Download this page in

ડુંગરી ભીલોના ‘ગુજરાંનો અરેલો’માં નારીનું સ્થાન

આદિવાસી લોકસાહિત્ય અને સંસ્કૃતિના અભ્યાસી, ઉત્તમ સંશોધક-સંપાદક તરીકે ભગવાનદાસ પટેલનું નામ અને કામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જાણીતું છે. ભારતમાં વસતી આદિવાસી જાતિઓમાં ભીલ જાતિ સંખ્યા અને વિસ્તારની દૃષ્ટિએ મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં પણ બીજી આદિજાતિઓની તુલનાએ તેમણે અરવલ્લીની ગીરીમાળમાં વસતી, ખાસ કરીને દાંતા -ખેડબ્રહ્મા આસપાસના વિસ્તારમાં વસતી ડુંગરી ભીલ જાતિના સામાજિક ધાર્મિક મૌખિક સાહિત્યનો અભ્યાસ કરી ભગવાનદાસ પટેલે મૌખિક-કંઠસ્થ સાહિત્યને ઉજાગર કરતાં અનેકાધિક પ્રકાશનો પ્રગટ કર્યાં છે. આ કંઠ્ય પરંપરાને હજાર- પંદરસો જેટલી ઓડિયો કેસેટોમાં ધ્વનિમુદ્રિત કરી સાહિત્યની મોટી સેવા કરી છે.

ભગવાનદાસ પટેલે ભીલ આદિવાસીઓ પાસેથી પ્રાપ્ત ચાર લોકમહાકાવ્યો સંપાદન-સંશોધન કર્યું છે. જેમાં ભીલોનું રામાયણn‘રૉમ સીતમાની વારતા’, ભીલોનું મહાભારત ‘ભીલોનું ભારથ-પાંડવવારતા’, રાઠોડ વારતા’,‘ડુંગરી ભીલોનો ગુજરાંનો અરેલો’નો સમાવેશ થાય છે. આ સંપાદનો અભ્યાસીઓ માટે પ્રેરક અને ઉપયોગી બને એવા સીમાસ્તંભરૂપ છે. પ્રસ્તૃત લેખમાં ભગવનદાસ પટેલ સંપાદિત ‘ડુંગરી ભીલોનો ગુજરાંનો અરેલો’ના આધારે નારીના સ્થાનનો અભ્યાસ કરવામાં આવ્યો છે. ગુજરાંનો અરેલો મૌખિક મહાકાવ્ય સંપાદકે ખેડબ્રહ્મા તાલુકાના બહેડિયા ગામના ગાયક જીવાભાઈ ઝાલાભાઈ ગમાર પાસેથી 50 ઓડિયો કેસેટો પર ધ્વનિમુદ્રિત કર્યું છે.

લોકસંસ્કૃતિની મુખ્ય બે શાખાઓ છે એક લોકવિદ્યા અને બીજી લોકસાહિત્ય. લોકસાહિત્યના વિવિધ પ્રકારોમાં એક પ્રકાર તે લોકમહાકાવ્ય. ભીલ આદિવાસીઓમાં ગાવા કે કથવામાં આવતી દીર્ઘ પદ્ય-ગદ્ય વારતાને માટે સમજવા ખાતર ‘લોકમહાકાવ્ય’ શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. અલબત્ત, ભીલ આદિવાસીઓમાં આ પ્રકારના પરંપરિત કંઠસ્થ સાહિત્ય માટે ‘પઝનવારતા’ શબ્દ પ્રચલિત છે. આ કાવ્યપ્રકાર કંઠસ્થ પરંપરામાંથી મૌખિકરૂપે ઉતરી આવ્યો હોવાથી પશ્ચિમના વિદ્વાનો તેને ‘મૌખિક લોકમહાકાવ્ય’ કહે છે. આ મૌખિક લોકમહાકાવ્યો બે પ્રકારનાં હોય છે એક સામાજિક પ્રસંગે ગવાતાં અને બીજાં ધાર્મિક અનુષ્ઠાનોમાં ગવાતાં.

ગુજરાંનો અરેલો એ ડુંગરી ભીલ અને સાખલા ગરાસિયા આદિવાસીઓમાં આસો માસમાં નવરાત્રી અને દિવાળીના તહેવાર વખતે ‘અરેલા’ નૃત્ય સાથે વિલંબિત સ્વરે ગાવામાં અને કથવામાં આવતું ધાર્મિક લોકમહાકાવ્ય છે. તેનો ગાયક-કથક, સાધુ કે ભોપા(ભૂવા) સાંસ્કૃતિક પરંમપરા અને ગુરુ પાસેથી આ મૌખિક લોકમહાકાવ્ય શીખે છે. લોકમહાકાવ્ય કથનાર-ગાનાર સાધુ પરંપરિત લોકસંગીતનો માહેર હોય છે. લોક સમૂહ સામે રજૂ થતાં આ મહાકાવ્ય કોઈ એક વ્યક્તિનું નહીં પણ આખા સમૂહનું હોવાનો ભાવ એમાં હોય છે. સાધુ સન્મુખ શ્રોતાગણ અને ઉત્સાહ ચઢાવનાર બાણિયા અને હોંકારિયો હોય છે. “બૉણિયા વેણું પઝન નેં ગવાય, ઉંકારિયા વેંણી વાત નેં મડાય.’’ અરેલા ગાવાના સમય વિશે ભગવાનદાસ પટેલ નોંધે છે: “નોંરતું અને દશેરાનો ઉત્સવ આવતાંની સાથે જ માંસ-મદિરાનો નિષેધ તૂટે છે અને મદ્યપાન કરી ડોલવા અને હડી કાઢી અરેલો (લોકમહાકાવ્ય) ગાવા માટે ભીલોનું સામૂહિક મન અધીરું બની જાય છે. અરેલો ભાદરવા માસની અમાસની રાતથી ગાવામાં આવે છે, અને કારતક માસની સુદ પાંચમે પૂરા થાય છે.’’ (પૃષ્ઠ:૧૧૫ આદિવાસી, જાનપદ અને શિષ્ટ મહાકાવ્યોમાં નારી) રાતના નવરાશના સમયે ગાવાવાળાને ઘરે અથવા ગાવાનું નિમંત્રણ આપનારને ત્યાં લોકો અરેલો સાંભળવા, ગાવા અને નાચવા એકઠા થાય છે. ગાવાના પ્રથમ દિવસે દેવદેવીની પૂજા અર્ચના થાય ટોપરાનો પ્રસાદ વહેચવામાં આવે છે. આ લોકમહાકાવ્યોનો કથક ગાયક પુરુષ હોય છે પરંતુ સ્ત્રીઓની સહભાગીતા પુરુષ જેટલી જ તેમાં હોય છે. જેમ કે, હોંકારા ભણીને ગાયકને વારતા કહેવા પ્રોત્સાહિત કરવો, બાણિયા તરીકે વચનનાં બાણ મારીને વારતાને મૂળરૂપે ચિત્તમાંથી બહાર કઢાવવી, નૃત્યમાં સામેલ થવું વગેરે દ્વારા સ્ત્રીઓ લોકમહાકાવ્યના ગાયન-કથનમાં સહભાગી થાય છે. આ લોકમહાકાવ્ય ધાર્મિક અનુષ્ઠાન સંલગ્ન હોવાથી તેમાં આવતાં ઘટના પ્રસંગ- ચરિત્રોને પૂરો સમાજ સત્ય માને છે. તેના તરફ અતૂટ ધાર્મિક આસ્થા હોય છે તેથી સાધુ કે ભોપો આ લોકમહાકાવ્યોમાં પોતાના તરફથી કાંઈ સુધારા-વધારા કે નવસર્જન કરી શકતો નથી. ‘ગુજરાંનો અરેલો’ એ કોઈ એક વ્યક્તિ કે પેઢીની કથા નહીં પરંતુ પૂરા વંશની એકથી વધુ પેઢીઓની કથા છે.

ડુંગરી ભીલ આદિવાસી સમાજમાં પિતૃસત્તાક, પિતૃવંશી અને પિતૃસ્થાની કુટુંબ વ્યવસ્થા છે. અલબત્ત, સ્ત્રીનું સ્થાન નીચું કે ગૌણ નહીં પણ ઊંચું અને સન્માનજનક હોય છે. પુત્ર કે પુત્રીના જન્મ કે ઉછેરમાં કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. આ સમાજ એક સમયે માતૃસત્તાક હોવાનું વિદ્વાનો માને છે. ગુજરાંનો અરેલો સ્ત્રી પ્રધાન લોકમહાકાવ્ય છે. અરેલોનો આરંભ દેવી માતાના સ્મરણથી થાય છે. ગાતાં ગાતાં ભૂલેલું ફરી યાદ કરવા પ્રમુખ ગાયક માતાને પ્રાર્થના કરે છે:
“તારા ...ખેરામા ઓડણ કરીએ રે... માઝીઓ.. હો,
તારા ખેરમા ઓ... ખેરામા ઓડણ કરીએ હેં..
પૂલા.. સૂકા ઈરલે ઑણે... માઝી ઓ... હો,
પૂલાઓ ... સૂકાઓ ... એ ... હેં ....’’ (ગુજરાંનો અરેલો પૃષ્ઠ: ૭૭ )

સંસ્કૃત મહાકાવ્ય સર્ગમાં તેમ આ લોકમહાકાવ્ય પાંખડીમાં વિભાજીત છે. ગુજરાંના અરેલોની પ્રથમ પાંખડીમાં મડોવરા દેશના રાજા હરિઓમને સપનામાં શિકારની દેવી આયરણ આવે છે. શિકારે જવાની આજ્ઞા કરે છે. પરંતુ દયાભાવના કારણે રાજા શિકાર કરતો નથી તેથી ભાઈઓના ગુસ્સાનો ભોગ બને છે. સગા ભાઈઓ તેની આંખો ફોડી નાખે છે અને જંગલમાં એકલો છોડી દે છે. રાજમહેલમાં પાછા ફરતાં નાના દિયરો પાસેથી આ ઘટનાની જાણ થતાં રાણી રખમા રાઠોડણ ફૂલવછેડા ઘોડા પર સવાર થઈ મધ્યરાત્રીએ પોતાના પતિ પાસે વનમાં પહોંચી જાય છે. ગરૂડ પક્ષિણીના સહયોગથી નેત્ર જ્યોતિ પુન: પ્રાપ્ત કરવામાં સહાયક થાય છે. આમ, અહીં એક હિમ્મતવાન, નિર્ભીક સ્ત્રી અને ઓજસ્વી પત્નીનો પરિચય કિરોતરા દેશની રાજકુમારી રખમા રાઠોડણના પાત્ર દ્વારા થાય છે.

ઉજોરનગરીના નગરજનોને વાઘના ત્રાસથી બચાવવા હરિઓમ વાઘનો શિકાર કરે છે. શિકાર પછી મધ્યરાત્રીએ ઝાંઝર વાવે રક્તરંજિત ખડગ ધોવા જાય છે. ત્યાં હીરના હીંડોળે હીંચતી વેલા વેવારિયાની ઇલોરકિલોર કુંવરી લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. હરિઓમ એ પ્રસ્તાવ સ્વીકારે છે. અહીં સ્ત્રીના પતિ પસંદગીના સાહસ અને અધિકારને જોઈ શકાય છે. ભીલ આદિવાસી સમાજમાં આજે પણ કન્યાને પોતાને મનગમતો વર પસંદ કરવાની આઝાદી છે તેના મૂળ આ કથાવસ્તુમાં જોઈ શકાય છે.

મુખ વાઘનું અને શરીર મનુષ્યનું એવો વાઘજી ખાંડા સરોવરની પાળે ઝૂલો બાંધે છે. ગામની છોકરીઓને હીંચવાની લાલચ આપી છળથી લગ્ન કરી લે છે. કન્યાઓનાં માતા-પિતાને છળની ખબર પડતાં વાઘજીએ બાથમાં સમાય એટલી કન્યાઓને પત્ની તરીકે સ્વીકારી લે છે અને વધેલી એક કન્યાને ચોરીના દાન પેટે માતાપિતાના સાંનિધ્યમાં બ્રાહ્મણને આપે છે. સ્રીઓનો સરળતાથી સ્વીકાર કોઈ પણ પ્રકારની કુંઠા વગરના સહજ સરળ સમાજ જીવનનો નિર્દેશ કરે છે.

વાઘજીને છ અને છવ્વીસ રાણીઓ છે. ભગવાને આપેલા કેરીના ટુકડાના પ્રભાવથી રાણીઓને છ અને છવ્વીસ કુંવર જન્મે છે. વાઘજીના આ પુત્રો ગુજોર કહેવાય છે. સૌથી મોટો પુત્ર મેહો અને પછી ભોજો છે. ભીલોમાં બહુપત્ની પ્રથા અસ્તિત્વમાં છે તેના દર્શન અહીં પણ થાય છે.

સાલોરદેવીનું ચરિત્ર અરેલામાં મહત્ત્વપૂર્ણ છે. પાતાળની સાલોર ગાયના (સાલારદેવી) આગમનથી ગુજોર આર્થિક રીતે સમૃદ્ધ થાય છે. પરંતુ એક દિવસ નવલાખ ગાયો દૂધ આપતી બંધ થઈ અને દૂધ વિના વાછરડાં મારવા લાગે છે. ત્યારે ભોજાની માતા સાઢુ ખટિયાણી કહે છે: “મારા પેટે પથરા પાક્યા છે. દીકરા છે એટલી દીકરીઓ હોત તો આંગણે જમાઈ આવતાં, મારું આંગણું શોભત અને મારા વાડાનું રક્ષણ થાત.” (ગુજરાંનો અરેલો પૃષ્ઠ:45) અહીં પુત્ર કરતાં પુત્રીઓનું મહત્ત્વ અને ગૌરવ જોઈ શકાય છે. ભીલ આદિવાસી પરિવારમાં કોઈ પણ ભેદભાવ વિના પુત્ર-પુત્રીનું લાલણ પાલન કરવામાં આવે છે. વિવાહ વખતે કન્યાશુલ્ક લેવાની પ્રથા અસ્તિત્વમાં હોવાથી કેટલાક પ્રસંગોમાં પુત્રીને પુત્ર કરતાં વધારે હેતથી ઉછેર કરવામાં આવે છે.

સોનાની પ્રાપ્તિ થતાં ગુજોર ફરી આર્થિક રીતે સમૃદ્ધ થાય છે. આર્થિક રીતે સમૃદ્ધ ગુજોર અહંકારી બની જાય છે અને ડોળીરાણમાં ભાથું કલારણનો દારૂ પીવા જવા તૈયાર થાય છે. મેહા ગુજોરની પત્ની રખમા રાઠોડણ દારૂ પીવાથી થતું અનિષ્ઠ અને આવનારાં માઠાં પરિણામથી ગુજોરોને ચેતવે છે. પરંતુ તેની સાચી સલાહને અવગણીને ગુજોરો આપત્તિ નોતરે છે. આ પ્રસંગમાં સ્ત્રીઓ રાજકીય, સામાજિક કે આર્થિક પ્રસંગોએ સલાહ સૂચન કરી શકે છે તે સૂચવાયું છે. તેમ જ સ્ત્રીની સાચી સલાહ ન માનનાર પુરુષોના જીવનમાં આપત્તિઓ ઊતરે છે. આદિવાસી અરેલોમાં સ્ત્રીનું સવિશેષ મહત્ત્વ જોઈ શકાય છે.

ભાથુ કલારણ પોતાના દારૂના વ્યવસાયથી આપ બળે સમૃદ્ધ બની છે. તેના નિવાસ, પોશાક અને આભૂષણોના વર્ણન દ્વારા આપણને તેની સમૃદ્ધિનો પરિચય થાય છે. પોતાના આંગણે આવીને ધમાલ મચાવતા અહંકારી અને ધનિક ગુજોરોને હાથમાં ચાબુક લઈ રૂપગર્વિતા ભાથુ કલારણ ધમકાવતી કહે છે: “કોણ છો, તમે અહંકારી લોકો? ક્યા કારણે મારા આંગણે જડેલાં દર્પણ તોડી નાખ્યાં? મારા આંગણાની નાગરવેલ કેમ તોડી નાખી?” આ સંવાદમાં ભાથુ કલારણનો એક સ્વમાની ઓજસ્વી સ્ત્રી તરીકેનો પરિચય થાય છે.

મેહા ગુજોરની રાણી રખમા રાઠોડણ તાંત્રિક વિદ્યાની જાણકાર છે અને પૂર્વજ્ઞાની સતી સ્ત્રી છે. ભોજાની માતા સાઢુ ખટિયાણી પૂર્વજ્ઞાનની જાણકાર છે. આ સ્ત્રીઓ ગુજોરના વિનાશને અટકાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જેમકે, રખમા સાચી સલાહને અવગણીને દારૂ પીને મુક્ત અને ઉદંડ બનેલા દિયર ભોજાને વ્યંગવચનો કહી ફટકારે છે અને ભગવાન ખાવા આવી રહ્યો હોવાનું જણાવે છે. ભયભીત થયેલા ગુજોરોને ભગવાનથી બચવાનો ઉપાય બતાવીને ઉગારે છે.

ગુજોરોને સંહારવા ભૂખિયાદેવી હિયોર સોઢાને ઘેર કમળા દે રાણીના કૂંખે ઝેળુ કુંવરીના નામે અવતરે છે. જે આગળ જતાં દુષ્કાળના કપરા દિવસો કાઢવા નવલાખ ગાયો સાથે આવેલા ગુજોર ભોજાના પ્રેમમાં પડે છે. પિતા હિયોર સોઢાની હાજરીમાં જેળુ અને ભોજો પ્રેમ વ્યવહાર અને અડપલાં કરે છે. તેમાં કંઈ અજુગતું જેળુના પિતાને લાગતું નથી, સહજ ક્રિયા તરીકે સ્વીકાર છે. તરુણાવસ્થામાં મુક્ત સહચાર એ ભીલ સમાજમાં ગોઠિયા-ગોઠણ કરવાની જીવનરીતિ રૂપે સ્વીકાર્ય છે. જળક્રીડા કરતાં નાયક નાયિકાનું શૃંગારીક વર્ણન અરેલાનો ગાયક ઉલ્લાસથી ગાય છે તેની સાથે લોક સમુદાય નૃત્ય કરતો આનંદમાં ઝુમી ઊઠે છે. પ્રેમપ્રસંગો ભીલ તરુણ-તરુણીઓના વર્તમાન જીવનનો સહજ ભાગ છે.

ડોળીરાણના લેંબદે રાણા જેળુની સગાઈનું માંગું લઈને હિયોર સોઢાને મહેલ આવ્યા છે. જેળુ કુંવરી મહેમાનોની સામે જ પિતાને કહે છે: “બાપુ, હું રાણાને વરવાની નથી: હું તો ગુજોરને જવાની છું.” ( એજન પૃષ્ઠ: 64) પિતા દીકરીનું હિત કઈ તરફ છે તેનું સૂચન કરે છે પણ તેનો ઉગ્ર વિરોધ કરતા નથી. કન્યા વરની પસંદગી મુક્ત મને કરી શકે છે. માતાપિતા તેના પર કોઈ દબાણ કરતાં નથી તે અહીં જોઈ શકાય છે. સાંપ્રત સમયમાં ભીલ કન્યા વરની પસંદગી સ્વયં કરે છે. જેળુ અને ભોજો ગંધર્વ લગ્નથી જોડાય છે. આવા લગ્નો ભીલ સમાજમાં વર્તમાન સમયે પણ માન્ય છે.

લેંબદે રાણાની વિનંતીથી ભોજો તોરણ તોડવા આવે છે અને અપૂર્વ સાહસ અને પરાક્રમ બતાવી પોતાનું ખડક પ્રેમિકા ઝેળુને આપે છે. આ ખડક હાથમાં લઈ ઝેળુ લગ્નમંડપમાં ફેરા ફરી વિવાહ પૂર્ણ કરે છે. વિવાહ પૂર્ણ થતાં ગુજોર લગ્નમંડપમાં નાચવા માટે આવે છે. નાચતાં નાચતાં સોનાચાંદીના ‘મણિમોતી’ વેરે છે. લોકસમુદાય ગુજોરોનું યશોગાન કરતો મોતી વીણે છે. ભીલ સંસ્કૃતિમાં વિવાહ સંપન્ન થયા પછી સ્રી પુરુષનો નાચવાનો રિવાજ છે. તે અરેલામાં પણ જોવા મળે છે. ઉખાણાં પૂછીને કન્યા દ્વાર પોતાના ભાવિ પતિના બુદ્ધિ ચાતુર્યની કસોટી કરવાનો રિવાજ અહીં અરેલોમાં જેળુના વિવાહ સમયે હીરા દાસી દ્વારા નિભાવામાં આવે છે.

‘ગુજરાંનો અરેલો’માં જેળુ, રખમા રાઠોડણ, સાઢુ ખટિયાણી, ભાથુ કલારણ, વેવારિયાની કુંવરી ઇલોર કિલોર વગરે સ્ત્રીચરિત્રોના વ્યક્તિત્વનો વિકાસ સહજરૂપે થયો છે. પુરુષ પ્રધાન સમાજનો પ્રભાવ તેમના પર જોવા મળતો નથી. અરેલામાં સ્ત્રી પાત્રોનું સ્થાન પુરુષ પાત્રો જેવું મહત્ત્વનું અને પ્રભાવશાળી છે. સ્ત્રી પોતાના જીવનસાથીની પસંદગી મુક્તપણે કરી શકે છે. પુરુષની કસોટી પણ કરી શકે છે. સ્ત્રી પુરુષ બંને એટલાં બધાં મુક્ત હોય છે કે એકબીજા સાથે અનુકૂળતા ન આવેતો સહેલાઈથી છૂટાછેડા લઈ શકે છે. સ્ત્રીઓ પુરુષ પ્રધાન સમાજમાં પોતાનો મત પ્રગટ કરી શકે છે. સારા નરસાનો ભેદ પાડી કુળ જાતિ માટે માર્ગદર્શન આપી શકે છે. સાઢુ ખટિયાણી અને રખમા રાઠોડણ સાચા અભિપ્રાય, સલાહ અને આદેશો ગુજરો જ્યાં નથી માનતા ત્યાં નિષ્ફળ જાય છે. સાચી સલાહ માને છે ત્યાં ઉત્કર્ષ પામે છે. ગુજરોનું પતન અહંકાર દારૂ અને સાઢુ ખટિયાણી અને રખમા રાઠોડણ જેવી ભવિષ્યદર્શી સ્ત્રીઓની અવગણનાતથા ડોળીરાણાના રાજા લેંબદેની જેળુને ઘરમાં ઘાલવાથી થયું છે. અહંકાર, અધમ કૃત્યો અને અસંયમિત વલણ કુળ, જાતિનો નાશ કરે છે એવો પ્રધાન સૂર આ લોકમહાકાવ્યમાંથી પ્રગટે છે. ભીલ આદિવાસીઓ સ્ત્રીને એક વિશેષ સ્થાન અને મહત્ત્વ આપે છે તેનાં દર્શન ગુજરાંનો અરેલોમાં થાય છે.

સંદર્ભ સૂચિ :::

  1. ‘આદિવાસી લોકાખ્યાનો’, સંપા. ભગવાનદાસ પટેલ, પ્રકાશક: પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, પ્રથમ આવૃતિ: ૨૦૧૧
  2. ‘આદિવાસી, જનપદ અને શિષ્ટ મહાકાવ્યોમાં નારી’ સંપા: ભગવાનદાસ પટેલ, પ્રકાશક: નયનસૂર્યાનંદ લોકપ્રતિષ્ઠાન, મુંબઈ, પ્રથમ આવૃતિ: ૨૦૦૫
  3. ‘ ડુંગરી ભીલોનો ગુજરાંનો અરેલો, સંપાદક: ભગવાનદાસ પટેલ. પ્રકાશક: પોતે, પ્રથમ આવૃતિ: ૧૯૯૩
  4. ભીલી સાહિત્ય એક અધ્યયન, સંપાદક: હસુ યાજ્ઞિક, પ્રકાશ: ગુજરાત સાહિત્ય અકાદમી, પ્રથમ આવૃતિ: ૨૦૦૬
  5. વનસ્વર, સંપાદક: ડો. બળવંત જાની, પ્રકાશ: ગુજરાત સાહિત્ય અકાદમી, પ્રથમ આવૃતિ: ૨૦૦૩

ડો. બિપિન ચૌધરી, સરકારી વિનયન કોલેજ, બેચરાજી, મો.૯૪૨૮૧૬૮૭૯૭ bipinchaudhary617@gmail.com