આ પુસ્તક તમે વાંચ્યું..
ડૉ. નરેશ શુક્લ

1. બચુડીની અજાયબ સૃષ્ટિ (બાળકથા) લે. પૂર્ણિમા પકવાસા. પ્રકાશક- સાહિત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવા સીદી, ગોપી પુરા, સુરત-૩૯૫૦૦૧, પ્રથમ આવૃત્તિ- ૨૦૦૮, કિં- ૩૦૦ રૂ.૩૩૦ ૪૭, પાકું પુંઠું, ડિમાઇ)


દીદી-ના નામે જાણીતા, ડાંગને પોતાની કર્મભૂમિ બનાવીને આદિવાસી કન્યાઓને મુખ્ય પ્રવાહમાં ભેળવવા કેળવણીની જયોત જલાવનારાં પૂર્ણિમા પકવાસા કેળવણીના ક્ષેત્રમાં જાણીતું નામ છે. એ પંચાણું વર્ષની ઉમરે સળંગ કિશોરકથા આપે છે ત્યારે સ્વભાવિક જ આનંદ થાય. આપણે ત્યાં બાળકો અને કિશોરોને લઇને પ્રમાણમાં ઘણું ઓછું લખાય છે તે જાણીતી હકીકત છે. બીજી બાજુ વર્તમાન સમયના બાળકોનો વાર્તારસ તો અકબંધ છે પણ એમની સામે નવા નવા આવેલા ફિલ્મ, ટેલિવિઝન, ઇન્ટરનેટ અને ખાસ તો વિવિધ ઇલોક્ટ્રોનિક્સ રમતોના કારણે જે માનસિક સ્થિતિ સર્જાઇ આવી છે તે કોઇપણ લેખકને હંફાવે તેવી છે.
એક બાજુ મારધાડ અને ખતરનાક એડવેન્ચરથી ભરપુર ગેઇમ્સ, ગ્રહો-ઉપગ્રહો અને સમય અને નિહારિકાઓનીએ પેલે પાર પહોંચેલી રિયલ જણાતી સાયન્સ ફિક્શન ફિલ્મોના સમયમાં બાળકો-કિશોરોનું કુતુહલ જાળવી રાખવું એ વાર્તા માટે મોટો પડકાર બની ગયો છે. આ તો થઇ બાળકેન્દ્રી ફિલ્મો અને રમતોની વાત પણ મોટેરાઓના શ્વાસ પણ અધ્ધરતાલ કરી દેનારી કલ્પનાપ્રધાન ફિલ્મો, સાયન્સ ફિક્સન, ભેદ-ભરમવાળી ભયાનકરસની ફિલ્મો બાળકો અને કિશોરો પણ એટલી જ આસાનીથી જોતાં હોવાથી લેખક માટે બેવડી સમસ્યા સર્જાઇ રહી છે. આજથી ૨૫-૩૦ વર્ષ જૂની પેઢીના બાળકો માટે જે વર્ણનો, સાહસો, પ્રસંગો અને વાતો એકદમ આનંદ અને થ્રિલર (રોમાંચ)નો અનુભવ કરાવનારાં હતાં તે આજની પેઢીને સાવ ફિક્કા લાગવાનો સંભવ છે. કેમકે, સામાન્ય જાહેરાતોથી માંડીને ફિલ્મો, લેખો, સમાચારો, પ્રવાસોના પ્રત્યક્ષ અનુભવોમાં જે નજરે પડે છે તે એનાથીએ ક્યાંય વધું ભવ્ય, રોમાંચક હોય છે. પરિણામે કિશોર કે બાળકથાઓ લખવી એ મોટો પડકાર બનતો જાય છે.
આ પડકાર પૂર્ણિમા દીદીએ ઝીલ્યો છે. તે પોતાના બાળપણને આલેખવાનું વિચારતા જ હતાં એવામાં શ્રીમતી જે.કે.રાઉલીંગની - હેરી પોટર- વાંચવામાં આવતાં એમનો નિશ્ચય બળવાન બન્યો. હેરી પોટર વિશે પોતાનો મત આ રીતે લખે છે - ‘ક્લિષ્ઠ ભાષાવાળું તે પુસ્તક વાંચવાની કોશિષ કરી થોડું વાંચ્યું ને તેમાં જે વાત બાળકો માટે પિરસવામાં આવે છે તે વાંચીને મને મનમાં અફસોસ થયો કે, અરે બેન, રાઉલીંગ, તું તારી સરસ કલમથી બાળકો અને યુવાનો માટે ઘણું હકારાત્મક અને પ્રેરણાદાયી લખી શકે. પણ તારી વાતમાં ભરચક નકારાત્મક ભાવ જણાય છે. તારી કલમથી તો તું બાળકોમાં અંર્તિનહિત રહેલી શક્તિઓને બહાર લાવી શકે તેમ છો. તેમાં બહાદુરી, સાહસ અને કંઇક કરી છૂટવાની તમન્ના જાગે તેવું હોવું જોઇએ. ક્યાંક ભૂત, પ્રેત કે ડાકણ જેવા પાત્રો હોય તેને પણ ભગાડી મૂકવાની નીડરતા કેળવાય અને સાથે સાથે વાર્તારસનું સાતત્ય રહે તેવું વાંચન આપવાની ક્ષમતા તારી કલમમાં છે જ. પરંતુ તેનો ઉપયોગ તેં નથી કર્યો તેનો અફસોસ થયો.’
પૂર્ણિમાબેને ઉપર જણાવેલ તેમના મંતવ્યને સિદ્ધ કરતી આ કથા લખી છે. બચુડી સાહસિક છે, કૂતુહલ ભારોભાર હોવાથી સતત ખાંખાખોળા ચાલ્યા જ કરે ને દર વખતે નવી પરિસ્થિતીમાં મુકાયા કરે છે, એમાંથી એને ઉગારે છે દાદાજીએ એનામાં આરોપેલ અડગ આત્મવિશ્વાસ, પ્રકૃતિ તત્ત્વો સાથેનો અનુરાગ, અને આસપાસના પરિબળોને પોતાના કરી લેવાની પ્રેમભરી ધૂન એને ક્રમશઃ સફળતા અપાવે છે. આ કથામાં પરીઓ, રાક્ષસો, રાજાઓ, નેતાઓ, પરગ્રહવાસીઓ, પૃથ્વી પરના ખરાબ માનવીઓ- બધું છે. બચુડીની કથામાં તમને અનેક પ્રસિદ્ધ કથાઓ, ગુજરાત-સૌરાષ્ટ્રની પ્રચલિત બાળકથાના જોડકણાંના અંશો, સ્વરચિત બાળ જડકણાં બધું જ ઉપલબ્ધ થાય છે. એ બધું સરસ રીતે રસાઇને આવ્યું છે. અનેક પ્રકારના ભારતીય મૂલ્યોને વણી લેવામાં આવ્યાં છે. વાસ્તવ કરતાં ભારતીય આદર્શોને સિદ્ધ કરવા માથતી બચુડી નરી શ્રદ્ધાનું પ્રતીક બની રહે. બાળકથાની સાથે બોધકથાની આપણી પરંપરા પણ એટલી જ મજબૂતીથી જળવાઇ છે. દીદીના પોતાના બળપણ વખતનું સૌરાષ્ટ્રી ગુજરાતના લોકજીવનથી શરુ કરીને વર્તમાન સમયની વૈજ્ઞાનિક શોધ, જાણીતી સાયન્સ ફિક્શન વાળી કથાઓ, દુનીયાના સ્વિટ્ઝર્લેન્ડ, આફ્રિકા જેવા અનેક દેશોના જંગલો ને જંગલીઓ, અજાણ્યા ટાપુઓ, સમુદ્રો અને પોતાનું જીવન જે આદિવાસીઓને શિક્ષિત કરવામાં પસાર કર્યું છે તે બધું જ અહીં મિક્સર રૂપે આવ્યું છે. પણ એ બધું પડછે બેક-ગ્રાઉન્ડ રૂપે અનુભવાય છે. આગળ તો ઉપસે છે બચુડીનો સર્વ તરફનો પ્રેમ, સારાં કે નરસાં બધાં જ પ્રકૃતિ તત્ત્વો સાથેનો એનો અનુરાગ ને એના કારણે થતી અસરોની આદર્શ કલ્પના....ખૂટે છે કૃતિને ચૂસ્તતા આપનાર સંઘર્ષનું એટલું જ અનિવાર્ય એવું પાસુ. મૂલ્યો, પરિસ્થિતીઓ ત્યારે જ વધારે અસરકારક બનીને સ્પર્શે જયારે ડાર્કસાઇડ પણ એટલી જ ડાર્ક હોય... તે અહીં ગેરહાજર હોવાથી કથા વધારે પડતાં અપ્સ-ડાઉનવાળા ધબકારના બદલે સીધી ગતિએ અનુભવાય છે. પણ આ પ્રકારની સળંગ રચના અને તે પણ આટલા દીર્ઘ પટ પર પંચાણું વર્ષની ઉમરે આલેખવી એ ખરેખર અનન્ય પડકાર અને સમાજ તરફનો અનન્ય લગાવ દર્શાવે છે. બાળકો - કિશોરો અને કિશોરપણું જેનામાં ધબકે છે એ સૌએ એક વાર તો અવશ્ય વાંચવા જેવી છે આ બચુડીની સૃષ્ટિ.


2. (પર્વતની ટોચે (બાળકાવ્યો) ર્કીતિદા બ્રહ્મભટ્ટ.પ્ર.આ.૨૦૦૯, પ્ર. સ્વયં પ્રકાશિત. પ્લોટ નંબર-૪૬૨-૨-એ, સેકટર-૬-એ, ગાંધીનગર. ફોન-૨૩૨૨૫૫૪૯. કુલ પૃષ્ઠ-૬૮, કિં.૮૦-૦૦ રૂ.કાચુ પૂંઠું, ક્રાઉન)


કીર્તિદા બ્રહ્મભટ્ટનો આ બીજો કાવ્ય સંગ્રહ પર્વતની ટોચે એના લયબદ્ધ બાળકાવ્યોના કારણે નોંધપાત્ર નીવડે તેમ છે. બાળસહજ કૂતુહલની ભૂમિ પર ઊભા રહીને જગતના તત્ત્વોને જોવા એ એટલું સહેલું નથી. બાળપણમાં પંચેન્દ્રિયો હજી જગત વિશે સ્પષ્ટ નથી હોતી ને તેના કારણે સર્જાતું આભાસી, પ્રમાણમાં કાલ્પનિક એવું વિશ્વ એની સભાનતા આવ્યા પછી સર્જવું અઘરું જ નહીં પડકારજનક બની જતું હોય છે. સભાનતા બાળસાહિત્ય સર્જવામાં મદદ પણ કરે છે ને અવરોધ પણ સર્જે છે- આવી સ્થિતિ પોતે જ પડકાર બની રહે છે. ર્કીિતદાબેન એ પડકારને સમજે છે, બને તેટલી સભાનતા ટાળવા મથે છે, બાળકોને પ્રિય એવા લય-હિલ્લોળને ધ્યાનમાં રાખી સર્જન કરે છે.
દૃષ્ટાંત જોઇએ-
જંગલ માંહે હોળી કેરો જામ્યો છે માહોલ,
મોર બજાવે પિપૂડાં ને વાનર ઢમઢમ ઢોલ (પૃ.૨૭)
મમ્મી, ફૂલોના રંગો તું મારા તે હાથમાં લાવી દે,
મમ્મી, ફૂલોના રંગોથી ઘર આખું ચિતરાવી દે, (પૃ.૨)
મારે ચાંદાના ઘેર જાવું
મારે આકાશે અંબાવું...
ભીના ભીના વાદળ વચ્ચે
જઇ મારે ભીંજાવું
મારે ચાંદાના ઘેર જાવું (પૃ. ૬)
આવી અનેક નિતાંત વિસ્મય અને કલ્પનાભરી રચનાઓ આપણને મળે છે. એમાં બાળસહજ ભાવ સહજ રીતે વણાઇ ચૂક્યાં છે. આવી અનેક રચનાઓ આ સંગ્રહમાં મળે છે. એનો લય બાળકોના કંઠે તરત જ ચડી જાય તેવો સહજ છે.
બીજી બાજુ, લય અને ઉલ્લાસથી ભરપૂર એવા કાવ્યો પણ છે જેમાં કવિયત્રીની મોટપણાની સભાનતા અજ્ઞાત રીતે પ્રવેશી ગઇ છે. કાવ્યતત્ત્વ સરસ રીતે ઝીલાયું છે પણ સમજવા ઉમરલાયક તો થવું જ પડે- એ અર્થમાં બાળકાવ્ય મટી જાય ! જુઓ-
મોતી જેવાં ઝીણાં ઝાકળ
પાંદ ઉપર મેં જોયાં
ભાઇ, હશે શું રાત આખીએ
ઝાડ પાન બહું રોયા ! (પૃ.૪૪)
શંખલા મળે તો સાંભળવું કાન દઇ
દરિયાનું મોંઘેરું ગાન. (પૃ.૫૫)
કુદરત તારી ચાવી ક્યાં છે, તાળા ક્યાં બનાવ્યા ? (પૃ.૬૪)
જેવા કાવ્યો, મોટાઓને કાવ્યાત્મક અનુભૂતિ આપનારી રચનાઓ બની છે.
આ બાળકાવ્યોમાં બીજી નોંધપાત્ર વાત એ છે કે, બદલાતા સમય સાથે બાલકોની બદલાતી રૂચિ, એમની સામે આવેલ નવાં રમકડાઓની સૃષ્ટિ, ક્મ્પ્યુટર ગેમ્સ, ટેલિવિઝનની દુનીયા અને ખાસ તો મમ્મી-પપ્પા, ભાઇ-બહેનો સૌ અત્યારના વ્યસ્ત શિડ્યુલમાં ગોઠવાયેલા હોવાથી બાળક માટે સમય નથી આપી શકતા તેનો ખાલીપો પણ આ કાવ્યોમાં ક્યાંક આછા પણ ચેતવનારાં રૂપે આલેખાયો છે.
ઘડીક રમવા ગેઇમ મળે ને ત્યારે એ ખુશ થાતો,
સીડી એકા’દી મૂકીને ગીત મજાનાં ગાતો
ગાતાં ગાતાં રમતો એ ને કરતો રે બહુ ગેલ
મમ્મી મોબાઇલ કરે ને પપ્પા કરે ઇ-મેઇલ (પૃ.૫૯)
જુદા જુદા લય આવર્તનો, જોડકણાંઓ, ઉખાણા- આદિનું વૈવિધ્ય આ સંગ્રહને ગુણવત્તા આપે છે. બાળસાહિત્યમાં આ ઉમેરણ આનંદજનક છે.


3. (પ્રિય મિત્રા (ગદ્યકાવ્યો) દિનેશ પરમાર પ્ર.આ.૨૦૦૪. પ્ર. સ્વયં પ્રકાશિત. કિંમત-૧૦૦.૦૦ રૂ. પાન નં-૨૯,પાકું પૂઠું,ડિમાઇ)


દિનેશ પરમાર લિખિત ગદ્યકાવ્યસંગ્રહ સાવ હળવા ફૂલ જેવી અનુભૂતિ કરાવતો સંગ્રહ છે. મજાની આકર્ષક છપાઇ અને સૂક્ષ્મ સ્નેહાનુભૂતિની સરળ-સહજ અભિવ્યક્તિ આ સંગ્રહની વિશેષતા છે. પ્રેમની વિવિધ મુદ્રાઓ અહીં શબ્દોમાં અંકિત થઇ છે. ગદ્યખંડો લયની અનુભૂતિ કરાવનરાં હોવા ઉપરાન્ત લક્ષ્યગામી છે- કવિને જે કહેવું છે, જે અનુભૂતિ કે વિચારને વ્યક્ત કરવો છે તેને જ કેન્દ્રમાં રાખે છે. પરિણામે પ્રત્યાયન સહજ રીતે થાય છે.
કવિ પોતે સ્પષ્ટ છે- ‘અહીં મેં જે કંઇ પણ લખ્યું છે તેમાં હું સંપૂર્ણપણે હાજર છું. સ્વ વિનાનું સર્જન સંભવી ન શકે. હું મારાં લખાણમાં મારી જાતને ફંફોસું છું. ખુદને શોધું છું. મારા અસ્તિત્વની નિકટ જવાનો પ્રયાસ, તેને પામવું, સંવેદવું- આ બધું એટલે મારું લખાણ.’
જોઇએ-
મારા સ્મૃતિવનમાં
ઊંચા વૃક્ષ
યાંત, સ્થિર અને સ્તબ્ધ
તારી રાહ જોતાં ઊભાં છે.
પ્રિયને રાહ જોતાં કાવ્યોની સંખ્યા સારી માત્રામાં છે, એમાં વિરહની પણ નોંખી નોંખી ભાત ઉપસતી અનુભવાય છે-
સતત કામમાં તું રોકાયેલી હો
અને અનાયાસ તારી નજર
બારી બહાર દૂર ખાલી સડક પર પડે
તું પાણી પી, હોઠ પર રહી ગયેલી ભીનાશ જેવું,
તને ગમતું ગીત ગણગણી ઊઠે ત્યારે
હું તને યાદ આવું,
દરરોજ મારી ભીતર કશુંક સળવળે છે
થોડી નાનકડી ઝંખનાઓ
પોતનામાં પૂરેપૂરી પ્રમાણિક અને પારદર્શક-
મારો નાનકડો દીકરો ફુગ્ગાવાળાને જોઇ જે ઝંખે બરાબર તેમ જ.
- પ્રેમના અનેક સ્વરૂપ આલેખાયા છે પણ એક રૂપ જે તરત જ સ્પર્શી જાય તેવું છે તે આ...
જીવન એ કોઇ છંદબદ્ધ, લયબદ્ધ
રોમેન્ટિક કાવ્યગાન ન હોઇ શકે.
હોય એ શબ્દોના ઘોંઘાટિયા ઉપદ્રવ મધ્યે
પરમ લયને સાંભળવાની મથામણ...
પણ તેમનાં નાનકડાં વાક્યો-
ગઇ કાલે રાત્રે ઊંઘી શકાયું ..
અથવા
પ્રવાસમાં બહુ હાડમારી તો નથી પડીને
- સેંકડો પુષ્પવનોનું માધુર્ય જીવતરમાં ભરી દે,
એ વાત સહુને તો ન જ સમજાય.
દિનેશ પરમારના કાવ્યોમાં રોમેન્ટિક પ્રેમાનુભૂતિની સાથો સાથ વાસ્તવના ધરાતલ પણ તપતા પ્રેમની વાત પણ આલેખાઇ છે. એમાં મિલન છે તો વિરહાનુભૂતિ પણ છે. સમાજના પછાતવર્ગના પ્રેમનું રૂપ પણ ઘણાં કાવ્યોમાં ઝીલાયું છે. કેટલીક રચનાઓમાં પ્રેમની સાથે સાથ વિસંવાદિતાની આછી લકીર અનુભવવા મળે છે. અનેક જગ્યાએ સૂત્રાત્મકતા આવી જતી અનુભવાય. ગદ્યલય લડખડાવાના પ્રસંગો પણ ઠેરઠેર મળી આવે છે.


4. (ઇપ્સતાયન (પ્રવાસનિબંધ) ભારતી રાણે. પ્ર.આ.૨૦૦૯, પ્ર. નવભારત પ્રકાશન મંદિર, ૧૯૩૫, હિંગળોક જોષીની પોળ, બાલા હનુમાન, ગાંધીરોડ, અમદાવાદ-૩૮૦૦૦૯. કુલ પાનાં-૨૧૨- ૧૦, કિં-૨૦૦.૦૦, પાકું પૂંઠુ, ક્રાઉન)


ભારતી રાણેનું નામ હવે ગુજરાતી વાચકો માટે નવું નથી. વ્યવસાયે તબીબ એટલે શરીર અંદરની કુદરતે બનાવેલી અદ્ભુત દુનિયામાં સતત ડોકિયું કરનારાં ભારતીબેનને એટલો જ રસ પડે છે વિશ્વભરમાં કુદરતે સર્જેલી કમાલને માણવામાં ને જાણવામાં ! એટલે વ્યસ્ત એવા શેડ્યુઅલમાંથી સમય કાઢીને નીકળી પડે છે વિશ્વના વૈવિધ્યસભર દેશોને ખૂંદવા. સાથ હોય છે એમના એવા જ ડોકટર અને લેખક પતિ રાજીવ રાણેનો. ભારતી રાણે લખે છે- ‘પરમ સદ્ભાગ્યની વાત એ છે કે, પ્રવાસ પ્રત્યેની ઘેલછા અમારા બંનેમાં એક સરખી. નિસર્ગના સાન્નિધ્યથી ઊંચું બીજું કંઇ ન લાગે, એ સ્વભાવ પણ બંનેનો સરખો જ. એકબીજાના એકાન્તને અકબંધ રાખીને સાથે ફરતાં અમે વિશ્વથી અને એકબીજાંથી નજીક આવ્યાં છીએ...એક જ પ્રવાસમાં ઘણું બધું જોઇ લેવાનો મોહ પણ નહીં. દરેક દેશમાં કાળજીપૂર્વક પસંદ કરેલાં બહુધા અંતરિયાળ સ્થળોએ નિરાંતે રહીને આસપાસની ધરતીને ખૂંદી વળવાનો ઉપક્રમ હોય, અને જે તે સ્થળના લોક જીવનમાં ભળી જઇને એની માટીની સુગંધ સદાને માટે હ્ય્ દયમાં ભકી લેવાની ઝંખના હોય. વિસ્મયની આ કેડી સદાય અમને વિશ્વ સાથેના તાદાત્મ્યની અનુભૂતિ સુધી લઇ ગઇ છે.’ (પૃ-૫)
ગુજરાત મિત્રમાં પ્રવાસનિબંધની કોલમરૂપે છપાયેલા આ નિબંધો તેઓ કહે છે તેમ સાહિત્યિક ગુણવત્તાના ભોગે લોકભોગ્ય બની ન જાય તેની પૂરી ખાતરી આ નિબંધોમાંથી પસાર થતી વખતે અનુભવાય છે. દરેક સ્થળ સાથે જોડાયેલ કોઇ ખાસ સ્થળવિશેષની તસવીર વધારાનું કામ કરી આપે છે. આ પ્રવાસાનુભૂતિ શ્રેણીનું પ્રથમ પુસ્તક છે. એમાં ખાસ કરીને પૂર્વ યુરોપ ્ને તેની નજીકના કેટલાક દેશો- ઓસ્ટ્રીયા, ઇજિપ્ત, મોરેશિયસ, જર્મની, હંગેરી, ચેક રિપબ્લિક અને ગ્રીસનો સમાવેશ થયો છે. કોઇ ચોક્કસ પેટર્ન રાખવાના બદલે સ્થળ જે આપે તે બિંદુએથી આ પ્રવાસ નિબંધોનો આરંભ થાય છે. સ્થળ તમારી સામે ક્રમશઃ એના ભાતીગળ રૂપો સાથે ખૂલતું જાય છે. એમાં એ સ્થળનું પ્રત્યક્ષ વર્ણન, એની ખાસ કોઇ લાક્ષણિકતા, ત્યાં પ્રસિદ્ધ વ્યક્તિ કે પ્રસંગ, સામાજિક દૃષ્ટિએ ઉપસતો વિશેષ, પ્રજાની કોઇ ચોક્કસ લાક્ષણિકતાને ભારતીબેન પોતાની કલમમાં સ્થાન આપે છે. ક્યારેક સ્થળના સ્થૂળ લાગતાં વર્ણનો કરે પણ એ બધું ય છેલ્લે જતાં સરસ રીતે રસાઇને આપણાં ચિત્તમાં તે સ્થળની વિશિષ્ટ મુદ્રા અંકિત કરી આપનારી નીવડે છે.
દરેક પ્રકરણના નામ જે સ્થળની વિશેષતાને પ્રગટ કરનારાં ને વાંચવા પ્રેરે તેવા છે. ‘સાઉન્ડ ઓફ મ્યુઝિકઃ સોલ્ઝબર્ગ.’માં લેખક દંપતી સાયકલ પર પ્રવાસ કરે છે તે ઘટના આપણાં ચિત્તમાં અંકિત થઇ જાય તે રીતે આલેખાઇ છે. ભારતી રાણે સભાન રીતે વર્ણન કરતા નથી, શબ્દો સહજ રીતે આવે છે. એમાંય ઇજિપ્તના પ્રવાસ દરમિયાન બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શહિદ થયેલા દેશ-વિદેશના અનેક સૈનિકોની કબરથી બનેલ કબ્રસ્તાનનો પ્રસંગ અદ્ભુત રીતે આલેખાયો છે. લખે છે- ‘વાંચતા વાંચતા એક તકતી એવી આવી કે અમારા પગ થંભી ગયા. જાણે એક વીજળી પસાર થઇ ગઇ શરીરમાંથી ! એ એક ભારતીય સૈનિકની કબર હતી. ઉપર લખેલું. લાન્સનાયક સેમ્યુઅલ, ઇન્ડિયન એન્જિનિયર્સ, ૧૨મી માર્ચ ૧૯૪૨. ઉમર ૧૯ વર્ષ... કોણ હશે એના માબાપ ? એમને ખબર પણ હશે કે, એમનો લાડકવાયો અહીં ચિરનિદ્રામાં પોઢેલો છે ... વિઝિટર બુકમાં કોઇ મુલાકાતીના નામ ન્હોતા. એટલે સ્પષ્ટ હતું કે, કોઇને ખબર ન્હોતી કે એની લાશ અહીં દફનાવેલી છે. એ વિચારતા જ કમકમાટી થઇ આવી , ગોળીઓથી વિંધાઇને એણે આ અજાણી જગ્યાએ પ્રાણ છોડ્યા હશે, પછી, એને કોઇએ છેલ્લી વિદાય પણ નહીં દીધી હોય. કોઇ એને ભેટીને રડ્યું નહીં હોય...રજીસ્ટરમાં અમારાં નામ લખીને નોંધ્યું કે, અમે અમારા આ શહીદ દેશબંધુને સલામી આપીને એને અશ્રુઅંજલિ અર્પીએ છીએ...’ ઇજિપ્ત છોડતા પહેલા બીજીવાર એ કબર પર જઇને ફૂલ અને આંસુ છોડી આવતાં લેખિકા આપણા ચિત્તમાં છવાઇ જાય છે. આવા અનેક પ્રસંગો છે. આનંદના, આશ્ચર્યના, મનને પર શાતા આપનારાં તો એ સ્થળની મોહિનીમાં લઇ જનારાં પ્રસંગોથી આ પુસ્તક છવાયેલું છે.
હા, અનેક પ્રકરણો આખે આખા માહિતી જ આપનારાં છે. એમાં સીધી સટ માહિતીઓ આપવામાં આવી છે. સ્થળ, એની વિશેષતા, પ્રવાસ કરવા માટેનો યોગ્ય સમય, ત્યાં જવાનો રૂટ, વસ્તીની સંખ્યા, ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિની વાતો સીધી સટ ભાષામાં આપવામાં આવી છે. એ અર્થમાં આ પુસ્તક ગાઇડની ગરજ પણ સારે.. એમાંથી પ્રવાસનિબંધ માટે અનિવાર્ય એવા પ્રવાસી લેખક, રસજ્ઞયાત્રી પણ પ્રગટે છે અને મિત્ર જેમ એ પ્રવાસ માટે પ્રેરતા, ઉશ્કેરતા ગાઇડરૂપે પણ આ પુસ્તક મજાનું નીવડે છે. આકર્ષક આવરણથી શોભતા આ પુસ્તકને આવકારું છું.

ડૉ. નરેશ શુક્લ. ૫૩-એ, હરિનગર સોસાયટી, મુ.પો. વાવોલ.જિ. ગાંધીનગર-૩૮૨૦૧૬
Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index