Download this page in

રહસ્યમય ઘટનાઓનું ગૂંફન એટલે ‘ઓથાર’

અશ્વિની ભટ્ટ ગુજરાતી સાહિત્યના લોકપ્રિય નવલકથાકાર છે. અભિનય, દિગ્દર્શન, મનોવિજ્ઞાન જેવા વિષયોમાં રસ ધરાવનાર અશ્વિની ભટ્ટનો જન્મ 22 જુલાઈ 1936ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે મરઘાઓને લડાવવા, લાકડાંના સ્ટૂલ વેચવા, ઈસબગુલ અને શાકભાજી વેચવા જેવાં અનેક કામો કર્યા હતા. લોકપ્રિય સાહિત્યનાં સર્જકોએ પોતાની વાત રજૂ કરવા માટે સ્વરૂપ તરીકે નવલકથાને જ પસંદ કરી છે, કારણ કે આ સ્વરૂપ પહેલેથી જ લોકોને પસંદ છે. અશ્વિની ભટ્ટની ‘લજ્જા સન્યાલ’, ‘આશકા માંડલ’, ‘નીરજા ભાર્ગવ’, ‘શૈલજા સાગર’, ‘ફાંસલો’, ‘ઓથાર’, ‘અંગાર’, ‘આખેટ’, ‘કટિબંધ’, ‘આયનો’, ‘કસબ’, ‘કરામત’, ‘કમઠાણ’ વગેરે નવલકથાઓ ખૂબ લોકપ્રિય બની છે. એમની ઈ.સ. 1988માં પ્રગટ થયેલી ‘ઓથાર’ નવલકથા ખૂબ વંચાઈ છે. સંદેશમાં સવા બે વર્ષ સુધી હપ્તાવાર પ્રગટ થયેલી આ નવલકથા 1857ના નિષ્ફળ બળવાની પાશ્વાદ્ભૂ પર આધારિત છે. નવલકથાની પ્રસ્તાવનામાં અશ્વિની ભટ્ટ જણાવે છે કે, “માનવસહજ એષણા, અભિલાષા, આકાંક્ષા અને આવેગથી ભરેલાં એ પાત્રોના જાહેર અને અંગત જીવનનાં સંઘર્ષ, મનોવ્યથા અને ઓથારની આ આત્મકથા છે...આ ઓથાર છે... જિગરને ગૂંગળાવી નાખે તેવા પ્રસંગોની અવિરત શૃંખલાનો... આ ઓથાર છે... જીવનનું સર્વસ્વ સમર્પિત કરતી અનુપમ સ્ત્રીઓનો... આ ઓથાર છે... ભુક્કા થઈ જતી જિંદગીનો...” (ભાગ-1, પૃ. 04)

‘ઓથાર’ એટલે પીડા. (ને ભય ?) આ નવલકથાનું દરેક પાત્ર ભય અને પીડા અનુભવે છે. સેજલસિંહને શરૂઆતે પિતાએ કરેલા દગાથી ઘણું દુ:ખ થાય છે. તો અંતે તે સાધુ બની જાય છે પણ ભૂતકાળના ઓળાં હંમેશા તેની સાથે રહે છે. ડૉ. કાન્તિ રામીના શબ્દોમાં જોઈએ તો, “જે ઓથાર એના હૃદયને દમે છે એ કેવળ પિતા વિશેના અજ્ઞાનનો જ નથી – પિતા વિશેની ચૂપકીદી કે કદીક એમના વિશેના કાને પડી જતા આક્ષેપોનો જ નથી. પ્રાપ્ત પરિસ્થિતિમાં પોતાની રીતે કશુંયે નહીં કરી શકવાની લાચારીનો અસહ્ય ઓથાર એ આપણાં સૌની જેમ-પ્રત્યેક સંવેદનશીલ વ્યક્તિની જેમ વહી રહ્યો છે, સહી રહ્યો છે.” (ભગ-1, પૃ.07) એક બાજુ પોતાની પ્રેયસી છે જેના વિના તે રહી શકતો નથી ને બીજી બાજુ ગ્રેઈસ છે જેની સાથે અનિચ્છાએ લગ્ન માટે તૈયાર થવુ પડે છે. ગ્રેઈસ તેને પ્રથમ દર્શને જ ગમી ગઈ હતી પણ તે માત્ર પુરુષસહજ આવેશ હોય છે. પોતાનું જીવન બની ચુકેલી, આત્મામાં કંડારાયેલી સેનાની તોલે એ હરગિઝ ન આવે. છતા સેનાને પ્રાપ્ત ન કરી શકવાનો સેજલના હૃદયનો ઓથાર દુર્નિવાર છે.

રાજેશ્વરીદેવી યુવાનવયે જ પતિને ગુમાવે છે છતાં પતિની ઈચ્છા પુરી કરવા સતત પ્રયત્નશીલ રહે છે પણ ખેરાસિંહ, બાબા હરિભગત જેવાં પાત્રો તેને પતિની જેમ જ દગાખોર માને છે. બાલીરામજી ચાણક્યની માફક રાજરમત રમે છે અને રાજમહેલને ટકાવી રાખવામાં નોંધપાત્ર ફાળો આપે છે છતાં તેમને અંગ્રેજોને તાબે રહેવાનું થાય છે તેની પીડા તેઓ સતત અનુભવ્યાં કરે છે. સેના બારનીશ અને ગ્રેઈસ કેમ્પબેલ નવલકથાની નાયિકાઓ છે. બન્નેની પીડા પણ અનોખી છે. બન્ને સેજલને પ્રેમ કરે છે અને સેજલ સાથે લગ્ન કરવા માંગે છે પણ સેજલનું ગ્રેઈસ તરફનું આકર્ષણ માત્ર દૈહિક હોય છે તેથી ગ્રેઈસને દુ:ખ થાય છે જ્યારે સેનાને તો સેજલ ખરા દિલથી પ્રેમ કરે છે પણ અંગ્રેજોના કારણે તે સેજલને પરણી શકતી નથી. તેને એકલું પહાડીઓમાં રહેવું પડે છે. નવલકથાના આરંભે સેજલ પોતાની માને પિતા વિશે પ્રશ્ન કરે છે અને રાજેશ્વરીદેવીને જે પીડા થાય છે એવી જ પિડાનો અનુભવ નવલકથાને અંતે સેનાને થાય છે જ્યારે તેના બાળકો પ્રશ્ન કરે છે કે, “કહેને મા, હવે તો કહે, મારા બાપુએ જાનોરના જંગમાં શું કર્યું હતું.” (ભાગ-2, પૃ.547) ખેરાસિંહ કટંગીને મેળવવા કંઈ પણ કરી છૂટવા તૈયાર છે પણ જ્યારે તેને ખબર પડે છે કે એંગ્લોઈન્ડિયન જેક તેનો ભાઈ છે ત્યારે તેને જે પીડા થાય છે તે અવર્ણનીય છે. જીવનના અંતિમ સમયે પણ તેને શાંતિ મળતી નથી. કારણ કે તે ઠાકુર હોવા છતાં રાજ્ય મેળવી ન શક્યો, રજપૂતાણીની કૂખે જન્મ્યો છતાં તેનું ગૌરવ ન મળ્યું, સેનાને ખરા હૃદયથી ચાહતો હતો તે તેને પણ પ્રાપ્ત કરી ન શક્યો. અને એ ઓથાર હેઠળ તે જિંદગીનો હોંસલો ખોઈ બેસે છે ને આપઘાત કરે છે. સંતોજી બારનીશ તો સેનાના લગ્ન કરાવી તેના બાળકોને ખભે બેસાડી પહાડીઓમાં ફરવા લઈ જવાની મહેચ્છા રાખતા હતા પરંતુ જીવનની અંતિમ ક્ષણોમાં ભૂતકાળને યાદ કરી જે લવારો કરે છે તેમાં તેમની પીડા વર્તાય છે.

લોકપ્રિય સાહિત્ય એટલે લોકોમાં પ્રિય એવું સાહિત્ય. લોકપ્રિય સાહિત્યમાં રહસ્યમય બનાવ, રહસ્ય ખૂલતુ હોય તો તેને છૂપાવવાની મથામણ, ખૂન, બલાત્કાર, ખૂલ્લા જાતિય વર્ણનો, પ્રેમ, હિંસા જેવાં તત્ત્વો દ્વારા મસાલેદાર ઘટનાઓ હોય છે જે વાચકને ઉત્તેજે છે, કૂતુહલ જગાડે છે અને તેની તૃપ્તિ કરે છે. રહસ્ય એ લોકપ્રિય નવલકથાનું મહત્ત્વનું લક્ષણ છે. ‘ઓથાર’નો આરંભ જ રહસ્યાત્મક રીતે થાય છે. નવલકથાના આરંભે સેજલસિંહની આગળ પિતાની રહસ્યમય છબિ પ્રગટ થાય છે. હિંદુસ્તાનના વિપ્લવમાં અંગ્રેજોને પડખે રહીને વિક્રમસિંહે દેશને દગો કર્યો હતો કે નહિ એ વિશે સેજલસિંહ જાણવા માંગે છે પણ વૃદ્ધ નોકર ધાનોજી, માતા રાજેશ્વરીદેવી કે મંત્રી બાલીરામ કશું જ કહેતા નથી. સેજલને અંગ્રેજી શીખવનાર ફાધર કેડવેલ, રેસિડેન્સીનો કેપ્ટન સ્ટેન્લી, ડૉ. હ્યુસન, દીવાન બાલીરામજી વિક્રમસિંહના ખૂબ વખાણ કરે છે તો ખેંરાસિંહ તથા અન્ય પ્રજા તેમને ‘અંગ્રેજનાં પીઠ્ઠુ’ કહે છે. ને એટલે જ સેજલસિંહનાં મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવે છે જે પોતાની માતા આગળ ફૂટી નીકળે છે, “મારા બાપુએ દગો શા માટે કર્યો... શા માટે મોમ ? આપણી પાસે શું નહતું ? મોમ, અંગ્રેજોએ શું લાંચ આપી હતી ? મેકલ પહાડીની જાગીર માટે ? પચાસ હજાર રૂપિયા માટે ? મોમ, મારા બાપુ એટલા સસ્તા હતા... એટલા હલકા હતા... કહેને... બોલતી કેમ નથી... તો એ વાત સાચી છે ને ? બાવનમી પલ્ટનમાં ફૂટ પડાવનાર મારા બાપુ જ હતા ને ?” (ભાગ-1, પૃ. 22) ઉપરાંત શંકરશાહ વિશે પણ જુદાં જુદાં મતો પ્રવર્તે છે. ફાધર કેડવેલ તેમને નાલાયક ને બાગી કહે છે, પણ ધાનોજીના મતે શંકરશાહ તો શંકર જેવો ભલો, દેવતા જેવો રાજા હતો. એટલે ખરેખર શંકરશાહ કેવો રાજા હતો એ રહસ્ય જાણવા માટે નવલકથા આપણને જકડી રાખે છે. સેજલને કોઈ ગંભીરતાથી લેતું નથી. તેને નાનું બાળક ગણી અવગણવામાં આવે છે. સેજલસિંહ પોતાને નિ:સહાય અનુભવે છે ને એટલે જ પોતાની જાતને પ્રભાવક બનાવવા માટે તે એક પછી એક સાહસો કરે છે. રહસ્યમય ઘટનાઓના ગૂંફ એક પછી એક રજૂ થયા કરે છે. બર્ક તથા દીનમણીની હત્યા રહસ્યમય રીતે કરવામાં આવે છે. સાર્જન્ટ બર્ક અને દીનમણી પાંડેની હત્યા કેમ થઈ ?, કઈ રીતે થઈ ? તે રહસ્ય આપણને ખેંચી રાખે છે. સર પૉવેલનું ખૂન પણ કૂતુહલ જગાવે છે. તો જેક મેકગ્રેગર-એક એંગ્લો ઈન્ડિયન ખેરાસિંહ બરવાનો ભાઈ કઈ રીતે થાય છે એ રહસ્ય પણ એક ફિલ્મી કથા જેવું છે. આ ઉપરાંત રાજેશ્વરીદેવી અને બાલીરામજી જાનોર તથા ખજાનાને બચાવવા માટે જે જે રીતે કાર્યો કરે છે તે નોંધપાત્ર છે. તેમનું ખરું વ્યક્તિત્વ અંગત માણસો જ જાણે છે જ્યારે પ્રજા એનાથી અજાણ છે પણ નવલકથા જેમ જેમ આગળ વધે છે તેમ એ રહસ્ય પણ ખૂલતું જાય છે કે રાજેશ્વરીદેવી અંગ્રેજો સાથે રહીને પણ જાનોરની પ્રજાનું હિત જાળવે છે.

લોકપ્રિય સાહિત્યનાં લક્ષણોમાનું એક લક્ષણ છે પ્રણય. ‘ઓથાર’માં પ્રણયનું તત્ત્વ પણ વણી લેવામાં આવ્યું છે. અહીં સેના અને ગ્રેઈસનો સેજલ સાથેનો પ્રણય જોવા મળે છે. સેજલ વિદ્યાર્થીકાળમાં ગ્રેઈસને મળે છે ત્યારે તેનાથી આકર્ષાય છે પણ તે માત્ર દૈહિક આકર્ષણ હોય છે. જ્યારે સેના સાથેનો તેનો પ્રણય માત્ર દૈહિક આકર્ષણ નથી હોતો. સેનાને પ્રાપ્ત કરવા માટે તે કંઈ પણ કરી છૂટવા તૈયાર છે. રાજેશ્વરીદેવી દ્વારા તેને કેઈનના પાંચ ફટકાની સજા થાય છે અને તેની ઘોડા પર બેસી શકે તેવી હાલત નથી છતાં સેનાને મળવા માટે તે છેક ભેડાઘાટ જાય છે. ભેડાઘાટના સંગેમરમરોની સાખે તેમનો પ્રણય પૂરબહારમાં ખીલે છે. “જિંદગીમાં સેનાથી વધુ મને કંઈ પ્રિય નથી... જાનોર પણ નહિ... મારી મોમ પણ નહિ...” (ભાગ-2, પૃ. 518) અહીં સેજલનો સેના પ્રત્યેનો અગાધ પ્રેમ જોઈ શકાય છે. સેના જાણે છે કે સેજલ સાથે તેના લગ્ન કોઈ કાળે થવાના નથી તેમ છતા તે સેજલ પ્રત્યેના પોતાના પ્રેમમાં ક્યારેય ઓટ આવવા દેતી નથી. તો ગ્રેઈસ ગ્વાલિયરમાં પ્રથમવાર સેજલને મળે છે ત્યારથી જ તેના પ્રેમમાં પડે છે. તે જાણે છે કે સેજલ સેનાને ચાહે છે છતાં પણ તેને જાનોરની રાણી બનવાનાં અભરખાં છે. એટલું જ નહિ તે સેજલના બાળકની મા બનવાની હોય છે છતાં એના દ્વારા તે સેજલને મેળવવા માંગતી નથી અને જ્યારે સેજલ સામેથી તેની સાથે લગ્ન કરવાનું કહે છે ત્યારે પોતે તેના બાળકની મા બનવાની એ વાત જણાવે છે. જીના અને જેકનો પ્રણય પણ નોંધપાત્ર છે. નવલકથામાં આવતા ખૂલ્લા જાતિય વર્ણનો પણ નોંધપાત્ર છે. “તેના લાંબા કાળા વાળની સેર, તેના સ્તનયુગ્મ પર થઈને તેના ગોઠણ પર રમતી હતી... નિતંબથી તે ગોઠણ સુધી ખેંચાયેલા તંગ સ્નાયુઓનો આકાર, મરુન રંગના સ્કર્ટ હેઠળથી સ્પષ્ટ થતો હતો અને ઉન્માદક સંવેદન જગાવતો હતો.” (ભાગ-1, પૃ. 232), “મેં સેનાને બંને ખભેથી પકડી. તેની આંખોમાં જોયું ... તેનાં પાતળાં પોપચાં અને સુંવાળા વાળવાળી લાંબી પાંપણો મિચાઈ. તેના હોઠ ફરક્યા. અનંગ આવેગથી મેં તેને મારા બંને બાહુઓ વચ્ચે સમાવી લીધી. ઝૂકીને, પહેલાં ધીરેથી અને પછી એક પ્રલંબ ઉશ્કેરાટથી તેના હોઠ પર ચુંબન લીધું...” (ભાગ-1, પૃ. 248/49)

નવલકથામાં સંઘર્ષનું તત્ત્વ પણ જોવા મળે છે. બાહ્ય સંઘર્ષની સાથે આંતરિક સંઘર્ષ પણ એટલી જ તીવ્રતાથી રજૂ થયો છે. સેજલસિંહના હૃદય પરનો ઓથાર સીધો સાદો નથી ! ત્રિસ્તરીય એવા આ ઓથારનું એક કારણ છે સેજલસિંહનાં હૃદયમાં જ જાગેલો સંઘર્ષ અને તે સેના અને ગ્રેઈસને લીધે. સેના તેની ડ્રીમ ગર્લ છે પણ જાનોરને બચાવવા માટે તેણે નાછૂટકે ગ્રેઈસ સાથે લગ્ન કરવા માટે તૈયાર થવું પડે છે. નવલકથાના અંત ભાગમાં તેનો ચહેરો કુરૂપ બને છે પણ તેના માટે એની કુરૂપતા કરતાં પણ વધુ અસહ્ય વસ્તુ છે એણે સેનાને ગુમાવીને જીવવાનું છે એ. એટલું ઓછું હોય તેમ સેનાને પ્રેમના અંશરૂપે બે દીકરા જન્મે છે જે પોતાના છે પણ સમાજને એની ઓળખ અપાઈ છે ખેરાના દીકરાઓ તરીકેની ! સેજલ પોતે જીવતો હોવા છતાં પોતાની ઓળખ પ્રગટ કરી શકતો નથી ત્યારે સંઘર્ષ અને કરુણતાની પરાકાષ્ઠા જોવા મળે છે.

નવલકથામાં યુદ્ધ અને નાના-મોટાં ધિંગાણાં પણ થાય છે. સેજલસિંહની યોજના પ્રમાણે જીનાનું અપહરણ કરી તે અને તેના સૈનિકો મેકગ્રેગરના ઘોડા સંતોજી બારનીશને આપવા જાય છે ત્યારે ખેરાસિંહ અને સેજલ વચ્ચે, કેન્ટોમેંટની જેલ તોડતી વખતે જૉ ગિબ્સન અને સેજલ વચ્ચે તથા કેદીઓ અને સૈનિકો વચ્ચે ઘર્ષણ થાય છે તો ગોલાકી મઠ પર અંગ્રેજો અને પિઢાંરીઓ તથા દેશી સૈનિકો વચ્ચે ઘમાસાણ યુદ્ધ થાય છે. રહમતમીરખાન પણ જાનોર પર આક્રમણ કરીને લૂંટફાટ કરે છે.

ઈતિહાસ પણ લોકપ્રિય નવલકથાનું એક લક્ષણ કહી શકાય. ઈતિહાસ દરેકને ગમતો હોય છે. પોતાનો ઈતિહાસ બીજાને કે પોતાની પાછલી પેઢીને કહેવાનું માત્ર સર્જકને જ નહિ સામાન્ય માણસને પણ ગમતું હોય છે. ‘ઓથાર’ ઐતિહાસિક નવલકથા નથી પરંતુ તેમાં કેટલાંક ઐતિહાસિક તત્ત્વો જોઈ શકાય છે. ઐતિહાસિક નવલકથામાં સમય, સ્થળ અને સાલવારીનો ચોક્કસ નિર્દેશ જોવા મળે છે. પણ અહીં એવો કોઈ નિર્દેશ કે સૂચન કરવામાં આવ્યું નથી. 1857ના નિષ્ફળ વિપ્લવ પછીનાં સમય પર આ નવલકથા લખાઈ છે એટલું જ જણાવામાં આવ્યું છે. પરંતુ તેમાં કેટલિક ઘટનાઓ એવી છે જેમાં ઈતિહાસની આછી-પાતળી ઝલક જોવા મળે છે. નવલકથાના આરંભે સેજલસિંહ જ્યારે પોતાના રાજ્યમાં ફરવા નીકળે છે ત્યારે રાણોજી અને તેના બે ભત્રીજાને ખુલ્લાં મોઢે ફાંસી અપાતી જૂએ છે. અહીં અંગ્રેજ સત્તા વખતે આ રીતે લોકોને ખુલ્લાં મોઢે ફાંસી આપવામાં આવતી હતી તે જોઈ શકાય છે. પરંતુ રાણોજી અને તેના બે ભત્રીજા એ ઐતિહાસિક પાત્રો છે કે નહિ ? એવો પ્રશ્ન કરી શકાય. અશ્વિની ભટ્ટે આ નવલકથામાં દસ્તાવેજો પણ રજૂ કર્યા છે. સેજલસિંહ જ્યારે ગજનને સાથે લઈને જાનોરની નગરરચના જોવા નીકળે છે ત્યારે નગરરચનાનું જે વર્ણન આવે છે તે અગત્યનું છે. મંગલચોક, ગૌડશૈલીમાં બંધાયેલી શહેરની દિવાલો, શહેરનાં છ ખૂણાંઓ અને છ દરવાજાઓ વગેરેના વર્ણનમાં ઈતિહાસની ઝલક જોઈ શકાય છે. ઉપરાંત સેજલસિંહનાં પિતા દગાબાજ ન હતા એ સેજલસિંહને જણાવવા ભુવનસિંહ આખો ઐતિહાસિક સંદર્ભ સંભળાવે છે. એમાં મુસલમાનોનાં સામ્રાજ્યની સ્થાપના, મરાઠીઓનું આગમન, પિંઢારાઓની લૂંટ, અને છેલ્લે અંગ્રેજોએ કેવી રીતે ભારતમાં પોતાનું પ્રભુત્વ જમાવ્યું તે ઐતિહાસિક ક્રમ જણાવે છે. અંગ્રેજોએ કેવી રીતે ધીરે ધીરે પગપેસારો કર્યો, ઝાંસીને તાબે કર્યું, પેશ્વાને હરાવ્યો, તાત્યાને હરાવ્યો અને શંકરશાહને પણ માર્યો એ આખો ચિતાર રજૂ થયો છે. નવલકથામાં આવતો ખજાનો-મુગલ અમાનત જે શાહજહાં, અ‍કબર, શહેનશાંહ વગેરેની અમાનત હોય છે. આ અમાનત ઈતિહાસમાં ઘણી જાણીતી છે. તેને બચાવવા માટે જ વિક્રમસિંહ દગાબાજ હોય એવો કેપ્ટન સ્ટેનલીને પોતે જ પત્ર લખે છે. જાનોરના રાજ્યનો કાંગરો પણ ન ખરે તેવી રીતે તેમણે અંગ્રેજો સાથે પાનો પાડ્યો હતો, પણ આ પત્રને કારણે જ પ્રજા એમને ‘અંગ્રેજનાં પિઠ્ઠુ’ કહીને બોલાવે છે. એ સિવાય તાત્યા તોપે જેવા ઐતિહાસિક પાત્રની ચર્ચા પણ નવલકથામાં જોવા મળે છે.

નવલકથામાં આપણાં સમાજમાં જોવા મળતાં કુરિવાજો પર પણ કટાક્ષ કરવામાં આવ્યો છે, “ચારિત્ર્યનો વાઘો કેવળ સ્ત્રીએ જ પહેરવો પડે છે. સ્ત્રીની પાછળ પુરુષ ‘સતો’ થઈને ચિતામાં પ્રવેશ્યો હોય તેવો કોઈ દાખલો મેં વાંચ્યો નથી. સતી થતી સ્ત્રીઓના પતિઓ પોતે પણ જો એક પત્નીવ્રતાવાળા હોત તો પણ કદાચ મને એ ક્ષમ્ય લાગ્યું હોત.” (ભાગ-1, પૃ. 252) ઉપરાંત ‘દૂધનો દાઝ્યો છશ ફૂંકીને પીએ’, ‘એક મ્યાનમાં બે તલવાર ન રહે’ જેવી કહેવતો તથા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી એમ ત્રણ ભાષામાં લખાયેલી આ નવલકથા આપણને અનેકવાર વાંચવા લલચાવે એવી છે. ટૂંકમાં કહીએ તો સેજલસિંહનાં પિતા વિક્રમસિંહનું ભેદી વ્યક્તિત્વ, રહસ્યમય રીતે થતી અનેક હત્યાઓ, એક ભારતીય રાજકુમાર પર વારી જતી બબ્બે અંગ્રેજ યુવતિઓ (ગ્રેઈસ અને જીના), સેજલ અને સેનાનો પ્રણય, વચ્ચે વચ્ચે આવતાં નાનાં-મોટાં જંગ, મોગલ સલ્તનતનો ખજાનો, રહસ્યમય ઘટનાઓનાં ગૂંફ ને એ બધી ઘટનાઓ પાછળ રાજેશ્વરીદેવી અને બાલીરામજીનો હાથ રહેલો છે એવું ધીમે ધીમે સ્ફૂટ થતું રહસ્ય નવલકથાને રોમાંચક બનાવે છે.

સંદર્ભપુસ્તક :

  1. ‘ઓથાર’ ભાગ-1 – અશ્વિની ભટ્ટ, નવભારત સાહિત્ય મંદિર અમદાવાદ, પ્ર.આ. 1984, પુનર્મુદ્રણ : 2009.
  2. 2.‘ઓથાર’ ભાગ-2 – અશ્વિની ભટ્ટ, નવભારત સાહિત્ય મંદિર અમદાવાદ, પ્ર.આ. 1984, પુનર્મુદ્રણ : 2001.

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજ, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાષ્ટ્રીય પરિસંવાદ ‘લોકપ્રિયસાહિત્ય સિદ્ધાંત અને કૃતિ ચર્ચા’માં રજૂ કરેલું શોધપત્ર.

ભરવાડ રાઘવભાઈ હરિભાઈ, યુ.જી.સી. નેટ સિનિયર રીસર્ચ ફેલો (પીએચ.ડી.), ગુજરાતી વિભાગ, આર્ટ્સ ફેકલ્ટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા, વડોદરા – 390002, મો. નં. – ૯૯૭૯૩૩૮૯૯૪