Download this page in

કમલાશંકર પ્રાણશંકર ત્રિવેદીનું ભાષા અંગેનું સંશોધન

કમલાશંકર પ્રાણશંકર ત્રિવેદીનો જન્મ ૧૧મી ઓક્ટોબર ૧૮૫૭ના રોજ સુરતમાં થયો હતો. તેઓ ગુજરાતી ભાષાના સંશોધક, સંપાદક અને વ્યાકરણશાસ્ત્રી હતા. તેમણે સુરતમાં જ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું હતું. ૧૮૭૪માં મેટ્રિક્યુલેશન પાસ કર્યું ત્યારબાદ ૧૮૭૮માં એલ્ફિસ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઈતિહાસમાં બેચલર્સ ઓફ આર્ટ્સ પૂર્ણ કર્યું. ગરીબ નાણાકીય સ્થિતિને કારણે તેઓ મિશન સ્કૂલ સુરતમાં એક વધારાના શિક્ષક તરીકે જોડાય છે. પછી તેઓ ભરુચ, નડિયાદ, સુરત, અમદાવાદ, ભાવનગર, બોમ્બે અને પૂણેમાં પ્રાથમિક અને માધ્યમિક સ્તરે ભણાવે છે. તેમણે અમદાવાદ પ્રેમચંદ રાયચંદ ટ્રેનીંગ કોલેજના પ્રિન્સિપલ તરીકે ૧૯૦૨માં સેવા આપી હતી અને ગુજરાત શાળાપત્રનું સંપાદન પણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે યુનિવર્સિટી ઓફ બોમ્બે અને પંજાબ યુનિવર્સિટીમાં સંસ્કૃતના પરીક્ષક તરીકે સેવા આપી હતી. ૧૯૧૪માં તેઓ નિવૃત્ત થાય છે, ત્યારબાદ ૧૯૨૪માં ગુજરાતી સાહિત્ય પરિષદના સાતમા સત્રની અધ્યક્ષતા કરે છે. તેમનું અવસાન ૧૯૨૫માં થયું હતું.

તેમણે આપેલા સંશોધન, સંપાદન અને વિવેચનના ગ્રંથો આ મુજબ છે. (૧) રાવણવધ મહાકાવ્ય (૨) જગન્નાથસમ્રાટ વિરચિત ભૂમિતિ ગ્રંથ ‘રેખાગતિણ’ (૩) વિદ્યાધર રચિત એકાવલી (૪) વિદ્યાનાથનું પ્રતાપરુદ્ર યશોભૂષણ (૫) કોંડભટ્ટનો વૈયાકરણભૂષણ (૬) લક્ષ્મીધરની ષડભાષા ચંદ્રિકા (૭) પ્રક્રિયાકૌમુદી (૮) શાંકરભાષ્યનો અનુવાદ (૯) સંસ્કૃત પ્રવેશિકા (૧૦) સંસ્કૃતશિક્ષિકા (૧૧) શિક્ષણશાસ્ત્રના મૂળ તત્વો (૧૨) બૃહદ્ ગુજરાતી વ્યાકરણ (૧૩) ગુજરાતી લઘુ અને મધ્ય વ્યાકરણ (૧૪) વરરુચિનું પ્રાકૃતપ્રકાશ.

કમલાશંકર ત્રિવેદીનો ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ ગ્રંથ મૌલિક છે છતાં તે ગુજરાતી વ્યાકરણના ઈતિહાસમાં એક સીમાચિહ્ન ગણાય છે. પૌરસ્ત્ય વ્યાકરણશાસ્ત્ર અને ભાષાશાસ્ત્રના અધ્યયનનું આ ફળ છે. આ ગ્રંથનું પાર્શ્વ પબ્લિકેશન દ્વારા પુનઃપ્રકાશન થયું છે. તેનું કારણ વિદ્યાર્થીઓ, અદ્યાપકો, તેમજ સામાન્ય વાચકવર્ગને આ ગ્રંથ ખુબજ ઉપયોગી સાબિત થાય છે. આ ગ્રંથમાં ચાલીસેક જેટલા ગુજરાતી ભાષા, વ્યાકરણ, છંદ, અલંકાર વગેરેને લગતા પ્રકરણો છે. પહેલા બે પ્રકરણોમાં ભાષાશાસ્ત્ર નો વિષય આવરી લેવાય છે. તો છત્રીસમું તથા છેલ્લા બે પ્રકરણો અલંકારનો અથવા સાહિત્ય મીમાંસાનો વિષય છે. પ્રકરણ પાંચમું તે સમયનો વ્યાકરણનો વિભાગ સ્પષ્ટ કરે છે જે આજે કાલાતીત છે. પ્રકરણ ચાર, ઓગણત્રિસ અને ત્રીસ ગુજરાતી ભાષાનો ઐતિહાસિક દ્રષ્ટિએ અભ્યાસ કરનારને કેટલેક અંશે ઉપયોગી થાય એવા છે, તો બાકીના પ્રકરણો ગુજરાતી ભાષાના વ્યાકરણનો અભ્યાસ કરનારને કેટલેક અંશે ઉપયોગી થાય છે. પ્રકરણ ચારમાં એમણે જુદા જુદા સમયની કૃતિઓમાંથી ઘણા અવતરણો આપ્યા છે. મોટે ભાગે સમયાનુક્રમ નજર સામે રાખીને હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણથી માંડીને ઇ.સ. ૧૬૫૦ સુધીની કૃતિઓના અવતરણ એમણે આપ્યા છે. એમાંથી તેમણે સમય જતાં ભાષાના વ્યાકરણમાં કેવી રીતે ફેરફાર થયા – શબ્દરૂપમાં, શબ્દરચનામાં, કાળમાં, પ્રયોગમાં એ બતાવવાનો છૂટક છૂટક પ્રયત્ન કર્યો છે. ગ્રંથમાંનાં બાકીના પ્રકરણોમાં પદ, વાક્યાર્થ, નામ, જાતિ (લિંગ), વચન, વિભક્તિ, કારક, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદના પ્રકારો, ધાતુના પ્રકારો, કૃદંત, કાળ, પ્રયોગ, ઉપસર્ગ, પૂર્વગ, અવ્યય, સમાસ, સંધિ, તદ્વિત-કૃત પ્રત્યયો, દ્વિરુક્ત શબ્દ, પદવિન્યાસ, વાક્યાર્થ અને વાક્ય-પૃથક્કરણ વગેરેનો સમાવેશ થાય છે. તેમાં ભાષાની ઉત્પત્તિ અને વિકાસ અંગેના કમલાશંકર ત્રિવેદીના સંશોધન વિશેની સમજ કેળવીશું.

ભાષાની ઉત્પત્તિ અને વિકાસ - કળી ન શકાય એવી દરેક ગૂઢ બાબતને દિવ્ય માનવાનો પ્રચાર પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે. જેમ જેમ કેળવણીની વૃદ્ધિ થાય છે તેમ તેમ એવી ઘણી ગૂઢ જણાતી બાબતના કારણ સમજાય છે એટલે તે દિવ્ય ગણાતી બંધ થાય છે. આ નિયમને અનુસારે, ભાષાની ઉત્પત્તિને પ્રાચીન પ્રજાઓ દિવ્ય માનતી; પરંતુ કાળક્રમે, જેમ બધી વસ્તુઓમાં કાર્યકારણભાવનો સબંધ છે તેમ ભાષાની ઉત્પત્તિમાં પણ છે એમ સમજાવા માડયું. ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે જેમ જંગલી પ્રાણીની અવસ્થામાંથી ક્રમે ક્રમે સુધરી મનુષ્ય હાલની સ્થિતિએ પહોંચ્યો, તેમ તેનો ધ્વનિ પ્રથમ ગુંચવણ ભરેલો હતો તે ધીમે ધીમે સુધરતો ગયો. મનુષ્યના શરીરના બંધારણમાં જ ભાષાનું બીજ રહેલું છે એમ સમજીએ તો આપણે કબૂલ કરવું જ પડશે કે જેમ જેમ તેની મગજશક્તિ અને ઉચ્ચારના અવયવોનો વિકાસ થતો ગયો તેમ તેમ તેની ભાષામાં સુધારો થતો ગયો. આ પ્રમાણે જેમ જેમ પ્રાણીમાંથી ક્રમે ક્રમે વિકાસ પામતાં મનુષ્યનું સ્વરૂપ બંધાતુ ગયું તેમ તેમ તેની ભાષા પણ વધારે વધારે સ્પષ્ટ થતી ગઈ અને ખીલવા માંડી. જંગલી પ્રદેશના વાનર જેવા મનુષ્ય નગ્ન સ્થિતિમાં પોતાના જ જેવી જંગલી સ્ત્રીઓની સાથે હાથમાં ચકમક લઈ જંગલમાં ફરતા અને આહારને અર્થે કોઈ વનસ્પતિ શોધતા ત્યારે તેમને ભાષાની બહુ જરૂર નહોતી. તેમનામાં આનંદનો કે શોકનો કોઈ આવેશ આવતો કે તેઓ તરત જ કુદરતની પ્રેરણાથી કંઈક નિશાનીથી કે હર્ષશોકના ઉદ્દગારથી આવેશ દર્શાવતા. પરંતુ જેમ જેમ તેમની સ્થિતિ સુધરતી ગઈ, તેઓ વસ્તુઓનું નિરીક્ષણ કરતા ગયા અને તેના ધર્મો વિચારવા લાગ્યા, જે જે પદાર્થમાં મુખ્ય ધર્મ સરખા જોયા તે તે પદાર્થના જુદા જુદા વર્ગ બંધાતા ગયા, એક વર્ગના પદાર્થને અન્ય વર્ગના પદાર્થથી ઓળખતા ગયા, તેમના મન પર પ્રત્યક્ષ જ્ઞાનથી થયેલા સંસ્કાર સદૃશ વસ્તુના દર્શન કે શ્રવણથી જાગૃત થતાં ગયા અને એ રીતે તેમની સ્મરણશક્તિ કેળવાતી ગઈ, તેમ તેમ ભાષાની વધારે વધારે જરૂર પડતી ગઈ. વળી તેમના મનમાં જે વિચાર ઉદભવ્યા તે અન્યને દર્શાવવાની જ્યાં સુધી જરૂર પડી નહીં ત્યાં સુધી ભાષાની બહુ જરૂર પડી નહીં; માટે ઘર, કુટુંબ અને સમાજના બંધારણમાં જ ભાષાની ઉત્પત્તિનું બીજ રહેલું છે.

કેટલાક વિદ્વાનો ભાષાની ઉત્પત્તિને અગ્નિની શોધ સાથે સબંધ છે એમ કહે છે. અગ્નિની શોધથી આશ્ચર્ય પામી ચૂલાની આસપાસ બેઠેલા માણસોએ પોતાની આશ્ચર્યની લાગણી પરસ્પર પ્રત્યે ચેષ્ટા અને બૂમો વડે દર્શાવવા પ્રયત્ન કર્યો હશે અને તેમનાં મુખમાંથી અનેક પ્રકારના ધ્વનિ નીકળ્યા હશે. આ પ્રમાણે આકસ્મિક રીતે શબ્દોનો આર્વિભાવ થયો એમ એ વિદ્વાનોનું માનવું છે. જંગલી લોકોની વાણી અવ્યાકૃત-સ્પષ્ટતા અને વિકાસ વગરની અને અપૂર્ણ જ હોય છે, તેથી તેમને ચેષ્ટાની મદદ લેવી પડે છે અને તેમ કરે છે ત્યારે તેઓ એક બીજાને પોતાનો ભાવ સમજાવી શકે છે.

શબ્દના પ્રકારો વિશે તેઓ જણાવે છે કે શબ્દના બે પ્રકાર છે, ધ્વનિમય અને વર્ણમય. પશુઓનો શબ્દ ધ્વનિમય અને આપણો વર્ણમય છે. વિવિધ પ્રાણીઓના અવાજોમાં હસ્વ કે દીર્ઘ, અનુનાસિક કે અનનુનાસિક ઓળખી શકાય છે. વળી પ્રાણીઓના શબ્દોમાં કેટલાક સુસવાટ ને ધ્રૂજારાના અવાજ ઘણા સામાન્ય છે. ખરા વ્યંજન, એટલે અંત:સ્થ સિવાય બધાં વ્યંજન બાતલ કરતાં તમામ વર્ણ પ્રાણીના અવાજમાં જોવા મળે છે. કાગડાઓ કા કા કરે છે અને બકરાં બેં બેં કરે છે, આ ઉચ્ચારમાં વ્યંજન છે એમ લાગે છે; પરંતુ એ ઉચ્ચારમાં વ્યંજન નથી. કાગડા કા કા નથી કરતાં અને બકરાં બેં બેં નથી કરતાં. પરંતુ એ વ્યંજનને મળતા વર્ણ તેઓ ઉચ્ચારે છે. તેઓ વ્યક્ત ધ્વનિને એટલે વર્ણને મળતો અવાજ કરે છે; પરંતુ વર્ણનો ઉચ્ચાર કરી શકતા નથી એમ કેટલાક ભાષાશાસ્ત્રીઓનું માનવું છે.

એકના એક અવાજને જારી રાખવો, તેની પુનરુક્તિ કરવી, તેને ઊંચોનીચો કરવો- આ જુદી જુદી લાગણીઓ દર્શાવવાના આરંભના પ્રયત્ન છે. ઘાંટામાં ફેરફાર કરવાથી ઉચ્ચારસ્થાન કેળવાય છે. આ પ્રમાણે હર્ષ કે શોકના પ્રકાર, તૃષ્ણા, ભય, આરોગ્ય, રોગ, ક્ષુધા, તૃષા, ગરમીના ઓછાવત્તા અંશ- એ બધું અવાજથી દર્શાવી શકાય છે. આપણે જોઈએ છીએ કે કુતરા પોતાના અવાજથી લાગણી સ્પષ્ટ રીતે બતાવી શકે છે. તે પોતાના શત્રુને અને મિત્રને ઓળખે છે. અજાણ્યા માણસને જોતાની સાથે જ ભસવા લાગે છે.

ધ્વનિ અને કેવળપ્રયોગી અવ્યય જોઈએ તો ઘણી ભાષામાં કેવળપ્રયોગી અવ્યય સામાન્ય છે – Ah! Oh! Eh! ( આહ! ઓહ! એહ! ) હર્ષ, શોક, ભય, ઈચ્છા, શંકા - એવી લાગણીઓથી એ અવ્યય ઉત્પન્ન થયા છે અને એ લાગણી દર્શાવવા હજી પણ પૂરતાં છે. જેમ જેમ મનુષ્યની માનસિક શક્તિનો વિકાસ વધતો ગયો અને જરૂરિયાતો વધતી ગઈ, તેમ તેમ એ અવાજના સ્વરૂપમાં ફેરફાર થતો ગયો. આરંભમાં એ ધ્વનિ કેવળપ્રયોગી અવ્યયના સ્વરૂપમાં હતા, તેને બદલે તેમાં અક્ષરો ઉમેરાઈ મોટા શબ્દ બન્યા. ‘એ’, ‘ઈ’, અને ‘ઉ’ જેવા સાદા વર્ણ માત્ર ઉદગારરૂપ છે; પરંતુ બધી ઇંડો-યુરોપીયન ભાષામાં તેમાંથી ઘણા શબ્દ બન્યા છે. હસ્વ- દીર્ઘના ભેદથી, સંમીલનથી અને એવી બીજી રીતે તેના કેટલાંક સર્વનામ અને ક્રિયાપદ બન્યા છે. તે ગતિ, સ્થળ, અભાવ વગેરે દર્શાવે છે. કોઈપણ શબ્દ પર ભાર મૂકવા આપણે દ્વિર્ભાવ કરીએ છીએ. જા જા, આવ આવ, દૂર દૂર, મામા, દાદા વગેરે શબ્દ ઘણી ભાષાઓમાં જોવા મળે છે. આવી અનેક રીતે એકાક્ષરી શબ્દમાં વૃદ્ધિ થાય છે. ચીની ભાષામાં ૪૦,૦૦૦ એકસ્વરી શબ્દ છે. બીજી ભાષામાં બીજી ઉક્તિઓ વપરાઈ છે. એકસ્વરી શબ્દનો વધારો કરવા માટે એકબીજા સાથે શબ્દો જોડવામાં આવે છે. જોડાયેલા શબ્દ પ્રત્યયરૂપ બન્યા છે. આથી વ્યાકરણના રૂપની વૃદ્ધિ થતી ગઈ છે. આ પ્રમાણે આરંભમાં પ્રજાનો શબ્દકોષ બને છે. સાદૃશ્ય જોઈ શબ્દ વાપરવાથી, આખા વર્ગને લાગુ પડે એવા જાતિવાચક શબ્દ બનાવવાથી અને બુદ્ધિનો ઉપયોગ કરી કેટલાક શબ્દોને પ્રત્યયો જેવા ગણી તે વડે અને ઉપસર્ગ વડે અનેક નવા શબ્દ ઘડવાથી વૈયાકરણ જેને પદચ્છેદ કહે છે તેવો પદોનો સંપૂર્ણ વર્ગ માણસ બનાવે છે અને જરૂરિયાત પ્રમાણે શબ્દકોષમાં વૃદ્ધિ કરે છે.

ભાષા : પ્રકાર

ભાષાના બંધારણ પ્રમાણે ચાર પ્રકાર થાય છે. ૧. પ્રત્યયરહિતા ૨. સમાસાત્મિકા ૩. પ્રત્યયાત્મિકા ૪. પ્રત્યયલુપ્તા

૧. પ્રત્યયરહિતા –

આ પ્રકારની ભાષામાં પૂર્વગ કે પ્રત્યય નથી. તેમજ જુદા જુદા પદચ્છેદ માટે જુદા જુદા પદ નથી. એકનું એક પદ જ સ્થાન પ્રમાણે નામ, વિશેષણ, ક્રિયાપદ વગેરે બને છે. ધાતુઓ જ કંઈ પણ ફેરફાર વિના પદ તરીકે વપરાય છે. બધા શબ્દ એકસ્વરી છે. શબ્દને પ્રત્યય લાગતા નથી અને તેના વાક્ય બને છે ત્યારે એક જ શબ્દ વાક્યમાં સ્થળ પ્રમાણે નામ, ક્રિયાપદ કે વિશેષણ તરીકે ગણાય છે. આ કારણથી એ પ્રકારની ભાષા પ્રત્યયરહિતા, એકસ્વરી કે ક્રમાનુસારિણી કહેવાય છે. ચીની ભાષા આ પ્રકારમાં આવે છે. તેમાં પ્રત્યેક શબ્દ એકસ્વરી હોય છે. કંઈ પણ ફેરફાર વગર એકનો એક શબ્દ નામ, ક્રિયાપદ, વિશેષણ, ક્રિયાવિશેષણ કે અવ્યય તરીકે વપરાય છે. ચીની ભાષામાં એક જ શબ્દના અનેક અર્થ થાય છે. જેમ કે, ‘ટાઓ’ નો અર્થ ફાડવું, પહોંચવું, ઢાંકવું, વાવટો, અનાજ, રસ્તો વગેરે થાય છે. તેમ જ ‘લ’ નો અર્થ રત્ન, ઝાકળ, ઘડવું, ગાડી, બાજુ પર જવું, રસ્તો વગેરે થાય છે. શબ્દના અર્થ બે રીતે નક્કી થાય છે : ૧. પર્યાય શબ્દ સાથે મૂકવામાં આવે છે; જેમ કે ઉપર દર્શાવ્યા પ્રમાણે ‘ટાઓ’ અને ‘લૂ’ ના અનેક અર્થ થાય છે, પણ બંને સાથે મૂકવાથી ‘તાઓ’નો અર્થ રસ્તો જ રહે છે. ૨. સ્થાનથી અર્થ નક્કી થાય છે. ‘ટા’માં ઊંચાઈનો અર્થ છે. એને કોઈ શબ્દની પહેલાં મૂક્યો હોય તો તે વિશેષણ બને છે અને કોઈ શબ્દની પછી મૂક્યો હોય તો ક્રિયાપદ થાય છે. જેમાં કે ‘ટા જિન’ = ઊંચો માણસ; પણ ‘જિન ટા’ = માણસ વધે છે; કે માણસ ઊંચો છે. ‘ટા’, ‘લિ’ વગેરે શબ્દોના અનેક અર્થ છે. ‘ટા’ = ઊંચા કે મોટા થવું, મોટાઈ, ઊંચાઈ, ઊંચી રીતે. ‘લિ’ = હળ, હળ ખેંચનાર બળદ. અમુક શબ્દ નામ, ક્રિયાપદ કે અવ્યય છે તે ઉપર દર્શાવ્યા પ્રમાણે વાક્યમાં તેના સ્થાન પરથી નક્કી થાય છે.

૨. સમાસાત્મિકા –

આ પ્રકારની ભાષાઓમાં બે મૂળ શબ્દને પ્રત્યય લગાડયા વિના એકઠા કરી સમસ્ત શબ્દ બનાવવામાં આવે છે. આ સમાસમાં એક મૂળ શબ્દ અન્યને ગૌણ થાય છે. ‘મનુષ્યજાત’, ‘યુદ્ધસમ’ જેવા આ પ્રકારે બની ભાષામાં વપરાય છે. ભાષાના આ વિકાસક્રમમાં કેટલાક શબ્દ નામ અને ક્રિયાપદ તરીકે વપરાતા બંધ થઈ ગયા હોય છે. તે નામની સાથે જોડાઈ વિભક્તિના પ્રત્યયની અને ક્રિયાપદની સાથે જોડાઈ કાળ કે અર્થના પ્રત્યયની ગરજ સારે છે. આવી ભાષાઓને સમાસાત્મિકા કે સંયોગાત્મિકા કહી શકાય. તુર્કી ભાષા એવી છે. બાસ્ક અને અમેરિકાના મૂળ વતનની ભાષાઓ પણ આવી છે. બાસ્કમાં જે મૂળ શબ્દ એકઠા કરવામાં આવે છે તેને ટૂંકા કરવામાં આવે છે. ‘હિલ’ = મરણ પામેલું; ‘એગન’ = દિવસ; આ બે શબ્દોને ભેગા કરી ‘ઈલ્હન’ શબ્દ બનાવે છે, તેનો અર્થ ‘સંધ્યાકાળ’ એવો થાય છે.

તુર્કી ભાષામાં ‘ચહાવું’ને માટે ‘સેવ’ શબ્દ છે. ‘એર’ શબ્દ ગૌણ છે; એથી વિશેષણ કે કૃદંત બને છે. બેનો સમાસ કરવાથી ‘સેવ-એર’ શબ્દ બને છે અને તેનો અર્થ ‘ચહાતો’ એવો થાય છે. ‘સેન’ એટલે ‘તું’ અને ‘સીઝ’ = ‘તમે’. ‘સેવ-એર-સેન’ = તું ચહાય છે; ‘સેવ-એર-સીઝ’ = તમે ચહાઓ છો.

‘સેવ એર’ એ અંગ અને પુરુષવાચક પ્રત્યયની વચ્ચે ‘ડી’ મૂકવાથી ભૂતકાળ બને છે; જેમ કે –
સેવએર-ડિ-ન = તું ચહાતો હતો.
સેવએર-ડિ-નિઝ = તમે ચહાતા હતા.
‘મેક’ એ હેત્વર્થ કૃદંતનું ચિહ્ન છે; ‘સેવ-મેક’ = ચાહવું.

વળી શબ્દના બે ભાગની વચ્ચે પ્રેરક, અભાવ, પરસ્પર ક્રિયા કરવી, ક્રિયા ખમવી, એવા અર્થના શબ્દ મૂકી એક મોટો શબ્દ બનાવી શકાય છે. આ પ્રકારમાં સાદામાં સાદીથી તે ગુચવણમાં ગૂંચવણભરેલી ભાષાઓ આવેલી છે. જાપાનીઝ ભાષા સાદી છે. બાસ્ક ભાષા ગૂંચવણભરેલી છે. ગિનીના કિનારા પર બોલાતી ભાષાઓ નિર્માલ્ય છે. કેટલીક તુર્કી જેવી સમૃદ્ધ છે, કેટલીકમાં ઉમેરેલા શબ્દ પ્રત્યય તરીકે અને કેટલીકમાં ઉપસર્ગ તરીકે વપરાય છે. કેટલીકમાં જાતી નથી અને કેટલીકમાં વચન નથી. બધી સામાસિક ભાષાઓમાં, ખરું જોઈએ તો ક્રિયાપદ છે જ નહિ. પુરૂષવાચક, સ્થળવાચક કે કાળવાચક પ્રત્યયથી દરેક નામ કે વિશેષણ ક્રિયાપદનું સ્વરૂપ ધારણ કરે છે.

૩. પ્રત્યયાત્મિકા –

આ પ્રકારમાં ધાતુને પત્યય આવી શબ્દ બને; તેમજ ધાતુઓની પૂર્વે ઉપસર્ગ આવે છે. ભાષાના આ વિકાસક્રમમાં, જોડેલા અવ્યય જુદા પડી શકતાં નથી, પરંતુ શબ્દના અંશરૂપ થઈ પ્રત્યયોની ગરજ સારે છે. આ કારણથી આવી ભાષાઓ પ્રત્યયાત્મિકા કહેવાય છે. આ વર્ગમાં ઈંડો-યુરોપીયન ભાષા-સંસ્કૃત, ગ્રીક, લેટિન, જર્મન વગેરે અને સેમેટિક ભાષા - હિબ્રુ, અરબી વગેરે આવે છે. ઈંડો-યુરોપીયન અને સેમેટિક ભાષાઓમાં પ્રત્યયાત્મક ફેરફાર થાય છે તે સરખો નથી. ઈંડો-યુરોપીયન ભાષાઓમાં પ્રત્યયાત્મક વિકાર સ્વર તેમજ વ્યંજન બંનેને લાગુ પડે છે અને સેમેટિક ભાષાઓમાં ધાતુના વ્યંજનોમાં ફેરફાર થતો નથી.

ઈંડો-યુરોપીયન ભાષાઓમાં ધાતુઓ બહુધા એક સ્વરના હૉય છે કે ચાર સ્વર અને બે ત્રણ વ્યંજનોના બનેલા હોય છે. સેમેટિક ભાષાઓમાં ધાતુઓ ત્રણ વ્યંજનોના બનેલા હોય છે; જેમ કે, અરબી ભાષામાં કતલ = મારવું, કતબ = લખવું, દબર = બોલવું. વળી સ્વરો જોડાઈ ધાતુના અર્થમાં ફેર પડે છે; જેમ કે, કતલ = તેણે માર્યું; કુતિલ = તે મરાયો, કત્લ = ખૂન કરનાર; કિત્લ = શત્રુ; કિતલુ = ઘા. સેમેટિક ભાષાઓમાં ઉપસર્ગ અને પ્રત્યયોથી શબ્દો બને છે, પણ તેમાં પ્રત્યયો પર પ્રત્યયો આવતા નથી. તેમાં કૃદંતો પર તદ્વિતો આવી સાધિત શબ્દ પરથી પુનઃસાધિત શબ્દ બનતા નથી. સેમેટિક ભાષાઓમાં નામને ત્રણ જ વિભક્તિ હોય છે અને એટલી પણ એ વર્ગની બધી ભાષાઓમાં હોતી નથી. ઈંડો-યુરોપીયન ભાષામાં ત્રણ કાળ છે તેવા તેમાં ત્રણ કાળ નથી, માત્ર બે જ છે. એક સંપૂર્ણ થયેલી ક્રિયા અને બીજો અધૂરી ક્રિયા બતાવે છે. ક્રિયાપદના બીજાને ત્રીજા પુરુષના રૂપ કર્તા કયા લિંગમાં છે તે દર્શાવે છે.

૪. પ્રત્યયલુપ્તા –

ભાષાના ચોથા વિકાસક્રમમાં નિપાતો પ્રત્યયો તરીકે ઓળખાતા પણ નથી. આથી શબ્દ પ્રથમ ક્રમમાં હોય છે તેમ પ્રત્યયરહિત દેખાય છે અને પ્રત્યયની ગરજ સારવા નવીન, સાહાય્યકારક શબ્દ વાપરવા પડે છે. આ સ્થિતિને પ્રત્યયલુપ્તા કે વિભાગાત્મિકા કહી શકાય. અંગ્રેજી અને ફ્રેંચ ભાષા એવી છે. ચોથો ક્રમ બીજા ક્રમને કેટલેક અંશે મળતો આવે છે. એમાં પણ નિપાતો શબ્દની પૂર્વે કે પછી આવે છે. આથી, ઘણે સ્થળે વાક્યમાં શબ્દના સ્થળ પરથી તેનો અર્થ સમજાય છે. અંગ્રેજીમાં of, to, in, for એ શબ્દોથી જુદા છે; પરંતુ એ શબ્દ એકલા વાપરી શકાતા નથી, કેમ કે એકલા એ શબ્દોનો કોઈ અર્થ થતો નથી. શબ્દોના યોગમાં વપરાય છે ત્યારે જ એ અર્થનો બોધ કરે છે. અંગ્રેજી જેવી ચોથા ક્રમની વિભાગાત્મિક ભાષામાં પણ ત્રીજા ક્રમના અંશ ક્વચિત કવચિત જોવા મળે છે. નામનું બહુવચન ક્રિયાપદનું બીજા અને ત્રીજા પુરુષનું એકવચન, છઠ્ઠી વિભક્તિ અને વિશેષણના તુલનાત્મક રૂપ પ્રત્યયોથી દર્શાવાય છે.

ભાષા : ઐતિહાસિક દૃષ્ટિએ વિભાગ

ઈંડો-યુરોપીયન ભાષા – ભાષાવિજ્ઞાનીઓએ દુનિયાની ભાષાઓના શાસ્ત્રીય અભ્યાસથી એવું સંશોધન કર્યું છે કે ઈ.સ.ની પૂર્વે લગભગ ૨૦૦૦ વર્ષ ઉપર એશિયાના મધ્ય ભાગમાં આર્ય લોકો રહેતા હતા. તેમનું સામાન્ય વસતિસ્થાન ખોકન્ડ અને બદનક્ષના ડુંગરોમાં હતું. એ પ્રજાનો પ્રાચીન ઇતિહાસ નથી; પરંતુ ભાષાશાસ્ત્રીઓની શોધથી એવું નક્કી થઈ ચૂક્યું છે કે આર્ય પ્રજાની શાખાઓ મૂળ સ્થાનમાંથી એશિયા અને યુરોપના જુદા જુદા ભાગોમાં ફેલાઈ તે પહેલા ઘણી સુધરેલી સ્થિતિમાં હતી. ખેતીમાં અને શસ્ત્રો બનાવવામાં તેઓ કુશળ હતાં. તેમને ૧૦૦ સુધી સંખ્યાજ્ઞાન હતું. તેઓ કાળની ગણના ચંદ્રની ગતિને આધારે કરતાં. સ્ત્રીઓને વધારે મહત્વ અપાતું અને અનેક ટોળીઓમાં વહેંચાયેલા હતાં. તેમની ભાષાને વિદ્વાનોએ આર્યભાષા કે ઈંડો-યુરોપીયન ભાષા કહી છે. આઇસલેંડથી છેક ગંગા નદીના કિનારા સુધી અને સ્વીડનથી ક્રિટ સુધી આર્યપ્રજાની શાખાઓ પ્રસરી હતી. એશિયાના ભાગોમાં અફધાનિસ્તાન, હિંદુસ્તાન, ઈરાન અને આર્મેનિયા, રશિયાનો પોણો ભાગ, સ્વીડનનો અને નોર્વેનો ઘણો ખરો પ્રદેશ અને બાસ્ક, હંગેરિ ને તુર્કસ્તાન સિવાય યુરોપના બધા ભાગમાં ઈંડો-યુરોપીયન પ્રજાની જુદી જુદી ટોળીઓ ફેલાઈ ગઈ હતી. ભારતમાં આર્યો પ્રથમ સિંધુ નદીના કાંઠે વસ્યા. પછી ધીરે ધીરે સમગ્ર દેશમાં ફરી વળે છે. તેમના નામ પરથી હિમાલય અને વિંધ્યાચળનો વચલો પ્રદેશનું નામ આર્યાવ્રત કહેવાયું. ઈંડો-યુરોપીયન પ્રજાની એકતા તેના વ્યાકરણ અને શબ્દકોષ પરથી સ્પષ્ટ થાય છે.

ઈંડો-યુરોપીયન ભાષાઓના મુખ્ય બે વિભાગ છે. ૧. એશિયાનો વિભાગ અને ૨. યુરોપનો વિભાગ

૧. એશિયાનો વિભાગ – એશિયાના વિભાગમાં નીચેની ભાષાઓનો સમાવેશ થાય છે.
(૧) હિંદુસ્તાનની ભાષાઓ
1. સંસ્કૃત
2. પાલી, પ્રાકૃત, અપભ્રંશ
3. દેશી ભાષાઓ – હિન્દી, બંગાળી, ઉત્કલી, મરાઠી, ગુજરાતી, સિંધી, પંજાબી

જિપ્સિ લોકો મૂળ હિંદુસ્તાનના વતની હતા. તેઓ ઈરાન, આર્મિર્નિયા, ગ્રીસ, રોમાનિયા, હંગેરિ ને બોહિમિઆને માર્ગે બારમા સૈકામાં યુરોપમાં પેઠા.

(૨) ઈરાનની ભાષાઓ
1) ઝન્દ કે અવેસ્તા – જરથુસ્તના અનુયાયીઓની પ્રાચીન ભાષા. ઝન્દ અવેસ્તા નામના પ્રાચીન ગ્રંથમાં એ ભાષા છે.
2) દયારસ, કસકર્સીસ, અને તેમના વંશજોના (એકીમીનિડ વંશના) સમયના પ્રાચીન લેખોની ભાષા (ઈ.સ. પૂર્વે લગભગ પાંચમા સૈકાની)
3) પહેલ્વી (સસ્સાનિઅન વંશની ભાષા, ઈ.સ. ૨૨૬-૬૫૧ સુધીની)
4) ફારસી ( પહેલ્વી કરતાં વધારે પૂર્વ તરફના ભાગમાં બોલાતી ભાષા, મુસલમાનોએ ઈરાન જીત્યું તે સમયની)
5) અર્વાચીન ફારસી (પ્રાચીન ફારસીમાં ને એમાં બહુ ફેર નથી. મુસલમાનોના વિજય પછીની ભાષા. એમાં ફિર્દુસીએ ‘શાહનામું’ લખ્યું છે.)

આર્મીનિયન ભાષા, અફગાન ભાષા, કૉકેસસ, બોખારા, ઈરાન, તુર્કસ્તાન ને રશિયાની સરહદ પરના ડુંગરી લોકોની ભાષાઓ સંસ્કૃત કે ફારસીને મળતી છે.

૨. યુરોપનો વિભાગ – યુરોપના વિભાગની ઈંડો-યુરોપીયન ભાષામાં નીચેની ભાષાઓનો સમાવેશ થાય છે.
(અ) ટ્યૂટોનિક ભાષાઓ : એના ત્રણ ઉપવિભાગ છે.
1. લો જર્મન – અંગ્રેજી, ડચ, ફ્લેમિશ
2. હાઇ જર્મન – જર્મન
3. સ્કેન્ડિનેવિઅન – આઇસલેન્ડિક, સ્વિડિશ, ડેનિશ, નોર્વિજીયન

(આ) કેલ્ટિક ભાષાઓ :
1. બેસ-બ્રિટન કે આર્મોરિકન
2. વેલ્શ
3. આયરીશ
4. ગેલિક (સ્કોટલેન્ડના ડુંગરી પ્રદેશોમાં બોલાતી)
5. મૅક્સ (મેનના ટાપુમાં બોલાતી ભાષા)

(ઇ) ઇટેલિક ભાષાઓ :
1. લેટિન, અસ્કન (દક્ષિણ ઇટાલીની પ્રાચીન ભાષા), અંબ્રિઅન (ઈશાન કોણના ઇટાલીની પ્રાચીન ભાષા), સેબાઈન.
2. લેટિન પરથી નીકળેલી રોમાન્સ ભાષા-ઇટેલિઅન, ફ્રેંચ, પ્રોવેન્કલ, સ્પેનિશ, પોર્ટુગીઝ, રિટોરોમેનિક (દક્ષિણ સ્વિટ્ઝરલેન્ડની), વોલેચિઅન (વોલેચીઆ અને મોલ્ડેવિઆ નામના તુર્કસ્તાનના ઉત્તર પ્રાંતોમાં બોલાતી ભાષા)

(ઈ) હેલેનિક ભાષાઓ :
1.પ્રાચીન ગ્રીક (એમાં એટિક, આયોનિક, ડોરીક અને ઇઓલિક બોલીઓનો સમાવેશ થાય છે.
2.અર્વાચીન ગ્રીક (ઘણી પ્રાન્તિક બોલીઓ સાથે)

(ઉ) સ્લેવોનીક ભાષાઓ :
1. અગ્નિકોણની સ્લેવોનીક – રશિયન, ઇલિરિક (એમાં સર્વિઅન, ક્રોએટિઅન અને કેરીન્થિઆ ને સ્ટિરિયાની સ્લોવેનિયન ભાષાઓ આવે છે.)
2. પશ્ચિમ તરફની સ્લેનોવિક – પોલિશ, બોહિમિઅન, પોલેબિઅન, (એલ્બ નદી પર) સ્લોવેકિઅન ને સોર્બિઅન (લ્યુસેટિઅન બોલીઓ)

(ઊ) લેટિક ભાષાઓ :
પ્રાચીન પ્રશિઅન, લેટિન કે લિવોનિઅન (કુર્લડ ને લીવોનીઆમાં બોલાતી), લિથુએનિઅન (પૂર્વ પ્રશિયા અને રશિયાના કોવ્નો અને વિલ્નાના પ્રાતોમાં બોલાતી)

યુરોપની પ્રજાઓમાં યહૂદી લોકો, ફિન, લેપ, હંગેરિયન, અને તુર્ક લોકો આર્ય ભાષા બોલતા નથી.

સેમિટિક ભાષાઓ – ઈંડો-યુરોપીઅનથી ઊતરતી દુનિયામાં બોલાતી બીજી ભાષાઓ સેમિટિક ભાષાના વર્ગમાં આવે છે. એ વર્ગમાં નીચેની ભાષાઓનો સમાવેશ થાય છે.

1. પ્રાચીન અને અર્વાચીન સિરિયાની ભાષા,
2. આસિરિયા અને બાબિલનની ભાષા,
3. હિબ્રુ, ફિનિશિઅન, સમેરિટન, કાર્થેજિનિઅન કે પ્યુનિક ભાષા
4. અરબી, માલ્ટાની ને એબિસિનિઆની ભાષાઓ.

અન્ય ભાષાઓ – ઈંડો-યુરોપીઅન અને સેમિટિક સિવાયની દુનિયાની ભાષાઓ નીચેના વર્ગમાં આવે છે :
1.યુરલ, આલ્તાઈની; (અ) હંગેરિઅન, (આ) ફિનિશ અને લેપિસ, (ઇ) સેમોયની પ્રાન્તિક ભાષાઓ, (ઈ) તુર્કી, (ઉ) મોંગોલિઅન બોલીઓ, (ઊ) તુંગુસિઅન બોલીઓ;
2.(અ) દ્રાવિડ – તામિલ, તેલુગુ, મલયાલમ, કાનડી; (આ) એશિયાના ઈશાન કોણની ભાષાઓ – મલાક્કા, જાવા, સુમાત્રા, મેલેનિશિયાની ભાષાઓ; (ઇ) જાપાનીઝ અને લુ-ચુની બોલી; (ઈ) મલાયા - પોલિનિશિઆની ભાષાઓ – મલાક્કા, જાવા, સુમાત્રા, મેલનિસિઆની ભાષાઓ; (ઉ) કોકેસિઅન બોલીઓ (જ્યોર્જિઅન વગેરે);
3.દક્ષિણની આફ્રિકાની બોલીઓ – (૧), (૨) ને (૩) ભાષાઓનું બંધારણ વિચારતાં તે સમાસાત્મિકા છે.
4.(અ) ચીની ભાષા; (આ) ઈંડો-ચાઈનાની ભાષા (સીઆમી, બર્મીઝ, આનામીઝ, કામ્બોડિયન વગેરે); (ઇ) ટિબેટન. આ ભાષાઓ પ્રત્યયરહિતા કે એકસ્વરી છે.
5.(અ) બાસ્ક; (આ) ઉત્તર ને દક્ષિણ અમેરિકાના અસલ વતનીઓની ભાષા.

આમ, કમલાશંકર પ્રાણશંકર ત્રિવેદીના ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ ગ્રંથમાં ગુજરાતી ભાષાની કાળક્રમે કેવી રીતે ઉત્પત્તિ થઈ, આર્યો એશિયામાં અને પછી ભારતમાં કેવી રીતે આવીને વસ્યા, તેમણે ક્યાં કયાં વસવાટ કર્યો તેની માહિતી મળે છે. તો સાથો સાથ ઈંડો-યુરોપીયન, સેમેટિક, ચીની, તુર્કી અને બીજી અનેક ભાષાઓના લક્ષણો, તેમના રહેઠાણના વિસ્તારો વગેરેની વાત કરી છે. અને સમગ્ર વિશ્વની ભાષાઓના અલગ અલગ વિભાગો પાડીને સંક્ષિપ્તમાં સમજ આપી છે. આમ, કે. પી. ત્રિવેદીનું ભાષા અંગેનું આ સંશોધન ભવિષ્યમાં ઉપયોગી થાય એવું છે.

સંદર્ભગ્રંથ :

  1. ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ, લે-કમલાશંકર પ્રાણશંકર ત્રિવેદી, પ્રકાશક-બાબુભાઈ એચ. શાહ, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, પુનઃ મુદ્રણ -૨૦૧૨
  2. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ-૩ (દલપતરામથી કલાપી), પ્રકાશક-ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, ચોથી આવૃત્તિ-૨૦૧૭
  3. https://en.wikipedia.org
  4. ગુજરાતી વ્યાકરણના બસો વર્ષ, લે-ઉર્મિ ઘનશ્યામ દેસાઈ, પ્રકાશક- બાબુભાઈ એચ. શાહ, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ – ૨૦૧૪

સુનિલ જે. પરમાર, પીએચ.ડી. રિસર્ચ ફેલો, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, આણંદ-૩૮૮૧૨૦ મો – ૯૫૮૬૬૮૭૮૫૦ Sunilparmar1709@gmail.com