Download this page in

સાઠીના સાહિત્યનું દિગ્દર્શન : ભાષા અને સાહિત્ય સંદર્ભે

વિષયસત્વ:

ઇ.સ.૧૯૧૧માં જયારે આ પુસ્તક પ્રકાશિત થયું. આ ગુજરાતી સાહિત્યના ઈતિહાસલેખનનું પ્રથમ પુસ્તક છે. આ ગ્રંથમાં લેખક ડાહ્યાભાઈની લેખનશૈલી અને સામગ્રી એકત્રીકરણની પદ્ધતિને આધારે કહી શકીએ કે, ઈતિહાસ અને સાહિત્યનું સંશોધન અને તેનું અર્થદર્શન પરસ્પરને કેવી રીતે ઉપકારક નીવડે છે તે આપણને આ ગ્રંથમાં જોવા મળે છે. આ શોધપત્રમાં ઇ.સ.૧૮૪૮ પહેલાની શિક્ષણ પદ્ધતિ, તે સમયની સાહિત્યિક પ્રવૃત્તિ તથા તે સમયગાળા દરમિયાન બોલાતી ગુજરાતી ભાષા અને તે ભાષા પર પ્રભાવ પાડનાર કેટલાક પરિબળોને ઉજાગર કરવાનો ઉપક્રમ છે. સાથે સાથે સુધારકયુગ અને પંડિતયુગમાં થઈ રહેલા સાહિત્ય સર્જન, તે સર્જન પાછળનાં પરિબળોનો પણ આલેખ આપવાનો ઉપક્રમ છે.

ભૂમિકા:

ઇ.સ.૧૯૦૮માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપનાને સાઠ વર્ષ પૂરા થાય છે તે નિમિત્તે ડાહ્યાભાઈ દેરાસરી પાસે આ પુસ્તક તૈયાર કરાવવામાં આવ્યું. જેમાં ઇ.સ. ૧૮૪૮થી ઇ.સ. ૧૯૦૮ સુધીની ગુજરાતી સાહિત્યિક પ્રવૃત્તિનું સંશોધન કરીને આલેખ આપવાનો ઉપક્રમ યોજવામાં આવ્યો છે. આ સમયગાળો ગુજરાતી સાહિત્યનો મહત્ત્વનો અને નવોત્થાનનો છે. જેમાં દલપતરામથી માંડીને પંડિતયુગના કેટલાક સાહિત્યકારોની સાહિત્યિક પ્રવૃત્તિને સમાવી લીધી છે. તેઓ સાહિત્યની વ્યાખ્યા સાથે શાળા ઉપયોગી પુસ્તકોથી માંડીને ધર્મ, તત્ત્વજ્ઞાન તેમજ ભાષા, વિજ્ઞાન, હુન્નર અને સંગીત સુધીના ક્ષેત્રોને આવરી લીધા છે.

ડાહ્યાભાઈએ આ ગ્રંથને બે ખંડમાં વહેચ્યો છે. પ્રથમ ખંડ, જેમાં ઇ.સ. ૧૮૪૮ પૂર્વેની ગુજરાત અને ગુજરાતી સાહિત્યની સ્થિતિ વર્ણવી છે. સાથે સાથે ઇ.સ. ૧૮૪૮ પહેલાનાં પુસ્તકોમાંથી સાહિત્ય અને વ્યાકરણ તથા ભાષાનાં ઉદાહરણો રજૂ કર્યાં છે. બીજો ખંડ, જેમાં સાઠીનાં એટલે કે ઇ.સ. ૧૮૪૮થી ૧૯૦૮ના સમયગાળાનાં સાહિત્યનું અવલોકન કર્યું છે. આ ખંડમાં ડાહ્યાભાઈએ, ગોવર્ધનરામ પોતાના ગ્રંથમાં જે ક્ષેત્ર કે વિસ્તારને ન હોતા સ્પર્શી શક્યા એવા જૈન સાહિત્યનો સમાવેશ કર્યો છે. આ ખંડમાં તત્કાલીન સમયનાં સામયિકો અને છાપખાનાની પૂરક માહિતી પણ આપી છે. આ પુસ્તકને ગુજરાતી સાહિત્યના ઈતિહાસલેખનનું ઉત્તમ પુસ્તક ગણવામાં આવે છે. પરંતુ ડાહ્યાભાઈના આ કામને જોઈને આપણે કહી શકીએ કે, આ પુસ્તક ઈતિહાસલેખનથી આગળ વધીને એક પદ્ધતિસરનું સંશોધનાત્મક પુસ્તક છે. આ શોધપત્રમાં આપણે ડાહ્યાભાઈના પુસ્તકને સંશોધન આધારિત ગુજરાતી સાહિત્ય અને ભાષા સંદર્ભે મૂલવવાનો ઉપક્રમ રાખ્યો છે.

ભાષા સંદર્ભે:

પશ્ચિમી વિચારધારા, આપણી જીવનવ્યવસ્થા તેમજ રૂઢ અને જડ બની ગયેલી વિચારધારાને કેવી રીતે પ્રભાવિત કરે છે તે અને સાંસ્કૃતિક પરિવર્તન અને તે સમયની ગતિવિધિઓનો પ્રથમ ખંડમાં પરિચય પ્રાપ્ત થાય છે. વિવિધ પાંચ પ્રકરણોમાં ડાહ્યાભાઈએ કેળવણી અને સમાજ સુધારાની પ્રવૃત્તિઓને લીધે થયેલી વિચારણામાંથી તે સમયનાં ગુજરાતના સમાજજીવનની, સાંસ્કૃતિક જીવનની નોંધ આપીને સાક્ષરજીવનનો સુરેખ નકશો આપ્યો છે. ઈ.સ. ૧૮૪૮ની આસપાસના સમયગાળામાં લોકોનું શિક્ષણ શાળામાં શરૂ થતું અને ત્યાં જ પૂર્ણ થતું. નાના છોકરાઓને યાદ રાખવામાં મદદરૂપ થાય એટલા માટેથી જોડકણાંના માધ્યમથી સમજાવામાં આવતા. જેમ કે-
“બાવીઆકા બાવીઆ, ઘઉંની રોટલી ચાવીઆ
ઘઉંની રોટલી સુવાળી, બાવી દુ ચુંવાળી”[1]

આમ તે સમયે આંક યાદ રાખવાની પદ્ધતિમાં સાહિત્યનો સુભગ સમન્વય જોવા મળતો તે ડાહ્યાભાઈએ દર્શાવ્યું છે. અંગ્રેજીશાસન વ્યવસ્થા દરમિયાન ગુજરાતમાં અમદાવાદ, સુરત જેવા શહેરોમાં ઘણી શાળાઓની સ્થાપના થઈ. તેમાં ભણાવતા મહેતાજીઓ ગુજરાતી, અંગ્રેજી, મરાઠી જેવી ભાષા જાણતા જેના કારણે તે ભાષાનો પ્રભાવ ગુજરાતી પર પડ્યો અને સંક્રમિત ભાષા બની ગઈ. ડાહ્યાભાઈએ આ પરિવર્તન પામેલી ભાષાના કોઈ ખાસ પુરાવા આપ્યા નથી. શિક્ષણ સિવાય તે સમયમાં વર્તમાનપત્રો, માસિકોની તથા ચોપાનિયાઓની શરૂઆત થઈ. જે મોટે ભાગે પારસીઓ ચલાવતા જેના કારણે પારસી ગુજરાતીનો ફેલાવો થયો. પારસી મૂળ તો ઈરાનના રહેવાસી જેના કારણે તેની મૂળ ભાષા ફારસી. એ ભાષા મૂકીને પારસીઓ ગુજરાતી ભાષા શીખ્યા. જયારે પરદેશીઓ આપણી ભાષા બોલે ત્યારે ઘણી ભૂલો પણ પડે છે અને તેની ભાષાનો પ્રભાવ પણ આપણી ભાષામાં જોવા મળે છે. આ ભાષા ગુજરાતી સાથે મિશ્રણ પામી અને તેના કારણે ઘણા શબ્દો મૂળ ગુજરાતીના ન રહ્યા. જેમ કે-
“એક મરાઠો ચાકર રહેવા આવ્યો ત્યારે પગાર વગેરે માગ્યો. તેમાં એક એ માગ્યુ કે મારી હજામત શેઠ તમારે કરવી. તે સાંભળતા જ શેઠે ધક્કો મારી બહાર કાઢ્યો.”[2]

‘હજામત’ શબ્દ ફારસી છે, જેનો અહીં અર્થ થાય છે કે, ‘હજામતનો ખર્ચ શેઠ તમારે આપવો પડશે.’

પારસી દરિયા કિનારે પણ નિવાસ કરતા હોવાને કારણે ત્યાં વસતા ખારવા લોકોમાં પણ પારસી ભાષાના શબ્દો ‘જોવસ’, ‘આવસ’ જોવા મળે છે. સાથે સાથે બીજા પ્રદેશમાં પણ આ ભાષાનો પ્રભાવ જોવા મળે છે. જેમ કે,-
‘હું ગુજરાતી ભણ્યો છું’ તે માટે ‘અમો બિ ગુજરાટી ભનેઆચ’
‘હું વડોદરા ગયો હતો’ તે માટે ‘હું વડોદરા ને ગયો હોત’[3]

ઉપર દર્શાવેલાં અવતરણો ડાહ્યાભાઈએ ક્યાંથી લીધા તેના ઉલ્લેખો પણ સ્પષ્ટ કરે છે. આ કારણે સંશોધકની સંદર્ભોની ચોકસાઈ તેમનામાં સ્પષ્ટ જોવા મળે છે.

ઈ.સ.૧૮૩૦માં અમદાવાદમાં લખાયેલા એક દસ્તાવેજમાંથી દ્રષ્ટાંત આપીને તે સમયની સરકારી ભાષા અને વ્યવહારની ભાષા કેટલી એક બીજા સાથે ભળી ગઈ છે તે દર્શાવે છે. “નરભેરાંમ શેવકરામ બીન માંડણજી પારશાત એક શહેર વાસ્તે વંમ પણ હાલ બંદર સુરત વાસ્તે વંમ બાઈ. દીવાલી ત્રવાડી. નરભેરાંમ અંબારામની ભારજા હસ્તાખરાંણ દતવાજત વીકરીત ઘર ૧ શહેર અમદાવાદમાં ચકલે ખાડીઆની હદમાં ધોબીની પોળમાં ઓઝા નરભેરાંમ સુખરાંમ વીગેરેના ઘરની જોડનું અમારા ધણીની મીલકતનું તે ઘરના ખંડની વીગત....”[4]

આ ઉપરાંત અંગ્રેજી, ફારસી, ઉર્દૂ, અરબી, જેવી અનેક ભાષાઓના પ્રભાવને કારણે ગુજરાતી ભાષાના શબ્દભંડોળ અને જોડણીમાં કેવા પરિવર્તન જોવા મળે છે, તેના માટે ડાહ્યાભાઈ ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ- ગંગાધર શાસ્ત્રી(૧૮૪૦)’, ‘સવંત ૧૮૯૩ ઈ.૧૮૩૭ માહે મારચનું ખાતુ’, ‘ગુજરાતી પંચોપાખ્યાન(૧૮૪૦)’ વગેરેમાંથી વિવિધ કેટલાક દષ્ટાંત દ્વારા આપણને તે સમયની ગુજરાતી ભાષાથી અવગત કરાવે છે. ‘સંવત ૧૮૩૯ ઇ.સ.૧૮૩૭ માહે મારચનું ખત’માંથી લીધેલું દષ્ટાંત “ઓતર દીસાએ એ ઘરનું મોઢાચાલનું બારનું છે તા. તે ઉપર એક બારી છે તા. બારણા આગળ એ ઘરનો ઓટલો છે તે ઓટલા નજીક છાપરાનાં નેવ પડે છે ને એ બારણાં સામી ખુલી જમીન છે તે અમારી છે તે જમીન તમને વેચાણ આપી નથી ફક્ત આ બારણુ પડે ને તમારે જવા આવવાનો રસ્તો.”[5]

ગુજરાતી ભાષાથી અજાણ એવા ગંગાધર શાસ્ત્રીએ જ્યારે સંસ્કૃત વ્યાકરણનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું ત્યારે ગંગાધર શાસ્ત્રી ગુજરાતી ભાષાની જોડણી અને વ્યાકરણથી અવગત નહીં હોય તેવા તારણો સુધી પણ ડાહ્યાભાઈ પહોંચે છે અને તેના પુરાવા રૂપે વ્યાકરણ પુસ્તકમાંથી કેટલાક શબ્દોના દષ્ટાંત આપે છે.

અભ્યાસ – અભીયાસ, કર્યો – કરીયો , સંસ્કૃત – સંસ્કરૂત, મહારાષ્ટ્ર – મહારાસ્ટ[6] (જેવા ઉચ્ચારણ થાય છે તેવી જ લિપિમાં ગંગાધર શાસ્ત્રીએ ભાષાંતર કર્યું છે.)

એક સંશોધક તરીકેની જે ચીવટ હોવી જોઈએ તે આપણને ડાહ્યાભાઈના આ પુસ્તકનાં પૃ. ૧૨૯ પરના બુદ્ધિપ્રકાશના ત્રીજા પુસ્તકના એક અંકમાંથી લીધેલા અવતરણ પરથી સમજાય કે, મૂળ અવતરણની ભાષામાં આવતા બોલીના શબ્દો અને તેની જોડણી અકબંધ રાખી છે. તે સમયે હરગોવિંદદાસ કાંટાવાળાએ જૂના કવિઓનાં કાવ્યો ભેગા કરીને ‘પ્રાચીન કાવ્ય’ નામે ત્રૈમાસિકનો આરંભ કર્યો. ચતુરભાઈ પટેલે ‘અપ્રસિદ્ધ ગુજરાતી કાવ્ય’ નામે એક ત્રૈમાસિકનો આરંભ કર્યો. આ સામયિકોમાં સમકાલીન કવિઓની કવિતા અને સાથે સાથે મધ્યકાળ તથા ગૌણ કવિઓનો અને કવિતાનો આલેખ પ્રસ્તુત કર્યો છે. તેમણે મધ્યકાલીન ગુજરાતી ભાષા અને તે સમયની ગુજરાતી ભાષાની તુલના કરી છે જેના તારણ રૂપે તેમણે કહ્યું કે, ‘ચારસે વર્ષ ઉપરના અને આ વખતના ગુજરાતના કવિઓની ભાષામાં કોઈ વધારે ફેરફાર નથી.’[7] ઇ.સ.૧૯૦૦ની આસપાસ તુલનાત્મક સાહિત્યનો ખ્યાલ વ્યાપક થયો ત્યારે ડાહ્યાભાઈ પહેલા એવા ગુજરાતી સંશોધક હશે જેમણે આ પ્રકારની તુલના કરીને એક સંશોધનાત્મક પુસ્તક આપણી સમક્ષ પ્રસ્તુત કર્યું છે.

તેઓ વિવિધ કોશની યાદી આપે છે, જેવા કે પ્રભાશંકર શાસ્ત્રીનો ‘અપભ્રષ્ટ શબ્દ પ્રકાશ’ લલ્લુભાઈ પ્રાણવલ્લભનો ‘શબ્દાર્થ’, નર્મદનો ‘નર્મકથાકોશ’ વગેરે. ગુજરાતી ભાષાનાં કેટલાક શબ્દો સંસ્કૃત ભાષા પરથી ઉતરી આવેલા જેવા કે, ખાબોચિયું, તમાકુ ,અફીણ શબ્દોનો પણ ઉલ્લેખ કર્યો છે.

સાહિત્ય સંદર્ભે:

ઈતિહાસ વિશે જાણવના ઘણાં બધાં સાધનો હોય છે, તેમાં સૌથી મહત્ત્વનું અને સૌથી મોટું સાધન ‘સાહિત્ય’ છે. જે સમયમાં સાહિત્ય રચાયું હોય તે સમય ઉપર સાહિત્ય પ્રકાશ પાડે છે અને તે સમય કે યુગનો અભ્યાસ સાહિત્યને સમજવામાં ઉપયોગી નીવડે છે. ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ ગોવર્ધનરામ ત્રિપાઠીએ અંગ્રેજી ભાષામાં ‘ The classical poets of Gujarat and their influence on society and morality’ (1894) પુસ્તક આપ્યું. જે ઈતિહાસને અને સંસ્કૃતિને આલેખતુ પુસ્તક છે. જેમા ગોવર્ધનરામે મધ્યકાલીન કવિઓની સમજ આપી અને તેમના સાહિત્ય પર પડેલી અસરને વર્ણવી છે. ગોવર્ધનરામના આ પુસ્તકથી ઉપર ઊઠીને સર્વમાહિતીને સમાવતું પુસ્તક ડાહ્યાભાઈએ પ્રકાશિત કર્યું.

ડાહ્યાભાઈ, અમદાવાદમાં તે સમયે સાહિત્યની જે પ્રવૃત્તિ ચાલી રહી હતી તેની માહિતી આપતા તેઓ ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ની સ્થાપના અને તેના અંતર્ગત કામ કરી રહેલા કેટલાક સાહિત્યકારોનો ઉલ્લેખ કરે છે. સાથે સાથે તે સમયગાળામાં વ્યવસાય તથા અન્ય ગૃહસ્થ કામ કરી રહેલા વ્યક્તિઓની માહિતી અને તેના સાહિત્યિક કાર્ય વિશે નોંધ આપે છે. જેમાં તેઓ દલપતરામને અગ્રસ્થાને મૂકે છે અને મુખ્યત્ત્વે સમાજ સુધારાના સાહિત્યનો વધારે ઉલ્લેખ કરે છે. આ સિવાય અમદાવાદની આસપાસના વિસ્તારમાં રહેતા કેટલાક સાહિત્યકારોનો ઉલ્લેખ કર્યો છે. જે નીચે મુજબ છે.
• દલપતરામ ત્રવાડી : બાળવિવાહ નિબંધ, જ્ઞાતિ નિબંધ, જાદવાસ્થળી*, બાળોઢયભ્યાસ*, સ્ત્રીસંભાષણ*
• મગનલાલ વખતચંદ : હોળી વિશે નિબંધ*, કથનાવળિ, જનરલ ગોડેઁ અમદાવાદ લીધું તેના વર્ણનનો ‘રાસડો’*
• ખુશાલરાય સારાભાઇ* : ડાકણ વિશે નિબંધ
• સાંકળેશ્વર જોષી : બાળવિવાહ નિષેધક*, કીમીઆગર ચરિત્ર*[8]@
• દીવાન રણછોડભાઈ ઉદયરામ : જયકુમારી વિજય નાટક, લલિતા દુઃખદર્શક નાટક, હરિશ્ચંદ્ર નાટક, મદાલસા અને ઋુતુધ્વજ
• મન:સુખરામ સૂર્યરામ*: વિપત્તિવિશે નિબંધ, અસ્તોદય, ફાર્બસ જીવનચરિત્ર, ઉત્તર જયકુમારી(ભાષાંતર), મણિરત્નમાળા(ભાષાંતર), શેક્સપિયર કથા સમાજ
• કરસનદાસ મૂળજી : શબ્દકોષ*, પાખંડ ધર્મખંડન નાટક*, પ્રવેશક*, ભેટપોથી*

આ સિવાય છોટાલાલ સેવકરામ, એદલજી ડોસાભાઈ, હરજીવન કુબેરે, ગિરધરલાલ કોઠારી, વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી, સોમરેન ટેલર વગેરેનો ઉલ્લેખ કર્યો છે. મુંબઇ, સુરત, કાઠિયાવાડના ગૃહસ્થો જે સાહિત્ય રચના કરતા, તેનો પણ ઉલ્લેખ કર્યો છે. દુર્ગારામ, દાદોબા, દલપતરામ(સુરતવાળા), દિનમણીશંકર શાસ્ત્રી, દામોદરદાસ આ પાંચ વ્યક્તિઓએ મળીને સુરતમાં ‘પુસ્તક પ્રસારક મંડળીની’*+ સ્થાપના કરી અને પુસ્તકો છાપવાનું શરૂ કર્યું. મહેતાજી દુર્ગારામ, હરિવલ્લભદાસ બાળગોવિંદદાસ, કરસનદાસ મૂળજી વગેરે જેવા માનવધર્મ સભા, બુદ્ધિવર્ધક સભા જેવી સંસ્થાઓ સ્થાપી, જે સમાજમાં શિક્ષણકેળવણી, સમાજસુધારો અને જૂના રીતિરીવાજોને નાબૂદ કરવા પ્રવૃત્ત હતી. જેમ પ્લેટોએ આદર્શ રાજ્ય માટે સમાજને ઉપયોગી હોય તેવા જ સાહિત્યની હિમાયત કરી હતી તેમ આ સર્જકોનો ઉદે્શ્ય માત્રને માત્ર સમાજને સુધારવા અને સમાજને તેની વાસ્તવિકતા બતાવાનો હતો.

ઇ.સ.૧૮૪૮થી ઇ.સ.૧૯૦૮ સુધીની વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ અને વિવિધ સાહિત્ય સ્વરૂપની તેમણે બીજા ખંડમાં ચર્ચા કરી છે. જેમાં ગુજરાતી અને સંસ્કૃત વ્યાકરણ, લેખસંગ્રહ, નાટક, કવિતા ,ગીતસંગ્રહ, કહેવતો,નિબંધો અને નવલકથાનો સમાવેશ કર્યો છે. જૈન સાહિત્ય વિશે અને તે સમયના સમાચારપત્રો, સામયિકો અને છાપખાનાની વિશેષ નોંધ આપી છે. આ સાઠ વર્ષોમાં ચારે તરફના જુદા જુદા પરિબળોને કારણે સાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ થયો તેનું વિવેચનાત્મક વર્ણન કર્યું છે. તે સમયના પ્રકાશિત થયેલા પુસ્તકોની તેમણે નોંધ આપી છે. આજે આપણે જે પુસ્તકોને સાહિત્યમાં સમાવતા નથી તેવા બીજ ગણિત, અંક ગણિત, ત્રિકોણમિતિ, ભૂમિતિનાં પુસ્તકોનો સમાવેશ ડાહ્યાભાઈ સાહિત્યમાં કરે છે. જેમ કે, રા.બ. લાલશંકર કૃત ‘અંકગણિતનાં મૂળતત્ત્વો’, કેશવલાલ વકીલ કૃત ‘કોયડા સંગ્રહ’, વગેરે.

લેખસંગ્રહમાં ડાહ્યાભાઈએ માત્ર નર્મગદ્યનો જ ઉલ્લેખ કર્યો છે. આપણા સાહિત્યિક ઇતિહાસમાં જે નાટકો પ્રેમાનંદના છે તે સિવાય બીજા અન્ય નાટકોનો ઉલ્લેખ કર્યો છે. જેમ કે ‘રોષદર્શિકા સત્યભામાખ્યાન’, ‘પ્રસંનાખ્યાન પાંચાલી’, ‘તપત્યાખ્યાન’. ત્યારબાદ એક સંશોધક તરીકે તટસ્થ રહીને નરસિંહરાવના વિધાનને પણ મુકે છે: ‘આ નાટકો પ્રેમાનંદને નામ ચડાવી દેવામાં આવ્યા છે.’[9] તે સમયે ઘણા સાહિત્યકારો અંગ્રેજીશાસનને વધાવતા, તેમાનાં એક દલપતરામ પણ છે. અંગેજીશાસનને કારણે શિક્ષણ અને સાહિત્યની શરૂઆત થઇ તેવું ઘણા લોકોનો મંતવ્ય છે. ડાહ્યાભાઈનું પણ માનવું છે કે, ‘‘ગુજરાતીમાં નાટકનું સાહિત્ય અંગ્રેજી કેળવણી ફેલાયા પછી અસ્તિત્વમાં આવ્યું’’[10] તેઓ દષ્ટાંત આપે છે કે, દલપતરામકૃત ‘લક્ષ્મી’(૧૮૫૧) જે ગ્રીક નાટક ‘પ્લુટસ’નાં (એરિસ્ટોફેનિસ) અંગ્રેજી ભાષાંતરમાંથી રચાયું છે. નવલરામકૃત ‘ભટ્ટનું ભોપાળુ’ ફ્રેન્ચ નાટ્યકાર મોલિયરના નાટક પરથી રચ્યું છે. તે સમયે બીજી ભાષાનાં નાટકો ભાષાંતરરૂપે ગુજરાતી સાહિત્યમાં વધારે જોવા મળતા. જેમ કે, કાલિદાસનાં નાટકોનાં વિવિધ વિદ્વાનોએ કરેલાં ભાષાંતરોની તુલના કરીને ડાહ્યાભાઈએ સચોટ તારણ આપ્યા છે. ‘અભિજ્ઞાન શાકુંતલ’નું નર્મદે ‘સાર શાકુન્તલ’, દલપતરામ ખખ્ખરે ‘અભિજ્ઞાન શકુન્તલા’, મણિલાલ દ્વિવેદી, ભંડારકરે અનુવાદ કર્યા છે. ‘વિક્રમોર્વશી’નું ભાષાંતર રણછોડરામ ઉદયરામે ‘વિક્રમોર્વશી ત્રોટક’ નામે કર્યું. બાર વર્ષ બાદ કિલાભાઇ ઘનશ્યામ ભટ્ટે પણ ‘વિક્રમોર્વશી’નું ભાષાંતર કર્યું. ‘વનમાળી’ ઉપનામથી કરેલા ‘વિક્રમોર્વશી’નાં ભાષાંતરને ડાહ્યાભાઈ ઉત્તમ ગણાવે છે. તે માત્ર પ્રશંસા કરીને અટકી ગયા નથી પરંતુ તેઓ જણાવે છે કે, ‘વનમાળીના અનુવાદમાં કાલિદાસની મૂળ ઉક્તિની સરળતા, સ્વાભાવિકતા અને સમર્થતા બરાબર જળવાઈ છે’.[11] કેશવ હર્ષદ ધ્રુવે મહાકવિ વિશાખદત્તના ‘મુદ્રારાક્ષસ’નું ગુજરાતીમાં અનુવાદ કર્યો. આ સિવાય તેમણે ‘ગીતગોવિંદ’, ‘અમરુશતક’, ‘ઘટકર્પર’નાં પણ અનુવાદ કર્યા છે. નારાયણ હેમચંદ્રે બંગાળીમાંથી ‘અશ્રુમતી’, નર્મદાશંકર મહેતાએ બંગાળી માંથી ‘સતી’ જેવા ભાષાંતરો આપ્યા છે.

ગુજરાતીમાં લખાયેલા નાટકોનો વૃતાંત પણ ડાહ્યાભાઈ આપે છે. નર્મદના નામે તેઓ ‘દ્રોપદી દર્શન’*, ‘રામ જાનકી દર્શન’* અને ‘બાલકૃષ્ણ વિજય’* નાટકો ગણાવે છે. આ નાટકો વિશે ડાહ્યાભાઈ કહે છે કે, ‘નર્મદાશંકરમાં એ પ્રકારનું કવિત્વ ન હોવાને લીધે આ નાટકો કવિતાની પેઠે પ્રસિદ્ધ પામ્યા નથી.’[12] ગણપતરામકૃત ‘પ્રતાપ નાટક’, રાજકવિ નથુરામકૃત ‘પ્રતાપ પ્રતિજ્ઞા’*, રણછોડરામ ઉદયરામકૃત ‘જયકુમારીનો જય’, મધુવચરામકૃત ‘નૃસિંહ નાટક’*, હરિહર્ષદ ધ્રુવકૃત ‘વિક્રમોદય’ અને ‘આર્યોત્કર્ષ’. કેશવલાલ પરીખકૃત ‘કજોડા દુઃખદર્શક’* વગેરે નાટકોનો ઉલ્લેખ કર્યો છે.

ડાહ્યાભાઈએ કવિતાના ક્ષેત્રે ચર્ચા કરતા દલપતરામને વિશેષ મહત્ત્વ આપ્યું છે. દલપતરામની ‘કાવ્યદોહન’ રચના પાછળનાં કારણો પણ ડાહ્યાભાઈ દર્શાવે છે અને તે પુસ્તકોમાં દલપતરામે ક્યા ક્યા કવિઓનો સમાવેશ કર્યો છે તે પૃષ્ઠની પાદટીપમાં[13] દર્શાવે છે. ડાહ્યાભાઈએ તે સમયની કવિતામાં :રેવાશંકરકૃત ‘કૃષ્ણજન્મખંડ, મણિલાલ દ્વિવેદીકૃત ‘આત્મનિમનજ્જન’, હિમ્મતલાલ અંજારિયાકૃત ‘કાવ્યમાધુર્ય’, હરગોવિંદદાસકૃત ‘સીતાના કાગળ’, દોલતરામ પંડ્યાકૃત ‘ઇન્દ્રજીતવધ’, હરીહર્ષદ ધ્રુવકૃત ‘કુંજવિહાર’ અને ‘શૃંગાર લહરી’નો ઉલ્લેખ કર્યો છે. પરંતુ આ પ્રકરણમાં ડાહ્યાભાઈએ સંસ્કૃત કાવ્યોનાં થયેલા અનુવાદની વિશેષ વિચારણા કરી છે. જેમાં નર્મદે ‘રામાયણ’, નગીનદાસ પારેખે ‘શ્રીમદ ભાગવતનો દશમસ્કંધ’, જુન્નરકરે ‘શ્રી કાવ્ય રત્નપ્રભા’ નામથી ‘મેઘદૂત’, ‘અજવિલાપ’ અને ‘ઋતુસંહાર’ એ ત્રણ કાવ્યનાં ભાષાંતર કર્યા છે, હરિહર્ષદ ધ્રુવે માત્ર પૂર્વમેઘનું સમશ્લોકી ભાષાંતર કર્યું છે. જેના કારણે તેઓ તત્કાલીન સમયના કવિઓ અને કવિતાને યોગ્ય ન્યાય આપી શક્યા નથી તેવું લાગે છે, માત્ર તેની માહિતી જ પ્રસ્તુત કરી છે. ડાહ્યાભાઈ સરસ્વતીચંદ્રમાં પણ કવિતાના અંશોને જુએ છે. જેમ કે, ‘સુખી હું તેથી કોને શું, દુઃખી હું તેથી કોને શું',[14] ‘દીધા છોડી પિતામાતા, તજી વ્હાલી ગુણી દારા’[15] કવિતાના ભાવને કારણે તેઓ પ્રબળ વેગ અને અલંકારોનું બાહુલ્ય તો જોવે છે પરંતુ તેમાં સૌંદર્ય અને લાલિત્યની ખામી પણ દર્શાવે છે. સંશોધન કરતી વખતે જ્યારે એક જ કૃતિના બે નામ પ્રાપ્ત થાય ત્યારે કેવી મુશ્કેલી ઊભી થાય છે તે આપણને ડાહ્યાભાઈમાં પણ જોવા મળે છે, તેઓ તે માટે દષ્ટાંત પણ આપે છે. જેમ કે, દોલતરામ પંડ્યા કૃત ‘કુસુમગુચ્છ’ કાવ્ય સંગ્રહ પ્રાપ્ત થાય છે અને તે જ કાવ્યસંગ્રહ ‘સુમનગુચ્છ’ નામે પ્રાપ્ત થાય છે ત્યારે તેઓ દોલતરામના સ્મૃતિદોષના કારણે થયેલી ભૂલ ગણાવી, ‘કુસુમગુચ્છ’(૧૯૦૧) કાવ્યસંગ્રહ મોતીલાલ વ્યાસનું ગણાવે છે અને ‘સુમનગુચ્છ’ દોલતરામ પંડ્યાનું ગણાવે છે. પરંતુ આ માટે તેઓ કોઈ ચોક્કસ પુરાવા આપતા નથી.

ડાહ્યાભાઈ પણ દર્શાવે છે કે અંગ્રેજી સંજ્ઞા ‘NOVEL’ પરથી આપણે ત્યાં ‘નવલ’ શબ્દ આવ્યો અને ગુજરાતીમાં એ માટેથી ‘નવલકથા’ શબ્દ પ્રયોજવા લાગ્યો. ડાહ્યાભાઈ નવલકથા માટે પણ કહે છે કે, ‘‘નવલકથાનું સાહિત્ય અંગ્રેજી કેળવણી પછી ઉત્પન્ન થયું છે, અને અંગ્રેજી નવલકથાની આકૃતિ લઇને જ ગુજરાતી નવલકથાઓ રચાઈ છે.’’[16] યુરોપની કથાઓમાં ‘રોમેન્સ’ અને ‘નોવેલ’ એવા જે બે પ્રકાર છે તે વચ્ચે જેટલો ભેદ છે એટલો આપણે ત્યાં આખ્યાન અને વાર્તા વચ્ચે છે. આમ તેઓ ગદ્યનાં સ્વરૂપ વચ્ચેની ભિન્નતા દર્શાવે છે. પરંતુ એ માટે કોઈ સચોટ પુરાવા આપતા નથી. તેઓ મહીપતરામની ‘સાસુ વહુની લડાઈ’ને પ્રથમ ગણાવે છે. તે માટે તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી. પરંતુ સ્વરૂપની દષ્ટિએ નંદશંકરની ‘કરણઘેલો’ જ ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા છે. મહિપતરામની બીજી બે નવલકથા ‘વનરાજ ચાવડો’ અને ‘સઘરા જેસંઘ’, હરગોવિંદદાસ કાંટાવાળાની ‘અંધેરીનગરીનો ગધર્વસેન’, મણિલાલ છબારામની ‘પૃથુરાજ ચોહાણ અને ચંદ બરદાયી’* તથા ‘ઝાંસીની રાણી’, જહીર તાલયારખાની ‘મુદ્રા અને કુલીન’ તથા ‘રત્ત્નલક્ષ્મી’, કૃષ્ણરાવ દિવેટીયાની ‘મુકુલમર્દન’, કેશવલાલ મોતીલાલની ‘બુદ્ધિ અને રૂઢીની કથા’, રમણભાઈ નીલકંઠની ‘ભદ્રંભદ્ર’, ઈચ્છારામ દેસાઈની ‘હિન્દ અને બ્રિટાનીયા’ જેવી અનેક નવલકથાઓ વિશે થોડી થોડી ચર્ચા કરીને તેનો આલેખ આપ્યો છે.

બીજી ભાષાની કેટલીક નવલકથાઓના ગુજરાતીમાં થયેલાં ભાષાંતરોની તુલના કરીને તેનાં પરિબળોનો આલેખ આપીને ચર્ચા કરી છે. જેમ કે, ગિરધરલાલ દયાલરામે ‘રાસેલાસ’નું ભાષાંતર કરી ‘નવી પ્રજા’, મણિલાલે ‘ઝેનોની’નું ભાષાંતર કરી ‘ગુલાબસિંહ’, ‘પિક્વિક પેપર્સ’નું મર્ઝબાને ‘મબ્રુક લુટારો’ નામે નવલકથાઓ આપી. આ ઉપરાંત ‘પોલ અને વરજીનિયા’*, ‘ઈલિજાબેથ અથવા સૈબિરિયાનું દેશપાર થયેલું કુટુંબ’* અને ‘ઓત્રાંતોનો ગઢ’* એ નવાલકથાઓનું ભાષાંતર થયું છે તેવો ઉલ્લેખ તો કરે છે પરંતુ એ નવલકથાના ભાષાંતરો કોણે કર્યા તેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.

ગોવર્ધનરામ પોતાના પુસ્તક ‘The classical poets of Gujarat and their influence on society and morality’ (1894)માં જે જૈન સાહિત્યનો ઉલ્લેખ નથી કરી શકયા, તે ડાહ્યાભાઈએ અહીં પ્રસ્તુત કર્યો છે. તેમાં તેમણે મુખ્યત્વે જૈન સાહિત્યને અર્થે કામ કરી રહેલી અને પુસ્તકો પ્રકાશિત કરી રહેલી સંસ્થાઓનો ખાસ ઉલ્લેખ કરીને તેની યાદી આપી છે. જૈન ધર્મપ્રસારક સભા, ભાવનગર. જૈન આત્માનંદ સભા, ભાવનગર. જૈન ધર્મવિદ્યા પ્રસારક વર્ગ, પાલીતાણા. અમદાવાદ જૈન વિદ્યાશાળા, વગેરે.

આ સિવાય જૈનમુનિઓએ જે ગ્રંથોની રચના કરી તેનો ઉલ્લેખ કર્યો છે. જેમાં તેઓ, શ્રીમદ રામચંદ્ર કૃત ‘મોક્ષમાળા’, શ્રી કર્પૂરવિજયજી કૃત ‘જૈન હિતોપદેશ’, શ્રી વાદિદેવસૂરિ કૃત ‘પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર’, મુનીભદ્રસૂરિ કૃત ‘પર્વકથા સંગ્રહ’ વગેરે. આ સિવાય જીવરામ દોશીએ ‘જૈનસૂત્ર’ નામનાં ગ્રંથનું સંપાદન કર્યું અને તેને આધારે ‘દશવૈકાલિક’ અને ‘ઉત્તરાધ્યયન’ નામનાં બે સૂત્રગ્રંથો આપે છે. ડાહ્યાભાઈએ, તે સમયે જૈન સાહિત્યનો ફેલાવો કરવા અર્થે જે જૈન માસિકો પ્રગટ થતા તેનો પણ ઉલ્લેખ કર્યો છે. ‘જૈન ધર્મ પ્રકાશ’ (સં.૧૯૪૧, ભાવનગર), ‘જ્ઞાનપ્રકાશ’(સં.૧૯૪૫, અમદાવાદ), ‘આત્માનંદ પ્રકાશ’(સં.૧૯૫૯, ભાવનગર), ‘જૈન પતાકા’(સં.૧૯૬૯, અમદાવાદ), ‘સનાતન જૈન’(સં.૧૯૬૧), ‘જૈનહિતેચ્છું’, ‘દિગંબર જૈન’(સુરત), વગેરેની ડાહ્યાભાઈએ નોંધ આપી છે. પુસ્તકનાં અંતમાં ડાહ્યાભાઈએ પૂરક પુરવણી રૂપે તે સમયના છાપખાનાં અને સામયિકોની માહિતી આપી છે અને છેલ્લે સૂચિ પણ મૂકી છે.

નિષ્કર્ષ:

ડાહ્યાભાઈએ આ ગ્રંથમાં અર્વાચીન સમયનાં બે સમાંતર ચાલી રહેલા પ્રવાહોને સ્થાન આપ્યું છે. એક, સંશોધન પ્રવૃત્તિ દ્વારા બહાર આવતો મધ્યકાલીન સાહિત્યિક પ્રવાહ. બીજો, સમકાલીન સમય દરમિયાન સર્જન પામતા નવા સાહિત્યનો પ્રવાહ. સંશોધક તરીકે ડાહ્યાભાઈની કેટલીક મર્યાદાઓ પણ છે જેમ કે, પુસ્તકમાં જે કૃતિઓનો આલેખ આપ્યો છે તે કૃતિનો સમય તેમણે દર્શાવ્યો નથી, એ કૃતિઓ એમને ક્યાંથી પ્રાપ્ત થઈ તેનો પણ ડાહ્યાભાઈએ કોઈ ઉલ્લેખ કર્યો નથી. કોઈ કોઈ જગ્યાએ પુસ્તકમાં લીધેલાં અવતરણોના સચોટ પુરાવા પણ તેઓ આપે છે. તેથી આ પુસ્તક ઈતિહાસની સાથે સાથે સંશોધનનો પણ આલેખ આપે છે. આ સિવાય ડાહ્યાભાઈએ પુસ્તકમાં ‘કહેવતો’નો પણ સમાવેશ કર્યો છે. આ પહેલા લોકસાહિત્યના સંશોધકો અને સંપાદકો કહેવતોને લોકસાહિત્ય તરીકે ઓળખાવે છે. પરંતુ ડાહ્યાભાઈ ‘કહેવતો’ને ગદ્ય સાહિત્યમાં સમાવીને પોતાનો આગવો મત રજૂ કરે છે.

અંગ્રેજી પ્રભાવના કારણે આપણે ત્યાં સાહિત્યનો વિકાસ થયો છે. પરંતુ ગુજરાતીમાં નાટક લખવાનો પ્રારંભ માત્ર અંગ્રેજી પ્રભાવને કારણે જ થયો નથી, તે પહેલા આપણે ત્યાં સંસ્કૃતમાં અનેક નાટકો લખાઈ ગયાં હતાં અને એ નાટકોના પ્રભાવના કારણે પણ ગુજરાતીમાં નાટક લખવાની શરૂઆત થઇ એમ પણ બને. ગુજરાતીમાં નવલકથાની શરૂઆત પરના પ્રભાવ માટે ડાહ્યાભાઈ અંગ્રેજી કેળવણીને જવાબદાર ગણાવે છે, તો તે યોગ્ય ગણી શકાય છે. ડાહ્યાભાઈ ઈ.સ.૧૯૧૧માં આ બધી માહિતી એકત્રિત કરીને આપણી સમક્ષ મૂકે છે, પરંતુ જયારે ઈ.સ.૧૯૭૬માં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૩’ની પ્રથમ આવૃત્તિ અને ઈ.સ.૨૦૧૭માં ચોથી આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવે છે ત્યારે તેમાં ગુજરાતી સાહિત્યના કેટલાક સર્જકો અને કૃતિનો ઉલ્લેખ માત્ર પણ કરવામાં નથી આવ્યો. જે ડાહ્યાભાઈએ તે સમયમાં સાધનની અને સ્રોતની ઉણપ હોવા છતાં આપણી સમક્ષ પ્રસ્તુત કર્યા છે.

પાદટીપ:

  1. સાઠીના સાહિત્યનું દિગ્દર્શન, પૃ.૩
  2. એજન., પૃ.૧૬
  3. એજન., પૃ.૧૭
  4. એજન., પૃ.૧૮
  5. એજન.,પૃ.૨૦
  6. એજન., પૃ.૫૮
  7. એજન., પૃ.૧૩૧
  8. એજન.,પૃ.૪૪(@)ડાહ્યાભાઈએ ‘કીમીઆગર ચરિત્ર’ અને ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૩માં ‘કીમિયાકપટ નિબંધ’થી ઉલ્લેખ થયો છે.
  9. એજન. પૃ.૬૭
  10. એજન., પૃ.૬૮
  11. એજન., પૃ.૯૪
  12. એજન., પૃ.૧૧૭..
  13. એજન., પૃ.૧૩૧,૧૩૨.
  14. એજન., પૃ.૧૫૬.
  15. એજન.
  16. એજન., પૃ.૧૮૬
  17. * ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૩માં ઉલ્લેખ નથી.
  18. + ગુજરાતનું પહેલું છાપખાનું.

સંદર્ભ ::

  1. ટોપીવાળા, ચંદ્રકાન્ત (૧૯૯૦) ગુજરાતી સાહિત્ય કોશ ખંડ:૨ (અર્વાચીનકાળ), અમદાવાદ, ગુજરાતી સાહિત્ય પરિષદ.
  2. ટોપીવાળા, ચંદ્રકાન્ત (૨૦૦૦) સાહિત્યના ઈતિહાસની અભિધારણા, અમદાવાદ, પાર્શ્વ પ્રકાશન.
  3. દેરાસરી, ડાહ્યાભાઈ (૧૯૧૧) સાઠીનાં સાહિત્યનું દિગ્દર્શન, અમદાવાદ, ગુજરાત વિદ્યાસભા.
  4. (૨૦૧૭) ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૩, અમદાવાદ, ગુજરાતી સાહિત્ય પરિષદ.

દેસાઈ કુલદીપ વ્રજલાલ, બી-૫૦૧, મધુરમ ફ્લેટ, ગોરવા-કરોળિયા રોડ, કરોળિયા, વડોદરા.