Download this page in

બંધ પડેલું ઘડિયાળ: એકપક્ષીય પ્રેમનું વિશિષ્ટ આલેખન

‘બંધ પડેલું ઘડિયાળ’ નાયકના એકપક્ષીય પ્રેમના વિશિષ્ટ સંવેદન અને મનોમંથનને વર્ણવતી વાર્તા છે. આ વાર્તાને સંસ્કૃત આચાર્યોની રસવિષયક ચર્ચાને આધારે તપાસીએ છીએ ત્યારે વાર્તાનું નવું જ સૌંદર્ય ઊઘડે છે.

ઘટના તો માત્ર એટલી જ છે કે સુરભીએ પોતાનું ઘડિયાળ નાયકને રિપેર કરાવવા માટે આપ્યું હતું. નાયક ઘડિયાળ રિપેર કરાવીને કૉલેજ પહોંચે છે ત્યાંથી વાર્તા શરુ થાય છે. કૉલેજ પહોંચ્યા પછી નાયકને ખબર પડે છે કે સુરભી રજા પર છે. સુરભી વિના ઉચાટ અને એકલતા અનુભવતો નાયક માંડમાંડ કૉલેજમાં બે કલાક વીતાવે છે. વાર્તા આ બે કલાકની જ છે. બે કલાક દરમ્યાન નાયક જે કાંઇ વિચારે, અનુભવે છે તેનું આલેખન ભગીરથ બ્રહ્મભટ્ટે કર્યું છે. પહેલીવાર આ વાર્તા વાંચીએ ત્યારે નાયકની ચેષ્ટાઓ જોઈને વાર્તા વિરહ શૃંગારની લાગે. વાર્તાનો અણધાર્યો છતાં સાચો અંત વાંચીએ છીએ ત્યારે સુખદ આશ્ચર્ય સાથે એ વાતનો ખ્યાલ આવે કે વાર્તા રતિની નહીં પણ રતિના આભાસની છે.

સંસ્કૃત કાવ્યશાસ્ત્ર મુજબ રસનિષ્પત્તિ જે-તે ભાવના માત્ર નામોલ્લેખ કે શાબ્દિક કથનથી થઈ શકે નહીં. તે માટે યોગ્ય વિભાવાદિનું આલેખન જરુરી છે. વાર્તાનાયક સુરભીને ન જોતાં વ્યાકુળતા અનુભવે છે. આથી, સુરભી વાર્તાનાયકના પ્રેમનું આલંબન છે. ઉદ્દીપન વિભાવ પાત્રના ચિત્તમાં જન્મેલા ભાવને ઉદ્દીપ્ત કરવાનું કામ કરે છે. વાર્તાકાર વાર્તાનો આરંભ કંઇક આ રીતે કરે છે.

‘બહાર હેમંતની હવા વહી રહી હતી. પાનખરની વાસ વાતાવરણમાં ડોકાતી હતી. વસંત વધાવવા પ્રકૃતિએ પૂર્વતૈયારી પ્રારંભી હોય એમ પણ લાગતું હતું.’ (પૃ-૭૨)

આ પ્રકારનું વાતાવરણ નાયકના ચિત્તમાં સુરભી માટે જન્મેલા રતિભાવને ઉદ્દીપ્ત કરે છે. વાર્તાનો આવો આરંભ વાંચતાં વાર્તા શૃંગાર રસની હશે એમ લાગે. વાર્તાકારે નાયકના જે અનુભાવો વર્ણવ્યા છે તે જોઇએ. સૌપ્રથમ તો નાયકનું ચકળવકળ આંખે કૉલેજમાં પ્રવેશવું. આ શારીરિક ચેષ્ટા નાયક કોઇકને શોધી રહ્યો છે તેનો ખ્યાલ આપે છે. મોડો પડેલો નાયક સ્ટાફરૂમમાંથી નીકળી આચાર્યની ઓફિસ તરફ જાય છે ત્યારે ‘પગથિયાં પર પડેલા ચોક પર જમણો પગ પડતાં બૂટ નીચે ચોક લોટ બની જાય છે.’ નાયક બેધ્યાન છે તેનો ખ્યાલ આ ચેષ્ટા દ્વારા મળી રહે છે. મસ્ટરમાં સુરભીના ખાનામાં સી.એલ. લખેલું જોતાં નાયકના પગ ઢીલાં પડી જાય છે. તેના હાથમાંથી ગ્લાસનું પડી જવું, પાણી ન પી શકવું, સુરભીની ખુરશી પર સુરભીની જેમ જ બેસવું, ઠંડી પડી જતાં સુધી ચા ન પીવી અને ચા પીધા વિના જ ઊભા થઇ જવું–આ બધાં અનુભાવો નાયકના ઉચાટને સૂચવે છે. જે દ્વારા વાચકને તેની સુરભી પ્રત્યેની રતિનો ખ્યાલ આવે છે. તેમાંય વાર્તાકારે નાયકની એક ચેષ્ટા તો બહુ સુંદર પકડી છે. નાયક દ્વારા વારંવાર કોઈ જોઈ ન જાય એ રીતે સુરભીની ઘડિયાળને થતો સ્પર્શ. સુરભીની ગેરહાજરી નાયકને એ હદે અસ્વસ્થ કરી મૂકી છે કે પંખો ચાલું હોવા છતાં તેને તાપ લાગે છે.

વાર્તાનો કથક નાયક હોવાથી તે જે કાંઇ વિચારે, અનુભવે છે તે બધું જ લેખક દર્શાવી શક્યાં છે. સુરભી વિનાની કૉલેજમાં નાયકની બેચેની ક્રમશ: વધતી જાય છે. આ વર્ણન જુઓ.

‘લાઇબ્રેરિયને કહ્યું: સાહેબ, ‘લોકલહરી’માં તમારી વાર્તા આવી છે! ‘ખબર છે’ કહીને ત્યાં ન જોયું. કલ્પના, રેખા, આકાંક્ષા, નયના, હંસા, હેમા બધાંય ચહેરા એકપક્ષી સ્મિત આપી સામેથી ચાલ્યા ગયા. વર્તમાનપત્ર. મોટે મોટેથી આંખો ફેરવી. ઉત્તરપ્રદેશમાં પૂર, ભયાનક પૂર, તારાજી, કાશ્મીરના મુખ્યપ્રધાનનું રાજીનામું વગેરે.’ (પૃ-૭૪)

પોતાની વાર્તા છપાયાનો ઉમળકો પણ નાયક અનુભવતો નથી. કૉલેજમાં હાજર અન્ય સ્ત્રીઓના નામની યાદી સુરભીની ગેરહાજરીને તીવ્ર રીતે ઉપસાવે છે. આ રીતે માંડ એક કલાક પૂરો થાય છે. ક્લાસરૂમમાં ભણાવવામાં પણ નાયક ધ્યાન આપી શકતો નથી. નયકની આંખ યાંત્રિક રીતે આસપાસના દૃશ્ય જુએ છે. તેની ચેતના આસપાસના વિશ્વ સાથે જોડાઇ શકતી નથી. વાર્તાનાયક સતત પોતાની જાત સાથે જ વાત કરતો જોવા મળે છે. અન્ય કોઇ સાથે વાતચીત કરતો જોવા મળતો નથી. નાયકના અનુભાવો અને તેના ચિત્તમાં ઊઠતાં-શમતાં સંચારીભાવોને મનોવૈજ્ઞાનિક અભિગમથી મૂલવીએ તો નાયક અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવે છે તેનો ખ્યાલ આવે છે. તે લાગણી વ્યક્ત કરતાં અચકાય છે. નાયક એ હદે સભાન છે કે તેના મનમાં ચાલતાં આ વિચારો કોઇ જાણી ન જાય તેનું ધ્યાન રાખે છે. સુરભી વિશે જ સતત વિચારતો હોવા છતાં નાયક બીજા દિવસે સુરભીને વધારે પ્રશ્નો પૂછી શકતો નથી કે નથી પોતાની મનોદશા વર્ણવી શકતો. વિચારો છુપાવી રાખવાની તેની મથામણ લેખક નીચેના શબ્દોમાં સૂચક રીતે મૂકી આપે છે.

‘ઘડિયાળ, સ્ટાફરૂમનું ઘડિયાળ મને જ ડિસ્ટર્બ કરતું હતું. ખિસ્સામાં હાથ નાંખ્યો...સુરભીએ મને જ ઘડિયાળ રિપેર કરવા આપ્યું હતું. કાગળમાં પેક કરેલું ઘડિયાળ છોડ્યું. ઘડિયાળ ધબકતું હતું.’ (પૃ-૭૪)

સ્ટાફરૂમનું ઘડિયાળ ડિસ્ટર્બ કરે છે તો ખિસ્સામાં રહેલું સુરભીનું ઘડિયાળ નાયકને રોમાંચિત કરે છે. અનુભાવોની સાથે લેખકે નાયકના ચિત્તના સંચારી ભાવોને પણ ઝીણવટપૂર્વક આલેખ્યાં છે. એ રીતે લેખક નાયકના ચિત્તની સંકુલતાને દર્શાવે છે. આ સંચારી ભાવોની માત્ર યાદી જુઓ.

 • ‘સાઇન કરું?’ (દ્વિધા)
 • ‘આજે આવવામાં મોડું થયું છે ને?’ (શંકા)
 • ‘હું ક્યાં વારંવાર મોડો પડું છું? (વિતર્ક)
 • ‘લાવને સહી કરી જ દઉં. (નિશ્ચય)
 • ‘કેટલાક ચમચાઓનો ખ્યાલ આવ્યો.’ (ભય)
 • ‘ભલે ને. જવાબ આપવાનો વખત આવશે ત્યારે થઇ પડશે.’ (ધૃતિ)
 • ‘સુરભી સી.એલ. પર?’ (ઔત્સુક્ય)
 • ‘ન હોય. ન હોય. ફરી જોયું.’ (શંકા)
 • ‘સુરભી વગર હું કૉલેજમાં આખો દિવસ પૂરો કેમ કરીશ?’ (દૈન્ય, ચિંતા)
 • ‘મને સુરભીએ ગઇ કાલે વાતેય નથી કરી.’ (ચિંતા)
 • ‘મારા પગ ઢીલાં પડી ગયાં. પગ નીચેથી ધરતી ખસવા લાગી.’ (વિષાદ, ગ્લાનિ)
 • ‘ભૂંસાઇ ગયેલી સવાર, ભુલાઇ ગયેલા પીરીયડ, યાદ ન આવતું લેક્ચર.’ (વિસ્મૃતિ)
 • ખિસ્સામાં હાથ નાંખ્યો. ઘડિયાળ. સુરભી એ મને જ ઘડિયાળ રિપેર કરવા આપ્યું હતું.’ (રોમાંચ, સ્મૃતિ)
 • ‘નકામું કોઇ જોઇ જશે તો ખબર પડી જશે.’ (ભીતિ)

આ વર્ણન વાંચતાં આચાર્ય મમ્મટે કરેલી ભાવશબલતાની ચર્ચા યાદ આવી જાય. એક પછી એક એમ અનેક ભાવો આગળના ભાવને દબાવી દઇને ચિત્તમાં ઉદય પામતાં હોય અને એમાં જ ચમત્કૃતિ હોય તેવી સ્થિતિ એટલે ભાવશબલતા. ભાવશબલતા દ્વારા લેખક માનવમનની સંકુલતાઓને આલેખતો હોય છે.

નાયકના ચિત્તમાં માત્ર બે કલાકના સમયગાળામાં જે સંચારીભાવોની ભરતી-ઓટ ચાલી તેનો આ તો માત્ર એક નમૂનો છે. વાર્તાકારે નાયકની સ્વગતોક્તિઓ દ્વારા તેના વિવિધ વ્યભિચારી ભાવોને આલેખ્યાં છે. નાયકનું સુરભીની ગેરહાજરીમાં તેની જેમ જ બેસવું એ સૂચક છે.
‘સુરભીની ખુરશીમાં હું બેસી ગયો હતો. તેણીની જેમ હાથ પર ચહેરો ટેકવી જોયો. ત્રિભંગ ગોઠવી જોઇ.’ (પૃ-૭૪)

મનોવૈજ્ઞાનિક અભિગમથી જોઇએ તો નાયકની આ ચેષ્ટા તેના સુરભી પ્રત્યેના પ્રબળ ગુપ્ત આકર્ષણને દર્શાવે છે. સાથે જ એ વાત પણ સમજાઇ જાય કે સુરભીનાં વ્યક્તિત્વથી નાયક દાબ પણ અનુભવે છે. એ જ રીતે ઘડિયાળને થતો સ્પર્શ અને કોઇ જોઇ જશે તેવી ભીતિ એકપક્ષીય પ્રેમને સૂચવે છે.

વાર્તાના અંતે બીજા દિવસની સવારે સુરભી નાયક પાસેથી ઘડિયાળ લે છે પણ નાયકના પ્રશ્નોનો ઉત્તર આપતી નથી. ઘડિયાળ સામું જોઇ તે કહે છે, ‘કેમ મારું ઘડિયાળ પાછળ જાય છે?’ નાયક કોઇ જવાબ આપે તે પહેલાં જ સુરભી પીરિયડ લેવા સ્ટાફરૂમની બહાર નીકળી જાય છે. આવો અંત વાંચતાંવેંત સહ્રદય ભાવકને રસાભાસ-ભાવાભાસની ચર્ચા યાદ આવી જાય. આચાર્ય મમ્મટ રસાભાસની સમજ આપતાં રાવણની સીતા પ્રત્યેની રતિનું ઉદાહરણ આપે છે. રાવણને સીતાની ઉત્કટ કામના છે. પણ સીતાને રાવણ માટે સહેજ પણ અનુરાગ નથી. આથી, સીતા રાવણ માટે રતિભાવનું સાચું આલંબન નથી. વિભાવ તરીકે સીતા માત્ર આભાસ જ રહે છે.

વાર્તાકાર ભગીરથ બ્રહ્મભટ્ટે વાર્તાના આરંભથી અંત સુધી સુરભીના કોઇ પ્રત્યાઘાતો વર્ણવ્યાં નથી. સુરભી ક્ષણવાર પૂરતી પણ નાયક તરફ ધ્યાન આપતી જોવા મળતી નથી. નાયકના પ્રશ્નનો ઉત્તર આપવાની તસ્દી પણ લેતી નથી કે નથી નયકનો આભાર માનતી જોવા મળતી. વાર્તાકારની ખરી કુશળતા અહીં જોવા જેવી છે. વાર્તાના આરંભે નાયકની રતિને ઉદ્દીપ્ત કરે તેવું પ્રકૃતિનું વર્ણન, નાયકની બેચેની અને ઉચાટને રજૂ કરતાં અનુભાવો, તેની સુરભી પ્રત્યેની રતિને દર્શાવતાં સંચારી ભાવો–એ બધાંનું લેખકે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની રીતિએ વર્ણન કર્યું છે. અને વાર્તાના અંતે પોતે રચેલી આ સૃષ્ટિને એક લસરકામાં લેખક રસાભાસમાં ફેરવી નાંખે છે. સુરભીની એક જ ચેષ્ટાથી આખી વાર્તા વિરહ શૃંગારનાં બદલે રતિના આભાસની બની જાય છે. નાયકનું આલંબન તો સુરભી હતી પણ સુરભી માટે તો નાયક આલંબન નથી. તેથી બધાં જ ઉદ્દીપકો અને અનુભાવો નાયકના રતિના આભાસને રજૂ કરનારા બની રહે છે.

એકપક્ષીય પ્રેમનું આ વિશિષ્ટ રીતિએ થયેલું આલેખન-ઉદ્દીપક એવું પ્રકૃતિનું વર્ણન, અનુભાવોની શ્રુખંલા અને સંચારી ભાવોની રમઝટ-આ વાર્તાને આસ્વાદ્ય બનાવે છે.

સંદર્ભ:

 1. ‘બા વગરનું ઘર’, ભગીરથ બહ્મભટ્ટ, રન્નાદે પ્રકાશન, પ્ર.આ. જૂન-૨૦૧૮
 2. ‘ભારતીય કાવ્યસિધ્ધાંત’, જયંત કોઠારી, નટુભાઇ રાજપરા, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

ડૉ. હીરેન્દ્ર પંડ્યા, ગુજરાતી વિભાગ, આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજ, વડનગર. ઇમેલ- hirendra.pandya@gmail.com