Download this page in

મહાત્મા ગાંધીજીના મતે શિક્ષણ

સારાંશ: ગાંધીજીનાં શિક્ષણને બાળકના આધ્યાત્મિક, સામાજિક વિકાસ, સ્વની શોધ, જીવનના અનુભવો જેવી પાયાની બાબતો સાથે સાંકળતા હતા. તેઓ સ્વાવલંબી કેળવણી ઈચ્છતા કે જેમાં કેળવણી દ્વારા વ્યક્તિના ત્રણ મૂળભૂત આર્થિક પ્રશ્નો રોજી, રોટી, કપડાં દૂર થાય. ગાંધીજી અક્ષરજ્ઞાન કરતાં સંસ્કારની કેળવણીને વધારે મહત્વ આપતા હતા. તેઓ કહેતા કે સંસ્કારીતા એ તો પાયાની વસ્તુ છે. શિક્ષણ અંગે ગાંધીજી કહેતા કે, “બાળકના શરીર, મન અને આત્માના જે ઉત્તમ અંશો હોય તેમનો સર્વાંગી વિકાસ સાથીને તેમને બહાર લાવવા.” ટૂંકમાં, ગાંધીજીના મતે શિક્ષણએ બાળકના સર્વાંગી વિકાસ માટેની એક સંપૂર્ણ દ્રષ્ટિ છે.

*****

૨ જી ઓક્ટોબર એટલે “ગાંધી જયંતિ” તરીકે ઊજવીએ છીએ. આ તારીખ સરકારી ચોપડે નોંધાયેલી તારીખ છે. પરંતુ ગાંધીજી ‘રેંટિયા બારસ’ ને પોતાનો ખરો જન્મદિવસ માનતા હતા. કારણકે તિથિ મુજબ ૧૮૬૯ની બીજી ઓક્ટોબર ભાદરવા બારસ હતી જે પાછળથી ‘રેંટિયા બારસ’ તરીકે ઓળખવાની શરુઆત થઈ હતી. ઇ.સ. ૧૯૧૫માં આફ્રિકાથી પરત ફર્યા પછી તેમણે ભારતમાં ૩૩ જન્મ દિવસ પસાર કર્યા. ઉજવણીના બદલે કેટલાય જન્મ દિવસોએ તેમણે સામુહિક ખાદી-કાંતવા જેવી કવાયતો કરી હતી, તો વળી ૩૩માંથી ૬ જન્મ દિવસે તેઓ જેલમાં હતા. ચાર જન્મ દિવસ પરવડા જેલમાં અને બે પૂનાના અગાખાન પેલેસમાં નજરકેદ સ્વરૂપે પસાર થયા હતા.

બરાબર ૧૦૦ વર્ષ પહેલા ૧૯૧૮માં વર્ષગાંઢના દિવસેજ તેમની તબિયત બગડી જતાં અંતકાળ નજીક આવી ગયો છે એમ માની બધા આશ્રમવાસીઓને એકઠા કરી લેવાયા હતાં. ઇ.સ. ૧૯૧૯ નો જન્મ દિવસ તેમનો સુવર્ણમહોત્સવ (૪૦ વર્ષ) હતા. ઇ.સ. ૧૯૪૪ના જન્મદિવસે ઘણા સુભેચ્છા સંદેશ આવ્યા હતા. કેમકે ત્યાં સુધી તેઓ જગવિખ્યાત થઇ ચૂક્યા હતાં. સંદેશા મોકલનારાઓમાં સાહિત્યકાર જ્યોર્જ બર્નાર્ડ શો પણ સામેલ હતા.

તરૂણાવસ્થા સુધી ગાંધી એક્દમ સામાન્ય વિધાર્થી હતા. તેમેણે સરુઆતનો અભ્યાસ પોરબંદર અને પછી રાજકોટમાં કર્યો હતો. ત્યારબાદ કુટુંબીઓની ઈચ્છા બેરિસ્ટર બને તેવી હતી. આથી તેઓ આગામી અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયા.

મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપની નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં કહીએ તો આ ચળવળએ એક સત્યાગ્રહ હતો. અને આખરે તેમણે સફળતા મેળવી અને એ સાબિત કરી બતાવ્યું. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ માનવ હતા. તેઓ મહાત્મા ગાંધીના નામે વિશ્વભરમાં જાણીતા થયેલા અને ભારતના રાષ્ટ્રપિતા તરીકે માન પામ્યા. એક રીસર્ચ એમ જણાવે છે કે, ૧૦ વર્ષથી ઊપરની દરેક વ્યક્તિ મહાત્મા ગાંધીને નામથી ઓળખે છે. તેમણે બ્રિટીશ રાજ પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નક્શા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યાં છે. અહિંસક સવિનય કાનૂનભંગનો જે ખ્યા તેમણે લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો તેના ઉપયોદ દ્વારા તેમણે બ્રિટીશ રાજ્યની હાકલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું.

આપણે જે પવિત્ર વ્યવસાય સાથે જેડાયા છીએ તે છે શિક્ષણ. તો આ અંગે ગાંધીજીના શું વિચારો હતાં તે જાણીએ. ગાંધીજી બુનિયાદી શિક્ષણમાં માનનારા હતાં અને બુનિયાદી શિક્ષણ અંગેનો વિચાર તેમણે ઇ.સ. ૧૯૩૭માં દેશ સમક્ષ મૂક્યો. તેઓ બુનિયાદી શિક્ષણને પોતાની જીવનની અમૂલ્ય ભેટ કહેતા વળી ‘સ્વાવલંબન’ એ તેમની કસોટી છે એમ પણ કહેતા હતા. મહાત્માઅ ગાંધીજીએ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે શિક્ષણની સાથે શ્રમને પણ મહત્વિ આપી વિદ્યાર્થીઓને સ્વાએવલંબી બનાવવાની હિમાયત કરી છે. ગાંધીજીના બુનિયાદી શિક્ષણના વિચારોને અનુરૂપ આપણે વિદ્યાર્થીઓને સ્વા-દ્યડતર - આત્મી નિર્માણનું શિક્ષણ આપવું પડશે.

નઈ તાલીમ દ્વારા ગાંધીજીએ સમાજના આર્થિક, સામાજીક અને સાંસ્કૃતિક ઉત્થાનનું લક્ષ્ય રાખ્યું હતું. નઈ તાલીમ એ શિક્ષણની કોઈ પધ્ધતિ નહિં પણ પ્રણાલી છે તેવું તે માનતા હતા. શિક્ષણ અંગે ગાંધીજી કહેતા કે, “બાળકના શરીર, મન અને આત્માના જે ઉત્તમ અંશો હોય તેમનો સર્વાંગી વિકાસ સાથીને તેમને બહાર લાવવા.”

ગાંધીજીના શબ્દોમાં કહીએ તો નઈ તાલીમ અક્ષરશઃ જિંદગી માટેની તાલીમ છે. તેઓ સ્વાવલંબી કેળવણી ઈચ્છતા કે જેમાં કેળવણી દ્વારા વ્યક્તિના ત્રણ મૂળભૂત આર્થિક પ્રશ્નો રોજી, રોટી, કપડાં દૂર થાય. ગાંધીજી અક્ષરજ્ઞાન કરતાં સંસ્કારની કેળવણીને વધારે મહત્વ આપતા હતા. તેઓ કહેતા કે સંસ્કારીતા એ તો પાયાની વસ્તુ છે. તમે કેમ બેઢા છો? કેમ વાતો કરો છો? કેવી રીતે કપડાં પહેરો છો? તમારી નાનામાં નાની વિગત એ તમારી સંસ્કારિતા બતાવે છે. આપણા બોલવામાં, ઘરે આવેલા મહેમાનો સાથેના વર્તનમાં, એકબીજા સાથેના તેમજ શિક્ષક અને વડિલો સાથેના વર્તનમાં સંસ્કારિતા જાળવવી જોઈએ એમ તેઓ માનતા હતા. આથી અક્ષરજ્ઞાન કરતાં સંસ્કારીતાને વધારે મહત્વ આપતા.

ગાંધીજીના મતે શિક્ષણ નીચેના હેતુઓને કેન્દ્રમાં રાખે છે –

 • આધ્યાત્મિક વિકાસ માટે શિક્ષણ
 • સામાજિક વિકાસ માટે શિક્ષણ
 • સ્વશોધ માટે શિક્ષણ
 • જીવન અનુભવો માટે શિક્ષણ
 • સર્વોદય માટે શિક્ષણ
 • વ્યાવસાયિક શિક્ષણ

ગાંધીજીના મતે શિક્ષણમાં ચરિત્રના બંધારણમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ચરિત્ર એ પાયા સમાન છે. રેતી પર બાંધેલી ઇમારત પતન પામે છે જ્યારે મજબૂત પાયા પર બાંધવામાં આવેલી ઇમારત લાંબા સમય સુધી ચાલે છે. ગાંધીજી માને છે કે, શાળા એ ઘરનું વિસ્તૃત સ્વરૂપ હોવુ જોઈએ. અન્યદેશીય શિક્ષણ શિક્ષિતવર્ગ અને અન્યો વચ્ચે ખાડી પેદા કરે છે. ગાંધીજી જણાવે છે કે અંગ્રેજીને રાષ્ટ્રીય ભાષા બનવવી હિતાવહ નથી અને અને તેવુ બનવું જોઈએ નહીં. આમ ગાંધીજી રાષ્ટ્રીય ભાષાના જરૂરિયાતનો ઉલ્લેખ કરે છે.

આધ્યાત્મિક વિકાસ માટે ગાંધીજીએ અહિંસા (પુન:અર્થઘટન ‘પ્રેમ’ તરીકે), સ્વ, લાગણીનો સ્વીકાર, પ્રાથનાનું શિક્ષણ વગેરે બાબતો પર ભાર મૂક્યો છે. સામાજિકતા અને સર્વોદયનાં વિકાસ માટે ગાંધીજી કહે છે કે શિક્ષણ દેશની જરૂરિયાતોને પૂરી કરનર હોવું જોઈએ. દેશ અને દેશની જરૂરિયાતોથી પરિચિત હોવાથી ગાંધીજી મફત અને હસ્તકળા કેન્દ્રિત શિક્ષણની હિમાયત કરે છે. કારણ કે ભારતના ગામડાઓનાં ગરીબ લોકો શિક્ષણ માટે નાણા ચૂકવી શકે તેમ નથી. માટે તેમના માટે હસ્તકલાનાં શિક્ષણ દ્વારા રોજીરોટી મેળવવાની તક ઊભી કરી શકે તેવા શિક્ષણને મહત્વનું વધારે છે. આથી ગાંધીજીની સામાજિક ફિલસુફી ‘સર્વોદય’ તરીકે પણ ઓળખાય છે. જેમાં વ્યક્તિગ વિકાસ દ્વારા સર્વના વિકાસની બાબતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને જાતિ, પંથ, જ્ઞાતિ અને રાષ્ટ્રીયતાના ભેદભાવ વિનાના સર્વાંગી વિકાસનો ધ્યેય રાખવામાં આવેલ છે. સર્વોદય દ્વારા સામાજિક અનિષ્ટોનું રાજકીય, આર્થિક સામાજિક રીતે વિકેન્દ્રીકરણ કરવાની જરૂર છે.

વિવેકાનંદની જેમ ગાંધીજી પણ ચારિત્ર્ય નિર્માણ અને માનવ કૌશલ્યોને એક સમાન મહત્વ આપે છે. જીવન અનુભવોના શિક્ષણ માટે ગાંધીજી પાયાના શિક્ષણ અને વ્યાવસાયિક શિક્ષણને પ્રાધાન્ય આપે છે. શિક્ષણ મેળવ્યા બાદ બાળક પોતાની જાતને સ્વનિર્ભર બનાવી શકે તે માટે ગાંધીજી નીચેની બાબતોને ધ્યાનમાં લે છે. કાર્યશિક્ષણમાં કાંતવું, સુથારીકામ, ખેતી, બાગાયત જેવા વિવિધ ગ્રામીણ કૌશલ્યોને મહત્વના ગણાવ્યા છે. વ્યક્તિગત અને સામાજિક જરૂરિયાતો આધારિત, સ્થાનિક જરૂરિયાતો આધારિત, સ્થાનિક પરિસ્થિતિ આધારિત, બાળકના રસ, રુચિ અને વલણ આધારિત, બિનખર્ચાળ અને સાદગી આધારિત અને બાળકોના સર્વાંગી વિકાસ આધારિત કાર્યશિક્ષણ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત પણ હતું. પોતાના જીવનનિર્વાહ માટેના શિક્ષણના હિમાયતી ગાંધીજી શિક્ષણના માધ્યમ તરીકે તો માતૃભાષાને મહત્વની ગણે છે. ગાંધીજીને મન માતૃભાષા એ માતાનાં ધાવણ સમાન છે, જે બાળકનું જીવનપોષણ કરે છે. ગાંધીજી એ ભારતની બેરોજગારીને ધ્યાનમાં રાખીને વ્યાવસાયિક શિક્ષણ મહત્વ આપ્યું છે. તેઓ કહે છે, “ચૌદ વર્ષની ઉમરે પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ દરેક બાળક પોતાના ઘર માટે એક કમાઉ એકમ બની રહેવો જોઈએ... જે આગળ જતાં તેમની હીન ભાવનાને ઘટાડે છે. અને આથી જ શિક્ષણ દરેકને રોજી મેળવવામાં મદદ કરનાર બની રહેવું જોઈએ જેથી બેરોજગારીની માત્રામાં ઘટાડો કરી શકાય.” ગાંધીજીના મતે શિક્ષણ એ બાળકના સર્વાંગી વિકાસ માટેની એક સંપૂર્ણ દ્રષ્ટિ છે.

શિક્ષણમાં પ્રયોગો:

ગાંધીજીના દક્ષિણ આફ્રિકામાં રોકાણ દરમિયાન શિક્ષણ સાથેના પ્રયોગો શરૂ કર્યા હતા. જોહ્ન રસ્કિનકૃત 'અનટુ અ લાસ્ટ'- ‘Unto This Last’ પુસ્તકે ગાંધીજી પર ગહન અસર કરી હતી. તેઓ બધાના ભલાના ખ્યાલથી ખૂબ પ્રભાવિત થયા હતા અને શ્રમજીવન એજ સાચુ જીવન છે એમ તેઓ માનતા હતા. ગાંધીજીએ પોતે તાલીમ મેળવી અને જુદા જુદા સમુદાયોના છોકરાઓ અને છોકરીઓને શિક્ષણ આપ્યું. તેમણે આ બાળકોમાં સાચા ચરિત્ર રચના માટે પ્રયોગો અને પ્રયત્નો કર્યા. અભ્યાસક્રમમાં ઇતિહાસ, અંકગણિત, ભૂગોળ અને સંસ્કૃત વિષયોનો સમાવેશ થતો હતો. તેમના આશ્રમ સ્વ-શિસ્ત અને ઉચ્ચ નૈતિક મૂલ્યોના નમૂનારૂપ મોડલ છે.

૧. ચંપારણની શાળાઓ
ચંપારણ અને તેની આસપાસના ગામડાંઓ, ઈન્ડિગો વાવેતરની જમીન, ગરીબી, અજ્ઞાનતા અને નિરાશાજનક સ્થિતિમાં હતી. ગામડાંઓ અસ્વસ્થ અને બિન-આરોગ્યપ્રદ પરિસ્થિતિમાં હતા. ગાંધીએ પ્રતિબદ્ધ કામદારોના જૂથ દ્વારા તેમને પરિવર્તિત કરવાના ભારે કાર્યો કર્યા હતા. તેમણે છ ગામોમાં પ્રાથમિક શાળાઓ ખોલી અને ભાષા અને ગણિતના શિક્ષણ ઉપરાંત આરોગ્ય, નૈતિક ટેવો અને સારી રીતભાતમાં પાઠ ભણાવવા શિક્ષકોને સૂચના આપી. ગ્રામીણ વિસ્તારોમાં ગાંધીજીના આ પ્રયત્નો શિક્ષણના સાચા હેતુના ઉદાહરણ તરીકે કામ કરે છે.

૨. રાષ્ટ્રીય શાળાઓ
ગાંધીની દ્રષ્ટિમાં રાષ્ટ્રીય શાળાઓ તે સ્વરાજની પ્રાપ્તિ માટેના સાધન તરીકે, સામ્રાજ્ય એકતા, ચરખાનો મહત્વ ફેલાવો અને અસ્પૃશ્યતાના શાપને નાબૂદ કરવામાં ઉપયોગી છે. ગાંધીજીએ પોતાની માતૃભાષામાં શિક્ષણ આપવા પર ભાર મૂક્યો, જેનાથી સમાજ પોતાના વિચારોને વાચા આપી શકે. તેમણે હાથે બનાવટ અને ઔદ્યોગિક તાલીમ પર ભાર મૂક્યો હતો, આમ 'એક બુદ્ધિશાળી અભિગમ, સાહિત્યના વાંચન કરતાં વિષેશ મહત્વ ધરાવે છે’. વર્ધા કોન્ફરન્સમાં ગાંધીજીની દરખાસ્ત રાષ્ટ્રીય મૂળભૂત શિક્ષણ પ્રણાલી માટેનું રૂપરેખા રજુ કરી હતી.

૩. ગૂજરાત વિદ્યાપીઠ
ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920 માં થઈ હતી અને તે છે ગાંધી દ્વારા કલ્પનામાં આવેલી એક રાષ્ટ્રીય યુનિવર્સિટીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ઉચ્ચ મૂલ્ય આધારિત શિક્ષણ સાથે, યુનિવર્સિટી ભારતીય વૈદિક સંસ્કૃતિ અને શિક્ષણનું કેન્દ્ર બન્યું, અને સ્વરાજ અને ભવિષ્યના રાષ્ટ્ર-નિર્માણના ભાગરૂપે વિદ્યાર્થીઓને સત્યાગ્રહ તરીકે પ્રોત્સાહન આપ્યું. ગાંધીજીએ પોતે વિદ્યાર્થીઓને તમામ ધર્મનો મહત્વ શીખવ્યું. ગાંધીજીએ રાષ્ટ્રવાદી વિચારોના પ્રતીક તરીકે યુનિવર્સિટીની કલ્પના કરી અને અન્ય યુનિવર્સિટીઓને વિદ્યાપીઠનું અનુકરણ કરવા માગતા હતા.

ઉપસંહાર:

ગાંધીજીના મતે શિક્ષણ એ માત્ર બાળકના સર્વાંગી વિકાસને જ કેન્દ્રમાં રાખતું નહોતું પરંતુ તેને મેળવ્યા બાદ તેને પોતાને સ્વનિર્ભર બની પોતાનું અને પોતાના પરિવારના ભરણપોષણમાં સહાયક બનવા માટે સક્ષમ બનાવનાર છે. બાળકમાં આત્મવિશ્વાસ અને આત્માસન્માનની ભાવનાનો વિકાસ કરનાર છે. જે આજના સાંપ્રત સમયમાં ખૂબ જ જરૂરી પુરવાર થાય તેમ છે. આમ કહી શકાય કે, શિક્ષણ એટલે અક્ષરજ્ઞાન નહીં પરંતું ચારીત્ર્યની ખિલવણી. શિક્ષણ દ્વારા સારા નાગરિકોનું નિર્માણ કરીને રાષ્ટ્રને વધુ ને વધુ શક્તિશાળી બનાવી શકાય છે.

સંદર્ભ :::

 1. ગાંધી, એમ. કે. (૧૯૯૭). મારા સત્યનાં પ્રયોગો, અમદાવાદ: નવજીવન પ્રકાશન મંદિર.
 2. શર્મા, ડૉ. આર. એન. (૧૯૯૭). ફિલોસોફી એન્ડ સોસીઓલોજી ઓફ એજ્યુકેશન. દિલ્હી: સુરજીત પબ્લિકેશન્સ.
 3. Retrieved from: www.gandhi-manibhavan.org/gandhiphilosophy/philosophy_ education_aspergandhi.htm (Access Date 15/11/2018)
 4. વરસાત, એ કે; પરમાર, સી એમ. મહાત્મા ગાંધીનું શિક્ષણદર્શન. KCG Journal of Education. 2012;3.
 5. eGyanKosh- Indira Gandhi National Open University: Unit-14 Gandhi’s views on Education (Available at http://egyankosh.ac.in/handle/123456789/33721)

કૃપલ મેકવાન, અધ્યાપક સહાયક, સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિર, નડિયાદ.