Download this page in

महाकविः भर्तृहरिकृत नीतिशतकम्

(सातत्यपूर्णश्रेणी- श्लोकनंबर 26 तः 50 द्वितीयः भागः)

26. प्राणाघातान्निवृत्तिः परधनहरणे संयमः सत्यवाक्यं
काले शक्त्या प्रदानं युवतिजनकथामूकभावः परेषाम् ।
तृष्णास्रोतोविभङ्गो गुरुषु च विनयः सर्वभूतानुकम्पा
सामान्यः सर्वशास्त्रेष्वनुपहतविधिः श्रेयसामेष पन्थाः ।।
પ્રાણી હિંસા ત્યજેલી, પરધન હરણે શોક, સાચા વિચારો,
દાનો શક્તિપ્રમાણે, પર યુવતી કથાને વિશે મૌન ભાવ,
તોડી તૃષ્ણાપ્રવાહો, વિનય ગુરુજને, રે ! દયા જીવ લોકે,
આ છે સામાન્ય શાસ્ત્રો સહુ મહીં સતત શ્રેયનો માત્રમાર્ગ.
અનુવાદ: પ્રાણના વિનાશમાંથી નિવૃત્તિ થવી,(એટલેકે, પ્રાણીઓનો વધ ના કરવો), પારકાના ધનહરણમાં સંયમરાખવો, સત્ય બોલવું, સમય પ્રમાણે યથાશક્તિ દાન કરવું, પરસ્ત્રીની કથામાં મૂંગા રહેવું, તૃષ્ણાના પ્રવાહને તોડવો, ગુરુ પાસે વિનય રાખવો અને સર્વ પ્રાણીઓ ઉપર દયા રાખવી, સર્વશાસ્ત્રોમાં નહીં તૂટેલો આ કલ્યાણનો સર્વસામાન્ય માર્ગ છે.
શબ્દાર્થ: प्राणाघातान्निवृत्तिः- પ્રાણના વિનાશમાંથી નિવૃત્તિ થવી એટલેકે, પ્રાણીઓનો વધ ના કરવો,શાત્રો ઉપરાન્ત કવિઓ પણ હિંસા ના જ કરવી એના હિમાયતી હતા. काले शक्त्या प्रदानं- સમય પ્રમાણે યથાશક્તિ દાન કરવું, એટલે કે, તમારી પાસે વધારે સમૃદ્ધિ હોત તો એ મુજબ અને ના હોય તો પુષ્પ કે પુષ્પની પાંખડીઓનું પણ દાન કરતા રહેવું, કેમે કે પ્રકૃત્તિ તમને આપે છે તેમ તમે પણ યથાશક્તિ આપતા રહો, એવી કવિની અભિલાષા છે. युवतिजनकथामूकभावः परेषाम्- પારકાની સ્ત્રીઓની કથામાં મૌન રહેવું. આનાથી બે વાત સિદ્ધ થશે- એક તો નિંદા-ટીકા નહીં થાય અને સ્ત્રીઓનું સમ્માન વધશે તેમજ મન પણ મદનભાવથી ખરડાશે નહીં. तृष्णायाः स्रोतम् विभङ्ग: - તૃષ્ણાના પ્રવાહને તોડવો, મનુષ્ય તૃષ્ણાથી ભરેલો ટોપલો છે. તે કદાપિ જંપતો નથી, માટે કવિ કહે છે કે, સાતત્યપૂર્ણ ચાલતા તૃષ્ણાના પ્રવાહને મનથી તોડી નાંખવો, તો જ સંન્યસ્ત જીવન ઉજળું બને. सर्वशास्त्रेषु अनुपहत-विधिः- સર્વશાસ્ત્રોમાં નહીં તૂટેલો- अन् – उपहत- विधिः- જે તુટ્યો નથી તેવો વિધિ, श्रेयसामम् एष सामान्यः पन्थाः - આ કલ્યાણનો સર્વસામાન્ય માર્ગ છે.આ સ્રગ્ધરા છન્દ છે.)

27. प्रारभ्यते न खलु विघ्नभयेन नीचैः
प्रारभ्य विघ्नविहिता विरमन्ति मध्याः ।
विघ्नैः पुनः पुनः प्रतिहन्यमानाः
प्रारभ्य चोत्तमजना न परित्यजन्ति ।।
નીચો શરૂ નવ કરે ડરી સંકટોથી,
પ્રારમ્ભમાં અડચણે ત્યજતા જ મધ્યો,
વિઘ્નો કરે પળે પળે અવરોધ તોયે,
આરમ્ભ્યું ઉત્તમજનો ન ત્યજે કદાપિ.
અનુવાદ: નીચપુરુષો વિઘ્નના ભયથી કાર્યનો આરંભ કરતા નથી. મધ્યમ પુરુષો કાર્યનો પ્રાંભ કરે છે પણ વિઘ્ન આવતાં કાર્ય છોડી દે છે. પરંતુ ઉત્તમપુરુષો તો કાર્યનો આરંભ કરીને તેમાં વારંવાર વિઘ્નો આવવા છતાં કાર્યને છોડતા નથી.
શબ્દાર્થ: विघ्नभयेन- વિઘ્નના ભયથી, विघ्नविहिता- વિઘ્ન આવતાં,उत्तमजनाः प्रारभ्य विघ्नैः पुनः पुनः प्रतिहन्यमानाः न परित्यजन्ति- ઉત્તમપુરુષો કાર્યનો આરંભ કરીને તેમાં વારંવાર વિઘ્નો આવવા છતાં કાર્યને છોડતા નથી. આ વસન્તતિલકા છન્દ છે.)

28. प्रिया न्याय्यावृत्तिर्मलिनमसुभङ्गेડप्यसुकरं
त्वसन्तो नाभ्यर्थ्याः सुहृदपि न याच्यः कृशधनः।
विपद्युच्चैः स्थेयं पदमनुविधं च महताम्
सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदम् ।।
રળો રોટી ન્યાયે, નહિ મલિન કાર્યો જીવ જતાં,
ન સેવો નીચોને, સુહૃદ નવ યાચો ધનહીણો,
રહો દુ:ખે ઊંચા, પદ અનુસરો શ્રેષ્ઠ જનનાં,
જગે કોણે ચીંધ્યું, વિષમ અસિધારા વ્રત જ આ.
અનુવાદ: ન્યાયથી આજીવિકા ચલાવવી પ્રિય છે તેમણે,પ્રાણના ભોગે પણ નિંદિતકર્મ કરવું નહીં. વળી, દુર્જનની પાસે માગવું નહીં અને ધનથી ક્ષીણ મિત્ર પાસે પણ માગવું નહીં. વિપત્તિમાં પણ મોટાઇથી ટકી રહેવું અને મહાત્માઓના માર્ગને અનુસરવો- આ પ્રકારે અતિ વિષમ એવું આ તલવારની ધાર પર ચાલવા જેવું વ્રત મહાત્માઓને કોણે બતાવ્યું હશે?
શબ્દાર્થ: न्याय्यावृत्ति: प्रिया- ન્યાયથી આજીવિકા ચલાવવી પ્રિય છે તેમણે, असुभङ्गे अपि- પ્રાણના ભોગે પણ, मलिनम् असुकरम्- નિંદિતકર્મ કરવું નહીં. तु असन्तः न अभ्यर्थ्याः - વળી, દુર્જનની પાસે માગવું નહીં, कृशधनः सुहृदपि न याच्यः- ધનથી ક્ષીણ મિત્ર પાસે પણ માગવું નહીં. विपदि उच्चैः स्थेयम्- વિપત્તિમાં પણ મોટાઇથી ટકી રહેવું. महताम् पदम् अनुविधम्- મહાત્માઓના માર્ગને અનુસરવો, इदम् विषमम् असिधारा समं व्रतं सतां केन उद्दिष्टम्- આ વિષમ એવું આ તલવારની ધાર પર ચાલવા જેવું વ્રત મહાત્માઓને કોણે બતાવ્યું હશે? આ શિખરિણી છન્દ છે.)

29. क्षुत्क्षामोડपि जराकृशोડपि शिथिलप्राणोડपि कष्टां दशा
मापन्नोડपि विपन्नदीधितिरपि प्राणेषु नश्यत्स्वपि ।
मत्तेभेन्द्रविभिन्नकुम्भपिशितग्रासैकबद्धस्पृहः
किं जीर्णं तृणमत्ति मानमहतामग्रेसरः केसरी ।।
ભૂખે ક્ષીણ અને જરાથી કૃશ થૈ પામી કથોલી દશા,
દુ:ખી કાન્તિહીણો શિથિલ ભયથી, પ્રાણો તણા નાશના.
હાથીના મદમસ્ત કુમ્ભ પિશિતે, એક સ્પૃહા ધારતો,
શું સૂકું તૃણ ખાય માનથી મહા મોભી બની કેસરી?
અનુવાદ: ભૂખથી દુર્બળ થઇ ગયેલો હોય તો પણ, ઘડપણથી કૃશ થયેલો હોય તો પણ, ક્ષીણ થયેલી શક્તિવાળો હોય તો પણ, અતિ કષ્ટદાયકદશાને પામેલો હોય તો પણ, તેજ(નૂર)વિનાનો હોય તો પણ, પ્રાણ જવાની તૈયારી હોય તો પણ, જેણે મોટા મોટા હાથીઓના કુંભસ્થળો(લમણા) ફાડીને તેમાંથી તેમાંથી કોળિયા કરવાની ઇચ્છા હોય છે તેવો ને વળી, મનસ્વીઓમાં અગ્રેસર છે તે સિંહ, (પ્રાણાન્તે પણ) શું સૂકું ઘાસ ખાય છે?(અર્થાત કદાપિ ખાતો નથી.)
શબ્દાર્થ: क्षुत्क्षामः अपि- ભૂખથી દુર્બળ થઇ ગયેલો હોય તો પણ, जराकृशः अपि- ઘડપણથી કૃશ થયેલો હોય તો પણ, शिथिलप्राणः अपि- ક્ષીણ થયેલી શક્તિવાળો હોય તો પણ, અહીં પ્રાણનો અર્થ શક્તિ સમજવાનો છે. જેની શક્તિ ક્ષીણ થાય એટલે સમજો કે એના પ્રાણ બહું ટકે નહીં. (છાન્દોગ્ય ઉપનિષદમાં પણ નારદ અને સનત્કુમારના સંવાદમાં પ્રાણના આધરરૂપે શક્તિને મહત્ત્વ આપ્યું છે. અમરકોશમાં પણ शक्तिः,पराक्रमः,प्राणः એમ શક્તિને પ્રાણનો પર્યાય કહી છે.) कष्टां दशाम् आपन्नः अपि- અતિ કષ્ટદાયકદશાને પામેલો હોય તો પણ, विपन्नदीधितिः अपि- તેજ(નૂર)વિનાનો હોય તો પણ, दीधितिः –એટલે તેજ કે નૂર. प्राणेषु नश्यत्सु अपि- પ્રાણ જવાની તૈયારી હોય તો પણ, मत्त-इभ-इन्द्र-विभिन्न-कुम्भ-पिशित-ग्रास-एकबद्धस्पृहः- જેણે મોટા મોટા હાથીઓના કુંભસ્થળો(લમણા) ફાડીને તેમાંથી તેમાંથી માંસના કોળિયા કરવાની ઇચ્છા હોય છે તેવો, मत्त-इभ-इन्द्र- મોટા મોટા હાથીઓ, विभिन्न-कुम्भ- કુંભસ્થળો(લમણા) ફાડીને, पिशित-ग्रास-एकबद्धस्पृहः- માંસના કોળિયા કરવાની ઇચ્છા હોય છે તેવો, मानमहताम् अग्रेसरः- મનસ્વીઓમાં અગ્રેસર, केसरी किं जीर्णं तृणम् अत्ति- સિંહ, (પ્રાણાન્તે પણ) શું સૂકું ઘાસ ખાય છે? (अद्- ખાવું- ધાતુનું વ.કા.ત્રી.પુ.એ.વ.-अत्ति)(अस्मिन् शोल्के शार्दूलविक्रीडितः छन्दः)

30. स्वल्पं स्नायुवसावशेषमलिनं निर्मांसमप्यस्थि गोः
श्वा लब्ध्वा परितोषमेति न तु तत्तस्य क्षुधाशान्तये ।
सिंहो जम्बुकमङ्कमागतमपि त्यक्त्वा निहन्ति द्विपं
सर्वः कृच्छगतोपि वाञ्छति जनः सत्त्वानुरूपं फलम् ।।
અલ્પ સ્નાયુ વશે મળે મલિન જે, નિર્માંસ ગૌ હાડકું,
લાભી શ્વાન જ તૃપ્તિને અનુભવે, શાન્તિ ક્ષુધાની નથી.
શૃગાલો વસતા સમીપે ત્યજીને, સિંહો હણે હસ્તિને,
લોકો દુઃખ મળે છતાં મન ધરે, સત્ત્વો પ્રમાણે ફળ.
અનુવાદ: સ્નાયુ અને ચરબીના અવશેષથી મલિન, માંસ વગરના અને અત્યંત નાના બળદના હાડકાને પામીને શ્વાન સંતોષ પામે છે. પણ તે તેની ભૂખ શાન્ત કરી શકતો નથી. સિંહ નજીક આવેલા શિયાળને છોડીને હાથીને હણે છે. મુશ્કેલીમાં હોવા છતાં દરેક મનુષ્ય પોતાના સત્ત્વને અનુરૂપ ફળની ઇચ્છા રાખે છે.
શબ્દાર્થ: स्नायु-वसा-अवशेषमलिनम् – સ્નાયુ અને ચરબીના અવશેષથી મલિન, वसा-ચરબી, निर्-मांसम् गोः स्वल्पम् अस्थि लब्ध्वा श्वा परितोषम् एति- માંસ વગરના અને અત્યંત નાના બળદના હાડકાને પામીને શ્વાન સંતોષ પામે છે. न तु तत् तस्य क्षुधाशान्तये- પણ તે તેની ભૂખ શાન્ત કરી શકતો નથી. सिंहः अङ्कम् आगतम् जम्बुकम् अपि त्यक्त्वा द्विपं निहन्ति- સિંહ નજીક આવેલા શિયાળને છોડીને હાથીને હણે છે. कृच्छगतः अपि सर्वः जनः सत्त्वानुरूपं फलम् वाञ्छति- મુશ્કેલીમાં હોવા છતાં દરેક મનુષ્ય પોતાના સત્ત્વને અનુરૂપ ફળની ઇચ્છા રાખે છે. कृच्छगतः अपि- મુશ્કેલીમાં હોવા છતાં, (द्विपम् -હાથી અને द्वीपम्-બેટ) (अस्मिन् शोल्के शार्दूलविक्रीडितः छन्दः)

31. लाङ्गूलचालनमधश्चरणावपातम्
भूमौ निपत्य वदनोदरदर्शनं च ।
श्वा पिण्डदस्य कुरुते गजपुङ्गवस्तु
धीरं विलोकयति चाटुशतैश्च भुङ्कते ।।
રે, પૂંછડી પતપટાવત પાય લાગે,
ઢાળી ધરા નિજ તનુ વદને જ દેખે,
તે શ્વાન દાન કટકો તલસે ગજેન્દ્રો
ધૈર્યે જુએ વિનવણી કરતાં જમે છે.
અનુવાદ: કૂતરું ખાવા આપનારની આગળ પૂછડું હલાવે છે, પગમાં નીચે પડે છે અને જમીન પર પડીને મુખ અને પેટ બતાવે છે. પણ ઉત્તમ હાથી તો ગંભીરતાથી જુએ છે અને અનેક મધુર વચનો પછી જ (કોળિયો) ખાય છે.
શબ્દાર્થ: श्वा पिण्डदस्य (अग्रे) लाङ्गूल-चालनम्- કૂતરું ખાવા આપનારની આગળ પૂછડું હલાવે છે, लाङ्गूल- પૂછડું, अधः चरणौ अवपातम् एवं भूमौ निपत्य वदन-उदरदर्शनं च- પગમાં નીચે પડે છે અને જમીન પર પડીને મુખ અને પેટ બતાવે છે. गजपुङ्गवः तु धीरं विलोकयति चाटुशतैः च भुङ्कते- પણ ઉત્તમ હાથી તો ગંભીરતાથી જુએ છે અને અનેક મધુર વચનો પછી જ (કોળિયો) ખાય છે. (अस्मिन् शोल्के वसन्ततिलका छन्दः)

32. परिवर्तनि संसारे मृतः को वा न जायते ।
स जातो येन जातेन याति वंशः समुन्नतिम् ।।
પરિવર્તી જ સંસારે કોને મરણ જન્મ ના ?
જે વંશોન્નતિ સાધે છે તેનો જન્મ ખઓ ગણો.
અનુવાદ: પરિવર્તનશીલ સંસારમાં મૃત્યું પામેલો કોણ નથી જન્મતો?(એટલે કે સૌ મરે છે અને જન્મે છે.) પરંતુ જન્મ્યો તો તે જ કહેવાય જેનાથી કુળની સર્વશ્રેષ્ઠ ઉન્નતિ થાય.(બાકી તો જન્મવા છતાં ન જન્મ્યા બરાબર છે.)
શબ્દાર્થ: मृतः को वा न जायते - મૃત્યું પામેલો કોણ નથી જન્મતો? (अस्मिन् शोल्के अनुष्टुप छन्दः)

33. कुसुमस्तबकस्येव द्वे गती स्तो मनस्विनाम् ।
मूर्ध्नि वा सर्वलोकस्य विशीर्यते वनेડथवा ।।
પુષ્પ ગુચ્છ સમી દીસે બે વૃત્તિઓ મનસ્વીની,
રહે સર્વજનો શિરે કે વને કરમાય છે.
અનુવાદ: પુષ્પગુચ્છની જેમ સ્વાભિમાની પુરુષોની બે અવસ્થા હોય છે. કાં તો સઘળા મનુષ્યોના મસ્તક પર રહેવું કે પછી વનમાં જ ખરી જવું.
શબ્દાર્થ: कुसुमस्तबक-પુષ્પગુચ્છ. જેમ પુષ્પગુચ્છ કોઇ લેનાર હોય તો દેવશીરે ચડે કે મનુષ્યના ગળાનો હાર બને બાકી તો વનમાં જ ખરી જાય છે. એમ સ્વાભિમાની પુરુષો ઉત્તમ વક્તા હોય તો જ હિતકારક ઉપદેશ આપે બાકી તો એ ચૂપચાપ બેસી જ રહે છે. (अस्मिन् शोल्के अनुष्टुप छन्दः)

34. सन्त्यन्येડपि बृहस्पतिप्रभृतयः सम्भाविताः पञ्चषा
स्तान्प्रत्येषविशेषविक्रमरुची राहुर्न वैरायते ।
द्वावेव ग्रसते दिनेश्वरनिशाप्राणेश्वरौ भासुरौ
भ्रान्तः पर्वणि पश्य दानवपतिः शीर्षावशेषीकृतः ।।
બીજા છે ગુરુ સાથ પાંચ છ વધુ સમ્ભાવિતો રે ગ્રહો,
તેઓથી વધુ વિક્રમે રુચિ ધરી, ના રાહુ વૈરી બને.
માથું છે અવશેષ દાનવપતિ દેખો તમે પર્વમાં,
બેનો ગ્રાસ કરે દિવાકર – શશી સ્વામી ખરા તેજના.
અનુવાદ: બૃહસ્પતિ વગેરે બીજા પણ પાંચ-છ પૂજનીય ગ્રહો (નક્ષત્રમંડલમાં) છે. તથાપિ વિશેષ પરાક્રમની ઇચ્છાવાળો રાહુ તે ગ્રહોની સાથે વેર રાખતો નથી. (તમે) જુઓ, જેનું ફક્ત મસ્તક બાકી રહ્યું છે તેવો દાનવપતિ-રાહુ ફરતો ફરતો પર્વ(અમાવાસ્યા)ના દિવસે તેજસ્વી સૂર્ય અને ચંદ્ર બન્નેને ગળી જાય છે.
શબ્દાર્થ: बृहस्पतिप्रभृतयः अन्ये अपि पञ्चषा सम्भाविताः (ग्रहाः नभो मण्डले) सन्ति- બૃહસ્પતિ વગેરે બીજા પણ પાંચ-છ પૂજનીય ગ્રહો (નક્ષત્રમંડલમાં) છે. (पञ्चषा- पञ्च वा षड् वा- પાંચ કે છ) विशेषविक्रमरुची एषः राहुः तान् प्रति न वैरायते- તથાપિ વિશેષ પરાક્રમની ઇચ્છાવાળો રાહુ તે ગ્રહોની સાથે વેર રાખતો નથી. पश्य, शीर्षावशेषीकृतः दानवपतिः भ्रान्तः- (તમે) જુઓ, જેનું ફક્ત મસ્તક બાકી રહ્યું છે તેવો દાનવપતિ-રાહુ ફરતો ફરતો, पर्वणि भासुरौ दिनेश्वर-निशाप्राणेश्वरौ द्वावेव ग्रसते- પર્વ(અમાવાસ્યા)ના દિવસે તેજસ્વી સૂર્ય અને ચંદ્ર બન્નેને ગળી જાય છે. જેમ રાહુ નાના ગ્રહોને છોડીને સૂર્ય-ચંદ્રને પીડે છે, તેમ દુર્જન મનુષ્ય પણ પોતાનું વિકૃત પરાક્રમ સિદ્ધ કરવા તેજસ્વી મનુષ્યોને જ પજવે છે. આ પારંપરિક પ્રણાલિ છે માટે તિતિક્ષા માટે તૈયાર રહેવું એમ કવિનું માનવું છે. (अस्मिन् शोल्के शार्दूलविक्रीडितः छन्दः)

35. वहति भुवनश्रेणीं शेषः फणाफलकस्थितां
कमठपतिना मध्येपृष्ठं सदा स विधार्यते ।
तमपि कुरुते क्रोडाधीनं पयोधिरनादरा-
दहह महतां निःसीमानश्चरित्रविभूतयः ।।
વહત ભુવનશ્રેણી શેષ ફણાફલકે ધરી,
વહન દરરોજ તેવું કાચબો તનુથી કરે.
ઉદધિ ધરતો ગોદે તે કાચબો સમતા ધરી,
અહહ મહિમા પારાવારે ચરિત્ર વિભૂતિનો.
અનુવાદ: શેષનાગ પોતાના ફણારૂપી ફલક ઉપર ભુવનોની પંક્તિને ધારણ કરે છે. તે(શેષનાગ)ને (ભગવાન્) કચ્છપ રૂપે પીઠ ઉપર ધારણ કરે છે. તે(કચ્છપ)ને પણ સમુદ્ર સહજ રીતે પોતાના ખોળાની અંદર ધારણ કરે છે. અહો ! મહાપુરુષોના કાર્યોનો મહિમા અપાર છે.
શબ્દાર્થ: शेषः फणाफलकस्थितां भुवनश्रेणीं वहति- શેષનાગ પોતાના ફણારૂપી ફલક ઉપર ભુવનોની પંક્તિને ધારણ કરે છે. स कमठपतिना मध्येपृष्ठं सदा विधार्यते- તે(શેષનાગ)ને (ભગવાન્) કચ્છપ રૂપે પીઠ ઉપર ધારણ કરે છે. तम् अपि पयोधि अनादरात् क्रोडाधीनं कुरुते- તે(કચ્છપ)ને પણ સમુદ્ર સહજ રીતે પોતાના ખોળાની અંદર ધારણ કરે છે. अहह महतां चरित्रविभूतयः निःसीमानः (सन्ति) - અહો ! મહાપુરુષોના કાર્યોનો મહિમા અપાર છે. चरित्र-विभूतयः - કાર્યોનો મહિમા (अस्मिन् शोल्के हरिणी छन्दः)

36. वरं पक्षच्छेदः समदमघवन्मुक्तकुलिश-
प्रहारैरुद्गच्छद्बहलदहनोद्गारगुरुभिः ।
तुषाराद्रेः सूनोरहह पितरि क्लेशविवशे
न चासौ सम्पातः पयसि पयसां पत्युरुचितः ।।
ઘણી ઊંચે ઊડે દહન કરતી ઝોળ અનલે,
ભલે પાંખો છેદે સમદ મઘવા વજ્ર ઝટકે.
હિમાદ્રિ પુત્રનું અહ જનક શોકે વિવશ જ્યાં,
નથી સારું માન્યું ઉદધિ ઉદકે લ્યા ! પતનને.
અનુવાદ: ઊંચે જતી ભયાનક અગ્નિજ્વાળાઓને લીધે અસહ્ય બનેલા મદોન્મત્ત ઇન્દ્રે ફેંકેલા વજ્રના પ્રહારોથી હિમાલયના પુત્ર(મેનાક)ની પાંખો કપાઇ જવી બહેતર હતી. પરંતુ અરેરે.. પિતા જ્યારે ક્લેશથી વિવશ હતા ત્યારે ઉદકપતિ સમુદ્રના જળમાં ઝંપલાવવું યોગ્ય ન હતું.
શબ્દાર્થ: उद्गच्छत्-बहल-दहन-उद्गारगुरुभिः- ઊંચે જતી ભયાનક અગ્નિજ્વાળાઓને લીધે અસહ્ય બનેલા, समद-मघवन् मुक्तकुलिश- प्रहारैःतुषाराद्रेः सूनोः पक्षच्छेदः वरम्- મદોન્મત્ત ઇન્દ્રે ફેંકેલા વજ્રના પ્રહારોથી હિમાલયના પુત્ર(મેનાક)ની પાંખો કપાઇ જવી બહેતર હતી. (किन्तु) अहह पितरि क्लेशविवशे (सति) पयसां पत्युः पयसि असौ सम्पातः न (वरम्)- પરંતુ અરેરે.. પિતા જ્યારે ક્લેશથી વિવશ હતા ત્યારે ઉદકપતિ સમુદ્રના જળમાં ઝંપલાવવું યોગ્ય ન હતું. (अस्मिन् शोल्के शिखरिणी छन्दः)

37. यदचेतनोડपि पादैः स्पृष्टः प्रज्वलति सवितुरिनकान्तः ।
तत्तेजस्वी पुरुषः परकृतविकृतिं कथं सहते ।।
અચેતન પણ પાદ સ્પર્શે જળી ઊઠે સૂર્યકાન્તમણિ, તો તેજસ્વી પુરુષો પરથકી થતાં અપમાન શેં સહે?
અનુવાદ: જે અચેતન(જડ) હોવા છતાં પણ સૂર્યકાન્તમણિ સૂર્યના કિઅરણોનો સ્પર્શ થતાં જ તેજસ્વી બને છે. તેવી રીતે તેજસ્વી પુરુષ પારકાએ કરેલા અપમાનને કેવી રીતે સહન કરે?
શબ્દાર્થ: यत् अचेतनः अपि अनिकान्तः सवितुः पादैः स्पृष्टः प्रज्वलति- જે અચેતન(જડ) હોવા છતાં પણ સૂર્યકાન્તમણિ સૂર્યના કિઅરણોનો સ્પર્શ થતાં જ તેજસ્વી બને છે. तत् तेजस्वी पुरुषः परकृतविकृतिं कथं सहते- તેવી રીતે તેજસ્વી પુરુષ પારકાએ કરેલા અપમાનને કેવી રીતે સહન કરે? (अस्मिन् शोल्के आर्या छन्दः)

38. सिंहः शिशुरपि निपतति मदमलिनकपोलभित्तिषु गजेषु ।
प्रकृतिरियं सत्त्ववतां न खलु वयस्तेजसो हेतुः ।।
સિંહબાળ તૂટી પડે મદમાતા ગંડવાળા ગજપરે,
સ્વભાવ બળવાનોનો ના ખરે વય પ્રતાપનું કારણ.
અનુવાદ: સિંહ બાળક હોય તો પણ(એટલે કે બચ્ચુ હોય તો પણ) મદ ઝરતા લમણારૂપી દિવાલવાળા હાથીઓ ઉપર કૂદી પડે છે. તેજસ્વી વ્યક્તિઓનો આ સ્વભાવ જ છે. ખરેખર ઉંમર તેજનું કારણ નથી.
શબ્દાર્થ: सिंहः शिशुः अपि- સિંહ બાળક હોય તો પણ(એટલે કે બચ્ચુ હોય તો પણ), मद-मलिन-कपोल-भित्तिषु गजेषु- મદ ઝરતા લમણારૂપી દિવાલવાળા હાથીઓ ઉપર,प्रकृतिः इयं सत्त्ववतां- તેજસ્વી વ્યક્તિઓનો આ સ્વભાવ જ છે. न खलु वयःतेजसः हेतुः- ખરેખર ઉંમર તેજનું કારણ નથી.(अस्मिन् शोल्के आर्या छन्दः)

39. जातिर्यातु रसातलं गुणगणस्तस्याप्यधो गच्छतु
शीलं शैलतटात्पतत्वभिजनः संदह्यतां वह्निना ।
शौर्ये वैरिणि वज्रमाशुनिपतत्वर्थोડस्तु नः केवलं
येनैकेन विना गुणास्तृणलवप्रायाः समस्ता इमे ।।
જાતિ જાય રસાતલે, ગુણગણો તેથીય ઊંડે પડો,
ચારિત્ર્યો ગિરિટોચથી જ પડજો, પૂળો મૂકો કુળમાં.
વૈરી શૌર્ય પરે હજો વજર ઘા, નાણાં રહો પાસમાં,
જેના વિણ ગુણો તૃણો સમ બધા, ધૂળે મળે છે બધું.
અનુવાદ: જાતિ જાય રસાતલમાં, ગુણોનો સમૂહ તેનાથી પણ નીચે જાય, ચારિત્ર્ય (ભલે) પર્વત પરથી પડતું મૂકે, ખાનદાન માણસ (છો ને) અગ્નિમાં સળગી જાય, (અરે..) વૈરી જેવી શૂરવીરતા પર એકદમ વજ્રપાત થાય. પરંતુ અમને તો અર્થ(પૈસા) જ પ્રાપ્ત થાઓ. કેમે કે, જે એક વગર આ બધા જ ગુણો તણખલાના ટૂકડા જેવા છે.
શબ્દાર્થ: गुणगणः तस्य अपि अधः गच्छतु- ગુણોનો સમૂહ તેનાથી પણ નીચે જાય, शीलं शैलतटात् पततु- ચારિત્ર્ય (ભલે) પર્વત પરથી પડતું મૂકે, अभिजनः संदह्यतां वह्निना- ખાનદાન માણસ (છો ને) અગ્નિમાં સળગી જાય, शौर्ये वैरिणि वज्रम् आशु-निपतति-(અરે..) વૈરી જેવી શૂરવીરતા પર એકદમ વજ્રપાત થાય, अर्थः अस्तु नः केवलं- અમને તો અર્થ(પૈસા) જ પ્રાપ્ત થાઓ. येन एकेन विना तृणलवप्रायाः इमे समस्ताः गुणाः- જે એક વગર આ બધા જ ગુણો તણખલાના ટૂકડા જેવા છે. કવિના મતે ‘વસુ વિના નર પશુ’ છે. આજકાલ આ જ વાત સર્વથા સત્ય બની ગઇ છે. સંસ્કાર, સભ્યતા અને સંસ્કૃતિ ને બદલે આજકાલ અર્થવાદ પછી ભોગવાદ અને છેવટે રોગવાદથી જનજીવન જકડાયું છે. (अस्मिन् शोल्के शार्दूलविक्रीडितः छन्दः)

40. तानीन्द्रियाणि सकलानि तदेव कर्म
सा बुद्धिरप्रतिहता वचनं तदेव ।
अर्थोष्मणा विरहितः वचनं तदेव
त्वन्यः क्षणेन भवतीति विचित्रमेतत् ।।
(આ શ્લોકનો સમછન્દી અનુવાદ શ્રી ગિરિશભાઇ ભચેચે કર્યો નથી.)
અનુવાદ: (મનુષ્યની) બધી ઇન્દ્રિયો એની એ જ છે, કર્મ પણ એ જ છે, અસ્ખલિત બુદ્ધિ પણ એ જ છે અને વાણી પણ એની એ જ છે. પરંતુ ધનની ઉષ્મા વગરનો એ જ પુરુષ ક્ષણવારમાં બદલાઇ જાય છે. આ (બાબત બહું) વિચિત્ર છે.
શબ્દાર્થ: सकलानि इन्द्रियाणि तानि एव- બધી ઇન્દ્રિયો એની એ જ છે, कर्म अपि तद् एव- કર્મ પણ એ જ છે, सा अप्रतिहता बुद्धिः अपि एव- અસ્ખલિત બુદ્ધિ પણ એ જ છે वचनं तदेव- વાણી પણ એની એ જ છે. तु अर्थोष्मणा विरहितः स एव पुरुषः क्षणेन अन्यः भवति, इति विचित्रम् एतत्- પરંતુ ધનની ઉષ્મા વગરનો એ જ પુરુષ ક્ષણવારમાં બદલાઇ જાય છે. આ (બાબત બહું) વિચિત્ર છે. (अस्मिन् शोल्के वसन्ततिलका छन्दः)

41. यस्यास्ति वित्तं स नरः कुलीनः स पण्डितः स श्रुतवान्गुणज्ञः ।
स एव वक्ता स च दर्शनीयः सर्वे गुणाः काञ्चनमाश्रयन्ते ।।
જેને ધનો છે કુલવાન તે છે, તે પંડિત જ્ઞાની અને ગુણજ્ઞ.
વળી સુવકતા બહુ દર્શનીય, સર્વે ગુણો કાંચનમાં સમાણા.
અનુવાદ: જેની પાસે ધન છે, તે પુરુષ કુલીન, તે જ પંડિત, તે જે ગુનવાન્, તે જ ગુણ જાણનાર અને વક્તા છે અને તે જ દર્શનીય છે. કારક કે, બધા ગુણો સોના(ધન)ના આશ્રયે રહેલા છે. (अस्मिन् शोल्के उपजाति छन्दः)

42. दौर्मन्त्र्यान्नृपतिर्विनश्यति यतिः संगात्सुतो लालना-
द्विप्रोડनध्ययनात्कुलं कुतनयात् शीलं खलोपासनात् ।
ह्रीर्मद्यादनवेक्षणादपि कृषिः स्नेहः प्रवासाश्रया-
न्मैत्री चाप्रणयात्समृद्धिरनयात्त्यागात्प्रमादाद्धनम् ।।
પામે નાશ કુબોધથી નૃપ યતિ, સંગે સુતો લાડથી,
વિપ્રો પાઠ ત્યજ્યે કુળો કુતનયે, શીલો ખલોપાસને.
ખેતી ધ્યાન વિના, મર્યાદ મધુથી, સ્નેહ પ્રવાસાશ્રયે,
દ્વેષે સંગત સમૃદ્ધિ નીતિ વિના, ત્યાગે પ્રમાદે ધન.
અનુવાદ:ખરાબ મન્ત્રીઓથી રાજા,યોગી (સંસારની) સોબતથી,પુત્ર લાડ લડાવવાથી, બ્રાહ્મણ અધ્યયન ન કરવાથી, કુળ ખરાબ પુત્રથી, ચારિત્ર્ય દુર્જનોની સોબતથી, લજ્જા મદિરાથી, ખેતી દેખભાળ ન રાખવાથી, પ્રેમ પરગામ જવાથી, મિત્રતા પ્રેમના અભાવે, સમૃદ્ધિ અનીતિથી અને ધન ત્યાગ અને આળસ કરવાથી નાશ પામે છે.
શબ્દાર્થ: दौर्मन्त्र्यान् नृपति- ખરાબ મન્ત્રીઓથી રાજા, विप्रः अनध्ययनात् – બ્રાહ્મણ અધ્યયન ન કરવાથી, ह्री- मद्यात्- લજ્જા મદિરાથી, अनवेक्षणात् अपि कृषिः- ખેતી દેખભાળ ન રાખવાથી, मैत्री च अप्रणयात्- મિત્રતા પ્રેમના અભાવે, समृद्धिः अनयात्- સમૃદ્ધિ અનીતિથી त्यागात् प्रमादात् धनम्- ધન ત્યાગ અને આળસ કરવાથી. (अस्मिन् शोल्के शार्दूलविक्रीडितः छन्दः)

43. दानं भोगो नाशस्तिस्रो गतयः भवन्ति वित्तस्य ।
यो न ददाति न भुङ्क्ते तस्य तृतीया गतिर्भवति ।।
દાન,ભોગ અને નાશ એવી ત્રણ ગતિઓ વિત્તની થાય.
જે ન આપે ન ખાયે તેની ત્રીજી જ ગતિ થાય.
અનુવાદ:દાન,ભોગ અને નાશ એ ધનની ત્રણ ગતિઓ છે. જે આપતો નથી કે ભોગવતો નથી, તેની ત્રીજી ગતિ (નાશ) થાય છે.

44. मणि: शाणोल्लीढ: समरविजयी हेतनिहतो
मदक्षिणो नाग: शरदि सरित: श्यानपुलिनाः ।
कलाशेषश्चन्द्र: सुरत्मृदित बालवनिता
तनिम्ना: शोभन्ते गलितविभवाश्चार्थिषु जनाः ॥
સરાણે પાસાથી, મણિ સમરજેતા હતવપુ,
મદે ક્ષીણો હાથી, શરદનદ ભાઠાં જળહીણાં.
કલાહીણો ચન્દ્ર, સુરત શિથિલા બાલ વનિતા,
ઘસાયાથી શોભે, નર સમરપી વૈભવ જને.
અનુવાદ: સરાણે ચડાવેલો મણિ, હથિયારોથી ઘવાયેલો વિજેતા યોદ્ધો, સુકાયેલા મદવાળો હાથી, શરદઋતુમાં સુકાયેલા કાઠાવાળી નદીઓ, કલાશેષ(બીજનો)ચન્દ્ર, સુરતક્રીડાથી મર્દિત યુવતીઓ અને યાચકોને આપવાથી જેનો વૈભવ ઘસાઇ ગયો છે તેવા મનુષ્યો પોતાની કૃશતાથી શોભે છે.
શબ્દાર્થ: शाणोल्लीढ:- સરાણે ચડાવેલો, समरविजयी हेतनिहतो- હથિયારોથી ઘવાયેલો વિજેતા યોદ્ધો, मदक्षिणो नाग:- સુકાયેલા મદવાળો હાથી, शरदि सरित: श्यानपुलिनाः- શરદઋતુમાં સુકાયેલા કાઠાવાળી નદીઓ, कलाशेषश्चन्द्र:- કલાશેષ(બીજનો)ચન્દ્ર, જેની એક જ કલા શેષ બાકી છે તેવો ચન્દ્ર,सुरत्मृदित बालवनिता- સુરતક્રીડાથી મર્દિત યુવતીઓ, गलितविभवाश्चार्थिषु जनाः- યાચકોને આપવાથી જેનો વૈભવ ઘસાઇ ગયો છે તેવા મનુષ્યો, तनिम्ना: शोभन्ते- પોતાની કૃશતાથી શોભે છે. આ શ્લોકમાં શિખરિણી છન્દ છે.

45. परिक्षीण: कश्चित्स्पृह्यति यवनां प्रसृतये
स पश्चात्सम्पूर्णो गणयति धरित्रीं तृणसमाम् ।
अतश्चानेकान्तं गुरुलघुतयाઽर्थेषु धनिना-
मवस्था वस्तूनि प्रथयति च संकोचयति ॥
ઘસાયેલો માંગે, અતિ લઘુ ય ખોબો જવ તણો,
પછી પૂરા ભાગ્યે, ગણતર ધરાનું તૃણ સમું.
ખરે મિથ્યા તત્ત્વે, લઘુ ગુરુ દશા છે ધનિકની,
મહત્તા વસ્તુની વધઘટ કરે છે પરિસ્થિતિ.
અનુવાદ:તદ્દન ગરીબ એવો કોઇ વ્યક્તિ ખોબો જવ માટે ઝંખે છે. પછીથી (ધન)સમ્પન્ન થતાં તે ધરતીને તણખલા જેવી સમજે છે. ખરેખર અવસ્થા જ પદાર્થોને ગુરુતા કે લઘુતા આપે છે. (ધન કંઇ લઘુતા કે ગુરુતા આપતું નથી. કેમ કે ધનવાનો ક્યારેક ધનિક તો ક્યારેક દરિદ્ર હોય છે.) માટે અવસ્થા જ મહત્તા અને લઘુતાનું કારણ છે.
શબ્દાર્થ: परिक्षीण: कश्चित्-, તદ્દન ગરીબ એવો કોઇ વ્યક્તિ स्पृह्यति यवनां प्रसृतये- ખોબો જવ માટે ઝંખે છે. पश्चात् स सम्पूर्णो भवति तदा धरित्रीं तृणसमाम् गणयति - પછીથી (ધન)સમ્પન્ન થતાં તે ધરતીને તણખલા જેવી સમજે છે.अतः च अनेकान्तं गुरु-लघुतया अर्थेषु- ખરેખર અવસ્થા જ પદાર્થોને ગુરુતા કે લઘુતા આપે છે. (अश्मिन् श्लोके शिखरिणी छन्दः अस्ति )

46. राजन् दुधुक्षसि यदि क्षितिधेनुमेतां
तेनाद्य वत्समिव लोकममुं पुषाण ।
तस्मिंश्च सम्यगनिशं परिपोष्यमाणे
नानाफलैः फलति कल्पलतेव भूमिः ।।
હે રાજ ! દોહન ચહો ક્ષિતિધેનુ કેરું,
તો આજ વત્સ સમ લોકભલાઇ જાણો.
તેનું જ પોષણ થતાં ધરતી ધરાયે,
નાના ફળે ફળતી કલ્પલતા શી ભૂમિ.
અનુવાદ: હે રાજા ! જો આ પૃથ્વીરૂપી ગાયને દોહવા ઇચ્છતો હોય તો આજથી પ્રજાનું વાછરડાની જેમ પોષણ કર.તે(પ્રજા)નું સારી રીતે પાલનપોષણ કરવામાં આવે ત્યારે જ ધરતી કલ્પલતાની માફક વિવિધ પ્રકારનાં ફળ આપે છે.
શબ્દાર્થ: राजन् - હે રાજા ! यदि क्षितिधेनुम् एतां दुधुक्षसि तेन अद्य वत्सम् इव अमुं लोकम् पुषाण- જો આ પૃથ્વીરૂપી ગાયને દોહવા ઇચ્છતો હોય તો આજથી પ્રજાનું વાછરડાની જેમ પોષણ કર. तस्मिन् सम्यग् अनिशं परिपोष्यमाणे कल्पलतेव भूमिः नानाफलैः फलति- તે(પ્રજા)નું સારી રીતે પાલનપોષણ કરવામાં આવે ત્યારે જ ધરતી કલ્પલતાની માફક વિવિધ પ્રકારનાં ફળ આપે છે. આ શ્લોકમાં વસન્તતિલકા છન્દ છે.)

47. सत्याડनृता च परुषा प्रियवादिनी च
हिंस्रा दयालुरपि चार्थपरा वदान्या ।
नित्यव्यया प्रचुरनित्यधनागमा च
वेश्याङ्गनेव नृपनीतिरनेकरूपा ।।
સાચી જૂઠી ય પરુષા પ્રિયવાદિની ને,
ખૂની દયાળુ ધંગોપ સુદાનશીલા.
નિત્યવ્યયા વળી વધુ ધન લાવનારી,
વારાંગના સમ નરેશ નીતિ ઠગારી.
અનુવાદ: ગણિકાની જેમ રાજનીતિ અનેક રૂપોવાળી છે. જેમ કે, તે સાચી અને જૂઠી છે. કઠોર અને મધુર વાતો કરનારી છે. હિંસક અને દયાળુ છે. લોભી અને ઉદાર છે. સદા વ્યય કરનારી અને હંમેશા પુષ્કળ ધન કમાનારી છે.
શબ્દાર્થ: वेश्याङ्गना इव नृपनीतिः अनेकरूपा- ગણિકાની જેમ રાજનીતિ અનેક રૂપોવાળી છે. च अनृता परुषा च प्रियवादिनी- સાચી અને જૂઠી છે. કઠોર અને મધુર વાતો કરનારી છે. अर्थपरा च वदान्या- લોભી અને ઉદાર છે. अश्मिन् श्लोके वन्ततिलका छन्दः अस्ति ।

48. आज्ञा कीर्तिः पालनं ब्राह्मणानां दानं भोगो मित्रसंरक्षणं च ।
येषामेते षड्गुणाः न प्रवृताः कोડर्थस्तेषां पार्थिवोपाश्रयेण ।।
આજ્ઞા કીર્તિ આશ્રય બ્રાહ્મણોને, દાનો ભોગો મિત્રસંરક્ષણો ને,
જેઓમાં એ ષડ્ ગોણો ન પ્રવર્તે, તેઓને શો અર્થ રાજ્યાશ્રયોથી?
અનુવાદ: જેઓમાં આજ્ઞા, કીર્તિ, બ્રાહ્મણોનું પાલન, દાન, ભોગ અને મિત્રનું રક્ષણ – આ છ ગુણો રહેલા નથી, તેમને રાજ્યાશ્રયનો શો ફયદો છે?
શબ્દાર્થ: कः अर्थः तेषां पार्थिव उपाश्रयेण- તેમને રાજ્યાશ્રયનો શો ફયદો છે? અર્થાત્ – રાજાના અધિકારિઓમાં આ છ ગુણો હોવા જરૂરી છે. અન્યથા રાજાનું રાજ્ય લોકમાં પ્રસિદ્ધિ ન પામે અને અધિકારિઓ મદાન્ધ બની જાય છે. આ શ્લોકમાં શાલિની છન્દ છે.

49. यद्धात्रा निजभालपट्टलिखितं स्तोकं महद् वा धनं
तत्प्राप्नोति मरुस्थलेડपि नितरां मेरौ ततो नाधिकम् ।
तद्धीरो भव वित्तवत्सु कृपणां वृत्तिं वृथा मा कृथाः
कूपे पश्य पयोनिधावपि घटो गृह्णाति तुल्यं जलम् ।।
ધાત્રીએ જ લલાટેલેખન કર્યુ, થોડું ઘણું ભાગ્યમાં,
નક્કી તે રણના સ્થળે ય મળશે, ના મેરુમાં કૈં વધુ.
તો ધીરો બન શેઠ પાસ હલકી, વૃત્તિ વૃથા મા કરો,
જુઓ કે સરખું ઘડો જળ ભરે, કૂવે સમુદ્રે ય વા.
અનુવાદ: વિધાતાએ પોતાના ભાગ્યમાં થોડું કે વધારે જે કંઇ ધન લખ્યું હોય છે તે ધન રણપ્રદેશમાં પણ મળે છે. પરંતુ તેનાથી વધારે ધન મેરુપર્વતની ટોચે પણ મળતું નથી. માટે (હે મનુષ્ય તું)ધીરજ ધર અને ધનવાનની પાસે વ્યર્થ લાચારી ન બતાવીશ. તું જો, ઘડો કૂવામાંથી કે સમુદ્રમાંથી એક સરખું જ પાણી ધારણ કરે છે.
શબ્દાર્થ: धात्रा यत् निजभालपट्टलिखितं तत् स्तोकं महद् वा धनं मरुस्थले अपि प्राप्नोति- વિધાતાએ પોતાના ભાગ્યમાં થોડું કે વધારે જે કંઇ ધન લખ્યું હોય છે તે ધન રણપ્રદેશમાં પણ મળે છે. नितरां मेरौ ततो न अधिकम्- પરંતુ તેનાથી વધારે ધન મેરુપર્વતની ટોચે પણ મળતું નથી. तत् धीरः भव वित्तवत्सु कृपणां वृत्तिं वृथा मा कृथाः- માટે (હે મનુષ્ય તું)ધીરજ ધર અને ધનવાનની પાસે વ્યર્થ લાચારી ન બતાવીશ. पश्य घटः कूपे पयोनिधौ अपि घटो तुल्यं जलम् गृह्णाति- તું જો, ઘડો કૂવામાંથી કે સમુદ્રમાંથી એક સરખું જ પાણી ધારણ કરે છે. આ શ્લોકમાં શાર્દૂલવિક્રીડિત છન્દ છે.

50. त्वमेव चातकाधारोડसीति केषां न गोचरः ।
किमम्भोदवराડस्माकं कार्पण्योक्तिः प्रतीक्ष्यते ।।
(આ શ્લોકનો સમછન્દી અનુવાદ ભચેચ સાહેબે કર્યો નથી)
અનુવાદ: હે શ્રેષ્ઠ મેઘ ! અમારા ગરીબડા વચનની શા માટે રાહ જુએ છે? કેમે કે તું જ ચાતકનો આધાર છે, એ વાત કોનાથી અજાણી છે.( અર્થાત્ સૌ કોઇ જાણે છે.)
શબ્દાર્થ: भो अम्भोदवरा- હે શ્રેષ્ઠ મેઘ !, अस्माकं कार्पण्योक्तिः किम् प्रतीक्ष्यते- અમારા ગરીબડા વચનની શા માટે રાહ જુએ છે? त्वम् एव चातकस्य आधारः असि इति केषां न गोचरः- તું જ ચાતકનો આધાર છે, એ વાત કોનાથી અજાણી છે. કવિના મતે, મેઘ સર્વ દાતા છે. અને જે સર્વદાતા હોય તેણે પોતાના આશ્રિતોની ગરીબાઇને જાણવી જોઇએ. એ લોકો પુનઃ પુનઃ માગણી કરે ત્યારે જ આપવું, એવાં ગરીબડાં વચનોની રાહ જોવી જોઇએ નહીં. એટલે કે, વિના માગે ઉદારહાથે દાન કરવું જ જોઇએ. (अस्मिन् श्लोके अनुष्टुप छन्दः अस्ति)

ડૉ. મહેશ એ. પટેલ, ગુજરાત આર્ટ્સ અને કૉમર્સ કૉલેજ, એલિસબ્રીજ, અમદાવાદ