Download this page in

આકાર

લઘુકથા

રેસ્ટોરાંના ખૂણે કાચના પાર્ટીશન પાસે રહેલી બે ખાલી ખુરશી અને નાનકડા ટેબલ પર ઉડીને જતી નજરને વારંવાર પાછી ખેંચવા પ્રિયા મથતી રહી. કોઇ ચુંબકીય આકર્ષણ હતું એ ખૂણામાં.
“ મે’મ, ઓર્ડર પ્લીઝ.”
“ એક ગ્રીલ્ડ સેન્ડવીચ અને એક કોલ્ડ કોફી.”
“ ઓ.કે. મે’મ.”
વેઇટર ગયો. પ્રિયાની નજર ફરી એ ખૂણાને ખોતરવા માંડી.
ફોન પર થયેલા એકરાર પછી પહેલી વખત પ્રતિકને મળી એ રેસ્ટોરાંનો ખૂણો અદ્દલ આવો જ. એ પહોંચી ત્યારે એ રાહ જોતો હતો. ફોન પર સહજતાથી થતી વાતો આંખો મળતાં ગળચટ્ટી મૂંઝવણમાં ફરી ગયેલી. હળવું સ્મિત ફરકાવી આંખો નમી જતી. હૃદયનો થરકાટ હોઠ પર ફરફરી ઉઠતો. વેઇટર ઓર્ડર લેવા આવેલો.
“ શું લઇશ પ્રિયા !”
“ ગમે તે ચાલશે !”
“ બે ગ્રીલ્ડ સેન્ડવીચ અને બે કોલ્ડ કોફી.” પ્રતિકે ઓર્ડર આપેલો.
વેઇટરનાં ગયા પછી પ્રતિક એની ખુરશી પ્રિયાની નજીક ખેંચી બેઠો. અનાયાસ પ્રિયાનો હાથ એના હાથમાં જતો રહ્યો, અને પ્રતિક એને પસવારતો રહ્યો. પળભરમાં બધું ભર્યું ભર્યું. બસ, આ ક્ષણોનો કાફલો આમ સતત ચાલતો રહે.
વેઇટર બંનેની સેન્ડવીચ અને કોફી મૂકી ગયો. કોફીનો મગ જોઇ એ મલકાઇ.
“ પ્રતિક, આ લોકોને ય ખબર પડી જતી હશે ?”
“ કેમ ?”
“ કોફી મગમાં જો.”
બ્રાઉન કલરની કોફીના વચ્ચેના ભાગમાં રહેલા ગાઢા દૂધને હૃદયાકાર અપાયેલો.
“ અરે ! આ લોકોએ ખરેખર આવી ડીઝાઇન બનાવી હશે કે આપોઆપ થઇ હશે ?” પ્રતિકે આશ્ચર્ય છતું કર્યું.
“ કેમ ખબર ? તું પૂછી જો. આવા મોર્ડન કોફી બારમાં બધું શક્ય છે.”
“ નથી પૂછવું. જે છે એ મજાનું છે.”
પ્રિયા શુગર પાઉચ તોડી કોફીમાં નાખવા ગઇ કે પ્રતિકે એનો હાથ રોકી લીધો.
“ અરે, આ મોળી હશે.”
“ ભલે રહી. પે’લા તું એક ‘સીપ’ લે.”
“ મોળી લાગશે પ્રતિક.”
“ બીજા ઘૂંટડે હું ગળી કરી દઇશ. જોને કેવું સરસ હૃદય બનાવીને આપ્યું છે. એના પર શુગર નખી ચમચી ફેરવીશું તો વલોવાઇ જાય.”
શુગર વગરની કોફી વારાફરતી ઘૂંટડા ભરી પીવાતી રહી. હ્રદય એ ઘૂંટડાઓની મીઠાશમાં ઓળઘોળ થતું રહ્યું.
“ મેડમ, આપનો ઓર્ડર.”
વેઇટરે એની સેન્ડવીચ અને કોફી ટેબલ પર મૂક્યા. એણે કોફીના મગમાં નજર કરી. કથ્થઇ રંગની વચ્ચે સફેદ દૂધ માત્ર ગોળાકારે ફરી રહ્યું, એક મોટું શૂન્ય જાણે.
પ્રિયાએ ચમચીથી કોફી ઝડપથી હલાવી નાખી. શૂન્યાકાર વલોવાઇ કથ્થઇ થઇ ગયો. શુગર વગરની તૂરી કોફીના એક સામટા બે–ચાર ઘુંટડા એ પી ગઇ. ખૂણાના ટેબલ–ખુરશી પર વળી વળીને જતી નજરને એણે કોફીના કડવા કથ્થઇ રંગમાં ડુબાડી દીધી.

નસીમ મહુવાકર, ડેપ્યુટી કલેક્ટર, કલેક્ટર ઓફિસ. જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ (સૌરાષ્ટ્ર) મો. : 991313 5028 ઇ મેઇલ : nasim2304@gmail.com