Download this page in

‘ચાકડો’: બદલાતા સમય અને સમાજની વાર્તા

‘કુમાર’ સામયિકમાં ગ્રામસંસ્કૃતિના ‘આથમતાં અજવાળાં’ આલેખનાર સર્જક ભગીરથ બ્રહ્મભટ્ટની ‘ચાકડો’ વાર્તા વિશે વાત કરતાં મોહનલાલ પટેલ લખે છે,
“’ચાકડો’માં ગામ સાથે પ્રીતિ જોડીને માટીનાં વાસણ ઘડવાના વ્યવસાય ઉપર નભતા એક કારીગરની જીવનકથા આલેખાઇ છે. વાર્તા મોહન પ્રજાપતિની છે, પણ લેખકનું લક્ષ્ય એક કારીગરના જીવન પૂરતું મર્યાદિત નથી. એમાં ખરી રીતે તો એક ગામડાની જ કથા છે.”

વાર્તાનો નાયક મોહન પ્રજાપતિ છે. પણ વાર્તા કહેનાર છે પ્રાથમિક શાળાનો એક શિક્ષક. એ પણ નોંધવું રહ્યું કે આ લેખકની ઘણી ખરી વાર્તાઓમાં શિક્ષક કે અધ્યાપકનું પાત્ર જોવા મળે છે. ભગીરથ બ્રહ્મભટ્ટ સૂક્ષ્મ નક્શીકામ કરનાર વાર્તાકાર છે તેની પ્રતીતિ ‘ચાકડો’ વાર્તા કરાવે છે. જ્યાં પાકી સડક પણ નથી એવા સાવ નાનકડા ઈટલા નામના ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે વાર્તાકથક જોડાય છે ત્યાંથી વાર્તા શરુ થાય છે. વાર્તાનો આરંભ જુઓ.
‘એ ગામમાં પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે જોડાયો ત્યારે તો કોઇ વાહનેય જતું નહિ, ચાલતાં જવું પડે. પાકી સડક પંદર માઈલ દૂર. ગામમા કંઇ મળે નહિ. ન મળે દુકાન, દવાખાનું કે ન મળે ગામમાં સારુ મકાન.ગામમાં સવારે બાળકો અને વૃદ્ધો સિવાય કોઇ નહિ. ગામની સિકલ જોઇને ગભરામણ થયેલી. બળબળતા બપોરે ગામમાં, આટલું બધું ચાલીને પહોંચ્યો પણ પાણીનું પૂછનાર કોઇ નહિ.’ (પૃ-૮)

અહીં લેખક ગામનું વાસ્તવિક ચિત્ર તો દર્શાવે જ છે પણ ‘નહિ’ શબ્દના પુનરાવર્તન દ્વારા વાર્તાકથકની મનોદશા પણ સચોટ રીતે રજૂ કરે છે. પ્રાથમિક સગવડ વિનાનું આ ગામ જોઇને મનોમન ફસાઇ ગયાની લાગણી અનુભવતા શિક્ષકને મોહન કુંભાર પહેલી જ મુલાકાતમાં પ્રેમથી આવકારે છે. એટલું જ નહિ, હેતથી જમાડીને રહેવા માટે ઓરડી પણ અપાવે છે.

સંકલનાની રીતે વાર્તાને તપાસીએ તો કથક અને મોહન કુંભારની ત્રણ મુલાકાતનું જ વણૅન કર્યું છે.આ ત્રણ મુલાકાત દ્વારા વાર્તાકારે બદલાયેલા સમય અને ગ્રામસમાજને દર્શાવી દીધો છે. કાળઝાળ ગરમીથી ત્રાસેલો નાયક પ્રથમવાર મોહન કુંભારને મળે છે તે વર્ણન જુઓ.
‘એક તરફ ચક્કર ચક્કર ચાકડો ફરે, બીજી બાજુ માટી ખુંદાય.બાપ, મા, દીકરો-દીકરી બધાં વળગેલાં. દીકરી પિંડા બનાવે. મા માટીની ગાર કરે...ડોસોચાકડો ફેરવે...દીકરો ઘડાયેલું વાસણ તડકે લઈ જાય. લીમડાની શીતળ છાયા. આંગણે તુલસીક્યારો...ચાકડાની વચ્ચે લાકડી જેવું ભરાવી ડોસો એવો તો ચાકડો ફેરવે કે મને તો બ્રહ્મા જ દેખાયા!’ (પૃ-૮)

આની સામે વાર્તાના અંતે આવતું કથક અને મોહન કુંભારની ત્રીજી ઓચિંતી મુલાકાતનું વણૅન જકસ્ટાપૉઝ રચે છે.
‘ફૂટપાથ ઉપર હાડકાંના માળા જેવો ડોસો. સાવ દયાપાત્ર. એક કુલડી, એક માટલી, એક ગોદડી એ એની માયા. વારેઘડીએ હાથ ફેરવ્યા કરે.’ (પૃ-૧૪)

ક્યાં પરિવાર સાથે ગામમાં વસતો ‘બ્રહ્મા જેવો લાગતો’ મોહન કુંભાર અને ક્યાં આ અજાણ્યા શહેરના ફૂટપાથ ઉપર બેઠેલો દયાપાત્ર ડોસો! વાર્તાના અંતે આવતું આ વણૅન વાંચતાંવેંત સુજ્ઞ ભાવકને મોહનકાકાનું પ્રથમવારનું વણૅન યાદ આવી જાય. એક હસતોરમતો પરિવાર અને અંતે આ એકલોઅટૂલો ડોસો. ભગીરથ બ્રહ્મભટ્ટ વાસ્તવવાદી વાર્તાકાર છે. તેથી મોહન કુંભારની આ દશા માટે જવાબદાર પરિસ્થિતિ દર્શાવવાનું ચૂક્યા નથી. ગામમાં સુખ-સગવડ વધતાં લોકોની સંવેદનાઓ મરી પરવારી અને તેનો ભોગ મોહન કુંભાર બન્યો એમ પહેલી નજરે લાગે. પણ આ ધૂમકેતુની વાર્તા નથી. ભગીરથ બ્રહ્મભટ્ટ માનવીય સંવેદનોને આલેખતી વખતે પણ વાસ્તવને નજરઅંદાજ નથી કરતા. કથકના લગ્ન વખતે મોહનકાકા આવે છે એ તેમની બીજી મુલાકાત છે. એ વખતે મોહન કુંભાર કથકને પોતાના દીકરા મૂકેશને આછીપાતળી નોકરી અપાવવા કહે છે.
‘હવે તો વહવાયાને કોઇ દોણોય આલવામાં હમજે નૈ...કોડિયાં, માટલાં લોક મૂઉ લે નૈ, વીજળી આઇ જઇ...પોહાય નૈ...મેલી દીધું બધું...ગોમમાં તું કોણ મું કોણનો વેવાર થઇ જ્યો...માથે દેવાનો ઢગ...
મારા મૂકલાને ભનાબ્બો નથી. મારો ધંધો એ નૈ કરે. ઇમા ઇનું પૂરુંય નૈ થાય...પણ કોંક પૈસા લાવે એવી હલકી-પાતળી નોકરી ના હોધી આલો?’ (પૃ-૧૨)

આ સાથે જ મોહન પ્રજાપતિ શિક્ષક પાસેથી માટલીના પૈસા લેવાનો ઇનકાર કરતાં કહે છે એ સંવાદ સરખાવો.
‘માસ્તર! મું મોહન પરજાપત...આ ગોમની બાંધણી થઇ તંદારેથી આજ હુધી કોયનીય પોહેથી માટલીનો પઇસો લીધો નથ્ય-આખું ગામ મારું ધરાક.’ (પૃ-૯)

લેખકે મોહન કુંભારના બે સંવાદ વડે બદલાયેલા સમયને દર્શાવી દીધો છે. મોહન કુંભાર આ બદલાયેલા સમયનો સ્વીકાર કરીને દીકરાને નોકરી અપાવવા મથે છે. એક સમયે સગૌરવ પોતને ‘મું મોહન પરજાપત’ એમ કહીને ઓળખાવનાર મોહન કુંભાર હવે પોતને ‘વહવાયો’ તરીકે ઓળખાવે છે. લેખકની શબ્દ પસંદગીની સૂક્ષ્મ સૂઝ અને તે દ્વારા ઉદભવતો કરુણ ભાવકના હૃદયને વીંધી નાંખે છે. બદલાયેલી આ પરિસ્થિતિ માટે કોણ જવાબદાર? શું મોહન કુંભાર સમય સાથે તાલ ન મિલાવી શક્યો એટલે તેની આ દશા થઇ? માત્ર ગામલોકોની ઘટી ગયેલી સંવેદનાઓને જવાબદાર ગણવી?

ભગીરથ બ્રહ્મભટ્ટના ઈ.સ. ૨૦૦૨માં પ્રકાશિત થયેલા વાર્તાસંગ્રહ ‘મીઠા વગરનો રોટલો’માં આ વાર્તા જોવા મળે છે. આ વાર્તાને વર્તમાન સમયમાં મૂલવીએ છીએ ત્યારે એક નવું જ જગત ઉઘડે છે. ઈ.સ. ૨૦૧૬થી શરૂ થયેલી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત ઈ.સ. ૨૦૨૦ સુધીમાં એક કરોડ યુવાનોને રોજગારી આપવાનું લક્ષ્ય ભારત સરકારે રાખ્યું છે. આ યોજના અંતર્ગત ગામડાના શિક્ષિત યુવાવર્ગને બ્યૂટીપાર્લર, સીવણકામ, કૉમ્પ્યુટર, ઇલેક્ટ્રિક સાધનોનું સમારકામ વગેરે જેવી બાબતોની તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ પામેલો યુવાવર્ગ સ્વાવલંબી બની શકે તે માટે તેમને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરુ કરવા લોન આપવાની પણ યોજના છે. એક તરફ શિક્ષિત યુવાવર્ગને ‘સ્કીલ ઇન્ડિયા’ના રૂપાળા નામ હેઠળ રોજગારી આપવાની વાતો કરવી અને બીજી તરફ લઘુ ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો પડી ભાંગે તેવી આર્થિક નીતિઓ ઘડવી. મોહન કુંભાર જેવા અનેક કારીગરોના સંતાનોએ બાપીકો ધંધો છોડીને નોકરીઓ શોધવા રઝળવું પડે. મોટા ઉદ્યોગો માટે કરોડોની જમીન પાણીના ભાવે આપતી સરકાર નાના કારીગરોને બજારમાં કહેવા પુરતી હાટડીની જગ્યા પણ લાયસન્સ વિના આપતી નથી. સાણંદ પાસે તાતાને ફાળવેલી જમીન કે મુન્દ્રામાં અદાણીને પાણીના ભાવે આપેલી જમીન અને સબસીડીઓ. આવાં તો અનેક દાખલા આપી શકાય.

બાપીકો ધંધો છોડી મૂકેશ સુરતમાં હીરાના કારખાનામાં જોડાઇ જાય છે અને મોહનકાકા ફૂટપાથ ઉપર આવી જાય છે. અહીં પ્રશ્ન માત્ર એક ગામનો કે એક મોહન કુંભારનો નથી, પણ ભારતના અનેક ગામડાઓમાં વસતાં કારીગરોનો છે. વાર્તા એ લાધવની કળા છે એ ખરું પણ તે વાસ્તવની ભોંય પર ઊગતું પુષ્પ છે. જ્યારે વાર્તાને વાસ્તવની રીતે મૂલવીએ ત્યારે રાજકીય વાસ્તવનો વિચાર પણ કરવો રહ્યો. ભગીરથ બ્રહ્મભટ્ટે દીકરાની નોકરી માટે આજીજી કરતા મોહન કુંભારના એક જ સંવાદ દ્વારા સરકારી નીતિ અને તેના દ્વારા કારીગર વર્ગની થતી બેહાલીને દર્શાવી દીધી છે. ગામમાં પાકી સડક અને વીજળી નહોતી ત્યારે એક કુંભારનું ઘર નભી જતું હતું. પણ સડક અને વીજળીની સગવડ થાય અને એક ઘર ઉજડી જાય તેને શી રીતે વિકાસ ગણવો? આવો પ્રશ્ન ‘ચાકડો’ વાર્તા વાંચતાં ભાવકને થાય. મોહન કુંભારને મળવા માટે ગામમાં પહોંચી જતો શિક્ષક ચેલા ઠાકોરના ઘરે મોહનકાકાનો ચાકડો તૂટેલો પડેલો જુએ છે. તૂટેલો ચાકડો કેટકેટલું સૂચવી દે છે! મોહનકાકાનો તૂટેલો પરિવાર, તૂટેલો ગ્રામસમાજ, તૂટેલો કારીગરવર્ગ-આ બઘું જ એક તૂટેલા ચાકડા વડે સર્જક સૂચવી દે છે. સમયનું આખું ચક્ર ફરી ગયું છે એમ સૂચવતો મોહન કુંભારનો આ સંવાદ પણ કેટલો માર્મિક છે!
‘કૉઇ નૈ, માસ્તર! મારો ચાકડો અવળો ફર્યો.’ (પૃ-૧૪)

ભગીરથ બ્રહ્મભટ્ટ વાસ્તવને આલેખે છે પણ કલાપક્ષને અવગણતા નથી. આગળ નોંધ્યું તેમ માત્ર ત્રણ મુલાકાત દ્વારા લેખકે મોહન કુંભારના પાત્રને જીવંત કર્યું છે. સમય સંકલનાની રીતે જોઇએ તો અહીં એક તરફ સમયનું સંકોચન છે અને બીજી તરફ સમયના લાંબા ફલકને સમાવી લેવાયો છે. માંડ પાંચ વર્ષ ગામમાં નોકરી કરનાર શિક્ષકના હૈયામાં મોહનકાકા અને તેમનો પરિવાર ઊતરી જાય છે. શહેરની દોડધામમાં અટવાયેલો શિક્ષક મોહનકાકાને ભૂલી શક્યો નથી. પત્ની સાથે તેમને મળવા ગામ પહોંચી જાય છે. એ સમયે આવતું આ વિધાન જુઓ.
‘પાકી સડક...વીજળી...ઘર પાકાં...જઈને જોઉં તો ન મળે મોહનકાકા કે ન મળે એમનું ઘર.’ (પૃ-૧૩)

ભગીરથ બ્રહ્મભટ્ટ સૂક્ષ્મ માનવીય સંવેદનોને ઝીણવટથી આલેખે છે. ગામમાં એકલા આવેલા કથકના સ્વજનસમા બની ગયેલા મોહનકાકાને ન જોતાં કથક જે આઘાત અનુભવે છે તે એક જ વાક્ય દ્વારા લેખક દર્શાવી દે છે. વાર્તાના આરંભે આવતું ગામનું વર્ણન અને ઉપરોક્ત વિધાન-બે જુદાં સમયને રજૂ કરે છે. ગામમાં હવે બધું છે પણ એ સ્નેહભાવ નથી તેનો સંકેત પણ અહીં મળી રહે છે.

સમયના દીર્ઘપટને અને તેના બદલાતાં રૂપોને ત્રણ મુલાકાતમાં જ લેખક ગૂંથી લે છે. જે તેમની વાર્તાકાર તરીકેની સૂઝ દર્શાવે છે. બીજું કે, મોહન કુંભાર જેવા લાગણીશીલ પાત્રનું આલેખન કરતી વખતે પણ લેખક લાગણીવેડામાં સરી જતાં નથી. લેખકની આ તટસ્થતાને કારણે જ ભાવકને પણ કથકની જેમ મોહનકાકા પોતીકા લાગવા માંડે છે.

આમ, ભગીરથ બ્રહ્મભટ્ટની ‘ચાકડો’ વાર્તા તૂટતાં જતાં કુટુંબો, કારીગરવર્ગ અને તૂટતાં ગ્રામસમાજને કલાત્મક રીતે રજૂ કરે છે.

સંદર્ભ સૂચિ :::

  1. ‘મીઠા વગરનો રોટલો’, ભગીરથ બ્રહ્મભટ્ટ, આર.આર.શેઠની કંપની, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૨

પ્રા. હીરેન્દ્ર પંડ્યા, ગુજરાતી વિભાગ, વ.ના.સ.બેં.લિ. આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, વડનગર ઇ-મેલ: hirendra.pandya@gmail.com