Download this page in

રાવજી પટેલની કવિતામાં ઇન્દ્રિયવ્યત્યય કલ્પનનો વિનિયોગ

ગુજરાતી સાહિત્યમાં ડૉ.સુરેશ જોશીના આગમન સાથે પ્રયોગશીલતાનો પાલવ ઓઢીને મુક્ત મને રાચતી ગુજરાતી કવિતા સંવેદના અને અભિવ્યક્તિનાં સંદર્ભે નવા-નવા ઉન્મેષો પ્રગટાવવા લાગી. છઠ્ઠા અને સાતમા દાયકાની કવિતામાં આધુનિકતાના રૂપે પ્રયોગશીલતા પ્રવેશી ચૂકી હતી. ‘આ ગાળા દરમિયાન એક એવા કવિ સર્જકનો ઉદય થયો, જેણે પરંપરાનું અનુકરણ પણ નહીં અને આધુનિકતાનાં પ્રવાહમાં તણાયા સિવાય પોતાની આગવી રીતે કવિતાની સંવેદના અને અભિવ્યક્તિને પ્રગટ કરી આપી.’1 અને એ કવિનું નામ છે રાવજી પટેલ. રાવજી પટેલનો જન્મ ૧૫મી નવેમ્બર ઈ.સ.૧૯૩૯માં ડાકોર નજીક આવેલ વલ્લવપુરા ગામમાં થયો હતો. પિતાનું નામ છોટાલાલ અને માતાનું નામ ચંચળબા. રાવજી પટેલે ઈ.સ. ૧૯૬૦ની આસ-પાસ લેખન સર્જન આરંભેલું. ૧૦મી ઓગષ્ટ ઈ.સ.૧૯૬૮માં તો એ એના અક્ષરદેહને મૂકીને અનંત યાત્રાએ ચાલ્યા જાય છે. તેમણે એક દાયકામાં કરેલું સાહિત્ય સર્જન ઘણુંજ મૂલ્યવાન છે. તેમની પાસેથી ‘અશ્રુઘર’(૧૯૬૫), ‘ઝંઝા’(૧૯૬૬) એમ બે નવલકથાઓ મળે છે. ‘વૃત્તિ’ તેમની અધૂરી નવલકથા છે. કેટલીક વાર્તાઓ પણ તેમની પાસેથી મળે છે જે મરણોત્તર પ્રકાશન ‘વૃત્તિ અને વાર્તા’(૧૯૭૭) નામે પ્રકાશિત થાય છે.

રાવજી પટેલ નખશિખ કવિ છે. તેઓએ કથાસાહિત્યમાં સારી સિદ્ધિ હાંસલ કરી છે, પણ ત્યાંય તેઓની ઓળખ તો કવિની જ રહે છે. ડૉ.શિરીષ પંચાલ લખે છે કે, ‘રાવજી એટલે વેદનાની સરહદ સુધી જીવતો સર્જક.’ રાવજી પટેલની કવિતાશક્તિનું એકત્રિત સ્વરૂપ તેઓના મરણ પછી અંદાજે ત્રણ વર્ષે ઈ.સ.૧૯૭૧માં પ્રાપ્ત થાય છે. ચંદ્રકાંત શેઠ, માધવ રામાનુજ, લાભશંકર ઠાકર વગેરના સૂચનો સ્વિકારીને શ્રી રઘુવીર ચૌધરીએ ‘અંગત’ નામથી કાવ્યસંગ્રહ પ્રકાશિત કર્યો. એની બીજી આવૃત્તિ નવેમ્બર ઈ.સ. ૧૯૮૨માં પ્રકાશિત થઈ, અને ઈ.સ.૧૯૯૦ના જૂન માહિનામાં પુનઃમુદ્રણ થયું. આ સંગ્રહમાં નાની મોટી મળીને અંદાજે ૧૨૯ જેટલી રચનાઓ સંગ્રહિત કરવામાં આવી છે. એમાં છંદોબદ્ધ ઊર્મિકાવ્યો છે, તો દીર્ઘ અછાંદસ ઊર્મિકાવ્યો પણ છે. છંદોબદ્ધ, અછાંદસ, ગીત, ગઝલ, હાઈકુ એમ નાના મોટા કાવ્યસ્વરૂપોમાં રાવજીની કવિપ્રતિભાનાં દર્શન થાય છે.

‘અંગત’ની કવિતાઓમાં કવિ આપણને સાંપ્રતથી અતીત અને અતિતથી સાંપ્રત તરફ સફર કરાવે છે. કવિ વર્તમાનની વ્યથાઓને ભૂલવા ભૂતકાળ તરફ દ્રષ્ટિ કરે છે, અને પોતાની વ્યથાઓ અને સંવેદનાઓને કવિતાના મધ્યમ દ્ધારા અભિવ્યક્ત કરે છે. ‘રાવજી પાસે એનું આગવું સંવેદન જગત હતું, જે એને નિજી જીવનનાં અભાવો તથા આર્થિક સંડામણજન્ય વેદનાઓ દ્ધારા પ્રાપ્ત થયું હતું. હતાશા કે એકલતા, સંબધોનું પોલાપણું કે માણસની સંકુચિતતા, પ્રેમની તીવ્ર તરસ કે વિચ્છેદની દાહક વેદના, કઠોરતા કે જડતાની સામે પ્રકૃતિનો નર્યો કોમળ વ્યવહાર, મૃત્યુની ભયજન્ય ટાઢાશ અને જિજીવિષા, જીવનમાં અર્થ અને પ્રેમ પામવાની ઝંખના સામે સ્નેહ સંદર્ભની પોકળતા કે નિર્થકતા- આ બધું જ રાવજીએ પોતાના જીવનપરિબળો વચ્ચે જોયું – અનુભવ્યું - વેઠયું અને સર્જનમાં અવતાર્યું છે.’2 રોમેરોમ જીવન અને મૃત્યું અનુભવ્યા છે, અને તેની વ્યથા-કથાને સહજ વેગથી તથા સૂઝપૂર્વકની શબ્દરચનાથી આલેખ્યાં છે. વૈવિધ્યસભર પ્રતિક કલ્પનોના વિનિયોગથી તેમની કવિતા ભાવાભિવ્યક્તિ પામતી જોવા મળે છે.

Imege માટે ગુજરાતીમાં ‘કલ્પન’ સંજ્ઞા રૂઢ થઈ ગઈ છે, તેના માટે પ્રતિરૂપ, બિંબ, ચિત્રકલ્પ, ભાવચિત્ર જેવી સંજ્ઞાઓ પણ વપરાય છે. ઇન્દ્રિયાનુભવથી જન્મતા સંવેદનનું માનસીરૂપ એટલે કલ્પન એવી એના વિશેની સમજ છે. અમૂર્ત વસ્તુને મૂર્ત રૂપે રજૂ કરવા કલ્પન વપરાતું જોવા મળે છે. ‘પોતાના અનુભવને તર્કની કે વાચ્યાર્થની ભાષામાં વ્યક્ત ન કરી શકાતો હોય ત્યારે સર્જક કલ્પનનો આશ્રય લેતો હોય છે, એટલે કલ્પન સર્જકના અનુભવને મૂર્ત કરનાર એક મહત્વની કાવ્યપ્રયુક્તિ છે.’3 કલ્પન ભાવને ઇન્દ્રિયગમ્ય જ નથી બનાવતું, એ કોઈ અમૂર્ત વિભાવનાને પણ વ્યક્ત કરે છે. ‘રાવજી સાવ સ્વાભાવિક રહીને કાવ્યસર્જન કરતો રહે છે એની કવિતાને લેબલ્સ લગાવ્યા વિના પંચેંદ્રિયોથી આસ્વાદવાની છે.’4 રાવજીની કવિતામાં ખેતર, શેઢો, સારસી વગેરે કલ્પનો નવીન અર્થસૃષ્ટિ લઈને આવતાં જોવા મળે છે. રાવજીની કવિતામાં ઇન્દ્રિયસંવેદ્ય કલ્પનો વિશેષ જોવા મળે છે.

‘મનુષ્યને કુલ અગિયાર જેટલી ઇન્દ્રિયો હોય છે, કાન, ત્વચા, આંખ, જીભ, નાક, વાચા, હાથ, ઉપષ્થ (લિંગ), ગુદા, પગ અને મન. આમાં પ્રથમ પાંચ ઇન્દ્રિયોને જ્ઞાનેન્દ્રિય તથા પછીની પાંચને કર્મેન્દ્રિય કહે છે. જ્યારે મનને ઉભયેન્દ્રિય (જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય) કહેલ છે.’5 કોઈ પણ વસ્તુ કે પદાર્થને આપણે વિવિધ ઈન્દ્રિયોથી વિવિધ રૂપે અનુભવતાં હોઈએ છીએ. એટલે આંખથી વસ્તુનો અનુભવ થાય તે દ્રશ્યકલ્પન. એમાં પણ રંગ, રેખા, આકાર, કદ, ગતિ એમ વિવિધ રીતે વસ્તુ દ્રશ્ય બનતી હોય છે. એ સિવાય કાન, નાક, જીભ, ત્વચા એ ઈન્દ્રિયોથી પણ વસ્તુ અનુભવાતી હોય છે. એટલે શ્રુતિકલ્પન, ગંધકલ્પન, સ્વાદકલ્પન અને સ્પર્શકલ્પન વગેરે કલ્પનો જોવા મળે છે. દ્રશ્ય એ આંખનો વિષય છે તેને કવિ શ્રાવ્યનો, ઘ્રાણનો કે સ્પર્શનો વિષય બનાવીને રજૂ કરે ત્યારે ઇન્દ્રિયવ્યત્યયનો ઉદ્ભવ થાય છે. આવા ઇન્દ્રિયવ્યત્યય રચીને ભાવને વધારે મૂર્ત કરી આપતાં કલ્પનો 'અંગત'ની કવિતામાં ઘણાં છે. અનુગાંધીયુગની કવિતામાં ધ્યાન ખેંચતી આ ઈન્દ્રિયવ્યત્યય કરાવતા કલ્પનોની રચનાપ્રયુક્તિ રાવજીને સહજ હાથવગી બની રહે છે. રાવજીની કવિતામાં સ્વાદેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, દ્રશ્યેદ્રિય તથા સ્પર્શેન્દ્રિયને લાગતાં કલ્પનો જોવા મળે છે. એમની કવિતામાં આસ્વાદ્ય ઈન્દ્રિયવ્યત્યય કલ્પનો કાવ્યાભિવ્યક્તિને રોચક બનાવે છે.
‘મેં ડોલતા કણસલાં પર કાન માંડયા
પંખી સમા ત્યહીંય બેઉ રમે મજેથી
લીલાશમાં સરકતી પકડી હવાને
ચૂમી લઈ, કલકલાટ બધોય ચાંખ્યો.
ને હું હવે નગરને પથ સંચરું ત્યાં
આખીય સીમ મુજને વળગી રહી છે.’ (અંગત, પૃ.૭)

ઉપરોક્ત પંક્તિમાં ડોલતા કણસલા દ્રશ્યકલ્પન છે, આ દ્રશ્યકલ્પનને કવિ કાનનો વિષય બનાવીને રજૂ કરે છે. તેમજ ‘સરકતી હવા’ સ્પર્શેન્દ્રિયનાં વિષયને કવિ ચૂમે છે, તેમજ તેનો કલકલાટ સાંભળવાના બદલે સ્વાદેન્દ્રિય દ્વારા કવિ ચાખે છે. ‘પત્નીનો નિન્દ્રાસ્પર્શ’ કાવ્યમાં પણ ઈન્દ્રિયવ્યત્યય કલ્પન ભાવજગત રચે છે.
‘ઊંઘના અણખેડયા ખેતરમાં ઊગ્યા સારસ ટહુકા
નભનીલા ડુંડાંના ભરચક ભાર થકી
ઝૂકેલા સાંઠા !
એક કોરથી સહેજ સ્વપ્નથી ચાખું
આખું સાકરની કટકીશું ખેતર
જીભ ઉપર સળવળતું.’ (અંગત, પૃ.૮)

અહીં કવિ દ્રશ્યકલ્પનને શ્રાવ્ય દ્વારા નિરૂપે છે. સાકરની કટકીશું ખેતર દ્વારા દ્રશ્યબિંબ રચે છે, અને તેને જીભ દ્વારા ચાખીને સ્વાદેન્દ્રિય સુધી લઈ જાય છે. આ કાવ્યમાં કલ્પન દેહને, મનને અને પ્રાણને વ્યાકુળ કરી દે છે. અહીં દ્રશ્યબોધ, શ્રુતિબોધ સાથે સાથે ગતિબોધ પણ થતો આપણને જોવા મળે છે. ‘બિછાનેથી’ કાવ્યમાં ઈન્દ્રિયવ્યત્યય વિશેષ ભાવભિવ્યક્તિ સિદ્ધ કરે છે.
‘માંદાં પોપચાંમાં ખીલી ઊઠી તાજીતમ રાત !
રહી રહી માટીની સુગંધ મારી હથેળીને અડે,
ઔષધનું લોહી પણ ફેણ ઊંચી કરે !’ (અંગત, પૃ.૧૧)

અહીં કવિ માટીની સુગંધને નાકના સ્થાને હથેળીના સ્પર્શ દ્વારા વ્યક્ત કરે છે. ‘એક વાર્તા’ કાવ્યમાં કવિ આંખનું કામ નાક અને કાન પાસે કરાવે છે.
‘ઓ દૂર દૂરના લીમડા મ્હેંકે,
કોક ઘટા લીલુછમ ટહુકે,
ખીજડે પહેર્યો ખૂંપ.’ (અંગત, પૃ.૧૩)

વસંતમાં લીમડા ઉપર આવેલ મ્હોરની સુગંધ અને કોયલના ટહુકાને કવિ દ્રશ્યાત્મક રીતે રજૂ કરે છે. ‘આજ અચાનક’ નામના કાવ્યમાં કવિએ દ્રશ્યકલ્પનને શ્રાવ્ય સાથે વણી લીધું છે.
‘કલશોર ભરેલું વૃક્ષ કાનમાં ઝૂલે !
પાળ તૂટેલા વ્હેળા શો
આળોટું રસબસ.’ (અંગત, પૃ.૧૪)

‘કે બારણે આવી હો મોગરાની ગાયો,
આ અંધકાર મહુડાની જેમ મસ ફાલ્યો.’ (અંગત, પૃ.૧૭)

ઉપરોક્ત કાવ્યમાં કવિ ઉપમાલંકાર પ્રયોજી અંધકારને મહુડા જેવો કલ્પે છે, અને ભાવક સમક્ષ દ્રશ્યકલ્પનને ઘ્રાણ સાથે સંયોજીને રજૂ કરે છે. ‘મેશ જોઈ મેં રાતી’ ગીત ઇન્દ્રિયવ્યત્યયોથી રતિ આવેગને સૂચવતા સંયોગશૃંગારના નમૂના રૂપ છે.
‘મેશ જોઈ મેં રાતી
મઘ મઘ મેશ જોઈ મેં રાતી ,
આંખ ભૂલી ગૈ આંખપણુંને આંગળીઓથી દીઠી.
કમખામાની રાત ખોલી દઈ હથેળીઓથી પીધી.’ (અંગત, પૃ.૪૨)

અહીં કવિએ કાળી મેશને રાતી કહે છે, વળી તે દ્રશ્યકલ્પન છે છતાં તેને ‘મઘ-મઘ’ થતી દર્શાવીને ઘ્રાણેન્દ્રિય સાથે સાંકળી લીધી છે. ‘આંગળીઓથી દીઠી’માં કવિ સ્પર્શેન્દ્રિય દ્વારા દ્રશ્યને જોવાની વાત કરે છે. અહીં રતિ તરસ્યા સ્પર્શની તીવ્રતાને કવિએ સહજ રીતે રજૂ કરી છે. ‘સાંભળતો સખી’ નામના ગીતમાં કવિએ શ્રવણેન્દ્રિય દ્વારા દ્રશ્યકલ્પન રજૂ કરી સહજ ભાવાભિવ્યક્તિ સિધ્ધ કરી છે.
_ ‘સાંભળતો સખી આંબા પર ફૂટયું ગુલાબ.’
_ ‘સાંભળતો સખી એક ઝીણેરા મોરલાની ડાળ.’
_ ‘સાંભળતો સખી મેં તો સમણામાં લંબાવ્યો હાથ.’ (અંગત, પૃ.૪૩)

‘આભાસી મૃત્યુનું ગીત’ તરીકે ગુજરાતી કવિતામાં આગવી મહત્તા પ્રાપ્ત કરનારૂ અને ‘રાવજીનું હંસગીત’ નામે ઉમાશંકર જોશીની કલમે વધામણી પામેલું ગીત ‘મારી આંખે કંકુના સુરજ આથમ્યાં’ મૃત્યુનાં સંકૂલ સંવેદનને ઇન્દ્રિયસંવેધ બનાવે છે. ઇન્દ્રિયવ્યત્યય કલ્પનનો વિનિયોગ આ કાવ્યને ઊંચી ભૂમિકાએ લઈ જાય છે.
‘પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યાં;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સુરજ આથમ્યાં.......’ (અંગત, પૃ.૪૮)

બાર કવિતાઓમાની આઠમી કવિતામાં ઇન્દ્રિયવ્યત્યયનો વિનિયોગ ભાવકને અભિભૂત કરે છે. અહીં કવિ દ્રશ્યકલ્પનને શ્રવણેન્દ્રિય દ્વારા રજૂ કરે છે.
‘બરાબર એજ વખતે
આસોપાલવની ડાળીઓ ટહુકી ઊઠી`તી !’ (અંગત, પૃ.૫૫)

રાવજી પટેલ નવ-જન્મ-મૃત્યુ કાવ્યોના જૂથમાંના આઠમાં કાવ્યમાં ઇન્દ્રિયવ્યત્યય કલ્પન પ્રયોજીને આત્મખોજ અને જિજીવિષાને ઘ્રાણકલ્પનને સ્થાને સ્પર્શકલ્પન દ્વારા રજૂ કરે છે.
‘હું પેન ખોળતો હોઉં એમ મને ફંફોસું,
પાસે વાસ છોડની ઉંબી જેવી અડે
ત્વચાને કોણ ફૂલની જેમ ચૂંટશે?
મિંડામાંથી કોણ મને ખોતરશે?’ (અંગત, પૃ.૬૧)

‘શંકર પ્રજાપતિને મળ્યા પછી’ નામના અછાંદસ કાવ્યમાં કવિ દ્રશ્યકલ્પનને સ્વાદનો વિષય બનાવીને રજૂ કરે છે.
‘ચાંદો, માણસ, પહાડ, નદીને રસ્તાઓ મેં ચાખ્યાં,
મારી ત્વચા નીચે ખેતર, વ્હેળા ને ઘાસ.’ (અંગત, પૃ.૭૫)

‘સંબંધ’ (ક્ષયમાં આત્મદર્શન) કાવ્યમાં કવિ ‘ટેકરીઓના પગલાં’ દ્રશ્યકલ્પનને કાન સાથે અફળતાં અનુભવે છે.
_’પેલી ટેકરીઓના પગલાં મારા કાન કને અફળતાં.’
_’પેલી ટેકરીઓના પગલાં મારી આંખોમાં અમળાતાં.’ (અંગત, પૃ.81)
_’દરિયો પાંપણમાં ચિતરાઓ પગરવ પાંપણમાં પથરાયો.’ (અંગત, પૃ.82)

ઉપરોક્ત કાવ્યપંક્તિઓમાં ઇન્દ્રિયવ્યત્યય કલ્પન દ્વારા કવિએ નવીન અભિવ્યક્તિ વ્યક્ત કરી છે. ‘ચણોઠી – રક્ત અને ગોકળગાય’ નામના કાવ્યમાં કવિએ સુગંધના ઘ્રાણકલ્પનને દ્રશ્યકલ્પન દ્વારા રજૂ કરે છે. અહીં નાકનું કામ આંખ દ્વારા કવિએ સિદ્ધ કર્યું છે.
‘જૂની કોક ચોમાસાની રાતની
સુગંધ મારી ચોતરફ ફરી વળી. (અંગત, પૃ.૯૬)

‘હોસ્પિટલમાં જતી વખતે’ કાવ્યમાં કવિ નાયિકાને કહે છે કે તારા હાથની વેઢમી મારે ખાવી છે, અને ત્યાર બાદ હું દવાખાને જઈશ. આ સાંભળી નાયિકા રડી પડે છે તેથી તેને સાત્વના આપતાં કવિ કહે છે –
‘જોને પેલો કોસ હવે ગાઈ ઊઠયો !
ચાલ એના અવાજમાં તારું મન ખળખળ વ્હેતું કર.’ (અંગત, પૃ.૧૦૧)

અહીં કવિ કોસના પાણીનાં વહેવાથી થતાં ખળખળ અવાજને કોસના ગાન સાથે મૂકીને સરસ ઇન્દ્રિયવ્યત્યય કલ્પન રજૂ કર્યું છે.

આમ, રાવજી પટેલના ‘અંગત’ કાવ્યસંગ્રહમાંથી પસાર થતાં જણાય છે કે આધુનિક કવિતામાં ઇન્દ્રિય-સંવેધતા (Sensousness)ની સાથે સાથે ઇન્દ્રિયવ્યત્યય (Synesthesia)નો ભરપેટે ઉપયોગ થયો છે. ‘વિવેચનનો વિભાજિત પટ’માં ચંદ્રકાંત ટોપીવાળા સાચું જ કહે છે કે, ‘ગુજરાતી આધુનિક કવિતાએ ઇન્દ્રિયવ્યત્યયની ચમત્કૃતિનો વધુમાં વધુ આશરો લીધો છે. અને આ પ્રવિધિ દ્વારા જ રાવજીએ પોતાની રચનાઓને અનુપ્રાણિત કરી છે.’6 ઇન્દ્રિયવ્યત્યય કલ્પન દ્વારા ભાષાને પારદર્શક બનાવીને, અભિવ્યક્તિની અવનવી લઢણો યોજીને, તરલ-સૂક્ષ્મ ભાવસંવેદનોની નિતનવી છટાઓ પ્રગટ કરતાં જઈ, તાજગી સભર ચેતનાનું નવ્ય પરિણામ સિદ્ધ કરીને રાવજી પટેલે આગવી મુદ્રા ધરાવતાં અગ્રણી કવિ તરીકેની ઓળખ પ્રાપ્ત કરી છે. આથી જ રઘુવીર ચૌધરી રાવજી પટેલને ‘મેજર પોએટ’ કહીને સંબોધે છે તે યોગ્યજ છે.

સંદર્ભ :::

  1. શબ્દરાગ, લે. ડો.એલ.એસ.મેવાડા, પૃ.15
  2. સર્જક રાવજી પટેલ, લે. મણિલાલ હ. પટેલ, પૃ.13
  3. અનુઆધુનિક સાહિત્યસંજ્ઞા કોશ, સં. જયંત ગાડીત પૃ.56
  4. સર્જક રાવજી પટેલ, લે. મણિલાલ હ. પટેલ પૃ.16
  5. ગુજરાતી વિશ્વકોશ, ખંડ-૧૧ સં. ધીરુ ઠાકર, પૃ.68
  6. વિવેચનનો વિભાજિત પટ, લે. ચંદ્રકાંત ટોપીવાળા, પૃ.76

લાલજીભાઈ નટુભાઇ પરમાર, પીએચ.ડી. શોધછાત્ર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટિ, વિ.વિ. નગર Email :– ln1989parmar@gmail.com મો.:- 9687599434