Download this page in

‘કમઠાણ’ હાસ્યનવલકથાનો સમગ્રલક્ષી અભ્યાસ

કથાસાહિત્યમાં હાસ્યરસ પ્રધાન નવલકથાઓ એ સાહિત્યનું વિશિષ્ટ અને આગવું સ્વરૂપ છે. ગુજરાતી સાહિત્યમાં નવલકથા ક્ષેત્રે સર્જકોએ નોંધપાત્ર પ્રદાન કર્યું છે પરંતુ હાસ્ય નવલ ક્ષેત્રે ખૂબ ઓછું ખેડાણ થયેલું જોવા મળે છે. આનું કારણ કદાચ એ હોઈ શકે કે હાસ્ય ઉત્પન્ન કરવા માટે સર્જકે પરંપરાઓ, ઘટનાઓ, સમાજ અને વ્યક્તિના વર્તનમાં રમૂજ શોધી સ્વાભાવિક લાગે તે રીતે તેને હાસ્યમાં પરિવર્તિત કરવાની રહે છે. વળી કથાને એક અંત સુધી પહોંચાડવી પણ જરૂરી બની જાય છે. આ બંને બાબતોને એક જ કથામાં સાંકળી નક્કર કૃતિ આપવી એ અઘરી બાબત હોવાથી હાસ્યનવલકથાઓ પ્રમાણમાં ઓછી જોવા મળે છે.

ગુજરાતી સાહિત્યમાં સામાજિક હાસ્યનવલકથાઓ; પ્રણય, લગ્ન કે કુટુંબ જીવન પર આધારિત હાસ્યનવલકથાઓ; શિક્ષણ વિષયક હાસ્યનવલકથાઓ; રાજકારણ વિષયક હાસ્યનવલકથાઓ અને કલ્પનાતરંગો આધારિત હાસ્યનવલકથાઓ જોવા મળે છે. એકવીસમી સદીની શરૂઆતમાં અશ્વિની ભટ્ટની કલમે લખાયેલ ‘કમઠાણ’ એ કલ્પનાતરંગ આધારિત હળવી હાસ્યનવલકથા છે. આ કથાની વિશેષતા એ તેમાં આવતી ઘટનાસ્થિતિ અને સંવાદો છે. ગુજરાતી ભાષાની પરંપરાગત હાસ્યનવલકથાઓ કે જેમાં વ્યંગ(Satire) અને શબ્દચાતુર્ય(Wit)નો ઉપયોગ થાય છે તેથી વિપરીત આ કથામાં વિનોદ(Humor) અને વક્રતા(Irony)નો ઉપયોગ વધુ થયેલો છે. કથાની મોટામાં મોટી વક્રતાએ છે કે એક પોલીસ ઈન્સ્પેકટરને ત્યાં ચોરી થાય છે અને ચોર તેની બંદૂક, સેવાચંદ્રકો અને ગણવેશ સુદ્ધાં ચોરી જાય છે.

કેફિયત તરીકે રજૂ થયેલી ‘કમઠાણ’ નવલકથાની શરૂઆત ચોરી કરનાર અમુક જ્ઞાતિઓના પરંપરાગત વ્યવસાય, તેમનો સંઘર્ષ અને એ દરમિયાનની મનોસ્થિતિના વર્ણન દ્વારા થાય છે. નવલકથાના મધ્યમાં પોલીસખાતાની કામ કરવાની રીત, તેમની ભાષા વગેરેનું તલસ્પર્શી વર્ણન થયેલું છે જ્યારે અંત ભાગમાં રાજકારણની વગ, તેની સર્વોપરિતા આલેખી છે. કોઈ નાટક અથવા ફિલ્મની જેવો તેનો વાર્તાપ્રવાહ એ તેની ખાસિયત છે.

નવલકથાની પાત્રસૃષ્ટિ એ લેખકની પૂર્વ નવલકથાઓ ‘કસબ’ અને ‘કરામત’ની પાત્રસૃષ્ટિનું વિસ્તરણ છે. ચોર તરીકે રજૂ થયેલો રઘલો જે ‘કરામત’ નવલકથાના જયેન્દ્ર પુરોહિતનો પિતા છે. તે સામાન્ય ઘરફોડ ચોર હોવા છતાં પોલીસ ઈન્સ્પેકટરના ઘરમાં ઘરફોડ કરવાનું દુઃસાહસ કરી બેસે છે. જેના ઘરમાં ચોરી થાય છે એ પોલીસ ઈન્સ્પેકટર રાઠોડ, હેડ કોન્સટેબલ પ્રભુસિંહ, પોલીસ સબ ઈન્સ્પેકટર મલેક અને પંડ્યા વગેરેની રજૂઆત બળકટ રીતે થઈ છે. કથા આગળ વધતાં તેમાં બીજા પાત્રો ઉમેરાતા જાય છે.

‘કમઠાણ’ એ ઘટનાપ્રધાન કથા છે. ઇન્સ્પેક્ટરના ઘરમાંથી તેની સર્વિસ રીવોલ્વર, ગણવેશ અને ચંદ્રકો ચોરાઇ જવાની ઘટના અને એ ઘટનાના ઉપક્રમે સર્જાતા પશ્ચાતવર્તી બનાવોની પરંપરાનું વર્ણન તેમાં થયેલું છે. પરંતુ આ બનાવોની પૂર્વવર્તી બનાવોનું વર્ણન જોવા મળતું નથી. એટલે કે ઈન્સ્પેકટર રાઠોડ કઈ બહાદુરી બતાવી રાષ્ટ્રપતિ ચંદ્રક જીત્યાં તે બહાદુરીના કિસ્સા તેમાં વર્ણવેલ નથી. એ જ રીતે રઘલાની અગાઉની ચોરીઓનું વર્ણન પણ નવલકથામાં કરેલ નથી. નવલકથાનો કથક રઘલા સાથે સંબંધ ધરાવતો હોવા છતાં તેના વ્યક્તિત્વ તથા ઇતિહાસ વર્ણવ્યા વગર જે તે ઘટનાની વાર્તા જ કરતો હોવાથી કહી શકાય કે કથા પાત્રપ્રધાન બની સંકીર્ણ ન બને તેની પૂરતી કાળજી લેખકે લીધી છે.

‘કમઠાણ’માં આપણે પ્રત્યેક ક્ષણે સૂક્ષ્મ હાસ્ય નિષ્પન્ન થતું જોઈ શકીએ છીએ. હાસ્યના સાધનો તરીકે લેખકે અલંકાર, કહેવતો, વર્ણન અને ભાષાની લઢણનો ઉપયોગ કર્યો છે. સબ ઈન્સ્પેકટર પંડ્યાજીના પુત્ર ગગલાના નાક લૂછવાને માતેલા આખલાને લાલ કપડું બતાવવા સાથે સરખાવે છે. સબ ઈન્સ્પેકટર પંડ્યાના હાથને ગોરિલાના પંજા સાથે સરખાવે છે. તો વળી ઊકાના ફેફસાને લુહારની ધમણ સાથે અને હવા કાઢેલા ફુગ્ગા સાથે સરખાવે છે. ભગદાળું પાડી અંદર આવેલા રઘલાને હનુમાનજીની તસવીર દેખાય છે આ સામાન્ય ઘટનાને લેખકે પોતાની સૂઝનો ઉપયોગ કરી હનુમાનજી જાણે ચોરને દોરવણી આપતા હોય એ અંદાજમાં વર્ણવી હાસ્યમય બનાવી છે. મંગાજી સાથે અથડાતાં ચંપાબેન અને ચાંપાબેન બેહોશ થતાં કોન્સ્ટેબલો ચંપાબેનને લીલા કપડામાં વીંટી ડૉ.દેસાઈને ત્યાં લાવે છે તે પછીની ઘટનાઓ હાસ્ય પ્રેરે તેવી છે. વળી મહિલા સંગઠનના મંત્રી એવા ચંપાબેન અને પત્રકાર જયંતિ વચ્ચે પાંગરતો પ્રેમ વ્યંગાત્મક રીતે વ્યક્ત થયેલો છે. કથામાં આવતું નાનુ નવસાર નામના બુટલેગરનું પાત્ર પણ હાસ્યપ્રેરક છે. રવિશંકર મહારાજને ચોરી ન કરવાનું વચન આપી દેતાં તેના વડવાઓએ દારૂ ગાળવાનો ધંધો અપનાવી લીધો એ વાત પણ રમૂજ પ્રેરે એ રીતે રજૂ થઈ છે. તેની ગુનાઇત આલમમાં ઓળખાણો, માર્કેટીંગની પદ્ધતિ વગેરેની બાબતોની છણાવટ લેખકના બુટલેગરોની કામ કરવાની પદ્ધતિ અંગેના અભ્યાસ પ્રત્યે માન ઉપજાવે તેવી છે. ઈન્સ્પેકટર કક્ષાના અધિકારીઓ પણ બુટલેગર સાથેની સાંઠગાંઠનો અંગત ઉપયોગ કરે છે એ વરવી વાસ્તવિકતાને લેખકે સહજ રીતે આલેખી છે. ચોરોની સમગ્ર જ્ઞાતિ એક થઈ અલોપ થઈ જાય છે અને પોલીસ હાથ ઘસતી રહી જાય છે એ ઘટનાનું પણ દિલચસ્પ વર્ણન છે. આમ, ઘટનાઓની વિપુલતા છતાં સાતત્યતા એ કૃતિનું આગવું પાસું છે.

‘કમઠાણ’નું બીજું અને તરત નજરમાં આવે તેવું પાસું સંવાદલેખન છે. પોલીસની પોતાની આગવી ભાષા હોય છે. એ ભાષામાં પોતાના હાથ નીચેના માણસો અને આમ જનતા સાથે સંવાદ વખતે સત્તાની મદમસ્તતા અને પ્રભાવ પાડવાની વૃત્તિ દેખાય તો પોતાના ઉપરી અને રાજકારણીઓ સાથેના સંવાદ દરમિયાન ખુશામતખોરીનો ભાવ પ્રગટ થાય છે. આ ભાવોને ‘કમઠાણ’માં અશ્વિની ભટ્ટ યોગ્ય રીતે ઝીલી બતાવે છે. દરેક પાત્ર પોતાની મર્યાદામાં રહીને સંવાદ કરે છે. જેમ કે, ઈન્સ્પેકટર રાઠોડ એકબાજુ પોતાના હવાલદાર પ્રભુસિંહને જે રીતે ‘કાયદાની હમણાં કહું તે’ કહી સત્તા પ્રકટ કરે છે અને જોઇતા ચાવાળાને દબડાવે છે તો બીજી બાજુ ડીવાયએસપી સાહેબ આગળ અદબ ઉપરાંતની નમ્રતા જાળવી સાહેબની મસાની સમસ્યા વિશેનું ભાષણ સાંભળે છે. વળી જોઈતા ચાવાળા જેવા નાના પાત્ર પાસે પણ સંવાદ દ્વારા કમાલનું હાસ્ય નિપજાવ્યું છે. છાપરા પરનું ભગદાળું જોઈ તે કહે છે કે, ‘અરે શું સાહેબ.. આ તમે અહીં ચારજ લીધો તીના થોડા મહિના મોરની વાત સે. મારા દીયોર! બંગલીનું સાપરું ફાડીને ચીઓક મોંય પેઠોં ને કરી મેલ્યું બધું શફાચટ.. દાગીનોં ને કપડોં ને રેડિયા ને ફેડિયા અને જાણે એની બુનને ઘરમોં, મારી હાહના પરોણા થઇને આયા હોય ઇમ.. ખાધુંય ખરું ને થઇ જ્યાં અંતરધોન..’ (પૃ.૧૦) તો વળી, ડૉ.દેસાઈ પોલીસનો વાંક જોઈ પોલીસને પણ દમદાટી આપતા કહે છે કે, ‘પોલીસ સ્ટેશનમાં ગરબડ ઠેઇ ટેમાં મને હું કેટો છે? સાલા ગરબડ બંધ કરવાનું કામ ટે, એમ કે કે, પોલીસનું છે કે ડૉક્ટરનું?’(પૃ.૩૫) અને સુરતી બોલીમાં ‘હવે હું હાંભળવાનું! સાલા ટમે હુઢરટા જ છો નઠી.’ (પૃ.૩૫) જેવા સંવાદો વાંચવામાં રમૂજ આવે છે. ચતુર નામનો કોન્સ્ટેબલ ચરોતરી બોલીમાં કહે છે કે, ‘મારું ઇમ કેવું સ કે બધોંને પાસા બોલાબ્બાની ચ્યોં જરૂર સ! જે જે પાલટીઓ પાડી સ તી તી પાલટીના મેમરોને એક એક ગાડી હોંપી દો ને! હૌ હૌ પોતપોતાના તોં જઇને કપડોં ને વેહ બડલે, ને વરતી બારોબાર જ નેંકળી જોંય! તો ટેમેય બસે ને વરી વરઘોડા જેવુંય ન થાય. કો હું કેવું સ પરભુસિંહ..?’(પૃ.૧૦૦) આમ, લેખકે પ્રાદેશિક બોલી અને લાક્ષણિક ભાષાનો સંતુલિત ઉપયોગ કરી સંવાદોને વધુ હાસ્યાસ્પદ બનાવ્યા છે.

‘કમઠાણ’માં વાતાવરણનું નિરૂપણ પણ યોગ્ય રીતે થયેલું છે. ઈન્સ્પેકટર રાઠોડનું ઘર, પોલીસ સ્ટેશન, ડૉ.દેસાઈનું દવાખાનું, તેની બહારની સાંકડી ગલી વગેરેની સુંદર અને હાસ્યપ્રેરક રજૂઆત થયેલી છે. વળી, ‘કમઠાણ’એ નડિયાદની પશ્ચાદભૂમાં રચાયેલ છે. આથી લેખક નડિયાદનું દર્શન કરાવવાનું ચુકતા નથી તેમ ગોવર્ધનરામ ત્રિપાઠીનો ઉલ્લેખ કરવાનું પણ ચૂકતા નથી. અહી તેમણે ‘સરસ્વતીચંદ્ર’ની લીલા સાથે લીલા ચેવડાનો ઉલ્લેખ કરી હાસ્ય ઉપજાવ્યું છે. આ ઉપરાંત લેખકે અમુક સ્થાને કથાપ્રવાહ અટકાવ્યો છે. જેમ કે, ચોર શોધવાની તૈયારી કરતી વખતની સ્થિતિનું લંબાણ આવશ્યક ન હતું તેમ માંડવાળ માટે ધારાસભ્યની સાથે સંવાદો ખેંચાયા હોય તેમ લાગે છે. આ કેટલીક ક્ષણો એવી છે જ્યાં વાચક માટે ઊભી થયેલી તાલાવેલી પ્રયત્નો છતાં હાસ્ય ઉત્પન્ન થવા દેતી નથી. ટૂંકમાં વાર્તાના અંત તરફ જતી વખતે હાસ્ય ખૂટે છે. પરંતુ વાર્તાનો અંત તો હાસ્ય પ્રેરે છે.

આમ, અશ્વિની ભટ્ટની પ્રત્યેક ક્ષણે હાસ્ય પીરસતી આ કૃતિમાં અન્ય કોઈ પણ રસ કરતાં હાસ્યરસનો વિશેષ પ્રભાવ દેખાય છે. જે તેને એકવીસમી સદીની પ્રમુખ હાસ્ય નવલોમાં મહત્વનું સ્થાન આપે છે.

સંદર્ભગ્રંથ:::

  1. ‘કમઠાણ’, અશ્વિની ભટ્ટ, નવભારત સાહિત્ય મંદિર, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૧.

ઝલક દિનેશભાઇ પટેલ, પીએચ.ડી. શોધછાત્રા, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત.