Download this page in

ડાયસ્પોરાની સંજ્ઞા, વિભાવના અને ડાયસ્પોરા ક્ષેત્રે પન્ના નાયકનું પ્રદાન

ડાયસ્પોરા એક અત્યંત સંકુલ સંજ્ઞા હોઈ તેની સાથે સૂક્ષ્માતિસૂક્ષ્મ અર્થ સંદર્ભો આંતરબાહ્ય રીતે સંકળાયેલા છે. મૂળ ‘ડાયસ્પોરા’એ ગ્રીક ભાષાનો શબ્દ છે. અને હિબ્રુ બાઈબલના ગ્રીક અનુવાદમાં સૌ પ્રથમવાર તેનો ઉલ્લેખ મળે છે. ઇ.સ.ની પાંચમી સદીમાં બેબિલોનિયન કેપ્ટિવિટી પછી પેલેસ્ટાઇનની સીમા બહાર હાંકી કઢાયેલ જ્યુઈશ (યહૂદી) પ્રજા માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવી હતી. આ પ્રજાને પોતાની ઈચ્છા વિરુદ્ધ દેશમાંથી હાંકી કાઢવામાં આવી અને તેના પરિણામ સ્વરૂપે તે પ્રજા ઈરાન, ઈજિપ્ત, ગ્રીસ, ઈટાલી, આર્મેનિયા વગેરે રાષ્ટ્રોમાં છૂટીછવાઈ વસી. પોતાના વતનથી બળપૂર્વક હટાવાયા બાદ અનુભવેલી વેરવિખેર થયાની, કેન્દ્રથી ચ્યુત થયાની વેદના કે સંઘર્ષ આ સંજ્ઞા ના વપરાશના મૂળમાં છે. કોઈ રાજકીય કારણોસર એક આખી પ્રજાને પોતાની ઈચ્છા વિરુદ્ધ દેશનિકાલ થવાની સ્થિતિ ઊભી થાય અને અન્યત્ર શરણ શોધીને રહેવા માટે જે સંઘર્ષ કરવો પડે છે તેના સંકેતો આ સંજ્ઞા ના કેન્દ્રમાં પડેલા છે.

‘ડાયસ્પોરા’ સંજ્ઞા જેના મૂળિયાં બે ભૂમિમાં રોપાયેલાં છે તેવી વ્યક્તિ કે પ્રજા માટે પ્રયોજાય છે. વળી, આ સંજ્ઞામાં એક જગ્યાએથી ઊખડીને નવી ભૂમિમાં રોપવાનો અર્થસંકેત રહેલો છે. તેમાં તે ભૂમિ, તેની આબોહવા, ખોરાક, પોશાક, સમાજ, સંસ્કૃતિ કે ભાષા સાથેની અનુકૂળતા સાધવાની હોય છે અને તેમાંથી જન્મતો સંઘર્ષ જ ડાયસ્પોરાના ભાવને જન્મ આપે છે. આજે કાળાંતરે આ સંજ્ઞા પરિવર્તન પામીને નોકરી, વ્યવસાય, સ્વ-વિકાસ કે અન્ય કોઈ કારણોસર મૂળ વતન કે દેશ છોડીને પરદેશ વસેલી પ્રજા કે વ્યક્તિ માટે આ સંજ્ઞા પ્રયોજાઈ રહી છે. મૂળ એક આખી પ્રજા માટે આ સંજ્ઞા વપરાઈ હતી તે હવે માત્ર કોઈ એક વ્યક્તિ-વિશેષને પણ લાગુ પડી રહી છે. મૂળમાં જે કેન્દ્રથી ચ્યુત થયાની, વતનથી વિચ્છેદ થયાની કે વેરવિખેર થયાની સ્થિતિ હતી તે આજે પ્રયોજાતી સંજ્ઞામાં અદૃશ્ય થતી જાય છે.

ભારતીય ડાયસ્પોરા સાહિત્યમાં અતીતરાગ (Nostalgia)નું પ્રચલન વધારે પ્રમાણમાં પ્રયોજાતું જોવા મળે છે. સાહિત્યમાં અતિતના સ્મરણોનું આલેખન બધીજ ભાષાઓમાં થતું રહ્યું છે. સાંપ્રતમાં જીવતો, ક્યાંય પણ વસતો મનુષ્ય એના અતીત અને અનાગતમાં જ શ્વસતો હોય છે. પ્રત્યેક અતીત જે તે રાષ્ટ્રની ઓળખ હોય છે. આ અર્થમાં અતિતરાગી તત્વનું નિરૂપણ ભારતીય ડાયસ્પોરા સાહિત્યમાં એક બહુ મહત્ત્વનો મુદ્દો છે. ભારતીય સર્જકના સાહિત્યમાં પોતાની વાત મૂળદેશના લોકોની સાથે સંમિશ્રિત થઈને પ્રગટતી હોય છે. ગુજરાતી ડાયસ્પોરાનો સર્જક અનુભવોની એક વિશાળ સૃષ્ટિ રચીને સાહિત્યના ફલકને વિસ્તારી આપતો હોય છે. એટલે તેમના સાહિત્યને એમના જીવનસંદર્ભો સાથે તપાસવું આવશ્યક છે. સ્થળાંતર થયા પછીના બદલાયેલા જીવન અનુભવો, સંઘર્ષો વગેરેને લીધે જે આંતરવિરોધો નિર્માણ પામતા હોય છે એમાં ભલે અતીત સાથેનું જોડાણ બહુ મહત્વની ભૂમિકા ભજવતું હોય તોપણ પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ પણ ઉલ્લેખનીય બની રહે એ કક્ષાનો હોય છે. ગુજરાતી ડાયસ્પોરા સર્જકનો અતીત ભારતીય જીવનપદ્ધતિ સાથે અને વાસ્તવિકરૂપના પશ્ચિમી સંસ્કૃતિ સાથેના પ્રત્યક્ષ સંપર્કથી અનુપ્રાણિત હોય છે.

આમ, આપણે ડાયસ્પોરાની સંજ્ઞા, વિભાવના અને ઉદભવની સમજ કેળવી હવે આપણે ડાયસ્પોરિક સાહિત્ય અંગે કેટલાક વિવેચકોના મંતવ્યો જોઈએ.

કવિ - વિવેચક નિરંજન ભગતે ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના ચોથા સાહિત્ય સંમેલનમાં અતિથિવિશેષ તરીકે ‘નિર્વાસનનું સાહિત્ય’ નામે આપેલા વ્યાખ્યાનમાં કહ્યું હતું,‘ત્રણ પ્રકારના નિર્વાસન છે : માનસીક અને આધ્યાત્મિક કારણે સ્વદેશમાં જ નિર્વાસન,રાજકીય, સામાજિક અને ધાર્મિક કારણે અનૈચ્છિક નિર્વાસન તથા આર્થિક અને બૌધિક કારણે સ્વૈચ્છીક નિર્વાસન... નિર્વાસન સાહિત્યમાં ક્યારેક Nostalgia હોય છે,Home – sickness હોય છે, ઘરઝુરાપો હોય છે, સ્મૃતિબદ્ધતા હોય છે; ક્યારેક escape પલાયનવૃતિ હોય છે, તો ક્યારેક guilt અપરાધભાવ હોય છે. આવા સાહિત્યમાં આત્મદયા અને આત્મનિંદા,મનોરુગ્ણતા અને હદયદૌર્બલ્યનું સૌથી મોટું ભયસ્થાન હોય છે.

પ્રો. સુમન શાહ કહે છે : “ઉમળકો, લગન, શોખ જરૂર છે પણ સાહિત્યની કશી સાધના આરાધના જવલ્લેજ છે. ઊંડી ભક્તિ પણ વરતાતી નથી... મને વિદેશમાં જે ગુજરાતી સાહિત્યને નામે જે કંઈ રચાય છે તેમાં સૌથી મોટી ખોટ પરંપરાનુસંધાનની લાગી છે. એમાં ગુજરાતી ભાષા – સાહિત્યની હેમચંદ્રાચાર્યથી શરૂ થયેલી પરંપરા સાથેનું અનુસંધાન નથી. અનુબંધ પણ નથી. તો વળી એ લેખકો જ્યાં વસે છે એ પશ્ચિમના સાહિત્ય સાથે ય, એટલે કે અંગ્રેજી અને અમેરિકન સાહિત્ય સાથેય એમના લેખનનો કશો મેળ મેળાપ નથી.”

જાણીતાં કવયિત્રી ને વાર્તાકાર પન્ના નાયક ફરિયાદ કરે છે : ‘હાલ પૂરતું વિદેશમાં જે બધું લખાયું છે તેમાં ભાગ્યે જ ક્યાંક વિદેશવાતની અથવા દેશવટાની સ્પષ્ટ મુદ્રા ઉપસે છે. આસપાસના નવા વાતાવરણમાંથી, નવી સંકૃતિમાંથી, નવી ભાષામાંથી એ ભાગ્યે જ કંઈક આત્મસાત કરી એના પોતાના સર્જનમાં વણે છે.’

કવિ દીપક બારડોલીકર ફરમાવે છે : ‘આ વિદેશવાસી ગુજરાતી લેખકોએ ઘણું લખ્યું છે, લખી રહ્યા છે... તેમના પ્રામાણિક પ્રયાસોથી આજે વિદેશોમાં ગુજરાતી ભાષા તથા સંસ્કૃતિ ગૂંજતી થઈ શકી છે. જ્યાં સુવિક્સિત એવી પરભાષાઓના દરિયા ઘુઘવાટા મારી રહ્યા છે ત્યાં ગુજરાતી ભાષાના ડાયરા પણ ઠાઠથી જામી રહ્યા છે.’

વિવેચક પ્રો. રમણ સોની કહે છે, “ખરેખર તો જો સાહિત્યને વિકસાવવું, વધુ તેજસ્વી કરવું હોય તો કલાનાં ઊંચા ધોરણોનો આગ્રહ સેવવો જ રહ્યો. વિદેશવાસી ગુજરાતી લેખક માટે પણ એમાં કશું સમાધાન ન હોય, પ્રોત્સાહન પણ અમુક હદસુધી બરાબર છે, છેવટે તો એમને પણ ધોરણો માટે સજાગ રહેવાનું હોય.”

અંગ્રેજી શબ્દ ‘ઇન્ડિયન ડાયસ્પોરા’નો વિસ્તૃત અર્થ એવો થાય કે ‘પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજીન લિવિંગ આઉટસાઇડ ઓફ ઈન્ડિયા.’ આવા લાંબા શબ્દ પ્રયોગને બદલે હિન્દી ભાષાના સાક્ષર અને ભારત દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયીએ‘ઇન્ડિયન ડાયસ્પોરા’ના બે અંગ્રેજી શબ્દોને બદલે હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં પ્રચલિત થાય એવો એક જ સરસ શબ્દ આપ્યો – ‘ભારત વંશીય.’ આનું નામ સમયના પ્રવાહમાં શબ્દનું અર્થઘટન પણ બદલે છે. ‘ડાયસ્પોરા’ સામાન્યત: સ્થળવાચક તેમજ ગુણવાચક સંજ્ઞા છે. સ્થળવાચક દ્રષ્ટિએ એ ડાયસ્પોરાના મૂળ આવાસ અને હાલના સંદર્ભનો વસવાટ સૂચવે છે, અને ગુણવાચક દ્રસ્ટીએ ડાયસ્પોરાનું જીવન અને પરંપરાનો નિર્દેશ કરે છે. તે તેના આંતરવિશ્વનો આકાર દર્શાવે છે. ‘ડાયસ્પોરિક સાહિત્ય’ ડાયસ્પોરા વડે લખાતું સાહિત્ય. સ્પષ્ટ ભાવમાં બાંધવું હોય તો આમ મૂકી શકાય – “વિદેશ સ્થિત સ્થાયી થયા પછી માતૃભાષા વડે નિજ સંસ્કાર, સંસ્કૃતિ, સમાજની ભાવના લાગણી, વ્યવહાર, તે વાતાવરણ ઈત્યાદી સામગ્રીનું વિનિયોગીકરણ કરી તેના વડે સાધારણીકરણ (universalisation) થવું.”

સર્જક શ્રી ઉમાશંકર જોશી કહેતા કે બ્રિટીશરો પછીનું સાહસિકતા દાખવવાનું સ્થાન ગુજરાતીઓએ લીધું છે. આ રીતે તેઓ ગુજરાતીઓનો નાતો વિશ્વ સાથે બાંધી ગૌરવ લેતા હતા. ગુજરાતીઓએ ભારતના વિવિધ રાજ્યોમાં વસી વેપાર–ધંધો વિકસાવ્યો છે. જે તે પ્રાદેશિક ભાષામાં આદાન-પ્રદાન કરી ઘરમાં સ્વભાષાનું જતન કર્યું તેમ વિદેશ જઈને ત્યાંની ભાષા, સમાજ, સંસ્કૃતિમાં રહીને પણ અંત:સત્વમાં ગુજરાતને સાચવી રાખ્યું છે.

‘ઇન્ડિયન ડાયસ્પોરિક સાહિત્ય’ વિવિધ ભાષામાં લખાય છે. વિદેશસ્થિત વસવાટ કરનાર પ્રજા સ્વભાષામાં સાહિત્ય સર્જન કરી માતૃભાષાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે જોડાયેલી રહે છે. ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્ય ગુણવત્તા અને ઇયત્તાની દ્રસ્ટીએ હાલના તબક્કામાં વિશેષ સમૃદ્ધ બન્યું છે. આધુનિક ગુજરાતી સાહિત્યની એક નૂતન ધારા લેખે ડાયસ્પોરિક સાહિત્યનો આ સુવર્ણકાળ ચાલે છે અને આ તેનો શુભારંભ પણ છે. પદેશમાં વસવાટ કરનારા હાલ સાહિત્યસર્જન કરી આવનારી પેઢીને માતૃભાષા અને માતૃભૂમિ સાથે જોડી રહ્યાં છે.

ગુજરાતી લિટરરી એકેડમી (અમેરિકા)ના ચોથા સાહિત્ય સંમેલનમાં અતિથિવિશેષ પદે પધારેલા શ્રી નિરંજન ભગત તેમના વ્યક્તવ્યમાં ‘નિર્વાસિતના સાહિત્ય’ વિષયને અનુસંધાને એક ખૂબ ભાવપ્રધાન સ્વરચિત રચના મૂકી છે. તેની ભાવસ્થિતિ આ પ્રમાણે છે –
આ દેશની બહાર ગયા વિના જ
મળી શકે દેશવટો સદાયનો,
છો ત્યાં થકી દૂર થયા વિના જ
પ્રસંગ હા, પ્રાપ્ત થતો વિદાયનો ; ......(‘ગુર્જરી ડાયજેસ્ટ’, જાન્યુઆરી:૨૦૦૫, અંક-૬૭, પૃ.૧૩)

આમ, આપણે ડાયસ્પોરાનો ઉદ્દભવ, સંજ્ઞા, વિભાવના અને વિદેશમાંથી ભારતમાં અને સમયાંતરે ગુજરાતમાં તેનો કેવો વિકાસ થયો તથા પ્રભાવ પડયો તે જોયું, હવે ડાયસ્પોરા સાહિત્યમાં એક ગુજરાતી સર્જક અને હાલમાં અમેરીકામાં વસવાટ કરનારાં સ્ત્રી લેખિકા પન્ના નાયકના પ્રદાનને જોઈશું.

કવિ, વાર્તાકાર અને ગ્રંથકાર પન્ના નાયકનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૩ના રોજ મુંબઈમાં ધીરજલાલ મોદી અને રતનબેનને ત્યાં થયો હતો. તેમનું મૂળ વતન સુરત હતું. તેમના દાદા છગનલાલ મોદી (ઇ.સ.૧૮૫૭-૧૯૪૬)દરમિયાન બરોડા રાજયમાં શિક્ષણ નિયામક હતા. અને તેમણે લોકપ્રિય ઐતિહાસિક નવલકથા ‘ઇરાવતી’ લખી હતી. માતા તરફથી પન્ના નાયકને સંસ્કૃત ધાર્મિક અને અન્ય કવિતાઓના સંસ્કાર વારસો મળ્યા હતા. ઇ.સ.૧૯૫૪માં તેમણે મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષયોમાં બી.એ. અને ઇ.સ.૧૯૫૬માં એમ.એ.ની પદવીઓ મેળવી. ઇ.સ.૧૯૬૦માં લગ્ન પછી તેઓ યુનાઈટેડ સ્ટેટ ખાતે સ્થાયી થયા. ઇ.સ.૧૯૬૨માં ફિલાડેલ્ફીયાની ડ્રેક્ષલ યુનિવર્સિટીમાંથી એમ.એસ.એલ.એલ.ની લાઈબ્રેરી સાયન્સની ડિગ્રી અને ઇ.સ.૧૯૭૨માં ફિલાડેલ્ફીયાની પેન્સિલવેનિઆ યુનિવર્સિટીમાંથી એમ.એસ.ની પદવીઓ મેળવી. ઇ.સ.૧૯૬૪થી ઇ.સ.૨૦૦૩ દરમિયાન તેઓ પેન્સીલવેનિઆ યુનિવર્સિટીની વેન પેલ્ટ લાયબ્રેરીમાં દક્ષિણ એશિયાનાં ગ્રંથસૂચિકાર તેમજ ઇ.સ.૧૯૮૫થી ઇ.સ.૨૦૦૨ દરમિયાન ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે રહ્યા. તેમના પતિનું અવસાન ઇ.સ.૨૦૦૪ દરમિયાન થયું હતું.

પન્ના નાયકનાં સાહિત્ય સર્જન વિશે વાત કરીએ તો તેમના પર અમેરિકન કવિ અન્ને સેક્સટોનનો પ્રભાવ હતો, જેમના કાવ્ય સંગ્રહ લવ પોઅમ્સ(ઇ.સ.૧૯૬૭) વડે તેમને કવિતા લખવાની પ્રેરણા મળી હતી. આ ઉપરાંત પન્ના નાયકે ભારતીય તેમજ વિદેશી કાવ્ય પ્રવાહોમાંથી પ્રેરણા લીધી છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રવેશ’(ઇ.સ.૧૯૭૫) પ્રસંશા પામ્યો હતો. વિદેશીની (ઇ.સ.૨૦૦૦) ભારતીય ડાયસ્પોરાને સબંધિત સમસ્યાઓ વિશેના તેમના પ્રથમ પાંચ કવિતાઓના સંગ્રહ છે. પ્રવેશ (ઇ.સ.૧૯૭૫), ફિલાડેલ્ફિઆ (ઇ.સ.૧૯૮૦), નિસ્બત (ઇ.સ.૧૯૮૫), અરસપરસ (ઇ.સ.૧૯૮૯) અને આવનજાવન (ઇ.સ.૧૯૯૧) એટલે વિદેશીની. અત્તર અક્ષર તેમનો હાઇકુ સંગ્રહ છે જ્યારે ફ્લેમિંગો (ઇ.સ.૨૦૦૩) તેમનો વાર્તા સંગ્રહ છે. તેમના પ્રથમ કાવ્યસંગ્રહ પ્રવેશ માટે ગુજરાત સરકાર તરફથી ઇ.સ.૧૯૭૮માં પુરસ્કાર મળ્યો હતો. ઇ.સ.૨૦૦૨માં તેમણે ચુનીલાલ વેલજી મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

પન્ના નાયકે ઘરઝુરાપાની વેદના, વ્યથા, દેશ છોડયાનું દુ:ખ પોતાના શબ્દોમાં રજૂ કર્યું છે. તે પોતાની અધિકૃત વેબસાઇટ પર જોવા મળે છે. “અમેરીકામાં રહું છું અને ભારત છોડ્યું નથી. અવારનવાર ભારત આવું છું છતાં અમેરિકા છૂટતું નથી. કવિતા લખાતી ન હોત તો અમેરીકામાં ટકી શકી ન હોત. કવિતાએ મારુ ભારતીયપણું અને મારુ ગુજરાતીપણું જાળવી રાખ્યું છે. અને છતાંય મને ક્યારેક એમ લાગે છે કે હું પૂરેપૂરી ભારતની નથી. તો આટલા વર્ષને અંતે એમ પણ લાગે છે કે હું પૂરેપૂરી અમેરિકાની પણ નથી. સ્વદેશ અને પરદેશની કરવતથી વહેરાયા કરું છું. એટલે ‘વિદેશીની’ એવું પણ મને મારે વિશે થાય છે.”

“ગુજરાતી સાહિત્યની ભૂમિકા તો મારી પાસે હતી જ. પણ અહીં ફિલાડેલ્ફિઆમાં રહ્યાં રહ્યાં લાઇબ્રેરીમાં નોકરી કરતાં કરતાં પુસ્તકો જેવા અનાક્રમક મિત્રોની વચ્ચે જીવતાં જીવતાં અચાનક એક દિવસ અમેરિકન કવયિત્રી Anne sextonનો કાવ્યસંગ્રહ ‘Love poems’ (ઇ.સ.1967) મારી આંખે વસી ગયો. એના કાવ્યો હું વાંચતી જાઉં અને એ વાતાવરણમાં ડૂબતી જાઉં. જાણે કે મારા ખોવાઈ ગયેલા being નો ક્યાંક એમાં તાળો મળતો હોય એવું અનુભવતી જાઉં. ટીવી પર પણ જો એનો કાર્યક્રમ હોય તો કદી ન ચૂકું. એક સ્ત્રી પોતાના વિશે કોઈપણ પ્રકારના નિષેધ વિના કેટલી હદે બેધડક બયાન કરી શકે છે એનો ખ્યાલ મને આવ્યો. એના કાવ્યોમાં ગર્ભાશયની વાતો, masturbation અને menstruation ની વાતો એ છોછ કે સંકોચ વિના કરી શકે છે - દંભના પડદા ચીરીને. હું એ પણ સમજું છું કે આવી વાતો કરવાથી જ કવિતા નથી થતી. પણ અંદરનું કોઈ તત્વ આવી વાતોની અભિવ્યક્તિ માટે ધસમસતું આવતું હોય તો કેવળ સામાજિક ભયથી એનો ઢાંકપિછોડો કરવો એ કલાકારને ન છાજે એવી કાયરતા છે.”

પન્ના નાયકના સમકાલીનોની વાત કરીએ તો પન્ના નાયક મુંબઈની ઝેવિયર્સ કોલેજમાં મનસુખલાલ ઝવેરીના વિદ્યાર્થિની હતા. તેમની સાથેના સમકાલીનોમાં મધુસૂદન કાપડિયા, તેમની પત્ની સુશીલા, સુરેશ દલાલ, ઉમાશંકર જોષી, સુન્દરમ, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, પ્રિયકાન્ત મણિયાર વગેરે હતા. તે સમયમાં ‘કુમાર’,‘કવિલોક’,‘સમર્પણ’,‘રશ્મિ’વગેરે સામયિકો પ્રગટ થતાં હતા છતાં પન્ના નાયકનું તેમાં એક પણ કાવ્ય રચ્યું-છપાવ્યું ન હતું. પણ અહીં અમેરીકામાં જ્યાં ગુજરાતીઓ પોતાની માતૃભાષા ગુજરાતીને ભૂલી જવામાં અભિમાન અનુભવે છે ત્યાં એમની કાવ્ય સરવાણી ફૂટી. આ ચમત્કાર અંગે પન્ના નાયકે જ નોધ્યું છે : “... ભારતમાં હતી ત્યારે તીવ્ર ઈચ્છા હોવા છતાં કવિતાનો ક ત્યાં ને ત્યારે ન ઘૂંટાયો તે ન જ ઘૂંટાયો.”

પન્ના નાયકના કાવ્યસંગ્રહોની વાત કરીએ તો ‘વિદેશિની’ પાંચ કાવ્યસંગ્રહોને સમાવી લેતો એક સમગ્ર કાવ્યસંગ્રહ છે. પ્રવેશ, ફિલાડેલ્ફિઆ, નિસ્બત, અરસપરસ અને આવનજાવન એટલે ‘વિદેશિની.’ આ સંગ્રહના કાવ્યોમાં પન્ના નાયકની ડાયસ્પોરિક વેદના ક્યાં અને કેવીરીતે આલેખાયેલી છે તેની નોંધ લઈશું. પન્ના નાયકના વિદેશિની કાવ્યસંગ્રહનું એક કાવ્ય ‘ફૂલોને કેટલી નિરાંત’માં આલેખાયેલી કાવ્ય સંવેદના જોઈએ.
ફૂલોને કેટલી નિરાંત –
Survival
Identity
Alienation
એવા કોઈ પ્રશ્નોની મુંઝવણ જ નહીં !(‘વિદેશિની’, પૃ.૧૦૫)

પન્ના નાયકની સમગ્ર કાવ્યસૃષ્ટિમાં પેલાં ફૂલોએ કદી નહીં પ્રીછેલી-અનુભવેલી પ્રશ્નોની મુંઝવણની વણજારો નિરૂપાઈ છે. ‘વિદેશિની’ના લગભગ બધા જ કાવ્યોમાં આ alienation, estrangement, disaffection ની જ વ્યગ્રતા છે, વેદના અને વ્યથા નિરૂપાઈ છે. કાવ્યનો વિષય ગમે તે હો, લગ્ન જીવનની વિષમતા અને વિષમયતા, વ્યંધત્વની વ્યથા,immigrant ની સ્વદેશ માટેની સહજ રટણા,દૈનંદિન રુટિનની યંત્રણા, જીવનની નિરર્થકતા, જન્મ જન્માંતરની કલ્પનાની વ્યર્થતા આવા વિવિધ વિષયના કાવ્યોનો સૂર એક જ છે, એમાં એક જ ભાવ ધોળાઇ રહ્યો છે, એકલતાનો, પરાયાપણાનો, સ્વજનહીનતાનો, અમૈત્રીનો, યાંત્રિક એકવિધતાનો, અસ્થિરતાનો અને પ્રેમના અભાવનો. આમ, પન્ના નાયકના કવનનો સાર આ બે પંક્તિઓમાં જોઈ શકાય છે.
સ્વજન વિનાના સહરામાં
કેમ જીવી શકાય ?(એજન, પૃ.૮૫)

‘Homssickness’ કાવ્યમાં અંગત વ્યથાનું પરિમાણ છે જ, છતાં ઇમિગ્રંટમાત્રની ત્રિશંકુદશાની નિરાધારી એમાં નિરૂપાઈ છે. નથી ત્યાંનુ આકર્ષણ મુકાતું, નથી અહીંનો મોહ છૂટતો. અહીં જીવવાનો નિર્ધાર કરી લીધા પછી પણ ઠરીઠામ થવાતું નથી. Nostalgia કહેતાં ઘરઝુરાપાનું આ વિષાદપૂર્ણ, કવિત્વમય આલેખન જુઓ:
અહીં જ્યારે વસંત ચેરી બ્લોસમ્સથી રંગાઈ જાય છે ત્યારે
મારુ મન કેસૂડે મોહે છે
ગ્રીષ્મનાં ગુલાબ ધરા પર પોતાના બિસ્તર બિછાવી દે છે ત્યારે
હું ગુલમહોરની યાદથી આંખ લાલ કરીને રોઉં છું...
અહીં બારે માસ વરસાદ પડે છે તોય
ત્યાંના જેવી વર્ષાઋતુની મઘમઘતી સોડમ
ક્યારેક શરીરે ચોંટતી નથી !
અષાઢનો શબ્દ જ અહીં નથી ને !

વિદેશમાં કાયમી વસવાટ સ્વીકારવા છતાં વતનની પ્રકૃતિ સાથેનો લગાવ અનાયાસે પણ પ્રગટ કર્યા વગર રહી શકતા નથી. તેઓનું અંતર્મુખી વલણ હંમેશા જ ઘર અને ઘર આંગણાના પરિસરને, અંધેરીના બગીચાના ફળ, ફૂલ, ઝાડ, અહીંની વર્ષાઋતુ અને પ્રાકૃતિક વાતાવરણને સતત ઝંખ્યા કરે છે. તેથી જ શબ્દસેતુથી અતુટપણે તેઓ જોડાયેલા રહે છે. અહીં કવિતા પોતાને ઘરઝુરાપાના ગાઢ ઘેરા સંવેદનમાં હુંફ પૂરી પાડે છે ‘કોણ કહે છે?’ કાવ્યમાં જુઓ
“અમેરિકાના
અને બીજા આંતરરાષ્ટ્રીય સમાચારમાંય જાણે
શોધું છું કેવળ ભારતને...
કોણ કહે છે
મેં વર્ષોથી ભારત છોડી દીધું છે ?(‘નિસ્બત’, પૃ.૯૫)

માણસ પોતાનો દેશ બદલી શકે વેશ નહિઁ. એ વાત અહીં યથાતથ થાય છે. પોતે લગ્નગ્રંથિથી જોડાયા પછી ભારતને મનેકમને છોડવું પડે છે અને પતિ સાથે વિદેશમાં સ્થિર થવું પડે છે તે ઘર છોડયાની વેદના આલેખાઈ છે.

દરેક માણસને વતન સાથે ચોક્કસ ગાઢ ઘરોબો રહેવાનો એ વાત નકારી શકાય નહીં. કવયિત્રીનું બાળપણ, શૈશવ વતનમાં વીત્યું, આથી વતન સ્થળ સાથે મન મૂળની જેમ જોડાયેલું રહે છે. પોતે કાયમ એ સ્મરણોના સહારે જીવન વિતાવવા માંગે છે. આ વાતની અભિવ્યક્તિ ‘બે શહેર’ કાવ્યમાં કરે છે.
“મુંબઈ મારી જન્મભૂમિ છે
અને એણે જે આપ્યું છે
તે
મારી અકબંધ મિરાત છે
જેને સાચવીને રાખી છે
મેં હદયના એક
ખૂણામાં
ફિલાડેલ્ફિઆના
અતિશય વ્હાલાં
ચેરીબ્લોસમ્સ
અને
ડેફોલ્ડિસનું મહત્વ
આંખોમાં અંજાયેલાં
અંધેરીના ગુલમહોર જેટલું જ છે.”(‘ગુલમહોરથી ડેફોડિલ્સ’, પૃ.૩૩-૩૪)

અમેરીકામાં વસંતઋતુ પૂરબહારમાં ખીલે છે ત્યારે કવયિત્રીને અંધેરીના ગુલમહોર યાદ આવી જાય છે. ગુલમહોર જેટલું જ મહત્વ ચેરીબ્લોસમ્સ અને ડેફોલ્ડિસને આપે છે. કાવ્યનાયિકાને પ્રકૃતિ પ્રત્યે અનહદ ચાહત છે. અમેરિકાના વસવાટ દરમિયાન ભારતની પ્રકૃતિ યાદ આવે છે. તેથી જ તો એ બોલી ઉઠે છે કે,
“ફિલાડેલ્ફિયામાં ડહેલીયા અઝેલિયા,
ગુલમહોરને રાતરાણી મળતાં નથી.
મેપલને બર્ચનાં ઊભાં છે ઝાડ,
મને ચંપો ચમેલી અહીં મળતાં નથી.”(‘આવનજાવન’,પૃ.૫૫)

પન્ના નાયકનાં કાવ્યનો અંત ક્યારેક કોઈ નવો જ વળાંક લઈને આવે છે અને અપાર વિસ્મયનો અનુભવ કરાવે છે. આ પંક્તિઓ કાવ્યના અંતની છે:
અંધેરી યાદ આવે છે...
બા કહેતા હતાં : જિંદગી એટલે
ચોર્યાસી લાખ ફેરાનું ચક્કર...
એ યાત્રામાં મારા કેટલા માઈલ કપાયા હશે ? (‘ચેરી બ્લોસમ્સ’, પૃ.૧૦૪)

જીવનનો થાક કેવો અવસાદ પ્રેરે છે, એ અહીં આપણને પન્ના નાયકના કાવ્ય દ્વારા જાણવા મળે છે. પન્ના નાયક એમનાં ગીતો, અછાંદસ હાઇકુમાં નારીના આંતરમનને વાચા આપવાનો પ્રયાસ કરે છે. નારીએ જન્મથી લઈને મૃત્યુ સુધી વેઠવાનું જ હોય છે. ભારતીય પરંપરાનું માળખું જ એવું છે કે એમાં સ્ત્રી ને હલકી, ઊતરતી કક્ષાની માનવામાં આવી છે. ખાવા-પીવામાં, બેસવા-ઉઠવામાં, રહેણીકરણીમાં છોકરીઓ કરતાં છોકરાઓને પૂરતા પ્રમાણમાં છૂટછાટ આપવામાં આવે છે. આ સામાજિક કુરૂઢિઓનો પન્ના નાયકની કવિતામાં છડેચોક છેદ ઉડાડવામાં આવ્યો છે. સામાન્ય રીતે નારીની વ્યથા, વેદના, પીડા એના મનની મુંઝવણને પોતાની કવિતાઓમાં આલેખન કરવામાં આવ્યું છે.

આ સંદર્ભે સુરેશ દલાલ નોંધે છે કે,“પન્નાની કવિતા જેમાં આખો સમાજ ઉઘાડો પડી જાય છે એવા ડ્રોઇંગરૂમની કવિતા છે,બેડરૂમની કવિતા છે. પન્ના પાસે કરાર ન વળે એવો એકરાર છે.”

‘વિદેશિની’ સંગ્રહમાં એક વિલક્ષણ કાવ્ય છે ‘વિષાદ.’ પતિનું મૃત્યુ થયું છે, એના મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવે છે ત્યારે કાવ્યની નાયિકા જે સેતાનિક આનંદ અનુભવે છે તેની અભિવ્યક્તિ અત્યંત તીવ્ર અને સચોટ છે. પતિના મૃત્યુથી આ કાવ્યની નાયિકા વૈધવ્ય નહિ જાણે કે સૌભાગ્ય પ્રાપ્ત કરે છે :
હા.... શ.......
હવે
હું
લાલ કંકુનો ચાંદલો કરી શકીશ... !

પન્ના નાયકે છંદોબદ્ધ કાવ્યો નહિવત લખ્યા છે, ગણતર સોનેટ લખ્યાં છે પણ આમાંનુ એક પણ કાવ્ય એમના કવિયશમાં વધારો કરે તેવું નથી. પન્ના નાયકના ‘ચેરી બ્લોસમ્સ’ કાવ્યસંગ્રહમાં છપાવેલાં બે અછાંદસ સોનેટ છે. બંને દરિદ્ર છે તેમાંના એક સોનેટની પ્રથમ બે પંક્તિઓ છે :
તું મને આપે ન આપે હું તને સોનેટ આપું,
ચૌદ પંક્તિના પિંડમાં બ્રમ્હાંડની હું ભેટ આપું. (એજન, પૃ.૨૮)

‘ફ્લેમિંગો’ પન્ના નાયકનો પ્રથમ નવલિકા સંગ્રહ છે. કાવ્યક્ષેત્રે જેવી અને જેટલી સફળતા પન્ના નાયકને મળી છે તેવી નવલિકાક્ષેત્રે નથી મળી. તેમની નવલિકાઓ વાંચતા તો એવી જ છાપ ઊઠે છે કે અમેરિકાવાસી ગુજરાતીઓને પરપુરુષ કે પરસ્ત્રી સાથે દેહસબંધ સિવાય ભાગ્યે જ બીજા કોઈ વાત-વિષયમાં રસ છે. જો કે અમેરિકન સમાજવ્યવસ્થામાં શરીરી નિકટતા માટે આવશ્યક એકાંતની ઘણી સગવડ હોવાથી આ વાર્તાઓમાં આલેખાયેલા સાહસો સફળ થાય છે પણ સફળતા ન મળે તોપણ આ પાત્રો સેક્સના દિવાસ્વપ્નમાં રાચે છે. આ સંગ્રહની બીજી વાર્તાઓ જોઈએ તો ‘ખૂટતી કડી’ નવલિકામાં એક જ પાત્ર કેન્દ્રમાં છે. સ્મૃતિલોપ-ભ્રંશનું વાસ્તવિક નિરૂપણ છે. નવલિકાની નાયિકા લીલાબહેનને બાણું વર્ષ થયા છે. ડિમેન્સિયાનાં લાક્ષણિક દર્દી તરીકે એમની સ્મૃતિ ક્યારેક ઝબકે છે, ક્યારેક જતી રહે છે. ભૂતકાળ ક્યારેક યથાતથ યાદ આવે છે, વર્તમાન ભુલાઈ જાય છે. પ્રસંગો યાદ આવે પણ વ્યક્તિઓ ભુલાઈ જાય, નામનું તો સર્વદા વિસ્મરણ થાય. આ રીતે લીલાબહેન સ્મૃતિ-વિસ્મૃતિમાં ઝોલા ખાય છે. એનું પન્ના નાયકે રસાળ આલેખન કર્યું છે.

‘સુજાતા’નું કથાવસ્તુ અત્યંત મર્યાદિત છે, વાર્તાતત્વ આ કૃતિમાં નહિવત છે. સુજાતા નવલિકાની નાયિકા છે જેના પતિ ,પાંચેક વર્ષ પહેલા અવસાન પામ્યાં છે. પરણીને આવીને અમેરીકામાં સ્થિર થયે એને વર્ષો વીતી ગયાં છે અને હવે મુંબઈમાં માતાપિતા, ભાઈભાભી કોઈ રહ્યું નથી. વાર્તામાં સુજાતા અને એક રશિયન બાઈ બે જ પાત્રો છે. રશિયન બાઈ અને તેનો પતિ થોડા મહિના પહેલા જ અમેરિકા આવ્યાં છે. બસ આટલી પાતળી કથનરેખાના આધારે આ નવલિકા સર્જાઈ છે. આ નવલિકાનો સમય તો વળી, આનાથી પણ ટૂંકો છે. વોશિંગ્ટન ડી.સી.ના સ્ટેશનેથી સુજાતા ગાડી પકડે છે અને ફિલાડેલ્ફિયા ઊતરે છે એ ત્રણ કલાકના ફલકમાં વાર્તા પૂરી થાય છે. વાર્તામાં ઘટના નથી, ઘાટ છે; સંકેતથી, સૂચનથી, વ્યંજનાથી નવલિકાકાર કામ લે છે. આ રચનાકૌશલ્ય આ વાર્તાનો વિશેષ છે.

આમ, પન્ના નાયકના સમગ્ર સાહિત્ય સર્જનને જોતાં તેમાં વતનથી છુટા પડયાની વેદના, તેનો ઝુરાપો નજરે પડે છે. તેમના કાવ્યોમાં આધુનિક શહેરમાં રહેતી સ્ત્રીની લાગણીઓ રજૂ કરે છે. કાવ્યોમાં પુરુષો સાથેના સબંધો, લગ્ન જીવનની મુંઝવણો,આશાઓ અને નારીવાદી લાગણીઓ પણ રજૂ થઈ છે. તેમનો એકમાત્ર વાર્તાસંગ્રહ ‘ફ્લેમિંગો’ છે. તેમાં આવતી વાર્તાઓમાં પણ વતનવિચ્છેદની, ઘરઝૂરાપાની વેદના દેખાય છે. અમેરીકામાં વસવા છતાં તેમણે ગુજરાતી સાહિત્યમાં ડાયસ્પોરા ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે.

સંદર્ભ ગ્રંથસૂચિ :

  1. ‘શબ્દસૃષ્ટિ’, સામયિક, નવેમ્બર-૨૦૧૫, સળંગ અંક:૩૮૬, પૃ.૧૯૬,બ્રિટિશ-અમેરિકન ડાયસ્પોરિક ગુજરાતી કવિતા: ડૉ.રમેશ ચૌધરી
  2. ‘તથાપિ’, ત્રૈમાસિક સામયિક, સપ્ટેમ્બર-નવેમ્બર:૨૦૦૯, અંક:૧૭,પૃ.૭૧,દુર્નિવાર વેદનાશીલતાનું ગુજરાતી ડાયસ્પોરા રૂપ: ‘કાળજે કોતરાયેલી પીડા’: વલ્લભ નાંઢા
  3. ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય સમીક્ષા અને સર્વેક્ષણ, લે-જગદીશ દવે, પ્રકાશક-પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, પ્રથમ આવૃતિ-૨૦૧૩, પૃ.૧૧૯
  4. ‘તાદર્થ્ય’, સામયિક, માર્ચ-૨૦૦૯, અંક:૧૦, પૃ.૨૫,ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યનો આરંભ અને આજ : ડૉ. રૂપલ ભટ્ટ
  5. www.gujaratisahityaparishad.com
  6. pannanaik.com
  7. અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો, સં- મધુસૂદન કાપડિયા, પ્રકાશક-ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પ્રથમ આવૃતિ- જાન્યુઆરી ૨૦૧૧

સુનિલકુમાર જે. પરમાર, પીએચ.ડી. રિસર્ચ ફેલો, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, આણંદ-૩૮૮૧૨૦ મો-૯૫૮૬૬૮૭૮૫૦ Sunilparmar1709@gmail.com