Download this page in

નરસિંહ મહેતો : પરમ સાત્ત્વિક અને નિર્મળ ભક્તનો નાટ્યદેહ

નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદ્ય પ્રતિનિધિ કવિ ગણાય છે, તેમના જીવન પર આજ સુધીમાં પાંચેક નાટકો પુસ્તક રૂપે પ્રાપ્ત થાય છે, જેની વિગતવાર ચર્ચા અગાઉ મેં ‘જીવનચરિત્રાત્મક નાટકોનું પરિદર્શન’ એ લેખમાં કરેલી. આ નાટકોમાંનું એક ‘નરસિંહ મહેતો’ નાટક જે ઈ.સ ૧૯૫૭માં રમણલાલ વ. દેસાઈ પાસેથી મળે છે, તે પહેલા આ ભક્ત કવિના જીવનની લીલાઓ ભજવાઈ હશે પણ નાટકના પુસ્તક રૂપે કશું ઉપ્લધ નથી. આ નાટકમાં નાટ્યકારનો પ્રમુખ ઉદ્દેશ નરસિંહજીવનના વિશાળ વિશ્વના નિરૂપવાનો નહીં પરન્તુ ચાર લઘુ પ્રવેશોમાં વણખેડાયેલા થોડાક પ્રસંગો નિરૂપી નરસિંહના નિર્મળ ભક્તિમય ચરિત્રને ઉઘાડી આપવાનો છે, નરસિંહનુ સૂક્ષ્મ દર્શન આ નાટકમાંથી પસાર થતાં અનુભવાય છે. નરસિંહને આપણે એની ભક્તિથી પરિપક્વ બનેલ દેહે, એકતરા અને પખાજ સાથે ધૂનમાં એકચિત્ બેઠકે પ્રતિમા સ્વરૂપે કે ચિત્રમાં અનુભવ્યો છે. આ નાટકનો શુભારંભ પણ નરસિંહની વૃદ્ધત્વએ પહોંચેલી ભક્તિધારાએથી થયો છે, એટલે કે આરંભે નરસિંહની બાળવય, પછી કિશોરવય અને યૌવન...એમ ક્રમશ: કથા ચાલતી નથી પણ પીઠ ઝબકારની માફક નરસિંહના આરંભિક જીવનની વાત અન્ય પત્રો દ્વારા ખોલી આપવાની નોખી રીત આ ગાંધીયુગના સર્જકમાં જોવા મળે છે. અહીં ‘નરસિંહ મહેતો’ નાટકનો અભ્યાસ કરતાં કરતાં મેં જે કંઈ તાપસ્યું છે તેની તલાવગાહી વિચારણા કરવાનો મારો પ્રમુખ ઉપક્રમ છે.

આરંભથી જ નાટક ભાવકને જકડી લે એવું છે. પ્રથમ પ્રવેશ- જૂનાગઢમાં નરસિંહનું નાનું ઘર, આંગણમાં તુલસીક્યારો, સવારની વેળા છે રંગભૂમિ ઉપર પડદો ઊઘડતાં આછો અંધકાર દેખાય છે. રંગભૂમિના અંતિમ ભાગમાં પ્રકાશ થાય છે. એ પ્રકાશ નરસિંહ મહેતા ઉપર પડે છે. ત્યાંથી ધીમે ધીમે આસપાસ બેઠેલા ભજનિકો પર પડે છે અને ભજનિકો ભજન ગાઇ છે ત્યાંથી નાટક ઉપડે છે. ભજન ધીમે ધીમે સ્વરે પૂરું થાય છે, ઝાંઝ, પખાજ અને મંજીરાંની ધૂન ચાલ્યા કરે છે, પડદો પડે છે ત્યાંર પછી મહેતાજીના નાનકડા ઘરના આંગણનું દૃશ્ય નજર સામે આવે છે, આંગણામાં તુલસી ક્યારા ઘણા છે, ત્યાં વિધવા પુત્રી કુંવરબાઇ, તુલસી ક્યારાઓમાં ઝારી પાતી પાતી ધીમું ધીમું ગાય છે: ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી...ત્યાં જ્ઞાતિની એક પડોશણ નાગરણ ગૌરીબહેન આવે છે, તે કહે છે કે જો બહેન હવે કુટુંબમાં રહ્યું છે કોણ ? તું, તારી ભાભી અને તારો બાપ ! તારો ભાઈ ગયો જુવાનજોધ તું પણ વિધવા થઈ, તારી મા પણ સ્વર્ગવાસી થઈ, એ ભોળી સારી હતી પણ આ તારા બાપે તો નગરો, ન્યાત અભડાવી છે, રોજ ઢેડવાળે જાય છે, આભડછેટનો પાર નથી, ફાવે ત્યાં નરસિંહ જાય છે. નાગરવાડાને એ બધુ આ ગમે. નાગરી ન્યાતનો પુરુષ આમ રસ્તે નાચે, કૂદે ધૂન ગાઈ છોકરો કાંકરા મારે એ અમારાથી ના જોયું જાય, મારી સાત પેઢીમાં કોઈએ આવું નથી કર્યું; ત્યાં કેટલાક ભક્તો આવે છે. ગૌરી પાછા ભગતડા ભેગા થતાં લાગે છે એમ બોલી, તેમની પણ ટીકા ટિપ્પણી કરી ત્યાંથી પલાયમન થાય છે, આ ચોકાવનાર દૃશ્યથી નાટકની જમાવટ થાય છે. આ ભક્તજનો અને ગૌરીના સંવાદ દ્વારા જ સર્જકે નરસિંહના મધ્યસ્થ સુધીના જીવનની આછી ઝાંખી કરવી છે. એક ભક્ત ગુણ ગાય છે કે, સતી સાધ્વી પત્ની ગઈ, એકનો એક જુવાન પુત્ર ગયો, એકની એક કુમળી પુત્રી વિધવા થઈ, તોય નરસિંહ મહેતાના મુખ પર જરા પણ દીનતા દેખાતી નથી, શ્રદ્ધાથી મુખ હંમેશા છલકતું છે. ત્યાં મહેતાજી પ્રવેશે છે, ભક્તો દ્વારિકાથી આવ્યાનો પરિચય થાય છે, ભક્તો હૂંડીની વાત કરી શામળશા શેઠે એમને રૂપિયા ચુકવ્યા તેની વાત મૂકે છે. આમ નરસિંહના આરંભિક જીવનમાં બનેલી પવિત્ર ઘટનાઓ શિવજીના તપ અને કૃષ્ણની રાસલીલા વગેરે ભક્તોના મુખે સંવાદ રૂપે પ્રગટે છે.

બીજા પ્રવેશથી નાટક ગતિ પકડે છે જેવો પડદો ખૂલે છે ત્યાં નરસિંહ મહેતાના ઘરનું નાનકડું મંદિર દૃશ્યમાન થાય છે, નરસિંહની વિધવા પુત્રવધૂ સૂરસેના પ્રવેશે છે, નરસિંહ અને ભક્તો પધારે છે સુરસેના દ્વારા આરતી થાય છે ત્યાં પડદો પડે છે. નરસિંહ રંગમંચના આગળના ભાગમાં આવે છે, ત્યાં કુંવારબાઇ પ્રવેશે છે. તે ચિંતામાં છે કહે છે કે પિતાજી! પચાસ–સાઠની સંખ્યામાં ભક્તો આવે છે, આખા મહિનાની સામગ્રી એમાં જ પૂરી થઈ જાય છે, આવતી કાલ ઘરમાં પ્રભુ માટે કઈ નહીં હોય. ત્યારે નરસિંહ મહેતા ધેલી પ્રભુની ચિંતા કરવા વાળા આપણે કોણ વળી? જો બહેન ! શેષને માથે પ્રભુ બેઠો છે. કઈ વેચવા જેવુ નહીં હોય તો છેલ્લે પ્રભુ તો છે જ એમ કહી દીકરીમાં શ્રદ્ધા જગાડે છે. ત્યાં ઓચિંતા ધરણીધર આવી પહોચે છે ને કહે છે કે રસ્તામાંથી પ્રસાર થતો હતો તો થયું કે ભક્તરાજના દર્શન કરતો જાઉં. કુંવર જમવા માટે આગ્રહ કરે છે અને અંદર જાય છે ત્યારે અચાનક ધરણીધર પૂછી લે છે કે બોલો મહેતાજી આપ મારૂ સ્મરણ કેમ કરતાં હતા, નરસિંહ સંકોચાયને કહે છે કે ઘરનો વ્યવહાર ચાલે એટલા પચાસ પોણોસો બસ…નગરશેઠ તરત જ ગજવામાંથી રૂપિયા કાઢી આપે છે, ધરણીધર ઘણો આગ્રહ કરે છે ત્યારે નરસિંહ મહેતા પોતાનો પ્રિય એવો કેદાર રાગ ગીરવે મૂકે છે ને કહે છે કે ત્યાં સુધી હું તમારા આ લેણને ચૂકતે ન કરું ત્યાં સુધી હું આ મારો પ્રિય રાગ ગાઈશ નહીં એવા વચને બંધાય છે ને કહે છે કે વ્યવહારમાં શરમ શાની? ત્યાં કુંવરની બૂમ સંભળાય છે બન્નેય ભોજન લૈ છૂટા પડે છે. આમ આ અપૂર્વ પ્રસંગ સાથે બીજો પ્રવેશ પૂર્ણ થાય છે.

ત્રીજો પ્રવેશ સાવ ટૂંકો છે, ત્યાંથી નાટક પૂર્ણાહુતિ તરફ ઢળે છે. સમય સંધ્યાનો છે, કુંવરબાઇ તુલસીક્યારે દીવો મૂકે છે. ત્યાં રા'માંડલિકે મોકલેલ સિપાઈ પ્રવેશે છે, તે કહે છે રાજાએ નરસિંહને અત્યારે જ દરબારમાં હજાર થવા હુકમ કર્યો છે, ત્યારે નરસિંહ નિ:સંકોચ પણે તૈયાર થાય છે. કુંવર ચિંતિત છે ધીરે ધીરે નરસિંહ મહેતા સિપાઈ સાથે જાય છે ત્યાં પડદો પડે છે. આ પ્રવેશમાં નાટ્યકાર આખ્યાનની પ્રયુક્તિ યોજતો જણાય છે, રાજા રા'માંડલિકના દરબારમાં ઘટનારા હારમાળાના ચમત્કારિક પ્રસંગનો તે ઊથલો (પૂર્વછાયા)ની જેમ નિર્દેશ કરી આ પ્રવેશ પૂર્ણ કરે છે.

ચોથો પ્રવેશ એ નાટકનો અંતિમ તબ્બકો છે, નાગર પ્રજા અને કેટલાક સાધુઓની નરસિંહ વિરુદ્ધમાં ફરિયાદ, અંતે રા’માંડલિક દ્વારા નરસિંહની પરીક્ષા, જો પ્રભુ સાક્ષાત દર્શન આપી નરસિંહને હાર પહેરાવે તો તે સાચા ભક્ત, નહિ તો સવાર પડતા જ એ નરસિંહનું શિર ધડથી અલગ કરી બધા પાખંડ બંધ. એમ રાજા આદેશ કરે છે. એ વસ્તુ દ્વારા નાટ્યકારે હારમાળાનો પ્રસંગ મૂકીને ભર્યા દરબારમાં નરસિંહનાં જીવનમાં બનેલા સાક્ષાત ચમત્કારને રંગભૂમિ પર ભજવાતા દૃશ્ય રૂપે મૂક્યો છે. નરસિંહની ભાવભક્તિથી કૃષ્ણ દર્શન આપે છે, હાર પહેરાવે છે, અને અદૃશ્ય થાય છે. જે પ્રેક્ષકગણને આકર્ષી જાય તેવી અદ્ભુત શૈલીમાં છે. આ પ્રસંગ સાથે નાટક પૂરું થાય છે.

નાટકમાં નરસિંહના ચરિત્રની માત્ર ઝાંખી જ થાય છે. એટલે કે મોટા ભાગના પ્રસંગોને નાટ્યકારે બાદ કર્યા છે. જેમકે; કુંવરબાઈ અને નરસિંહની પુત્રવધૂ બન્નેને સીધી વિધવા જ બતાવી છે, તેથી કુંવરબાઈનાં મામેરાનો પ્રસંગ, પુત્ર શામળનાં વિવાહ, ઝારીનો પ્રસંગ, તે ઉપરાંત ભાભીના મહેણાંથી નરસિંહનો ગૃહત્યાગ, તપ, શિવદર્શન વગેરે નરસિંહનાં જીવનમાં બનતા ચમત્કારિક પ્રસંગો જ નરસિંહનું ખરું ચરિત્ર છે જેમાંથી બે-ચરા પ્રસંગો જ નાટ્યકારે ભક્તોના સંવાદમાં વાત રૂપે મૂક્યા છે. જેથી નાટકમાં નરસિંહનાં ચરિત્રને ખરો ન્યાય મળ્યો નથી એમ ચોક્કસપણે કહી શકાય. અહીં આપણને નરસિંહ એના ઉત્તરજીવનમાં ભક્તિની પરાકાષ્ઠાએ પહોંચેલો અનુભવાય છે, આરંભનું મહત્ત્વનું ચરિત્ર ભજવણી રૂપે નાટ્યકારે ન આલેખ્યું હોવા છતાં નાટક સાવ કાઢી નાખવા જેવુ તો નથી જ. નરસિંહ મહેતાનું જીવન અનેક સંઘર્ષોથી ભરેલું હતું અને સંઘર્ષજન્ય સ્થિતિમાંથી પ્રભુએ એને ઉગાર્યો. આ નાટકમાં પણ આરંભથી જ ધીમે ધીમે પ્રસરતો સંઘર્ષ અંતે ઘાડ બને છે, જેથી કથાવસ્તુ ભાવકવર્ગને આનંદ પ્રાપ્તિમાં બાધ ઊભો કરે એટલે અંશે શિથિલ નથી.

પાત્રાલેખનની વાત કરીએ તો કુંવરબાઇ, ગૌરી, કેટલાક ભક્તો, નરસિંહ મહેતા, સૂરસેના, ધરણીધર, સિપાઈ, રા’માંડલિક, દરબારીઓ, સાધુઓ, મુત્સદીઓ, કૃષ્ણ છે. આ બધા જ પાત્રોની કઈક ને કઈક ભૂમિકા છે, જેમાં નરસિંહ મહેતા, કુંવરબાઈ, ધરણીધર, રા’માંડલિક જેવા પાત્રોને નાટકના ચાલકબળ રૂપે મુખ્ય ગણાવી શકાય. જેના ચરિત્રની વાત છે એવા નરસિંહને નાટ્યકારે તેના ઉત્તરકાલીન જીવનમાં નિરૂપ્યો છે. એટલે કે નરસિંહનું પેલું પદ છે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાલ... એ પદ પછીનો નરસિંહ દેહ નાટ્યકારે ચીતર્યો છે. ભક્તિની ઉચ્ચકોટિ એ પહોંચેલા આ જીવમાં પ્રભુ પ્રત્યેની અપાર શ્રદ્ધા, વયોવૃદ્ધ હોવા છતાં એક સાચા ભક્તનું તેજ એની વાણીમાં પ્રગટ્યું છે. સંસારની મોહ-માયાથી પર છતાં સંસારમાં રહીને તે ભક્તિને જીવનનું ધ્યેય બનાવે છે. ન્યાતના લોકો નરસિંહનાં માર્ગમાં અનેક મુશ્કેલીઓ ખડી કરે છે છતાં તે અવિચળ રહે છે. આમ એક ભક્તશિરોમણી તરીકે નાટ્યકારે આ પાત્રને ખરો ન્યાય આપ્યો છે. બીજું મહત્ત્વનું પાત્ર કુંવરબાઇનું છે, તેને ભક્તિમય મુગ્ધ બનેલી પવિત્ર નારી તરીકે નિરૂપવામાં લેખક સફળ રહ્યા છે. અહીં પતિના અવસાન પછી પિતાને ત્યાં બાકી જીનવ ભક્તિમાં વિતાવતી વિધવા સ્ત્રી તરીકે આવે છે. ન્યાતની વડીલ સ્ત્રી આવીને પોતાના પિતા વિશે ખરું ખોટું સંભળાવી જાય છે છતાં તે મન મક્કમ રાખી તે સહી લે છે, અને પ્રમાણિકતાથી વ્યવહાર કરે છે પરન્તુ તે ઘરસંસારથી વિમુક્ત થઈ હોય, હજુ તેનામાં ઘર ચલાવવાની ચિંતા વગેરે ભાવો જોવા મળે છે. તે નિત્ય પ્રભુ અને પિતાની સેવાપૂજામાં પોતાનું જીવન વિતાવે છે. આમ, કુંવરનું પાત્ર નાટકમાં એક આદર્શ ભોળી નારી તરીકે ખરેખર ઉભર્યું છે. ગૌરી જે ન્યાતની ઝાજરમાન સ્ત્રી છે. નાટકના ઉપાડમાં આ કાલ્પનિક પાત્ર મહાત્ત્વનું છે, જે પ્રેક્ષક વર્ગને નાટકમાં સ્થિર કરવામાં કારગાર સાબિત થયું છે. ગૌરી મહેતાજીની પડોશણ છે, આખી ન્યાતમાં નરસિંહ વિશે ભૂંડાશની વાતો થાય છે જે સાંભળી આખરે ન સહન થતાં નરસિંહને ઠપકો દેવા આવે છે, ત્યાં કુંવરબાઈ સાથે ભેટો થાય છે, અને કહે છે કે તારો બાપ નરસિંહ ઢેડવાળે જઈ આંખ મિચામણાં કરે છે. ઊભો ઊભો રસ્તે નાચે છે જે આપણી નાગરી ન્યાતને છાજે નહીં. આમ તે પોતાનો બળાપો વ્યક્ત કરે છે છતાં કેટલાક ભક્તો નરસિંહનાં દર્શન કરવા આવે છે ત્યારે તે કહે છે કે, લો આ આવી ગયા ભગતડા અને બનાવો ભોજન, છતાં અંતે કુંવારબાઇને દિલાશો આપે છે કે લોટ જેવુ કશું ખૂટે તો લઈ જજે. આમ, નાટ્યકરે ગૌરીના પાત્રને નરસિંહની ભક્તિથી વિરુદ્ધ થોડું અજ્ઞાની પણ માનવતાવાદી નિરૂપ્યું છે. સૂરસેનાનું પાત્ર માત્ર નિર્દેશ પૂરતું નાટકમાં મુકાયું છે. આ પાત્રના મુખે નાટ્યકારે કોઈ સંવાદ કે અગત્યની ભૂમિકાને ધ્યાનમાં રાખી નિરૂપયુ નથી. ધરણીધરનું પાત્ર નાટકના વેગમાં અગત્યનું પુરવાર થયું છે. જે નગરનો ધનિક વ્યક્તિ છે, પણ નરસિંહની આગળ તે સેવક બની પોતાની વૈભવી ખુમારીને નેવે મૂકે છે. નરસિંહ મહેતાની મુઝવણ પારખી જાય છે અને પોતાની બધી મિલકત સોપી દેવા સુધી નરસિંહ પર ભરોસો કરે છે. નરસિંહ જ્યારે તત્કાલિન પૂરતો વ્યવહાર ચાલે એટલા રૂપિયા માગે છે ત્યારે તે તરત જ ગજવામાંથી કાઢીને આપી દે છે. જ્યારે નરસિંહ પોતાનો પ્રિય રાગ ગીરવે મૂકવાની વાત કરે છે ત્યારે પણ તે ક્ષોભ અનુભવે છે. વૈભવી હોવા છતાં પોતાની પાલખી મૂકીને ભક્તને ઘરે ચાલીને આવે છે. ભક્તના દર્શન કરી ધન્ય થાય છે અને ભોજન ગ્રહણ કરી વિદાય લે છે. આમ આદર્શ નગરશેઠના નાટ્યકારે દર્શન કરાવ્યા છે. એવી રીતે સિપાઈનું પાત્ર પણ ઉદાર છે, જે નરસિંહને રાજાએ દરબારમાં હજાર થવાના હુકમની જાણ કરે છે ત્યારે વ્યક્ત થાય છે કે ભક્ત હું તો માત્ર એક નોકર છું, હું આપને બંધી બનાવવા વાળો કોણ ! કહી ખેદ અનુભવે છે, કુંવરની આંખ પિતાના વિરુદ્ધની ફરિયાદ સાંભળી ભીની થાય છે ત્યારે આ સિપાઈ પણ રડી પડે છે. અને નરસિંહ સામે પોતાની વિવશતા રજૂ કરે છે. એ રીતે રા’માંડલિક્નું પાત્ર પણ સાવ ક્રૂર નથી પ્રજાજનો સામે નરસિંહને આદરથી સંબોધે છે અને રાજનિયમ પ્રમાણે નરસિંહને કહે કે; તમને શિવ મળ્યાંની વાત ઘણી ચર્ચામાં છે. જો તમે સાચા ભક્ત છો તો પ્રભુ તમને જાતે આવીને હાર પહેરાવે તો તમારી ફરિયાદ માફ, અને જો સવાર સુધીમાં એ શક્ય ન બન્યું તો હું તમારું શિર ધડથી અલગ કરી નાખીશ. આમ આ પાત્ર રાજનીતિનિયમોથી ભરેલું પણ ભાવુક છે. તે પછી અન્ય પાત્રો દરબારીઓ, મુત્સદીઓ અને અંતે ભગવાનના રૂપમાં આવતું કૃષ્ણનુ પાત્ર વગેરે આ નાટકમાં નરસિંહના જીવનચરિત્રને ખોલી આપવામાં મહત્ત્વના સાબિત થયા છે.

આ નાટકના સંવાદોની વાત કરીએ તો નરસિંહનો જીવન પરિચય કરાવતા સંવાદો ઘણાં લાંબા છે છતાં કળે એવા લગતા નથી. જ્યારે કેટલાક સંવાદો નાના છતાં કંડારેલા છે. સંવાદો ખૂબ ગતિશીલ છે જેના દ્વારા નરસિંહનું ચરિત્ર ઝડપથી ઊઘડે છે. નાટકનો પ્રથમ સંવાદ ગૌરી પડોશણના મુખે કેવો ધારદાર મુકાયો છે તે જોઈએ, કુંવરબાઈ ગૌરીને આવકારે છે તે સમયનો સંવાદ :
ગૌરી: જરા વિવેક ઓછો રાખીશ તો મારે ચાલશે. બહુ વિવેકમાં બહુ ચિબાવલા લાગીએ. મારે તો શું, કુંવર પણ મનને બહુ દિવસ વાળ્યું. આજ તો છેક ન રહેવાયું એટલે આવી છું. હવે તો તમે બાપ-દીકરીએ માઝા મૂકી છે ! -પૃ. ૬

આ ધારદાર સંવાદથી આપણને ગૌરીના સ્વભાવનો તરત જ અંદાજો આવે છે. આમ, દરેક પાત્રગત સંવાદોમાંથી આપણને જેતે પાત્રની માનસિક વૃતિઓનો પરિચય થયા વિના રહેતો નથી. જે નાટ્યકારની એક સંવાદ નિરૂપણની ખૂબી ગણાવી શકાય.

નરસિંહના સંવાદોમાં પણ એ નિર્મળ, વિવેકી, ભક્તિ પદારથથી પરિપક્વ ભાવે ભરેલો અનુભવાય છે. નરસિંહના સંવાદોમાં પ્રભુ પ્રત્યેની એની અખૂટ શ્રદ્ધા, સત્યશીલ વ્યક્તિત્વ એની નિખાલસ વાણીમાંથી પ્રગટે છે. ખાદ્યસામગ્રી ખૂટી જવાની કુંવરબાઇ ચિંતા કરે છે ત્યારે તે કહે છે કે,
નરસિંહ: ઘેલી રે, ઘેલી! મારી તારી અને આ ભક્તોની ચિંતા મને કે તને હોય? કે પ્રભુને હોય? પ્રભુના થાળ માટે ચિંતા કરનારા આપાણે કોણ? વિશ્વભરના થાળ ભરનારો બીજો કયો માનવી જન્મ્યો છે. ચિંતા ના કરીશ દીકરી! પ્રભુભક્તોની સેવામાં જાત વેચવી પડે તો પણ શું? - પૃ.૨૦

નાટ્યકાર ર. વ. દેસાઈએ આ નાટકમાં ગીત પ્રયુક્તિનો પણ ઉપયોગ કર્યો છે. કુલ ચાર પ્રવેશોમાં ઓગણીસ જેટલાં નરસિંહનાં પદોની કેટલીક પંક્તિઓનો સમાવેશ છે. પહેલા પ્રવેશમાં કુલ નવેક જેટતી કાવ્યપંક્તિઓ છે જે નરસિંહ મહેતાની પોતાની છે. નાટકના આરંભે નરસિંહનું ખૂબ જાણીતું પદ મુકાયું છે. રંગભૂમિનો પડદો ઊઘડતા નરસિંહ અને ભજનિકો નજરે ચઢે છે ત્યારે આ પદ મુકાયું છે:
વૈષ્ણવજન તો તેને કહીયે
જે પીડ પરાઈ જાણે રે;
પરદુ:ખે ઉપકાર કરે તો યે
મન અભિમાન ન આણે રે. - પૃ. ૦૫

નાટકના ત્રીજા અંકમાં જ્યારે સિપાઈ નરસિંહને પકડી જાય છે, તે સમયને યોગ્ય છાજે તેવું પદ નાટ્યકારે મૂક્યું છે, જે નાટકને રસાત્મક બાળવે છે જે આપણે જોઈએ:
જે ગમે જગતગુરુ દેવ જગદીશને
તે તણો ખરખરો ફોક કરવો,
હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા,
શકતનો ભાર જ્યમ શ્વાન તાણે. -પૃ. ૩૨

નાટકના અંત ભાગમાં રા’માંડલિક જ્યારે નરસિંહની પરીક્ષા કરે છે ત્યારે જે ભજનો મુકાયા છે તેમાનું ગોપીરાગનું એક પદ જોઈએ,
તાણે રોકી રહી રાધિકા રંગ જામ્યો ઘણો
રસિયા રજની રહી રે થોડી,
નંદના નંદ તું શાને આડસ કાર !
નાગરા સાથ તે પ્રીત જોડી. -પૃ. ૪૦

આમ, નરસિંહની વાણીનો સાચુકલો ભાવ આ નાટકમાં એના જ પદો દ્વારા ભળ્યો છે જેનાથી આ આખું નાટક જીવંત લાગે છે.

નાટકની ભાષાશૈલીની વાત કરીએ તો થોડી છાંટ જુનાગઢ પ્રદેશની ખરી પણ સાવ ગામઠી નહી, ભાષા શિષ્ટ - સંસ્કૃતપ્રચુર પણ નથી બન્ને વચ્ચેની ભાષા પ્રયોજવાનો નાટ્યકારનો પ્રયાસ જણાય છે. સરળ છતાં માર્મિક લક્ષણા અને વ્યઙ્ગ્યાર્થથી સચોટ છે. ભાષાનિરૂપણ પાત્રોના મનોગત પાસાઓને ઝડપથી ખોલે છે જે સામાન્ય ભાવકને ય આકર્ષે છે, જ્યારે વિદ્વાન ભાવકને પણ મોળાશ ના વછૂટે તેવું ભાષાનું કાંઠું પરિપક્વ છે. નાટકમાં ભાષાનિરૂપણ દ્વારા સર્જકની નોખી સર્જકપ્રતિભાનો પરિચય થાય છે.

નાટક આખરે તો એવી એક સાહિત્ય કૃતિ છે, કે એમાં પ્રસ્તુતિની શક્યતાઓનો ખ્યાલ નાટ્યકારે શરૂઆતથી અંત સુધી જાળવવો રહ્યો નહીં તો નાટક એ કેવળ સાહિત્યિક કૃતિ બની રહે છે. નાટકનો Performing Art સાથે સીધો સંબંધ છે. નાટક એ માત્ર કાનની કળા નથી, દૃશ્ય- શ્રાવ્ય કળા છે. એ મુજબ નાટક એ પ્રેક્ષકવર્ગની અપેક્ષાએ સર્જાતી સાહિત્યિક કૃતિ છે. ‘ભોક્તા વિણ કળા નહીં’ આ કવિ કલાપીની પંક્તિ નાટકને વિશેષ યોગ્ય છે. ‘નરસિંહ મહેતો’ નાટકમાં નાટ્યક્ષમતાની વાત કરીએ તો ભારોભાર પડેલી છે, ક્યાંઈ દૃશ્ય ભજવણીમાં દિગ્દર્શકને અગવડ પડે એવું જણાતું નથી, નાના રંગમંચ ઉપર પણ તેનું મંચન શક્ય છે. વળી નાટકમાં પાત્ર સંખ્યા પણ મર્યાદિત હોય, તેથી સ્કૂલ કોલેજ કક્ષાએ વિદ્યાર્થીઓ પાસે પણ ભજવાવી શકાય એવું છે. આ નાટક નાનું હોવાથી દીર્ઘત્વનો પ્રશ્ન સર્જાય એમ પણ નથી; ભાવકવર્ગ એકીબેઠકે માણી શકે તેટલા સમય ફલકમાં જ નરસિંહનું ચરિત્ર મૂકી આપવાનો ભગીરથ પ્રયાસ સર્જકે કર્યો છે અને સફળ પણ થયા છે.

કોઈપણ સાહિત્યકૃતિનું પિંડ ઘટનાઓની ઘટમાળથી ગૂંથાતું હોય છે પણ એ ઘટનાઓ માત્ર છૂટક છૂટક અહેવાલ બનીને ન રહી જાય, એટલે કે માત્ર ઘટનાઓના બીબા ના બને તેનો ખ્યાલ જે તે કૃતિના સર્જકે રાખવો રહ્યો, નરસિંહનું જીવન અનેક ચમત્કારિક ઘટનાઓથી હાર્યુંભર્યું છે. આ ભક્તકવિનું જીવન જુદી જુદી નાટ્ય પ્રયુક્તિઓ દ્વારા પ્રસ્તુત થઈ શકે એવી ભરપૂર શક્યતાઓ રહેલી છે, પરન્તુ આ નાટકમાં એ મહદઅંશે છે; નરસિંહના જીવનની બીનાઓ સંવાદ રૂપે છે જે ભજવણીના રૂપમાં સર્જકે મૂકવી જોયતી’તી, કારણ નાટક એ પ્રસ્તુતિકરણની કળા હોય અને ઘટનાઓના વિવિધ વળાંકો નહોય તો પ્રેક્ષકવર્ગ કંટાળો અનુભવે છે. નરસિંહનું ઉત્તરકાલીન જીવન જ રંગમંચ પર દૃશ્યપાત થાય છે, નરસિંહનાં પૂર્વ જીવનની કથાને નાટ્યકારે ભક્તોના પાત્રો દ્વારા ફલિત કરી છે, મહત્ત્વના પ્રસંગો ઘટના રૂપે નથી, જ્યારે કેટલાક પ્રસંગો બાદ કર્યા છે. તેથી નરસિંહ સંપૂર્ણ રીતે આ નાટકમાં ખીલ્યો નથી, માત્ર એક નિર્મળ ભક્ત તરીકેનો પડઘો નાટકમાં જોવા મળે છે. નરસિંહ મહેતાના જીવનમાં આવતા મહત્ત્વનાં પાત્રો જેવા કે પત્ની માણેક, જેના મહેણાંથી નરસિંહને ઘર છોડવું પડ્યું અને પ્રભુના દર્શન થયા તેની નિમિત્તરૂપ ભાભી, મોટા ભાઈ, પુત્ર શામળશા આ અગત્યના હાર્દરૂપ પાત્રોનું ચિત્રણ નાટકમાં નથી જે નરસિંહનાં જીવનને પ્રસ્તુત કરવામાં ખૂબ જ મહત્ત્વના છે; એ ના હોય તો નાટકનો કથાતંતુ – પ્રવાહ નબળો પડી જાય, નાટક પડી ભાંગે, ચાલે જ નહીં તેવા પાત્રોનો નાટ્યકારે બાદ કર્યા છે. તે જોતા આ નાટક રચવા પાછળનો ર. વ. દેસાઈનો મુખ્ય ઉદ્દેશ માત્ર નરસિંહના પરમ સાત્ત્વિક ભક્તિમય અને નિર્મળ જીવનના દર્શન કરાવવાનો જ રહ્યો છે જે સાફ વર્તાય છે. નરસિંહ જીવનના કેટલાક વણખેડાયેલા પ્રસંગો મૂકી રમણલાલ વ. દેસાઈએ મુખ્યત્વે વાર્તાકાર છતાં એક ખરા નાટ્યકાર તરીકેની સિદ્ધિ આ નાટક દ્વારા મેળવી છે.

પ્રવીણ વણકર, શોધછાત્ર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, માનવવિદ્યા ભવન, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, આણંદ – ૩૮૮૧૨૦, મો. : ૭૯૮૪૪૬૦૯૯૧