Download this page in

‘એલ્કેમિસ્ટ’ નવલકથામાં આવતાં કેટલાંક પ્રેરણાત્મક વાક્યો

સાહિત્યકૃતિમાં સામાન્ય રીતે ભાવક આનંદની અપેક્ષાએ જતો હોય છે. સર્જક પણ સર્જન કરતી વખતે આ વસ્તુસ્થિતિથી વાકેફ હોય છે. આથી તે પોતાની કૃતિમાં વાર્તા હોય કે નવલકથા હોય સાધ્યંત રસનિરૂપણ કરવાનો અને રસવૈવિધ્ય દાખવવાનો પ્રયત્ન કરતો હોય છે. સર્જકને સાહિત્યકૃતિમાં સીધા પ્રવેશવાનું હોતું નથી, આમ છતાં તેને પોતાને પ્રગટ થવું હોય તો અથવા પોતાના વિચારો પ્રગટ કરવા હોય તો પાત્રોના મુખમાં તે વિચારો મૂકીને કરી શકે છે. તો તે ભાવક સ્વીકાર્ય બને છે. પરંતુ ક્યારેક સર્જક પોતાના ભાવક પર સંદેહ રાખીને અથવાતો ભાવકને બોધ, જ્ઞાન, શિખામણ વગેરે આપવાની લાલસાથી કેટલાંક છૂટાછવાયા વિધાનો અથવાતો વાક્યોનું કૃતિમાં અત્ર-તત્ર નિરૂપણ કરતો હોય છે. આવા કેટલાંક પ્રેરણાત્મક વાક્યો અલબત્ત સર્જકના જીવનના નિચોડરૂપ હોય છે. જે કેટલાંક ભાવકોને કૃતિના રસભંગની શરતે પણ સ્વીકાર્ય હોય છે. ‘એલ્કેમિસ્ટ’ના સર્જકે પણ આ કૃતિમાં અસંખ્ય પ્રેરણાત્મક વાક્યો મૂક્યાં છે. કહીએ કે પૃષ્ઠે પૃષ્ઠે પ્રેરણાત્મક વાક્યો નિરૂપાયેલાં જોવા મળે છે.

આવા પ્રેરણાત્મક વાક્યો સાહિત્યકૃતિની નિમિત્તે ભલે નિરૂપાયા હોય આમ છતાં મનુષ્યજીવનની મીમાંસા પ્રગટ કરતાં હોય છે. જીવનમાં શાંતિ, પુરુષાર્થ વગેરેનું મહત્વ, ધર્મનું પ્રાધાન્ય, કર્તવ્ય અને નિષ્ઠાનો સુમેળ પરોપકારવૃત્તિ સાલસતા વગેરે મનુષ્યજીવનની મૂડી છે. જગતસાથેનું તેનું આદાન-પ્રદાન સરળ અને સહજ કેવી રીતે બને તેની દિશા જાણે કે આવા પ્રેરણાત્મક વાક્યો ચિંધતા હોય છે. અહીં ‘એલ્કેમિસ્ટ’માં સમાવિષ્ઠ કેટલાંક નોંધપાત્ર પ્રેરણાત્મક વાક્યો નિરૂપવાનો ઉપક્રમ છે.

ઈ.સ. ૧૯૮૮માં પ્રકાશિત થયેલી નવલકથા ‘O Alquimista’ મૂળરૂપે પોર્ટુગીઝમાં લખાયેલી ‘પોલો કોએલો’ની છે. અંગ્રેજી ભાષામાં આ નવલકથા ‘ધ એલ્કેમિસ્ટ’ તરીકે અનુવાદ થયો. ૨૦૦૮માં ગુજરાતી ભાષામાં આ કૃતિને અનુવાદ કરવાનો શ્રેય ‘સુધા મહેતા’ને જાય છે. ‘એલ્કેમિસ્ટ’ એટલે ગુજરાતીમાં ‘કીમિયાગર’. ‘કીમિયાગર’ એટલે સામાન્ય ધાતુઓને સોનામાં બદલી શકવાની કળાનો જાણકાર. ૧૫૦જેટલાં પૃષ્ઠની આ નવલકથા ઓગસ્ટ ૨૦૦૮ સુધીમાં વિશ્વની ૬૭ જેટલી ભાષામાં અનુવાદ થઈ. આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર તરીકે આ કૃતિ નામના મેળવી ચૂકી છે. ‘પોલો કોએલો’નાં પુસ્તકોની ૧૦ કરોડ ઉપરાંત નકલોનું વેચાણ વિશ્વભરમાં થયું છે.

ઈ.સ.૧૯૪૭માં રિયો, બ્રાઝિલ ખાતે ‘પોલો કોએલો’ જન્મેલા. બાળપણથી જ લેખન પ્રવૃત્તિમાં આગળ વધી સારા લેખક બનવાની પ્રબળ ઇચ્છા ધરાવતા અને આજે તે વિશ્વસ્તરના બેસ્ટસેલર બની ચૂક્યા છે. આ નવલકથાની પ્રતોનું એટલું વેચાણ થયું કે બ્રાઝિલના સાહિત્યના ઇતિહાસમાં એક નવો વિક્રમ સ્થપાયો. પોલો પાસેથી બીજી ઘણી કૃતિઓ પ્રાપ્ત થાય છે, જેમાં ‘ધ અલ્કેમિસ્ટ’ ઉપરાંત ‘બાય ધી રિવર પેએડ્રા આઇ સેટ ડાઉન એન્ડ વેપ્ટ’, ‘ધી ફિફ્થ માઉન્ટ’, ‘વેરોનિકા ડીસાઇડસ ટુ ડાય’, ‘ધી ડેવિલ એન્ડ મિસ પ્રીમ’, ‘મેન્યુઅલ ઑફ ધી વેરિયર ઑફ લાઇટ’, ‘ઇલેવન મિનિટ્સ’ અને ‘ધી ઝહીર’ જેવાં પુસ્તકો પ્રાપ્ત થયાં છે. અહીં ‘ધ અલ્કેમિસ્ટ’ની ગુજરાતીમાં અનુવાદ થયેલ આવૃત્તિની વાત કરવાની છે.

આ નવલકથામાં સ્પેનના એન્ડાલુશિયન પ્રદેશમાં જન્મેલ ‘સાન્તિયેગો’ નામનો એક છોકરો કથાનો નાયક છે. તેની પ્રબળ ઇચ્છા પ્રવાસો કરવાની છે, જે તેના માતા પિતાની વિરુદ્ધ હતી પરંતુ પોતે કરેલા નિર્ણયને તે વળગી રહે છે અને તે પોતે સેવેલા ખજાનાની શોધમાં પ્રવાસે નીકળી પડે છે અને પ્રવાસ દરમિયાન તેને ઘણાં લોકો મળે છે જેમ કે ‘ટારિફા’ નામના એક પ્રદેશમાં રહેતી એક વૃદ્ધ, સાલેમના રાજા ‘મેલ્ચિઝેડેક’, પ્યાલા-બરણી વાળાની દુકાનો માલિક, ફાતિમા નામની છોકરી, ધાતુને સોનામાં બદલી શકાય તેવી શોધ ઘણાય વર્ષોથી કરતો હતો એવો એક અંગ્રેજ, કીમિયાગર, પાદરી જેવાં લોકોનો પરિચય થાય છે અને તેમના પાસેથી કથાનાયકને પ્રેરણાત્મક વાક્યો સાંભળવા મળે છે અને તે સાંભળી નાયકને પ્રેરણા મળે છે.

આ નવલકથાના શીર્ષક નીચે એક ‘પંચલાઇન’ લખેલી છે કે, ‘સેવેલું સપનું સાકાર કરવાની પ્રેરણાત્મક કથા.’ આ વાક્ય ઉપરથી જ આપણે આ નવલકથાનું શું કહેવું છે તેનું અનુમાન લગાવી શકીએ. હવે આપણે આ નવલકથામાં આવતાં કેટલાંક પ્રેરણાત્મક વાક્યો જોઈએ-

  1. ‘જીવનમાં સાદી વાતો જ સૌથી વધારે અસાધારણ હોય છે.’ (પૃ.૨૪)
  2. ‘લોકો પોતાના જીવનમાં જે કંઈ સ્વપ્ન જુએ તેને સાકાર કરવા કોઈ પણ સમયે તેમ કરવાની ક્ષમતા ધરાવે છે.’ (પૃ.૩૧)
  3. ‘જો તું એ બાબતે વચન આપતો ફરે જે તારી પાસે હજી આવ્યું પણ નથી, તો તે મેળવવા માટેના પ્રયત્નો કરવાની તારી ઇચ્છા જ મરી જશે.’ (પૃ.૩૩)
  4. જીવનમાં દરેક ચીજ માટે કિંમત ચૂકવવી પડે છે.’ (પૃ.૩૩)
  5. ‘જયારે બધા દિવસો આવનાર દિવસ જેવા જ હોય એવું ત્યારે લાગે જયારે લોકો જીવનમાં રોજબરોજ બનતી સારી બાબતો ભૂલી જાય છે.’(પૃ.૩૫)
  6. ‘એક શક્તિ છે જે ઇચ્છે છે કે તમે તમારી નિયતિ જાણો. એ તમારી સફળતા માટેની ભૂખ જગાડી આપે છે.’ (પૃ.૩૬)
  7. ‘તારે તારી નિયતિની શોધ માટે છેક છેવટ સુધી ઝઝૂમવાનું છે.’ (પૃ.૩૭)
  8. ‘દુનિયામાં દરેક બાબતને હું મારી જ રીતે જોઉં છું, નહીં કે તે વાસ્તવમાં છે તે રીતે.’ (પૃ.૪૫)
  9. ‘જયારે આપણે કંઇક મેળવવાની ઇચ્છા મનથી કરીએ છીએ ત્યારે દુનિયાની સમગ્ર શક્તિ આપણી મદદે આવે છે.’ (પૃ. ૪૬)
  10. ‘જયારે ભાગ્ય આપણી તરફેણમાં હોય ત્યારે તેનો લાભ ઉઠાવવો જ જોઈએ.’ (પૃ.૫૭)
  11. ‘દરેક વ્યક્તિનું સ્વપ્ન કંઈ એકસરખી રીતે સાકાર થતું નથી.’ (પૃ. ૫૭)
  12. ‘તમારે એ જાણી લેવું જરૂરી છે કે તમારે શું જોઈએ છે.’ (પૃ.૫૯)
  13. ‘જે કોઈ આશીર્વાદને તમે અવગણો છો તે પછીથી એક શ્રાપ બની જાય છે.’ (પૃ.૬૦)
  14. ‘સ્વપ્નો જોવાં કદી બંધ ન કરવાં.’ (પૃ. ૬૩)
  15. ‘જે વ્યક્તિ પોતાની નિયતિને પામવા માથે છે તેને મદદ કરવા તે હંમેશાં દેખા દે છે.’ (પૃ.૬૪)
  16. ‘કોઈ વસ્તુ યોગાનુયોગ જેવી નથી હોતી.’ (પૃ.૭૨)
  17. ‘જેમ જેમ નિયતિને પ્રાપ્ત કરવાની નજીક આવતું જાય તેમ તેમ નિયતિ તેના અસ્તિત્વનું ખરું કારણ બનતું જાય છે.’ (પૃ. ૭૨)
  18. ‘આપણી પાસે છે તે જતા રહેવાનો ડર આપણને રહે છે. પછી તે આપણી જિંદગી હોય કે માલિકીની ચીજવસ્તુ કે માલ મિલકત હોય.’ (પૃ.૭૫)
  19. ‘જો લોકો પોતાને જરૂરી અને જોઈતું મેળવવાને સક્ષમ હોય તો તેમણે અજાણ તત્વોનો ડર નહીં રાખવો જોઈએ.’ (પૃ.૭૫)
  20. ‘જયારે તમને કશું મેળવવાની હૃદયપૂર્વક ઇચ્છા થાય, તે વખતે તમે એ વિશ્વાત્માની સૌથી વધુ નજીક રહો છો. એ શક્તિ હંમેશાં સકારાત્મક હોય છે.’ (પૃ.૭૭)
  21. ‘જો તમે વર્તમાન ઉપર એકાગ્ર થઈ શકો તો તમે એક સુખી માનવ બનશો.’ (પૃ.૮૨)
  22. ‘રેતીના ઢગલાઓના આકાર પવન બદલી શકે છે, પણ રણ બદલાતું નથી.’ (પૃ.૯૩)
  23. ‘કામ સફળતાથી પાર પાડવા માટે મારે નિષ્ફળતાનો ડર કાઢી નાખવો રહ્યો.’ (પૃ.૯૪)
  24. ‘દરેક દિવસ પોતાની સાથે કંઇક એવું લઈને ઊગે છે જે શાશ્વત હોય.’ (પૃ.૯૮)
  25. ‘જે માણસ સ્વપ્ન જુએ છે, તે એનું અર્થઘટન કરવનું પણ જાણે છે.’ (પૃ.૧૦૧)
  26. ‘જે માણસોના મોઢામાં પ્રવેશે છે તે ભૂંડું નથી તેમના મોઢામાંથી જે બહાર નીકળે છે તે ભૂંડું હોય છે.’ (પૃ.૧૦૮)
  27. ‘પ્રેમ કદી કોઈ માણસને પોતાની નિયતિ શોધવામાં અટકાવતો નથી.’ (પૃ.૧૧૨)
  28. ‘દગો એવી ચીજ છે જે અનપેક્ષિત રીતે પડતો પ્રહાર છે.’ (પૃ.૧૧૯)
  29. ‘દુઃખ કરતાં પણ દુઃખનો ભય વધુ ખરાબ હોય છે.’ (પૃ.૧૨૦)
  30. ‘જયારે તમારા ભીતરમાં વિશાળ ખજાનો હોય અને બીજાઓને તમે તેની વાત કરો, તો તમારી વાત પર ભાગ્યે જ કોઈને વિશ્વાસ બેસે છે.’ (પૃ. ૧૨૩)
  31. ‘અહીં ધરતી પર જે કંઈ બને છે તેનાં પરિણામો ભોગવવામાંથી કોઈ બાકાત નથી રહેતું.’ (પૃ.૧૨૫)
  32. ‘જે કોઈ અન્યની નિયતિમાં વિક્ષેપ પાડે તે કદી પોતાની નિયતિ પામી શકે નહીં.’ (પૃ.૧૨૬)
આમ, ઉપર પ્રમાણે જોતાં આ નવલકથામાં વિષયવસ્તુની સાથે સાથે પ્રેરણાત્મક વાક્યો અહીં-તહીં નિરૂપાયેલાં જોવા મળે છે. ક્યારેક તો આ પ્રેરણાત્મકવાક્યો નવલકથાનો અનિવાર્ય અંશ હોય તેવું પણ લાગે છે. વિષયવસ્તુ કરતાં પ્રેરણાત્મક વાક્યોની ગુણવત્તા ચડિયાતી લાગે છે. અહીં તો માત્ર કેટલાંક જ નોંધપાત્ર વિધાનો નિરૂપવાનો પ્રયત્ન કર્યો છે. આનાથી પણ વધુ પ્રેરણાત્મક વાક્યો લેખકે આ નવલકથામાં વર્ણવ્યાં છે.

સંદર્ભ સૂચિ :::

  1. એલ્કેમિસ્ટ, મૂળ લેખક:પોલો કોએલો, અનુ: સુધા મહેતા, પુનર્મુદ્રણ: ડીસે.૨૦૧૮, આર.આર. શેઠ એન્ડ કંપની પ્રા.લિ. મુંબઈ

પ્રજાપતિ હાર્દિકકુમાર રૂપાભાઈ, અનુસ્નાતક, ગુજરાતી વિભાગ, શ્રી અને શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટ્સ કૉલેજ, પાટણ. મો: ૮૧૪૧૧૨૫૧૪૦ hardikkumar672@gmail.com
પંડ્યા ભૂમિ આશિષભાઈ, સ્નાતક, ગુજરાતી વિભાગ, ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણીજ્ય કૉલેજ, ગઢડા (સ્વા.)