Download this page in

ગુજરાતી જીવનચરિત્રાત્મક નાટકનું પરિદર્શન

સાહિત્યકળાના અન્ય સ્વરૂપોની તુલનાએ નાટક જૂનું અને રસપ્રદ સ્વરૂપ રહ્યું છે. બીજા સાહિત્ય સ્વરૂપો કહી બતાવવાની કળા છે, જ્યારે નાટક એ કહી અને કરી બતાવની કળા છે. એટલે કે નાટક એ દૃશ્ય-શ્રાવ્ય કળા છે. લગભગ બધી જ કળાઓનું મિશ્રણ ઓછે-વધતે અંશે નાટ્યકળામાં જોઈ શકાય. તેથી જ આજે સિનેમાના યુગમાં પણ નાટક લોકભોગ્ય છે, આદિકાળથી આજ દિન સુધી આ કળાસ્વરૂપની લોકપ્રિયતા એવી ને એવી જીવંત છે. એની પ્રશસ્યતાને લીધે જ પૂર્વ-પશ્ચિમ બંને સાહિત્યપ્રવાહોમાં નાટકનો ઇતિહાસ દીર્ઘ છે.

નાટક એ પ્રમાણમાં સંકુલ સ્વરૂપ હોય, એને સીમિત શબ્દોમાં વ્યાખ્યાયિત કરવું દુષ્કર જણાય, નાટક માનવજીવનની આરસી છે. અભિનયથી સિદ્ધ થતી આ કળામાં માનવ મનના સ્ત્રી-પુરુષના આંતરજીવનના સૂક્ષ્માતિસૂક્ષ્મ ગતિવલણોને પામવાની તક સાંપડે છે. આરંભે આ કળાપ્રવૃતિની ખરી સૂઝ પારસીઓની અસર હેઠળ ગુજરાતીમાં વિકસે છે, આપણા સાહિત્યકારોએ પછી તેને અપનાવી અને એમાં પ્રયોગો પણ કર્યા. પ્રસ્તુતિકરણની આ કળા જમાને જમાને એની પ્રત્યક્ષતાને કારણે પરિવર્તિત થતી રહી છે. કાળે એમાં બદલાવ આણ્યો છે. આરંભે ગુજરાતીમાં લગભગ પૌરાણિક –ઐતિહાસિક નાટકો રચાયા, એ પછી સામાજિક નાટકોનો લાંબો દોર ચાલ્યો અને આવા નાટકો ખૂબ ચર્ચામાં આવ્યા. ત્રિસેક વર્ષથી ગુજરાતી સાહિત્યમાં જીવનચરિત્રાત્મક નાટકનો લગાવ વધ્યો છે.

‘વ્યક્તિની જીવનસફરમાં પ્રગટ થતાં આત્માની સાચી છબી એટલે જીવનચરિત્ર’. જીવનમાં કેટલીક વ્યક્તિઓ આપણને આકર્ષે છે, પ્રેરે છે, ઉત્તેજે છે. પોતાને આકર્ષી ગયેલી કોઈ વિશિષ્ટ વ્યક્તિના જીવન સંબંધી હકીકતને નાટકકાર નાટ્યદેહમાં રજૂ કરે છે ત્યારે તે જીવનચરિત્રાત્મક નાટક બને છે. જેમાં જે-તે વ્યક્તિના આંતર-બાહ્ય સંઘર્ષો, અનુભવેલી સંવેદનાઓ, જીવનમાં આવેલા પરિવર્તનો આદિનો સમાવેશ થાય છે. ટૂંકમાં, જીવનચરિત્રાત્મક નાટક એ કોઈ વિશિષ્ટ વ્યક્તિના સમગ્ર જીવન કે જીવનની અમુક સત્ય ઘટનાઓનું નાટ્યાત્મકરૂપ છે.

ગુજરાતીમાં ચરિત્રસાહિત્ય આત્મકથા, સંસ્મરણ, રેખાચિત્ર, જીવનચરિત્ર ઈત્યાદિ રૂપે સર્જાયું. નવલકથામાં પણ ચરિત્ર પ્રવેશે છે અને દિનકર જોષી, માધવ રામાનુજ વગેરે સર્જકો જીવનચરિત્રાત્મક નવલકથાઓ આપે છે. એ પછી આપણે ત્યાં આ વિષય નાટકમાં પ્રવેશ્યો’ને સાહિત્યિક સર્જકો, ભક્તો, નટો, સંગીતકાર, ક્રાંતિકારીઓ વગેરે વિશિષ્ટ વ્યક્તિત્વો પર નાટકો લખાવા લાગ્યા. આ પ્રકારના નાટકોમાં આધુનિકોનો હાથ વધારે વિસ્તરેલો જોવા મળે છે, પરંતુ આ નાટ્યવસ્તુનો ખ્યાલ આપણા આરંભના નાટ્યકારો પાસે નહતો એવું પણ નથી. ગુજરાતી રંગભૂમિના ઉત્કર્ષમાં મહત્ત્વનુ પ્રદાન કરનાર, નાટક મંડળી ‘શ્રી દેશી નાટક સમાજ’(૧૮૮૯-૧૯૮૦)દ્વારા કવિ-નાટયકાર ‘પ્રભુલાલ દ્વિવેદી’ના જીવન પર હરગોવિંદદાસ શાહે, અને એ પછી વર્ષ ૧૯૧૫માં સ્થપાયેલ ‘શ્રી આર્યનૈતિક નાટક મંડળી’એ પણ વડોદરામાં ‘સુરદાસ’ નાટક ભજવ્યુ હતું. સુધારકયુગમાં નથુરામ સુંદરજી શુક્લએ ‘નરસિંહરાય’ અને ગાંધીયુગમાં ર.વ. દેસાઇએ ‘કવિદર્શન’ (૧૯૫૭)માં ‘નરસિંહ મહેતો’, ‘કવિ દયારામ’, ‘કવિ નર્મદ’, અને ‘પ્રેમાનંદ’ એમ, ચાર જીવનચરિત્રાત્મક નાટકો આપ્યા પછી ઇ.સ. 1992માં ‘બૈજુ બહાવરો’ નાટક આપે છે. જે એક મહાન સંગીતકારના જીવન પર આધારિત છે. ઈ.સ.૧૯૭૭માં ‘ભણે નરસૈંયો’ નામે એક ચરિત્રાત્મક નાટક પન્નાલાલ પાસેથી પણ મળી આવે છે. આ નાટક શ્રી માતાજીના શતાબ્દી વર્ષ નિમિત્તે ભજવાયું પણ હતું.

આ કાર્યમાં પ્રશસ્ય સફળતા સંપ્રાપ્ત કરે છે રંગભૂમિ સાથે અનેક રીતે સક્રિયપણે સંકળાયેલા, નાટયકાર ચંદ્રવદન ચી. મહેતા. એમની પાસેથી નાટકમાં ચરિત્રનો વિષય ઊંચકાયો. તેમણે ‘અખો’, ‘નર્મદ’, ’કપૂરનો દીવો’ જેવા નાટકો દ્વારા આ દિશામાં નોંધપાત્ર કામ કર્યું. નવી નાટ્યસૂઝ સાથે આવા નાટકો લખાવા લાગ્યા અને નવી નાટ્યમંડળીઓ દ્વારા ભજવાયા પણ ખરાં.

‘નર્મદ’ એ ચંદ્રવદન મહેતાનું પ્રથમ જીવનચરિત્રાત્મક નાટક છે, જે ઇ.સ. ૧૯૩૯માં પુસ્તકરૂપે જોવા મળે છે. ત્રણ અંકના આ નાટકની શરૂઆત ‘નાટકમાં નાટક’(Play within play)ની પ્રયુક્તિથી થઈ છે. નાટકના આરંભે જ લેખકે કોઈ જોશી દ્વારા કરાયેલી આગાહીને લીધે ડરી જતાં લોકો દર્શાવીને બાળલગ્ન, વળગાડ, અંધશ્રદ્ધા, રેલગાડીને દાનવ ગણાતા લોકોનું અજ્ઞાન વગેરે નર્મદના જીવન સમયના પ્રસંગોને રંગનિદર્શન દ્વારા તત્કાલિન સમાજજીવનની આચાર-વિચારની દરિદ્રતા, રૂઢિચુસ્તતાની સામે આ નર્મદ જેવા અગ્રણીની નીડર નેતાગીરી અને ટેકીલાપણાને નાટ્યાત્મક રૂપ આપવામાં નાટયકારને ધારી સફળતા મળી છે. અહીં નર્મદ જીવન સાથે જોડાયેલ જદુનાથ મહારાજ, વૈષ્ણવ શેઠ તાપીદાસ, ગાંગદાસ, નર્મદની પત્ની ડાહીગવરી, કરસનદાસ, ઝવેરીલાલ, નવલરામ વગેરે પાત્રો જોવા મળે છે. નાટકના અંતે તાપીદાસ શેઠની પત્ની અંબા શેઠાણી નર્મદ રચિત ગરબો ગાવાની વાત દ્વારા કૂટવાની પ્રથા સામે પણ વિરોધ કરે છે જેમાં નર્મદની સુધારક પ્રવૃત્તિ રહેલી છે. જેનો પતિ વિરોધ કરે છે. નર્મદ બાળવિધવા નર્મદા પર થઈ રહેલા અત્યાચારો સામે ઝઝૂમી તેની સાથે લગ્ન કરે છે, એ દ્વારા પુનરલગ્નની વાત છે. સમગ્ર નાટકમાં નર્મદની કુરિવાજો સામેની લડત છે બીમારીને કારણે બેચેની અનુભવતા નર્મદને ‘નર્મદ આખરે જુદાઇ’ ગીત સાંભળવાની ઇચ્છા થાય છે, સવિતાનારાયણ ગીત ગાય છે. ડાહીગવરી નર્મદને સુવાડે છે. મિત્રો ‘જય જય ગરવી ગુજરાત ગીત ગાય છે ત્યાં આ નાટક સફળ રીતે પૂરું થાય છે. પાત્ર એ નાટકની કારોડરજ્જુ સમાન છે ત્યારે જીવનચરિત્રાત્મક નાટકમાં મુખ્ય ચરિત્ર જ આ સ્વરૂપનું બંધારણ ઘડે છે. મુખ્યચરિત્રના તમામ પરિમાણોને તેનો ચોક્કસ સમય અને જીવન, ચરિત્રાત્મક બનાવે છે. નાટકમાં એક પ્રસંગ નર્મદના જાહેર જીવનનો અને એક તેના અંગત જીવનનો એ પ્રમાણેના નાટ્યવસ્તુના સંકલનમાં લેખકનો મુખ્ય આશય નાટકની નાટ્યક્ષમતા અને તખ્તાલાયકી વિકસાવવાની સાથે નાટકના મુખ્ય ચરિત્રના જીવનનું સંતુલન જળવાવનો પણ રહ્યો છે.

ચંદ્રવદન ચી. મહેતાનું બીજું આવું નાટક ‘અખો’ જે ઈ.સ. ૧૯૪૮માં પ્રકાશિત થયું. જે ‘અખો વરવહુ અને બીજા નાટકો’ નામના નાટ્યસંગ્રહમાં છે. આ નાટક વિશે લેખક પ્રસ્તાવનમાં જણાવે છે કે, ‘‘આ નાટક ઇ.સ. ૧૯૨૭માં ગુજરાત રેલ સંકટ નિવારણ ફંડના લાભાર્થે ભજવાયું, એ પછી ૧૯૨૮માં ગુજરાત વિદ્યાપીઠમાં અને ૩૧માં કરાચીમાં ભજવાતા જ્યાં જ્યાંથી ઉપયોગી સૂચનો મળ્યા, અખાને લગતી વધારે હકીકતો હાથ લગતા સુધારીને લખાયેલુ આ નાટક છે.’’ લેખક અખા વિશે પ્રચલિત્ત દંતકથાઓનો આશ્રય લીધાનું પણ બયાન કરે છે. અખાના ગ્રંથોમાં ‘અનુભવબિંદુ’, ‘અખેગિતા,’ ‘ગુરુશિષ્ય સંવાદ’ વગેરેમાં અખો દૃષ્ટાંત આપીને સમજાવે છે કે, આ સંસાર કેવો છે. ચં. ચી. મહેતાએ બે અંકમાં અખાના જીવનને જમના, લાલદાસ, ગોસ્વામી બ્રહ્માનંદ, છડીદાર, વિદ્યાધર, ભગતજી, ભૂદેવ, વણિક સજ્જન વગેરે જેવા પાત્રો દ્વારા આપણી સમક્ષ રજૂ કરી આપ્યું છે. પ્રથમ અંકના પહેલા પ્રવેશમાં સંસારમાં એકલો થઈ પડેલો અક્ષયદાસ પોતાની બહેનનાં નિધનને કારણે વિલાપ કરી રહ્યો છે, ત્યાંથી નાટકને ગતિ મળે છે. પહેલા પ્રવેશ અને બીજા પ્રવેશ વચ્ચે પાંચેક વર્ષનો સમય પ્રસાર થઈ ચૂક્યો છે, અહીં સ્થળ છે અખા સોનીનું ઘર, અખો એરણ પર એક કંઠી ઘડી રહ્યો છે ત્યાં ઘરકો સાથે વ્યવસાયી વ્યવહારો અંગેના સંવડો નાટ્યકારે સહજ લાગે એવી રીતે મૂકી આપ્યા છે. તે પછી ટંકશાળામાં સિક્કા બનાવતા આખા પર બીજી ધાતુના ભેળસેળનો આરોપ, બહેન જમનાનો અખા પર અવિશ્વાસ વગેરે જેવા અનુભવો પછી અખો પોતાનો સોનીનો ધંધો છોડી દઈને આત્મજ્ઞાનની શોધમાં નિકળી પડે છે. કાશી જતાં ગોંસાઈજી સાથેનું મિલન બીજા અંકના પહેલા પ્રવેશમાં બ્રહ્માનંદ સાથે જ્ઞાનસંવાદ યોજ્યો છે. ટૂંકમાં , ચંદ્રવદન મહેતા એ આ જીવનચરિત્રાત્મક નાટકમાં અખેદાસ કે અક્ષયદાસથી અખાભગત સુધીની જીવનયાત્રાને બે અંકના આ દીર્ઘનાટકમાં વણી લીધી છે. ડો. મહેશ ચોક્સી ‘અખો’ નાટકને વસ્તુસંકલના સંદર્ભે એક મહત્ત્વનુ નિરિક્ષણ નોંધે છે. તે અહીં નોધવું જોઈએ- “અખો’ની વિષય-સુવિધા જોતાં, તેમાં ત્રિઅંકી નાટ્યનિયોજનમાં વિશેષ વ્યવસ્થિત જળવાત એમ લાગે છે, ત્રણ ત્રણ પ્રવેશોના બે અંક નહીં પણ વ્યાવહારિક –સાંસારિક જીવનની કટુતા એ અંક એક, ધાર્મિક જીવનની કટુતા એ અંક બે અને નિર્વેદ-વૈરાગ્ય એ અંક ત્રણ એમ ત્રિઅંકી વસ્તુસ્તબક સૂચવી શકાય”૧ નાટકના સંવાદો અખાના સમયને ધ્યાનમાં રાખીને લખાયા છે. આમ, ગુજરાતી જીવનચરિત્રાત્મક નાટ્યવિધાનમાં ચં. ચી. મહેતા પાસેથી જે બે નાટકો ‘નર્મદ’અને “અખો’ પ્રાપ્ત થયા તે સીમાસ્તંભરૂપ છે. ઉપરાંત તેમની પાસેથી ‘કપૂરનો દીવો’ મહાદેવ દેસાઈના મોટા ભાઈ છોટુભાઈ દેસાઈના પર જીવન આધારિત અને ‘બહેરામજી મલબારી’ જેવા નાટકો પણ આપ્યા છે.

ઈ.સ.૧૯૯૩માં ધીરુભાઈ ઠાકર લિખિત ‘ઊંચો પર્વત ઊંડી ખીણ’ ત્રિઅંકી નાટક મણિલાલ દ્વિવેદીના જીવન પરિમાણો અને ચોક્કસ સમયને મુલવતું એક મહત્ત્વનુ નાટક છે. આ નાટકના સર્જન સમયની મુઝવણ અંગે લેખક પોતે નાટકની પ્રસ્તાવનામાં જણાવે છે કે, “મણિલાલના જાહેર અને અંગત જીવનની હકીકત, તેમના વિચારો, આદર્શો વગેરેની વિગતો મને હસ્તામલકવત હતી. પરંતુ એ સામગ્રીને નાટકના રૂપમાં ઢાળીને તેમાંથી નાટ્યક્ષણો પકડીને સુદૃઢ નાટ્યાબંધ તૈયારી કરવો તે કેટલું દુષ્કર કામ છે તેનો અનુભવ લખતી વખતે થયો”૨ આ નાટકમાં મણિલાલ, બાલાશંકર, મહાલક્ષ્મી, ત્રિભુવનદાસ ગજ્જર, આનંદ શંકર વગેરે જેવા એકત્રીસ જેટલા પત્રો છે. સંખ્યા પ્રમાણમાં અધિક છે. પણ મણિલાલના બહુઆયમી વ્યક્તિત્વને આલેખવા માટે તે પૂરતા છે. ભાષા પંડિતયુગીન છે, સ્વામી સાથેના સંવાદોમાં હિન્દી ભાષા પણ પ્રયોજી છે. આ નાટક વિશે સતીશ વ્યાસ નોંધે છે કે, “મણિલાલના વ્યક્તિત્વની ગરિમા અને લઘિમા અહીં એક સાથે છે. આપણા સાહિત્યકરોમાંનાં કેટલાકનાં વ્યક્તિત્વો કેટલા સંકૂલ હતા તેનું નિદર્શન આ નાટક કરાવે છે. અહીં શિખર પણ છે અને ખીણ પણ છે, પણ ખીણ ને પડછે શિખરની ગરિમા પ્રસ્થાપિત થાય છે. ગિરિ-ગર્તાનાં આ દ્વિવિધ રૂપ આ નાટક ને સહજ રીતે જ દ્વિપરિમાણી બનાવે છે. ભાષા અને મંચના પણ આથી જ અહીં સમીચીન પરિમાણો રચાયા છે.”૩

હરીશ ત્રિવેદીએ ‘નર્મદ:મારી હકીકત’ ઈ.સ.૧૯૯૭માં આપ્યું. આ નર્મદાનાં જીવન પરનું બીજું નાટક છે. ગુજરાતી રંગભૂમિ ઉપર નાટ્યાકાર હરીશ ત્રિવેદીનો આ સૌ પ્રથમ નર્મદનાં લખાણો પર આધારિત એકપાત્રિય નાટ્યપ્રયોગ ગણી શકાય. આ માટે ઈ.સ. ૧૯૩૩માં નર્મદ-શતાબ્દી વખતે પ્રસિદ્ધ થયેલી નર્મદની આત્મકથા ‘મારીહકીકત’નો ઉપયોગ કરવા ઉપરાન્ત નર્મદકવિતા, નર્મગદ્ય અને બીજા ઘણા સંદર્ભોને સહારે નાટ્યાકરે આ નાટક આપ્યું છે. અહીં જ્ઞાતિ, માતા-પિતા , જીવનસંસ્કાર, યુવાવસ્થા, ઈશ્કબાજી, ઉચ્ચ શિક્ષણ, કવિ જીવન સુધારાનું પ્રાબલ્ય, સાહસો, વગેરે દ્વારા નર્મદાનાં જીવનનું દર્શન નાટકમાં રજૂ થયું છે. આ નાટક પ્રત કરતાં પ્રયોગનું નાટક વધારે બની રહ્યું છે.

ઈ.સ. ૧૯૯૭માં પ્રકાશિત ભરત યાજ્ઞિકનું ‘પહાડનું બાળક’ પણ આ પ્રકારનું નાટક છે. અહીં મેઘાણીના જન્મથી માંડી નિર્વાણ સુધીના એકાવન વર્ષમાં ફેલાયેલા જીવનની મુખ્ય નાટ્યાત્મક ઘટનાઓને આવરી લેવાનો પ્રયાસ છે. આ સળંગ નાટક દસ્તાવેજી-રૂપાકાત્મક શૈલીનો નવતર પ્રયોગ છે જેમાં તેર ગીત, નવ પાત્રો’ને ચૌદ દૃશ્યોમાં છે તેમાં અંક યોજના કે મધ્યાહન પણ નથી. આ નાટક જીવનનો રંગમચીય દસ્તાવેજ ન બનતા મૌલિક સર્જન બન્યું છે.

એ પછી ઈ.સ. ૨૦૦૨માં ધનવંત શાહ ન્હાનાલાલના જીવન પર ‘વસંત વૈતાલિક કવિવર ન્હાનાલાલ’ નાટક આપે છે. જેમાં ન્હાનાલાલ, સૂત્રધાર રાજૂ-મોના, દ્રૌપદી, અકબર શાહ, રમણ, વિલસુ, સુભગા, સૌભાગ્યચંદ્ર, જહાંગિર, જયા ,જયંત જેવા પાત્રો દ્વારા નાટકને કળાદેહ સાંપડ્યો છે. આ વિશે લવકુમાર દેસાઇ નોધે છે કે, “વસંતને આવ્યા ફૂલ” નાટકના સર્જક અને કવિ ન્હાનાલાલની કવિતામાં ‘માનવ જીવન દર્શન’ના અભ્યાસી સંશોધક ડો. ધનવંત શાહ ‘વસંત વૈતાલિક કવિ ન્હાનાલાલ’ નામનું નાટક આપે ત્યારે આપની અપેક્ષાઓ વધી જાય. નાટકકારનું ધ્યેય કવિ ન્હાનાલાલની સાહિત્યિક પ્રતિભાનો પ્રાથમિક પરિચય આપવાનો હોય એમ વર્તાય છે. તેથી અહીં લેખકે આપેલી ‘જીવન ચરિત્રાત્મક નાટક’ (Biographical Drama)સજ્ઞા બોદી અને ગેરમાર્ગે દોરનારી નીવડી છે.”૪ બે અંકના આ નાટકમાં પ્રથમ અંકમાં કુલ નવ દૃશ્યોમાં ન્હાનાલાલના બાળપણથી માંડી તેમની સાહિત્યિક સિદ્ધિઓની વાત ‘જયા- જયંત’ નાટક સુધી મુકાઈ છે. બીજા અંકમાં દ્રૌપદીના અભિનયને ન્હાનાલાલના જ સર્જનમાંથી સીધો મૂકી દીધો છે. આ રીતે સાહિત્યિક જીવનની વસ્તુ ને અંતે ન્હાનાલાલ એમનું બીજું મહાકાવ્ય ‘હરિસહિંતા’ લખતા હતા, ત્યાં અસહ્ય માંદગીથી પીડાય છે બ્લડપ્રેશર અને હૃદયરોગથી કાંપે છે કવિ નર્મદનું ‘નવ કરશો કોઈ શોક રસિકડાં’ ગાય છે પત્નીને સાંત્વના આપે છે ત્યાં નાટક પૂરું થાય છે. આમ, ન્હાનાલાલના જીવન અને સાહિત્ય સર્જનનો સમન્વય કરીને ધનવંત શાહે નાટ્યનિર્માણ કર્યું છે. પરંતુ કવિની રચનાઓ અને નાટ્યઓક્તિઓને નાટકમાં રજૂ કરી ખાશ મૌલિકતા દર્શાવી નથી.

ધનવંત શાહનું બીજું આવું નાટક જે ઈ.સ. ૨૦૦૪માં ‘રાજવી કવિ કલાપી’ પ્રકાશિત થયું. કલાપીના જીવન પર રચાયેલા આ નાટકને લેખક પોતે ‘પ્રેમ કથાને વ્યથાની નાટ્યકથા’ તરીકે ઓળખાવે છે. અહીં નાટકમાં કલાપીના જીવન અને કવનના તાણાવાણાને વણી લઈ સમગ્ર નાટક ત્રણ અંક, ચોવીસ દૃશ્યોમાં સુરસિંહ, રમા, શોભના, કવિ સંચિત, વજસુર વાળા એમ, મુખ્ય-ગૌણ થઈને પાંત્રીશેક પાત્રો દ્વારા ૨૨૦ જેટલા પૃષ્ઠોમાં દીર્ઘનાટક લખવાનું જોખમ લીધુ છે. લેખકે અહીં કલાપીના જીવનના તમામ પાસાઓને નાટકમાં મૂકી આપવાનો પ્રયાસ કર્યો છે. કલાપીના સમયની સંવેદનાઓ નાટકમાં યોગ્ય રીતે વણાયેલી જણાય છે. આ નાટકના લેખક લખે છે કે, “સમયની મર્યાદા નથી રાખી સત્ય અને તત્વને વફાદાર રહી બધુ વહેવા દીધું છે”૫ ટૂંકમાં આ નાટકમાં જીવનચરિત્રાત્મક નાટક રૂપે કલાપીના જીવન અને કવનના આંતરસત્યને કેટલીક મર્યાદા સાથે પણ નાટ્યાત્મક રીતે અવગત કરવી આપ્યુ છે.

સતીશ વ્યાસનું ‘જળને પડદે’ ઈ.સ. ૨૦૦૫માં કવિ કાન્તના જીવન ઉપરનું મૌલિક નાટક ગુજરાતી જીવનચરિત્રાત્મક નાટકોમાં અતિ મહત્ત્વનુ છે. આ નાટક પ્રત અને પ્રયોગ બંને રીતે સફળ એવું દીર્ઘનાટક છે. સંપૂર્ણ ગાયન-વાદન-નર્તન અને અભિનયની તમામ કળાઓ સાથે રચાયેલા આ નાટકનો પ્રારંભ વિશિષ્ટ નાટ્યપ્રયુક્તિથી થાય છે. રંગમંચ ઉપર એક મોટો કાવ્યગ્રંથ ઊભો પડ્યો છે, એમાંથી વેદનાના સ્વરો સાથે ગ્રંથના પૃષ્ઠોમાંથી કથક બહાર આવે છે, સમગ્ર નાટકનો કથક આ વ્યક્તિ છે. એજ યોગ્ય સમયે કાન્તનું પાત્ર ભજવે છે. અહીં સતીશ વ્યાસ કાન્તની મહત્ત્વની બાબતો જેવી કે, ખ્રિસ્તી ધર્મનો કરુણાજન્ય સ્નેહ, કાન્ત નો વ્યક્તિ સ્વાતંત્ર્યનો ખ્યાલ, જન્મે ધર્મ-વર્ણ નહીં પણ કર્મે ધર્મ-વર્ણની વિભાવના, સ્વીડનબોર્ગ અને રત્નજી ભટ્ટ (કાન્તના પિતા)ની છબીઓ વચ્ચેનું સામ્ય, ખ્રિસ્તી ધર્મની પુનરુત્થાનની વિભાવનાને ધ્યાનમાં રાખીને એક ઉત્તમ જીવનચરિત્રાત્મક નાટક આપે છે.

કાન્તના જીવન વિશે નાટક લખ્યા પછી સતીશ વ્યાસ ગુજરાતી વાર્તાકાર જયંત ખત્રીના જીવન વિશે ‘ધૂળનો સૂરજ’ નાટક ઈ.સ. ૨૦૦૯માં પુસ્તક આકારે પ્રગટ કરે છે. બે અંકના આ નાટકમાં પહેલા અંકમાં બાર અને બીજા અંકમાં ચોવીસ આંતરદૃશ્યો મળીને ચોત્રીસ જેટલા આંતરદૃશ્યોનું નાટ્યામાળખું તૈયાર કર્યું છે. જયંત ખત્રી, બચુ, ઝવેર, બકુલેશ, યુવકો, યુવતીઓ અને બીજા કેટલાક ગૌણ પાત્રોની સહાયથી નાટકને કલાઘટ સાંપડ્યો છે. જયંત ખત્રીની જન્મશતાબ્દીવર્ષ નિમિત્તે લખાયેલા આ નાટકમાં કચ્છ અને મુંબઇનો પરિવેશ રજૂ થયો છે. નાટકનો આરંભ બે ચાર યુવક- યુવતીઓની પત્તાની રમવાની પ્રયુક્તિથી થયો છે. જે નાટક ભજવવાની યોજના કરે છે. અહીં ખત્રીના જીવન સાથે વણાયેલી ઘટના, શાળા-હાઈસ્કૂલ, સર્જન સમયના બનાવો, અને વ્યક્તિત્વના વિવિધ પાસાઓનું વર્ણન થયું છે. નાટકમાં ક્યાક ક્યાક મરાઠી અને હિન્દી ભાષાનો પ્રયોગ પણ થયો છે. નાટ્યકારે ખત્રીના જીવનની કેટલીક સંઘર્શાત્મક ઘટનાઓને બાદ કરી છે જેને કારણે નાટક ઝડપથી અંત તરફ ગતિ કરે છે. જયંત ખત્રીના જીવનપ્રસંગોને રજૂ કરતાં આ નાટકમાં નાટ્યાકારે ખત્રીનું બાળપણ, ડૉક્ટર બન્યા પછીની ઘટનાઓ, વાર્તાકાર, સામાજિક ક્ષેત્ર ,રાજકીય ક્ષેત્ર વગેરે દૃશ્યો પર પ્રકાશ પાડ્યો છે. આ નાટક વિશે મહેશ ચંપકલાલ નોંધે છે કે –“સતીશ વ્યાસ પાસેથી આપણા ઉત્તમ વાર્તાકાર જયંત ખત્રીના જીવનને આવરી લેતું ચરિત્રાત્મક નાટક ‘ધૂળનો સૂરજ’ પણ આ દશકમાં પ્રાપ્ત થાય છે, જેમાં રાજસ્થાનમાં અતિ પ્રચલિત્ત ‘રામદેવના હેલા’ના ગાન દ્વારા જયંત ખત્રીના જીવનના વિવિધ પાસાને ઉજાગર કરવામાં આવ્યા છે. નાટકના આરંભે સૂચક રીતે દર્શાવેલી પત્તાની રમતને નાટકના અંતે સાંકળી લઈ જયંત ખત્રી જાણે પોતાના જીવનનું અંતિમ પાનું હસતાં હસતાં ઈશ્વરને સોંપી દેતા હોય એવો ભાવવાહી અંત યોજવામાં નાટ્યાકાર સફળ નીવડે છે.”૬

આ ઉપરાંતવિભૂત શાહ પાસેથી ઈ.સ. ૧૯૯૯માં ‘નટ-કેદાર’ ચિનુ મોદી પાસેથી ‘ઔરંગઝેબ’ અને ‘અસાઇતનો વેશ’, ‘નોખો નાગર નરસૈંયો’(૨૦૧૭) નાટકો મળે છે. ગાંધીજીવન પર ભરત પી. યાજ્ઞિકે ‘મહાપ્રયાણ’, ‘સુર-મધુ કલાપી’(૨૦૧૩) જેવાં નાટક આપ્યાં છે.નારાયણ દેસાઈ પાસેથી ઈ.સ.૨૦૧૩માં ‘કસ્તુરબા’, મિહિર ભૂતા પાસેથી ‘ચાણક્ય’(૨૦૧૫) ‘જલ જલ મરે પતંગ’, ‘હૃદય ત્રીપૂટી’, જેવા નાટકો મળે છે. જે ભજવાયા પણ ખરા. મહાદેવ દેસાઈના જીવન પર આધારિત એકપાત્રીય નાટકનું સર્જન રામકૃષ્ણ રામનાથને કર્યું, વિનીત શુક્લએ ‘મરીઝ’ દિનેશ મોદીના આચાર્ય હેમચંદ્રાચાર્યના જીવનને પ્રસ્તુત કરતું ‘સિદ્ધહેમ’નાટક જેનું નિદર્શન મનોજ શાહ દ્વારા થયું. સિતાંશુ યશશ્ચંદ્ર રચિત નરસિંહ મહેતા પર ‘જાગીને જોઉં તો...’ નાટકનું ટૂંક સમયમાં જ અમદાવાદમાં વાચીકમ થયું.

અહીં કેટલાક નવા જીવનચરિત્રાત્મક નાટકોનો માત્ર નામ નિર્દેશ જ કર્યો છે. ફરી કોઈવાર એનો ય વિગતે પરિચય મેળવશુ. ગુજરાતીમાં જીવનચરિત્રાત્મક નાટકની એક નવી સૂઝ સાંપ્રત નાટ્યકારોમાં ઘણી વિકસી છે. નવી નાટ્યમંડળીઓ એ પણ આ પ્રકારના નાટકોને આવકાર્યા છે, હાલ ભજવાતા નાટકોમાં આ પ્રકારના નાટકોએ પ્રેક્ષકોને ખૂબ આકર્ષ્યા છે. કેટલાક હજુ પુસ્તક રૂપે સ્થિર પણ થયા નથી તેવા તમામ નાટકોને સાંકળી લેવા પ્રયાસ કર્યો છે.

પાદટિપ :::

  1. મહેશ ચંપકલાલ, ‘પરબ’, પૃ,૧૧૫, જાન્યુ-ફેબ્રુ. ૨૦૧૪
  2. ઠાકર ધીરુભાઈ , ‘ઊંચો પર્વત ઊંડી ખીણ’ , પૃ. ૫
  3. વ્યાસ સતીશ,‘ગુજરાતી નાટક’, પ્રથમ આ.,પૃ. ૩૦૫
  4. દેસાઇ લવકુમાર, ‘નાટક’, પૃ.૨૫, ઓક્ટોમ્બર-ડિસે. ૨૦૦૩
  5. શાહ ધનવંત, ‘રાજવી કવિ કલાપી’, પૃ. ૨૦

પ્રવીણ વણકર, શોધછાત્ર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, માનવવિદ્યા ભવન, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, આણંદ -388120. MO: 8141691716 pravinnipun0609@gmail.com