Download this page in

કચ્છના સાહિત્યમાં રણ અને દરિયાઈ પરિવેશ

કચ્છના સર્જકોએ રચેલી કૃતિઓના પ્રદેશવિશેષના લાક્ષણિક પરિવેશ અને પરિસ્થિતિને રજૂ કરતી અલગ-અલગ કૃતિઓનો અભ્યાસ કરવાનું બને છે. ત્યારે આ કચ્છ પ્રદેશના વવ્યક્તિત્વ ને અભિવ્યક્ત કરાવતી વાર્તા, નવલકથા કે અન્ય સર્જન એ ભૌગોલિક રીતે જોતા કચ્છ અત્યંત વિલક્ષણ પ્રદેશ છે. એની આ વિલક્ષણતા તેમની કૃતિઓમાં ઉભરી આવે છે. કચ્છના લેખકોની આ કૃતિઓની સર્જકતાનો સબળ સંસ્પર્શ પણ સૌથી વધુ એમની આ પ્રકારની કૃતિઓમાં જ અનુભવાય છે.

કચ્છના પરિવેશને આલેખતા જ્યારે રણ અને સમુદ્રને યાદ કરીએ ત્યારે ભીષણ દુષ્કાળનો અહીંના પ્રજાજીવન પર ઊંડો પ્રભાવ જેમાં કલાત્મક તથા વિશિષ્ટ દ્રષ્ટિબિંદુથી વ્યક્ત થયો છે.

રણની રેતાળ જમીન કે સમુદ્ર તરફનો વિશાળ ભાગથી ઘેરાયેલો કચ્છ પ્રદેશ સાહિત્યથી ફુલ્યો-ફાલ્યો છે. રણની પ્રજા અને પ્રાણીઓ તેમજ દરિયાઈ સફરની સાહસકથા બંને રૂપથી તુલનાત્મક અભિગમ રહ્યો છે.

આ અભિગમને જોડતા સર્જકોની વાત કરીએ તો તેમાં ‘સુકાની’, ‘વનું પાંધી’, ‘જયંત ખત્રી’, ‘માવજી મહેશ્વરી’, ‘વીનેશ અંતાની’, ‘ધીરેન્દ્ર મહેતા’ નું નામ ઉચિત રીતે જોડાયેલું છે. તેમની કૃતિઓમાં કચ્છનો દરિયો, રણવિસ્તારનું આબેહૂબ વર્ણન, સ્ત્રી-પુરુષના જીવનની મનોવેદના કચ્છની ધરતી સાથે જોડાયેલી છે.

કચ્છનું વાતાવરણને અહીં સર્જકોએ વિશેષપણે સજીવારોપણનો પ્રયોગ તાદૃશ કર્યો છે. જેમાં સુકાનીની વાર્તા ‘સાગવાનું હૈયું’ ને જોતા દરિયાઈ પરિવેશ, વહાણો, વહાણવટાઓ ને લગતી વિગતોનો વિનિયોગને નિર્જીવ વસ્તુને સર્જકશક્તિથી સજીવ કરી મૂકે છે. તો માવજી મહેશ્વરીની ‘રણ’ વાર્તામાં રણવિસ્તાર અને તેમના બે પાત્રોમાં જુવાન સ્ત્રીના સમુદ્ર સાથેના સંબંધ વગેરેનું વર્ણન દરિયા સાથેનો તાદાત્મ્ય જન્માવે છે.

રણ આને દરિયાની વાત એ વાતાવરણનું વર્ણન દર્શાવતા મુખ્યત્વે કચ્છની કૃતિઓ એ ઘટના પર આધારિત હોવાથી વિલક્ષણતા દાખવી શકી છે. જેમાં વનું પંધીની સાગરકથા ‘સઢ અને સુકાન’ માં દરિયાનું વર્ણન તેમજ દરિયામાં આવતા તુફાનમાં પાત્રોનું સંઘર્ષ અને સાહસની કથા ને આપણી સામે ફિલ્મ ઢબનું ચિત્ર ખડું કરે છે.

તેમજ વીનેશ અંતણીની ‘ખારો સાગર-ખારા આંસુ’ નવલિકા દ્વારા તેમની સમુદ્ર પ્રત્યેની લાગણી, પ્રેમ અને કચ્છી પરિવેશને ધબકતું રાખતું તેમનું વર્ણન ઉત્તમ રીતે જોવા મળે છે. કચ્છ તેમનું માદરે વતન હોવાથી કચ્છી પરિવેશ અનાયાસે આવે છે. “કચ્છનું રણ એ મારો ચહેરો છે. ત્યાં ના લોકો નો સંઘર્ષ, રણનું વાતાવરણ એ બધું મારી સાથે જોડાયેલું છે”. આ સંદર્ભ દ્વારા વીનેશ અંતણીની કૃતિ દ્વારા તેમનો સાહિત્ય પ્રેમ જોવા મળે છે. ‘તરસના કુવાનું પ્રતિબિંબ’, ‘સાઢણી’, ‘રણઝણવુ’ જેવી કૃતિમાં કચ્છનો રણપ્રદેશ કચ્છના લોકો, આબોહવા, વાતાવરણ ઝીલાયા છે. તેમની કૃતિમાં સીધું કહેવાને બદલે વ્યંગ્યાત્મક રીતે પરસ્પર પ્રસંગોના સુનિયોજિત તાણાવાણા ગૂંથીને વાત માંડે છે.

રાજેશ અંતણીકૃત ‘ઊંટની પીઠ પર ન ઊગી શકેલી તરસ’ માં પ્રદેશના ચિત્રની ઉપર એક ધુમિલ વાતાવરણ છવાયેલું છે. અર્થની સંદિગ્ધતા, સ્વપ્ન, તરંગ વગેરેનો એમાં જે રીતે ઉપયોગ થયો છે. તેનો પણ પ્રાદેશિક વાર્તાના સ્વરૂપ સંદર્ભમાં વિચાર કરવા જેવો છે. આ વાર્તાઓ માંથી કચ્છપ્રદેશની વાર્તાઓમાં એક વળાંક આવેલો જોઈ શકાય છે.

વતન માટે કેટલો ઊંડો અને પ્રગાઢ પ્રેમ છે એ જયંત ખત્રીની કૃતિમાં જોવા મળે છે. અગાધ, અફાટ રણ અને સમુદ્ર તથા અવારનવાર પડતા દુષ્કાળના ઓળા એની વચ્ચે અખંડ રહેતા અને મથતા માનવજીવનનું વર્ણનએ જયંત ખત્રીની કૃતિમાં જોવા મળે છે. ‘ખરા બપોર’, ‘ખીચડી’, જેવી વાર્તાઓમાં માનવજીવન સતત ઝઝૂમી રહેતું પાત્રચિત્રણ અહીં આલેખાયું છે. જીવનનો છિન્નભિન્ન કરી નાખતી અનિશ્ચિત પરિસ્થિતિમાં આ ‘લોક’ કેવી રીતે ટકી રહે છે. એકમેક પ્રત્યે આવેગો વ્યક્ત કરતા અને સમભાવ સાચવતા, તેનું અહીં યથાર્થ નિરૂપણ છે. તો ‘ખરા બપોર’ માં રણ પ્રદેશના વાસ્તવનું વેધક ચિત્રણ છે. અહીં રણ પ્રત્યક્ષ છે, તેના ભીષણ સ્વરૂપ સાથે. જયંત ખત્રીએ ‘ધાડ’, ‘માટીનો ઘડો’ જેવી રણપ્રદેશની વાર્તાઓમાં ઘેલાના પાત્ર ને રણનું સંતાન કહી શકાય એવી વ્યક્તિને વર્ણવી છે. રણની વિકટ પરિસ્થિતિ એ જ એને માથા ભારે થઈને ઝુઝતા શિખવાડ્યું છે. માનવજીવન પ્રત્યેના એના વલણમાં અને જગતને જોવાની એની દ્રષ્ટિમાં રણનો બરછટ અને બળકટ મિજાજ પ્રગટ થતો રહે છે. તેમજ ‘માટીનો ઘડો’ રણવિસ્તારની અનિશ્ચિતતા અને અસલામતી વચ્ચે ગુજરાતી જિંદગીની એક દુર્ઘટનાનો સંદર્ભ છે. સંઘર્ષ અને એના મૂળમાં રહેલી આ વિષમતા આપણને સક્ષુબ્ધ કરી મૂકે છે. સાથો-સાથ આ પ્રદેશની આવી અનિશ્ચિતતાઓ સાથે જોડાયેલો આવેગોનો પણ એ ખ્યાલ આપે છે. જીવલેણ ભૂખ અને એ કારણે નિર્વિર્ય સ્થિતિ. એ સ્થિતિ જાણે મનુષ્યને પડકારે છે. એમ પ્રત્યાગતમાં મનુષ્યનો પરાજય છે. તેમજ તેના પાત્રો દ્વારા રણનું વર્ચસ્વ અહીં અનુભવાય છે.

ગૌતમ શર્માકૃત ‘રેતના ફૂલ’, મનુભાઈ પાંધીકૃત ‘ભૂરિયું’ અને વનું પાંધીકૃત ‘સુરખાબ’ ની સાથે રણ અહીં પશ્ચાદ્દભૂ કરતા કંઈક વિશેષ છે. કારણ કે પાત્રના મનોગતના સંદર્ભમાં પણ એને પામી શકાય છે.

તેમજ પ્રીતમલાલ કવિકૃત ‘નજરાણું’, ઉમિયાશંકર અજાણીકૃત ‘ધરતીના વખ’ અને નારણ ધનજી ખારવાકૃત ‘યાદનું મૃત્યુ’ વાર્તા સાગર સાથે જેમના જીવન અને વ્યવહારો સંકળાયેલા એવા માનવીઓનું નિરૂપણ કરે છે. તેમાં વર્ણન અને તેની પરિભાષાઓનો ઉપયોગ થયો છે. તેમાં સાગરજીવનની પરંપરાગત મૂલ્યસૃષ્ટિનો પરિચય કરાવવાનો છે.

ડૉ. મનુ પાંધીકૃત ‘ભૂરિયું’ માં રણ જે સ્વયંપાત્રરૂપે નિરૂપિત છે. તેવું વર્ણન જોવા મળે છે. રણ, એની વિષમતા અને વિસંવાદિતા હમીરસિંહના પાત્ર દ્વારા તેની મનોદશાઓ અને મનોવલણો માં પ્રગટ થાય કરે છે. ભુરિયા તરફનો એનો રોષ ખરેખર તો મનુષ્યના જીવનને ભીંસમાં લેતા રણ તરફનો રોષ છે. ‘ભૂરીયું’ માં પશ્ચાદ્દભૂના આલેખનમાં રણપ્રદેશની પલટાતી ઋતુઓ અને પ્રકૃતિ એનો દુર્ગમ માર્ગ- આ બધું લેખકે પુરી જાણકારીથી વર્ણવ્યું હોવનાઈ છાપ પડે છે.

રણમાં આવી પડેલી વ્યક્તિની જીરવી ન જીરવાય એવી એકલતા અને આકુલતાનું નિરૂપણ વાનુ પાંધીની ‘ભઠ્ઠી’ વાર્તામાં પણ થયેલું છે. નિરુના પાત્ર દ્વારા તેની જૈવ આવેગો તેમજ ઉગ્ર પ્રતિભાવોમાં આ પરિસ્થિતિ પ્રગટ થાય છે. એની દ્રષ્ટિમાં રણની છવિ ઝીલાય છે. એનું દ્રષ્ટાંત જોઈએ તો,
“વૈશાખી લુ-વાયરાથી આખો પ્રદેશ મેટોધુળિયા બની ગયો છે. ગામના કુવા-ખેતરો સુકાયા છે. નદીના કાંઠે પાણી ભરવા જતી સ્ત્રીઓને ડેમને પાળ પર બેઠો-બેઠો જોયા કરું છુ. અમા પાક કદી થવાનો નથી, આ પ્રદેશોમાં સુરજ ઊગતો નથી.”

લૂ-ઝરણાં’માં રણનું વિકરાળ રૂપ મૂર્ત થયું છે. પોતાના સંતાનો ને જ એ ગળી જાય છે. રણભૂમિમાં જ જન્મીને ઉછરેલા રહેમત, લતીફ અને મીઠીયા રસ્તો ભૂલી જવાથી રણમાં પોતાનો પ્રાણ ખોઈ બેસે છે. રણનાં પરિવર્તનકારી રૂપનું એક ગતિશીલ ચિત્ર જોવા જેવું છે.

કચ્છના સાહિત્ય સર્જનમાં રણ અને દરિયો કચ્છના બંને છેડાના પ્રદેશોને એકરૂપ એ આપતી અને મનુષ્યની મનોવેદના ઝીલાઈ છે. તો અહીં રણપ્રદેશન કોમના તહેવારોનું તેમજ દરિયાઈ પ્રદેશના ખરવા કોમના તહેવારોનું વર્ણન તેમજ તેમની મોજ-મજા અને આનંદ એ તેમની પરિસ્થિતિને ઝાંખી પાડીને ઉત્સાહભેર સાથે જીવતા માનવજીવનની સંવેદનાને સતત પ્રેમ અને લાગણી સભર રાખી છે.

સંદર્ભ :::

  1. કચ્છનું સંસ્કૃતિદર્શન, રાઠોર, રામસિંહજીકૃત, મુંબઇ, નવભારત, સપ્ટેમ્બર, 1990, ઉમેરણ ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૮.
  2. ચંદ્રશંકર બુચ (સુકાની), પરિચય પુસ્તિકા, મહેતા, ધીરેન્દ્ર,2012, ઉમેરણ ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૮.
  3. શબ્દસૃષ્ટિ મે, 1986, ઉમેરણ ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૮.
  4. ‘રણની આંખમાં દરિયો’ પૃષ્ઠ ન. 229, ઉમેરણ ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૮.
  5. કચ્છનું ગુજરાતી સાહિત્ય પૃષ્ઠ ન. 37, ઉમેરણ ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૮.

નિખિલકુમાર કિરીટભાઈ પીનારા, ૨૦૯, સાગર બંગલોઝ-૩, મુન્દ્રા રોડ, ભુજ