Download this page in

નવલરામના ભાષા અને જોડણી વિષયક લેખો – કેટલાક નિરીક્ષણો

નવલરામ નર્મદના સમવયસ્ક અને નિકટના મિત્ર હતાં. નર્મદની જેમ તેઓએ પણ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવામાં મહત્વનુ યોગદાન આપ્યું છે. તેમનો જન્મ નવમી માર્ચ ઈ.સ.૧૮૩૬માં (ફાગણ વદ છઠ અને સં.૧૮૯૨) સુરતમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ લક્ષ્મીરામ પંડયા અને માતાનું નામ નંદકોર હતું. અભ્યાસ બાદ તેઓ શિક્ષણ ખાતામાં જોડાય છે અને સાથે સાથે લેખન કાર્ય પણ કરે છે અને ‘ગુજરાત શાળાપત્ર’નું તંત્રીપદ પણ સાંભળે છે. ગુજરાતી સાહિત્યના સારા વિવેચક અને વિચારકની ભૂમિકા તેઓ પૂરી પડે છે. તેમના વિપુલ સાહિત્ય સર્જનમાંથી મેં અહીં તેઓના ભાષા અને જોડણી વિષયક લેખોને કેન્દ્રમાં રાખીને તેના અભ્યાસનો ઉપક્રમ રાખ્યો છે.

નવલરામ પાસેથી ઈ.સ.૧૮૭૧માં ‘હિંદુસ્તાનમાં એક ભાષા’ નામે લેખ મળે છે. આ લેખમાં ભાષાનું ઐક્ય કેટલું હતું? હાલ કેટલું છે? આગળ જતાં કેટલું થઈ શકશે? એ વિષય પર તેઓ ચર્ચા કરે છે. ઘણા જૂના વખતમાં બધાં આર્ય લોકો સંસ્કૃત ભાષા બોલતા હતા. પણ એ ઐક્ય વધુ વર્ષો સુધી નિભ્યું હોય તેમ લાગતું નથી. કેમકે વેદની કેટલીક શાખાઓમાં પણ ‘ય’ નો ‘જ’, ‘ષ’ નો ‘ખ’ વગેરે પ્રાકૃત ઉચ્ચારણો જોવા મળે છે. અહીં નવલરામનું નિરીક્ષણાત્મક ચિંતન જોવા મળે છે. તેઓ કહે છે કે ભાષાને અશુદ્ધ રીતે બોલવી એ ભાષાના મૃત્યુનું ચિહ્ન છે. શાહજહાનને અર્પણ કીધેલા ‘સુંદરશૃંગાર’ અને કેશવદાસની ભાષામાં આસમાન-જમીનનો ફેર પડે છે. ધીમે ધીમે વ્રજ ભાષા ઉર્દુમાં ભળી જવા લાગી, અને હાલ જે હિન્દી નામે ઓળખાય છે તેમાં અને ઉર્દુમાં થોડો જ ફેર જોવા મળે છે. એ બંને હિંદુસ્તાની કહેવાય છે અને મોગલ રાજ્ય દ્ધારા આખા હિદુસ્તાનમાં ફેલાઈ. નવલરામ અંગ્રેજી ભાષા માટે પણ વિધાન કરે છે કે, ‘કેટલાએક એમ સમજે છે કે જતે દહાડે અંગ્રેજી દેશ ભાષા થશે. એ વાત અમને તો કોઈ પ્રકારે સંભવિત લાગતી નથી. કદાપિ વિદ્ધાનોની એ ભાષા થાય, પણ ઘરમાં તો કદી પણ એ બોલાય એવો દહાડો આવે અમારાથી મનાતું નથી.’ (નવલગ્રંથાવલિ ખંડ-૨, પૃ.૨૮૧) નવલરામ આ લેખના અંતમાં જણાવે છે કે સમગ્ર દેશમાં એક ભાષા હોય તો શારૂ. અને હિંદુસ્તાનીજ હિંદુસ્તાનની ભાષા કરવી જોઈએ તેવો મત જણાવે છે.

‘જૂની ગુજરાતી ભાષાના થોડાએક નમૂના’ (ઈ.સ.૧૮૭૩) નામના લેખમાં તેઓ જૂની ગુજરાતી ભાષાની ખાસિયત વાચકો સમક્ષ રજૂ કરે છે. તેઓ કહે છે કે ઘણાં શબ્દોની વાંચનમળામાંથી ‘હ’ કાઢીનાંખે છે ત્યાં ત્યાં ખરેખરો બોલાય છે, અને તે પ્રમાણે એવા શબ્દમાં ‘હ’ પ્રચીનકાળથી બોલાતો તથા લખાતો આવ્યો છે. આમ તેમણે ‘હ’ ના લોપ બાબતે ઉદાહરણો સહિત વિસદ ચર્ચા કરી છે. યુરોપના સંસ્કૃત પંડિતોએ ભાષાના વૈદિક (vedik) અને સંસ્કાર પામેલી (classical) એવા બે ભાગ પાડે છે. અને આપણાં શાસ્ત્રીઓમાં એ બે ભાગ મહાસંસ્કૃત અને સંસ્કૃત એવા નામથી પ્રસિદ્ધ છે. મૂળ માતા ઉપરથી આર્ય વર્ગની સઘળી ભાષાઓ નીકળી છે તેવું નવલરામ ‘શું સંસ્કૃત ભાષા કોઈ સમે બોલતી હશે?’ નામના લેખમાં જણાવે છે. વેદના મહાસંસ્કૃતમાં સળો પેઠો અને લોકસમુદાયમાં તો પ્રાકૃત ભાષા જ ચાલી. વેદની એક શાખામાં ‘ષ’ ને ઠેકાણે ‘ખ’ અને ‘ય’ ને ઠેકાણે ‘જ’ બોલાય છે એ નિયમો સંસ્કૃતના નહીં પણ પ્રાકૃત ભાષાના છે. અને એ ઉપરથી નવલરામ અનુમાન કરે છે કે મહાસંસ્કૃત કાળક્રમે પ્રાકૃત ભાષા થઈ છે. વિદ્વાનો સંસ્કૃત લખતા બોલતા હશે પણ અન્ય લોકોમાં પ્રાકૃત વપરાતું હશે. અને તેના માટે નવલરામ કાલિદાસના શાકુંતલમાં ઋષિપત્નીઓ અને રાણીઓ પ્રાકૃત બોલે છે તેનું ઉદાહરણ આપે છે. અને આમ, સંસ્કૃતમાંથી પ્રાકૃત, અપભ્રંશ, સુરસેની, માગધી વગેરે ભાષાઓ કાળક્રમે ઉદ્ભવી અને વિકસી છે.

નવલરામ પાસેથી ઈ.સ.૧૮૭૫ માં ‘ભાષાશાસ્ત્ર’ નામે એક લેખ મળે છે. તેમાં તેઓ વિશ્વના વિવિધ ભાષાશાસ્ત્રીઓએ કરેલ ભાષાઓના અભ્યાસ વિશે ચર્ચા કરે છે. વ્યાકરણનો અભ્યાસ અને ભાષાનો અભ્યાસ કઈ રીતે અલગ પડે છે તે જણાવે છે. ભાષાઓ શી રીતે ઉત્પન્ન થાય છે અને વૃધ્ધિ પામે છે એ વિષયનું જે શાસ્ત્ર તેને નવલરામ ‘ભાષાશાસ્ત્ર’ કહે છે. તેવો ભાષાશાસ્ત્રનો ઉદ્દેશ્ય પણ સ્પષ્ટ કરી બતાવે છે. ભાષાશાસ્ત્રીએ ભાષાઓ વીશે ખોળ કરવી, વિચાર કરવા અને ટુંકામાં ભાષાનું શાસ્ત્ર બાંધવું અને આમ થાય ત્યારે જ કોઈ પણ જ્ઞાન શાસ્ત્ર બને છે. હિબ્રુ અથવા યહૂદીએ મૂળ ભાષા છે એમ ધર્માભિમાની પાદરીઓએ અસલથી ઠોકી બેસાડયું હતું. માટે ભાષાનું મૂળ શોધવા લૉક, આડમસ્મિથ અને ડ્યુગલ સ્ટુઅર્ટ જેવા ફિલસૂફો આડે રસ્તે જ કુંટાયા. ૧૮મી સદીના ઘણાં ફિલસૂફો માણસે પોતાની મેળે ભાષાની શી રીતે યોજના કરી હશે તેની અટકળો કરવા મંડી ગયા. `પ્રથમ પ્રત્યક્ષ વિના અનુમાન જ્ઞાન નથી' એવો જે તર્કશાસ્ત્રનો સિદ્ધાંત ભૂલી ગયા એ વાતનું પ્રથમ સ્મરણ લિબનિટ્રસે કરાવ્યું. તેણે કહયું કે `જે આ તમે શ્રમ કરો છો તે સઘળો ફોકટ છે, જો તમારે ભાષાના શાસ્ત્રની શોધ કરવી છે તો જેમ બીજા શાસ્ત્રની ખોળ કરો છો તેમજ એની પણ કરો. નકામા તરંગો ન દોડાવો. તેમજ અગાઉથી એક અબસીમૂઠ બાંધીને ના બેસો, પણ પ્રથમ કેટલીએક સત્ય વાર્તાનો સંગ્રહ કરો અને પછી તે ઉપર તમારી અનુમાનશક્તિ વાપરો. પ્રથમ જુદી જુદી ભાષાઓ ભણો, તેના શબ્દોનો સંગ્રહ કરો, તેના વ્યાકરણના નિયમોની વિશેષતાઓ જુઓ અને પછી તે ભાષાઓના સરખાપણા અથવા ઊલટાપણા વિષે તમારી કલ્પના ચલાવવા લાગો. જ્યારે તમે એ પ્રમાણે દુનિયાની ઘણી ભાષાઓના કોષ તથા વ્યાકરણ એકઠાં કરશો ત્યારેજ તમે બરાબર રીતે કહેવાને શક્તિમાન થશો કે મૂળ ભાષા કઈ છે? તે કેવી હતી? તેમાંથી કઈ કઈ ભાષાઓ અને શી રીતે ઉત્પન્ન થઈ? વગેરે વગેરે.’ અહીં નવલરામનો ભાષાશાસ્ત્રનો અભ્યાસ કેવી રીતે કરી શકાય તે વિશેનો સ્પષ્ટ અભિગમ જાણી શકાય છે. ઈ.સ.૧૮૦૦માં એક જેસ્યુટ પ્રચારકે સ્પેનિશ ભાષામાં છ પુસ્તકભર એક મોટો ગ્રંથ રચ્યો. તેમાં ૩૦૦ ભાષાના નમૂના આપ્યા, તે દરેકની હકીકત લખી અને ઘણે ઠેકાણે તેનો પરસ્પર સંબંધ દર્શાવ્યો. આ ગ્રંથના આધારે બર્લિનમાં એક બીજું પુસ્તક રચાયું. અને આમ, ૧૮૦૦નું વર્ષ એટલે ૧૯માં શતકનો આરંભ જ ભાષાશાસ્ત્રનો આરંભ છે તેવું નવલરામ જણાવે છે.

યુરોપીયન લોકોને સંસ્કૃત તરફ ધ્યાન ખેંચવાનું માન સર વિલિયમ જોન્સને ફાળે જાય છે. સર વિલિયમ જોન્સે આખા યુરોપને કહયું કે, ‘સંસ્કૃત, ગ્રીક અને લેટિન એક મૂળમાંથી નીકળી છે. યુરોપની ઘણી ખરી અર્વાચીન ભાષાઓના મૂળ સંસ્કૃતમૂળને જ મળતાં છે. વળી જૂની ફારસી પણ તેજ મૂળની છે.’ ડ્યુગલ સ્ટુઅર્ટ જેવા પંડીતે તેના વિરોધમાં જણાવ્યું કે, ‘સંસ્કૃત ભાષા ખરી ભાષા જ નથી પણ એતો ભ્રામણોએ ગ્રીક અને લેટિન ઉપરથી નવી જ ઘડી કાઢેલી છે.’ આ પોકાર જર્મનીના સ્લેગલ નામના પંડીતે જાણ્યો અને તેને પ્રાચીન ભાષાઓનો અભ્યાસ કરી ‘હિન્દુઓની ભાષા અને વિદ્યા’ પુસ્તક લખ્યું અને તેમાં સંસ્કૃત ભાષાનું મહત્વ આખા યુરોપ ખંડમાં જાહેર કર્યું. જર્મન લોકોએ સંસ્કૃતના મોટાં મોટાં વ્યાકરણ અને કોષ રચ્યાં છે, વેદોના ભાષાંતરો કર્યા છે, અને આર્ય સમયનું બરાબર ચિત્ર પોતાના મનમાં યથાશક્તિ ઉતાર્યું છે. સન ૧૮૧૬માં બોપ નામના વિદ્વાને ‘આર્યવર્ગની ભાષાઓનું વ્યાકરણ’ પુસ્તક રચી તેમાં ગ્રીક, લેટિન, જર્મન વગેરે યુરોપની ઘણી ખરી ભાષાઓને એશિયાખંડની સંસ્કૃત વગેરે આર્યભાષાઓ સાથે સરખાવી છે. બોપના સમયે પોટ નામનો વિદ્વાન પણ ભાષાશાસ્ત્રમાં કામ કરે છે. ગ્રિમનું જર્મનભાષાનું મહાવ્યાકરણ તેમજ વિલ્હેલ્મવોન હંબોલ્ટ ભાષાનું સામાન્ય શાસ્ત્ર આપે છે. આમ અહીં નવલરામ વિશ્વની ભાષાઓના ઉદ્ભવ અને વિકાસ અંગે વિવિધ ભાષાશાસ્ત્રીઓએ કરેલા અભ્યાસની સહજ સમજ રજૂ કરે છે.

‘ભાષાઓના વર્ગ’ નામના લેખમાં નવલરામ જણાવે છે કે દુનિયામાં ઘણી બધી ભાષાઓ બોલાય છે. દેશ દેશની ભાષા જુદી છે વળી પ્રાંત પ્રાંતની અને પરગણા પરગણાની ભાષાઓ જુદી છે. જેમકે ગુજરાતમાં કાઠિયાવાડી, સુરતી, ચરોતરી વગેરે ભાષાભેદ છે. આપણામાં કહેવત જ છે કે ‘બાર ગાઉએ બોલી બદલાય’ એમાય વળી જાત અને ધંધા પ્રમાણે બોલી બદલાય છે. નવલરામ જણાવે છે કે કોઈ પણ શબ્દની મૂળ ધાતુ અને કાળના આધારે ભાષાના મૂળ જાણી શકાય છે. યુરોપના પંડિતોએ વિશ્વની સઘળી બોલીઓના ત્રણ ભાગ પાડ્યા છે- આર્ય, સેમેટિક અને તુરાની. આર્યવર્ગની ભાષાના મુખ્ય બે વિભાગ પડે છે: ઉત્તર વિભાગ અને દક્ષિણ વિભાગ. હિંદુસ્તાન અને ઈરાનની પ્રાચીન તથા અર્વાચીન ભાષાઓ દક્ષિણ વિભાગમાં અને બાકીની બધી ઉત્તર વિભાગમાં ગણાય છે. ઉત્તર વિભાગની આર્યભાષાઓના છ ગોત્ર પાડવામાં આવ્યા છે કેલ્ટિક, ઈટલિક, હેલેનિક, સ્લેવોનિક, ટ્યુટોનિક અને સ્કાડીનેવિયન. આરબી, હિબ્રુ, ખાલ્ડી, સિરિયાક વગેરે ભાષાઓ સેમેટિકવર્ગની ભાષાઓ છે. જ્યારે તુરાનીવર્ગમાં ઘણીજ ભાષાઓનો સમાવેશ થાય છે, તેમાંથી ઘણી ખરી જંગલી છે, વળી તેમાં પણ ઉત્તર અને દક્ષિણ જેવા બે ભાગ પડે છે. ભાષાઓના વર્ગીકરણમાં નવલરામના વિશાળ વાંચનનો સહજ પરિચય ભાવકને થતો જોવા મળે છે.

લિપિની ઉત્પત્તિ વિશે નવલરામ ઈ.સ.૧૮૮૬માં ‘અક્ષર લિપિની ઉત્પત્તિ’નામે એક લેખ આપે છે. આ લેખમાં તેઓ કહે છે કે યુરોપના વિદ્વાનો ઘણી શોધ અને અવલોકનો ઉપરથી એવો મત રજૂ કરે છે કે દુનિયામાં પ્રથમ વસ્તુચિત્રલિપિ નીકળી ત્યાર બાદ શબ્દચિત્રલિપિનું રૂપ પકડ્યું અને તેમાંથી ધીમેધીમે શબ્દલિપિ અને છેવટે હાલ જે અક્ષરલિપિ ચાલે છે તે ઉત્પન્ન થઈ. અક્ષરલિપિની ઉત્પત્તિ સંબંધે નવલરામ તાર્કિકરીતે વિવિધ ભાષાની લિપિઓના ઉદ્ભવ વિશેના અનુમાનો ઉદાહરણ સહિત જણાવે છે. ‘સ્વભાષાના અભ્યાસનું અગત્ય’ અભ્યાસલેખ ઈ.સ.૧૮૮૮માં તેઓ આપે છે. તેઓના મંત્યવ્ય મુજબ શાળા તેમજ યુનિવર્સિટીઓએ દેશી ભાષાના અભ્યાસને ખાસ ઉત્તેજન આપવું જોઈએ. સ્વભાષાની મારફતેજ બધીજ કેળવણી આપવી જોઈએ. આર્ય શબ્દની ઉત્પત્તિ વિશે તેમજ આર્ય પ્રજા વિશે નવલરામ ‘આર્ય શબ્દ’ નામનો ઈ.સ.૧૮૭૬માં એક અભ્યાસ લેખ રજૂ કરે છે. આર્ય એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને તેનો સાધારણ અર્થ પૂજ્ય કુલિન એવો થાય છે. વેદમાં એ શબ્દ માનાર્થે વપરાયેલો છે તેવો જ જાતિવાચક પણ છે. આપણાં પૂર્વજો ભરતખંડમાં હતા તે પ્રથમ આર્ય નામથી ઓળખાતા હતા. આર્ય અને દશ્યુ એ વેદનું એક સાધારણ વાક્ય છે. ઋગ્વેદમાં ૧૫,૭૭૮ – ઇન્દ્રની પ્રાર્થના કરતાં કહે છે કે, ‘ઓ ઇન્દ્ર તું આર્ય અને દશ્યુને જાણે છે; અધર્મીઓનો નાશ કર, અને હું તારી કીર્તિ યજ્ઞમાં ગાઈશ.’ નવલરામ કહે છે કે સંસ્કૃતમાં આર્યને મળતો એક બીજો શબ્દ ‘અર્ય’ છે અને તેનો અર્થ વૈશ્ય થાય છે. વળી ‘આર્ય’ કે ‘અર્ય’ શબ્દનો મૂળ અર્થ ખેતી કરનાર હોય તેવી નવલરામ કલ્પના કરે છે. લેટિનાદિ એ વર્ગની ઘણી ભાષાઓમાં જોતાં એ કલ્પના સિદ્ધાંતરૂપ થાય છે. ઈરાની નામોમાં ઈરાન શબ્દજ આર્ય શબ્દનું અપભ્રંશ રૂપ છે. આર્મિનિયાની ભાષામાં ‘આરી’ શબ્દ બહુમાનવાચક છે. કોકેસસની ખીણમાં વસતાં લોકો આર્ય વર્ગની ભાષા બોલે છે, અને પોતે ‘ઐરો’ નામથી ઓળખાય છે. યુરોપમાં થ્રેસનું જૂનું નામ આર્યા હતું, તેમજ જર્મનીમાં એક જાતના લોકોને આર્ય કહેવામાં આવતા. ‘આયર્લોડ’ શબ્દ પણ આર્ય ઉપરથી પડેલો છે, વળી ત્યાંની ભાષામાં પૂજ્યતાના અર્થ માટે ‘આર’ શબ્દ વપરાય છે. અને આ પ્રમાણે નવલરામ તારણ ઉપર પહોંચે છે કે એ લોકોનું મૂળ નામ આર્ય જ હતું. આ લેખમાં નવલરામે ‘આર્ય’ શબ્દની છણાવટ ઉદાહરણો આપી તાર્કિક ક્રમમાં રજૂ કરી છે.

જુદી જુદી બોલીઓ ભેગી થઈ અંધમમત્વ છોડી સામાન્ય ગ્રહણ કરી એક ભાષા બને છે. ભાષાનું ઐક્ય સહવાસથી વધે છે તેમજ સહવાસભંગથી ઐક્ય ઓછું પણ થઈ શકે છે તેવું નવલરામ ‘ગુજરાતી ભાષાનું ઐક્ય’ નામના અભ્યાસલેખમાં જણાવે છે. આપણી ભાષાનું આ ઐક્ય કરનાર મુખ્યત્વે સરકારી શાળાઓ, છાપખાનાં અને રેલવે છે. નિશાળોમાં દરેક વર્ગના બાળકો સામાન્ય ભાષામાં કેળવણી લે છે. અને એજ સામાન્ય ભાષા પુસ્તકો, ચોપાનિયા અને વર્તમાનપત્રોમાં વાંચે છે. તેમજ રેલવે માર્ગે વારંવાર પરગામ જઈ અથવા વસવાટ કરીને પોતાનો પ્રાંતભેદ વીસરી સામાન્યભાષા સ્વાભાવિક પણેજ શીખે છે. હાલ કેળવાયેલા હિન્દુ ગૃહસ્થો મુંબઈ, સુરત, ભરુચ, નડીઆદ, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, જુનાગઢ વગેરેના હોય પણ તેની ભાષા એક સરખીજ સાંભળવા મળે છે. પ્રાંત પ્રાંતના ખાસ ઉચ્ચારણ અને લહેકા પણ કોઈ નાં ધારે એટલે દરજ્જે હાલ ઓછા થઈ ગયા છે વગેરે બાબતોનું નવલરામ નિરીક્ષણ કરે છે.

ગુજરાતી ભાષાની જોડણીના પ્રશ્નોને રજૂ કરતો લેખ નવલરામ ઈ.સ.૧૮૭૨નાં માર્ચ મહિનાના ગૂજરાતશાળાપત્રમાં લખે છે. અને ખોટી જોડણી લખવાવાળા પ્રત્યે રોષ વ્યક્ત કરે છે. નવલરામ જોડણીના નિયમોનું અર્થગ્રહણ કરી કેટલાક નિયમોની ચર્ચા કરે છે.

  1. શબ્દના સાધારણ ઉચ્ચારમાં મૂળ શબ્દ જોડે થોડોજ ફેર હોય તો તેને મૂળ પ્રમાણે લખવો; જેમ દાશી ને બદલે દાસી, પરમાણે ને બદલે પ્રમાણે, મારગ ને બદલે માર્ગ, વના ને બદલે વિના.
  2. અસલ અને ચાલતા ઉચ્ચારણમાં ઘણો ફેર હોય, તો ચાલતા ઉચ્ચાર પ્રમાણે શબ્દ લખવા; જેમ માર્ગશિર્ષ ને બદલે માગશર, ગૃહ ને બદલે ઘર. અહીં નવલરામ શબ્દના બંને સ્વરૂપને સ્વીકારે છે.
  3. શુદ્ધ સંસ્કૃત કે ફારશી શબ્દ આવે તો તેને અસલ પ્રમાણે લખવાં; જેમકે શૂક્ષ્મદર્શક, દૂરબીન. આ નિયમની છણાવટ કરતાં નવલરામ જણાવે છે કે ભાષામાં ઉચ્ચાર અને જોડણી એક સરખા ન હોય ત્યાં ઉચ્ચાર પ્રમાણે લખવું અને વળી વ્યાજનાંત શબ્દો શુદ્ધ રૂપે બોલતા હોય તો તેમાં `અ' મેળવીને જ લખવા. T નો `ટ', D નો `ડ', Z નો `ઝ', ટૂંકા A નો `આ', clyde જેવા શબ્દમાં `ક્લાઈડ' અને point માં `પોઈંટ' એ પ્રમાણે લખવું.
  4. ગુજરાતી શબ્દો ગુજરાતનાં ઘણા ભાગમાં જે પ્રમાણે બોલતા હોય તે પ્રમાણે લખવા.
  5. એકજ અર્થના જુદા જુદા શબ્દો ગુજરાતનાં જુદા જુદા ભાગમાં બોલતા હોય તો તે બધા રાખવા.
  6. સંસ્કૃત તથા હિન્દી ધાતુ પરથી ક્રિયાપદ બને તેની જોડણી મૂળ પ્રમાણે રાખવી.
  7. ઈકરાંત શબ્દને સ્વર પ્રત્યય આવે ત્યારે ‘ઈ’ દીર્ઘ રાખીને તે સ્વરને લખવો પણ હ્રસ્વ ‘ઇ’ કરીને ‘ય’ ઉમેરે તો એ ચાલે. જેમકે નદી, નદીઓ અથવા નદિયો. ઉકારાંત શબ્દને સ્વર પ્રત્યય આવે ત્યારે ‘ઉ’ જ રાખવું. ઉદા. જૂ-જૂઓ, લીંબુ-લીંબુઓ.
  8. કાંસું, રાતું, વાંચવું વગેરે શબ્દોમાં નાન્યત્તર જાતિ જણાવનારો જે સ્વર તે અનુસ્વારવાળો હ્રસ્વ ઉકાર છે, અને અંત્યાક્ષરી ‘ઉ’ હ્રસ્વ લખવો. જૂ, લૂ વગેરે ઉકારાંત એકાક્ષરી શબ્દોમાં અંત્યસ્વર દીર્ઘ છે. બે અક્ષરના શબ્દોમાં ઉકાર પછીનો અક્ષર હ્રસ્વ હોય તો તે ઉકાર દીર્ઘ છે; જેમ ફૂટ, ધૂળ, ચૂક, મૂક ઈત્યાદિ. તેમજ ઉકારની પછીનો અક્ષર દીર્ઘ હોય ત્યાં પણ એજ નિયમ લાગે છે; જેમ ચૂનો, ખૂણો ઇત્યાદિ. ધાતુ કે નામમાં ‘ઉ’ હ્રસ્વ કે દીર્ઘ હોય તેને પ્રત્યય આવ્યાથી અથવા સમાસમાં પણ ઉપલો નિયમ ફરતો નથી, જેમ કે મૂકનાર, સૂવાળો વગેરે. બેથી વધારે અક્ષરોના શબ્દમાં પહેલા અથવા વચમાંના ઉકારની પછીનો અક્ષર હ્રસ્વ હોય તો તે ‘ઉ’ દીર્ઘ કરવો, અને જો તે અક્ષર દીર્ઘ હોય તો તે ‘ઉ’ હ્રસ્વ લખવો, જેમકે કૂબડો, કૂટકો, ખુશાલ વગેરે. ઇકારાંત શબ્દોમાં જે ઈકાર છે તે દીર્ઘ છે, જેમ ઘી, કઢી, નાખી. બે અને તેથી વધારે અક્ષરના શબ્દોમાં ઈકાર હ્રસ્વ અને દીર્ઘ ઉકાર સંબધી નિયમ પ્રમાણે લખાય, જેમકે બીક, કીડી, ખીચડી, નાળિએર, રૂપિયો ઇત્યાદિ.
  9. ગુજરાતી શબ્દોમાં ‘સ’ હોય તેમાં ‘ઈ’ કે ‘ય’ મળવાથી તાલુ ‘શ’ બોલાય છે, જેમ ડોસો હોય પણ ‘ઈ’ આવવાથી ડોશી, માસો-માશી, પીરસો-પીરશ્યું વગેરે એ નિયમ સુરત ભરુચ સિવાય આખા ગુજરાતમાં ચાલે છે. માટે તેવા શબ્દોની જોડણી ચોથા નિયમને આધારે રાખવી.
  10. નાન્યત્તર જાતિના પ્રત્યયમાં ઉકાર હ્રસ્વ છે.
  11. શબ્દના છેડાનો ઈકાર દીર્ઘ અને ઉકાર હ્રસ્વ લખવા પણ એકાક્ષરી શબ્દનો ઉકાર દીર્ઘ લખાય છે.
  12. શબ્દના છેડે નહિ આવ્યા હોય એવા ઈકાર કે ઉકાર લખવાનો નિયમ એ છે કે જો તેની પછી લઘુ અક્ષર આવે તો દીર્ઘ અને ગુરુ અક્ષર આવે તો લઘુ લખવા; પણ બે અક્ષરના શબ્દમાં પછીનો અક્ષર ગુરુ હોય તો પણ એ ઘણું કરીને દીર્ઘ જ લખાય છે.
  13. મૂળ શબ્દ ઉપર પ્રત્યય અથવા સામાસિક શબ્દ આવેથી તેની મૂળ જોડણીમાં કોઈ નિયમને અનુસરી ફેર પડવા દેવો નહિ; પણ ઈકારાંત શબ્દની પછી સ્વર પ્રત્યય આવે તો તે ‘ઈ’ ને મરજીમાં આવે તો હ્રસ્વ કરીને જોડેના સ્વરમાં ‘ય’ ઉમેરાઈ શકે. અને તેમજ ‘સ’ માં ‘ઈ’ કે ‘ય’ મળતો હોય ત્યાં તેને ઠેકાણે ‘શ’ થાય છે. જેમકે ગાડીવાન, નદીઓ અથવા નદિયો, માશી, પીરશ્યું વગેરે આમ ઉપરોક્ત જણાવેલા જોડણીના કેટલાક નિયમોની નવલરામ તાર્કિક રીતે છણાવટ કરે છે. વળી ‘હ’ શ્રુતિને પણ વિશદ્તાથી ચર્ચે છે. ઘણા શબ્દોમાં જોડાયેલો ‘હ’ સંભળાય છે તેને કેટલાક ઠેકાણે સમૂળગો કાઢી નાંખવામાં આવે છે જેમકે મોટો, નાનો વગેરે વળી કેટલીક જગ્યાએ ‘હ’ કાઢી નાંખીને તેની જોડે ડકાર આવ્યો હોય છે તેનો ઢકાર કરે છે, જેમકે કાઢવું, ચઢવું, વઢવું, મોઢું વગેરે. કેટલેક ઠેકાણે જોડાયેલો હકાર છૂટો કરીને તેના ઉપર પાછલા અક્ષરનો સ્વર નાંખે છે, જેમકે શહેર, લહેર, પ્રહર, નહોર. વળી કોઈ પણ નિયમ ભેદ વિના કોઈ વખત એ સ્વર બંને અક્ષર ઉપર મૂકવામાં આવે છે; જેમકે પહેલો, વાહાલો, મોહોડું વગેરે.
    1. ઘણા અપભ્રંશ શબ્દોમાં ‘હ’ નું કાંઈક ઉચ્ચારણ થતું હોય તો પણ તેનો લોપ થયો છે એમ સમજી તેને જોડાક્ષરમાં લેવો નહિ.
    2. ‘હ’ કારની જોડે ડકાર આવ્યા હોય તો ‘હ’ કાઢીનાંખીને ‘ડ’ નો ‘ઢ’ કરવો, જેમકે કાઢવું, વઢવું વગેરે.
    3. હકારની પહેલાના અક્ષરનો સ્વર કાઢી નાંખવો અથવા ત્યાં રહેવા દઈને હકાર ઉપર તે સ્વર લખવો. જેમકે શહેર – આ રીતને નવલરામ બિલકુલ પસંદ કરતાં નથી અને તેનો વિરોધ કરે છે.
    4. જે અક્ષરની પછી હકાર સંભળાતો હોય તે અક્ષરની સાથે જ તેને જોડી દેવો. આ નિયમ પ્રમાણે નર્મદાશંકર અક્ષરને હકાર સાથે જોડે છે વળી તેવો સ્વરની સાથે વ્યંજન આવીને જોડાક્ષર થાય ત્યારે પણ આ નિયમને વળગી રહે છે. તે બાબત નવલરામ સ્વીકારતાં નથી.
    5. હકારને તેની પછીના અક્ષર સાથે જોડી દેવો અથવા ‘અ’ ઉમેરીને લખવો. અને અંતે નવલરામ જણાવે છે કે જ્યાં હકારનું ઉચ્ચારણ સંભળાતું હોય ત્યાં તે હકારની સાથે પછીનો અક્ષર જોડી દેવો અથવા ‘હ’ ને છૂટો લખીને ખોડવો. અથવા સૌથી વધારે સારું એ કે ‘હ’ કાઢી નાંખીને તે સ્થાને ‘એપોટ્રોફી’ મૂકવી. અને આ રીતને તેઓ સર્વોત્તમ ગણાવે છે. જેમકે મેહતાજી – મે`તાજી.
ઉપરોક્ત જણાવ્યા મુજબ નવલરામ ‘હકારને લાગતાં પોતાના મંતવ્યો જણાવે છે. આમ, નવલરામનાં ભાષા અને જોડણી વિષયક અભ્યાસલેખોમાંથી પસાર થતાં તેમની વિદ્વતા તેમજ સંશોધનની સૂઝ અને રજૂઆતની તાર્કિકતા સહજ રીતે નજરે પડે છે. ગુજરાતી ભાષાનાં સંશોધનક્ષેત્રે નવલરામ અગત્યનું યોગદાન આપે છે તે નોંધનીય અને પ્રસંશનીય બની રહે છે.

સંદર્ભગ્રંથો ::

  1. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ગ્રંથ-3 ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ચોથી આવૃત્તિ-૨૦૧૭
  2. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, લે. બેચરભાઈ પટેલ અને અન્ય યુનિવર્સિટી ગ્રથનિર્માણ બોર્ડ, ગાંધીનગર દ્વિતીય આવૃત્તિ-૨૦૧૫
  3. ગુજરાતી વિશ્વકોશ, ખંડ-૧૧ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ પ્રથમ આવૃત્તિ-૧૯૯૯
  4. નવલરામ સંચય, સં. રમેશ મ. શુક્લ સાહિત્ય અકાદમી, આવૃત્તિ-૨૦૦૧
  5. નવલગ્રંથાવલિ, સં. નરહરિ દ્વારકાદાસ પરિખ ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ, આવૃત્તિ-૧૯૩૭
  6. નવલગ્રંથાવલિ, ખંડ-૧ અને ખંડ-૨ સં. રમેશ મ. શુક્લ, ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, સુરત આવૃત્તિ-૨૦૦૬

લાલજીભાઈ નટુભાઈ પરમાર, પીએચ.ડી. શોધછાત્ર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ ઉનિવર્સિટી, વિ.વિ.નગર Email- ln1989parmar@gmail.com