Download this page in

ગુજરાતી સાહિત્યમાં આધુનિકયુગની નારીસર્જકોની ટૂંકીવાર્તામાં નારીસંવેદના

ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી ટૂંકીવાર્તાના આરંભકાળે સ્ત્રીશોષણની સમસ્યાઓ તથા તેના સમાજમાં ઊતરતા માન અને સ્થાન જેવા નારીસંલગ્ન વિષયો કોઇ વિચારધારાના પ્રભાવ વિના વાર્તાઓમાં પ્રવેશ્યા. ગાંધીયુગમાં નારીલક્ષી વિચારધારામાં થોડી જાગૃતતા આવી. સ્ત્રી માટે કેળવણી, સ્વતંત્રતા અને સમાનતાની ગાંધીજીએ હિમાયત કરી તે આધુનિક યુગમાં વૈશ્વિક નારીવાદના પ્રભાવથી પોતાના માલિકીપણાનું કોચલું અકબંધ રાખવાની પુરુષની ચેષ્ટાઓ અને શિક્ષિતનારીના એ કોચલામાંથી બહાર નીકળવાના પ્રયાસો વચ્ચે અથડામણમાંથી નારીજીવનમાં નવા એંધાણ વર્તાયા. આધુનિક ટૂંકીવાર્તા સ્ત્રીની સ્વાયત્તા, સ્ત્રીશોષણની વેદના-સંવેદનાઓ, સ્ત્રી શારીરિક, માનસિક, આર્થિક સ્તરે જે રીતે શોષાઇ રહી છે તેના આક્રોશને, સમસ્યાઓને વાંચવા, સમજવા, વ્યકત કરવા એક નવુ પરિણામ બક્ષે છે. ગુજરાતી ટૂંકીવાર્તામાં નારીની બદલાતી છબિની વાત કરતી વખતે એક વાત ખાસ નોંધવી જરૂરી છે કે સ્ત્રીમુકિતની કે એના શોષણ કે અસંતોષની વાત સ્ત્રી-સર્જક જેટલીજ પ્રભાવક અને કલાત્મક રીતે પુરુષ-સર્જક પણ કરી શકયો છે. આમ, આધુનિકયુગમાં ધીરુબહેન પટેલ, કુન્દનિકા કાપડિયા, વર્ષા અડાલજા, ઈલાઆરબ મહેતા, વસુબહેન ભટ્ટ વગેરે નારીસર્જકોની ટૂંકવાર્તામાં રહેલ નારીના વિવિધ સંવેદનોને તપાસવાનો મારો ઉપક્રમ છે.

ધીરુબહેનપટેલની વાર્તાઓથી આરંભ કરીએઃ'અરુધતી' વાર્તામાં વાર્તાનાયિકા અરુંધતીની મનોવ્યથા રજૂ કરવામાં આવી છે. અરુંધતી પરિણીત છે. 23 વર્ષના સુખી દામ્પત્યજીવનમાં અચાનક જ પતિ પરસ્ત્રી સાથે પ્રેમમાં છે તેની જાણ થતા તે અંદરથી ભાંગી પડે છે. પરંતુ શાંતચિંત્તે સ્વસ્થ, નિર્ભય બનીને વિદ્રોહ કરવાને બદલે છૂટાછેડાની માંગણી કરે છે. તેમજ પોતાને એકલી રહેવા માટે નવો ફલેટ, જીવનનિર્વાહ માટે એકસામટી મોટી રકમની માંગણી કરે છે. સાથે એક બીજો વિસ્ફોટ કરે છે કેઃ"એને કહી દે જો, ત્રણ છોકરાંના બાપનેએ પરણે છે તો ત્રણ છોકરાંની મા પણ એણેજ બનવું પડશે." (P-138) આમ, વાર્તાન્તે પતિ અને બાળકોને છોડીને એકલી રહેવા માટે તૈયાર થયેલી નાયિકા સ્વસ્થતાપૂર્વક સ્પષ્ટ શબ્દોમાં જણાવી દે છે કે ચિંતા ના કરશો.પતિ નહીં ને મા પણ નહીં એવી સ્ત્રીએ નથી જીવતી શું સંસારમાં ? મને લાગે છે કે હું જીવી શકીશ. કદાચ તમારા કરતા સારી રીતે પણ જીવું કોને ખબર છે ? (P-138). તો 'મનસ્વિની' ની વાર્તાનાયિકા સુવર્ણા ઉંમરમાં નાની પરંતુ મોટી બહેન આશાના દેખાવે વધુ સ્વરૂપવાન અ ઠસ્સાદાર હોવાથી આશાને જોવા આવેલો મૂરતિયો સુવર્ણાને પસંદ કરે છે. તેથી પોતે મોટી બહેન આશાના લગ્નમાર્ગમાં અવરોધરૂપ બનતા ભણવાનું બહાનું કાઢી ઘર છોડી જવાનો નિશ્ચય કરે છે. તેની માતા તેના નિર્ણયથી અકળાઇને ક્રોધમાં એને સ્વાર્થી અને મનસ્વિની કહે છે. લેખિકાએ આશાના પાત્ર દ્વારા કુંવારી કોડભરી કન્યાની સંવેદનાને વાચા આપી છે. જે પોતે રૂપાળી, ઊંચી, દેખાવડી, ગોરી ન હોય પરંતુ હોશિયાર છે છતાં પુરુષ હંમેશા રૂપાળી સ્ત્રીને જ પસંદ કરે છે. પછી ભલેને એનામાં અવગુણોનો ભંડાર હોય. આ આપણા સમાજની કડવી વાસ્તવિકતા છે. તો 'દીકરીનું ધન' વાર્તામાં જેમાં નોકરી કરીને આખા કુંટુંબની જવાબદારી ઉઠાવતી સ્ત્રી પરત્વે ધરના સભ્યોની ઉદાસીનતાનું આલેખન છે. અપરિણીત નાયિકાની કમાણી ઘર માટે એટલી હદે જરૂરી હોય છે કે તેના મા-બાપ એની વધતી જતી ઉંમર સામે આંખો બંધ કરી દે છે અને તેનો નાનોભાઇ ડૉકટરનું ભણી રહે ત્યાં સુધી નાયિકા માટે નોકરી અનિવાર્ય છે.

લેખિકા વાર્તાનાયિકા શકુંતલાના કરમાયેલા દેખાવ વિશે નોંધે છે કે,"ઉંમર તે હજી ચોવીસજ વર્ષની પણ દેખાવમાં લાવણ્ય કયાં ? તેના હોઠ જરા મલકાતા નહીં. મલકાવા જાય તો શોભતા પણ નહીં.આંખો તેજવિહોણી, લખ લખ કરવાથી ચૂંચી થઇ ગયેલી હતી. સંભાળને અભાવે વાળ લૂખાને આછા થઇ ગયા હતા. ચહેરે મહોરે તે અત્યંત સાધારણ, અનાર્ષક દેખાવની મધ્યમ વયની લાગતી હતી." (P-26). આમ, વાર્તાનાયિકા યુવાવસ્થામાં પહોંચેલી હોવા છતાં અકાળે વૃદ્ધ જણાય છે. પોતે લગ્ન માટે ઉત્સુક હોવા છતાં સંસ્કારી, સુશીલ કહયાગરી દિકરીની છાપ હોવાથી માતા-પિતાને પોતાના મનની વાત કહી શકતી નથી. આ વાર્તાસંદર્ભે શરીફા વીજળીવાળા નોંધે છે કે,"અહીં નારીની ઝંખનાની દિશા ઘર બહારની નહીં પણ રસોડાની અંદર જવા તરફની છે. નારીવાદી આંદોલન કે નારીમુકિતનો, સ્ત્રીનો ઘરની બહાર લઇ જવી એવો સાંકડો અર્થ હરગીઝ નથી. નારીમુકિત નારીના વ્યકિતત્વની ઇચ્છાઓથી સ્વતંત્રતા પર ભાર મૂકે છે."'અધૂરો કોલ' વાર્તામાં નાયક-નાયિકા અનંત વસુના પ્રેમને આલેખ્યો છે. જેમાં શરૂઆતમાં નાયિકાના પ્રેમની સંવેદના વાર્તાન્તે નાયકના મૃત્યુથી અસહયવેદનામાં રૂપાંતર પામે છે. વાર્તાનાયક અનંત જીવવા-મરવાના આપેલા કોલના નિશ્ચયને પાર પાડે છે. જયારે નાયિકાનો મુગ્ધાવસ્થાનો પ્રેમ હોવાથી તેમાં ઊંડી ઊતરતી નથી. આમ, નાયિકાના મુગ્ધાવસ્થાના પ્રેમની અણસમજ અને બાલિશવર્તનના કારણે મળેલી નિષ્ફળતાનો કરૂણ અંજામ આવે છે.

'મયંકનીમાં' વાર્તામાં માતૃપ્રેમની સંવેદનાને ઉજાગર કરવામાં આવી છે. વાર્તાનાયિકા મયંકના આગમન પછી માત્ર મયંકનીમાં બની રહે છે. તેને ખબર છે કે મયંક મોટો થશે. ત્યારે પોતાની અલગ દુનિયા વસાવશે. ત્યારે પોતાની લાગણીઓથી તેને પાંગળો નહીં બનાવે કે પોતે પણ પુત્રલગાવને કારણે લાગણીઓમાં અંધ નહીં બને. છતાં પણ મયંકને બાલમંદિરમાં ગોઠવાતો જોઇને તેને મનમાં ખટકે છે. તે મયંક પર સંપૂર્ણ પ્રેમરાજય ઇચ્છે છે. તેમજ પોતાની નિર્મળ અવિરત લાગણીઓનું આરોપણ ભવિષ્યમાં પોતાની સ્થિતિ મૂળમાંથી ઊખડી ગયેલા વૃક્ષ જેવી કરશે તેવુ સહજતાથી સ્વીકારી વાર્તાનાયિકા માતૃપ્રેમના મોટામોજાં સાથે વહી જવામાં જ સાર્થકતા સમજે છે.

કુંદનિકા કાપડિયાની 'ફલાવરવેલી' વાર્તામાં વાર્તાનાયિકા લેખાના લગ્ન વિશેની મૂંઝવણ પ્રગટ કરવામાં આવી છે. લગ્ન માટે જોવા આવનાર છોકરાઓથી રિજેકટ થયેલ લેખાના મનમાં ચાલતી ગડમથલ અને તેની આંતરવેદનાને આલેખી છે. તે વિચારે છે કે આ વખતે બધુ પાર ઊતરે તો સારુ. નાયિકા જણાવે છે કે,"એ બધાનેમાત્ર ચહેરાની જ જરૂર હતી ?લોહી, માંસ, હાડથી ભરેલા એક જીવંત ધબકતા જીવનમાં કંઇ કરવાની મહેચ્છા ધરાવતી વ્યકિતની જરૂર નહોતી ? વાળના સ્થાને વિગ પહેરી શકાય એમ એકાદ સુંદર ચહેરાનું આવરણ જો પહેરી શકાતુ હોત તો શુ બધાનું જીવન ન્યાલ થઇ જાત?" (P-71)

લગ્ન એ સ્ત્રી અને પુરુષને જોડતી સાંકળ છે. વાર્તાનાયિકા લેખા સ્વતંત્ર વિચારો ધરાવતી નારી છે. છતાં તેને આ સમસ્યામાંથી પસાર થવું પડે છે. આજકાલ કુંવારી યુવતીની સમસ્યા છે કે સમાજમાં આજેપણ લગ્ન જેવા પવિત્રસંબંધમાં એકબીજાના વિચારો કે પસંદ-નાપસંદને મહત્વ આપવામાં આવતુ નથી પરંતુ રૂપને વધારે મહત્વ આપવામાં આવે છે. તો 'ન્યાય' વાર્તાની નાયિકા રાધિકા હાઇસ્કૂલમાં શિક્ષિકા છે. અને ટયૂશન કરીને પણ કમાણી કરતી સ્વતંત્ર સ્વાવલંબી નારી છે. સમાનગૌરવ, મહેનતમાં સમાનતા, એકસરખું મૂલ્ય, સ્ત્રીસમાનતા, વ્યકિતસ્વાતંત્ર્ય વગેરે મૂલ્યો તટસ્થતાથી માનતી રાધિકા શ્યામ સાથે સહજીવનની યાત્રા આરંભે છે. પરંતુ સમય જતાં વાર્તાનાયિકાની ઇચ્છા-આંકાંક્ષઓને અવગણી શ્યામ પોતાનું આધિપત્ય જમાવવા માંડે છે. ત્યારે તેને આધાત લાગે છે. ત્યારે તે વેદના તેના માટે અસહય થઇ પડે છે. પરંતુ પોતાના સ્વમાનના ભોગે કપડાં, ઘરેણાં, રોકડવસ્તુ વગેરે પોતાના હકનું બધુ બેગમાં ભરીને એક ચિઠ્ઠી શ્યામને લખી સદીઓથી ચાલી આવતી પરંપરામાં ગોઠવાઇ જવાને બદલે ઘર-વર છોડીને ચાલી નીકળે છે. વાર્તાનાયિકા લખે છે કે,-"અધિકારપૂર્વક આવી હતી, અધિકારપૂર્વક જઇશ. શ્યામ ઇચ્છતો નથી એટલે નહિ, પોતે ઇચ્છતી નથી એટલે. જીવનમાં બધુ જ બીજાની ઇચ્છાથી ન કરાય, એ બીજી વ્યકિત પતિ હોય તો પણ નહિ." (P-182)

લેખિકાએ 'પ્રેમના આંસુ' વાર્તામાં વાર્તાનાયિકા સરયૂને અપંગ બાળક કિરણ પ્રત્યે એક માતા તરીકેની સંવેદના ઉદ્દભવે છે તેને ઉજાગર કરી છે. કિરણ માતાની છાત્રછાયા ગુમાવ્યા બાદ અનંત બાળકના સુખ ખાતર લગ્ન અનિવાર્ય લાગતા માતા તરીકેની ખોટી પૂરી થાય તેવી ઇચ્છાથી સરયૂ સાથે લગ્ન કરે છે. અનંત બીજવર હોવા છતાં પોતે લગ્નથી ખુશી અનુભવે છે. પરંતુ અપંગ, લાચાર બાળકની માતા તરીકેની ફરજ નિભાવવાના ખ્યાલથી તેનું મન ભરાઇ આવે છે. લગ્ન બાદ સરયૂ જયારે બીજા દિવસે તે બાળકને જુએ છે ત્યારે જે બાળકને લઇને પોતાના મનમાં અણગમતી કલ્પનાઓ કરી હતી તે આજ છે ત્યારે તેની નિદોર્ષતા જોઇને પ્રેમભર્યા આવેગથી કિરણને છાતી સરસો ચાંપી દે છે. આમ, વાર્તાન્તે વાર્તાનાયિકામાં માતૃત્વની ભાવના જાગતા તેની આંખોમાં પ્રેમના આસું આવી જાય છે. તો કિરણને એની ખરીમાં સરયૂના રૂપમાં મળે છે. લેખિકાએ વાર્તાનાયિકાનો નારીસહજ વાત્સલ્યભાવ જગાડી સરયૂના પાત્રનું હદયપરિવર્તન કરવી નારીનું ઉચ્ચસ્થાન દર્શાવ્યું છે.

'તો' વાર્તામાં લેખિકાએ બાંગ્લાદેશના યુદ્ધને પશ્વાદભૂ બનાવી સ્ત્રીના બૌદ્ધિકવ્યકિતત્વનો અસ્વીકાર, બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીનો થતો તિરસ્કાર, ભારરૂપ ગણાતો સ્રીનો જન્મ જેવા એકસાથે ત્રણ પ્રશ્ર્નો આપણી સમક્ષ મૂકયાં છે. પોતાના અસ્તિત્વ પરના આક્રમણની વણજોઇતી નિશાની જેવુ બાળક ગર્ભમાં છે. નાયિકાને આ ગર્ભ ફગાવી દેવોછે, પણ સમય ઘણો થઇ ગયો હોવાથી ગર્ભપાત જોખમી છે. અકળાયેલી, ત્રસ્ત સ્ત્રીજાતને અનેક સવાલો પૂછતી રહે છે અને ઉત્તર શોધતી રહે છે. એવામાં સાવ અચાનક વાર્તાનાયિકામાં વર્ષોથી એક દીકરી માટે ઝરતી મા પ્રગટ થાય છે. "જે જન્મવાનું છે એ બાળક છોકરી હશે તો ?પોતે સદાય જેની ઝંખના કરી હતી તેની કુમળી, કુમળી ભોળી આંખોવાળી એ છોકરી હશે તો?" આ પ્રશ્ન સાથે વાર્તાનો અંત આવે છે. સ્ત્રીત્વ અને માતૃત્વના સંકુલ ટંકારાવને વ્યંજિત કરતી આ વાર્તામાંજીવનક્ષણની અને મમતાની લાગણીથી ભરેલા નારીહદયનું હદયસ્પર્શી આલેખન છે.

'જવા દઇશું તમને'વાર્તા વૃદ્ધ નાયિકાની સંવેદનાને વાચા આપી છે. વાર્તનાયિકા સાહિત્યપ્રેમી છે. જીવનમાં કયારેય કંટાળાનો અનુભવ કર્યો નથી. પ્રકૃતિ અને સૌંદર્ય મન ભરીને માણ્યું છે. પરંતુ જૂની-નવી પેઢીના રસ-રૂચિ, વૃતિ, વલણો વિચાર, ગમા-અણગમા વચ્ચે કેવો જમીન-આસમાનનો તફાવત છે. એ લેખિકાએ વૃદ્ધ વાર્તાનાયિકાના મનમા ચાલતા ભાવ-પ્રતિભાવો દ્વારા પ્રગટ કર્યું છે. વૃદ્ધાવસ્થા દરમિયાન તેમનેઅને તેમના વિચારોને પુત્રવધુઓ કે ઘરના અન્ય સભ્યો સમજી શકતા નથી. જે વિદેશી પુત્રવધુ મારિયા પારખી લે છે. વાર્તાન્તે નાયિકાને આ વાત મૃત્યુની ક્ષણે શાતા આપે છે. એક નારીની અંતિમક્ષણે સુધી ધરબાઇ રહેલી લાગણીઓને એક વિદેશી પુત્રવધુ દ્વારા વાચ મળે છે

સરોજ પાઠકની વાર્તા 'વિશ્રંભકથા' વાર્તામાં વાર્તાનાયિકા માધવી અને તેના પતિ કૈલાસનીવાત કરવામાં આવી છે. પતિ-પત્નીના સંબંધમાં પ્રેમ સાથે જાતીયતા પણ એટલી જ અનિવાર્ય છે. પરંતુ અતિશય પ્રેમ કે જાતીયતા ઉબ પેદા કરે છે. પ્રેમમાં દૂરતા પણ જરૂરી છે. તેથી જીવેલા જીવનમાં એક પ્રકારના નિરુત્સાહી લગ્નજીવનને દૂર કરવા માટે બાર મહિના પિયર રહેવા જવાનો વિચાર કરે છે. આબાર મહિના પ્રેમના અભાવવાળા સમયગાળાને થોડા મીઠા મધુર ઝઘડા અને સ્મૃતિઓથી ભરી દેવા માગે છે. આમ, વાર્તાનાયિકા પોતાના પતિના પ્રેમને પામવા એક જુદી જ રીત અપનાવે છે. વાર્તાન્તે વાર્તાનાયિકા રાત્રે પતિના મનમાં કામેચ્છા જગાડવા નજીવા કારણસર ઝઘડો કરે છે. છતાં પતિ કૈલાસ માધવીની ઉપેક્ષા કરી પડખું ફરીને ઊંધી જાય છે. પરંતુ પોતે "મને શું ખબર કેવાં....... આવા .... સાવ બાયલા હશે ! આવો બાયલો વર મારે માથે ઠોકાયો છે." (P-116) એવા તિરસ્કાર સૂચક શબ્દોબોલી પતિને ઉશ્કેરીને મનવાંચ્છિત સુખ મેળવે છે. અહી લેખિકાએ કોઇ પુરુષ દ્વારા થતા નારીના શોષણની વાત નથી કરી પરંતુ સ્ત્રી-પુરુષના પતિ-પત્નીના સુખી દામ્પત્યજીવનની વાત કરીને વાર્તાનાયિકા દ્વારા એક સ્ત્રીના મનની ગતવિધિઓને આલેખી તેની જાતીય સંવેદનાને વાત પ્રગટ કરી છે.

'ન કૌંસમાં નકૌંસ બહાર' વાર્તામાં વાર્તાનાયિકા શુચિનું દામ્પત્યનજીવન સુખી છે. તેમજ તંદુરસ્ત અને પ્રેમાળ દામ્પત્યજીવન પોતાના પતિ અને બાળકો સાથે જીવી રહી છે. પરંતુ અચાનક જ પતિ દ્વારા ભૂતપૂર્વ પ્રેમીના આગમનની જાણ થતા કેટલાય સમય સુધી મનમાં ધરબાઇ રહેલા આક્રોશને પ્રગટ કરે છે. પોતે ભર્યાભાદર્યા સંસારમાં વ્યસ્ત છતાં ભૂતપૂર્વ પ્રેમીને ભૂલી શકતી નથી. અંતમાં નાયિકાની આંખમાંથી સરી પડેલા આંસુ એ વાતની સાબિતી પૂરે છે કે અતીતને વિસારે પાડયાં પછી પણ તે અતીત સાથે જોડાયેલી છે. આમ, લેખિકાએ વાર્તાનાયિકા શુચિના ત્રણ વાસ્તવને પ્રગટ કર્યાં છે. એક ( ) બહારનું તેના પતિ સાથેનું સમૃદ્ધ દામ્પત્યજીવન બીજુ આ દામ્પત્યજીવનનને પેલા (પ્રેમી)ને બતાવી દેવાના પૂરેપરા આક્રોશથી જીવાતી ( ) અંદરની જિંદગી પેલાની આવવાની પ્રતિક્ષા, તો ત્રીજુ (ન કૌંસ) બહારથી જ સુખી હોવાની પરંતુ અંદરથી પોતાના પ્રેમી તરફની લાગણીની અનભૂતિને આલેખી છે. તો 'સુરમા' વાર્તામાં ગામડાંની સીધી સાદી, સંસ્કારી વાર્તાનાયિકા સુરમા દિલ્હી જેવા શહેરમાં નોકરી માટે જાય છે. ત્યાં પોતાની રૂમપાર્ટનર મિસ ભરૂચા નામની યુવતી સાથે રહે છે. શરૂઆતમાં તો એકલી રહેતી મિસ ભરૂચાની હિંમતને દાદ આપે છે. એકલા હાથે મુશ્કેલીઓનો સામનો કરે છે છતાં પોતાના ચહેરા પરનુસ્મિત હંમેશા જાળવી રાખ્યુ છે. મિસ ભરૂચાને ગુરુસ્થાને સ્થાપી પોતે અડગ મનની બનીને તેના જેવી Life Style અપનાવે છે. ડ્રેસિંગ સેન્સથી માંડી દરેક બાબતે પોતાનામાં બદલાવ લાવે છે. તેમજ બધી શરમ નેવે મૂકી મેટ્રોસિટીના વાતાવરણમાં ભળી જાય છે. પરંતુ નાઇટકલબમાં મિસ ભરૂચાની વાસ્તવિકતા વિશે ખ્યાલ આવતા પોતે જે સુખ ઝંખી રહી છે તે "સુખ નહિ, સુખના ઝાંઝવા જ માત્ર છે"ને પોતાના આત્મસન્માનનું ભાન થતા સાડીને સરી પડેલો છેડો સંકોરી 'મારામાં અને પેલી નાચનારીમાં કોઇ જ ફેર નહિ' તેવુ અનુભવતાં મિ.મલ્હોત્રાનો પોતાના કમર પરનો હાથ દઢતાથીછોડાવી ત્યાંથી ચાલી નીકળે છે. પોતે જાણે-અજાણે નર્કાગાર દુનિયામાં ધકેલાય જાય તે પહેલા જ જાગ્રત બને છે અને એક સ્ત્રી તરીકેના સન્માનને જાળવી રાખે છે.

'સારિકા પિંજરસ્થા' વાર્તામાં વાર્તાનાયિકા સારિકાનો તરફડાટ આલેખ્યો છે. નાયિકાસુખીસંપન્ન ભદ્રસમાજમાં જન્મેલી છે. તેને નાનપણમાં આર્ટ્સ લેવુ છે છતાં બાપ સાયન્સ લેવડાવે છે. આગળ જતા પોતે ડોકટર બનાવાની ઇચ્છા દર્શાવે છે તો વિદેશી મૂરતિયા સાથે લગ્ન કરાવી દે છે. લગ્નબાદ પતિની ઇચ્છાને વશ થઇ નાઇટકલબ, પાર્ટીઓમાં જવુ પડે છે. તો પોતાની હવસ સંતોષનાર પતિ હનીમૂન દરમિયાન અન્ય પુરુષ મિત્ર સાથે શારિરીક સંબંધ બાંધવા મજબૂર કરે છે. પોતે ગર્ભવતી બનતા પોતાની ઇચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવે છે. અંતે માંદગીના કારણે જયારે સારિકાનો પતિ મૃત્યુ પામતા એ રડી શકતી નથી ત્યારે તેને પાગલ ગણાવી મેન્ટલ હોસ્પિટલમાં ધકેલી દેવામાં આવે છે. આમ, વાર્તાનાયિકા પોતાના થઇ રહેલા અન્યાયો પ્રત્યે સભાન છે. પણ એની સામે અવાજ ઉઠાવવાની એનામાં જરાય તાકાત નથી તો 'હુકમનો એકકો' વાર્તામાં પિતાના મૃત્યુ બાદ ઘરની તમામ જવાબદારી પોતાના શિરે આવી પડતા કુટુબનું ભરણપોષણ કરતી કુંવારી રહી જતી અને કુટુંબકર્તવ્યના નામે શોષાતી નારીની વેદનાને વાચા આપી છે. નાયિકા ઘર છોડે તે પહેલા જ તેના સ્વજનો તેને છોડીને ચાલ્યા જાય છે. તેથી સ્થિતિ હુકમના એકકા જેવી બની જાય છે. એકલી નિઃસંહાય નાયિકા પોતાના મનની અધૂરી ઇચ્છા જણાવતા કહે છે. કે,"જો મારે હોત .... હોત...., નું જીવન જીવવા મળ્યું હોત તો સાસરવાસનો ઘણો લાંબો પથ મેં કાઢયો હોત, પણ આ પિયર ઘરની ઇંટો જાળવી રાખવા હું આજે અહીં છું." (P-42-43)

વર્ષા અડાલજા અને ઇલા આરબ મહેતાએ રોજની ઘટમાળમાં અટવાયા કરતી તેમજ એ પરિશ્રમમાં જીવવાનો આનંદ જ ભૂલી જતી ઉપલા મધ્યમ વર્ગની ગૃહિણીઓને કેન્દ્રમાં રાખી વાર્તાઓ લખી છે. વર્ષા અડાલજાની'અનુરાધા' વાર્તામાં વાર્તાનાયિકા અનુરાધા પ્રોફેસર છે. પોતે આપકમાઇ થી ખરીદેલ ફલેટમાં માતાથી અલગ રહેવા ચાલી જાય છે. આમ, એકલી કુંવારી રહેતી સ્ત્રીને માટે સમાજમાં અનેક પ્રશ્નોનો સામનો કરવો પડે છે. તેવો સામનો નાયિકા પણ કરે છે. વાર્તામાં પડોશી સ્ત્રી હસુમતીનો ત્રાસ, પજવણી, હેરાનગતિ આપણને દષ્ટિગોચર થાય છે. વાર્તામાંઆવતા પાત્રો શુભદા અનેશ્વેતા જે હોશિયાર છે છતાં લગ્નબાદ પતિની નામરજીને કારણે હાઉસવાઇફ બનીને રહી જાય છે. આમ, વાર્તામાં લેખિકાએ એકલી અપરિણીત રહેતી સ્ત્રી તરફ જોવાતી સમાજની વક્રદષ્ટિના દર્શન કરાવ્યા છે. તો બીજી તરફ વાર્તાનાયિકા દ્વારા નારીના સ્વતંત્ર જીવન તરફ નિર્દેશ કર્યો છે.

તો 'શીરો' વાર્તામાં સતત સંતાપ આપતા પતિથી વાજ આવી ગયેલી નાયિકા કુસુમ પોતાના પતિની હત્યા કરે છે. અને પોતાના વૈધવ્યને મુકિતપર્વ લેખી એને સત્કારવા શીરો શેકવા બેસે છે. પતિની હત્યા માટે કશો પણ અપરાધભાવ અનુભવતી નથી. તો 'ગાંઠે બાધ્યું આકાશ' વાર્તામાં સુક્ષ્મણીબેનના નાની ઉંમરમાં લગ્ન થતા પોતાની આખી જિદગી પતિના દરેક કામમાં ખર્ચી નાખે છે. છતાં પતિપરમેશ્વર એવા મણિકાંત વિનયકાંત પાસેથી અપમાન અને અવહેલના સિવાય ભાગ્યે જ કશુ ભાળ્યું હોય છે એટલે પતિના મૃત્યુ પછી પણ પોતે હળવા થઇ શકતા નથી. તો પતિના મૃત્યુબાદ વહુ-દીકરો આખા ઘરની જવાબદરી એમના પર નાખી પોતે લીલાલહેર કરે છે. પરંતુ નયનાબહેન જેવી સ્ત્રીસહેલીના કારણે પોતે બાહ્યજગતના સંપર્કમાં આવતા હદયના એક ખૂણામાં ધરબાઇ ગયેલી અનેક ઇચ્છાઓ આપોઆપ બહાર કાઢીને સાહસિક, હાજરજવાબી બની high Society ની સ્ત્રીઓની જેમ જિંદગી વીતાવે છે. તો 'શાંતિ' વાર્તામાં વાર્તાનાયિકા કામના ઢગ નીચે દબાઇ જાય છે અને પોતાના હોવાનો અહેસાસ સુદ્ધાં ખોઇ બેસે છે. પરંતુ પોતાની આસપાસ અન્ય સાહસિક સ્ત્રીઓને જોતા કોઇ વ્યવસાય કે અન્ય કામો કરે છે. મુકિતનોશ્વાસ લે છે નેઆનંદને જાણે છે. તેથી નાયિકા પણ પોતાના અધિકારનો આનંદ મેળવવા મથે છે. પોતાને માટે જીવવું એટલે શું એ ઘણેભાગે તો સ્ત્રીઓને યાદ જ નથી રહેતુ. બધાના મન સાચવવાનું અને પોતાનો વિચાર છેલ્લે કરવાનું જ એને શીખવવામાં આવ્યું છે. આ દૃઢ સામાજિક સંસ્કારમાંથી મુક્ત થવાનું કે જરૂર પડે તો એ માટે વિરોધ કરવાનું એના સ્વભાવમાં નથી હોતુ. એ લક્ષણ જાતે એણે કેળવવું પડે છે.

'મુકત કારાગાર' વાર્તામાં નારીની ગરિમાને હાનિ પહોંચાડતો સમાજ અને પતિ સામે આક્રોશ વ્યકત કર્યો છે. વાર્તાનાયિકા અવની ભણેલી ગણેલી ઉચ્ચ, આશાવાદી સંસ્કારી યુવતી છે. પરિતોષ સાથેનું લગ્ન જીવન સુખમય રીતે ચાલે છે પરંતુ સંજોગોવસાત્ પતિ પરિતોષની ગેરહાજરીમા પતિના મિત્ર કેદારની ખરાબ નજર પોતાના પર પડતા સ્વબચાવ માટે પતિના મિત્રનુ ખૂન કરી દે છે. અને જેલમાં પતિના સ્વાર્થીપણાને લીધે પતિને સબક શીખવવા પોતે નિર્દોષ હોવાછતાં ખૂન કર્યાની સજા ભોગવાનું નકકી કરે છે.

ઇલાઆરબ મહેતા કૃત 'બળવો-બળવી-બળવુ' વાર્તામાં સુશીલા હંગામી ધોરણે શિક્ષકા છે. દારૂડિયો અને જુગારી પતિના ત્રાસથીકંટાળી બી.એડની પરીક્ષાના ભાગરૂપે શાળામાં '1857 નો બળવો' પાઠ તૈયાર કરે છે અને વિદ્યાર્થીઓને ભણાવે છે. વાર્તામાં પુલ્લિંગ અને સ્ત્રીલિંગ શબ્દોની ચર્ચા માંડી વિદ્યાર્થીની ચારુલતા સુશીલાને વિચારતી કરી મૂકે છે. કપાળમાં ચાંદલો આપણે નથી જોઇતો એવો વિચાર રજૂ કરી સુશીલાને મુકિતનો રસ્તો દેખાડે છે.અંતમા '1857 નો બળવો પાઠ'દ્વારા વાર્તાનાયિકામાં હદયરિવર્તનથાય છે. તેને એપાઠ દ્વારા એક નવી પ્રેરણા મળે છે. તેના વિચારોમાં હકારાત્મકતા આવે છે. જીવનપ્રત્યેનો દષ્ટિકોણ સમજાતા એકસમયે દારૂડિયા પતિથી ત્રાસીને વારંવાર આત્મહત્યાના વિચારો કરતી નાયિકા પોતાનામાં રહેલી શકિતને ઓળખે છે. સ્વતંત્ર અનેસ્વમાનભેર જીવન જીવવા માટે પતિનું ઘર છોડી ચાલી નીકળે છે. તો 'પગલુછણિયું' વાર્તામાં નાયિકા લીલાવંતીના હદયભીતર ઊઠતા પ્રશ્નોને વાચા આપી છે. નાયિકા લીલાવંતી પહેલેથી જ સાસુ અને પતિથી ત્રસ્ત હોય છે. પરંતુ પોતાની સગીદિકરીના ટીકાત્મક વર્તનને કારણે તે અસહ્ય વેદના અનુભવે છે. એક દિકરી જ માને સમજી શકે છે.પોતાના સુખદુઃખની વાતો વહેંચી શકે છે. ઊલટાનું દિકરી જ માતાની લાગણીઓ, સંવેદનાને સમજી શકતી નથી દિકરી તરફની તેને આવી અપેક્ષા નથી હોતી, દિકરી પણ પોતાની નથી એમ સમજતા અંતમાં તેની પીડા અસહય બની જાય છે. 'પગલુંછણિયું' શબ્દ નાયિકાના સંદર્ભમાંજ સૂચવાયો છે. જે પ્રતીકાત્મક રીતે વાર્તાને અંત સુધી જકડી રાખે છે.

લેખિકાએ 'આપઘાત' વાર્તામાં સ્રી જ સ્ત્રીની દુશ્મન છે. અવસરનો લાભ ઊઠાવવો એ ગુણ સ્ત્રીઓમાં સહજ છે તે આલેખી એક સ્ત્રીના આપઘાતનું આલેખન કર્યું છે. વર્તાનાયિકા ગીતાજંલિ શિક્ષિત આધુનિક નારી હોવા છતાં ગર્ભશ્રીમંત ગણતા શિક્ષિત કુટુંબના સભ્યો થકી આપેલ માનસિક ત્રાસ અને લાગવગને કારણે મૃત ગીતાજંલિને ન્યાય મળી શકતો નથી. તો 'પાંખ' વાર્તા પાંખવિહોણી સ્ત્રીની ખુલ્લા આકાશમાં ઊડવાની કલ્પના કપોળકલ્પિત પ્રયુકિતથી આલેખાઇ છે. પતિના ત્રાસે થાકેલી વાર્તાનાયિકા હવાઇકિલ્લામાં રાચે છે. પરંતુ વિદ્રોહ કરી શકતી નથી. નાખી દેવા જેવી વાતમાં રાકેશ સોનલને રાતે બાર વાગ્યે ઘરથી બહાર ઘકેલી દઇ બારણાં બંધ કરી દે છે. આવી પરિસ્થિતિમાં વાર્તાનાયિકાના મનના અગોચર ખૂણામાં પડેલી ઝંખનાઓને સર્જકે કપોળકલ્પિત પ્રયુકિત દ્વારા પ્રગટ કરી છે. વાર્તાનાયિકાને થાય છે કે પોતાને પાંખો ફૂટી છે અને હવે તે ફાવે ત્યાં જઇ શકે છે, ધારે તે કરી શકે છે, પતિ પર હાથ ઉપાડે છે, બરાડે છે. એને ગુલામની જેમ રાખી, એનુ અપમાન કરવા ઇચ્છે છે. પરંતુ ભાનમાં આવેલી સોનલને 'તું દાદરેથી કેમની પડી ગઇ' એવુ પૂછવામાં આવતા તે સાચું બોલી શકતી નથી. પતિને બચાવવો એ તેની લાચારી છે આમ, પુરુષપ્રધાન સમાજની કડવી વાસ્તવિકતા રજૂ કરીને લેખિકાએ એક સ્ત્રીની આંતરવ્યથાને આપણી સમક્ષ મૂકી છે. તો 'વિસ્તાર' વાર્તામાં પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધ વિશે વાર્તાનાયિકા કશું જ કરી શકે તેમ નથી. આ આઘાત વેઠી લીધા પછી નાયિકા સ્વસ્થ બનીને પોતાના જીવન વિશે વિચારે છે. અંગત વેદના અને ખંડિત દામ્પત્યજીવનનું દર્દભર્યું ગાણું ગાવાને બદલે પૃથ્વી પર ફેલાયેલા વેદનાના વિસ્તારને જુએ છે. વાર્તામાં આવતા પાત્રો કિશોરીનું દુઃખ અને ભિક્ષુક બાળકી દ્વારા નાયિકાને પ્રેરણા મળે છે પોતાના દુઃખ આગળ પૃથ્વી પર કેવાં ને કેટલાં પ્રચંડ દુઃખો મોજૂદ છે. એ હકીકતની સભાનતા કેળવતાં નાયિકા હળવી બનતા પોતાનું દુઃખ તેને સાવ નાનકડું લાગે છે.

વસુબહેનભટ્ટની 'નંદવાયેલા' વાર્તામાં નીલૂ અને મનોજના દામ્પત્યજીવનની વાત કરવામાં આવી છે. પુરુષના અહંમનેઠેસ મારતી નાયિકા નીલૂ સ્વમાન ખાતર પોતાનું લગ્નજીવન છૂટાછેડામાં ફેરવી નાખે છે. અહીં એક સ્ત્રી પુરુષના અહંમને પડકારે છે, અને પોતાના સ્વમાનને બિરાદાવે છે. તો'બે આંખની શરમ' વાર્તામાં નાયિકા રેણુકાના લગ્નની ઉંમર વીતી જતા યોગ્ય મૂરતિયો ન મળતા છેવટે ઘરના લોકોની ઇચ્છાવિરુદ્ધ જઇ પોતાની ઇચ્છાથી અંધ પરાગ સાથે એનામાં રહેલા ગુણ અને આવડત જોઇને લગ્નગ્રંથિથી જોડાય છે. પરંતુ સમય જતાં પતિના શંકાશીલ સ્વભાવને કારણે તે ત્રાસ અનુભવે છે. તેનો પતિ વારંવાર તેનુ અપમાન કરતો હોવા છતાં પણ પતિની દરેક ભૂલોને નજરઅંદાજ કરી તેની પડખે ઊભી રહે છે. અહી પરાગમાં રહેલા એક પુરુષ તરીકેનો અહંમ બંનેના દામ્પત્ય જીવનમાં અવરોધરૂપ બને છે. છતાં વાર્તનાયિકા વાર્તાના અંત સુધી પણ એક આદર્શ પત્ની તરીકેની ફરજ ચૂકતી નથી. અસહય પીડાના બોજથી તે જીવનમાં ગૂંગળામણ અનુભવે છે છતાં જીવાતા જીવનને શરણાગતિ સ્વરૂપે સ્વીકારી લે છે. 'છેદન' વાર્તામાં વાર્તાનાયિકાની નિઃસંતાનપણાની વેદનાને આલેખી છે. એ વેદનાને કારણે આંતરિક રીતે પોતાની જાત સાથે સંઘર્ષ કરે છે. તો 'તાલીમ' વાર્તામા લેખિકાએ ઘર અને ઓફિસ વચ્ચે અટવાતી નાયિકા રમીલાની વ્યથાને નિરૂપી છે. એકતરફ નાનકડા દિકરા દીપેનને સાચવવાની જવાબદારી તો બીજી બાજુ કારર્કિદી અને આર્થિક સલામતી ઇચ્છતી જિંદગીનો તકાજો એમ બંને વચ્ચે જીવાતી જિંદગીમાં સંઘર્ષ અનુભવે છે. લેખિકા લખે છે કે અહીંવાત ફકત વ્યવસાય પૂરતી તાલીમની નથી પરંતુ એક માતાની દિકરા પ્રત્યેની લાગણી, જાળવણી અને બુદ્ધિની પણ તાલીમ છે. તો 'મે શું કરવા' વાર્તામાં મા-દિકરીની વ્યથાને વાચા આપી છે.

આ ઉપરાંત હિમાંશી શેલત, તારિણીબહેન દેસાઇ, રેણુકા પટેલ, અંજલિ ખાંડવાલા, બિંદુભટ્ટ, પન્ના નાયક, પારૂલ કંદર્પદેસાઇ, ચંદ્રાબેન શ્રીમાળી, ઇલાનાયક વગેરે નારીસર્જકોએ પણ પોતાની વાર્તામાં નારીસંવેદનાને આલેખી છે.

આમ, આધુનિકયુગના આ નારીસર્જકોની વાર્તાઓમાં નારીની સંવેદના જુદી જુદી રીતે આલેખાઇ છે. જીવનના જુદા જુદા વળાંકે પત્ની તરીકે, બહેન તરીકે, દિકરી તરીકે, માતાતરીકે એ અનેકવિધ સંઘર્ષો સામે ઝઝૂમી છે. એમાં પોતાની આંતરિક શકિત અને જીવનબળને લીધે જ પાર પણ પડી છે. પરિવર્તનની સાથે જે પીડા સંકળાયેલી છેએને વેઠવાની અને ભોગવવાની નિયતિ માત્ર સ્ત્રીને ભાગે જ આવી છે. આમ, આ વાર્તાઓ સ્ત્રીઓના જીવન સાથે સંકળાયેલી સંવેદના પર આધારિત છે. એમાં વિદ્રોહનો સૂર પણ છે. વેદના-સંવેદના પણ છે. તો પોતાના વિકાસની સંભાવનાઓનુ ચિત્ર પણ છે. આ વાર્તાઓના સંદર્ભે શરીફાવીજળીવાળા નોંધે છે, કે,"સામાજિક, કૌટુંબિક સ્તરે સ્ત્રી એ હદે ઘસાય છે કે એ પોતાના માટે તો જીવવાનું જ ભૂલી ગઇ છે. એનું પોતાનું વ્યકિતત્વ છે, એનું પોતાનું અસ્તિત્વ છે, એની અંદર પણ કંઇ કંઇ શકયતાઓ હોઇ શકે........ એવું કશું વિચારવાનો એની પાસે સમય જ નથી. બદલાતા જતાં સમાજમાં સ્ત્રીના આ પ્રકારના શોષણમાં બહુ ઝાઝો ફર્ક નથી પડયો એવું છેલ્લા બે-ત્રણ દાયકાની વાર્તાઓમાંથી પામી શકાય છે.

સંદર્ભ ગ્રંથઃ

  1. વિશ્રંભકથા, ધીરુબહેન પટેલ,દ્વિ. આ. 2009, ગૂર્જર ગ્રંથરત્ન કર્યાલય, અમદવાદ.
  2. ઘૂંઘટ કા પટ ખોલ, સં ઉષા ઠકકર, પ્ર.આ. 1992,પ્રકાશકઃ શ્રીમતી નાથીબાઇ દામોદરદાસ ઠાકરસી મહિલા વિદ્યાપીઠ, મુંબઇ.
  3. કુંદનિકા કાપડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ, કુંદનિકા કાપડિયા, પ્ર.આ.1987, આર.આર.શેઠની કંપની, અમદાવાદ.
  4. વિરાટ ટપકું, સરોજ પાઠક, દ્વિ. આ. 2008, શબ્દલોક પ્રકાશન, અમદાવાદ.
  5. હુકમનો એકકો, સરોજ પાઠક, પ્ર.આ. 1987,શબ્દલોક પ્રકાશન, અમદાવાદ.
  6. ગાંઠે બાધ્યું આકાશ, વર્ષા અડાલજા, પ્ર.આ 1998 , આર.આર.શેઠની કંપની, અમદાવાદ.
  7. પાંદડે પાંદડે મોતી, વસુબહેન ભટ્ટ, દ્વિ.આ. 2002, અરુણોદય પ્રકાશન, અમદાવાદ.
  8. ગુજરાતી વાર્તાઓ અને વાર્તાકારો, સં.ગુલાબદાસ બ્રોકર અને અન્ય, પ્ર.આ.1994, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદવાદ.
  9. બળવો-બળવી-બળવું, ઇલા આરબ મહેતા, પ્ર.આ. 1998, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદવાદ.
  10. વિયેનાવૂડઝ્, ઇલા આરબ મહેતા, પ્ર.આ. 1989, આર.આર શેઠની કંપની, અમદાવાદ.
  11. નારીચેતનાની નવલિકાઓ, સં.ડૉ. રઘુવીર ચૌધરી, પ્ર.આ.1998, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
  12. પરબ, નારીવાદ વિશેષાંક,જુલાઇ 1990, સંપા. ડો.ચંદ્રકાન્ત ટોપીવાળા.
  13. શતરૂપાઃ શરીફા વીજળીવાળા.
  14. ગુજરાતી સાહિત્યમાં નારીચેતના,હિમાંશી શેલત, પ્ર.આ 2000, આર.આર.શેઠની કંપની, અમદાવાદ.

ગીતા વાઘેલા,અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર