Download this page in

સ્નેહલ જોષી કૃત અછાંદસ કવિતા 'કંકુપગલાં'

જીવન અને સાહિત્ય આ બંને સંજ્ઞાઓ વચ્ચે અવિનાભાવિ સંબંધ રહ્યો છે. એટલે જ તો કહેવાય છે કે સાહિત્ય અને જીવન બંને એક સિક્કાની બે બાજુ છે. મનુષ્યમાં રહેલા સંવેદનશીલ માનસમાં પ્રત્યેક ઘટના કે પ્રસંગ, કોઈ ક્ષણ, પાત્ર અને પદાર્થ કે કોઈ પરિસ્થિતિનું નિરૂપણ સાહિત્યમાં 'કથાવસ્તુ' કે 'અનુભૂતિ' રૂપે આવે છે. આ પરથી આપણે કહી શકીએ કે સાહિત્યનું ઉપાદાન માનવજીવન છે. એવી જ રીતે કવિતાનો જન્મ પણ જીવનમાંથી થયો હોવાથી જીવન જેટલું રસમય, વિલક્ષણ અને અનુભવોથી ભરેલું હશે એટલો કવિતાનો વ્યાપ વધશે.

અન્ય સાહિત્ય સ્વરૂપ કરતાં 'કવિતા' એ સાહિત્યનું મુખ્ય નિતાંત સ્વરૂપ છે. થોડો પાછા પગલે અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે છેક વાલ્મીકિ, કાલિદાસ, નરસિંહ, મીરાં, કબીર, રહીમ, તુકારામ, ભાલણ, નાકર, ભોજો, ધીરો, પ્રેમાનંદ, દયારામ ઈત્યાદિ કવિઓએ મનભરીને કવિતાનું ગુણગાન કર્યું છે. આ પછી પણ અનેક નવા નવા કવિઓ આવતા ગયા અને છેક આજ સુધી એટલે કે વર્તમાનકાળમાં પણ કવિતા લખાઈ રહી છે. આ રીતે કવિતાની વિકાસરેખા ખૂબ લાંબી મળે છે. કવિતામાં કવિના શબ્દોનું ખૂબ મહત્ત્વ રહેલું હોય છે. કવિતામાં અનુભૂતિની વાત અભિધા શક્તિ દ્વારા થઇ જાય તો સૌંદર્ય પ્રાપ્ત થતું નથી. તેમાં તો એક એક શબ્દ વ્યંજના સભર હોવો જોઈએ. તે માટે કવિએ અલંકાર, છંદ, કલ્પન, પ્રતીક, પુરાકલ્પન જેવી આગવી પ્રયોગ પધ્ધતિનો ઉપયોગ કરવો પડે છે; અને કવિઓ આ રીતે લખતા હોય છે. કવિતા તો જીવનને સંવાદિતતા અર્પે છે.

જે રીતે કાવ્યના વિવિધ સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યાં એ જ રીતે સાહિત્યમાં અછાંદસનું સ્વરૂપ પણ પ્રગટ થયું. સામાન્ય રીતે દરેક કવિતા છંદોબદ્ધ હોય છે. પરંતુ આપણી એક સામાન્ય સમજ એવી રહી છે કે જે છંદમાં નથી તે અછાંદસ કહેવાય. આમ જોઈએ તો હજી સુધી અછાંદસની પૂર્ણ વ્યાખ્યા કે વર્ણન થઇ શક્યું નથી. ચંદ્રકાન્ત ટોપીવાળા પોતાના પુસ્તકમાં નોંધે છે કે, "પશ્ચિમમાં અઢારમી ઓગણીસમી સદીમાં એકલદોકલ પ્રયોગોને બાદ કરતાં અછાંદસનો ઇતિહાસ લગભગ સો સવાસો વર્ષ જૂનો છે. ૧૮૮૬માં લાફોર્ગે 'લાવોગ'માં પોતાની રચનાઓ અને વોલ્ટ વ્હીટમનની રચનાઓના અનુવાદ પ્રગટ કર્યા હતાં અને ૧૮૮૭માં ગુસ્તાવ કહાને પહેલીવાર અછાંદસનો સંચય પ્રગટ કર્યો હતો."[1]

આપણે અછાંદસની સંજ્ઞાની વાત કરીએ તો કહી શકીએ કે જે છાંદસ નથી તે અછાંદસ. મતલબ કે આ સંજ્ઞાને છંદ સાથે સંબંધ છે. છાંદસ રચનાઓ સંપૂર્ણપણે લયબદ્ધ હોય છે. જયારે અછાંદસમાં કયારેક ફેરફાર આવે છે પરંતુ લયથી મુક્ત છે એવું કહી શકતા નથી. તેનો પણ એક લય હોય છે. કવિતામાં કાવ્યત્વ પ્રગટાવવા માટે લયની મહત્તા રહેલી છે. લય માટે શબ્દોની પસંદગી અને પ્રયુક્તિ અગત્યની છે. આ કારણે જ અછાંદસમાં અલંકારોનું ખૂબ મહત્ત્વ રહેલું છે. તેમાં સામાન્ય રીતે કોઈ એક જ વિષયવસ્તુને પ્રાધાન્ય આપવામાં આવે છે. કોઈ એક ભાવ કે દ્રશ્યને લઈને પણ અછાંદસ લખી શકાય છે. અછાંદસની અંતિમ બેએક પંક્તિ ચોટદાર હોય છે. ઘણીવાર અછાંદસનો અંતિમ નિર્ણય વાચક પર છોડી દેવામાં આવે છે. તેના માટે કવિ (...) ચિહ્નથી તો ઘણીવાર પ્રશ્ન પુછીને પણ કાવ્યને પૂર્ણ કરે છે. પણ એટલું તો ચોક્કસ છે કે અછાંદસની અંતિમ પંક્તિ ચરમસીમા હોય છે. શીર્ષકનું સ્થાન પણ અછાંદસમાં ખૂબ મહત્ત્વનું રહેલું હોય છે. કારણ કે શીર્ષક વાંચતા જ આપણને ખ્યાલ આવી જાય કે આ કવિતાનો વિષય શું છે . ચંદ્રરકાન્ત ટોપીવાળાની બહુ સ્પષ્ટ વાત છે કે "જેને છાંદસના ક્ષેત્રની ખબર નથી એને અછાંદસ લખવાનો અધિકાર નથી."[2]

શ્રી સ્નેહલ જોષી ગુજરાતી ભાષાના નૂતન ગઝલકાર અને કવિ છે. ગુજરાતી ભાષાને જેમના પર ગર્વ થાય તેવા શ્રી સ્નેહલ જોષી અત્યંત સંવેદનશીલ રચનાઓ, વિચારશીલ ગઝલ અને રચનાત્મક - વિવેચનાત્મક ગદ્ય-પદ્યના સર્જક છે જે તેમની વિશેષતા છે. આ કવિની અછાંદસ કવિતા 'કંકુપગલાં'ની ચર્ચા કરવાનો મારો ઉપક્રમ છે.

કંકુ ભરેલી થાળીમાં ઝબોળું છું
મારાં બંને પગ
ને પાડું છું પગલાં
ભરથારના ઘરનાં ભોંયતળિયે!
લાલચટ્ટક પગલાં પગલાંથી
રંગાયો છે આખો ઓરડો
એ ક્ષણે...
અચાનક મને યાદ આવી
મારાં પીયરઘરનાં ઓરડામાં પોતા
કરતી હું,
મારો ભઈલો...
પગલાં પાડીને ચીડવે છે બેનીને.
હું બની જાઉં છું ક્રોધમાં લાલચટ્ટક...
ભૂંસી નાખું છું ભઈલાનાં પગલાં
ભીના પોતાથી ક્રોધમાં,

સઘળું ભૂંસીને હું આવી છું
નવાં પગલાં અંકિત કરવા માટે
છોડીને
મારાં પીયરઘરનાં પગલાં...

આ અછાંદસનું શીર્ષક છે 'કંકુપગલાં'. આ શીર્ષક પરથી જ આપણને તેનો અર્થ સ્પષ્ટ થઇ જાય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં જન્મથી માંડીને મૃત્યુ સુધી અનેક વિધિ-વિધાનો કરવામાં આવે છે અને એમાં પણ ખાસ કરીને લગ્નવિધિનું ખૂબ મહત્ત્વ રહેલું છે. પીયરેથી પરણીને દીકરી જયારે વહુ બની શ્વસુર ગૃહે જાય છે ત્યારે ત્યાં તેમને આવકારવા માટે કંકુપગલાં કરાવવામાં આવે છે. ત્યાં એવો ભાવ રહેલો હોય છે કે પરણીને આવેલી કોઈકની દીકરી હવે અમારા ઘરની લક્ષ્મી છે. માટે તેને લક્ષ્મીનું રૂપ ગણી કંકુપગલાં કરાવવામાં આવે છે. કવિ લખે છે-
કંકુ ભરેલી થાળીમાં ઝબોળું છું
મારાં બંને પગ
ને પાડું છું પગલાં
ભરથારના ઘરનાં ભોંયતળિયે!
લાલચટ્ટક પગલાં પગલાંથી
રંગાયો છે આખો ઓરડો.

કાવ્યની નાયિકા પરણીને પોતાના પતિના ઘરે આવે છે. ત્યાં આવતાં તરત જ તેના મનમાં વિચારો શરૂ થઇ જાય છે. પોતે કંકુ ભરેલી થાળીમાં પોતાના બંને પગ મૂકીને પોતાના ઘરમાં કંકુપગલાં પાડે છે. તેના પગલાંથી ઘરનો આખો ઓરડો લાલ-લાલ થઇ ગયો છે, જાણે કે કોઈએ રંગ્યો હોય એવું લાગી રહ્યું છે. અહીં સુધી તો કવિની વાત આપણને અભિધાના સ્તરે સમજાઈ જાય છે. પરંતુ કવિને જે કહેવું છે તે હવે શરૂ થાય છે-
એ ક્ષણે...
અચાનક મને યાદ આવી
મારાં પીયરઘરનાં ઓરડામાં પોતા
કરતી હું,

'એ ક્ષણે...' એવું જયારે અહીં લખાયું છે ત્યારે તરત જ કાવ્યનાયિકા ભૂતકાળમાં સારી પડે છે અને તેને પોતાના પીયરઘરની વાત યાદ આવવા લાગે છે. પતિના ઘરમાં પગલાં પાડ્યાં છે ત્યારે તેને પીયરે ઓરડામાં પોતા કરતી હોય એ દ્રશ્ય યાદ આવે છે. અને તરત જ કોનું સ્મરણ થાય છે?
મારો ભઈલો...
પગલાં પાડીને ચીડવે છે બેનીને.

પીયરે પોતા કરતી હોય ત્યારે ભાઈ તેમાં પગલાં પાડી બેનને ચીડવતો-પજવતો હોય એ વાત યાદ આવી જાય છે. એ પછી શું થાય છે એ કવિ આલેખે છે-
હું બની જાઉં છું ક્રોધમાં લાલચટ્ટક...
ભૂંસી નાખું છું ભઈલાનાં પગલાં
ભીના પોતાથી ક્રોધમાં,

અહીં અછાંદસમાં કવિએ લાલચટ્ટક શબ્દનો બે વખત પ્રયોગ કર્યો છે. લાલચટ્ટક પગલાં અને લાલચટ્ટક ક્રોધ. એટલે કે કવિએ ક્રોધને આ લાલ-લાલ પગલાં સમાન દર્શાવ્યો છે. આવા ક્રોધમાં આવીને બહેન ભાઈના પગલાં ભીના પોતાથી ભૂંસી નાખે છે અને અંત તરફ જતાં કવિ લખે છે કે-
સઘળું ભૂંસીને હું આવી છું
નવાં પગલાં અંકિત કરવા માટે

અહીં અંતિમ પંક્તિઓમાં 'પોતા'નો સંદર્ભ સ્પષ્ટ થાય છે. પોતું તો અહીં એક પ્રતીકરૂપ છે. આ ભાઈની બહેન બધું છોડીને પોતાના પતિના ઘરે નવા પગલાં પાડવા માટે આવી છે. અને આમ પણ કોઈ દીકરી જયારે પરણીને સાસરે જતી હોય છે ત્યારે આવી જ રીતે પોતાનું બધું છોડીને જતી હોય છે. માત્ર ચીજવસ્તુ તો ઠીક પરંતુ માતા-પિતા સહિતના બધા જ સંબંધોનો ત્યાગ કરીને સાસરામાં પગ મૂકતી હોય છે. અને સાસરામાં તે બધું નવું સ્વીકારીને ચાલતી હોય છે. અછાંદસની અંતિમ પંક્તિ ચોટદાર છે-
છોડીને
મારા પીયરઘરનાં પગલાં...

કવિએ લખેલી આ અંતિમ પંક્તિમાં 'થોડામાં વધુ' એવી વાત સ્પષ્ટ થાય છે. (....) ચિહન દ્વારા એ સ્ત્રીના ઘણાં બધાં મનોભાવો વ્યક્ત થઇ જાય છે.

આમ, ગુજરાતી સાહિત્યમાં અનેક સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યાં. તેમાંનું આ અછાંદસ સ્વરૂપ વિશે સમજવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતી સાહિત્યના કવિ સ્નેહલ જોષીએ રચેલા આ અછાંદસમાં ખૂબ સારા એવા મનોભાવો વ્યક્ત થયાં છે.

સંદર્ભ પુસ્તક :::

  1. 'અછાંદસમીમાંસા', ચંદ્રકાન્ત ટોપીવાળા, પાર્શ્વ પબ્લિકેશન : અમદાવાદ - પૃષ્ઠ નં.૧૭
  2. 'અછાંદસમીમાંસા', ચંદ્રકાન્ત ટોપીવાળા, પાર્શ્વ પબ્લિકેશન : અમદાવાદ - પૃષ્ઠ નં.૧૨

જયના એમ. પરમાર, Email : jaynaparmar3796@gmail.com