Download this page in

ગુજરાતી ભાષાતપાસ : નામકરણ, ઉદ્ગમ-વિકાસ અને પૂર્વવર્તી અભ્યાસો

ગુજરાતી ભાષા એક વ્યવસ્થિત ભાષા તરીકે ક્યારે અસ્તિત્વમાં આવી, ભાષાનું પૂર્ણ સ્વરૂપ ધારણ કરતા પૂર્વે કેવા તબક્કામાંથી પસાર થઈ-એ બાબતો અંગે અત્યાર સુધીમાં ઘણા ભાષાવિદ્-સંશોધકો દ્વારા ચર્ચા થઈ ચૂકી છે. તમાએ પોતાના તર્ક પ્રમાણે ભાષાના ઉદ્ગમથી માંડીને તેમાં આવેલા સ્થિત્યંતરોને રજું કર્યાં છે. એ રીતે ગુજરાતી ભાષા અંગેનો જે અભ્યાસ થયો તે સ્તુત્ય છે અને તેમાં સતત મથામણ કરતાં રહેલાં ફડકે ગંગાધર શાસ્ત્રી, વ્રજલાલ કાળિદાસ શાસ્ત્રી, હોપ ટી. સી., દવે નર્મદાશંકર, જ્યોર્જ ગ્રિયર્સન, નરસિંહરાવ દિવેટીયા, ત્રિવેદી કમળાશંકર પ્રાણશંકર, વ્યાસ કાંતિલાલ, કે. કા. શાસ્ત્રી, મનસુખલાલ ઝવેરી, પ્રબોધ પંડિત, હરિવલ્લભ ભાયાણી, જયંત કોઠારી, યોગેંદ્ર વ્યાસ, ઊર્મિબહેન દેસાઈ વગેરે જેવા ભાષામર્મજ્ઞોને સાદર પ્રણામ. તે સર્વના મતોની સારણી રૂપે ગુજરાતી ભાષા પર તેના આરંભબિંદુ, તેની પૂર્વપરંપરા અને ગુજરાતી ભાષા અંગે થયેલી ભાષાતપાસ તરફ એક નજર કરીયે...

ગુજરાતી ભાષા : નામકરણ

ગુજરાતી ભાષા સ્વતંત્ર પણે વ્યવહારમાં આવ્યા પછી ‘ગુજરાતી’ તરીકે ઓળખાવામાં કેટલોક સમય લે છે. દસમી-બારમી સદીમાં ડગ ભરતી થયેલી ગુજરાતી ભાષા પંદરમી સદીમાં પોતાનું સ્થાન જમાવવા લાગે છે. ગુજરાતી ભાષાના વિકાસને દર્શાવતા આપણાં વિદ્વાનોએ આપેલાં તબક્કાઓમાં નામકરણ બાબતે ભિન્નતા જોવા મળે છે. વિદ્વાનોએ પોતાના તર્ક અનુસાર ભાષાને વિવિધ નામથી ઓળખાવી છે. સૌપ્રથમ સાહિત્યમાંથી મળતા ઉલ્લેખો અનુસાર ગુજરાતી ભાષાને જોઈયે :
સામાન્ય રીતે કહી શકાય કે ‘ગુર્જરો’(બહારથી આવેલી એક પ્રજા)ની ભૂમિ તે ‘ગુજરાત’ અને ગુજરાત પ્રદેશમાં બોલાતી ભાષા તે ‘ગુજરાતી’. ગુજરાતી સાહિત્ય તરફ જોતાં જણાય છે કે તેમાં ભાષાનિર્દેશ થયેલો છે. નરસિંહ મહેતા આપણાં ‘આદિકવિ’ કહેવાયા કેમકે તેમના પદોમાં સૌપ્રથમવાર આજની ગુજરાતી ભાષા કહેવાય તેવા લક્ષણો મળી આવ્યાં. તેમ છતાં તેમણે ક્યાંય પોતાની ભાષાને ‘ગુજરાતી’ એવું નામ નથી આપ્યું. તેમના નામે ચડેલી ‘સુરતસંગ્રામ’ કૃતિમાં ગુજરાતી ભાષાને ઓળખાવવાનો પ્રયાસ થયો છે :
‘અપભ્રષ્ટ ગિરા વિશે કાવ્ય કેવું દિસે,
ગાય હિસે ને જ્યમ તીર લાગે.’૧
અહીં ગુજરાતી ભાષાને ‘અપભ્રષ્ટ ગિરા’ કહી છે પણ આ કૃતિ નરસિંહ મહેતાની ન હોય, ઓગણીસમા શતકની અંતિમ પચ્ચીસીની હોવાનું અનુમાન છે.૨ ‘ગુજરાતી ભાષા’ને મળતો આવતો પ્રથમ ઉલ્લેખ આખ્યાનકાર ભાલણે પોતાની કૃતિમાં કર્યો છે :
ગુરુપદપંકજને પ્રણમું, બ્રહ્મસુતને ધ્યાઊં,
ગુજર ભાષાએ નાલરાના ગુણ મનોહર ગાઉં.૩
આમ ભાલણ પોતાની ભાષાને ‘ગુર્જર ભાષા’(ગુજર ભાષા) તરીકે ઓળખાવે છે. ‘દશમસ્કંધ’માં પણ તેમણે ‘ગુર્જર ભાષા’ એવો ઉલ્લેખ કર્યો છે.૪ પરંતુ અહીં ‘ગુજરાતી’ એવો સ્પષ્ટ શબ્દપ્રયોગ નથી. એમ તો ભાલણ પૂર્વે ઈ. સ. ૧૪૫૬માં ‘કાન્હડદે પ્રબંધ’માં પદ્મનાભ પોતાની ભાષાને ‘પ્રાકૃત’ કહે છે :
‘પ્રાકૃતબંધ કવિતમતિ કરી’૫

તો પછી ગુજરાતી ભાષાને ‘ગુજરાતી’ કહેનાર સર્જક કોણ? મળતા પુરાવાઓના આધારે કહી શકાય કે ગુજરાતી ભાષાનું નામકરણ પ્રેમાનંદના ‘દશમસ્કંધ’માં થાય છે :
રુદે ઉપન્યો મારે અભિલાખ
બાંધું નાગદમણ ગુજરાતી ભાષા.૬

આ આધાર પર કહી શકાય કે પ્રેમાનંદ સૌપ્રથમવાર પોતાની ભાષાને ‘ગુજરાતી ભાષા’ તરીકે ઓળખાવે છે. ‘દશમસ્કંધ’ની રચના સાલ અંગે મતમતાંતરો છે પણ તેની રચના સત્તરમી સદી પછી થઈ હોવાનું અનુમાન છે. આટલી સ્પષ્ટતા પછી જ્યોર્જ ગ્રિયર્સને પોતાના ભારતીય ભાષાસર્વેક્ષણમાં નોંધેલી એક વાત જોવા જતા એક નવો વળાંક આવે છે. તેમના મત અનુસાર ગુજરાતી ભાષાનો ‘ગુજરાતી’ તરીકેનો નિર્દેશ સૌપ્રથમવાર ઈ.સ. ૧૭૩૧માં બર્લિનના ગ્રંથપાલ લા ક્રોઝેએ કરેલો મળે છે.૭ જોકે આ મત અંગે અવઢવ રહેલી છે. પણ આપણે એટલું જરૂરથી કહી શકીએ કે સત્તરમી સદી પછી આપણી ભાષાને ‘ગુજરાતી ભાષા’ એવું નામ મળ્યું.

હવે પછીનો પ્રશ્ન એ છે કે ‘ગુજરાતી’ તરીકે ઓળખાતી આપણી ભાષાના આરંભની સ્થિતિ શું હશે અને તેના મૂળ ક્યાં સુધીની ગહનતા ધરાવતા હશે?

ગુજરાતી ભાષાનો ઉદ્ગમ :

પ્રશાંતપણે કે ખળખળ વહી જતી રમ્યઘોષા નદીને જોઈને કે તેમાં સ્નાન કરીને એકાદવાર પ્રશ્ન જરૂર થાય કે આ નદીનું મૂળ ઉદ્ભવસ્થાન ક્યાં હશે? એ જ રીતે આપણાં સઘળાં જીવનવ્યવહારોને સાચવતી ગુજરાતી ભાષાના આરંભબિંદુ અંગે પણ વિચારવું રહ્યું કેમકે, ગુજરાતીને ભાષા તરીકે સ્થિર થવા પૂર્વે એક લાંબી સમયરેખામાંથી પસાર થવું પડ્યું છે. એ બાબતને સમજવા જગતના ભાષાકુળ તરફ દૃષ્ટિ કરવી પડે. ભાષાવૈજ્ઞાનિકોએ ગહન અભ્યાસના બળે વિશ્વની ભાષાઓને મુખ્યત્વે તેર ભાષકુળોમાં વિભાજિત કરી છે. તેમાં મતભેદો રહેલા છે, જોકે તથ્ય પણ પડેલું છે. એ તેરમાંનું એક ભાષાકુળ એટલે ભારત-યુરોપીય(Indo-European) ભાષાકુળ. જે ગુજરાતી ભાષાસંદર્ભે લાગુ પડતું અને વિશ્વનું સૌથી મોટામાં મોટું ભાષાકુળ છે. ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ, કેટલાક ભાગને બાદ કરતા સમગ્ર યુરોપમાં તથા દક્ષિણ ભારત સિવાયના સમગ્ર ભારતમાં આ કુળની ભાષાઓ બોલાય છે.

ગુજરાતી ભાષા ભારત-યુરોપીય કુળમાં સમાવિષ્ટ છે. ભારત-યુરોપીય કુળ વિવિધ શાખાઓમાં રહેલું છે તેમાંની ભારતીય-આર્ય શાખા ગુજરાતી ભાષા બાબતે અગત્યની છે. ગુજરાતી ભાષાનો ઉદય આ ભાષામાંથી થયો છે. ઈ.સ. પૂર્વે ૧૫૦૦માં કે તે પહેલાં આર્યો ભારતમાં આવ્યા ત્યારથી ભારતીય-આર્ય શાખા અસ્તિત્વમાં આવી. જો કે હરિવલ્લભ ભાયાણી તો છેક પ્રાગૈતિહાસિક સમયમાં ભરતવર્ષમાં પ્રવેશ કરીને ત્યાં સ્થાયી બનેલા આર્યોની ભાષાને ભારતીય-આર્ય ભાષા ગણાવે છે.૮

ગુજરાતી ભાષાના જ્યાં મૂળ પડેલાં છે તે ભારતીય-આર્ય ભાષાના વિકાસને ત્રણ તબક્કામાં રજૂ કરી સમજવો વધુ સરળ રહેશે.

ભારતીય-આર્ય ભાષાની ત્રણ ભૂમિકા :

આર્યભાષા એટલે ભારતમાં આવીને સ્થિર થયેલાં આર્યોની ભાષા. શરૂઆતથી લઈને અત્યાર સુધીનો તેનો વિકાસ અહીં ત્રણ ભૂમિકામાં પ્રસ્તુત છે.૯
(૧) પ્રાચીન ભારતીય-આર્ય :
ઈ.સ. પૂર્વે ૧૫૦૦ કે પછીથી લઈ ઈ.સ. પૂર્વે ૫૦૦ સુધીની ભાષાભૂમિકાનો સમાવેશ અહીં થાય છે. જેમાં વૈદિક સંસ્કૃત અને પ્રશિષ્ટ સંસ્કૃત વગેરે ભાષાસ્વરૂપનું ચલણ હતું.
(૨) મધ્યમ ભારતીય-આર્ય :
ઈ.સ. પૂર્વે ૫૦૦થી ઈ.સ. ૧૦૦૦ સુધીની ૧૫૦૦ વર્ષની ભાષાભૂમિકાને મધ્યમ ભારતીય-આર્ય ગણવામાં આવી છે. આ સમય દરમિયાન પાલિ, પ્રાકૃત અને અપભ્રંશ વગેરે જેવી ભાષાનો પ્રચાર-પ્રસાર થયો.
(૩) અર્વાચીન ભારતીય-આર્ય :
ઈ.સ. ૧૦૦૦થી આજ સુધીના ભાષાસમૂહનો સમાવેશ આ ભાષાભૂમિકામાં થાય છે. જેમાં ગુજરાતી, મરાઠી, બંગાળી, હિન્દી, પંજાબી વગેરે સાંપ્રત ભારતીય ભાષાઓ સમાવિષ્ટ છે. અગિયારમી સદીમાં ભિન્ન ભિન્ન પ્રાકૃતો અને અપભ્રંશ ભાષા અસ્ત પામવા લાગે છે અને સ્થાનિક બોલીઓનો ઉદય થાય છે. જેમાંથી અર્વાચીન ઉત્તર ભારતીય ભાષાઓ રૂપે ગુજરાતી, મરાઠી, બંગાળી, પંજાબી વગેરે ભાષાઓ વિકાસ પામી સ્વતંત્ર બનવા માંડે છે. ભારતીય-આર્યની આ ત્રીજી અર્વાચીન ભૂમિકાથી ગુજરાતી ભાષા મારવાડી ભાષા સાથે આરંભમાં એક સરખો વિકાસ પામી, સમય જતા સ્વતંત્ર વિકાસ સાધી વિશેષ સ્વરૂપે ઊભરી આવે છે.

ઉપરની ત્રણેય ભાષાભૂમિકાને સમજતા વિષેશરૂપે એ જાણવા મળ્યું છે કે ભારતીય-આર્યની પ્રથમ એટલે કે પ્રાચીન ભૂમિકામાં ઋગ્વેદ અને બ્રાહ્મણગ્રંથોની જે ભાષા હતી તેને વૈદિક સંસ્કૃત તરીકે ઓળખવામાં આવતી. આ સાથે જે સઘળા જનસમૂહની લોકભાષા હતી તેને પ્રશિષ્ટ સંસ્કૃત એવું નામ આપ્યું છે. આર્ય પ્રદેશમાં પ્રજાની અવર-જવર અને લોકોના સ્થળાંતરને પગલે પ્રશિષ્ટ સંસ્કૃત લાંબો સમય સ્થિર રહેતું નથી. એટલે પ્રશિષ્ટ સંસ્કૃતમાંથી ભાષાનું એક હળવું સ્વરૂપ લોકવ્યવહારનું માધ્યમ બને છે. આ ભાષાઅસરને ભારતીય-આર્યની બીજી ભૂમિકા એટલે કે મધ્યમ ભારતીય આર્યમાં સમાવી લેવાઈ છે. આમ બનતા પ્રશિષ્ટ સંસ્કૃતમાંથી ક્રમશ: પાલિ, પ્રાકૃત અને અપભ્રંશ જેવી ભાષાઓ વિકાસ પામે છે. ત્યાર પછી ત્રીજી ભૂમિકામાં આગળ જોયું તેમ અર્વાચીન ભાષાઓ વિકાસ પામી છે. આ સમગ્ર ઘટનાક્રમને વિશેષરૂપે સમજીએ :

પાલી અને પ્રાકૃત :

સંસ્કૃતમાંથી અનાર્ય પ્રજાના સંપર્ક કે ઉચ્ચારણની ખામીથી ભ્રષ્ટ થયેલું જે નવું ભાષાસ્વરૂપ તે પ્રાકૃત અને પ્રાકૃત-સંસ્કૃતને બહું મળતી આવતી ભાષા તે પાલિ. મહાવીર સ્વામી(ઈ.સ. પૂ. ૫૨૫) અને ગૌતમ બુદ્ધ (ઈ.સ. પૂ. ૫૦૦) મગધ દેશમાં લોકોપદેશ આપવા શિષ્ટ સંસ્કૃતને બદલે તત્કાલિન લોકબોલીમાં જે પ્રવચનો કર્યા અને એ જનબોલી વિશેષ રીતે વિકાસ પામી આગળ આવી તે પાલિ. હરિવલ્લભ ભાયાણી પણ આ સંદર્ભે નોંધે છે, ‘મૂળ મગધ પ્રદેશની બોલીમાં રચાયેલા બૌદ્ધ ધાર્મિક સાહિત્યના જૂની સિંહાલી ભાષામાં થયેલાં રૂપાંતરનો પાછળથી માલવ પ્રદેશની પ્રાકૃતમાં જે અનુવાદ થયો તેની ભાષા પાલિને નામે ઓળખાઈ.’૧૦

પ્રાકૃત ભાષા બાબતે કમળાશંકર ત્રિવેદીનો મત આ મુજબનો છે, ‘પાલિથી વિશેષ ભ્રષ્ટ થયેલી ભાષા તે પ્રાકૃત.’૧૧

પ્રાકૃત ભાષાનું સ્વરૂપ જનબોલીઓ અને અશોકકાલીન શિલાલેખોની ભાષાથી આગળ વધીને પ્રશિષ્ટ પ્રાકૃતનું સ્વરૂપ ધરે છે. આ પ્રશિષ્ટ પ્રાકૃત સમયમાં મુખ્યત્વે ચાર પ્રાકૃતો પ્રવર્તતી હતી : શૌરસેની, મહારાષ્ટ્રી, માગધી અને પૈશાચી પ્રાકૃત. આ નામો પ્રદેશિક ભૂમિકાને ઇંગિત કરે છે. જયંત કોઠારી પ્રાકૃત ભાષાને બે થરમાં સ્વીકારે છે:૧૨
(૧) પ્રથમ થરની પ્રાકૃત :
- જે ઈ.સ. પૂ. ૧૨૦૦થી ઈ.સ. પૂ. ૫૦૦માં વેદકાળનું તળપદું ભાષાસ્વરૂપ ગણાતું હતું.
(૨) દ્વિતીય થરની પ્રાકૃત :
-જે ઈ.સ. પૂ. ૫૦૦થી ઈ.સ. ૧૦૦૦ સુધી સાહિત્યિક પ્રાકૃત તરીકે ત્રણ તબક્કામાં વિભક્ત છે :
(અ) પૂર્વકાલીન પ્રાકૃત ભાષાઓ
(બ) ઉત્તરકાલીન પ્રાકૃત ભાષાઓ
(ડ) અંતિમ પ્રાકૃત

અપભ્રંશની ભૂમિકાને સમજવા ઉત્તરકાલીન પ્રાકૃત ભાષા મહત્વની છે. ઉત્તરકાલીન પ્રાકૃત નર્મદાની ઉત્તરમાં સિંધ, પંજાબ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, સૌરાષ્ટ્રને આવરી લેતા વિશાળ પ્રદેશની ભાષાને શૌરસેની પ્રાકૃતને નામે ઓળખવામાં આવી. અપભ્રંશનું એ ઉદ્ગમ સ્થાન છે.

અપભ્રંશ ભાષા :

સમય જતા શૌરસેની પ્રાકૃત તેનાં અલગ-અલગ જૂથમાં છૂટી પડવા લાગે છે અને તે સાથેનું પ્રાકૃત માંથી ભ્રષ્ટ થયેલું એક નવું ભાષારૂપ ઈ.સ. ૬૦૦માં અસ્તિત્વમાં આવે છે જે અપભ્રંશ તરીકે જાણીતું બને છે. હરિવલ્લભ ભાયાણીના મત પ્રમાણે ‘પાંચમી-છઠ્ઠી શતાબ્દિના અરસામાં પશ્ચિમ કાંઠાની અને મધ્યદેશની લોકબોલીઓમાં આંશિક મિશ્રણવાળી એક નવી સાહિત્યભાષા પ્રચલિત બની તે ભાષા તે અપભ્રંશ.’૧૩

પ્રાકૃત-અપભ્રંશ બાદ ગુજરાતી ભાષાવિકાસના જે ફેરફારો થયા તે તરફ એક નજર કરીએ.
ગુજરાતી ભાષા : વિકાસરેખા :

શૌરસેન ભાષાપ્રદેશમાંથી ઈ.સ. ૮૦૦-૧૦૦૦ અરસામાં પંજાબ-લહંદા-સિંધ ભાષાજૂથ અલગ પડવાના અણસાર છે. આ ભાષાજૂથમાંથી આગળ જતા ઈ.સ. ૯૦૦-૧૧૦૦ના સમયગાળામાં રાજસ્થાની-ગુજરાતી ભાષાજૂથ (શૌરસેન પ્રદેશમાંથી) અલગ પડે છે. આ સમયગાળામાં આ બંને ભાષાઓ એકસરખાં ભાષાકીય પરિવર્તનો સાથે સજોડે વિકાસ પામી છે અને અંતે રાજસ્થાનીથી અલગ પડીને એક સ્વતંત્ર ભાષા તરીકે ગુજરાતી ભાષા વિકસે છે. આમ વિકસી આવેલા ગુજરાતી ભાષાના મૂળગામી ભાષાવિકાસને આ રીતે દર્શાવી શકાય :

વૈદિક સંસ્કૃત→શિષ્ટ સંસ્કૃત→પાલિ→પ્રાકૃત→અપભ્રંશ→ગુજરાતીનું આરંભબિંદુ→ગુજરાતી ભાષા‬‬‬‬‬‬‬‬‬‬‬‬

ભાષા તરીકે સ્વતંત્ર થયેલી ગુજરાતી ભાષાની આરંભથી લઈને અર્વાચીન ભાષા તરીકેની ગતિ કેવી રહી છે તે અંગે હવે વાત કરીએ. ખાસ કરીને અપભ્રંશમાંથી ગુજરાતી ભાષા છૂટી કઈ રીતે પડી અને પછી કેવો વિકાસ પામી તે જોવાનું રહ્યું. આ બાબતે તબક્કાવાર સમયનોંધ સાથે વિદ્વાનોએ અભ્યાસ કર્યો છે. ભાષાવિકાસ સંદર્ભે એ નોંધ લેવી ઘટે. આ પ્રમાણે જોવા જતા નરસિંહરાવ દિવેટિયા ગુજરાતી ભાષાના વિકાસને છ યુગમાં રજૂ કરે છે૧૪ :
(૧) અપભ્રંશ : વિ.સં. ૯૫૦ પર્યંત;
(૨) મધ્ય અપભ્રંશ : વિ.સં.ના તેરમા સૈકા પર્યંત;
(૩) અંતિમ અથવા ગુર્જર અપભ્રંશ (પ્રાચીન પશ્ચિમી રાજસ્થાની) : વિ.સં.ના તેરમાં સૈકાથી વિ.સં. ૧૫૫૦ સુધી;
(૪) પ્રાચીન ગુજરાતી : વિ.સં. ૧૫૫૦થી વિ.સં. ૧૬૫૦ સુધી;
(૫) મધ્ય ગુજરાતી : વિ.સં. ૧૬૫૦થી વિ.સં. ૧૭૫૦ સુધી;
(૬) અર્વાચીન ગુજરાતી : વિ.સં. ૧૭૫૦ અને તે પછી.

આ યુગવિભાગો સાથે તેમણે ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય’(૧૯૫૭)ના બીજા પુસ્તકમાં ગુજરાતી ભાષાનાં લક્ષણોની પણ ચર્ચા કરી છે.

સદ્. સાક્ષર દિવાન-બહાદુર કેશવ હર્ષદ ધ્રુવ ગુજરાતી ભાષાવિકાસને ત્રણ યુગમાં દર્શાવે છે :૧૫
(૧) અપભ્રંશ યુગ : ઈ.સ.ના દસમા-આગિયારમા શતકથી તે ચૌદમા શતક પર્યંતનો સમય,
(૨) જૂની ગુજરાતીનો યુગ : ઈ.સ.ના ચૌદમા-પંદરમા શતકથી સત્તરમા શતક સુધીનો સમય અને
(૩) ત્યારપછીનો અર્વાચીન ગુજરાતીનો સમય

કે. કા. શાસ્ત્રી કેશવ હર્ષદ ધ્રુવે સૂચવેલા યુગવિભાગોને અનુસરતા હોય એ રીતે તેમાં કેટલાક પેટા વિભાગો ઉમેરે છે.૧૬
(૧) ગુર્જર અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી :
પ્રથમ ભૂમિકા : (ઈ.સ.ની ૧૧મી સદી સુધી)
દ્વિતીય ભૂમિકા : (ઈ.સ.ની ૧૧મી સદીથી ચૌદમી સદી પર્યંત)
(૨) ગુર્જર ભાષા કે મધ્યકાલીન ગુજરાતી
પ્રથમ ભૂમિકા(શુદ્ધ) : (ઈ.સ. ૧૩૫૦-૧૪૨૫)
દ્વિતીય ભૂમિકા(મિશ્ર) : (ઈ.સ. ૧૪૨૫-૧૫૦૦)
તૃતીય ભૂમિકા(શુદ્ધ) : (ઈ.સ. ૧૫૦૦-૧૫૭૫)
ચતુર્થ ભૂમિકા (-) : (ઈ.સ. ૧૫૭૫-૧૬૫૦) અને
(૩) અર્વાચીન ગુજરાતી :
પ્રથમ ભૂમિકા : (ઈ.સ. ૧૬૫૦-૧૮૨૫)
દ્વિતીય ભૂમિકા : (અત્યારે ચાલુ છે તે.)

સ્વ. કાંતિલાલ વ્યાસ ગુજરાતી ભાષાવિકાસના સ્પષ્ટ ત્રણ તબક્કા આમ દર્શાવે છે૧૭ :
(૧) પ્રાચીન ગુજરાતી : આચાર્ય હેમચંદ્રના સમયથી તે પદ્મનાભ-ભાલણ સુધીનો, અર્થાત્ ઈ.સ.ના ૧૪-૧૫ સૈકા સુધીનો સમય.
(૨) મધ્ય ગુજરાતી : દયારામ સુધીનો અર્થાત્ લગભગ ૧૬મા સૈકાથી તે ૧૯મા સૈકાના આરંભકાળ સુધીનો સમય.
(૩) અર્વાચીન ગુજરાતી : નર્મદથી વર્તમાન સમય સુધીનો સમય.

જયંત કોઠારીએ તેમના અધ્યયન ગ્રંથમાં ગુજરાતી ભાષાવિકાસની ત્રણ ભૂમિકાઓ આ મુજબ આપી છે૧૮ :
(૧) ગુજરાતીનો ઉદ્ભવ : પહેલી ભૂમિકા :
સમય : ઈ.સ.ની દસમી-બારમી સદીથી ઈ.સ.ની ચૌદમી સદી સુધી
(૨) ગુજરાતીનો વિકાસ : બીજી ભૂમિકા :
સમય : ઈ.સ.ની પંદરમી સદીથી સત્તરમી સદીનો પૂર્વાર્ધ
(૩) ગુજરાતીનો વિકાસ : ત્રીજી ભૂમિકા :
સમય : સત્તરમી સદીના ઉત્તરાર્ધથી આજ સુધી

આ રીતે આપણા પૂર્વ ભાષાવિદોએ કરેલું ગુજરાતી ભાષાના ઉદ્ભવ-વિકાસને લગતું અર્થઘટન વિભિન્ન યુગવિભાજન-તબક્કા-ભૂમિકાઓમાં પ્રાપ્ત થાય છે. આ પ્રાપ્ય સામગ્રીના આધારે એટલું નક્કી છે કે ઈ.સ.ની દસમી-બારમી સદીમાં ગુજરાતી ભાષા જનભાષા તરીકે આગળ વધવા લાગે છે. પરંતુ એ ગુજરાતીનું શુદ્ધ સ્વરૂપ ન હોવાથી વિદ્વાનો તેના આરંભકાળને-તબક્કાને જુદાંજુદાં નામથી ઓળખાવે છે. કેમકે, દસમી-બારમી સદીમાં અપભ્રંશમાંથી જે ભાષા ઉદ્ભવી તે એકલા ગુજરાતની નહીં પણ એક વિશાળ પ્રદેશની હતી. ગુજરાત-રાજસ્થાન-માળવાના વિસ્તારનું એ એક સંયુક્ત ભાષાસ્વરૂપ હતું. વળી આગળ વાત કરી એ પ્રમાણે ગુજરાતી અને રાજસ્થાની એક સાથે વિકસે છે. અર્વાચીન ગુજરાતીનો ઉત્તરભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગની ભાષા સૈકાઓ સુધી એક સરખો વિકાસ સાધે છે. મૂળરાજદેવથી આશરે સિદ્ધરાજ જયસિંહના સમય સુધી હેમચંદ્રાચાર્યે વર્ણવેલી અપભ્રંશ અને ત્યાર પછીના બસો-ત્રણસો વર્ષ સુધી આ બંને સ્થળોની ભાષા એક સાથે એકસરખા લક્ષણોથી વિકસે છે. આ સમયની ભાષાનું અધ્યયન કરતા ડૉ. એલ. પી. તેસ્સિતોરી આ બંને ભાષાને અભિન્ન માનીને આશરે સંવત ૧૨૦૦થી સંવત ૧૫૦૦ સુધીની ભાષાભૂમિકાને ‘પ્રાચીન પશ્ચિમી રાજસ્થાની’(Old Western Rajasthani) તરીકે ઓળખાવે છે. આ જ ભાષારૂપ રાજસ્થાની અને ગુજરાતી બંનેના સમન્વય વાળું હોવાથી ઉમાશંકર જોશી તેને ‘મારું-ગુર્જર’ એવા નામથી નવાજે છે.

એ પ્રમાણે જોતા બીજા વિદ્વાનોએ પણ પોતાના આગવા નામ સૂચવ્યાં છે :
● નરસિંહરાવ દિવેટીયા : અંતિમ અપભ્રંશ કે ગૌર્જર અપભ્રંશ
● કેશવ હર્ષદ ધ્રુવ : અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી
● કે. કા. શાસ્ત્રી : ગુર્જરભાષા અથવા જૂની ગુજરાતી
● કાંતિલાલ વ્યાસ : પ્રાચીન ગુજરાતી

આમ, આરંભની ગુજરાતી ભાષા અંગે વિવિધ નામવાલીઓ પ્રાપ્ત થાય છે પરંતુ આ દરેક નામ સાર્થક ન કહી શકાય. ‘પ્રાચીન ગુજરાતી’ નજિકનું સરખું નામ થયું પરંતુ ‘અપભ્રંશ’ એ બંધબેસતું લાગતું નથી કેમકે, તો પછી અપભ્રંશથી ગુજરાતીની ભિન્નતાનો ખ્યાલ જ નથી રહેતો. ‘પ્રાચીન પશ્ચિમી રાજસ્થાની’ કે ‘મારું-ગુર્જર’ નામ તર્કસંગત લાગે છે. પણ આ સૌમાં ગુજરાતીનું પહેલાનું-આરંભનું એટલે કે જૂનું સ્વરૂપ એવો કે. કા. શાસ્ત્રીએ આપેલો ‘જૂની ગુજરાતી’ શબ્દ સૌથી વધુ યોગ્ય લાગે છે. જયંત કોઠારીએ પણ આ શબ્દને સ્વીકાર્યો છે.

આ પછીથી એટલે કે ઈ.સ.ની પંદરમી સદી આસપાસના સમયથી ગુજરાતી ભાષા પોતાની આગવી ભાષાકીય લાક્ષણિકતાઓ સાથે વિકાસ સાધીને સ્વતંત્ર ભાષારૂપે સતત વિકસતી રહે છે અને અર્વાચીન સ્વરૂપે નર્મદના સમયથી વધુ નિખાર પામી ગૌરવશાળી પ્રતિભા સાથે આપણા સુધી વહી આવી છે.

ગુજરાતી ભાષા અંગેના પૂર્વવર્તી અભ્યાસો :

ગુજરાતી ભાષાનો ભાષા તરીકેનો અભ્યાસ વર્તમાન સમયમાં વ્યાપ્ત વ્યાવહારિક ભાષા પરથી થઈ શકે પણ તેનું આરંભથી વિકસતું આવતું આંતરિક સ્વરૂપ કેવા પ્રકારનું હતું. તે અંગે જાણવા સાહિત્ય ઘણે અંશે કારગત નિવડે. આથી આપણા પૂર્વ ભાષાવિચારકોએ ગુજરાતી ભાષાના સાહિત્યની મદદથી ગુજરાતી ભાષાના નૂતન લક્ષણોની તારવણી કરી છે. એ અર્થે આપણને કેટલોક ભાષાઅભ્યાસ પ્રાપ્ત થાય છે. હરિવલ્લભ ભાયાણીએ આ સંદર્ભે કાર્ય કર્યું છે. તેમણે ગુજરાતી ભાષાને તેની પૂર્વ ભાષાભૂમિકાથી જુદી પડતાં કેટલાંક વ્યવહારલક્ષણો તારવી આપ્યાં છે.૧૯ એ લક્ષણો માટે તેમણે નવા સ્વરૂપે લખાયેલી કૃતિઓ જેવી કે, વજ્રસેનસૂરિકૃત ‘ભરતેશ્વર-બાહુબલિ ઘોર’(ઈ. ૧૧૬૯), શાલિભદ્રસૂરિકૃત ‘ભરતેશ્વર-બાહુબલિ રાસ’(ઈ. ૧૧૮૫), ધર્મકૃત ‘જંબુસામિચરિત્ર’(ઈ. ૧૨૧૦) વગેરેને જૂની ગુજરાતીના આરંભની કૃતિઓ ગણાવી છે.

કમળાશંકર ત્રિવેદી પાસેથી આવો એક અભ્યાસ મળે છે. તેમણે જૂની ગુજરાતીમાંથી ગુજરાતી ભાષાના સ્વરૂપ સુધીનું જે સાહિત્ય છે તેમનો વ્યાકરણની દૃષ્ટિથી અભ્યાસ કરી નવાં અર્થઘટનો સાથેની સરળ ભાષાલાક્ષણિકતાઓ રજૂ કરી છે.૨૦

એ પછી નરસિંહરાવ દિવેટિયાએ પણ મુંબઈ યુનિવર્સિટીને આશ્રયે આપેલાં વિલ્સન ભાષા-શાસ્ત્ર વિષયક વ્યાખ્યાનોમાં ‘ગુજરાતી ભાષા-ઇતિહાસ અને ઉત્ક્રાંતિ’એ પાંચમા વ્યાખ્યાનમાં પાટણ, જૈન હસ્તપ્રતભંડારની કેટલીક હસ્તપ્રતો અને ગુજરાતી સાહિત્યનો ઝીણવટભર્યો અભ્યાસ કરી, હસ્તપ્રત-સાહિત્યકૃતિઓનાં નમૂના લઈ તેની ભાષાતપાસ કરી વ્યાકરણને લાગતાં તારણો આપ્યાં છે.૨૧

ડૉ. કાંતિલાલ વ્યાસ જુદાજુદા સૈકાઓ પ્રમાણે જૂની ગુજરાતી, મધ્ય ગુજરાતી અને અર્વાચીન ગુજરાતીનો વિકાસ સાહિત્યિક દૃષ્ટિએ કેવો થયો છે એ બાબતે ભાષાના નમૂના સહ સચોટ ચર્ચા કરે છે.૨૨

વિદ્વાનોએ કરેલી આ સમગ્ર ચર્ચાથી મધ્યકાળ સુધીની ગુજરાતી ભાષા એટલે કે દયારામના સમય સુધી કેવા તબક્કામાં અને કેવાં ભાષાકીય પરિવર્તનો ધારણ કરીને આગળ આવી એ અંગે જ્ઞાત થવાય છે. એમાં ક્યાંક કવિ નર્મદની વાત પણ વણી લેવામાં આવી છે. તેમ છતાં આ અભ્યાસ નર્મદથી આગળ વધી શક્યો નથી. માટે આપણે સુધારકયુગ અને તે પછીની ભાષાકીય બાબતો પ્રત્યે તપાસ હાથ ધરવી રહી. આ લખનારે સરદાર પટેલ યુનિવર્સિટીમાં ડૉ. પિનાકિની પંડ્યાના માર્ગદર્શન હેઠળ ‘સુધારકયુગની ગુજરાતી ભાષા : એક અભ્યાસ’ વિષય પર ગુજરાતી ભાષાનો ભાષાવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અભ્યાસ કર્યો છે. જેને લઈને સુધારકયુગનું ભાષાપોત સામે આવ્યું. હજુ આ તપાસને વિસ્તારવાનો આશય સેવ્યો છે જે હવેથી પીએચ. ડી.ના સંશોધનકાર્ય હેઠળ વિસ્તુત સમયપટને આવરી લઈને થશે.

ગુજરાતી ભાષા આપણા વ્યવહારની મૂડી છે. તેને અહીં તેના આરંભબિંદુથી વિકાસની ભૂમિકા તરફ વહી જતી બતાવવાનો પ્રયાસ કર્યો છે. આ બાબતે હજુ ઘણું ઘણું વિચારી શકાય તેમ છે. અંતે ઉમાશંકર જોશીના શબ્દો યાદ કરી લઉં...

સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી...

:: સંદર્ભસૂચિ ::

  1. નરસે મહેતાકૃત કાવ્યસંગ્રહ-‘સુરતસંગ્રામ’, ૭૨-૨
  2. શાસ્ત્રી કે. કા., ‘નરસિંહ મહેતો’ અધ્યયન, પૃ.૨૮
  3. ભાલણ, ‘નાળાખ્યાન’ કડવું-૧-૧
  4. ભાલણ, ‘દશમસ્કંધ’ પૃ. ૩૨૬-૧, ૩૪૭-૧, ૩૩૬-૧૫
  5. પદ્મનાભ, ‘કાન્હડદે-પ્રબંધ’, ૪-૩૫૦
  6. પ્રેમાનંદ, ‘દશમસ્કંધ’, અધ્યાય ૧૬, કડવું-૫૪
  7. Linguistic Survey of India V.9, P.2, P. 733
  8. ભાયાણી હરિવલ્લભ, ‘વ્યુત્પત્તિ વિચાર’, પૃ. ૫૧
  9. કોઠારી જયંત, ‘ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ’, પૃ. ૫૧
  10. ભાયાણી હરિવલ્લભ, ‘વ્યુત્પત્તિ વિચાર’, પૃ. ૫૩
  11. ત્રિવેદી કમળાશંકર, ‘ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ’, પૃ. ૧૮
  12. કોઠારી જયંત, ‘ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ’, પૃ. ૭૨
  13. ભાયાણી હરિવલ્લભ, ‘વ્યુત્પત્તિ વિચાર’, પૃ. ૫૮
  14. દિવેટીયા નરસિંહરાવ, ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય’ પુસ્તક-૨, પૃ.૧૧૩-૧૧૪
  15. ધ્રુવ કેશવ હર્ષદ, બીજી ગુજરાતી-સાહિત્ય પરિષદનો રિપોર્ટ-પ્રમુખ ભાષણ, પૃ-૪
  16. શાસ્ત્રી કે. કા., ‘આપણા કવિઓ’ ખંડ ૧, પૃ. ૧૨-૧૩
  17. વ્યાસ કાંતિલાલ, ‘ગુજરાતી ભાષા-ઉદ્ગમ, વિકાસ અને સ્વરૂપ’, પૃ. ૮૧-૮૬
  18. કોઠારી જયંત, ‘ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ’, પૃ. ૮૧-૮૬
  19. ભાયાણી હરિવલ્લભ, ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ ભાગ-૧, ગુજરાતી સાહિત્ય પરિષદ, પૃ. ૩૮ ૨૦. ત્રિવેદી કમળાશંકર, ‘ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ’, પૃ. ૨૨-૪૪
  20. દિવેટીયા નરસિંહરાવ, ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય’ પુસ્તક-૨, પૃ. ૫-૧૧૪
  21. વ્યાસ કાંતિલાલ, ‘ગુજરાતી ભાષા-ઉદ્ગમ, વિકાસ અને સ્વરૂપ’, પૃ. ૯૨-૧૦૧

રજનીકુમાર જયંતિભાઈ પરમાર, પીએચ. ડી. શોધછાત્ર(જે.આર.એફ.) અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦ મો. ૯૭૩૭૩૧૪૬૩૨