Download this page in

ખુદા કે લિએ

સિનેમાની મુખ્ય ધારથી અલગ પ્રકારની હોવા છતાં શોએબ મન્સૂરની ' ખુદા કે લિએ ' ચોતરફ વખણાઈ પણ ખરી અને વિવેચકોની સાથે પ્રેક્ષકોને પણ રીઝવી શકી. અતિશય સંવેદનશીલ વિષય લઈને બનાવાયેલી આ ફિલ્મ મસ્કત ફિલ્મ ફેસ્ટિવલમાં Best Foreign filmનો પુરસ્કાર રળેલી છે. ઉપરાંત તેને ઈટાલીનો Reberto Rosellini Award પણ મળેલો છે. આ ફિલ્મના લેખક- દિગ્દર્શક શોએબ મન્સૂર પાકિસ્તાન જેવા કટ્ટરવાદી વિચારસરણીનું પ્રભુત્વ ધરાવતા દેશમાં આ પ્રકારની ફિલ્મ બનાવી શકયા એ માટે વિશેષ અભિનંદનના અધિકારી છે. જરાય બોલકા બન્યા વગર, ગળાફાડ સંવાદો વગર ફિલ્મ એક ધારાદાર Political and Social Statement બની શકી છે. લગભગ ચાર દાયકા પછી ભારતમાં પ્રથમ પાકિસ્તાની ફિલ્મ રજૂ થઈ એ આનંદની ઘટના. જે સમયે આપણા દેશમાં ધર્મના નામે કટ્ટરવાદ જુદા રૂપે માથું ઊંચકી રહ્યો છે ત્યારે આવી ફિલમનું આવવું એને એક સુયોગ જ ગણાય.

ફિલ્મના કેન્દ્રમાં બે થીમ છે. એક ૯/૧૧ની દુર્ધટના અને બીજી પાકિસ્તાનમાં વકરતું જતું અંતિમવાદી માનસ… આમ તો ૯/૧૧ની દુર્ધટનાને કેન્દ્રમાં રાખી હોલીવુડમાં અનેક ફિલ્મો બની છે. પણ અત્યારે મોટા ભાગના ફિલ્મવિવેચકો એક અવાજે કહી રહ્યા છે કે એમાંની એકપણ ફિલ્મ ' ખુદા કે લિએ' જેટલી પ્રભાવક નો'તી. છેલ્લા થોડાક દાયકાથી સમગ્ર વિશ્વ જે સરળતા પ્રશ્નનો સામનો કરી રહ્યું છે તે આંતિમવાદી વિચારસરણી અહીં મુખ્ય વિષય છે પણ દિગ્દર્શકે એને સમાંતર પાકિસ્તાની સ્ત્રીઓના મૂળભૂત હક્કના પ્રશ્નોને પણ વણી લીધા છે. મુસ્લિમ પ્રજા માટે બહારના દેશો એક મિથ લઈને ચાલતા હોય છે. મુસ્લિમ એટલે અતંકવાદી, ગરીબ , અભણ, પછાત… …વગેરે. આ ફિલ્મની રજૂઆત, લખાવટ, ફોટોગ્રાફી, સંગીત આ બધાએ મળીને 'ખુદા કે લિએ' ને અતિશય પ્રભાવક ફિલ્મ બનાવી દીધી છે.

અહીં મૌલાના તાહિર (રશીદ નાઝ) અને એના શાગિર્દો ઈસ્લામનો અંતિમવાદી ચહેરો છે. તેઓ ઈસ્લામના નામે ભલા ભોળા, નિર્દોષ યુવાનનો ગુમરાહ કરે છે. અલ્લાહના નામે, દીન (ધર્મ)ના નામે એમને જેહાદી બનાવે છે. સંગીત, ચિત્ર જેવી કળાઓને મૌલાના હરામ ફરમાવે છે. તો મૌલાના વલી (નસીરુદ્દીન શાહ ) મન્સૂર તથા એનાં મા-બાપ ઈસ્લામનો ઉદાર ચહેરો છે. ફિલ્મના અંતે દસેક મિનિટ માટે જ મહેમાન કલાકાર તરીકે આવતા મૌલાના વલી પ્રેક્ષકોના દિલોદિમાગ પર છવાઈ જાય છે. મૌલાના તાહિરીને એમનાં જ હથિયારો વડે લાહોર હાઈ કોર્ટમાં શિકસ્ત (હાર) આપે છે. ભરી અદાલતમાં, ઈસ્લામના પવિત્ર ગ્રંથમાંથી એક પછી એક આધાર ટાંકતા જતા મૌલાના વલી અંતિમવાદીઓનાં મોઢાં પર તાળાં લગાવી દે છે. ઈસ્લામ સ્ત્રીવિરોધી નથી, સંગીત કે અન્ય કોઈ કળાનો વિરોધી નથી એવું મૌલાના વલી દાખલા-દલીલોથી પુરવાર કરે છે. મુલ્લાઓ ઈસ્લામના નામે કેટલા બેબુનિયાદ ફતવાઓ ચલાવે છે.પ્રજાને ધર્મના નામે ગુમરાહ કરે છે. તેના વિશે આ ફિલ્મ બેખોફ બયાન કરે છે. હંમેશની જેમ નસીરુદ્દીન એમના પાત્રને જીવી ગયા છે. સશક્ત અભિનય, અદભૂત સંગીત, સરસ ફોટોગ્રાફી અને ચુસ્ત પ્લોટ આ ફિલ્મનાં જમા પાસાં છે. કથાનો તંતુ ત્રણ દેશ-પકિસ્તાન, ઈંગ્લેન્ડ અને અમેરિકામાં ફેલાયેલો છે. લાહોર, શિકાંગો અને લંડન વચ્ચે કથા ફરતી રહી છે.

લહોરમાં રહેતું એક સુખી, સમૃધ્ધ,ઉદારમતવાદી મુસ્લિમ કુટુંબ કથાના કેન્દ્રમાં છે. હસન ખાન-પત્ની, ધરડી મા તથા બે યુવાન દીકરા શરમદ અને મન્સૂર-બેઉ સંગીતકાર છે. એક કિલ્લોલતા કુટુંબ પર અચાનક મુશ્કેલીના કેવા પહાડ તૂટી પડે છે, બધું કેવું તો તણખલાની જેમ વિખેરાઈ જાય છે તેનું હદયવિદારક ચિત્ર અહીં રજૂ થયું છે. સંતાનોની દરેક ઈચ્છાને સર્વોપરી માનતાં ખુશહાલ મા-બાપ અચાનક જા દુનિયાનાં સૌથી દુ:ખી મા-બાપ બની જાય છે, કારણ કે એમનો નનો દીકરો શરમદ જેહાદી બની જાય છે અને મોટો દીકરો મંસૂદ ૯/૧૧ની ધટના પછી અમેરિકાની જાસૂસી સંસ્થાની કારમી યાતનાઓનો ભોગ બની જીવતો છતાં મરેલો થઈ જાય છે. અહીં સ્પષ્ટપણે બે વાત કહેવાઈ શકી છે : દરેક મુસ્લિમને આતંકવાદી માનનાર પોતે કંઈ નાનું અપરાધી નથી. અને સામા પક્ષે મુસ્લિમનો અપરાધ છે. જમાના જૂના રિવાજોમાં સડ્યા કરવું. દુનિયા આખી ખોટી અને માત્ર પોતે જ સાચા એવા વહેમમાં રચાતા રહેવું.પોતાના ધર્મને સર્વશ્રેષ્ઠ માની, સમજ્ય- વિચાર્યા વગર મુલ્લાઓનાં ધડમાથાં વગરનાં અર્થધટનોને માની લેતી મુસ્લિમ કોમે પછાતપણું વહોરી લીધેલ છે. મુસ્લિમોનેબીજા કોઈએ પચાત નથી રાખ્યા પણ એમના જા ધર્મગુરુઓએ આ દુષ્કૃત્ય કરેલું છે એ વાત અહીં સ્પષ્ટપણે કહેવાઈ શકી છે.

ફિલ્મ શરૂ થાય છે. શિકાગોની ૨૦૦૨ ની પાનખર ઋતુના એક ઉદાસ દશ્યથી. સાવ સૂકું ભટ વૃક્ષ અને સતત આંસુ સારતી એક રૂપકડી અમેરિકન યુવતી...ફિલ્મના અંતે આ દશ્ય પાસે કથાની ચક્ર્કાર ગતિ પૂર્ણ થશે.જેની આંખનાં આંસુ થોભવાનું નામ નથી લેતાં એ યુવતી Mental rehabilitation facilityના મકાનમાં પ્રવેશે છે અને તરત જ પરદા પર ૨૦૦૨નું લાહોર જીવંત થઈ ઊઠે છે. ૨૦૦૨થી ૨૦૦૦ માં લઈ જતા દિગ્દર્શક ફિલ્મ ફ્લેશબેકમાં ચાલશે તે સમજાવી દે છે. યુવાનોનું ટોળું New year Night માટે રિહર્સલ કરી રહ્યું છે. કથાનક હવે બે ભાઈ મન્સૂર (શાન) તથા શરમદ (ફવાદ ખાન) પર કેન્દ્રિત થાય છે. રિહર્સલ ચાલુ છે અને હાથમાં લાઠી, હોકીસ્ટિક વગેરે લઈ 'અલ્લાહો અકબર' ના નારા બોલાવતાં, ઝનૂની ટોળાં તૂટી પડે છે અને પળવારમાં તો બધું ખેદાન-મેદાન કરી મૂકે છે. (આપણે ત્યાં છાશવારે સંસ્કૃતિ, અસ્મિતા બચાવવા જે કંઈ થાય છે. એવું જ કંઈક આપણા પડોશી દેશમાં ઈસ્લામને બચાવવા થાય છે. ) ફિલ્મનાં દશ્યો સતત લંડન, લાહોર, શિકાગો વચ્ચે ફરતાં રહે છે. જરાક વાર માટે એક્મેકથી સ્વતંત્ર લાગતી બે કથાઓના તાણાવારા ગૂથાતા જાય છે. છે.અને જરાક વારમાં કથાનક એવું વેગ પકડે છે કે તમે ખુરશીમાંથી ચસી પણ ના શકો.

લાહોરના હુસેન ખાન ઉદારમતવાદી. ખાધેપીધે સુખી મુસ્લિમ છે. પરિવારનો દીકરો હસન વર્ષો પહેલાં લંડન જતો રહેલો છે. અને બેઉં ભાઈ વર્ષોથી એકમેકને મળ્યા સુધ્ધાં નથી. બેઉ દીકરા મંસૂર અને શરમદ પોતાની સંગીતની દુનિયામાં મસ્ત છે. અફધાન સરહદેથી આવેલ એક સંબધી શેરશાંએ મૌલાનાના કહેવાથી ગાવાનું છોડી દીધું એવું બેઉ ભાઈ જાણે છે. કુતૂહલનો માર્યો શરમદ એની સાથે મૌલાના તાહિરીને મળવા જાય છે. ત્યારે એક વિદેશી પત્રકાર મૌલાનાનો પ્રશ્નો પૂછતી હોય છે. આ વાતચીતમાંથી મૌલાનાનો અસલી ચહેરો દેખાય છે. ધર્મ તો આડાશ માત્ર છે. મૂળ તો રાજકીય રમત છે. મૌલાના કહે છે : રૂસ સામેની લડાઈમાં આ જ અમેરિકા અમને આતંકવાદી કહે છે. મારું ચાલે તો ઢગલાબંધ અફીણ-ગાંજો વાવું અને બધું પશ્વિમને મોકલી આપું.' શેરશાની સાથે આવેલા શરમદને મૌલાના ટોણો મારતાં કહે છે : 'ફાર્મહાઉસમેં રહનેવાલે ગાયેંગે બજાયેંગે નહીં તો ઔર ક્યા કરેંગે ? દીન (ધર્મ) કે રાસ્તે પે ચલનેવાલે તો હમારી તરહ કચ્ચે ઘરોં મેં પૈદા હોતેહૈ...' મૌલાના શરમદને કહે છે : 'ઈસ્લામ મેં ગાના બજાના વૈસે હી હરામ હૈ જૈસે જૂઠ,શરાબ,જુઆ,સૂવર કા ગોશ્ત...' દિવસે દિવસે શરમદ મૌલાનાની વાતો વધુ ને વધુ માનતો થઈ જાય છે. મોટો ભાઈ અકળાય છે, મા-બાપ અપાર ધીરજથી એના માથા પરથી ઈસ્લામનું ભૂત ઊતરવાની રાહ જુએ છે અને દાદી રાજી થાય છે. મંસૂર શરમદને સનજાવે છે : 'જો આ લોકો એવી દરેક વાતની વિરુધ્ધ છે જેમાં માણસના ખુશ થવાની જરાક પણ શક્યતા બચી હોય. એ લોકોના મતે તો દિલ ખોલીને હસવું પણ ખોટું છે.' પણ શરમદ પર મૌલાનાની વાતોનો એટલો પ્રભાવ પડેલ છે કે એ સાજનો શો કરવાની ના કહી દે છે. મન્સૂર વળી એને સમજાવે છે : 'દેખ શરમદ ' તૂ બહુત બડી ગલતી કર રહા હૈ... અગર સંગીત બુરા હોતા તો ક્યા મૈં કરતા ? ક્યા અમ્મી-અબ્બુ હમેં કરને દેતે ? ક્યા હમ સબ મુસલમાન નહીં હૈં ? Try to take it logically યાર... જૂઠ. જુગાર , શરાબ... આ બધી એવી ખરાબ આદત છે જેમાં માણસ ધર્મને વચ્ચે લાવ્યા વગર પણ સનજી શકે કે એ એના માટે નુકસાનકર્તા છે. પણ સંગીતમાં શું ખરાબી છે ?' શરમદ ભાઈની દરેક દલીલ લઈને મૌલાના પસે જાય છે. મૌલાનાનો જવાબ છે : આ બધાથી તો જે કરે તેને જા નુકસાન થાય પણ સંગીત તો હજારો- લાખો સાંભળવાવાળાઓને બરબાદ કરે છે.' દરેક દલીલનો જવાબ મોટા ભાએ પાસે છે. મૌલાના શરમદ્ને કહે છે. તું થોડા દિવસ ભાઈથી દૂર રહે … અહીં અમારી પાસે આવી જા. ઔરત સે મુહબ્બત કરતે વક્ત તો દિલસે ફૈસલા કરતે હો ઔર ખુદા કે લિએ દિમાગ વ ઉસકે લિયે ભી દિલ સે સોચા કરો... ઔર સુનો જ્યાદા સોચના ઈન્સાનોં કો ગુમરાહી કી ઔર લે જાતા હૈ...' આમ કહીને મૌલાના એને કાનઢંક પધડી પહેરાવે છે. ના કંઈ સાંભળો , ના વિચારો... જીન્સપહેર્તો છેલબટાઉ શરમદ સલવાર –પાધડી ને દાઢીવાળો જેહાદી થઈ જાય છે. ઘરની દીવાલો પરનાં ચિત્રો ઊતરાવી લેતો મૂળભૂત મૂળભૂત્રીતે ગભરુ યુવાન છે એ પછીથી વારેવારે પુરવાર થતું રહ્યું છે. ઝીણી નજરે જોનાર નોંધી શકશે કે કાને હાથ દઈ આઝાન પોકારતા શરમદની આંગળીઓ લયબદ્ધ રીતે કાનપટ્ટી પર તાલ દઈ રહી છે. એનો અવાજ એટલો સરસ છે કે એક જેહાદી પણ ' ક્યા સુરિલા ગલા હૈ ' કહી ઊઠે છે.

ફિલમમાં વર્ષો પહેલાં લંડન જતા રહેલા બીજા ભાઈ હસનની દીકરી મેરીની વાત સમાંતરે રજૂ થતી રહી છે. લંડનમાં જન્મેલી, મોટી થયેલી મેરી (ઈમાન અલી) અંગ્રજી ડેવને ચાહે છે. અનેક ગોરી સ્ત્રીનું પડખું સેવી ચૂકેલા બાપનેહવે જતી જિંદગીએ ઈસ્લામ, પાપ- પુણ્ય વગેરે યાદ આવે છે. દીકરી જો વિધર્મીને પરણે તો એની આવનારી પેઢીઓનું શું ? ટી.વી પર ભાઈના બેઉ દીકરાને પાકિસ્સ્તાન જવાનું નક્કી કરિ લે છે. દીકરીને પાકિસ્તાનથી આવીને તારાં લગ્ન ડેવ સાથે કરાવી આપીશ ' એવું કહે છે ત્યારે મેરી અને ભેટીને રડતી રડતી કહે છે : ' you are thae best in the world ' જોકે આ સમયે શૂન્યમાં તાકતી બાપની આંખ આપણને એના અસલી ઈરાદા વિશે કહી દે છે. મેરીને લઈને બાપ લાહોર આવે છે પણ મંસૂર, એનાં મા- બાપ બધાં આ અન્યાય અને જુલમના ખેલમાં સાથ આપવાની સ્પષ્ટ ના ભણે છે. હસન ખાન કહે છે : ' મારી દીકરી ગેરમુસ્લિમોમાં જતી રહેશે તો મારી તો આવનારી પેઢી બરબાએ થઈ જશે. ' મોટા ભાઈ ગુસ્સે થાઈને કહે છે : ' જો ભાઈ, તું અમને ઈસ્લામના નામે બ્લેક્મીઈલ ના કર. તારે ઈસ્લામના સાથે કદી કોઈ નાતો નથી રહ્યો એ મને ખબર છે. ' પણ હસન છેલ્લા પાટલે બેઠેલ છે. ' જુલમ હશે તોય ભલે પણ મેરી હવે અહીં જ રહેશે. પછી એ ઘરમાં રહે કે કબ્રસ્તાનમાં...' ભાઈએ સ્પષ્ટ ના પાડી એટલે હસન જેહાદી ભત્રીજા શરમદની મદદ માગે છે. શરમદ મૌલાનાની સલાહા માગે છે. મૌલાના કહે છે : ' ગેરમુસ્લમુસ્લિમને પરણતી રોકવી એ તો ભારે સવાબ (પુણ્ય ) નું કામ છે. તુ પરણી જા. પણ આ લાહોરમાં નહીં થાય .તરે કબાઈલી વિસ્તારમાં જવું પડશે. ને એ લોકો અ સમગ્ર ષડયંત્રથી અજાણ, ઉત્સાહથી તરવરતી મેરીને લઈને ૧૬ મી સદીમાં જીવતા હોય એવા વઝીરીસ્તાન જાય છે. અફઘાન સરહદે આવેલો આ એવો પ્રદેશ છે જ્યાંના લોકો એટલા તો ઝનૂની છે કે પકિસ્તનના સર્વોચ્ચ અધિકરીઓ પણ એમની સામે હુકમને બદલે નરમઘેંશ જેવા થઈને વિંનંતીની ભાષામાં વાત કરે છે. આવા વિચિત્ર લોકો અને પરિવેશને ઉત્સાહભેર જોતી મેરીને ખબર નથી કે જરાક વાર પછી એનું તકદીર ફૂટી જવાનું જવાનું છે. એને દુલ્હનની જેમ તૈયાર કરતી શેરશાંની પત્નીનેએ પૂછે. છે : 'જેના લગન છે એ દુલ્હન ક્યાં છે ?' જવાબ મળે છે. બે- ત્રણ જણના હાથમાં તરફડતી મેરીનો અંગૂઠો પરાણે નિકાહનામા પર પડાવી લેવાય છે. બાપા કહે છે : ' તું જે રસ્તે જઈ રહી હતી ત્યાં તારાં બાળકો ધર્મથી બેદખલ થઈ જાત. હું ખુદાને શું મોં બતાવત ?' મેરી બરાડી ઊઠે છે : ' તમારા મોઢે ધર્મ કે ખુદાનું નામ શોભતું નથી.' બાપે દીકરી સ્સ્થે કરેલા આ કારમા વિશ્વાસધાતથી પેલી સાવ અજાણી સ્ત્રીઓ પણ રડી પડે છે. ટોઈલેટની અસુવિધાને કારણે પોતે જ્યાં ધડી વાર રોકાઈ નથી શક્યો ત્યાં લંડનમાં જ જન્મેલી, મોટી થયેલી દીકરીને મૂકીને જતા બાપના હૈયા માટે શું કહેવું ? રાત્રે મેરી પાસે જતો શરમદ કહે છે : ',એં આ મારી ખુશી માટે નથી કર્યું. અને જ્યાં સુધી મારી ખુશી તારી ખુશી નહીં બની ત્યાં સુધી હું તમારી પાસે નહીં આવું ?

આક્રંદતી મેરી બરાડે છે. ' આ લાહોરમાં કેમ ના કર્યું ?' શરમદનો જવાબ સ્પષ્ટ છે : 'ત્યાં અમ્મી-અબ્બુ કદી થવ્વ જા ના દેત. અહીં કોઈ આવી નહીં શકે અને તમને કોઈ ભાગવા નહીં દે...'

અહીં માણસની અને ખાસ કરીને સ્ત્રીઓની, જિંદગી સાથે સમાધાન કરી લેવાની, નવા માહોલમાં ગોઠવાઈ જવાની માન થઈ આવે એવી તાકાત પર મેરીના પાત્ર દ્વારા પ્રકાશ પડાયો છે. ભારતના ભાગલા વેળાએ અપહત હિંદુ સ્ત્રી એકાદ વર્ષમાં ' ખુદા કી કસમ' કહેતી થઈ જતી અને અફત મુસ્લિમ સ્ત્રી ' ગાયના સોગંદ ખાતી થઈ જતી એવું કમળાબહેન પટેલે ' મૂળ સોતાં ઊખડેલા' માં નોંધ્યું છે. બે દિવસ સુધી ખાવાનું ફેંકી દેતી મેરી જમીન પર ફેંકાયેલી રોટી ઉઠાવીને આંસુમાં પલાળતી ચાવતી જાય છે. થોડા દિવસ પછી ઘરની છોકરીઓ સાથે હસતી- રમતી થાય છે અને બે- ચાર મહિનામાં માથે ઓઢતી પણ થઈ જાય છે.

ફિલ્મ હવે સતત બે સમાંતર દશ્યો લઈને ચાલે છે. શિકાગોની 'સ્કૂલ ઓફ મ્યુઝિક'માં ભણવા ગયેલા મોટા દીકરા મંસૂર્ની કથાની સમાંતરે વઝીરીસ્તાનના ગામડે આક્રંદતી મેરીની વાત રજૂ થતી જાય છે. જે અમેરિકન છોકરીના ચહેરા સાથે ફિલ્મ શરૂ થયેલી એ જેની મંસૂરની બાજુમાં બેઠેલી છે. એ પૂછે છે : તું ક્યાંનો ?
મંસૂર : ' પાકિસ્તાન.'
જેની : એ કોઈ દેશ છે ?
મન્સૂર : તને નથી ખબર? તમારી દુનિયા તો અમેરિકાથી શરૂ થાય છે અને અમેરિકામાં જ પૂરી થાય છે ને ?

પાકિસ્તાન, ઈન્ડિયા, તાજમહેલ... વગેરે વાતો કર્તી જેની મંસૂરના હાથમાં નૂસરત ફતેહાઅલી ખાંની સીડી પકડાવીને ચાલતી થાય છે. દેશ કઈ રીતે ઓળખાય ? તાકાતથી ? સરહદ કે ક્ષેત્રફળથી ? નહીં. દેશો ઓળખાય એની કલાકૃતિઓ અને કલાકારોથી, એની સ્સંસ્કૃતિક ધરોહરથી. કળા જેવી મુબારક ચીજને હરામ કહેતા મૌલવીઓ જાણતા હશે ખરા કે બહારની દુનિયા માટે નૂસરત ફતેઅલી પાકિસ્તાનની ઓળખ મનાય છે ? મંસૂર જ્યારે સંગીત શિક્ષકની હાજરીમાં 'સખીરી, નીર બરન કૈસે જાઉં..' ગાય છે. ત્યારે ત્યાં હાજર દરેક સાજ સાથ આપી બેસે છે અનાયાસ... સંગીતને કોઈ ભાષા, પ્રદેશ કે ધર્મ નથી હોતાં તે અહીં આ fusion દ્વારા દર્શાવાય છે. મન્સૂરની ઉપર સરદાર મહિંદર રહે છે. બેઉની ભાષા પંજાબી જ છે. બેઉ ઉમળકાયથી એક્મેકને મળે છે.

મેરી શરમદને સ્પષ્ટ શબ્દોમાં કહે છે : હું અહીંથી ભાગીશ એ તો ચોક્ક્સ. પણ વાત ત્યાં સુધી પુરી નહીં થાય. તેં જે કઈ કર્યું છે. મારી સાથે એની તારે કિંમત ચૂકવવી પડશે. you have to pay for it. મેરી શેરશાંની પત્નીનેપત્નીને પૂછે છે : ' તુ મારી જગ્યાએ હોત તો શું કરત !' જવાબ મળે છે 'ભાગી જાત. ' ભાષા, શિક્ષણ, સંસ્કૃતિ બધું જ જુદું હોવા છતાં આ સ્ત્રીઓની પીડા કેટલી એકસરખી છે. ? શરમદ અને શેરશાં શહેરમાં જાય છે. ત્યારે અતિશય રૂક્ષ લાગતી વૃધ્ધા વહુને કહે છે ' મેરીને ભાગી જવા કહે. ' મેરીને પૈસા. બૂરખો, બૂટ બધું આપતાં આ સ્ત્રીઓ એ પકડાઈ જતી મેરી પાછા ફરતી વખતે ખુલ્લા મોં પર એ રીતેબુરખો ઢાંકે છે જાણે લાશ પર કફન ઓઢાડતી હોય ! એનું હૈયાફાટ આક્રંદ આપણને કંપાવી જાય છે. શરમદ ડરી ગયો છે. મેરી ખરેખર ભાગી ગઈ હોત તો શું થાત ? મિત્ર કહે છે : 'એકાદ બાળક થઈ જશે પછી નહીં ભાગે...' પણ શરમદ કબૂલે છે ' અમારા વચ્ચે એવા કોઈ સંબંધ જ નથી.' વળી શેરશાં એને મૌલાના તાહિરી પાસે ખેંચી જાય છે. મૌલાના અને ટોણાં મારે છે : 'ખુદ ભી શર્મિંદા હોગા તુમકો મર્દ બનાકર... કુછ ભી હો જાયે ઔરત કબી મર્દ કી બરાબરી નહીં કર સકતી…' ને પછીના દશ્યમાં મેરીની ઓરડીમાં પ્રવેશતો શરમદ ' મૈં તુન્હારે સાથ જબરજસ્તી કરના નહીં ચહતા થા પર તુમને મુઝે મજબૂર કર દીયા...' એવું કહે છે ને દશ્ય પલટાય છે. આપણી ફિલ્મોની જેમ કોઈ ચીસાચીસ, ખેંચાખેંચ કશું નથી. બે-ત્રણ દશ્ય પછી મોટું પેટ લઈને મેરી ગામના પાદરે ઝાડ પર કપડું બાંધી દુવા માગતી બારાડે છે : No more girls… No more girls… I hope he is boy… !

મંસૂર ટી.વી. પર ૯/૧૧ની દુર્ધટના જુએ છે. ચિંતિત બાપ ફોન કરીને સાવચેત રહેવા જણાવે છે. જેની મંસૂરને પરણવા કહે છે. મન્સૂર એને સમજાવે છે : બેઉ વચ્ચે ધર્મ,સંસ્કૃતિ, ભાષા ધણા ભેદ હતા. એ જેનીને પ્રમની ઉત્કટતા સમજતો મંસૂર લગન માટે તૈયાર થાય છે. મેંદી, બિરિયાની વગેરે સાથે બેઉ પરણે છે. પાકિસ્તાનની અને અમેરિકન દુલ્હનનાં કપડાં પહેરીને ખુશખુશાલ જેની તથા મંસૂર પોતાના એપાર્ટમેંટનાં પગથિયાં ચડતાં હોય છે ત્યારે ચીંથરેહાલ મહિંદર મળે છે. ગુસ્સામાં પાગલ થયેલો મહિંદર મંસૂરનો કોલર પકડીને બરાડે છે : 'ટેરરિઝમ કરો તુસિ ને મારે જાએ અસિ... પોલીસ કહે છે. દઢીઓ મૂંડી દો... શું કામ મૂંડીએ અમે દાઢીઓ ?' આ ઝધડાથી જાગી ઊઠેલી ઉપરવાળી સ્ત્રી કશેક ફોન કરે છે ને શરૂ થાય છે અમેરિકન જાસૂસી એજંસીની હેવાનિયતભરી યાત્નાઓની કરુણ સફર… સૂતેલા મંસૂરને ઉઠાવી જઈ, જેલની કોટડીમાં ગો6 અના પર પશુથી પણ બદતર યાતનાઓ ગુજારાય છે. એના ફ્લેટની તલાશી વક્લ્હતે મળેલા તાવીજના કાગળ પર લખેલા આંકડાઓમાંથી ૯અને૧૧ શોધી વાહિયાત સ્મીકરણો બેસાડતા અધિકરી વારંવાર ઓસામા બિન લાદેન વિશે પૂછે છે. તારા જેવા આવા આલીશાન ફ્લેટમાં કઈ રીતે રહે છે ? તને પૈસા કોણ આપે છે ? મંસૂર ધીરજપૂર્વક જવાબો આપે જાય છે : 'અહીં આવતાં પહેલાં મેં પાંચ વર્ષ કામ કર્યું હતું. I don't belongs to poor family' તરત જ અધિકારી બોલી ઉઠે છે. Though you belongs to poor contry… આ જવાબમાં Typical American mentality ડોકાય છે. સુખેથી રહેતા, ભણતા એશિયનો પર હંમેશા અમેરિકનો ખાર ખાય છે . મંસૂર રડી પડે છે : 'હું એક કલાકાર છું. નિર્દોષ લોકોને મારી નાખે એવી વ્યકિત પ્રત્યે મને નફરત છે. મારો વિશ્વાસ કરો. મેં પણ બધાની જેમ જ CNN પર અલ કાયદા અને બિન લાદેનનાં નામ સાંભળ્યાં...' પણ યાતના વધતી જ જાય છે. અમેરિકન ન્યાયવ્યવસ્થાનાં બણગાં ફૂંકાય છે. પણ અહીં કશે એનાં દર્શન નથી થતાં જેનીના મિત્રો મંસૂરની મુક્તિ માટે રેલી જરૂર કઢે છે પણ એનો કોઈ પ્રભાવ નથી પડ્યો. જુગુપ્સક લાગે, અમેરિકન સરકાર પર નફરત થઈ જાય એવી યાતનાઓની સમાંતરે અફધાનિસ્તાન પર થયેલો લશકરી હુમલો દેખાડાયછે. લાંબા સમય સુધી યાતના વેઠતો, જવાબો આપતો મંસૂર દીવાલો પર I LOVE USA લખ્યે જાય છે. પણ યાતનાની પરાકાષ્ઠાએ એ બરાડી ઊઠે છે :' હવે હું કોઈ જવાબ નહીં આપું. મારા પર કેસ ચલાવો . મને કોર્ટમાં લઈ જાઓ . જે કરવું હોય તે કરો પણ હું જવાબ નહીં આપું. ને દીવાલ પર લખે છે I LOVE USAAMA… અમેરિકાની નીતિએ જ અતંકવાદને વકરાવ્યો છે એ અહીં સીધું પણ કહેવાયું છે અને સૂચવાયું પણ છે. દીવાલ પર માથાં પછાડી પછાડીને મરણતોલ કરી દેવાયેલ મંસૂર કાયમ માટે સાનભાન ગુમાવી બેસે છે.

બધા અફધાન સરહદે લડવા ગયા છે ત્યારે મેરીને દીકરી જન્મે છે. શરમદ પત્ર પોસ્ટ નહીં કરતો હોય પણ હવે મેરીનો પત્ર ડેવને પહોંચે છે. મેરીની અપરમા લાહોરા પહોંચે છે. મેરીના અપરમાં લાહોર પહોંચે છે અને પાકિસ્તાની અધિકારીઓ સાથે શરમદને એક જ વાક્ય કહે છે : ' યે હરકત ભી તુમને ઈસ્લામ કે નામ પે હી કી હોગી...' મેરીને લઈને જતા પિતાને શરમદ જોઈ રહે છે ને હેલિકોપ્ટર ઊપડવાની પળે એ પણ દોડીને સાથે થઈ જાય છે. લાહોરા પહોંચ્યા પછી મેરી શરમદ પર બળાત્કારનો કેસ દાખલ કરે છે.

લાહોર હાઈ કોર્ટમાં ચાલતા કેસ નિમિત્તે ઈસ્લામનો ખરો ચહેરો સામે આવે છે. કોર્ટ્માં બે મુદ્દા ઉઠાવયા છે.
૧. છોકરીની મરજી વગર એના નિકાહ જાયઝ (યોગ્ય) છે. ?
૨. તે જો યોગ્ય નથી તો એવાં લગ્નના પરિણામે પેદા થયેલ સંતાનના વાલી કોણ ?

મૌલાના તાહિરી ચાતી કાઢીને પોતાનાં તમામ કરતૂતને વાજબી ઠરાવે છે. છોકરીની મરજી જાણવી જરૂરી નથી એવું પણ કહે છે. વકીલ પૂછે છે : 'અગર કોઈ મુસલમાન બચ્ચા પેન્ટર યા મ્યુઝિશિયન બનના ચાહે તો ક્યા કરે? મૌલાના : 'ક્યું ઔર કોઈ કામ નહીં હૈ દુનિયા મેં કરને કો ? બેદીન (ધર્મ વગરની) હુકૂમત હૈ... શરિયત કી હકૂમત અને દો...' અહીં અપાતી ગર્ભિત ધમકીનો સૂર આપણા હૈયા પર ઘાસ્તીરૂપે પડઘાય છે. ધારો કે આ અંતિમવાદીઓ સત્તા પર આવે તો શું થાય ! ઉદારમતવાદીઓ અને અંતિમવાદીઓ વચ્ચે માત્ર આપણા દેશમાં જ સંઘર્ષ છે એવું નથી. જેમ જેમ કટ્ટરતા વધતી જાય તેમ તેમ આ સંઘર્ષ તીવ્ર થતો જાય…

ઈસ્લામના ખરા જાણકાર મૌલાના વલી (નસીરુદ્દીન શાહ ) અદાલતમાં નિવેદન આપવા તૈયાર નથી. મેરી એમના ઘરે જાય છે ત્યારે થાળીવાજા પર સાઈગલનું ગીત વાગી રહ્યું હોય છે. 'તમે નહીં આવો તો ત્યાં ઉપર હું તમારો જવાબ માગીશ ' એવી ધમકી આપતી મેરીની પીડાને વશ થઈ મૌલાના વલી અદાલતમાં આવે છે. એમની ધારાદાર દલીલો અંતિમવાદીઓના ચહેરાને ખુલ્લો પાડી દે છે. મૌલાના વલી કહે છે : ' મુસ્લિમ છોકરી બીજે જાય એ જાયઝ (યોગ્ય) તો છે પણ ખુદાને એ ગમતું નથી. પણ ભાઈ એમ તો ખુદાને દારૂ, જુગાર ,જૂઠ, શરાબ પણ નથી ગમતાં. પણ આપણે જુગારીઓ, શરાબીઓ, દારૂડિયાઓને ઈસ્લામમાંથી ખારીઝ (બેદખલ= હાંકી કાઢવું) તો નથી કરી દેતાને ? મેરીના બાપનું નામ હસન છે એટલું કાફી છે. ? એ ઈસાઈઓના મુલક્માં પેદા થઈ, એ જ સંસ્કાર અને સંસ્કૃતિ વચ્ચે મોટી થઈ, બાપે વગર લગને એને નવી નવી ગોરી માએ લાવી આપી ને તોય તમે આ છોકરીને પરણે મુસલમાન બનાવવા માગો છો ? હકિકતે આ છોકરીનો બાપ અને શરમદને ગુમરાહ કરનાર મૌલાના અસલી ગુનેગાર છે.

વકીલ : ઈસ્લામ છોકરીને પોતાની મરજીથી પરણવાની ઈજાઝત આપે છે. ?
મૌલાના વલી : ઈજાઝત ? અરે ભઈ યે ઉસકા પૈદાઈશી હક્ક હૈ...

વકીલ સંગીત, પહેરવેશ, દાઢી વગેરેની વાત કરે છે. જેના જવાબમાં મૌલાના વલી બાહ્યાચારોમાં રહી ગયેલા ઘર્મ પર ચાબખા મારે છે. એ કહે છે : ખુદાએ એના ચાર અઝીઝ પેગંબરોમાંના એકને –દાઉદને-સંગીતને આપ્યું. કેમ? અગર વહ ચીઝ હરામ હોતી તો ખુદા ક્યું દેતે ?

પહેરવેશનો સંબંધ ધર્મ સાથે છે જા નહીં. પણ આજે તો ઈસ્લામ માત્ર સલવાર અને દાઢીમાં અટવાઈ ગયો છે. દીન મેં દાઢી હૈ ભાઈ દાઢી મેં દીન નહીં હૈ... આટ્લી વાત કોઈ નથી સમજતું એટલે જા તો આજે હજ પડીને આવનારાઓ દાણચોરી કરે છે... માત્ર બાહ્ય દેખાવ ? બસ ? ઈસીલિયે નાજ હરામ કી કમાઈ જેબ મેં ડાલે લોગ હલાલ ગોશ્ત કી દુકાન ઢૂંઢતે ફિરતે હૈ... ઈસ્લામ યા મ્યુઝિક, ઈસ્લામ યા પતલૂન મેં સે ' યા' નિકાલ દો... તમે બધા બે મુસલમાનોનો બહુ આદર કરો છો. મહમ્મદ અલી ઝીણા અને અલ્લામા ઈકબાલ... આ બેઉ દાઢી પણ નો' તા રાખતા અને કોટપાટલૂન જ પહેરતા હતા.'

મેરી કેસ જીતી જાય છે. શરમદ કોર્ટમાં બયાન આપવા મંજૂરી માગે છે. એ કહે છે : ' ઈસ અદાલતી કાર્યવાહીને મુઝે યાદ દિલાયા કિ મૈ પહેલે ભી બુરા મુસલમાન નહીં થા, જૂઠ નહીં બોલતા થા, શરાબ નહીં પીતા થા, ચોરી- ઝુઆ સબસે દૂર થા, કિસકો ધોખા નહીં દેતા થા, મા-બાપ મુઝસે ખુશ થે... ૧૩ વર્ષની ઉંમરે મેં કુરાનેશરીફ ખતમ કરેલું. બસ મારામાં એક જા ખામી હતી કે હું નમાજ નો 'તો પઢતો. મૌલાના તાહિરીએ મને નમાજ આપી એ બદલ હું એમનો આભારી છું. પણ એમણે ઈસ્લામના નામે મારી પસે કેટલાં બધં ખોટાં કામ કરાવ્યાં ? જો ઝુર્મ મૈંન મેરી કે સાથ કિયા ઉસકા અહેસાસ મુઝે કભી ઝિંદા નહીં રહેને દેગા... મને એવી સજા કરો કે બીજા કોઈ આવું કરવાની હિંમત ના કરે. શરમદ બોલતાં બોલતાં રડી પડે છે અને અંતિમવાદીઓ કોર્ટમાં જ એના પર તૂટી પડે છે. આ દશ્યની સમાંતરે અમેરિકન જેલમાં મંસૂરને મરણતોલ માર પડી રહ્યો છે તે દશ્ય પણ દેખાડાય છે.

મેરી એરપોર્ટ જાય તો છે પણ ત્યાંથી પાછી ફરે છે. બાપ સામે જોવા પણ મેરી તૈયારા નથી. અપરમાનો અભાર માંતી મેરી જાણે છે કે એની જિંદગીમાં મચેલી ઊથલપાથલ પછી હવે એ લાખ કોશિશ પણ ડેવની જિંદગી સાથે તાલ મિલાવી શકે એમ નથી. એ અફધાનના એ જ ગામડે જાય છે જ્યાં એની જિંદગી નરકાગાર બની ગઈ હતી. નિશાળ ખોલતી મેરી પાસે શેરશાં એની બેબીને ભણવા લઈ આવે છે. જે દશ્યથી ફિલ્મ શરૂ થયેલી ત્યાં આવીને આપણે હવે મંસૂરને જોઈએ છીએ. રડતી જેનીને નર્સ એક ચોળાયેલો કાગળ આપે છે. મંસૂરે એમાં લખ્યું હતું : થોડાક અમેરિકનોએ મને અન્યાય કર્યો એટલે હું તમામ અમેરિકનોને દોષ નહીં આપું. એવું જા તમારા દેશ પર થોડાક મુસ્લિમોએ હુમલો કર્યો એટલે તમે તમામ મુસ્લિમોને આતંકવાદી ન કહી શકો.'મંસૂરને હવે લાહોરા મોકલી અપાય છે. ફિલ્મના અંતિમ દશ્યમાં મૌલના તાહિરી વળી બીજા યુવાનોને ઈસ્લામની વાતો કરી રહ્યા છે. ત્યારે જીન્સ પહેરેલ શરમદ આવીને કેપ ઊંધી પહેરી એના સુરીલા અવાજે આઝાન પોકારે છે. મૌલાનાનો ચહેરો હારના એહસાસથી તમતમી જાય છે... ને ફિલ્મ પૂરી થાય છે.

મૂળભૂત અધિકારો પર તરાપ મારતી અંતિમવાદી વિચારસરણી માટે તમાચા જેવી આ ફિલ્મ પાકિસ્તાનમાં બની છે એ નોંધપાત્ર ધટના છે. પ્રજાકીય પરિવર્તનો મોટા ભાગે આ જ રીતે થતાં હોય છે... રાહ જોઈએ એવા પરિવર્તનની.

શરીફા વીજળીવાળા, અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત