Download this page in

ભારતીય લોકનાટ્યો ભવાઈ : એક અધ્યયન

શ્રી ઉમાશંકર જોશીના શબ્દોમાં કહીએ તો, ‘લોકસાહિત્ય એ લોકકંઠની હલક દ્વારા અને નહિ કે પોથીઓ દ્વારા જીવતું હોઈ સ્થળ. સ્થળની જુદી જુદી બોલીઓમાં મળવાનું.’ પ્રજાની ઊર્મિઓને, એની આદિમ ભાવનાઓને વાચા આપતું આ સાહિત્ય કોઈ એક વ્યક્તિનું નહિ પણ જનસમસ્તનું છે, તેની વિશિષ્ટતા વ્યક્તિગત નથી પણ સાર્વજનીક છે, સભાન કલાત્મક અભિવ્યક્તિ નથી પણ સહજ સુંદર વાણીના પ્રગટીકરણમાં છે. એના હલકભર્યા વૈવિધ્યસભર લયહિલ્લોલમાં એક આત્મીયતા છે આ બધાથી પર એ સમાજની આરસી છે. લોકજીવન, રીતરિવાજ, આચારવિચારનું મેળવણ કરીને આ લોકસાહિત્ય ધર્મ, ઇતિહાસ અને સંસ્કૃતિને પોતાનામાં સંઘરે છે. લોકો સાથેનો સંપર્ક જ નાટકના સ્વરૂપને વિશેષ નિકટનો બનાવે છે.

લોકજીવન સાથે જ સંકળાયેલું અને લોકમાં જ જન્મેલું, વિકસેલું અને પ્રવર્તિત બનેલું જે રૂપ છે તે તો વિવિધ ધાર્મિક વિધિઓ, વ્રતો અને ઉત્સવોની ક્રીડાઓમાં જોવા મળે છે, એ લોકનાટ્યનું મૂળભૂત અને આદિરૂપ છે. સાહિત્યમાં માધ્યમ તરીકે વાણીની સિદ્ધિ પછી પણ માણસ જ્યારે પોતાના અનુભવને બીજા પાસે પૂર્ણ સ્વરૂપમાં પહોંચાડી શક્તો નથી એમ લાગ્યું ત્યારે, પોતાન શરીરના અવયવોનો ઉપયોગ કરીને પણ પોતાની વાત પ્રગટ કરતો થયો અને એમાંથી અભિનય સિદ્ધ થયો અને આ અભિવ્યક્તિના એક માધ્યમ તરીકે વાણી અને સંગીત કરતાં અભિનય એક બાબતમાં તાત્ત્વિક રીતે ભિન્ન છે. લોકનાટ્યોનો વિકાસ માણસના સામાજિક ફલકના વિસ્તાર સાથે થયો છે.

કાળાનુક્રમે લોકપ્રવાહમાં લોકનાટ્યોમાં વૈવિધ્ય આવ્યું, એ ટકી રહ્યાં તેમાં આવી પ્રશિષ્ટ ધારાઓમાંથી મળતું પોષણ પણ કારણરૂપ છે. લોકનાટ્ય અને પ્રશિષ્ટ નાટ્ય વચ્ચેનો મુખ્ય ભેદ કથાનકના પ્રમાણ અને વિનિયોગનો છે. લોકનાટ્યમાં કથાનકનો આધાર જરૂર પૂરતો હોય છે. લોકનાયકના મોટાભાગના પ્રકારો અને સ્વરૂપોને સંબંધ ‘કથા’ સાથે છે. કથા અને વાર્તા એ બંનેમાં કલ્પેલું કે બનેલું કહેવાનું હોય છે. આવું બનેલું કહેવાય ત્યારે એ માત્ર અહેવાલ કે વિગત બનીને ન રહે અને રસોત્પાદક બને એ માટે કથાનાં વર્ણન, સંવાદ જેવાં ઘટકતત્વો સિદ્ધ થયાં.

માણભટ્ટ કે બીજો કોઈ કથક કથા માંડે છે, ત્યારે એમાં અભિનયના અંશો પણ ઉમેરાય છે. શ્રોતા પણ સંકળાય છે એમાં આમાંથી જ કાળક્રમે કથાને વિવિધરૂપે રજૂ કરતા પ્રકારો જન્મ્યાં, તેને ખાસ વ્યાવસાયિકો તૈયાર થયાં. રામકથાને કુશીલવોએ ગાઈ-વગાડી રજૂ કરી અને એ કથાઓમાંથી જ રામલીલાના સ્વરૂપ બંધાયાં. કૃષ્ણકથાને નાટ્યાત્મકરૂપ આપ્યું, રાસલીલા અને કૃષ્ણકથાના એવા વિવિધ નાટ્યાત્મક પ્રકારો સ્થાન પામ્યાં અને ત્રીજો પ્રકાર આ ભારતીય કલાઓનો પ્રાણવાયુ જેવી પાંડવકથા.

રાજસ્થાનમાં ભોપા-ભોપીની જેમ ચિત્રપટનો આધાર લઈને રજૂ કરે તો ક્યાંક વ્યાવસાયિકો એને લોકનાટ્યનું રૂપ આપે. આમ, પૌરાણિક, દંતકથામૂલક અને કલ્પનોત્થ પ્રકારની જે જે કથાઓ લોકપ્રિય બની તે ભારતના વિવિધ પ્રદેશોમાં લોકનાટ્યનું રૂપ વિકસતી ગઈ. આમાંથી વિશેષ પ્રકાર આવ્યો તે હાસ્ય-રમૂજનો, એમાં સામાજિકતા પણ પ્રવેશી. ગુજરાતનું મુખ્ય લોકનાટ્ય ભવાઈ છે અને તેમાં સમાજનાં જ ભિન્ન ભિન્ન અંગોને એની સમસ્યાઓનો આધાર લઈને હાસ્ય નિષ્પન થાય છે.

વિશ્વની પણ વિવિધ જાતિઓના લોકનૃત્યો, પોપસીંગરના શ્રાવ્યદ્રશ્ય આલ્બમ દ્વારા ફ્યૂઝન મ્યૂઝિકની સાથે ફ્યૂઝન ડાન્સ પણ પરિચિત બન્યાં અને દરેક પ્રદેશના નવ યુવાનો પર એની વ્યાપક અસર પડી. કોઇપણ મધુર ઢાળ કે તરત જ રસપ્રદકથાની જેમ, લોકપ્રવાહમાં તો પાણી પર પડતા ટીપાંની જેમ પ્રસરી જાય છે. પ્રાચીન અને મધ્યકાલીન સમયમાં જેમ કથાઓ અને વિવિધ પરંપરાઓ વિવિધ પ્રદેશમાં પ્રસરી તેમ વિશ્વસ્તરના જ અનેક નૃત્ય પ્રકારોની અસર પ્રસરતી જાય છે અને લોકોને, એક સમૂહને એના એના એકમને જ્યારે પોતાનો આનંદ પોતાની રીતે જ સામૂહિક સહભાગિતાથી ગાવો-નાચવો હોય છે ત્યારે એમાં આ બધા જ તત્વો પણ મૂળ પરંપરા સાથે જ સંકળાયેલા છે અને એમાંથી જ સાંપ્રત લોકવિદ્યા પોષણ મેળવે છે.

મધ્યકાળમાં ભારતભરમાં નૌટંકી, યાત્રા, કીર્તનિયા, પાલગાન, વિદેશિયા, રાસ, સ્વાંગ, ભાંડ, ઝૂમર, લલિત, તમાશા, ભાગવતમેલા વગેરે લોકનાટ્યોના પ્રકારો પ્રવર્તેલા હતાં. ગુજરાતમાં મધ્યકાળની રાજકીય અસ્થિરતામાં નાટક અને રંગભૂમિનું સ્થાન લોકોમાં ભજન, કીર્તન, આખ્યાન, લોકવાર્તા, ભવાઈ, રામલીલા, ગરબી-ગરબા, જૈન રાસા વગેરેએ લીધું હોય એમ જણાય છે. ડૉ. ચિનુભાઈ નાયક નોંધે છે કે, ભારતના અન્ય ત્રણ વિભાગોમાં મણિપુરી, કથ્થક, ભરતનાટ્યમ ઇત્યાદિ નૃત્યવિશેષની જેવી પ્રણાલિકા હતી તેવી ઉત્તર ભાગમાં ભવાઈ એ વાસ્તવમાં એક નૃત્યપ્રણાલી જ હતી. આપણા લોકનાટ્ય ભવાઈનું ઉત્પત્તિ સ્થાન ઉત્તર ગુજરાત છે. ઉત્તર ગુજરાતનું પ્રાચીન નામ આનર્ત છે. તેની વ્યુત્પત્તિ નર્તન કરનાર લોકોનો પ્રદેશ એવી અપાઈ છે. ભવાઈ કરનાર ભવૈયાઓના વસવાટની ભૂમિ આ પ્રદેશ છે એ આ અર્થમાં સાર્થક છે.

લોકનાટ્ય સંવાદ સાથે ગાયન, વાદન અને નૃત્ય પણ સંકળાયેલા છે. ‘સંગીત’ એવા પર્યાયમાં જ ‘ગીતની સાથે’ એવો પ્રયોગ છે અને ગાયન, વાદન અને વર્તન એ ત્રણેનો એમાં સમાવેશ થાય છે. એમાં અભિનયનું નિમિત્ત ઉમેરાતાં તે નાટ્યનું રૂપ ધારણ કરે છે અને સંગીતરૂપ રચનાઓની અભિનય સાથે ગાનની રજૂઆતમાંથી જ પ્રશિષ્ટ ધારાના કથકલી, ઠુમરી જેવા પ્રકારો સિદ્ધ થયાં. પશ્ચિમનાં સંગીત-નાટકો બેસે પણ આ લોકપરંપરામાંથી વિકસ્યાં છે. લોકો સુધી જવાની, એમનો સંપર્ક સાધવાની, એમની લગોલગ રહીને વાત પહોંચાડવાની જરૂર ઊભી થઈ, તે વખતે ભવાઈનો સહારો લીધા વિના છૂટકો જ નહોતો.

ગુજરાતી લોકનાટ્ય ભવાઈ:-

ગુજરાતના લોકનાટ્ય તરીકે ભવાઈ સર્વસ્વીકૃત છે. ભવાઈમાં ઘણી જૂની ભારતીય લોકનાટ્યની પરંપરા સચવાયેલી છે. ભરતમુનિએ રચેલા ‘નાટ્યશાસ્ત્ર’માંના પૂર્વરંગ અને રૂપકોનાં કેટલાંક લક્ષણો લઈ તેમજ ઉપરૂપકો કે ‘ગેયપ્રેક્ષ્ય’ના પ્રકારોમાંથી કેટલાંક અંશોને સાચવું રાખતું લોકનાટ્ય ગુજરાતમાં ‘ભવાઈ’ના સ્વરૂપે વિકાસ પામ્યું છે. ‘નાટ્યદર્પણ’, ‘ભાવપ્રકાશન’ અને ‘સાહિત્યદર્પણ’માં ‘પ્રેક્ષણક’ તરીકે કે નાટ્યસ્વરૂપ વર્ણવ્યું છે તે ભવાઈના સ્વરૂપને ઘણું મળતું આવે છે.

ભવાઈ માટે ભાવન શબ્દ સાથે એનો સંબંધ સાંકળી રસિકલાલ છો. પરીખ ભવાઈ એ અંબામાતાના મંદિરમાં થતું ભાવન અર્થાત વાદ્યો સાથેનું ગીતનૃત્ય સહિતનું સ્તવન એમ અર્થ બેસાડે છે; પરંતુ’ ડૉ. હરિવલ્લભ ભાયાણીને તેરમી સદીની હોઈ શકે તેવી ‘સાવયધમ્મ-દોહા’નામની કૃતિમાંથી ‘ભાવન(ભવાઈ)’ શબ્દ મળી આવ્યો છે. જ્યાં તેનો અર્થ છે ‘ભપકો, શોભા, સજાઈ, સજાવટ.’ ‘કાન્હડદે-પ્રબંધમાંથી ભવાડવું’ એવો શબ્દો શોધી તેનો અર્થ છે. ‘દીપાવવું’, શોભા વધારવી તેની સાથે સાંકળ્યો છે. આ સાથે ‘માધવાનલ-કામ-કંદલા-કથામાંથી’ ભવાઈ આ શબ્દ લઈ એનો ‘સિદ્ધાશબ્દાર્ણવ’ કોશમાંના ‘ભ્રૂફુસ’ શબ્દ સાથે સંબંધ જોડી ‘સ્ત્રીવેશ ધારણ કરનાર નટ’ અર્થ સંશોધ્યો છે. આ જોતા ‘ભવાઈ’ એટલે ‘ભપકો કે સજાવટવાળી ભજવવાની વિશિષ્ટ રચના’ એવો અર્થ ગૃહિત છે.

ભવાઈનું આજનું સ્વરૂપ ઈ.સ. ૧૨૦૦-૧૩૦૦ની આસપાસ વિકાસ પામ્યું ‘ભવાઈ’માં જે વસ્તુ છે તે એ સમયના રાજ્યપલટા અને સમાજપરિવર્તનનું દ્યોતક છે. ભવાઈ ધાર્મિક ઉપાસનાનો ભાગ છે. ‘ભવાઈ’ના વેશોમાં ભાવન શબ્દ શક્તિ મહાત્મ્યની પૂજનવિધિ વખતે રચવામાં આવતી ગદ્યપદ્યાત્મક પ્રસંગકથાના સંદર્ભમાં અનેકવાર વપરાયો છે. આ જોતા ‘ભવાઈ’ને ભાવન સાથે સંબંધ હોય એમ ચોક્કસપણે લાગે છે. મૂળ સંસ્કૃત શબ્દ ‘રાસન’-(‘સ્વાદ આપે એવું’) પરથી રસોઈ શબ્દ આવ્યો તેવી જ રીતે ભવાની(શક્તિ)ના ‘ભાવન’માંથી ‘ભવાઈ’ શબ્દ નીકળ્યો હોય.
भव – સંસાર
भू – થવું, હોવું
भवपति – થઈ રહ્યું છે.

બીજા તારણ મુજબ, ભવાઈ એટલે ‘ભવ-વહી’, ચોપડો છે. આ ચોપડામાં આપણા ભવનો હિસાબ છે. આપણે કેવા છીએ એ આરસીમાં દેખાય તેવું સ્પષ્ટ બતાવ્યું છે અને એટલે જ એ સમાજની અને ખાસ કરીને આપણી નબળાઈઓની વહી બની રહે છે. આ ભવાઈ શરુ કરનાર કોમ તે ત્રગાળા-તરગાળા નાયક. મધ્યયુગ વીત્યા પછી આ ત્રગાળા જ્ઞાતિનો ઉદ્ભવ થયો. આ ત્રગાળા શબ્દનું મૂળ ત્રણ ઘરવાળા એટલે કે ઔદિચ્ય, શ્રીમાળી અને વ્યાસ. આ ત્રણે ઘર પરથી શબ્દ આવ્યો ત્રગાળા. આ કોમમાં પણ જુદા જુદા વાડા બંધાતા ગયા ને દરેક વાડામાં નાયકો થતા ગયા ને એ નાયકોની વળી પાછી કોમો થઈ. એમાંથી એક કોમ ભવાઈ કરનારાની એટલે કે ભવૈયાઓની થઈ અને એમણે અભિનયકલા સિદ્ધ કરી.

ભવાઈના આદ્યનિર્માતા કવિ અસાઈત હતા, એમ ભવાઈ પરંપરા સૂચવે છે અને એ અંગેની કેટલીક દંતકથાઓ પણ મળે છે. અસાઈતનો વેશના રચયિતા તરીકે ઘણી વેશરચનાઓમાં આવતો ઉલ્લેખ આ પરંપરાગત સૂચનને બળ આપે છે. વળી અસાઈતના કેટલાક જાણીતા થયેલા જીવન પ્રસંગો પણ આ હકીકતને સમંતિ આપે છે. અસાઈત પોતે જેમના ગોર હતા, તેવા ઊંઝા ગામના એક પાટીદાર યજમાનની સુંદર કન્યા તેનું ત્યારના તે પ્રદેશના કોઈ મુસ્લિમ વહીવટકર્તાએ અપહરણ કર્યું હતું. તેને બચાવવા પ્રયત્ન કરે છે. એમ કરવામાં એમણે પોતાની સંગીત કલાની આવડતથી તે મુસ્લિમોને રીઝવે છે અને અપહરણ કરાયેલી કન્યા પોતાની પુત્રી કે પરણેતર છે એમ કહી તેને છોડાવે છે પણ છોડાવતા પહેલાં અસાઈત કન્યા સાથે એક ભાણે બેસી જમીને પોતાનો સંબંધ સાબિત કરે છે, આ પ્રસંગથી અસાઈત પોતાની જ્ઞાતિમાંથી બહાર(નાતબહાર) મુકાય છે. અસાઈત સંગીતકલાના જાણકાર હતા. તેથી તેમના કુટુંબીજનોએ ગાનવાન અને નાટકનો ધંધો સ્વીકારી ભવાઈના સ્વરૂપે શક્તિપૂજાના ભાગ તરીકે નબળાઈઓની નોંધ કરતા ગયા ને કટાક્ષની ભાષામાં પ્રત્યેક દિવસનો એક એ રીતે તેણે આશરે ૩૬૦ વેશો લખ્યાં, આમાંના ઘણા વેશો અપ્રાપ્ય છે; કેટલાકનાં માત્ર નામો મળે છે. આજે એમાંથી ૬૦-૬૫ જેટલાં ‘ભવાઈ’ના વેશો મળે છે. આ વેશો સામાન્ય રીતે ધાર્મિક, ઐતિહાસિક, પૌરાણિક, દંતકથાત્મક તથા સામાજિક એવા પ્રકારો પાડી શકાય તો કેટલાક વેશો બહુ જ ઓછા ગદ્ય(સંવાદો)વાળા, માત્ર નૃત્યપ્રધાન અથવા અંગકસરતના તેમજ જાદુ, સમતોલન શક્તિ તથા હસ્તકૌશલ્યની બીજી કરામતો દેખાડી અદ્ભુત રસ ઉત્પન્ન કરતા, ખેલો દેખાડતા જણાય છે. આમાં પૌરાણિકમાં શંકરનો, કાન ગોપીનો, રામ રાવણનું યુદ્ધ તો ઐતિહાસિક વેશમાં સઘરા જેસંગ, રા’નવઘણ વગેરે જયારે સામાજિકમાં ક્રિયાકાંડી, દંભી બ્રાહ્મણનો વેશ, કાળીમાતાનો વેશ, વોરાજીનો વેશ, વાણીયાનો વેશ, પુરબિયાનો વેશ, હીરાલાલ લાંચિયાનો વેશ વગેરે તથા દંતકથાઓમાં જસમા ઓડણ, રાજા ભરથરી, મોરકળા ને અલબેલો વગેરે વેશો લખ્યાં. આ ભવાઈના વેશોનું વસ્તુ જિવાતા જીવનનો પડઘો પાડે છે. પ્રચલિત લોક અવસ્થાને લઈ લોકો આગળ, ગીત, નૃત્ય, ટુચકા કે મર્મવિનોદથી એનું અનુકરણ કરી બતાવી લોકોને હસાવી, રીઝવી, વ્યવહારબોધ આપી દેવાનો ઉપક્રમ દેખાય છે.

ભવાઈના પૂર્વરંગમાં જોઈએ તો, જે જગ્યા પર ભવૈયાઓનો ઉતારો હોય, એ મંદિર હોય, ધર્મશાળા હોય, ચોરો હોય કે પછી ચોગાન હોય ત્યાં પ્રારંભ કરતા પહેલાં સૌ ભવૈયાઓ એક દીવો પ્રગટાવે છે. મશાલની જ્યોત પ્રજ્વલિત કરે છે. સામેની ભીંત કે પાટપર માતાજીની તસ્વીર મૂકી પૂજન-અર્ચન કરી, કંકુથી સાથીયો કાઢી ત્રિશૂલ દોરે છે. સાથિયાના પાંખીયા દિશાઓના દિક્પાળોનું રક્ષણ છે. ત્રિશૂલ આકાશ પૃથ્વીના દૈવી અંશોનું રક્ષણ છે. આ બધા ભેગા મળીને માતાજીની ગરબી ગાય છે. પછી, સામૈયું કાઢી બહાર વિશાળ ચોગાનમાં આવે. ‘ચાચર’ની હદ નક્કી થાય છે. ચાચરની હદ એટલે ધરતી પૂજન. આંતરિક જલતી જ્યોત આત્મતત્વની ઉપાસના છે. ખરેખર, આ પ્રકૃતિ પૂજા છે. ભવાઈના પૂર્વરંગમાં કે ચાચરમાં ભૂંગળ વાગે ત્યારે ભૂંગળનું મુખ પ્રારંભમાં ધરતી ભણી, પછી સહેજ ઊંચે આસપાસ, સૃષ્ટીમાં ફેલાય એ રીતે પછી આકાશ ભણી વાગે ત્યારે એમ લાગે કે કોઈ દૈવીતત્વનું આકાશમાંથી અવતરણ થઈ રહ્યું છે. આ સમયે વૈદિક ધર્મમાંથી વિકસેલા સ્માર્ત, ભાગવત, સૌર શાક્ત, શિવ, ગાણપત્ય આદિ સંપ્રદાયો ગુજરાતમાં પ્રચલિત હતાં. આજે પણ ભવાઈની શરૂઆતમાં ત્રણ વેશ પહેલાં ભજવાય છે. ગણપતિ, કાલી અને બ્રાહ્મણ, ગણપતિ વિધ્નહર્તા, કાલીનું શક્તિ પ્રતિક છે. આમ, ભારતીય દર્શનની મૂળશક્તિ પ્રકૃતિમાં જ રહેલી છે તેને સાદ્ર્શ્ય કરે છે.

વેશોની રજૂઆતમાં એક વૈશિષ્ટય એ હતું કે એક વેશ પૂરો થતાં, પછીથી રજૂ થનાર વેશનું સૂચન કરવામાં આવતું, જેથી પછીના લાંબા વેશને જોવા પ્રેક્ષક વર્ગ તૈયાર રહેતો, ઘણું ખરું પ્રત્યેક વેશમાં નાયક-નાયિકા અને વિદૂષક હોય છે, દરેક વેશ એક સ્વતંત્ર વાર્તા પર રચાયેલ હોય છે. ભવાઈમાં ડાગલો કે રંગલો વિદૂષકવેડા આચરતો હોય છે. હાસ્ય નિષ્પતિ કરાવનાર પાત્રો તરીકે વેશોમાં તેની ગણના થતી હોય છે.

ગીત-સંગીત, નર્તન અને સંવાદોના સમન્વયવાળા વેશોમાં કવિતા-ગીતને રજૂ કરનારને સંગીતનું જ્ઞાન હોવા સાથે તેઓને માણનાર પ્રેક્ષકવર્ગની કથા પણ એવી રહેતી. વેશોમાં ગદ્યનું પ્રમાણ ઓછું અને ગીત કથા નૃત્યનું પ્રમાણ વધારે રહેતું હોય છે. નૃત્યમાં પણ વૈવિધ્ય વધારે જોવા મળે છે. દા.ત. રાજા નાચતો પ્રવેશે ત્યારે ગંભીર છાપ પડે, ગૌરવ જળવાઈ તે રીતે ડગ માંડતો પ્રવેશે. નૃત્યમાં વેગ, ઋજુતા, શૌર્ય, અધીરાઈ વગેરે પણ વ્યક્ત થતા હોય. નૃત્ય સાથેથી આંગિક ચેષ્ટાઓ પણ અર્થ સભર બની રહે. સમગ્ર અંગના મરોડ પગલાંના ઠેકા સાથે તાલબદ્ધ રીતે દર્શાવાય છે. વર્તુળાકારે નર્તનક્રિયા થતી હોવાથી ચાચરમાં ફરતા બેઠેલા પ્રેક્ષકો પૈકીના દરેક જણ પાત્રની ભાવ અભિવ્યક્તિ જોઈ શકે છે.

વેશો સામાન્ય રીતે ધાર્મિક, ઐતિહાસિક તથા સામાજિક એવા પ્રકારો પાડી શકાય તો કેટલાક વેશો બહુ જ ઓછા સંવાદોવાળા, માત્ર નૃત્યપ્રધાન અથવા અંગકસરતના તેમજ જાદુ, સમતોલન શક્તિ તથા હસ્તકૌશલ્યની બીજી કરામતો દેખાડી અદ્બુત રસ જગાડતા ખેલો દેખાડે છે, જે ભવાઈની પ્રમુખ ખાસિયત છે.

સામાન્ય રીતે વેશો આખી રાત્રી રમતાં આથી રાત્રીના પહેલાં પ્રહરથી પ્રભાતના આખરી પ્રહર સુધીના સમય પ્રમાણેના રાગો ભવાઈમાં ગવાતા. દા.ત. માઢ, દેશ, આશાવરી, પરજ, સોરઠ, કલીગડો, સોહની પ્રભાતિ, બિલાવલ વગેરે. આમાં, ચલતી, ચેતમાન, દોઢીયો, તરગડો, લાવણી દીપચંદી, કેરવો જેવા તાલ આવતાં. ભૂંગળ, પાવો, ભૂર, પખવાજ, એકતારો, તબલાં, ઢોલક, રાવણહથ્થો વગેરે વાજિંત્રો વગાડાય છે. જો કે ભવાઈનું ખાસ વાદ્યતો ‘ભૂંગળ’ જ છે. ભૂંગળ ભવાઈનું સૂરીલું વાદ્ય છે. નર અને માદા બે ભૂંગળ હોય. દેશી ભાષામાં ભૂંગળ એટલે લોક તેડું. ભૂંગળના સૂરો સાંભળી લોકો જાણી લે કે આજે ભવાઈ વેશ ગામમાં રમાવવાનો છે. ચાચરમાં સહુથી પહેલાં વેશગોર આવે છે, જે ચાચર પૂરે છે. પડવમાં પ્રત્યેક વેશના પાત્રોના આવણાં ગવાય. એટલે કે પ્રવેશનાર પાત્ર કોણ, તેનું વ્યક્તિત્વ અને વેશમાં કઈ રીતે રમશે, તેનો આછો-પાતળો ખ્યાલ મળે. જ્યાં ગાનનાં અંતરા બદલાય, ઠેકા બદલાય તે પ્રમાણે ભૂંગળના સૂર બદલાય. વર્તુળાકારે થતાં નૃત્યમાં તિહાઈ વારંવાર લેવામાં આવે છે. ભૂંગળના સૂરની સાથે રમનાર પાત્ર ગીત ભાવની સાથે એકચિત્ત બની શકે છે, નર્તનનો જોમ-જુસ્સો જળવાઈ રહે છે. નરઘાં વગાડનાર ક્યાંક ધીમા, ક્યાંક જોશથી, ક્યાંક ખુલ્લા બાજથી વગાડી શૌર્ય ઉત્તેજના પ્રેરી નર્તન કરનારને સહાયરૂપ થાય.

વેશ ભજવતી વખતે સંગીતમાં પખાજ, કાંસી-જોડાં વગેરે તાલમાં અને ચઢતા ઉતરતા લયમાં વાગ્યા જ કરે અને નટો ગાયા કરે. જેમ નૃત્ય તેમ સંગીત તો ભવાઈના બધા વેશમાં હોય જ. આ નૃત્યને સંગીત એની કથાવસ્તુ સાથે સુસંગત રીતે વણાયેલા હોય તેનું ઉદાહરણ ગણપતિનો પહેલાં વેશમાં જ મળી રહે. ગણપતિનો વેશ કરનાર રેશમી પીતાંબર, સારાં રેશમી કપડાં પહેરે છે. પગે ઘૂઘરાં બાંધે છે, કમરે તલવાર લટકાવે છે, ગણપતિની સૂંઢને બદલે માતાજી ચાચર માની આગળ થાળી અથવા ઢાલ રાખીને આવે છે અને પછી બધા સાખી ગાય, સાખીનો પાઠ કરે, ભૂંગળો વાગે છે ને ઝાઝ રણકે છે.

અસાઈત વેશોમાં રસોનાં પણ સુંદર રીતે સમન્વય કર્યો છે, ને એ તેની દરેક કવિતામાં નીતરતો આપણે તેમાં જોઈ શકીએ છીએ. નર્તનના ઠેકા અને વર્તુળાકારે લેવાતી કથક પ્રકારની ઘુમરિયો સાથે તાર સપ્તક સૂરે ગવાતા ગાનમાં લોકો તનમ્ય થઈ જાય. પુરુષો જ સ્ત્રી પાત્રોમાં રજૂ થાય ત્યારે એ ખેલૈયા નહીં પણ જે તે કથાવસ્તુમાં વાર્તાનું જીવંત સ્ત્રીપાત્ર જાણે કે એ છે એવી રસાનુભૂતિ પ્રેક્ષકો કરતા, કારણ કરે સ્ત્રી સહજ ભાવોનો અનુભવ પેલા સ્ત્રી પાત્રો કરનાર પુરુષો કરતા. ખૂબીની વાત તો એ છે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાવો પણ આ પુરુષો પ્રદર્શિત કરી શકે એ તેમનામાં રહેલી અભિનય માટેની આગવી સૂઝ અને સમજણની દ્યોતક છે.

‘ભવાઈ’માં નાટ્ય અને નૃત્ય બંને તત્વો અત્યંત કુશળતાથી ગૂંથાયેલા છે. ‘ભવાઈ’ના નૃત્યને સમજવા માટે લોકનૃત્યને સમજવું પડે. તાલ અને લયના બંધનમાં રહી, કથક જેવા માર્ગીય નૃત્યની પાર્શ્વભૂમિકા રાખી ભવૈયાઓ નાચે છે; પરંતુ, એ નાચ કાંઈક વિશિષ્ટ પ્રકારના છે. સંવાદમાંથી ભાવને વધારે સ્પષ્ટ અને ઉત્કટ સ્વરૂપ આપવું હોય ત્યારે પાત્રો તે ભાવને વશ થઈ નાચી ઊઠે છે. આ નૃત્યને કોઈ સ્પષ્ટ પ્રકારમાં ન મૂકી શકીએ પણ એને પાત્રલક્ષી નૃત્ય કે નાટ્યનૃત્ય તરીકે જરૂર ઓળખાવી શકાય.

ભવાઈ મંદિરોમાં ભજવતી ધાર્મિક ઉત્સવોમાં ભજવાય. જ્યારે વધારે લોકો ભેગા થાય ત્યારે યોજાતી, મનોરંજન સામગ્રી ધીરે ધીરે દાખલ થઈ. ‘રંગલો’ નામનું પાત્ર(પહેલાં સંસ્કૃત નાટકોમાં ‘વિદૂષક’નું પાત્રનું ગુજરાતીકરણ) હસાવવા ઉપરાંત કથાવસ્તુને જોડવાનું પણ કામ કરે.

ભવાઈની ભજવણી સાદાઈથી, કશા વધારે ભભકા વગર અને છતાં ખૂબ અસરકારક રીતે થાય છે. વેશભૂષા, રંગભૂષા અને અન્ય પ્રસાધનો પોતાની સાથે રાખીને એમાંથી અસરકારક દૃશ્યો ઊભા કરે છે. પ્રકાશયોજના, બળતી મશાલો અને પાત્રોના હાથમાં મૂકવામાં આવતી બળતી કાકડીઓ વડે યોજાય છે, ઓછા સાધનોથી પણ ભવૈયાઓ અસરકારક રીતે ભજવણી કરે છે. એમાં સંગીત, નૃત્ય તથા અભિનય ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે.

ભવાઈના વેશ સામાજિક પ્રશ્નોને વાચા આપવામાં માહિર છે. કેટલીય જ્ઞાતિઓના વેશો છે મૂર્ખ વ્યક્તિનો વેશ, અડવાનો વેશ છે. લાલજી મણિયારનો વેશ, હિંદુ-મુસ્લિમ ઐકયનો વેશ, ઝૂંડા-ઝૂલણનો વેશ અસાઈત દ્વારા રચેલા વેશમાં મહત્વના છે. વેશ એટલે નાના અંક કે દૃશ્ય જેવું નાનું નાટ્યરૂપ મધ્યકાળમાં એક માત્ર નાટ્ય તે આ જ હતું.

સાહિત્યની દૃષ્ટિએ પણ ‘ભવાઈ’ ખૂબ સમૃદ્ધ છે, એના વેશના ઢાંચામાં અનેક બાબતો વણાય છે. ભવાઈમાં વાર્તા, સંવાદ, કહેવતો, ઉખાણાં અને સુંદર કવિતાઓ આવે. ભવાઈના પ્રત્યેક વેશમાં ગંભીર રીતે કહેવાતી કથાની રજૂઆતમાં હળવાશ લાવવા હાસ્યરસ ઉમેરાયેલો છે. આ હાસ્ય નિષ્પત્તિ ચેન-ચાળાથી નહીં; પરંતુ, પાત્રો-પાત્રો વચ્ચેના ઉખાણાં, કે કોપડાવાળા સંવાદોની આપ-લેમાંથી સાહજિક થતી હોય છે.

શૃંગાર, વીર, અદ્ભુત, કરુણ એમ બધા જ રસ વેશની ઘટનાઓ અનુસાર ‘ભવાઈ’ આકાર પામતી જાય. એમાં પણ હાસ્યરસની ‘ભવાઈ’ની તો છોળો ઊછળે છે. સ્થૂળ હાસ્યથી માંડીને અત્યંત સૂક્ષ્મ અને સચોટ હાસ્યરસ તેમાં ભળે. કટાક્ષનું તો તે અમોધ શસ્ત્ર છે, ચાબખાના પ્રહાર જેવા વ્યંગ પણ એમાં વપરાય છે. બ્રાહ્મણ, વાણિયો, કજોડો, જૂઠણ વગેરે ઘણા વેશોમાં હાસ્યરસ છલકાય છે. સાહિત્ય દૃષ્ટિએ વિનોદ કે મર્માળા કટાક્ષનું પ્રમાણ એકમાત્ર ભવાઈમાં જ વિશેષ વર્તાય છે.

ભવાઈનું ગાઢું અસરકારક પોત અને તેની જનસામાન્યના હદય સોંસરવી, સરળ રીતે, સહજ રીતે સમજાય તેવી રજૂઆત એ તેની શૈલી છે. આ બધાનો તલસ્પર્શી અભ્યાસ દિનાબેન ગાંધીએ સામાજિક પ્રશ્નો લોકભવાઈ વેશોમાં વણી નવી પરિપાટી ઊભી કરવાનો પ્રયત્ન કર્યો. દિનાબેને વેશોમાં રંગલીને સર્જી, જે આજ પર્યન્ત વેશોમાં દેખા દે છે. તેમાંય સાક્ષરવર્ય નાટ્યાધિપતિ શ્રી. સી. સી. મહેતા એ તો રંગલા-રંગલીનો વેશની વાર્તા કથનમાં સુંદર ઉપયોગ કરી આદર્શ પ્રણાલી ઊભી કરી છે.

ભવાઈના વેશામાં રંગલો-રંગલી વિદૂષકનું કામ કરે. વેશો ભજવાય છે, તેમાં ગણપતિ, મહાકાળી, મેનાગુર્જરી, ઝૂલણ, પુરબિયા, જોષી, વાણિયો, વાઘરી, મિયાં એવા વેશો હોય, ઐતિહાસિક-સામાજિક પ્રસંગોને અનુરૂપ પાત્રોના ખેલ હોય, પ્રસંગો હોય ચમત્કારો હોય.

ભવાઈ રમનારાઓનું વ્યવસ્થિત ટોળું હોય છે, તેના પાંચ સારા ખડતલ પુરુષ પાત્ર કરી શકે તેવા, પાંચ માતા-પાંચ સ્ત્રીપાત્ર કરી શકે તેવા અને પાંચ સમાતા, દરેક રીતે ગાયન વાદન કે નાના મોટા પાત્રો અથવા અન્ય કામગીરી કરનારા હોય. ટોળામાં પુરુષો જ હોવાને લીધે સ્ત્રી પાત્રો પણ તેમના દ્વારા જ થતાં, અને એથી ચારિત્ર્યનો પ્રશ્ન જે રંગભૂમિને મૂંઝવે છે તે તેમને નડતો નથી. જો કે ગામના લોકો(ખાસ કરીને સ્ત્રીઓ) વારી જાય તેવા ફૂટડા, રૂપાળા નટો મંડળીઓ હોવાને લીધે લપસી જવાનો ભય રહેતો; પરંતુ, મંડળીનો એવો કડક નિયમ હતો કે આઠ માસ પર્યન્ત સહુએ બ્રહ્મચર્ય પાળવું. આવા રહેણીકરણીને કારણે મંડળને ધાર્મિક રંગ લાગતો અને શ્રદ્ધા સાથે મંડળનું પોતાનું કાર્ય સફળ રીતે થતું હોવાનો આનંદ રહેતો.

ભવાઈ વેશો રમવા માઝે મંડળીઓએ ગરાસ તરીકે ગામો વહેંચી લેવા પડતા. તેમાં નવથી ઓછા નહીં અને વીસથી વધારે નહીં એવું એક જૂથ તૈયાર થતું. મુખ્ય પુરુષ પાત્ર ભજવનાર ત્રણ હોય છે. (મુખ્ય નાયક, ઉપનાયક, પ્રતિનાયક) તેમને અનુક્રમે, ૨||, ૨|, ૨ ગણો ભાગ મળતો, સ્ત્રીપાત્ર ભજવનારએ પણ પુરુષ પાત્ર જેવો જ ભાગ મળતો; પરંતુ, રંગલો તેમાં એક જ હોય છે, છતાંય તેને વેશગોર જેટલો જ ભાગ આપવામાં આવતો. આ સિવાય સાંજીદા-વાદ્યો સાથીદાર, રસોઈયાને દોઢ, સવા એક અને અર્ધો ભાગ મળતો, વાદ્યો વગાડનાર જેટલાં સારા તે પ્રમાણમાં વેશની કક્ષા બંધાતી.

‘ભવાઈ’ને સમાજશાસ્ત્રીય ઢબે મૂલવીએ તો એનું મૂલ્ય ખરેખર વધી જાય છે. ‘ભવાઈ’ના વેશમાંથી ત્યારની પરિસ્થિતનો બેધડક ચિતાર આપણી આંખ સામે આવે છે. એ સમાજની ખાસિયતો, ખૂબીઓ, ખામીઓ બધું જ ‘ભવાઈ’માં ઉજાગર થાય. જુદી જુદી જ્ઞાતિઓ અને તેની ખાસિયતોના વર્ણનો મળે. તેમની અંદર વિકસેલી ખામીઓમાં ઠઠ્ઠા-મશ્કરીના ચિત્રણ ઠેરઠેર જોવા મળે. સામાજિક ઇતિહાસકારને ઘણી ઉપયોગી નીવડે એવી માહિતી ભવાઈમાંથી ઝાંઝી મળી શકે એમ છે. આ મૂળ ધાર્મિક ઉપાસનના ભાગ તરીકે ભજવાતા નાટ્યપ્રયોગોના મોટાભાગે વેશો ધાર્મિક જ છે.

ગુજરાતમાં નાટ્યપ્રકારના ભજવૈયાઓના બે પ્રવાહ સ્પષ્ટપણે જોવા મળે છે. એક પ્રવાહ તે ધંધાદારી ભવૈયાઓ, જે તરગાળા કોમના સભ્યોનો કે જેમણે ‘ભવાઈ’ને પોતાની રોજી તરીકે સ્વીકારી અને બીજો પ્રવાહ નાગર, બ્રાહ્મણ, કંસારા, બારોટ જેવી કેટલીક જ્ઞાતિઓ જેઓ શક્તિપૂજનની વિધિમાં એક આવશ્યક વિધિ તરીકે ‘ભવાઈ’ને વર્ષમાં અમુક સમયે રમે છે. આ બંને પ્રવાહમાં ઉચ્ચ કક્ષાના કલાકારો હતા. એમાં પણ અમુક વેશ કે વેશોમાં અમુક જ પાત્રોના અભિનયમાં વિશેષતઃ પારંગત બનતા, આવા પાત્રો ભજવનારના નામે પ્રચલિત થતા.

ભવાઈની લોકપ્રિયતામાં ઘટાડો :-

એક જમાનામાં ‘ભવાઈ’ના કલાકારો પોતાને સઘન તાલીમ સમૃદ્ધ રાખતા. તીવ્ર અવલોકન શક્તિ, અનુકરણ અને અભિનયની સશક્ત આવડત, અચાનક જરૂરિયાત ઊભી થતાં તાત્કાલિક શીધ્ર સર્જન કરવાની હૈયાઉકલત, સંગીત-નૃત્ય-નાટ્યના વિવિધ અંગોમાં પારંગતતા એ ભવૈયાઓની એક વખતની સામૂહિક અને વ્યક્તિગત મૂડી હતી. વખત જતાં ‘ભવાઈ’ કરનારાઓમાં સારી તાલીમ ઓછી થતી ગઈ, ભણતર ઓછું થતું ગયું, આવડતનો આંક નીચો થતો રહ્યો અને પ્રેક્ષકોને પ્રસન્ન રાખવાની લ્હાયમાં હલકા પ્રકારના ઉપાયો યોજવાની જે ફાવટ આવી તેણે ભવાઈના સ્તરને ઘણું નીચે ઉતારી દીધું. શક્તિપૂજા સાથે ‘ભવાઈ’ સંકળાયેલી હોઈ એ ઉપાસના મુક્ત અને મોકળાશથી માતા આગળ વર્તવું એવા આદેશમાંથી વિકૃતિ પામી કેટલુંક સ્વચ્છંદી, અનિચ્છનીય અને વધારે પડતું પ્રગટ વર્ણન આ પ્રકારમાં પેસી ગયું હોય એ શક્ય લાગે છે.

સમય જતાં ક્યારેક હાસ્યનું સ્વરૂપ ‘પ્રાકૃત’ થઈ જતું. હલકી કોટીનું હાસ્ય શરુ થયું. તેમાં સમયાંતરે અશ્લીલતા પ્રવેશી. અભદ્ર ગાળોના પ્રયોગો પણ શરુ થયા. આ પ્રકારના પ્રયોગો મંદિરમાં ન થઈ શકે, તેથી ભવાઈ ધાર્મિક સ્થાનકોમાંથી બહાર નીકળી ગઈ, તેણે ગામની બહાર કાઢવામાં આવી અને સ્ત્રીપ્રેક્ષકો પણ ગુમાવ્યાં.

આ ઉપરાંત, રંગભૂમિના વિકાસે આ લોકનાટ્યને પાછું પાડ્યું અને સિનેકલાના પ્રવેશથી તો ‘ભવાઈ’ના કલાપ્રકારને સખત ફટકો માર્યો. કથાને ઉપકારક વાતાવરણ, તાલીમનો અભાવ, ઈર્ષા અને ખેંચતાણના વાતાવરણ, હાસ્યના બેફામ ઉપયોગે ‘ભવાઈ’ કલાને ક્ષીણ બનાવી અને છેલ્લે, ભવાઈના વેશ લખનાર સર્જકો પણ ક્યાં જોઈએ એવા મળ્યાં !

આધુનિક ભવાઈની નવરચનાના પ્રયત્નો અને સૂચનો :-

  1. વેશોને સારી રીતે ભજવનાર રહ્યો સહ્યો જે કલાકાર વર્ગ છે તે તેમના સંપર્ક સાધીને તેમની નજરે તેઓની હયાતી છે, તે દરમ્યાન જે કુશળતાથી તેઓ વેશો સુંદર રીતે તેના સૌંદર્ય તત્વને સાચવીને ભજવે છે તેણે જોઈ લેવા જોઈએ, કે જેથી તેમનો અશ્લીલતાનો ભ્રમ ભાંગે.
  2. ગુજરાતમાં આ કળાની પરંપરાને જાળવી શકાય તેમ છે. તરગાળા જાતિમાં ભવાઈ અંગેના આનુવાંશિક સંસ્કારો જોતાં તેને રંગભૂમિનાં એક અંગ તરીકે સ્વીકારી એ પ્રકાર સાથે સુસંવાદિતતા અને સમન્વય સાધવો જોઈએ. ભવાઈના ઉત્થાન અને ઉત્કર્ષ માટે પ્રત્યન કરતા વ્યક્તિઓએ પણ આત્મમંથન-નિરીક્ષણ કરવું જોઈએ.
  3. નાટ્યશિબિરો, સંગીત અને અભિવ્યક્તિની સઘન તાલીમ અપાય અને ભવાઈની શિબિરો યોજવાની મુહિમ ચલાવવામાં આવે. ગુજરાત અંતર્ગત સંગીત, નૃત્ય નાટ્ય અકાદમી આ દિશામાં પ્રશંશનીય પગલાં ભરવાની પહેલ કરે.
  4. માનવજીવન સાથે સંકળાયેલી પરિસ્થિતિઓ અને અવસ્થાઓના નિરૂપણ અર્થે ‘ભવાઈ’ સંસાર દર્શનનું દર્પણ છે, જે આજે પણ પ્રસ્તુત છે. સંગીત, સાહિત્ય, નૃત્ય અભિનય અને ઇતિહાસની દૃષ્ટિએ પણ વિચારીએ તો સાંપ્રત સમયના તેની અગત્યતા વિસરાય નથી.
  5. નવા પ્રવાહ સાથે આ ભવૈયા બંધુઓનું ટકવું મુશ્કેલ હતું, એથી જ એમણે પોતાના વ્યવસાયને ટકાવી રાખવા ધંધાદારી નાટક મંડળીઓમાં જોડાવવું પસંદ કર્યું. નૂતન પ્રવાહ પ્રમાણે મનુષ્યને જીવન જરૂરિયાતની સાથે કળાના તત્વને સાંકળીને સમાજ અને ભાવક જગતને આ કળાને અને કલાકારોને સમગ્ર રીતે પ્રોત્સાહન આપી મદદ કરવી પડશે.
  6. ભવાઈના ગાયન વાદન અને નર્તનની મૂળભૂત તત્વો સાથે તેમાં નાટ્યનું તત્વ સવિશેષ રહેલું હોઈને આ વેશના આધુનિકીકરણમાં શાંતાબહેન ગાંધીએ આ જ વેશને પ્રણાલીકાગત ભવાઈના સંગીત સાથે લોકસંગીતનો ઉપયોગ કરી, મૂળના માળખાને સુસંકલિત બનાવી તેમાંની ઘટનાઓને પણ નવું સ્વરૂપ આપી પાત્રોના શ્રમ અને સ્વમાનને મોભાયુક્ત સ્થાન આપ્યું છે.
  7. ભવાઈને નવું સ્વરૂપ આપવા માટે સહુ પ્રથમ તો એ કાર્યમાં જોડાનારને લોકનાટ્યના કસબનો પૂરો અભ્યાસ હોવો જરૂરી છે. નટ-નટી કે રંગલા-રંગલીના સંવાદો એ માળખામાં રચી, એ માટે સામાન્ય પગના ઠેકા આપી દેવાથી કે ‘થૈયા થૈયા તાક થૈ’ ધ્રુવપદની માફક અવારનવાર ગીતની કડીઓ અંતે બોલી લેવાથી અર્થ નહીં સરે....પણ ભવાઈમાં નૃત્ય અને સંગીતનો સુમેળ કરી, પદ્ય-ગદ્યાત્મક રજૂઆતની શૈલી, ગુજરાતી બોલીપ્રયોગના વિનિયોગ અને નવા આધુનિક જગતના ભાવકોની રુચિને ધ્યાનમાં લઈ પ્રસ્તુત એવા નવા વેશો રચવા પડશે.
  8. જૂના વેશોનું સંસ્કરણ અને સમાર્જન સર્વથા હિતાવહ બની રહેશે. જૂના વેશોના કવિતા, રેખા, ગીતો વગેરેનું રેકોર્ડીંગ કરી લેવું પડશે, તેના પ્રાણરૂપ ભૂંગળના શેક બોલ-ટુકડાને સ્વર લિપિમાં તૈયાર કરવા જોઈએ, અને તેનાં ઠેકા પગલાનું રેખાંકન કરી લેવું જોઈએ. નવા કલાકારોને ભવાઈના પ્રત્યેક અંગોની સઘન તાલીમ આપવી પડશે.
ટૂંકમાં, તેના પાયાનું કામ તો ભવાઈની તાલીમ અને તેના પ્રશિક્ષણ દ્વારા થઈ શકશે. આધુનિક રસરુચિ સ્વરૂપ પ્રાથમિક તત્વોના સુમેળ સાથે નવા વિષયોને લઈ ભવાઈના વેશ રચવા પડશે, તેમજ ભવાઈના ભૂમિકા ભજવવા નવા યુવાનોને પ્રોત્સાહન અને પ્રેરણા જગાવવી પડશે અને લોકભોગ્ય કરવામાં રસ કેળવવો પડશે.

‘કથક’નું નાટ્યાત્મક સ્વરૂપ-ભવાઈ છે, તેમાં પુરુષો જ સ્ત્રીઓની ભૂમિકા ભજવતાં. પ્રેમલક્ષણા ભક્તિમાં પણ પુરુષો સ્ત્રીરૂપ ધારણ કરતા. આમ, કરવાથી Male Ego પણ ઓગળી જતો, જે ઈશ્વરની નજીક પહોંચવા માટે જરૂરી છે. ભવાઈમાં કથા ઉપરાંત પણ સૌથી મહત્વના તત્વો હોય તો તે નૃત્ય અને સંગીત છે. આ ભવાઈના અભિન્ન અંગો બન્યાં છે. આ સિવાય ભવાઈનું અસ્તિત્વ જ ન હોય. આધુનિક નાટ્યમાં ય ઉપયોગી તત્વો આજે લેવાય છે. ભવાઈના લય, હાસ્ય, કટાક્ષ, ગીત, નૃત્ય આજે પણ ઉપયોગી છે.

આજે ભવાઈ Antic એટલે કે પ્રાચ્ય સ્વરૂપ છે. પુરુષત્વની એક સામગ્રી તરીકે તે ઓળખાય છે. નવા સ્વરૂપે ભવાઈ, અર્વાચીન કાળમાં પણ ચાલી. તેના વિવિધ પ્રયોગો પણ ઘણા સાહિત્યકારો એ કર્યા છે, જેમાં રસિકભાઈ પરીખનું ‘મેનાગુર્જરી’, ચંદ્રવદન મહેતાનું ‘હોહોલિકા’, જયંતિભાઈ પટેલનું ‘નેતા-અભિનેતા’, દલપતરામ કૃત ‘મિથ્યાભિમાન’, દિનાબહેન પાઠકનું ‘લોકભવાઈ’ રમણભાઈ નીલકંઠ કૃત ‘રાઈનો પર્વત’ વગેરે નવા સમયની ભવાઈ છે. ‘રાઈનો પર્વત’તો ભવાઈના સ્વરૂપ પરથી જ રચાયેલ નાટક છે. ચિનુ મોદીનું ‘જાલકા’, પ્રવીણ પંડ્યાનું ‘હાથીરાજ’, હસમુખ બારાડીનું ‘દર્પણરાય’, સિતાંશુ યશશ્ચન્દ્રનું ‘કહો મકનજી ક્યાં ચાલ્યાં ?’માં ભવાઈ સ્વરૂપના અંશો પ્રગટ થયાં છે. ઉમાકાન્ત દેસાઈએ ભારે સાહસ કરી ‘ભવાઈ’ના કલાપ્રકારને ઘણાં મોટા પ્રમાણમાં વણી લેતું ચલચિત્ર ‘બહુરૂપી’ ઉતાર્યું છે. વડોદરાના અંબાલાલ પટેલ જેવા કેટલાંક કલાકારો નિયમિત રીતે ‘ભવાઈ’ના વેશો નવા સંદર્ભમાં અને નવા જ વિષયો સાથે પણ ભજવે છે.

આ ઉપરાંત આધુનિક સમયમાં પણ ગુજરાતને ઉત્તમ નટ ભવાઈએ આપ્યા છે. જયશંકર સુંદરી, પ્રાણસુખ નાયક જેવા ભવાઈની સંસ્થાઓ પેદા કર્યા છે. નાવીન્યતા અખતરાની પહેલ ‘મેનાગુર્જરી’માં ખાસ કરીને બ્રાહ્મણ અને રબારણ તેમજ બાદશાહ અને મેનાના પ્રસંગોમાં ભવાઈના તત્વોને લયબદ્ધ સંવાદ અંતે તાલ ઠેકાનો સુપેરે ઉપયોગ થયેલો જોવા મળે છે. મિથ્યાભિમાનને ભૂંગળ વગરની ભવાઈ નામે રજૂ કરી ભવાઈનો કસબ જ કલમે લગાડ્યો છે.

આજે વર્તમાન આધુનિક સમયમાં ભણતર, સ્વચ્છતા તથા ગ્લોબલ વોર્મિંગ જેવા અથવા પૌરાણિક પાત્રો અને કથા પર ઘણી ભવાઈની સ્ક્રીપ્ટ તૈયાર થઈ છે, જે શાળાઓમાં જનજાગૃતિના ભાગરૂપે આજે પણ ભજવાય છે. જ્યારે ધાર્મિક વિધિઓમાં, મંદિરોમાં આજે પણ ભવાઈની ભજવણીનું આયોજન થાય છે.

આમ, ભવાઈ આપણી સામાજિક, ઐતિહાસિક અને સાહિત્યિક ધરોહર સમાન છે. તેનાં અંશો અને અવશેષોને સાચવવા જ રહ્યાં. શિક્ષણના જનજાગૃતિના અને સામાજિક સ્વચ્છતાના માધ્યમ તરીકે ‘ભવાઈ’ અમોધ શસ્ત્ર છે, તેને તો જીવંત રાખવું જ રહ્યું.

સંદર્ભગ્રંથ :-

  1. રંગગુર્જરી- દિનકર ભોજક
  2. લોકરંજન ભવાઈ - જનકભાઈ એચ. દવે
  3. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ (ભાગ-૨)-ગુજરાતી સાહિત્ય પરિષદ
  4. લોકવિદ્યા વિજ્ઞાન- હસુ યાજ્ઞિક
  5. જસમા- ડૉ. કૃષ્ણકાન્ત કડકિયા
  6. લોકનાટ્ય – ભવાઈ - ડૉ. કૃષ્ણકાન્ત કડકિયા
  7. ફ્લેશ બેક - રસિકલાલ વકીલ
  8. ગુજરાતી સાહિત્યકોશ ભાગ -૩ - ગુજરાતી સાહિત્ય પરિષદ
  9. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ - પ્રસાદ બ્રહ્મભટ્ટ
  10. ગુજરાતી સાહિત્ય(મધ્યકાલીન)- વિનાયક રાવળ
  11. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત સરકાર

ડૉ. હેતલ કિરીટકુમાર ગાંધી, આસી. પ્રોફેસર(ગુજરાતી), ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ. E-mail : hetall.k.gandhi@gmail.com