Download this page in

‘શારદા’ સામયિકમાં પ્રકાશિત ગુજરાતનું લોકસાહિત્ય

લોકસાહિત્યના સંશોધક-સંપાદક તરીકે જાણીતા ગોકુલદાસ રાયચુરાના તંત્રીપદે ‘શારદા’ સામયિક ઈ.સ. ૧૯૨૪માં શરૂ થયું. તેમણે શેરબજારનો ધીખતો ધંધો છોડી લોકસાહિત્ય માટે જીવન સમર્પિત કર્યું અને ‘શારદા’ દ્વારા લોકસેવા અને લોકસાહિત્યના પ્રસારનું કાર્ય કર્યું. છેલ્લા વર્ષોમાં એ વડોદરામાં ખસેડાયું હતું અને ત્યાંના ‘લોહાણામિત્ર’ સ્ટીમ પ્રેસમાં છપાયું હતું. ‘શારદા’ સામયિકમાં અન્ય વિષયોના લેખોની સાથે લોકસાહિત્યના લેખો સારા પ્રમાણમાં મળે છે. તેમાં લોકકથા, લોકગીત, કહેવતો, દુહા અને અન્ય ભાષાના લોકસાહિત્યની અનુવાદિત કૃતિઓ વિષયક લેખો પ્રાપ્ત થાય છે. ઈ.સ. ૧૯૪૯-૫૦માં ગોકુલદાસ દ્વારકાદાસ રાયચુરા અને કૃષ્ણરાજ ગોકુલદાસ રાયચુરાએ ‘શારદા’ના જુદા-જુદા વિશેષાંક બહાર પાડ્યા છે તેમાં લેખને અનુરૂપ ચિત્રોની સાથે જે-તે સંપાદકોના ફોટા પણ આપ્યા છે. લોકસાહિત્યના વિશેષાંકમાં સમાવિષ્ટ લેખોની વાત કરીએ તો કુલ ૩૦ જેટલા લેખો પ્રાપ્ત થયા છે. ગોકુલદાસ રાયચુરા પોતે આ સામયિકના સંપાદક હતા તેથી તેમની પાસેથી મોટા પ્રમાણમાં લેખ મળ્યા છે. જૂન ૧૯૪૯ના વિશેષાંકમાં તેઓ ‘કાઠિયાવાડી દુહા’ આપે છે. તેમણે સંપાદન કરેલ દુહા ક્રમશઃ આ સામયિકના જુદા-જુદા અંકોમાં અસલ કાઠિયાવાડી બોલીમાં પ્રગટ થયા છે તથા તેમના અંતે અનુરૂપ ચિત્રો જોવા મળે છે. દુહાનું એક ઉદાહરણ જોઈએ :
“રહેવું એક જ રંગ,
કહેવું નહિ કૂડું કથન;
ચીતડું ઉજળું અંગ,
ભલા જે કોઈ ભેરીઆ.”

(હે ભેરીઆ ! જે માણસ ભલો હોય છે તેની રહેણીકરણી એક જ રંગની રહે છે, એ કોઈ દિવસ કોઈનું બૂરું બોલતો નથી અને એ સાફ દિલનો હોય છે.) તેમણે આપેલા દુહામાં સારા-નરસાનો ભેદ, જ્ઞાનની વાતો તથા ઉપદેશ જોવા મળે છે. આ જ અંકમાં કુ. બાકુંવરબા ‘મારવાડણનો વાંક’ લોકગીત આપે છે. તેમાં ‘મારવી’ પોતાના પતિ ઢોલાને સ્ત્રીસહજ મીઠી ફરિયાદ કરે છે એ આખી વાતને વણી લીધી છે. મારવીનો પતિ ‘મારવાડણ’ પરણી લાવ્યો છે. મારવીનું સીમંત હોય તેના પિયરિયાં આવ્યાં છે. મારવીનો વીર બેન માટે ઓખલિયાળી ભાતની ચૂંદડી લાવ્યો છે. મારવીએ ચોખાની ખીર કરી સગાં-કુટુંબ અને પિયરિયાંને જમાડ્યાં. બધાં જમ્યાં પણ નવપરણિત મારવાડણ શોક્ય ન જમી તેથી પોતાનું સારું નથી ઇચ્છતી એમ જાણી ઢોલા પાસે રાવ કરે છે. ઉદાહરણ જોઈએ :
“મારવી ઢોલા મારવાડણનો વાંક છે...
મારવી ઢોલા સગું કુટુંબ જમી રહ્યું,
મારવી ઢોલા જમી રહ્યાં મારાં પિયર રે...મારવી
મારવી ઢોલા વીર ને પિયુજી જમી રહ્યા;
મારવી ઢોલા ન જમી નભાઇ શોક્ય રે...”

જુલાઈ ૧૯૪૯ના લોકસાહિત્ય અંકમાં ‘કાઠિયાવાડના ભજનોનું સાહિત્ય’ શીર્ષક હેઠળ ‘વનરાઈએ વાટુ જુઓઃ’ એ ભજન રા. સુધાંશુ આપે છે, તેમાં રહેલ કાઠિયાવાડી બોલીના શબ્દો અને ‘રે’, ‘હોજી!’ જેવા લટકણિયાના કારણે ભજન વાચકોના મન પર અલગ છાપ પાડે છે. આ જ અંકમાં ‘લોકગીતમાં રામકથા’ લેખ ગોકુળદાસ રાયચુરા પાસેથી મળે છે. લોકમુખે કહેવાતી આ રામકથા પ્રાદેશિક બોલીમાં મળે છે તેથી રામાયણની કથાથી જુદી પડે છે. તેમાં પ્રસંગોની સાથે પાત્રોમાં ભિન્નતા જોવા મળે છે પણ રામનો વનવાસ, મૃગલાનો પ્રસંગ, સીતાનું વચન, રાવણનો જોગી વેશ જેવા પ્રસંગોમાં સામ્ય જોવા મળે છે. દરેક પ્રસંગને ટૂંકાણમાં વર્ણવ્યો છે. ‘સીતા હરણ’નું ઉદાહરણ જોઈએ:
“મરગ મારીને રામ આવિયા હો બહુચરી,
નાખ્યો મઢીની બહાર,
ઓ મારા લક્ષ્મણ બાંધવા હો બહુચરી,
ક્યાં ગઈ સીતા નાર?
ન માર્યો વનમાં મરગલો હો બહુચરી,
ન રાખી સીતા નાર,
રામ રૂએ લક્ષ્મણ રૂએ હો બહુચરી,
રૂએ સહુ પંખી જન.
એક હનુમાન ન રૂએ હો બહુચરી,
સુધ્ધ લાવ્યાની ઘણી હામ.”

મેલિયું, ભાળિયો, કટંબ, મરગલો, રૂએ, કને, મારિયા, મેલજો જેવા તળપદા શબ્દો આ રામકથામાં મળે છે. આ રીતે જુદી-જુદી ભાષા-બોલીમાં જે રામાયણ કે રામકથા મળે છે તેમાં વિસ્તાર અનુસાર જે-તે બોલી કે ભાષાની છાંટ જોવા મળતી હોય છે. ‘કાઠિયાવાડના લોકગીતોનું સાહિત્ય’ શીર્ષક હેઠળ ‘મામેરાનાં ગીતો’ મીઠાભાઈ પરસાણા આપે છે. આ લેખમાં મામેરાનું એક ગીત તથા આખો પ્રસંગ, એનો રિવાજ અને એનું મહત્ત્વ વગેરે બાબતો વિસ્તૃત રીતે આપી છે. મામેરિયા વીર વગરનો માંડવો સુનો રહી જશે અને સાસરિયાના મેણાં-ટોણાં સાંભળવા પડશે એ વિચારથી ઘડીક વાડામાં, રાંધણિયામાં તો ઘડીક છાણાના મોઢવાં ઉપર ચઢીને માવતારિયાના મારગ ઉપર નજર નાખતી નાયિકાની વાત છે. તેની વ્યાકુળતા વચ્ચે દૂરથી પિયરિયાની દિશામાં ધૂળની ડમરી ઊડતી જોઈ તેને આશા બંધાય છે અને લોકગીતમાં તેનું વર્ણન નાયિકા આ રીતે કરે છે.
“ઝબક્યાં ધોરીડાના શિંગ રે જેઠાણી
ઝબક્યાં વીરજીના મોળિયાં
ઝબક્યાં ભાભલડીના ચીર રે જેઠાણી
ઝબકી ભત્રીજાની ટોપીયું
આવતાં રે વીરે મારે સીમડી શણગારી,
સીમડીના ગોવાળી શણગારિયાં
આવતાં રે વીરે મારે વાડીયું શણગારી,
વાડીયુંના માળીડા શણગારિયાં.”

આ લોકગીતમાં નાયિકાના વીરે આવીને વાડીઓ, માળીડા સરોવર, પાણિયારી, ઝાપલો, ઢોલીડા, શેરીયું, માંડવો વગેરે શણગાર્યા છે. જેઠાણીને તો સાત ભાઈઓ પણ મારો તો એકલો એમ નાયિકા કહે છે. આ લોકગીતમાં જીવનના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રહેતા પ્રસંગોમાં વણાયેલી ઘરવખરીથી માંડીને કમાડ, ઝરૂખો, પછીત, ઓસરી, માંડવો, શેરી, ચોરો, ઝાંપો, નદી, સીમ, ઘર, ડુંગર વગેરેને વણી લીધાં છે. ‘મને કૃષ્ણ જોયાના કોડ’ લોકગીત મીરાંદેવી ન. ભોજણીએ સંપાદિત કર્યું છે. ગોપીભાવે જોવા મળતા આ ગીતમાં ગોપી પોતે શ્રીકૃષ્ણને સ્વામીરૂપે પામવા માગે છે. તે કહે છે કે,
“ગોકુળની ગોવાલણી
મથુરા મહી વેચવા જાય
આડા કાન ફરી વળ્યા
રે મારૂ સાસરું ગોકુળ ગામ
સહિયર ચાલો ને.”

ગોપી જશોમતી મારી સાસુ, સસરો તે શ્રીનંદલાલ ને કંઠ કોડીલો કાનજી એમ કહી જાણે શ્રીકૃષ્ણ જ એનો સાચો સ્વામી હોય એવો ભાવ આ ગીતમાં વ્યક્ત કરે છે.

‘મેવાસાનું નૃત્યગીત’ શંકરભાઈ સોમાભાઈ તડવી પાસેથી મળે છે. ડુંગરાળ પ્રદેશની ભીલ અને તડવી જાતિનું આ ગીત છે. કપાસની મોસમ બેસતાં ને ઉતરતાં રાત્રે ગામની છોકરીઓ ભેગી થઈને ગીત ગાય છે. તેઓ બે કે ત્રણનાં ઝૂમખે હાથના કંદોરા વડે એકમેકને સાંકળી લઈ, કડલાંના ઠમકારા સાથે નૃત્યગીતના વાતાવરણને સજીવન કરે છે. ક્યારેક તેઓ એકલવાયા જીવનથી કંટાળતી હોય ત્યારે તેની અંતર વેદના આવા ગીતોમાં વ્યક્ત કરે છે. ઉદાહરણ જોઈએ:
“કોંનમિયાં માંગાં આઇવાં, હો રાંમ ઝરમરિયું !
મા ! એ માંગાં નખે ઝીલે, હો રાંમ ઝરમરિયું !
મા ! ડુંગરીયે એકલાની છાપરી, હો રાંમ॰
મા ! દા’ડીની ડાંગર ખંડાવે-હો રાંમ॰
મા ! ડાંગરો ખાંડતાં નું આવડે-હો રાંમ॰
મા ! સાંબેલે સાંબેલે મારી-હો રામ॰”

આ ઉપરાંત જુલાઈ ૧૯૫૦ના ચોથા અંકમાં તેમની પાસેથી ‘ખાખેરાં ખમ્મ ખમ્મ બોલે રે’ અને ‘હાથોમેં સગડું, ગરગરિયાળું નાળિયેર’ જેવા બે લોકગીત મળે છે. ‘લોકકથાનું અધ્યયન’ના મૂળ લેખક શ્રી કૃષ્ણાનંદગુપ્ત છે. ગુજરાતી અનુવાદ રવિશંકર નરોત્તમદાસ પાઠક કરે છે. લેખની શરૂઆતમાં બૃહદ્કથા, કથા સરિત્સાગર, રામાયણનો ભરતવાળો પ્રસંગ, કાલિદાસના મેઘદૂત અને વસાવદત્તાની કથાની વાત કરી છે. ત્યારપછી લોકકથાના પ્રકાર ‘ગાથા’, ‘કહાની’ અને ‘દૃષ્ટાંત’ની વિસ્તારથી ચર્ચા કરી છે. ‘ગાથા’માં પંજાબના રાજા રસાલ અને બુંદેલખંડના રાજા કારસદેવની વાત કરી છે. આ બંને ગાથા પદ્યમાં મળે છે. આ ઉપરાંત કહાનીઓ અને દૃષ્ટાંતકથાની પણ વિસ્તારથી વાત આ લેખમાં કરી છે. આસામની ‘સાબર અને માછલી’વાળી કહાની ઉદાહરણરૂપે મૂકે છે. આગળ આ લેખમાં ચીન, તિબેટ, ઇરાન, ગ્રીસની કથાઓ સાથે ભારતીય કથાઓના સામ્યની ચર્ચા કરી છે. એક જ પ્રકારની વાર્તાઓ જુદા-જુદા દેશોમાં ફેલાયેલી મળે છે તેનું દૃષ્ટાંત ‘દૈત્ય યા દાનવની કન્યા’ લોકકથાથી આપ્યું છે. આ ઉપરાંત ઘણી કથાઓમાં સમાન મોટીફ કે કથાઘટક આવે છે જેમ કે, મનુષ્ય પક્ષીની બોલી સમજે, સંકટમાં પશુ-પક્ષી મદદ કરે, મૃત પુરુષનો આત્મા પશુ યા અન્ય મનુષ્યના શરીરમાં પ્રવેશે, મનુષ્યનું પથ્થરમાં રૂપાંતરણ વગેરે. આ જ રીતે લોકોની ટોળીઓ કે વેપારીઓ દ્વારા લોકવાર્તાઓ જુદા-જુદા દેશોમાં ફરતી રહી છે અને ત્યાંના લોકોની રુચિ અને કલ્પના અનુસાર નવી નવી રીતે પ્રગટતી રહી છે. આ રીતે વિસ્તરતી લોકકથાઓની આખી વાતને આ લેખમાં આવરી લીધી છે.

‘દંઢાવના લોકગીતો’નું સંપાદન ડી.ડી. બારોટે કર્યું છે. આ લેખની શરૂઆતમાં ‘રંગ’ રમાડવાના અને ‘ઠાગા’ રમવાના રિવાજની ચર્ચા કરી છે. દંઢાવના અશિક્ષિત ગણાતા ઠાકરડા, કોળી વગેરે હોળીના દિવસોમાં ‘ઠાગા’ રમે છે તેમજ કાઠિયાવાડમાં મેર, ચારણ તથા અન્ય લોકો નોરતાં(નવરાત્ર)માં નાચી ઊઠે છે. નાની બાલિકાઓના વ્રતગીતોથી લઈ જુદાં-જુદાં પ્રકારના સંપાદિત ગીતો આ લેખમાં સમાવિષ્ટ છે. ઉદાહરણ જોઈએ:
“આજ રે સપનામાં મીં તો સાચી સગડી દીઠી જો
ધગધગતું છાણું રે અમારા સપનામાં”
અર્થ: “સાચી સગડી એ તો અમારી શોક્ય જો
ધગધગતું છાણું રે અમારી પાડોશેણ.”

પ્રથમ પંક્તિમાં શોક્ય પ્રત્યે અંતર ઠાલવવાનો અવકાશ છુપાયો છે. તેમજ પાડોશણ તો ધગધગતું છાણું જ હોય છે. ઘરના નાના-મોટા ઝઘડામાં પાડોશણનો દોરીસંચાર હોય જ છે. આ ગરબામાં ગુરુ, ગુરુપત્ની, સાસુ-સસરા, જેઠ-જેઠાણી, દિયર-દેરાણી, પ્રિયતમ અને પોતે તથા છેવટે સગડીની જેમ હૃદય શેકતી અણદીઠ શોક્ય અને ધગધગતા છાણાંની જેમ ગમે ત્યાં આગ લગાડવા તૈયાર પડોશણ, આ બધાના સ્વભાવનું સરસ રીતે નિરૂપણ કર્યું છે. આ ગરબા પછી બાર મહિનાના દરેક મહિનાને અલગ-અલગ રીતે તેની ઋતુસુંદરતા વર્ણવતા તથા મનના ભાવોનું નિરૂપણ કરતાં ગીતોના ઉદાહરણ દ્વારા સરસ રજૂઆત કરી છે.
“લાલજી ફાગણ મહિને ફુલે સજાવું ઢોલિયા
-હો રાજ વે’લા આવજો રે”
“લાલજી શ્રાવણ મહિનો
મેહ્યા મોતીએ વરસિયો
-હો રાજ વે’લા આવજો રે”

આ રીતે લોકગીતોમાં શબ્દો કરતાં ગાવાની રીત વધારે આકર્ષક હોય છે. અંતમાં સંપાદકે જે જૂનાં ગીતો અને સંસ્કૃતિ વિસરાતી જાય છે, તેના બદલે ફેરફાર થયેલું નવું-નવું લોકસાહિત્ય આવે છે તે આખી વાત યુરોપના પહેરવેશના ઉદાહરણ દ્વારા કરી છે. ‘મહિયરના નોતરાં’ના સંપાદિકા બાકુંવરબા છે. આ લોકગીતમાં નાયિકાના પિયરથી સૈયરું સાથે નોતરાં આવે છે તેથી નાયિકાને નવરાત્રી ઉજવવા પિયરમાં જવાની ખૂબ ઇચ્છા છે પણ સાસરી પક્ષની રજા વગર તો જવાય નહીં આથી તે સસરા, સાસુ, દિયર-જેઠ, દેરાણી-જેઠાણી અને અંતે પરણ્યાને પૂછે છે. પરણ્યો નાયિકાને થોડી શિખામણ આપી પિયર જવાની રજા આપે છે તેનું એક ઉદાહરણ જોઈએ:
“સ્વામી મોરા ગરબે રમવા મેળો જો
ગરબડિયે રમીને વ્હેલાં આવશું –
ગોરાં મોરાં આછાં છાયલ ઓઢો જો
ગરબે રમીને વહેલાં આવજો
ગોરાં મોરાં હળવે ફુદડી ફરજો રે
ફેરડિયા ચડશે તો થાશો આકળાં.”

જુલાઈ ૧૯૪૯ના ચોથા અંકમાં ‘સિંધના સોઢા રજપૂતો’ લોકવાર્તા ધીરસિંહજી વ્હેરાભાઈ ગોહિલ આપે છે. પરમાર કુળની પાંત્રીશ શાખાઓમાંની એક શાખા સોઢા અને તેના વીરોના પરાક્રમો આલેખતા દુહાથી આ લેખની શરૂઆત કરી છે. ત્યારબાદ અંગ્રેજ સરકાર સામે વીરતાથી ઝઝૂમનાર રત્નસિંહ સોઢાની ગાથા આપી છે. તેમાં ૧૮૧૩માં સોઢા રાજપુતોનું રાજ્ય, મુસ્લિમોએ સોઢાઓ પર ચઢાઈ કરી અમરકોટ કબજે કર્યું, ૧૮૪૩માં અમરકોટ પર અંગ્રેજોનો અધિકાર, રાણા રત્નસિંહનો અંગ્રેજો સામે બળવો, બ્રિટિશ સામે ગોરીલા લડાઈ, અંતે રત્નસિંહને ફાંસીની સજા જેવા પ્રસંગો આવે છે. અંતે સોઢા રાજપૂતો જે પાછળથી ‘સિંધ’ કહેવાયા તેમને થરપારકરનો કેટલોક પ્રદેશ પાકિસ્તાનમાં જવાથી અવાર-જવારની જે મુશ્કેલી વધી તેના આખી વાત કરી છે.

ચોથા અંકમાં જ ‘કાઠિયાવાડની લોકવાર્તા’ શીર્ષક હેઠળ ‘ઉજીની લીમડી’ લોકવાર્તા મીઠાભાઈ પરસાણા પાસેથી મળે છે. લોકજીવનનો કરૂણ ચિતાર સાદી અને સરળ ભાષામાં આ લોકવાર્તામાં ઉતાર્યો છે. તેમાં માતા-પિતા વિનાના ઉકો અને ઉજી નામના બે ભાઈ-બહેનની વાત છે. શરૂઆતમાં નિષ્ઠુર કાકા-કાકીના ઘરે બંને ભાઈ-બહેનની દયાજનક સ્થિતિ, ઉકાના લગ્ન પછી ઉજીને ભાભી દ્વારા અપાતો ત્રાસ, પત્નીની કાનભંભેરણીથી ઉજીની હત્યા કરતો ઉકો, ઉકાનું માંદગીમાં સપડાવું, મૃત્યુ, હોલારૂપે પુનર્જન્મ, લીમડી પાસે આવીને રોજ બેસવું, લીમડીમાંથી આવતો ભેદી અવાજ, ગામલોકોને હકીકતની જાણ થવી, લીમડીને ‘ઉજીની લીમડી’ નામ આપવું વગેરે બનાવોની આસ-પાસ આખી લોકવાર્તા વણાયેલી છે. આ આખી લોકવાર્તાના મધ્યમવર્તી વિચારને આવરી લેતી કરૂણ કાવ્યપંક્તિ જોઈએ:
“કોણ હલાવે લીમડી, કોણ હલાવે પીપળી
(હું તો) ભાઈની મારેલ બેનડી, ભોજાઈની રંગેલ ચૂંદડી.”

વાંચીએ ત્યારે તેની પાછળ એવું કોઈ નિગુઢ તત્ત્વ રહેલું લાગે છે કે જે માણસની અંતરદૃષ્ટિનો જેટલા પ્રમાણમાં વિકાસ થયો હોય તેને હૈયાના ઊંડાણમાંથી બહાર ઉપસાવ્યા વગર રહેતું નથી.

૧૯૫૦નો જુલાઈનો ચોથો અંક લોકસાહિત્ય વિશેષાંક હતો. તેમાં ખૂબ પ્રચલિત કથાવસ્તુવાળી ‘સિંહાસનની વાર્તા’ રા. મયૂર પાસેથી મળે છે. તેમાં ભોજરાજાની ધારાનગરીમાં રહેતા બ્રાહ્મણ અને સોનારની વાર્તા છે. બંને મિત્રોનું અન્ય સ્થળે કમાવા જવું, બ્રાહ્મણનું રાજાના મહેલમાં રહેવું, સોનાર દ્વારા ચાર રત્નો ઘરે મોકલવા, સોનારની દાનત બગડવી, રત્નોને બદલે સોનાના ચાર સિક્કા બ્રાહ્મણીને આપવા, બ્રાહ્મણનું પાછા આવવું, સોનાર સામે ફરિયાદ, રાજાનો ન્યાય, સોનાર નિર્દોષ છૂટવો, ગામની બહાર રહેલા ગોપબાલોનો ન્યાય, રાજા સુધી વાત પહોચવી, જમીન ખોદતા બત્રીસ પૂતળીનું વિક્રમરાજાનું સિંહાસન મળવું વગેરે પ્રસંગો આ કથામાં આવે છે. ‘જાનવર’ નામની કથા શંભુપ્રાસાદ હરપ્રસાદ દેસાઈ આપે છે. આ આખી કથા રાધા, વીરા અને રબારીની આસપાસ વણાયેલી છે. અન્ય પાત્રોમાં વૃદ્ધા, દિવાન સાહેબ, રાજા, અભેસિંહ વગેરે આવે છે. જાનવરમાંથી મનુષ્ય બનાવતી રાધાનું પાત્ર મુખ્ય છે. સામત મંદબુદ્ધિ છે. તેને સાજો કરી ભણાવી ગણાવીને અંતે આખા શહેરના મુખ્ય દાણીની જગ્યા ઉપર નિમણૂક થાય એ યોગ્ય બનાવ્યો. આ રીતે રાધા, પતિ વીરાએ આપેલ બોલને પોતાના સંસ્કાર, આવડત અને પ્રેમાળ સ્વભાવથી ધર્મના માનેલ ભાઈ સામતને યોગ્ય સ્થાને પહોંચાડે છે.

‘લોકકવિ ઈસુરી’ એ લેખ રવિશંકર નરોત્તમદાસ પાઠક આપે છે. બુંદેલખંડના લોકકવિ ઈસુરીના જન્મ, બાળપણ, લગ્ન તથા તેના સાહિત્યની વાત કરી છે. કવિ ઈસુરીની કાવ્યરચના ‘ફાગ’ તરીકે પ્રસિદ્ધ છે. બુંદેલખંડના ગામડાંઓમાં હોળીપ્રસંગે ગવાતાં ગીત તે ‘ફાગ’. કવિ ઈસુરી પહેલા આવા કોઈ ફાગનું મહત્ત્વ નહોતું. તેમના ફાગમાં અનોખુ સૌંદર્ય, મધુર કોમળ વિચારો, રમણીય શબ્દરચના જોવા મળે છે. બુંદેલખંડમાં કવિ ઈસુરીના ફાગ ‘ચૌકડિયા’ નામથી પ્રસિદ્ધ છે કારણ કે બધા જ ફાગમાં ચાર-ચાર કડીઓ જોવા મળે છે જેમ કે,
“અબ રિતુ આઇ બસંત બહારન,
પાન પુલ ફળ ડારન;
બાગન બનન બંગલન બેલન,
બીથી બગર બજારન,
તપસી કુટી કંદરન માંહી
ગઇ બૈરાગ બિગારન
ઈસુર અંતકંત ઘર જિનકે
તિને દેત દુઃખ દારૂન.”

આ ફાગ વર્ણાનુપ્રાસ અને શબ્દાનુપ્રાસથી ભાવકના મન પર ઊંડી અસર છોડી જાય છે. કવિ ઈસુરીના ફાગનું સ્વરૂપ ‘નરેન્દ્ર છંદ’ને મળતું આવે છે. આ છંદ ૨૮ માત્રાનો હોય છે. તેમાં ૧૨ અને ૧૬ માત્રાઓની વચ્ચે યતિ આવે છે. તથા છેવટનો વર્ણ હંમેશા ગુરુ હોય છે. આ લેખમાં કવિ ઇસુરી સાથે જોડાયેલ બે નાનકડી કથાઓ પણ મૂકી છે. અંતમાં કવિ ઈસુરીના ફાગોના સંબંધમાં પ્રચલિત દુહો મૂક્યો છે તે જોઈએ:
“રામાયણ તુલસી કહી, તાનસેન જ્યોં રાગ,
સોઈ યા કલિકલમેં, કહી ઇસુરી ફાગ.”

અરબી લોકસાહિત્યની કથા ‘સ્વપ્નાં સાચાં પડ્યાં!’ ભરતરામ ભા. મહેતા પાસેથી મળે છે. આ કથા ઈસુની બારમી સદીના અરબી લોકસાહિત્યમાંથી લીધી છે. આ કથા આરબસ્તાનના સુલતાનનો જાત અનુભવ છે એમ શરૂઆતમાં સંપાદક જણાવે છે. નાના-નાના છ ખંડમાં વિભાજિત આ કથાનું વસ્તુ જોઈએ તો સુલતાનની દરિયાઈ યાત્રા, તોફાન, સાથીઓથી વિખૂટાં પડવું, અજાણ્યા ટાપુ પર પહોચવું, સ્વપ્ન આવવું, બીજા દિવસે સ્વપ્ન સાચું પડવું, બીજી તરફ અન્ય નગરમાં રહેતા એક ઝવેરીને પણ એ જ સ્વપ્ન આવવું, ઝવેરીના પુત્રની ૧૫ વર્ષે મોતની આગાહી, પુત્રને બચાવવા નિર્જન ટાપુ પરની ગુફામાં સંતાડવું, સંજોગે પેલા સુલતાનનું એ જ ટાપુ પર પહોંચવું, સુલતાન અને ઝવેરીના પુત્રનું મળવું, સુલતાનને હકીકતની જાણ થવી, ઝવેરીના પુત્રને રક્ષાનું વચન આપવું, લાંબો સમય બેઉનું સાથે રહેવું, મોતની આગાહીના દિવસે સુલતાનથી અજાણતા ખૂન થવું, વૃક્ષ પર સંતાવું, ઝવેરીનું પુત્રને લેવા આવવું, પુત્ર મરણથી એનું પણ મરણ, થોડા સમય પછી સુલતાનનું રાજ્યમાં પાછા ફરવું, એના બંને સ્વપ્નાં સાચાં પડવાં વગેરે પ્રસંગો આ કથામાં આવે છે. સ્વપ્નનું મોટિફ તેમજ સાહસિકતા અને ચમત્કારના તત્ત્વથી કથા રોચક બને છે.

‘સંતાલ પરગાણાનું લોકસાહિત્ય’ લેખ યોગીન્દ્ર જગન્નાથ ત્રિપાઠી આપે છે. કલકત્તાની ઉત્તરે લગભગ ૧૫૦ માઈલના અંતરે ૪૮૦૦ ચોરસ માઈલનો સંતાલ પરગાણાનો વિસ્તાર છે. લેખની શરૂઆતમાં ત્યાં વસતા મુંડા જાતિના આદિવાસીઓ વિષે વિસ્તારથી વાત કરી છે પછી તેમની બે લોકવાર્તાઓ આપી છે. પ્રથમ લોકવાર્તામાં વૃદ્ધ લુહાર અને તેના છ પુત્રોની વાત છે. તેમાં સંયુક્ત કુટુંબમાં રહેવાની ભાવના, વિચ્છેદ, છ પુત્રોની પરીક્ષા, છઠ્ઠો પુત્ર સહુથી બુદ્ધિશાળી, બીજા ભાઈઓનો પસ્તાવો, અંતે સંયુક્ત કુટુંબમાં જ રહેવું વગેરે મુદ્દાઓની આસપાસ આખી કથા ચાલે છે. બીજી લોકવાર્તામાં સાત ભાઈ અને એક બહેનની વાત છે. પહેલાના સમયમાં લોકો ભાઈ-બહેનના લગ્ન કરાવતા હશે પણ પછી આ રિવાજ બંધ થયો હશે એ વાતનો ખ્યાલ આ લોકવાર્તા પરથી આવે છે. વાર્તા અનુસાર સાતમા ભાઈ સાથે બહેનના લગ્ન નક્કી કરવા, બહેનનું ઘર છોડી ભાગી જવું, જંગલમાં વર્ષો સુધી છુપાઈને પોપટ સાથે રહેવું, ગ્રામકન્યા દ્વારા પરિવારને જાણ થવી, કન્યાને ઘરે લાવવાનો ઉપાય વિચારવો, ઇન્દ્રદેવની આરાધના કરી વનમાં વંટોળ ને ભારે વરસાદની માંગ કરવી, કન્યાનું આ કુદરતી આફતથી કંટાળીને અંતે ઘરે આવવું, ભાઈ સાથે લગ્નની બીકે આત્મહત્યા કરવી, બહેનના મૃત્યુથી ભાઈનું પણ મરણ થવું, બંનેના શરીરમાંથી વહેતા લોહી અને ચિત્તામાંથી નિકળતો ધુમાડો એકબીજાની વિરુદ્ધ દિશામાં જવું, ગામલોકોનો નિર્ણય- હવે પછી કોઈપણ ભાઈ-બહેનના લગ્ન ન કરવા વગેરે બનાવો આ વાર્તામાં બને છે. આ બંને વાર્તાઓને જોતાં જણાય છે કે તેમાં ચમત્કારનું તત્ત્વ મુખ્ય છે. પ્રથમ વાર્તામાં નદીમાં રહેલ વેલાઓ પર સૂઈને છઠ્ઠા પુત્રનું નદી ઓળંગવું તથા બીજી વાર્તામાં છોડ પર એક જ વાર ચમત્કારિક ફૂલ ખીલી શકે, કન્યા અને પોપટનું વર્ષો સુધી સાથે રહેવું તેમજ કન્યા માટે દરરોજ ફળ લાવવું, ઇન્દ્રના કારણે જંગલમાં આવતી કુદરતી આફત આ બધામાં ચમત્કારનું તત્ત્વ જોવા મળે છે.

આ લોકવાર્તાઓ ઉપરાંત સંતાલ પરગાણામાં ભૂતસૃષ્ટિ, જાદુગરણીઓ અને જીવતી ડાકણોની વિસ્તૃત રીતે વાત કરી છે. ત્યાંની યુવતીઓને આ વિદ્યા શીખવવી ફરજિયાત હોય છે. તેના માટે પ્રથમ તો તેમને વાઘ પાસે લઈ જઈ નીડર બનાવામાં આવે છે પછી ‘બોંગ’ નામના વિદ્યાના નિષ્ણાત પાસે લઈ જવાય છે. આ યુવતીઓના પ્રથમ લગ્ન બોંગ સાથે જ થાય છે. પછી વિદ્યામાં નિપુણ બની અન્ય પુરુષ સાથે લગ્ન કરે છે. તેઓ વિદ્યાના જોરે પોતાની ગેરહાજરીમાં જાદુની સ્ત્રીઓ પતિ પાસે મોકલે છે અને પોતે બોંગા પાસે જાય છે. માણસને મૂઠ મારીને મંત્ર-તંત્રથી ઘડીના છઠ્ઠા ભાગમાં મારી નાખવો, માણસ મટી પશુરૂપે દેખાવું, પાણી પર ચાલવું, આકાશમાં ઉડવું, થોડા સમયમાં અનંત યોજન માર્ગ કાપવો, નિંદ્રાધિન માણસના શરીરમાં પ્રવેશી કાળજું કોરી ખાવું જેવા કામોથી આ સ્ત્રીઓ લોકોને પરેશાન કરતી. એવો જ એક કિસ્સો આ લેખમાં જોવા મળે છે, તેમાં એક યુવાન વિદ્યા શીખી નરવ્યાઘ્ર બની પાડાને ખાય છે પછી પત્ની ને હકીકતની જાણ થતાં યુવાનનો અસ્વીકાર કરે છે. આ ઉપરાંત આવા ઘણા કિસ્સા સંતાલ પ્રદેશમાં જોવા મળે છે.

‘નવું લોકસાહિત્ય’ નામનો લેખ ડૉ. ર. ગ. કદમ આપે છે. પહેલાના જૂના સાહિત્યની સાથે તેમાં નવું સાહિત્ય લાવવાની વાત કરી છે. સમયની સાથે લુપ્ત થતાં જતાં સાહિત્યની જાળવણી માટેના પગલાં અંગે ચર્ચા કરી છે. આ ઉપરાંત જૂના લોકસાહિત્યની ઢબે નવસર્જન કરવાના પ્રયાસ રૂપે એક દુહો અંતમાં આપ્યો છે. ‘લોકગીતોની વાનગી’માં સૌ. મીરાંદેવી ન. ભોજાણી ત્રણ લોકગીતો ‘હાલરડાં ગવરાવો રે કનૈયાલાલ’, ‘લીલી લીલી હીંઢોણી હીરની રે’ અને ‘નણદલ બાઈના વીરા લાવો મારી હીંઢોણલી રે’ આપે છે. ‘લાલાંદેવી’ એ લોકવાર્તા ધીરસિંહજી વ્હોરાભાઈ ગોહિલ પાસેથી મળે છે. તેમાં બીકાનેરના મહારાજા કલ્યાણમલના કુંવર પૃથ્વીરાજ અને જેસલમેરના મહારાજા હરરાયાનાં કુંવરી લાલાંદેવીની કથા આવે છે. અકબરશાહના દરબારમાં છ મહિના દિલ્હી જતો પૃથ્વીરાજ, પાછા ફરતા સમય વધુ થતાં પતિવિયોગે પ્રાણ ત્યજતી લાલાંદેવી, પૃથ્વીરાજનું અનશન વ્રત, વડીલોની યુક્તિ, ચંપાદેવીને લાલાંદેવીની ચિત્તામાંથી બહાર લાવવી, પૃથ્વીરાજનું ચંપાદેવીને લાલાંદેવી સમજી લગ્ન કરવું, હકીકતની જાણ, ચંપાદેવીની ચતુરાઈથી પૃથ્વીરાજનું હૃદય પરીવર્તન વગેરે પ્રસંગો આ કથામાં વણી લીધા છે. ‘અન્ધાર-પલને ઓળખો’ એ ભજન રા. સુધાશુ પાસેથી મળે છે. આ ભજનમાં જુદાં-જુદાં ઉદાહરણ આપીને આવનારી અંધારી ક્ષણને ઓળખવાની વાત કરી છે જેમ કે,
“નીર નહીં ત્યાં કેવી નાવડી?
હોડી વિના હલેસાં નકામાં જી !
અજંપા વિનાના ઓથારો સૂના,
ડાઘ વિના પ્રાછતના ઉદ્યામા જી !
આવન્તિ અન્ધાર-પલને ઓળખો.”

‘ચારણ’ લોકકથા રા. બાપુભા કા. સુરૂ ત્રણ ખંડમાં આપે છે. સંવંત ૧૯૧૫ની વાત છે. કાઠિયાવાડમાં બ્રિટિશ સરકારના એજન્ટ તથા વડોદરાનાં રેસિડેન્ટ તરીકે કર્નલ લોંગ (લાંક) સાહેબ હતા તે સમયે બનેલી આ ઘટના છે. આઝાદી પહેલા અંગ્રેજોના શાસનમાં ચારણોની જે સ્થિતિ હતી અને અંગ્રેજો કેવા હુકમો ચલાવતા તેની ઝાંખી આ કથા કરાવે છે. હિન્દુઓ માટે પવિત્ર ગણાતી જંગલી રોઝડી(જંગલી ગાય)ના શિકારથી આખી કથા આરંભાઈ છે. અંગ્રેજ તે સમયે ગીરના જંગલોમાં ગમે તેમ શિકાર કરતાં અને ચરણો પર જોહુકમી ચલાવતા તેનું ઉદાહરણ જોઈએ:
“હં... લેકીન ટુમ કૌન હો? યે કિસકા ઝોપડા હૈ? ટુમ અભી ઉસ શિકારકો ઉઠાકર મેરી સાથ કેમ્પ તક ચલો. આગંતુક ગોરાએ પેલા વ્રજકાય પુરુષને આજ્ઞા કરી.” (૨૬૯-૨૭૦) આ ઉદાહરણ પરથી જ તે સમયે અંગ્રેજોના વર્તનોનો ખ્યાલ આવે છે. પણ ચારણ કંઈ ઉતરતા નહોતા. તેમનામાં ખમીર જોવા મળતું અને તેઓ આમ કોઈના તાબે થાય નહીં પણ સામેવાળાને ઠેકાણે પાડી દે. એનું ઉદાહરણ જોઈએ:
“બોલ્ય... તેં આ કોના હુકમથી હિંદુના રાજ્યમાં આ વનની ગભુ ગાયનો શિકાર કર્યો છે? એક તો હિંદુના આંગણાંમાં વન ગાયોનો શિકાર કર્યો ને ઉલ્ટાનો પાછો ઉપર જાતાં શીરજોરી બતાવવા આવ્યો છ તે લજાતો નથી...?” (૨૭૦)

જેઠાની જોન કોટસન સાથે રોઝડા માટે તકરાર, હિંદુના રાજ્યમાં ને એક હિંદુને આંગણે હિંદુની પવિત્ર મનાતી ગાયનો આ રીતે પરદેશી દ્વારા શિકાર, ને વળી ઓછામાં પૂરું જેઠાને ધમકાવીને રોઝની લાશને ખભા પર ઉપાડી કેમ્પ સુધી લઈ જવાની ફરજ પાડવી, જેઠાના રોમ-રોમમાં ક્રોધ વ્યાપવો ને તેના પરિણામ સ્વરૂપે લાકડીના ઘાથી અમલદારની હત્યા, જેઠાને ફાંસીની સજા, મોટા ભાઈ લાખા દ્વારા જેઠાને બચાવવાના પ્રયાસ, ત્રાગું કરવું, આખા રાજકોટમાં ચર્ચાનો મુદ્દો, અંતે કર્નલ લોંગ (લાંક)નું જેઠાની ફાંસીની સજા માફ કરવી જેવા બનાવોથી આખી કથા આલેખાઈ છે. આ કથામાં દુહા અને કવિત્ત મૂકી લાખાના વખાણ કર્યા છે, કવિત્ત:
“લખે એક દિન લાંકશું વટ કીધી તણવાર
ભુપત સુબા ભોમિયા, હુતા એક હજાર
હજાર મળ્યે ચક ચાળ હુવો,
જણ કાયર ભાગાય કંઈક જૂવો
ઘર હાથ-કંટારી નેત્ર ધખે,
લજ કાજ કરી અખિયાત લખે.”

આ રીતે અંગ્રેજોના સમયની બનેલી ઘટના લોકકથા રૂપે મળે છે. એના પછીનો લેખ ‘સાત સાત બેનીનો લાડીલો વીરલો !’ એ રા. રસિકલાલ ચિમનલાલ ત્રિપાઠી પાસેથી મળે છે. સાત બહેનોનો એકનો એક ભાઈ મૃત્યુ પામ્યો છે તેની સાથે તેની પરણેતર પણ મૃત્યુ પામીને પતિની ખાંભી સાથે કડલાં પહેરીને ઊભી રહી છે. બંને ખાંભીઓને નિતનવા દીવા થાય છે. આ આખી કથા પદ્યમાં આલેખાઈ છે. ‘લુપ્ત થતું ગુજરાતનું લોકસાહિત્ય’ લેખ જગજીવનદાસ ધ્યાળજી મોદી આપે છે. દિવસે દિવસે લુપ્ત થતાં લોકસાહિત્ય તેમજ શાળા-મહાશાળા, વિદ્યાલયોના કારણે ભણેલા લોકો નવું સાહિત્ય ઉત્પન્ન કરતાં થયા છે તેમના પર કટાક્ષ કર્યો છે. તથા કાઠિયાવાડમાં મેઘાણી અને ગોકુલદાસ રાયચુરાએ લોકસાહિત્યની જાળવણી માટે જે પ્રદાન કર્યું છે તેની વિસ્તારથી વાત કરી છે. ગુજરાતનાં બાકીના વિસ્તારોમાં પડેલા લોકસાહિત્ય અંગે કોઈ જાગૃત નહીં થાય તો તે લુપ્ત થઈ જશે એવી શંકા વ્યક્ત કરી છે. અંતમાં ઐતિહાસિક દંતકથાઓની વાત કરીને વીર ભાથીજીની કથા ઉદાહરણ રૂપે આપી છે.

‘એક આહીરના પરાક્રમની રોમાંચક કથા’ લાલજી વિરેશ્વર જાની આપે છે. વિક્રમ સંવત ૧૮૪૮ની સાલમાં જ્યારે ચિત્તળગઢ કાઠી દરબારોના તાબામાં હતું તે સમયના જાદવ ડાંગર નામના આહીરની પરાક્રમ કથા છે. ઝવેરચંદ મેઘાણીએ આપેલી ‘આહીરની તેગે’ નામની લોકવાર્તા પરથી આ વીરરસથી ઉભરાતી રોમાંચક કથા કાવ્ય રૂપે ઝૂલણા છંદમાં આલેખી છે. આ અંકનો છેલ્લો લેખ બુંદેલખંડની એક લોકકથા ‘પોપાબાઈનો ભાઈ’ શીર્ષક હેઠળ કીર્તિદેવ પાસેથી મળે છે. શ્રી પીતાંબરરાવ તૈલંગની ‘ભોલેબાબા’ નામક હિંદી લોકવાર્તાના આધારે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. દાની રાજા અને ચતુર વેપારની આસ-પાસ કથા વણાયેલી છે. વેપારી પોતાની ચતુરાઈથી રાજાના નગરજનો અને ખેડૂતોને પોતાના પક્ષે કરી પોતે જ રાજા બની જાય છે. અંતે રાજાએ પોતાની મૂર્ખામીના કારણે રાજ છોડી વનમાં ચાલ્યા જવું પડે છે.

આમ, વીસમી સદીના સમયગાળામાં ‘શારદા’ સામયિકે ગુજરાતના લોકસાહિત્યની જાળવણી ક્ષેત્રે મહત્ત્વની ભૂમિકા ભજવી છે, તેમાં સમાવિષ્ટ લેખોમાં ભાષા-બોલીની વિવિધાતાના કારણે લોકસાહિત્ય અને લોકજીવનની એક અલગ છાપ ઉપસી આવે છે. વળી આ સમયિકમાં ગુજરાત ઉપરાંત અન્ય પ્રદેશોના લોકસાહિત્ય વિષયક લેખોનો સમાવેશ થયો છે એ બાબત પણ નોંધપાત્ર છે.

|| સંદર્ભ ગ્રંથ ||

  1. શારદા સામયિક, લોકસાહિત્ય અંક-૩(જૂન), અંક-૪(જુલાઈ), ૧૯૪૯
  2. શારદા સામયિક, લોકસાહિત્ય અંક-૪(જુલાઈ), ૧૯૫૦

ગાયત્રી આર. વસાવા, પીએચ.ડી. શોધછાત્રા, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦