Download this page in

લઘુકથા
છાપું

એ આંખો બંધ કરી ક્યારનોય સ્ટાફરૂમની ખુરશી ઉપર બેઠો હતો. ઘડિયાળના કાંટા બહુ ધીમે – ધીમે ફરી રહ્યા હોય એવું અનુભવાયું. એણે લાઇબ્રેરીમાં જઇ છાપું વાંચવા વિચાર્યું, પણ પગ ન ઊપડ્યા. મનમાં થયું – ઘરે જઇને વાંચી લઇશ. બીજું કામ પણ શું છે ?
થોડીવારમાં જ કૉલેજનો સમય પૂરો થયો. એણે ઝડપથી ઘર તરફ ચાલવા માંડ્યું.
છાપું યાદ આવતાની સાથે જ શુભાનો સહેજ ગુસ્સે ભરાયેલો ચહેરો મનમાં ઝબકી ઊઠ્યો.
એ સવારની ચાની ચૂસકી છાપાના મથાળા પર ફેરવતાં – ફેરવતાં જ લે; ને શુભા ચિડાઇ ઊઠે, ‘ અરે, ચા તો શાંતિથી પી લ્યો. સવારમાં જ અકસ્માત, મારામારી, મૃત્યુ. ઘણો સમય પડ્યો છે છાપું વાંચવા માટે.’ પણ એનાથી છાપું છૂટે નહીં.
બીજું છાપું બરાબર એનાં જમવાના સમયે જ આવે. જમતાં – જમતાં જ એ પાનાં ઉથલાવવા માંડે. વળી શુભા ઉકળી ઊઠે, ‘ છાપા વિના કોળિયો ગળા નીચે નહીં જ ઉતરે.’
ચા અને જમવાના સમયે છાપાઓમાં નજર જ ફેરવી શકાઇ હોય. ઝીણવટથી વાંચવાનો સમય કૉલેજથી છૂટ્યા પછી ઘરે જઇ ચાર વાગ્યાની ચા પીતા પીતા જ મળે. શુભા આ સમયે કામથી પરવારી એની રાહ જોતી કંઇક વાત કરવાના મૂડમાં હોય ત્યાં જ એ છાપું લઇને બેસી જાય અને શુભા ગુસ્સે થતી બહાર જતી રહે.
શુભા સાડી ક્યારેક જ પહેરે. જયારે પહેરે ત્યારે એ વરસી જ પડતો. એક સાંજે શુભાએ નવી સાડી પહેરી. એ છાપું વાંચતો હતો ત્યાં આવી ઊભી રહી. છાપામાંથી આંખ ખસેડી એણે શુભાને જોઇ કહ્યું, ‘ ખૂબ જ સુંદર લાગે છે’ ને ફરીથી છાપું વાંચવામાં ગૂંથાઇ ગયેલો. શુભા અંદરના રૂમમાં જઇ એની રાહ જોતી બેસી રહેલી. પણ એ ન ગયો – ન જઇ શક્યો. મોડેથી ગયો ત્યારે એ રડતી હતી. એ નજીક ગયો કે એ બરાડી ઊઠેલી,
‘ તમને રીઝવવા અમે ન ફાવે તોય સાડી પહેરીએ, ને તમને મનમાં કંઇ જ નહીં. બસ આખો દિવસ છાપું, છાપું ને છાપું જ.’ ઘણીયે રીઝવવા છતાં એ નહીં જ માનેલી. એનેય મનમાં ઘણું થયું, પણ શું કરવું ? છાપું....
ઘર આવી ગયું. બારણું ખોલતા જ શુભા વગરના ખાલી ઘરની વાસ અકળાવી ગઇ. ઘર એકદમ અસ્તવ્યસ્ત પડ્યું હતું. બધું સમુસૂતરું મૂકી ચા એ છાપું લઇને બેઠો. ન જાણે શું થયું હતું ? નજર છાપામાં ચોંટી નહીં. પાનું ફેરવવા હાથ ન ઊપડ્યો. અક્ષરો રેલાઇ રહ્યા. છાપા પ્રત્યે અણગમો ઊગી આવ્યો. એણે છાપું ફગાવી દીધું. છેલ્લા આઠ દિવસની જેમ જ.
શુભા અઠવાડિયા પહેલાં એના મમ્મીને મળવા ગઇ હતી. એને થયેલું હવે આખો દિવસ છાપું વાચ્યા કરીશ. કોઇ નહીં રોકે. પણ...
એને ચેન ન પડ્યું. મોબાઇલ હાથમાં લઇ મેસેજ લખવા માંડ્યો:
‘ પ્રિય શુભા,
જલદીથી પાછી આવી જા. તારા વિના છાપુંય....

નસીમ મહુવાકર, ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા સેવા સદન, ટાવર પાસે, સુરેંદ્રનગર મોબાઇલ: 99 1313 5028