Download this page in

સંશોધક-સંપાદક તરીકે દલપતરામનું પ્રદાન

‘કવીશ્વર’ અને ‘વાણી રાણીના વકીલ’ તરીકે ઓળખાતા દલપતરામનો જન્મ ૨૧મી જાન્યુઆરી, ૧૮૨૦માં વઢવાણમાં થયો હતો. પિતા ડાહ્યાભાઈ ત્રવાડી વેદપાઠી બ્રાહ્મણ હતા. માતાનું નામ અમૃતબા હતું. દલપતરામે શરૂઆતમાં વેદ ભણવાનું શરૂ કર્યું પછી સ્વામિનારાયણ ધર્મ સ્વીકાર્યો. દેવાનંદ સ્વામિના સંપર્કમાં રહી કાવ્યશસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્યરીતિનું જ્ઞાન મેળવ્યું. આ રીતે અંત સુધી સંપ્રદાયના કવિ તરીકે પ્રતિષ્ઠા પામ્યા. ૨૫મી માર્ચ, ૧૮૯૮ના રોજ તેમનું અવસાન થયું.

દલપતરામના સાહિત્ય સર્જનની વાત કરીએ તો તેમણે ગુજરાતી ભાષામાં નિબંધ, નાટક અને કાવ્ય તો આપ્યાં જ છે સાથે સાથે જુદા જુદા વિષયોને લગતા લેખ પણ આપ્યા છે. દલપતરામનું લોકસાહિત્યના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કહી શકાય એવો ‘કથનસપ્તસતી’ નામનો કહેવત સંગ્રહ તેમણે ઈ.સ. ૧૮૫૦માં આપ્યો. તેમાં કુલ ૭૦૦ જેટલી કહેવતો છે. ત્રણ પ્રકરણોમાં વિભાજિત આ સંગ્રહમાં કહેવતો અકારાદિ ક્રમમાં જોવા મળે છે. તેમાં એકપદની કહેવતો, બે પદની કહેવતો અને ચારપદની કહેવતોનો સમાવેશ થાય છે. આ બધી કહેવતો ‘શીલાછાપ’માં છપાઈ હતી. તેમાંની કેટલીક કહેવાતોના ઉદાહરણ જોઈએ.

‘અણસમઝો બ્રાહ્મણ બમણો હોમ કરે’ આ કહેવત ‘ખાલી ચણો વાગે ઘણો’ તથા ‘અધૂરો ઘડો છલકાય ઘણો’ જેવી કહેવતો સાથે મળતી આવે છે. ઓછી આવડત કે અલ્પજ્ઞાન હોવા છતાં જે લોકો ખોટા દેખાડા કરે છે તેમને આ કહેવત લાગુ પડે છે. ‘કુતરાની પુંછડી સો વરશ ભોંઈમાં રાખો તોય વાંકીની વાંકી’ માનવ જ્યારે પોતાના સ્વભાવ સહજ લક્ષણો છોડી શકતો નથી ત્યારે આ કહેવત પ્રયોજાય છે. ‘ગાડી તલે કુતરું ચાલે જાંણે હું જ ભાર તાંણું છું’ આ કહેવત નરસિંહ મહેતાની પંક્તિ ‘હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જ્યમ શ્વાન તાણે’ પરથી બની હશે એમ માની શકાય. જેમાં વ્યક્તિ ઘણો મહત્વકાંક્ષી બનીને પોતાને જ સર્વસ્વ માનવા લાગે છે. ‘કૈડે છોકરુંને શોધતી ફરે’ કહેવતમાં પોતાની આસપાસની વસ્તુ વિસરાયા પછીની વ્યાકુળતા દર્શાવવામાં આવી છે. ‘बगलमे छुरा और गाँवमें ढिंढोरा’ આ હિન્દી કહેવતને મળતી આવે છે. આ ઉપરાંત ‘ઘરના છોકરાં ઘંટી ચાટે ને ઉપાધીઆને આંટો જોઈએ’, ‘ચીંથરે વીંટયું રતન’, ‘ચીભડાંના ચોરને અડબોથનો દંડ’, ‘છત્રપતી કે પત્રપતિ’, ‘છીંક ખાતા દંડે’, ‘ઠોઠ નીશાળીઓને લેખણો ઝાઝી’, ‘થોરે કેળુને આંબે લીંબડી’, ‘નવ સાધે તેહાં તેર તૂટે’, ‘નકટીનો વર જોગી’, ‘લોભીમાં ધૂતારા જીવે’, ‘વાઘના ટોળાં ન હોય’, ‘હાજર તે હથિયાર’ વગેરે એકપદની કહેવતો આપી છે.

બીજા પ્રકરણમાં બેપદની કહેવતો આપી છે તેના ઉદાહરણ જોઈએ :
‘અંધેર નગરી અને ગંડુરાજા, ટકેશેર ભાજી ને ટકેશેર ખાજા’આ કહેવતમાં મૂર્ખતાનું પ્રસ્તુતિકરણ છે. ‘ખોદવો ડુંગર અને મારવો ઉંદર’માં સામાન્ય વાત માટે મોટું કાર્ય ઉપાડનાર પર હાસ્ય કર્યું છે. ‘ઘેર દૂઝણુંને લૂખું ખાએ, એવો કોણ મૂરખનો રઅ’ કહેવતમાં કંજૂસો પર કટાક્ષ કર્યો છે. ‘આવીઆ મલવા અને બેસારા દલવા’, ‘માથે ઓઢી ચાદર એટલે જહાં બેઠા તાંહા પાદર’, ‘વેપારમાં વાયદો શાસ્ત્રમાં કાયદો’, ‘સો જોશીને એક ડોશી’, ‘સાસરે સાઅ નહીંને પીઅરમાં માઅ નહીં’, ‘હાથમાં માળાને હઈડામાં લાળા’ જેવી બેપદની કહેવતો જોવા મળે છે.

ત્રીજા પ્રકરણમાં ચારપદની કહેવતો આપી છે જેમાં ‘પીપલ પાન ખરંત હસતી કુંપલીઆ, અમ વીતાં તમ વીતશો ધીરાં બાપડીઆં’, ‘વાતે રીઝે વાંણીઓ રાગે રીઝે રજપૂત બ્રાહ્મ રીઝે લાડવે ડાકલે રીઝે ભૂત’, ‘ખણેગા સોપડેગા, તુમ ફીકર ન રાખો ભાઈ, ચિઠી આપી બ્રાહ્મણને, અને ગધે ચડા ભાઈ’, ‘દેવગઆ દુવારકાં, પીર ગયા મકે, ફીરંગીના રાજમાં, ઢેડ મારે ધકે’ જેવી કહેવતો જોવા મળે છે.

‘કથનસપ્તસતી’ એ એલેક્ઝાન્ડર કિન્લોક ફોર્બ્સની પ્રેરણાનું પરિણામ છે. તેમના કહેવાથી દલપતરામે વર્નાક્યુલર સોસાયટી માટે આ કહેવતો ભેગી કરી હતી. દલપતરામ અને ફોર્બ્સની મૈત્રી ગુજરાતી સાહિત્ય અને સમાજ માટે પૂર્વ-પશ્ચિમના સમન્વયનું પરિબળ બની રહે છે. ઈ.સ. ૧૮૪૮માં ફાર્બ્સ ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ની સ્થાપના કરે છે. ઈ.સ. ૧૮૫૫માં દલપતરામ આ સોસાયટી અને તેના સામયિક ‘બુદ્ધિપ્રકાશ’ની જવાબદારી સ્વીકારે છે. આ સમયગાળામાં તેમની પાસેથી ‘બુદ્ધિપ્રકાશ’માં જુદા જુદા વિષયોને લગતા લેખો મળે છે.

હસિત બૂચ કહે છે કે, “કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈનું ગદ્યલખાણ ફોર્બ્સની પ્રેરણાથી ઉદભવ્યું છે એનું નિરંતરપણું તથા વિપુલપણું ‘બુદ્ધિપ્રકાશ’ના સંચાલનને મહદંશે આભારી ગણી શકાય”.૧

ઈ.સ. ૧૮૬૦ના મેના અંકમાં દલપતરામ સંપાદિત ‘હુંકારે તો નહીં, વેહેવારે સમજાવું હોય તો આવો’ લોકકથા મળે છે. આ લોકકથામાં ગોવાળ, વાણિયો, ગુમસ્તો અને વાઘની વાત કરવામાં આવી છે. કથાને અંતે દલપતરામ સાર આપે છે કે આપણી સાથે કોઈ વ્યવહારથી વાત કરે ત્યાં સુધી કરવી પણ એવું લાગે કે હવે વિખવાદ થશે ઝેર ઉપજશે, માઠું લાગશે તે પોતાની હઠ નહીં છોડે ત્યારે વાત લાંબી ચલાવવી નહિ-તેમ કરવાથી હલકાં શબ્દો સાંભળવા પડે વેર બંધાય-તે જગ્યાએ માફી માગવી એ જ સારું છે. રાજાના કુંવરના ઉદાહરણ દ્વારા દલપતરામ આ વાતને સારી રીતે સમજાવે છે. બળિયા સાથે બાથ ભીડવામાં મજા નથી કારણ કે અંતે તો દોષનો ટોપલો આપણાં પર જ ઢોળાય અને નુકસાન આપણે જ વેઠવું પડે તેથી ઘણીવાર તેની હા-માં હા મિલાવવી, નમતું જોખવું એ જ સારું છે. આ વાતના સમર્થન માટે તેઓ નીચેનો દોહો ટાંકે છે :
“સભાસોહંતુ બોલિએ જેમ રિઝંતો રાજ,
કીડીયે કુંજર ગળ્યો, તો પણ કહિએ હાજ”.૨

ઈ.સ. ૧૮૬૦ના જૂનના છઠ્ઠા અંકમાં ‘લપોડશંખલાખ: તો કહે લેને સવાલાખ’ નામની કથા આપે છે તેમાં એક માણસ અને જોગી જેવા સજીવ પાત્રોની સાથે શંખલી અને લપોડશંખ જેવા નિર્જીવ પાત્રો આવે છે. આ કથામાં માણસની લોભવૃત્તિથી આવતાં માઠાં પરિણામ અને લાલચના કારણે પોતાની પાસે રહેલ વસ્તુ પણ ગુમાવવી પડે છે તેની વાત કરી છે. અહીં ‘લોભીમાં ધુતારા જીવે’ એ કહેવત સાર્થક થતી લાગે છે. લપોડશંખ પોતે સંસ્કૃત શ્લોક બોલે છે :
“शंखिनी कांचन दध्यादहं शंखोलपोडक:
वदामि बहुधनस्मान्नप्राप्तोतिकपर्दिकाम॥“૩
અર્થ: ‘શંખલી સોનું આપે પણ હું તો લપોડશંખ છું તે ઘણું ઘણું બોલું ખરો પણ તેમાંથી એકે કોડી કોઈ પામે નહિ.’

સમાજમાં ઘણા લોકો લપોડશંખ જેવા હોય છે જે માત્ર સલાહ જ આપ્યા કરે છે. પણ ખરા સમયે મદદ કરતા નથી. આવા લોકોથી ચેતીને તેમનાથી દૂર રહેવું તથા જે મળ્યું છે તેમાં જ સુખી થવું, વધુ લોભ કરવાથી અંતે પસ્તાવાનો વારો આવે છે એવો સાર કથાના અંતે મળે છે. આ રીતે લોભિયાવૃત્તિ પર કટાક્ષ કરતી લોકકથા દલપતરામ આપે છે.

આ લોકકથાઓ ઉપરાંત દલપતરામે ‘બુદ્ધિપ્રકાશ’ના જૂન ૧૮૬૦ના છઠ્ઠા અને ઑગષ્ટના આઠમાં અંકમાં ‘શ્રીમાળી બ્રાહ્મણના કળેવા’ નામનો જ્ઞાતિવિષયક લેખ આપ્યો છે. આ લેખમાં જ્ઞાતિવિષયક પરંપરાને તથા રીતરિવાજોને સમજાવી તેની અસલ માહિતી મૂકી આપી છે. કળેવાની શરૂઆતથી માંડીને છેક પરણવા સુધીની માહિતી જોવા મળે છે. અહીં વેવાણના વખાણ કરતું ગીત ઉદાહરણ રૂપે મૂક્યું છે. તેમાં લોકગીતોના અંશોની સાથે મારવાડી શબ્દો પણ જોવા મળે છે :
“જેમ ભિંનમાળ સમાન શહેર બિજુ નથી,
દક્ષિણાવર્ત શંખ સમાન બીજો શંખ નથી,
જાયના ફલ સમાન બીજું ફલ નથી,
ગંગાજળ સમાન બીજું જળ નથી,
તેમ અમારી વેવાણ જેવું બીજું કોઈ નથી.”૪

‘બુદ્ધિપ્રકાશ’ ઈ.સ. ૧૮૬૦ના ઑગષ્ટના અંકમાં દલપતરામ ‘ભવાયાની ઉત્પત્તિ’ની કથા આરંભે છે. આ લેખમાં તેઓ અસૈત(અસાઇત) નામના બ્રાહ્મણની વાત કરે છે. તેમાં અસાઇતને નાત બહાર મૂકાયાની કથા તથા અસાઇતને અંબાભવાનીએ સપનામાં આવીને વેશ કાઢવાની મંજૂરી આપતી કથા -એમ બે કથા દલપતરામ આપે છે. સપ્ટેમ્બરના અંકમાં આ કથાને દલપતરામ આગળ ધપાવે છે તેઓ આ લેખમાં વહીવંચાની સાથે સાથે ભાટ તરગાળાની કથા પણ આપે છે. આગળ તેઓ જણાવે છે કે, ‘ઔદિચ્ય ટોળકિયા બ્રાહ્મણ નાતમાંથી એક નાત જુદી પડી અને મહેમદ બેગડાની આગળ એકવાર ભવાઈ કરી તેથી તેઓ નાત બહાર મૂકાયા અને કોળી ભવાયા કહેવાયા.’ આ રીતે દલપતરામ આ અંકમાં ભવાયાની ઉત્પત્તિકથાને કોળી ભવાયાની ઉત્પત્તિ સુધી લઈ જઈને સમાપ્ત કરે છે.

‘ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગો અને વાર્તાઓ’ એ દલપતરામે ‘રાસમાળા’ અર્થે ગઢવીઓ બારોટો કે વહીવંચાઓ વગેરે પાસેથી સાંભળેલી ગુજરાતના રજપૂત રાજકુળોની કથાઓનો પોતે કરેલો સંગ્રહ છે. આ પુસ્તક અને ‘રાસમાળા’ની સામગ્રી લગભગ સરખી છે તેથી દલપતરામે તેને ‘ગૂજરાતી રાસમાળા’ કહી છે. તેઓ લખે છે કે, ‘‘આ કૃતિ વાંચવાથી ઇતિહાસનું જ્ઞાન થશે’ ઉપરાંત તેમણે લખ્યું છે કે, ‘આ પુસ્તક વાંચીને આજના રાજ સાથે તે વાર્તા મેળવી જોશે તો ઘણો ફેર જણાશે. આ પુસ્તકમાં મે મારા વિચાર પ્રગટ કર્યા નથી. કારણ કે તે સાહેબની તેવી મરજી નહોતી.’’૫

દલપતરામે આ પુસ્તકને બે વિભાગમાં વિભાજિત કર્યું છે. પહેલા વિભાગમાં કુલ ૧૮ પ્રકરણ છે તેમાં ‘મકવાણાઓ સંબંધી કંઇક’, ‘વરસોડા માણસાના ચાવડાની ખ્યાત’, ‘ધંધુકાના વાલમ બ્રાહ્મણો’, ‘પાટડીના દેશાઈની ખ્યાત’, ‘ઈડરની હકીકત’, ‘વિરામદેવ ચરિત’, ‘રાવ પૂંજોજી અને ઈડર’, ‘મુટેડીના ચકુવાણનો ઇતિહાસ’, ‘મઉના સાંવત ગોપાળદાસજી, દાંતાના રાણાજીનો ઇતિહાસ’, ‘રાણા વાઘ, રાણા ભરમલજી, જેટમલજી,’ ‘રાણા પૂંજોજી, ગજસંઘજી, પૃથ્વીસંઘજી,’ ‘સુદાસણાના ઠાકોરનો ઇતિહાસ’ વગેરે લેખો પ્રથમ ભાગમાં જોવા મળે છે. આ વિભાગને ‘ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગ’ એવું શીર્ષક આપ્યું છે. આ સામગ્રી અંગે કવિ જણાવે છે કે, ‘કેટલાએક પ્રકરણો વ્રજભાષામાં કે મારવાડી, અથવા ચારણી, શુદ્ધ કે અશુદ્ધ ભાષામાં છે, તે અસલ પ્રમાણે શાસ્ત્રી અક્ષરોથી લખીને તેનો ગુજરાતીમાં અર્થ તેની જોડે લખેલો છે.”૬

‘મકવાણાઓ સંબધી કંઇક’માં ‘મેથાણના મકવાણા’એ ઝૂલણા પ્રકારનું ગીત અને ભાવાર્થ આપ્યા છે. આ પ્રકરણની માહિતી લખાવનાર માળવાનાં રામપરા શહેર પાસે વસોઈ ગામનો બારોટ ઓંકારજી ભેરવદાસ તથા તેના ભત્રીજા મોડજી જગરૂપજી છે એમ દલપતરામ જણાવે છે. ‘પાટડીના દેસાઈની ખ્યાત’ તેમણે વડોદરાના બારોટ ગલબસંઘ(ગુલાબસિંગ) તથા વીરમગામના દેસાઈ કુબેરજી બાપુજીએ લખાવી છે. તેમાનું ગીત જોઈએ :
“तरां वाखरां साजीये साखवाणां तणां दीनदारां घरां बांध दावा;
ढिम गोधागरा नाखीया ठाकरे भाईरे भाई देशाई भावा”- १
અર્થ: ભલાભાઈ દેશાઈ, તે બખતર પાખર સજીને બાણનો માર કર્યો અને મુસલમાનોની જમીન સાથે દાવો બાંધ્યો અને જોધપુરના રજપુતોને ઘસવી નાંખ્યા -૧

“ गुड उड़त निशांण नाणां गजे, शीशू लाजे बजे राग सिंधु,
बप हो बाप ऊजारा जवारिया हाखे सारिया मार हिंदू”-२
અર્થ: વાવટા ઉડે, નિશાન અને નાળો ગાજે, કંઇકનાં માથાં ભાંગે અને સિંધુ રાગ વાગે. ઓ લડવૈયા બાપ! તારા ઓવરણાં લઉં તે હિંદુને મારીને ઠામ બેસાર્યા -૨૭

‘વિરમદેવચરિત’માં વ્રજભાષાની પંક્તિઓ તથા ચારણોના સોરાઠા જોવા મળે છે. કુલ ૨૫ જેટલા પાનામાં ‘વિરમદેવનું ચરિત’ આપ્યું છે તેમાં ડુંગરપુરની લડાઈમાં દરવાજા તૂટ્યા તેનું વર્ણન કરતી પંક્તિ જોઈએ :
“खग पाखरे कडियाळ खळके, जोरावर जोधे
आज को गरपरां ऊपर, वहे विरमदे;
धवे त्र्यंबक नाळ धडहड, सत नारियां सकज्ज,
आवियो पांत्रिश ऊपर, धीर शूर कमधज्ज;
मार मंडप पाड मेहेलां, लोल कीरत ले,
जीतरा वजडावी जांगी, वळ्यो विरमदे.-१
અર્થ: જોરાવર જોધાજીના વંશના એ તલવાર અને કડીઓવાળી પાખરો ખખડવી અને તે વિરમદેજી, આજ ડુંગરપુર ઉપર ચાલે છે; ત્રંબાળુ ધમકે છે, નાળોના ધડાકા થાય છે અને સત્યરૂપી રાણીને વાસ્તે પાંત્રીશ ગાઉ ઉપર ધીરજવાળો રાઠોડ બહાદુર આવ્યો. માંડવો તોડીને મહેલ પાડીને ચંચળ કીર્તિ લીધી, અને જિતના ઢોલ વગાડીને વિરમદે પાછો આવ્યો.૮

આ વિભાગના લેખોમાં સોરાઠા અને જુદાજુદા પ્રકારના ગીતો જોવા મળે છે. વ્રજભાષાના ગીતો વધુ પ્રમાણમાં મળે છે. તેમજ જુદાજુદા રાજાઓની વંશાવલીઓ પણ આકૃતિ દ્વારા દર્શાવી છે. ‘રાણા પૂંજોજી, રાણા ગજસંઘજી અને રાણા પૃથીસંઘજી’માં પ્રશસ્તિ મળે છે રાણા ગજસંઘજી સંવત ૧૭૪૩ની સાલમાં ગુજર્યા, તેની છત્રી બાગ બહાર ગામની પછવાડે છે તેની પ્રશસ્તિ છે. તેનું ઉદાહરણ જોઈએ :
“ संवत १७४३ वरषे माक्षर सुदी नाम रवौए राणा-
श्री गजसंघजी वैकुंठ पधार्या वांसे सती ३ वली ते सती-
ओनुं नाम वहौजी श्री राठीम वारेचणी अणंदकुंवर,
वहौजी श्री वाधेली रूपाली अणंदकुंवर, वहौजी श्री भयांणी
जेसलमेरी अनोपकुंवर ए सतो त्रण थइ. त्यारे वांसे
राणाश्री गजसंघजीनी छत्री करावी. ॥“૯

એ છત્રી ૪ થંભની છે. પાળિયામાં સવાર ૧ અને સ્ત્રીઓ ત્રણ ઊભી છે.

બીજા વિભાગમાં ‘વાર્તાપ્રસંગો’ એવા શીર્ષક હેઠળ કુલ ૨૫ પ્રકરણોમાં વાર્તાઓ આપી છે તેમાં ‘કચ્છના રાવ લાખા ફૂલણી’, ‘વહોરાઓની જકાત’, ‘ચંદ્રસિંહજીનું ચરિત્ર’, ‘અમદાવાદ વસ્યાની વાત’, ‘રાણપુરની હકીકત’, ‘ધોળકાના કસ્બાતીની વાત’, ‘સેજકજીને માથે હોલો’, ‘એભળવાલાની વાત’, ‘શધરા જેસંગના કમઠાણો’, ‘કુમારપાળ અને રતનકુંવરી’, ‘રા’ખેંગારની વાત’, ‘માંડવરાદેવની વાત’, ‘કેસર મકવાણો’, ‘વરહો અને જેતો’ વગેરે વાર્તાપ્રસંગો છે. આમાંની કેટલીક વાર્તાઓમાં એક જ વાર્તા બે-ત્રણ જણ પાસેથી મળતાં દલપતરામે તેને એકત્રરૂપે પણ આપી છે. ‘વહોરાઓની જકાત વિશે’ કથા લખાવનાર મુલ્લાં તૈયબઅલી છે. આ કથામાં અર્બસ્તાનની તથા મુસલમાનોના ૭૨ નાતોની વાત કરી છે. તેમનો ચોવીસમો ગાદીપતી યુસુફ કેવી રીતે ગુજરાતનાં સિદ્ધપુરમાં આવ્યો અને ગાદીએ બેઠો, તેના પછીના ગાદીપતિઓએ ગુજરાતનાં જુદાજુદા સ્થળોએ કરાવેલા બાંધકામ, ખંભાતમાં હિન્દુ અને મુસલમાનો વચ્ચે થયેલ કરાર, હિન્દુઓની હાર થતાં સવામણ જનોઈ ઉતાર્યાની વાત વગેરે પ્રસંગો આ કથામાં આવે છે. ‘વઢવાણ ને હળવદના રાજાની ચઢાઈ’માં વાંકાનેર, ધ્રાંગધ્રા, કોટા, સિમલા, ચૂડા, થાન-લખતરની વંશાવલીની વાત કરી છે. આ કથામાં લડાઈની કવિતા છંદ જમાલમાં આપી છે, તેનું ઉદાહરણ નીચે આપ્યું છે :
“પૂગી ઘા પેથલ અગે, વ્યોમ વગો વઢવાણ;
ચોવળિયા કેકાણ ચઢી, નોગળીયા નિશાણ;
નોગળીયા નીશાણ, દદામા દડ દડે;
પડે ત્રંબાળા ઠોર, અઠે દશ ઉપડે;
કૌરવ પાંડવ જામ, લોહભડ કોપિયા;
રાજપથે જઈ પ્રથમ, કલહરા રોપિયા.”૧૦

આ કવિતા ઉપરાંત પેથાભાઈની તારીફના ઝૂલણા છંદ, દોહો સલોકો અને હરભમજીએ કાઠીયાવાડ ઉપર ચઢાઈ કરી તેનો સલોકો ૩૨ પંક્તિઓમાં આપ્યો છે. ‘મૂળીના પરમારોની ખ્યાત’, ‘રાણપુરની હકીકત’, ‘ધોળકાના કસ્બાતીની વાત’ વગેરે કથાઓમાં જુદીજુદી લડાઈઓની વાત કરવામાં આવી છે. ‘ગોહિલ વંશ વિશે કંઇક’ કથામાં ગોહિલની આખી વંશાવલી જોવા મળે છે. આ કથા ‘ધ ઇન્ડિયન એન્ટિક્વેરી’ સામયિકમાં જેમ્સ બર્ગેસે અંગ્રેજીમાં છાપી છે. ‘શધરા જેસંગના કમઠાણો’ કથામાં શધરા(સિદ્ધરાજ)ની વાત છે. તેમણે બંધાવેલા બાંધકામોને આ કથામાં ખૂબ જ સારી રીતે વણી લીધાં છે, ઉ.દા. જુઓ-
‘તેમણે સાત હજાર બશે ને ચોવીસ વાવ કરવી. ધરતી ઉપર પાંચ હજાર તલાવ કરાવ્યાં. તેમાં બસે બંધાર તલાવ કરાવ્યાં. તેમાં શેશલંગ(સહસ્ત્રલિંગ) તલાવ કરાવ્યું, પાટણમાં સંવત ૧૧૫૨ના વરખે ચઇતર સુદ ભરણી નક્ષત્ર ભરણ.

કવિત્ત:- સંવત શંકરવીર* ચૈત્ર સુદ લાગી આચાર ભરણી નક્ષત્ર ભરણ શુભકર વાર શનિવાર દેસોત દંડે સાત, ટકા કોડ પાંત્રીસે સીડી પથર પચાસ, પલ ઓગણપચાશે. તારા ઘેર ભાગી તરસ સૂણધરા ગુજરધણી શેરલીંગ સરોવર સરસ શી શોભા વખાવખાણૂ તે તણી.’(*-શંકર= ૧૧ અને વીર=૫૨ =૧૧૫૨ બાવનવીર અને અગીઆર રુદ્ર કહેવાય છે.)૧૧

આ કવિત્તમાં તેમણે સહસ્ત્રલિંગ તળાવની વિગતો ખૂબ જ સારી રીતે આપી છે. આ ઉપરાંત રાણકી વાવ, વડનગરનું તળાવ, પાટણનું તળાવ, ધોળકાની વાવ, સાઠદેરીનું વીરમગામનું મુનસર તળાવ, ડભોઈનો ગઢ, જસદણ નામનો ગઢ, ધાંધપરનો ગઢ, શરૂવા ગઢ, સાયલા ગઢ, આણંદપુર, વીરપુર, ભડલી, સેજકપુર, વઢવાણ, જેતલપુર વગેરેના ગઢ તથા શિહોરનો ભરમકંડ(બ્રહ્મકુંડ) વગેરે બાંધકામોની વાત આ કથામાં કરવામાં આવી છે. તેમજ સમયની સાથે આ બધા ગઢ અને વાવ કેવી રીતે નાશ પામતા ગયા તેનો ખ્યાલ પણ આ કથામાંથી મળી રહે છે. અન્ય કથાઓમાં પણ યુદ્ધના વર્ણનો તથા નાત કે રાજાઓના ચરિત્ર, તેમના ગુણગાન કે તેમણે કરેલા કામો દુહા, કવિત્ત વગેરેમાં જોવા મળે છે. આ પુસ્તકમાં યુદ્ધના કથાવસ્તુવાળા પ્રસંગો અને વાર્તાઓ વધુ મળે છે. જૂના સમયના ગુજરાતની સ્થિતિ, તેનું સમજદર્શન, તે સમયના બાંધકામો તથા તે સમયના સાહિત્યનો ખ્યાલ મળે છે. જગદેવ પરમાર, કેશર રાસાનો સાર વગેરે ખૂબ લંબાણવાળા પ્રસંગો હોઈ અને ગ્રંથનું કદ વધી જતાં તેને પડતા મૂક્યા છે એમ પ્રસ્તાવના પરથી જાણી શકાય છે. આ સંદર્ભે હસિત બૂચની વાત નોંધવા જેવી છે, “આપણા પ્રાંતનું એ સમયનું વાતાવરણ, લોકવાણી-લોકવિચાર અને લોકાચારનું અનુભવયુક્ત દિગ્દર્શન એ ગદ્યલખાણોમાંથી આપણને આજે પ્રાપ્ત થઈ શકે તેમ છે. ફોર્બ્સ કે કેમ્પબેલ જેવા જિજ્ઞાસુ પરદેશીઓ જ નહીં, ઇત્તર પ્રાંતના સુધારકો જ નહીં, ગુજરાતનાં આધુનિક સમાજને પણ એમાંથી તળગુજરાતના સમજવાના ઘણા અંકોડાઓ મળી શકે છે.”૧૨

દલપતરામની મર્યાદા એ ગણી શકાય કે ‘કથનસપ્તસતી’ની કહેવતો અને ‘બુદ્ધિપ્રકાશ’ના લેખ તેમણે કોની પાસેથી મેળવ્યા તેની વિગતો તથા માહિતીદાતાઓના નામ આપતા નથી. તેમ છતાં તેઓ એક સારા કવિ, નિબંધકાર અને નાટ્યકારની સાથે સાથે સારા સંશોધક પણ છે તેનો ખ્યાલ તેમના આ સંશોધન-સંપાદન પરથી આવે છે. તેમજ તેમનું ગુજરાતી ભાષા ઉપરાંત સંસ્કૃત, વ્રજભાષા તથા અંગ્રેજી ભાષા ઉપર પણ સારું પ્રભુત્વ હતું તેનો પરિચય થાય છે. આ પ્રકારની સામગ્રીથી ઓગણીસમી સદીના ગુજરાતના લોકસાહિત્ય, ભાષા, સમાજ જીવન વગેરેનો ખ્યાલ આવે છે.

|| પાદટીપ ||

 1. બૂચ હસિત, ‘દલપતરામ : એક અધ્યયન’, પૃષ્ઠ-૮૦-૮૧
 2. દલપતરામ ‘બુદ્ધિપ્રકાશ’, ઈ. સ. ૧૮૬૦, અંક ૫-(મે), પૃષ્ઠ-૧૦૨
 3. એજન, અંક ૬-(જૂન), પૃષ્ઠ-૧૨૩
 4. એજન, અંક ૬-(જૂન), પૃષ્ઠ-૧૨૯
 5. બૂચ હસિત, ‘દલપતરામ : એક અધ્યયન’, પૃષ્ઠ-૧૧૯.
 6. દલપતરામ, ‘ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગો અને વાર્તાઓ’, પૃષ્ઠ-૯.
 7. એજન, પૃષ્ઠ-૨૯
 8. એજન, પૃષ્ઠ-૫૩
 9. એજન, પૃષ્ઠ-૨૨૫
 10. એજન, પૃષ્ઠ-૨૮૩
 11. એજન, પૃષ્ઠ-૩૨૬
 12. બૂચ હસિત, ‘દલપતરામ : એક અધ્યયન’, પૃષ્ઠ-૮૨

ગાયત્રી આર. વસાવા, શોધછાત્રા, પીએચ.ડી. અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર.