Download this page in

ચરોતરની પ્રચલિત લોકકહેવતો

લોકસાહિત્યના મુખ્ય ચાર વિભાગોમાં લોકકથા, લોકગીત, લોકનાટ્ય અને લોકોક્તિનો સમાવેશ થાય છે. લોકોક્તિમાં દુહા, સોરઠા, ભડલી વાક્યો, લૌકિક વ્યુત્પત્તિ, મહેણાં-ટોણાં, રૂઢિપ્રયોગો અને કહેવતોનો સમાવેશ થાય છે. કહેવતો એ સમાજના ડાહ્યા અને શાણા માણસોના અનુભવોમાંથી ઉતરી આવતું કથન છે. જેમાં કથા, ઘટના, પ્રસંગો, બનાવોના આધારે વ્યક્તિજીવનમાં જે અસર વર્તાય છે, કે જે વસ્તુ વ્યક્તિમાનસ પર તીવ્ર પ્રભાવ પાડે છે તે કહેવત સ્વરૂપે આપણી સમક્ષ પ્રગટ થાય છે. કહેવતના ઉદ્દભવ પાછળ કોઈ કથા, ઘટના કે બનાવ જવાબદાર છે તેથી કહેવતના મૂળ જાણવા હોય તો તેના દ્રષ્ટાંતોને તપાસવા આવશ્યક બની રહે છે. કહેવતો પાછળ આપણા પૂર્વજોને જીવનમાં થયેલા અનુભવોનો નિચોડ છુપાયેલો છે. જે શિખામણ, જ્ઞાન, ડહાપણનો ભંડાર છે. જો માનવીય જીવનમાં વપરાતી કહેવતોના અર્થોને સમજી તેનાં દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી તેમાં પ્રગટ થયેલી શિખામણને સ્વીકારીને જીવન જીવવામાં આવે તો તે સુખમય જીવનનો નમૂનો થઈ પડે. કહેવતો દ્વારા જે આપણને સમાજનું જ્ઞાન થાય છે તેનાં દ્વારા જીવનમાં આવતી સમસ્યાઓથી બચી શકાય છે. તેમાં શિખામણો છુપાયેલી હોવાથી તેનાં દ્વારા આપણું જીવન સુખમય અને આનંદી બને છે. આથી આપણા જીવનમાં કહેવતોનું સ્થાન ઘણું ઊંચું અને મહત્વનું છે. આજના સમયમાં પણ વ્યક્તિ પોતાના રોજિંદા વ્યવહારમાં પોતાની વાતને અસરકારક બનાવવા માટે કહેવતોનો સહારો લે છે. તેથી જ વ્યક્તિ જીવનની વ્યવહારું ભાષામાં કહેવત ઘણું મહત્વ ધરાવે છે.

ચરોતરની પ્રચલિત લોકકહેવતોનું વર્ગીકરણ :-

ચરોતરની કહેવતોને અલગ- અલગ મથાળાં જેવા કે, જાતિ આધારિત કહેવતો, જ્ઞાતિ આધારિત કહેવતો, વૃત્તિ કેન્દ્રિત કે માનવ સ્વભાવ કેન્દ્રિત કહેવતો, સંસ્કૃતિ કેન્દ્રિત કે જીવનદર્શન યુક્ત કહેવતો તથા અન્ય કહેવતો હેઠળ વર્ગીકૃત કરી છે. જે રીતે ચરોતરમાં કહેવતોનો પ્રયોગ થાય છે એ રીતે જઆ કહેવતો મૂળ ચરોતરી બોલીમાં જ મૂકી આપી છે.

જાતિ આધારિત કહેવતો :-

જાતિ આધારિત કહેવતોમાં સ્ત્રી અને પુરુષલક્ષી કહેવતોનો સમાવેશ થાય છેજે નીચે મુજબ છે :

I. સ્ત્રી કેન્દ્રીત કહેવતો :-

 • “રૂપને રડવાનું ને કરમને કુટવાનું”
 • “ડાયી હાહરે જાય ને ગોંડીને હિખામૉણ આલે”
 • “છોકરાના લખ્ખણ પોયણામાં, ને વઉંના લખ્ખણ બોયણામાં”
 • “ફાફાની ફોઈને અથરામણ”
 • “ખળખળતીને છોયણે ઊભું ના રેવાય”
 • “ઘૈડી ગાયને કોટે ડેરા”
 • “છાહ લેવા જઈએ ને દોણી પાછળ રાખવી એ કોણે કહ્યું ?”
 • “બાડી બોત્તેર લખ્ખણની હોય”
 • “પરહારમાં રેનારી ઓયડો મુકાવે”
 • “ફુવેર ધધુડેય મોં અલાવે”
 • “ખોયણામાં માથું ને ધમહેરીઓ હું કુટવાની”
 • “રોંડ ગોંડી તો રોંડના લૂંગડાય ગોંડા ?”
 • “છાહમાં મૉખણ જાય રૉડ ફુવેર ગણાય”
 • “ઘણી જૉણે ધોયુ ને મન જૉણે વેછર્યું”
 • “ઉતાવરી રોંડ છાજિયા લે”
 • “અહતી જાય, રડતી જાય ને છાહની દોણી ભરતી જાય”
 • “ઑંખ કોણી કરજે પણ દેહ (દેશ) કૉણો ના કરતી”
 • “જાય ખોખું ને થાય ચોખું”
 • “મૂળે કારેલી કડવી ને લીમડે ચડી”
 • “મૂળે ઊંચી ને ઉકરડે જઈને ઊભી”
 • “જીભડી ઘર-ખેતર મુકાવે”
 • “લૂલી વાહીદું વાળે ને હાત જણને કૉમે લગાડે”
 • “બૉડીને તાં કાંહકી ચેવી?”
 • “ઘરડી ગાયને ઘુઘરા ઘણાં”
 • “હોય(સોય) ના જાય તૉ હૉમેલું ખોહી ઘાલે”
 • “ખાખરાની ખિહકોલી હાકરનો હવાદ હું જૉણે”
 • “નાગો બાવરીયોય હણગારેલો હારો લાગે”
આમ, સમાજમાં સ્ત્રીને કેન્દ્રમાં રાખીને વિભિન્ન કહેવતો બોલાતી હોય છે જેમાં, સ્ત્રીઓમાં રહેલાં દુર્ગુણો, ટેવો, શિખામણ વગેરે નજરે પડે છે. તેવી જ રીતે કેટલીક પુરુષકેન્દ્રી કહેવતો જોઈએ.

II. પુરુષ કેન્દ્રીત કહેવતો :-
 • “બાવો ઉઠ્યોને બગલમાં હાથ”
 • “ચરબીના ભરેલા ચટકા ખાય”
 • “ગોકડીયો તે કાંઈ ગોંડો હે તે દેવારીને(દિવાળી) દા’ડે ઘેંહ પીવે”
 • “રાજાને ગમતી રૉણી છૉણા વેણતી ઑણી”
 • “જમાઈ તો જમરો કેવાય”
 • “ગજામાં પૈઈ નય ને ઊભા બજારે દોડ મુકે ઓરવા (ખરીદવા)”
 • “ગજા વગરની ગધેડીને અમદાવાદનું ભાડુ મૉગે”
 • “ચુલા લગર ચલણ નય ને કે માર નામ ભઠીયારો”
 • “લાય ઘોડો ને કાઢ વરઘોડો”
 • “મરઘો હોય તો જ હવાર થાય ?”
 • “ઉજ્જડ ગૉમમાં એડો (એરંડો) પરધાન”
 • “વડ એવા ટેટા, બાપ એવા બેટા”
 • “બાવો બેઠો ઝૉપે જે આયુ તે ખપે”
આમ, પુરુષને કેન્દ્રમાં રાખીને પુરુષના લક્ષણો અને તેમાંય આપણો દેશ પુરુષપ્રધાન દેશ માટે તેનો મોભો-વર્ચસ્વ અહીં લોકકહેવતોમાં જોવા મળે છે. તેવી જ રીતે અમુક જ્ઞાતિ વિષયક જે કહેવતો છે તેમા જે-તે જ્ઞાતિની ખાસિયત, જીવનપધ્ધતિ અથવા તો તેના ધંધા-રોજગાર વિષયક ઉલ્લેખો પણ કહેવતો દ્વારા નિર્દેશાય છે.

જ્ઞાતિ વિષયક કે જ્ઞાતિ કેન્દ્રીત કહેવતો :-
 • “હલકું લોય હવલદારનું”
 • “મૂરે (મૂળે) વાઘરણને વગરે(વગડે) લૂંટી”
 • “બારોટના બાર હોઠ”
 • “બારોટની બોલી AK-56 ની ગોળી”
 • “મારી- મારીને મુસલમાન ન બનાવાય”
 • “હૈ (સઈ/દરજી) નો છોરો જીવે ત્યાં લગીર સીવે”
 • “મીયા મસાલા વગર મોરા, ભોંય પડે તોય ટાંગ ઊંચીને ઊંચી”
 • “બ્રાહ્મણ ઝેર ખાય પણ ઘેર ના ખાય”
 • “પટેલ પાડોને પારધી, પેટમાં પેહીને પગ પોળા કરે”
દરેક માનવીની વૃત્તિ અલગ-અલગ અને ક્યારેક કોઈક અંશે સરખી હોય છે. અને તેની વૃત્તિઓમાં જ તેનો સ્વભાવ દેખાય આવે છે તેવી કેટલીક કહેવતો જોઇએ.

વૃત્તિ કેન્દ્રીત કે માનવસ્વભાવ કેન્દ્રીત કહેવતો :-
 • “દૂધનો દાઝેલો છાહ્ય ફૂકી-ફૂકીને પીવે”
 • “ચા કરતા કીટલી ગરમ”
 • “અધૂરો ઘડો વધુ છલકાય”
 • “જે થાળીમાં ખાય એમૉ જ છૅદ કરે”
 • “હાર્યો જુગારી બમણું રમે”
 • “પોતાની ઑખોમાં તો ભારૉટીયો ને બીજાની ઑખોમાં તણખલું જૉવે”
 • “જેની ઑખોમાં કમરો હોય એને હૉમે બધું પીરું જ દેખાય”
 • “રડ્યાને રડવા લાગવાનું, ગાય એને ગાવા લાગવાનુંને અહે(હસે) એને અહવા(હસવા) લાગવાનું”
 • “દેહ બદલાય પણ વેહ ના બદલાય”
 • “તોલા તણાઈ જાય ને ધળાને વળગી રેવું”
 • “મૂળમાં મૉટી(માટી) નય ને હાહરે હંદેહા”
 • “ભાગોરે દુઃખને ઘેર ખાટલો ઢારે”
 • “લૉભી હોય તાં ધુતારાં ભુખે ના મરે”
 • “હેઠ (શેઠ)ની હિખોમણ જૉપા હુધી”
 • “કૂતરાંની પૂંછડી હાત ભોંયમાંદાટો તૉય વોંકી તે વૉકી જ”
 • “આવડે એટલું બોલવું નય, ભાવે એટલું ખાવું નય”
 • “એક તો માંગીને ખાવું ને ગરમ ખાવું”
 • “અડધે રોટલે દાળ લેવી”
 • “ભસ્યા કૂતરા કરડે નહીં, ગાજ્યા મેઘ વરસે નહીં”
 • “છેકતા છેડું પડે”
 • “ખાલી ચણો વાગે ઘણો”
 • “માર પિય્યા મારા જેના ઢંગ તેના તે”
 • “વડ જાય પણ વટ ન જાય”
પ્રસ્તુત કહેવતોમાં માનવીની વૃત્તિઓ કે સ્વભાવ કેવો છે ? તે દર્શાવે છે જેમાં લોકની લાગણી, સંવેદનાઓ, એષ્ણાઓ, ખુમારી, કટાક્ષ-વ્યંગ્યાર્થ વગેરે તાદ્રશ્ય થાય છે.

કહેવતોમાં માનવીના જીવનનું દર્શન થાય છે. જેમાં શિખામણ, ડહાપણ, શાણપણની વાતો, લોકજીવનના અનુભવમાં સારરૂપ કહેવતો, સંસારના નિરીક્ષણ દ્વારા સિદ્ધાંતરૂપે, સૂત્રરૂપે કે દ્રષ્ટાંતરૂપે કહેવતોમાં માનવજીવન સ્પષ્ટપણે ઝીલાયેલું હોય છે. તો આવી સંસ્કૃતિકેન્દ્રી કે જીવનદર્શનયુક્ત કેટલીક કહેવતો જોઈએ.

સંસ્કૃતિકેન્દ્રી કે જીવનદર્શનયુક્ત કહેવતો :-
 • “રાત ઓછી ને વેહ ઝાઝા”
 • “ગરજના મારે ગધેડાનેય બાપ કેવો પડે”
 • “દૂરથી ડુંગર રડિયૉમણા”
 • “આપેલું ને તોપેલું કદી રહેતું નથી”
 • “અનવતનું ધન બોઉ દા’ડા ના ચાલે”
 • “માગ્યા વગર તો માંય ના પિરહે”
 • “વાડ હોય તો વેલો ચડે”
 • “મન હોય તો મૉડવે જવાય”
 • “જાત વગર જાતરા હુની”
 • “બોલ્યું બાર પડે ને રોધ્યું વરે પડે”
 • “રાંડીયા પછીનું ડાપણ (ડહાપણ)”
 • “કોંકરે કોંકરે પાર બંધાય”
 • “ઝાઝી કીડીઓ હાપને ખેંચે”
 • “ઉતાવરે ઑબા ના પાકે”
 • “નમેં એ હૌને ગમે”
 • “વાવે એવું લણે, કરે એવું પૉમે”
 • “જાતે મર્યા વગર હરગ (સ્વર્ગ)માં ના જવાય”
 • “ઠગ વિદ્યા ઠાઠે નય”
 • “હુકાને(સુકા) હાથે લીલાએ બરવું પડે”
 • “તાળી એક હાથે ના પડે”
 • “હૂતો હાપ હારો”
 • “વ્યક્તિનો સ્વભાવ લાકડા હારે બરે”
 • “પેટ કરાવે વેઠ”
 • “ખાધેલું ખભે આવે”
 • “પેટમાં ગયેલું ગણ કરે”
 • “જમણી જમાડે, ડાબી ડુબાડે”
 • “બાંધ્યું ભૂખે મરે, ફરતું ચરે”
 • “જેને રામ રાખે, એને કુણ ચાખે”
 • “કૂવામાં હોય તો અવાડામાં આવે”
 • “લાખ મલ્યા નય ને લાખેશ્રી થયા નય”
 • “બાધી મુઠ્ઠી લાખની, ખોલો તો ખાખની”
 • “જેને કોઈ ના પોંચે એને એનું પેટ પોંચે”
 • “કીડીને કણ ને હાથીને મણ”
 • “જળ, જમીન ને જોરૂ કજિયાના છોરું”
 • “ઓડ, ઉમરેઠના ઊંડા કૂવા દિકરી દે એના મા-બાપ મુઆ”
 • “ગોળ વિના મોળો કંસાર, માત વિના સુનો સંસાર”
 • “ચેતતા નર સદા સુખી”
 • “ના બોલવામાં નવ ગુણ”
 • “બોલે એના બોર વેચાય”
 • “ઘોડે ચઢતો બાપ મરજો પણ દરણું દરતી માઁ ન મરો”
 • “ના મામા કરતા કાણો મામો હારો”
 • “આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય”
 • “ભૂતનો વાંહ પેપરે”
 • “માઁ તે માઁ બીજા બધા વગડાના વા”
 • “ગૉમમાં પિપરીયું ને ગૉમમાં હાહરીયું”
 • “ઓળખીતો હુથાર વધાર ટચકો મારે”
 • “ખભે કોથળોને દેહ(દેશ) મોકળો”
 • “પાકાં ઘડે કાઠાં ના ચઢે”
 • “ઓળખીતો હવલદાર બે દંડા વધારે મારે”
 • “પાણીમાં રેવાનું ત્યાં મગર હારે દુશ્મની ના કરાય”
ઉપરોક્ત કહેવતોમાં વ્યક્તિને સમાજનું દર્શન થાય છે જે દ્વારા તેને જીવન કઈ રીતે જીવવું તેની શિખામણ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે અન્ય કેટલીક ચરોતરના વિસ્તારમાં પ્રચલિત કહેવતો છે જેમા પશુ-પંખી, પ્રકૃત્તિના તત્વોલક્ષી, કુટુંબલક્ષી વગેરે પ્રકારની કહેવતો મળી આવે છે જે નીચે મુજબ છે.

અન્ય કહેવતો :-
 • “જવાનથી પાડુય ના વળે ને ઘૈડા ગાડું વાળે”
 • “અસવરની (ઉત્સવ) નાગી ઑબલી”
 • “ઘરના છોકરા ઘંટી ચાટે ને બાવાને આટો”
 • “મન મંદિરમાં ને જીવ જોડામાં”
 • “વખાણેલી ખીચડી ડૉઢે વરગે”
 • “ધરમની ગાયને હેંગરા હું જોવાના હોય”
 • “લખમી ચાંલ્લો કરવા આવે તો કપાર ધોવા ના જવાય”
 • “વાગે તીર નય તો ટપકું”
 • “પૉણીમાં રેવાનું ને મગરથી હું બીવાનું ?”
 • “ધૂરમા રેવું ને ધૂપેલનો હવાદ હું કરવાનો?”
 • “ચૉમડી ટુટે પણ દમડી ના છૂટે”
 • “હંગરેલો હાપેય કૉમમાં આવે”
 • “કાગરાનું બેહવું ને ડાળનું ભાગવું”
 • “લંકાની લાડી ને ઘોઘાનો વર”
 • “કેરમાં છોરું ને ગૉમમાં ઢીંઢોરો”
 • “ભેંહ આગર ભાગવત હું કરવાની ?”
 • “માઁ મરજો પણ માહી (માસી) જીવજો”
 • “છોરું કછોરું થાય, પણ માવતર-કમાવતર ના થાય”
 • “ઘેર ભેંહ ને ભાંગરે ઝૈડકા”
 • “જહના માથે જૂતિયા”
 • “ઉલમાંથી ચૂલમા પડવું”
 • “વગર વાંકે ભાંગરો વટાઈ જવો”
 • “આખું કોરું ગયું હાકમાં (શાકમાં)”
 • “દૂધ દોણામાં ગયું તો હાચું, ને હેઠે ગયું તો ખોટું”
 • “ઈંદને દા’રે ચોરા ને દેવારી(દિવાળી)ને દા’રે ઘેંશ”
 • “બીજાનો મ્હેલ(મહેલ) જોય પોતાનું ઝૂપડું થોડું તોડી નંખાય”
 • “બગાહું ખાતા પતાહું મલે”
 • “દોડવું’તું ને ઢાર મલીયો”
 • “ભેંહ ભાગોરે, છાહ છાગોરે ને ઘેર ધમાધમ”
 • “કોથળામાંથી ઉદેડું નેકર્યું”
 • “ભાંગ્યું તૂટ્યું તોય ભરૂચ કે’વાય”
 • “દહેરાને દા’ડે ઘોડા ના દોડે”
 • “પૈઈની પેદાશ નયને ઘડીની નવરાશ નય”
 • “ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો”
 • “જીવતો હાથી લાખનો, મરે તો હવા લાખનો”
 • “ભાવતું’તું ને વૈદે કીધું”
 • “બકરું કાઢતાં ઊંટ પેઠું”
 • “રાજા, વાજા ને વાંદરા ત્રણેય હરખા”
 • “ચોરનો ભાઈ ઘંટી ચોર”
 • “અન્ન પારકું હોય પેટ થોડું પારકું હોય”
 • “હાપ(સાપ) ગયા ને લીહોટા રઈ ગયા”
 • “હાપ(સાપ) ને ઘેર હાપ પરોણો”
આમ, ઉપરોક્ત દરેક કહેવતોમાં વિવિધ પ્રકારની કહેવતો ઝીલાયેલી છે’ જેમાં જાતિકેન્દ્રી, જ્ઞાતિકેન્દ્રી, સંસ્કૃતિ કે જીવનદર્શન કેન્દ્રી કે પછી અન્ય પ્રકૃત્તિના તત્વો કે કુટુંબલક્ષી કેટલીક કહેવતો પણ જોઈ શકાય છે. જેમાં લોકલય, લોકબોલી, લોકભાવ, લાગણી, સંવેદનાઓ, એષ્ણાઓ, કટાક્ષ-વ્યંગ્યાર્થ, શિખામણ વગેરે જોવા મળે છે. જેને ચરોતરની કહેવતોની લાક્ષણિકતાઓ ગણાવી શકાય. તેમાં ચરોતરી બોલીનીલયાત્મકતા કેન્દ્રસ્થાને છે. જે આજે આધુનિકતાને કારણે અને ટેકનોલૉજી તથા અંગ્રેજી શિક્ષણનું માધ્યમ વધ્યું હોવાથી ઉપરોક્ત કહેવતોમાં અમુક કહેવતો શિષ્ટરૂપે જ જોવા મળે છે. કારણ કે ચરોતર પ્રદેશના વિસ્તારોમાં ચરોતરી બોલીમાં કોઇપણ શિક્ષિત વ્યક્તિ ‘સ’નો અઘોષ ‘હ’ કરતો નથી. છતાં ચરોતર પ્રદેશમાં વસતાં હજુ ઘણાં અભણ માણસોની બોલીમાં ઉપરોક્ત ચરોતરી બોલીના લક્ષણો જોવા મળે છે. શિક્ષણના કારણે તથા શહેરીકરણના કારણે ચરોતરી બોલીમાં રહેલી લાક્ષણિકતાઓ હવે ગામડાંમાં કે શહેરમાં બોલાતી કહેવતોમાં જોઈ શકાતી નથી છતાં, અમુક કહેવતોમાં ચરોતરી બોલીની છાંટ જે ગામડાંમાં બોલાય છે તેમાં જ તેની મધુરતા પ્રગટ થાય છે જે અન્ય શિષ્ટ બની ગયેલી કહેવતોમાં જોવા મળતું કે અનુભવાતું નથી.

સંદર્ભ ગંથો :-
 1. કહેવત કોશ, રતિલાલ સાં. નાયક, ત્રી.આ. ૨૦૧૩
 2. ચરોતરમાં બોલાતી કહેવતોનો સંગ્રહ, પટેલ, ચતુર, પ્ર.આ. ૨૦૦૬
 3. રૂઢિપ્રયોગો- કહેવતો અને છંદ-અલંકાર, બ્રહ્મભટ્ટ, પ્રસાદ, પ્ર.આ. ૨૦૦૪
માહિતીદાતા :-
 1. વણકર કમળાબેન નાનજીભાઈ      ઉ.વ. ૬૮-       નાપાવાંટા
 2. રાણા નુરજહાઁબાનું અયુંબખાન       ઉ.વ. ૩૮-       નાપાવાંટા
 3. વણકર મધુબેન સીમોનભાઈ          ઉ.વ. ૫૮-       નાપાવાંટા
 4. મેકવાન સુશીલાબેન                        ઉ.વ. ૬૫-       ચાવડાપુરા
 5. પટેલિયા હિતેશભાઈ                        ઉ.વ. ૨૮-       સણજાયા
 6. બારોટ મીનાબેન કીરીટભાઈ          ઉ.વ. ૫૩-       ભાટીયેલ
 7. બારોટ શારદાબેન રમણભાઈ         ઉ.વ. ૭૩-       ભાટીયેલ

પરમાર સંજના જોનભાઇ, આસિ.પ્રોફેસર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, એન.એસ.પટેલ આર્ટસ કૉલેજ,આણંદ