Download this page in

લઘુકથા
અંતર

‘ઊગે છે સુરખી ભર્યો....’ બોલતાંક સુરખી નામ યાદ આવતા મધુકરથી અટકી જવાયું. ગળે ડૂમો જામ્યો ને એનાથી ‘ રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં’ એ પંક્તિ પુરી કરી શકાઇ નહીં.
‘ક્ષમા કરશો. હું આગળ ચલાવી શકીશ નહીં.’ પરાણે બોલતોક એ વર્ગમાંથી બહાર નીકળી પ્રધ્યાપકખંડમાં આવીને બેઠો. મોં સાવ ફિક્કું થઇ ગયું.
કૉલેજના પોતાના દિવસો દરમ્યાન આ પંક્તિઓ કેટલીય વાર બોલાઇ ચૂકી હશે. અરે આખો કલાપી મોઢે. અને એટલે સુરખી એને....
શૂન્યમનસ્ક મનમાં ધીમે – ધીમે એ પંક્તિ આકાર ધારણ કરી રહી હતી.
એ હીંચકતો હોય. સુરખી સવારે સૂર્યને અર્ધ્ય આપી પાછી ફરતી હોય. ડોકું હલાવતી – હલાવતી આ પંક્તિ મોંમાં ગણગણતી પાછી ફરતી હોય. અને એની પાસેથી પસાર થઇ રસોડામાં કામે વળગે. થોડીવારે નાસ્તા માટે મીઠો અવાજ આવે. આવી મુશળધાર મસ્તી રાત્રીના સુતા સુધી ચાલુ રહે.
સામે બેઠેલા પ્રાધ્યાપક બોલ્યા : “ મધુકર, તું કંઇક બેચેની અનુભવતો હો એવું લાગે છે.”
“ ના, ના. જોશી એવું કશું નથી. પણ...”
“ પણ....?”
“ બસ, એ જ.”
“ ઓહ.” કરતાંક જોશી તેની નજીક આવ્યા.“ ગઇ ગુજરી ભૂલી જાવ મધુકર. અને જાતને સંભાળો.” બોલીને પીઠ ઠપકાવતાંક એ ગયા.
એ ઉદાસીન થઇ કૉલેજ બહાર નીકળ્યો. સૂર્ય ક્યારનો મધ્યાહને આવીને અટક્યો હતો. પ્રભાતને એણે ઘણે દૂર ઠેલી દીધું હતું. પરંતુ સંધ્યા સુધીનું અંતર કાપવું બાકી હતું.

હરીશ મહુવાકર, “અમે”, 3/A, 1929, નંદાલય હવેલી પાસે, સરદાર નગર, ભાવનગર – 364002 મો. : 9426223522 ઇ મેઇલ : harishmahuvakar@gmail.com