ સર્જક છે. ‘તિમિરપંથી’ નવલકથા મનોજ બસુના ‘નિશીકુટુંબ’ના પ્રભાવ હેઠળ લખાયેલી નવલકથા છે. અંગ્રેજી ગેઝેટિયરમાં ‘બોર્ન ક્રિમિનલ્સ’ (જન્મજાત ગુનેગાર) તરીકે ઓળખાતી આડોડીયા– છારા- જેવી વિચરતી જાતિ આ નવલકથાના કેન્દ્રમાં છે. નવલકથાનું શીર્ષક ‘તિમિરપંથી’ સૂચક છે. ‘તિમિરપંથી’નો એક અર્થ ‘અંધકારનો મુસાફર એવો પણ થાય અર્થાત્ જેના જીવનમાં ઉજાસ નથી તેવા મુસાફરો. જે ગામ અને સમાજથી દૂર રહી પોતાનું જીવન વ્યતિત કરે છે તેવા મનુષ્યો. શું ? તેમણે ઉજાસમાં આવવાનો અધિકાર નથી? ચોર કોણ નથી? આ પળે આ વિધાન કદાચ આત્યાંતિક લાગે પરંતુ સત્યને બદલી શકાતું નથી. દેશ અને સમાજમાં આવા અનેક સફેદ નકાબપોશ ઘૂમી રહ્યા છે. જેને આપણે જાણીએ છીએ. તેના કર્મોને પણ જાણીએ છીએ તેમ છતાં તેને આપણે ગુનેગાર માનતા નથી. સમાજમાં વસતા આવા ચોરો તો વિવિધલક્ષી છે. જેને કોઈ નિયમો-બંધનો નથી. ઈમાન-ધરમ નથી- એવા ચોરો સામે આ તિમિરપંથીઓની શી વિસાત? નિયમો-બંધનો અને પૂર્વજોની આજ્ઞાને વશ થઈ ચોરી કરી પોતાનું ગુજરાન ચલાવનારા ચોરોની ‘ચૌર્યકલાનો લેખકે અહી મહિમા કર્યો છે. જેવી રીતે મેઘાણીએ સોરઠી બહારવટિયાના શૌર્યને બિરદાવ્યા છે. સુન્દરમે માજાવેલા જેવા ધાડપાડુને શહેરના ટાવર સાથે સરખાવી મહિમા કર્યો છે.સૌરાષ્ટ્રના ઊંચાં કોટડાના મા ભવાનીની કથા સાથે ચોર-ધાડપાડું ‘કાળિયાભીલ’ની કથા પ્રચલિત બની છે અને તેનો અનેરો મહિમા સ્વીકારાયો છે. આપણાં સાહિત્ય અને આપણી લોકપરંપરામાં આવા અનેક કિસ્સાઓ જડી આવશે. એટલે જ ચોરી કરનારા ચોર વિશે લખવાનું ધ્રુવભાઇને સૂઝ્યું હોય તે શક્ય છે. ચોસઠ કળાઓમાં જેનો સમાવેશ થયો છે તેવી આ ‘ચૌર્યકળા’ના કળાધરો અને સર્જકની કલ્પનાશક્તિએ નવલકથામાં પ્રાણ પૂર્યા છે.

“ એય કોણ છે ? કોણ છે તું ?” થી આરંભાયેલી કથામાં સતી-વિઠ્ઠલ ચોરી કરી એક ગલીમાંથી કેવી રીતે નીકળી જાય છે. જેમાં ચૌર્યકલાની વિશેષતાનો પ્રથમ પરિચય સાંપડે છે. નવલકથાનું સૌથી મહત્વનું પાત્ર ‘સતી’ અને તેની ચતુરાઈનો પણ અહીં પરિચય થઈ જાય છે. સતી, રઘુ અને તાપીનું સંતાન છે. અર્થાત્ ચૌર્યકળા એને વારસામાં મળી છે. નાનકી દોશીના મુખે કહેવાયેલ ચતુર સુજાણવાળો મંત્ર ચૌર્યકલાનો મૂળ મંત્ર છે.જે સતી બરાબર જાણે છે અને સમજે પણ છે.
“સાંભળજે સહુ ચતુર સુજાણ પહેલો અખ્ખર પાડું કાન,
ગરાસિયા ઘર નળિયે નહીં ખાલી હાથ પળિયે નહીં.
નર છોડ્યે નારી નવ તજે મુષક સંભાળીને જજે
કણબીને ઘેર વહેલી રાત ગમ્મે ત્યારે પેસો તાત.
વણિક જાગે અડધી રાત ભીંત ચડી સાંભળ વાત.
બામણના ઘર આપે નહીં વસવાયા તું ભાંગે નહીં. (પૃ.૫૯)

પ્રત્યેક ચોરી કરનારો ચોર ઉપરના મૂળ મંત્રને અનુસરે છે. “કોઈ પણ નાગરક (નગરના નિયમોને જાણનાર ચોર) પુરતી તપાસ કર્યા વગર ક્યાંય ઉતારી શકે નહીં એ કામનો પહેલો નિયમ છે. ગરાસિયાના ઘરમાં ચોરી કરવી હોય તો બીજા ગમે તે માર્ગે જવું, છાપરેથી ઉતરવું નહીં. ગરાસિયા અફીણ લેતા હોય, આવા બંધાણીની ઊંઘ ક્યારેય સળંગ નહીં હોય. રાતભરમાં વારેવારે જાગ્યા કરે. તમે નળિયું ખસેડો ત્યારે ખાટલામાં પડ્યે પડ્યે છત સામે તાકી રહ્યો હોય તો તમારું આવી બને. વળી આવા ઘરમાં ખાલી હાથે જવાય નહીં. કેફમાં ડૂબેલો ગરાસિયો કદાચ ઊભો થાય કે ન પણ થાય પણ ગરાસણી સહેજ પણ ઢીલ કરવાની નથી... માટે હે મૂષક (અવાજ કર્યા વિના ચોરી કરનાર) તું ચેતી જજે.

ઘર જો કણબીનું હોય તો ગમે તે પહોરે જઈ શકાય. વરવહુ બેય જણે દિવસભર ખેતરમાં તનતોડ મજુરી કરી છે. પાછા ઘરે આવીને ઢોર ઢાંખરના નીરણ-પૂળા કરીને થાક્યા હશે. રામ-મંદિરની ઝાલર શમે કે તરત દૂધ રોટલા કે ખીચડી પેટમાં પાડી કમાડ અટકાવીને બેય જણા પૂરાઈ ગયા? તો જરાક ઊંઘે એટલી રાહ જુઓ. પછી પ્રાગટ ફૂટ્યા સુધી ઘર સાફ કરો કોઈ જાગવાનું નથી. વાણીયાને વાણીયન કરતાં વધુ માયા વેપારની હોય. જોઈએ એટલા દીવા પ્રગટાવીને અંધારે પણ દુકાન ચાલુ રાખશે. છેવટે વધાવીને પછી પણ ગાદીએ બેસી રહી ચોપડાં ચીતરશે. ગામ આખાની વહુવારું ખાટલો ઢાળતી હશે ત્યારે વાણીયણ પાટલો ઢાળતી હોય વળી વાણિયો-વાણીયણ દિવસભર દેરા-મંદિર સિવાય ક્યાંય ગયા નથી એટલે થાક્યા નહિ હોય. વાળું પરવારીનેય બે જણા ખાટે ઝૂલશે. બંને ઝૂલા ખાઈને નિંદરને ખોળે સરે ત્યાં અડધી રાત વીતી હોય, માટે વાણિયાના ઘરમાં... ત્રીજી પ્રહોર પહેલાં ઉતરવું નહીં. ઉતરતા પહેલા દીવાલે કાન માંડીને સાંભળવું કે અંદર છે તે બેઉ હજીયે જાગતા તો નથી ને? બ્રાહ્મણના ઘરમાં ભાગ્યેજ કંઈ મળે માટે ફોગટ ફેરો કરવો નહીં. વસવાયાંના ઘરમાં આપણાથી જવાય નહીં. (પૃ.૫૯,૬0)

આમ અહીં ચૌર્યકળાના વિદ્યાધરોના નિયમો અને બંધનોનો અહીં વિગતે પરિચય મળે છે. આ અડોડિયાઓની ચોરી કરવામાં નિપૂણતા,સાહસ અને ધૈર્યની સાથોસાથ તેમના દુષ્કર જીવનનો પણ વિગતે પરિચય મળે છે. ગરીબી, ભૂખમરો અને સમાજ અને કાયદાથી સતત ભયભીત બની જીવન વ્યતીત કરનારા આ સમાજ પ્રત્યે આપણે દૂર્લક્ષ્ય સેવ્યું છે. ત્યારે સર્જકે તેમની કળાને બિરદાવી તેમને ચૌર્યકળાના વિદ્યાધર કહ્યા છે.

આ અડોડિયાઓનું જીવન કેટલું દુષ્કર છે તેનો પણ સર્જકે પરિચય આપ્યો છે. સતી-વિઠ્ઠલ ચોરી કરી ગામથી ભાગે છે અને ચોરેલો માલ સોનીબજારમાં વેચે છે. ત્યારની સ્થિતિ જુઓ ... “ કેટકેટલા દેશ, કેટકેટલાં નાટક, કેટકેટલા જોખમ અને પળેપળ બદલાતા સંજોગો. આ બધાં પછી પણ શું મળશે તેનો આધાર તો પેલા મહાજન અને નારિયા પર જ રહશે. એમના કામ કે હિસાબમાં ગડબડ નહીં હોય તેવો વિશ્વાસ રાખવો પડશે. એ જ તો જીવન છે. શ્વાસ કે વિશ્વાસ ટકાવી રાખ્યા સિવાય જીવન શક્ય નથી.” (પૃ.૧૮)

અહીં પાત્રોની મન:સ્થિતિનો અભ્યાસ કરવા જેવો છે. એમને એમ કશું મળતું નથી. મહેનત કરવી પડે, જોખમો ખેડવાં પડે, ભય-ચિંતા વેઠવી પડે આવા અનેક કિસ્સાઓ આ નવલકથામાં પાને પાને સાંપડે છે.

સતી-વિઠ્ઠલની ચોરીથી આરંભાતી કથામાં આડોડિયાઓના જીવનનો અને સંઘર્ષનો પરિચય થતો જાય છે. તેમના દંગા, તેમની ચૌર્યકલાના પ્રસંગો ગૂંથાતા જાય છે. એક પછી એક ચોરીના પ્રસંગોનું રસપ્રદ આલેખન સર્જક કરતા જાય છે. ડી.વાય.એસ.પી. ખત્રીની દુકાનની લૂંટ અમદાવાદથી ડાકોર જાતિ ટ્રેનમાં વૈષ્ણવ સ્ત્રીઓની બંગડી ચોરી કરવાની ઘટના કે અમદાવાદમાંથી ચંદનના ઝાડ કાપીને લાકડું છેક જેસલમેરના ‘આજી’ સુધી પહોંચાડવાની ઘટના રસપ્રદ રીતે આલેખાઈ છે. સાથોસાથ લગ્ન પછી સતી દ્વારા નાનકી ડોશીનું કડું ચોરવાની ઘટનાને સામાજિક સંદર્ભે પરાક્રમ તરીકે સ્વીકારતો આ સમાજ એક નવી વાત લઈને આવે છે. ચૌર્યકળાના જાણકારો માટે પોતાની કાબિલિયત સિદ્ધ કરવાનો અવસર તેઓ ચૂકતા નથી.

તદ્દઉપરાંત આડોડીયાથી કોને ત્યાં ચોરી કરાય અને કોને ત્યાં ન કરાય તેના નિયમો-બંધનોનું ચુસ્તપણે પાલન કરાય છે. બાળક હોય, બાઈમાણસ હોય, મજુર કે બીમાર હોય, ખેડૂ, ફકીર કે સાધુ-બાવા, ટપાલ લઇ જતા હલકારા વગેરેનું ચોરાય નહીં. અહીં તેમના ગુરુઓની આજ્ઞા અને મૂળભૂત સિદ્ધાંતોનો પરિચય મળે છે.

ખાસ કરીને પ્રકરણ બાર અને તેરમાં રઘુ ચોરી કરવા જાય છે પણ ત્યાંથી પાછો ફરે છે એ ઘટનાનું સર્જકે રસપ્રદ નિરૂપણ કર્યું છે. “રઘુ ડેલી પાસે આવ્યો, અંદાજ લેવા નીચે નમીને પગથિયાંને અડ્યો ને સાથે જ તેના હાથે કૈક ઓળખ્યું. ચમકીને દૂર ખસ્યો. પોતાની શંકા સાચી છે કે નહિ તે નક્કી કરવા તેને ફરી હાથ મૂક્યો. ‘હા જારના દાણા જ છે.’ પગથિયેથી ઘરના ખૂણા સુધી જમીન તપાસી ત્યાંયે આ જ ચીજ જડે છે. હવે ઘરની પછીતે જઈને જોશે તો પાછલી ગલીમાં પણ આ દાણાની આડ હશે.... રઘુ બબડ્યો, નક્કી આ ઘરની ગૃહિણી ચતુર છે ક્યાંથી? તે ખબર નથી; પણ ભાગ્યે જ કોઈ જાણતું હોય તે વાત આ ઘરની નારી જાણી લાવી છે.’ .... ખલાસ પૂરું થઇ ગયું. રઘુ પાસે અહીંથી પાછા ફર્યા સિવાય બીજો રસ્તો નથી. એ જેમ આવ્યો હોય એમ પાછો જશે. સામે હાથમાં આવેલું છોડીને.” (પૃ.૧૦૪,૧૦૫) આવા વણલખ્યા કેટલાય નિયમોને આડોડિયા પાળે છે અને તેનો આદર પણ કરે છે.

સર્જકની પાત્રનિર્માણ શક્તિનો પરિચય તેમની આ અગાઉની નવલકથાઓની જેમ આ નવલકથામાં પણ થયા વિના રહેતો નથી. તેમણે આ નવલકથામાં પાત્રોની વિશાલ સૃષ્ટિ ખડી કરી છે. સતી-વિઠ્ઠલ, રઘુ-તાપી, રહીમ ઝુંઝા, નાનકી ડોશી, વસ્યાક-બાવી, જસલી, તેંટ્રા, છોટ્યો, નાટીયો, મનોરમા, રાધી, કાળુ, અમજદ, હમીર, બાટુગે, સલમા ઈત્યાદી પાત્રો કથામાં આવાગમન કરતા દેખાય છે. જેમાં વિશેષપણે સતી-વિઠ્ઠલ, રઘુ-તાપી, નાનકી ડોશી- આદી પાત્રો વિશેષપણે આલેખાયાં છે.

ચોર અને તેના પ્રકારો વિશેની સર્જકની જાણકારી અદભૂત છે. ‘હટ્ટ ચૌરક’ (હાટ કે મેળાવડામાં ચોરી કરનાર) ‘કુસુમાલ’ (ફૂલ જેવી લોભામાની વસ્તુ ચોરનાર) ‘નક્તચારીન્’ (નિશાચર) ‘નાગરક’ (નગરના નિયમોને જાણનાર ચોર) ‘પટચ્ચર’ (જાહેરમાં લુંટનાર), ’માચલ’ (લક્ષ્મી મેળવવા ફરનારો) ‘કારુચોર’ (કારીગરીપૂર્વક- યોજનાબદ્ધ છાપો મારનાર) જેવા અનેક પ્રકારના ચોર વિશેની માહિતી તથા વિસરાતી જતી પરંપરા અને હુન્નર નવલકથાનું દસ્તાવેજી મૂલ્ય વધારે છે.

તેમ છતાં ધ્રુવ ભટ્ટની નવલકથાઓમાં એક જ પ્રકારનું દર્શન અને રચનારીતિનું સામ્ય નવલકથાના આંતરસત્વને હાનિ પહોંચાડે છે. તેમની મોટાભાગની નવલકથાઓનાં પાત્રોમાં એક પ્રકારની સમાનતા દ્રષ્ટિગોચર થાય છે. (ગરીબ, ઉદ્દંડ, આખાબોલા) ક્યાંક કથામાં પ્રસ્તાર વધ્યો છે. જીવનની સચ્ચાઈ સામે સર્જકની કલ્પના ક્યાંક રંગ બતાવે છે તો ક્યાંક રંગ ઉડાવી દે છે. દરેક વસ્તુમાં શુભ જોવાનો સર્જકનો દ્રષ્ટિકોણ છે. એટલે જ તેમણે ચૌર્યકળાના જાણકારોને તિમિરપંથી કહે છે (તમસના માર્ગને ઉજાળનારા જ્યોતિર્ધરો કહ્યા છે.) સર્જકના આ મત સાથે સંપૂર્ણ પણે સહમત થઈ શકાય તેમ નથી છતાં આ તિમિરપંથીઓ કરતાં દેશ અને સમાજમાં મોટા ‘ચૌર્યકળાધરો’ વસે છે તે તરફનો તેમનો આ અંગુલિનિર્દેશ ગણી શકાય. તેમની ‘તત્વમસિ’, ‘સમુદ્રાન્તિકે’ જેવી સમૃદ્ધિ આ નવલકથામાં અનુભવાતી નથી. કથામાં સચોટતા લાવી શક્યા હોત ને કથાને બરાબર બાંધી શક્યાં હોત તો હજી સારું પરિણામ સાંપડ્યું હોત.

નવલકથાના અંતમાં સતીને નિશાળ ખોલવાનો વિચાર આવે છે ત્યારે એવું લાગે છે કે આ તિમિર પંથીઓ પોતાની જૂની છાપ ભૂંસી નવા ઉજાસમાં આવવા મથી રહ્યા છે. એ આ ચૌર્યકળાના બદલાતા જીવનનો સંકેત ગણી શકાય. એટલે જ નવલકથા જે પ્રશ્ન સાથે શરુ થઈ હતી “ એય કોણ છે? કોણ છે તું ?” નો ઉદગાર કથાના અંતમાં પુનરાવર્તન પામે છે અને એમાં તંદ્રામાં સરી જતી સતીને પોતે કોણ છે? એ પ્રશ્નનો જવાબ જડતો નથી. આખી નવલકથા આ બે ઉદગારોની વચ્ચે વિસ્તરી છે અને આ ‘તિમિરપંથીઓ’ અંધકારથી ઉજાસ ભણી ગતિ કરશે એ વાતનો સંકેત રચાય છે.

ડૉ.વિશ્વનાથ પટેલ, એસોસિયેટ પ્રોફેસર, શેઠ પી.ટી.મહિલા કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ, વનિતા વિશ્રામ, સુરત. મો.૯૬૬૨૫૪૯૪૦૦ મેલ: vlp.india@ymail.com