Download this page in

‘સત્સંગિજીવનમ્’ નું મહાકાવ્ય તરીકે મૂલ્યાંકન

પ્રસ્તાવના :-

સંસ્કૃત મહાકાવ્યનું સ્વરૂપ વર્ણવતા લક્ષણો અનેક ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. ભરતમુનિએ નાટ્યશાસ્ત્રમાં, વિષ્ણુધર્મોત્તર પુરાણમાં, ભામહે કાવ્યાલંકારમાં, દંડીએ કાવ્યાદર્શમાં, ભોજે સરસ્વતીકંઠાભરણમાં, અગ્નિપુરાણમાં, ઇશાનસંહિતામાં, હેમચંદ્રાચાર્યે કાવ્યનુશાસનમાં અને વિશ્વનાથે સાહિત્યદર્પણમાં મહાકાવ્યનું સ્વરૂપ વર્ણવ્યું છે. આ મહાકાવ્યનું સ્વરૂપ રામાયણકાળથી આજ સુધી ખેડાતું આવ્યું છે. સંસ્કૃત સાહિત્યમાં આજે પણ મહાકાવ્યો લખાય છે.

અહીં આવા જ એક મહાકાવ્યની વાત કરવી છે અઢારમી સદીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી શતાનંદમુનિ રચિત ‘સત્સંગિજીવનમ્’ મહાકાવ્યની. અઢારમી સદીમાં રચાયેલ આ મહાકાવ્યમાં સહજાનંદસ્વામીના લીલાચરિત્ર સાથે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું સ્પષ્ટ નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથની રચના કરીને શતાનંદ સ્વામીએ સહજાનંદસ્વામીને સંભળાવ્યો ત્યારે ગ્રંથની પ્રશંસા કરતાં સહજાનંદસ્વામી બોલ્યા કે, “रमणीयमिदं शास्त्रं, सर्वशास्त्रशिरोमणि: |” આ ‘સત્સંગિજીવનમ્’ શાસ્ત્ર અતિશય રમણીય છે અને વેદ, શાસ્ત્ર, પુરાણ, ઈતિહાસ આદિ સત્શાસ્ત્રોના સારરૂપ છે.

કાવ્યશાસ્ત્રીય આચાર્યોએ મહાકાવ્યના જે લક્ષણો કહ્યા છે તેનું પાલન શતાનંદમુનિએ ‘સત્સંગિજીવનમ્’ માં ચોક્કસાઈપૂર્વક કર્યું છે. ‘સત્સંગિજીવનમ્’ નું સ્વરૂપ નાયક, રસ, કથાનક, શિર્ષક, વર્ણનો જેવા તત્વોને શતાનંદમુનિ કેટલા અંશે અનુસર્યા છે તે જોઈએ. ગઢપુર ગોપીનાથજીના મંદિરમાં રહીને શતાનંદમુનિ દ્વારા લખેલા આ કાવ્યને સાહિત્યાચાર્યોની વ્યાખ્યાના નિષ્કર્ષો પર ચડાવી જોઈએ તો નીચે પ્રમાણે તારણો આપતાં આ ‘સત્સંગિજીવનમ્’ અઢારમી સદીનું એક સુંદર મહાકાવ્ય સિદ્ધ થાય છે.

સંસ્કૃત સાહિત્યાચાર્યોએ આપેલા મહાકાવ્યોના લક્ષણોનાં આધારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી શતાનંદમુનિકૃત ‘સત્સંગિજીવનમ્’ કૃતિને મહાકાવ્ય તરીકે મૂલવવાનો પ્રયત્ન કરીએ.

‘સત્સંગિજીવનમ્’ નું મહાકાવ્યત્વ સાહિત્યાચાર્યોની પૂર્વક્ત વ્યાખ્યાના નિષ્કર્ષો પર ચઢાવી જોઈએ તો નીચે પ્રમાણે તારણો આપતા ૧૮મી સદીનું એક સુંદર મહાકાવ્ય સિદ્ધ થાય છે. આ મૂલ્યાંકન રૂઢિગત છે. એટલે સંક્ષેપમાં આપવાનું રાખ્યું છે.

સ્વરૂપ :-

સર્ગ :- મહાકાવ્યનું ક્લેવર સર્ગોમાં વિભક્ત હોવું જોઈએ.[1] સર્ગો આઠથી ઓછા ન હોવા જોઈએ અને ત્રીસથી વધારે ન હોવા જોઈએ.[2] સંપૂર્ણ સર્ગમાં એક જ છંદ પ્રયોજવો જોઈએ અને અંતે ભાવિ કથા સૂચક શ્લોકો આપી તેમાં પરિવર્તન કરવું જોઈએ. સર્ગોના નામ જે તે સર્ગમાં આવતાં કથાનકને આધારે આપવા જોઇએ.

‘સત્સંગિજીવનમ્’માં નામાભિધાન અંગે પરંપરાનું પાલન થોડા અંશે થયું નથી. કારણકે અહીં સર્ગને બદલે પ્રકરણો છે અને તે અષ્ટાધિક નથી. આ તદ્દન સ્વરૂપલક્ષી બાહ્યલક્ષણ છે. જેને આધુનિક વિવેચનકારો વિશિષ્ટ મહત્વ આપતા નથી. ‘સત્સંગિજીવનમ્’ માં સર્ગની સાથે થોડા અંશે સરખાવી શકાય એવું કંઈ હોય, તો તે અધ્યાયો છે. જેમ શ્રીમદ્ભાગવતને મહાપુરાણ ઉપરાંત મહાકાવ્ય કહેવામાં વાંધો ન હોય તેમ ‘સત્સંગિજીવનમ્’ને પણ મહાકાવ્ય તરીકે આલેખવામાં કોઈ બાધ નડતો નથી. શ્રીમદ્ભાગવતમાં વિભાગોનું નામાભિધાન ‘સ્કંધ’ તરીકે કરેલું છે. જ્યારે ‘સત્સંગિજીવનમ્’ માં વિભાગોને પ્રકરણ તરીકે ઓળખાવ્યા છે.

‘સત્સંગિજીવનમ્’ માં કુલ પાંચ પ્રકરણ છે. આ પાંચેય પ્રકરણમાં ક્રમશ:  ૬૦, ૫૨, ૬૪, ૭૩ અને ૭૦ એમ કુલ મળીને ૩૧૯ અધ્યાય અને ૧૯૩૮૭ શ્લોક મળે છે.[3] દરેક અધ્યાયના અંતે પુષ્પિકામાં તે અધ્યાયમાં આવતી બાબતનો ઉલ્લેખ છે. દરેક અધ્યાયમાં શ્લોક સંખ્યા સામાન્યતઃ ૪૫ થી ઓછી નથી.

આ અધ્યાયોમાં મોટાભાગે એક છંદ યોજી યથાસ્થાને છંદ પરિવર્તન કરેલ છે. અમુક અધ્યાયોમાં એક કરતાં વધારે છંદોનું આયોજન કરેલ છે. જે અધ્યાયમાં શ્રી સહજાનંદસ્વામીની પૂજા કે પ્રસંશામાં સ્તોત્ર આપેલા છે. તેને જુદા જુદા છંદમાં સ્તોત્ર માળાની રીત પ્રમાણે રચવામાં આવ્યા છે. દરેક અધ્યાયના નામ તેમાં નિરૂપાયેલ કથાનક અનુસાર અપાયેલ છે. દરેક અધ્યાયના અંતિમ શ્લોકમાં ભાવિ કથાનકનું સૂચન કરતા શ્લોકો આપવામાં આવ્યા છે.

વિશ્વનાથે સૌ પ્રથમ ભામહથી લઈને રામાયણ, મહાભારતને આર્ષકાવ્યની સંજ્ઞા આપી છે. આ આર્ષકાવ્યોમાં સર્ગનાં સ્થાન પર આખ્યાન શબ્દનો પ્રયોગ સ્વીકાર કર્યો છે. જો કે રામાયણમાં “કાંડ” અને મહાભારતમાં “પર્વ” શબ્દો છે. અહીં સર્ગને બદલે “પ્રકરણ” શબ્દ પ્રયુક્ત કર્યો છે. આમ નામાભિધાનની બહુલતા આર્ષકાવ્યોમાં જોવા મળે જ છે.

નાયક:-

મહાકાવ્યોનો નાયક ભવ્યોદાત્ત ગુણોથી યુક્ત હોવો જોઈએ. તે દેવ અથવા ઉચ્ચ કુલોત્પન્ન ક્ષત્રિય હોય તે ઇષ્ટ છે. મહાકાવ્યના નાયકમાં લોકોતરતા હોવી જોઈએ.

આ મહાકાવ્યના નાયક સર્વાવતારી, સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રવર્તક, ઉત્તર પ્રદેશના પવિત્ર બ્રાહ્મણ કુલોત્પન્ન, સમાજ સુધારક, માનવપ્રેમી, ગુણપૂર્ણ, વર્ણીનિષ્ઠ શ્રી સહજાનંદસ્વામી છે. જેમના ચરિત્રનું વર્ણન, લીલાની મહતાનું ગાન વિસ્તૃત રીતે કરવામાં આવ્યું છે. આમ નાયક ચતુર, ઉદ્દાત્ત, કુલીન, સુશ્રૂત, વિનીત, મધુર, ત્યાગી, પ્રિયંવદ અને દક્ષ હોવો જોઈએ. તો શ્રી સહજાનંદસ્વામી પણ આ રીતે નાયક તરીકે યથાર્થ ઠરે છે. તેમના ગુણલોભી ભક્તો ભ્રમરની જેમ ગુંજન કરતાં દેખાય છે. સહજાનંદસ્વામીને ધીર-શાંત પ્રકૃતિના નાયક ગણી શકાય.

રસ:-

નવ રસોમાંથી મહાકાવ્યમાં મુખ્ય રસ તરીકે શૃંગાર, વીર કે શાંત રસને સ્થાન આપેલું છે. આ બાબતની પુષ્ટિ વિશ્વનાથે કરેલી છે.[4] બીજા રસોને અંગ તરીકે રાખવાનું પણ તે કહે છે. રસ-વૈવિધ્ય એ મહાકાવ્યની વિશેષતા છે. મહાકાવ્યમાં શબ્દગત અને અર્થગત એમ ઉભય પ્રકારના અલંકારોનો સમુચિત વિનિયોગ પણ જરૂરી છે. ઉપરાંત તે સર્વ રીતિ અને કાવ્યગુણોથી મંડિત હોય. “અલંકાર શક્તિ હોવા છતાં પણ રસાનુરૂપ જ અલંકારોની યોજના કરવી જોઈએ”.[5]

આ મહાકાવ્યનો મુખ્ય રસ શાંત છે. અને સાથે ભક્તિ રસનો પ્રવાહ પણ વહેતો દેખાય છે. જયારે અન્ય રસો અંગ તરીકે છે. આમાં ગૌણ રીતે ઘણાં ભાવોનું અને રસોનું આલેખન છે. કવિએ શબ્દાલંકાર અને અર્થાલંકાર – બંનેનો પ્રયોગ કર્યો છે. કવિએ ભાગવત પ્રકારની શૈલીનો ઉપયોગ કર્યો છે.

કથાનક :-

ઉત્પાદ્ય, અનુત્પાદ્ય કે મિશ્ર એ પ્રકારનાં કથાનકોમાંથી જ અનુત્પાદ્ય કથાનક એટલે સર્વ રીતે પ્રચલિત સહજાનંદસ્વામીના લીલા પ્રસંગોને જ કથાવસ્તુ તરીકે લીધી છે. અહીં ૧૮મી સદીમાં ઇતિહાસ પ્રસિદ્ધ મહાન દેવાધિદેવ શ્રીસહજાનંદસ્વામીના જીવન પર આધારિત ચરિત્ર વર્ણન છે. મિશ્ર કથાનું તાત્પર્ય એ છે કે કવિની ઐતિહાસિક કથા હોવા છતાં પણ એમાંથી રસવિરોધી ઘટનાઓને છોડીને વચ્ચમાં જ કલ્પિત ઔચિત્યના આધાર પર નવીન કથાની યોજના કરી દે છે. “सर्वनाटक सन्धयः” આચાર્યોએ કહીને આ જ ગુણની તરફ સંકેત કરી દીધો છે. અર્થાત મહાકાવ્યના કથાનકમાં બધી નાટ્યસંધિઓ રહે છે. તે જ કથાવસ્તુ સંગઠનનો મુખ્ય આધાર છે. એની સાથે સાથે ચમત્કાર ઉત્પન્ન કરવા માટે આકસ્મિકતા તથા એકાગ્રતા હોવી આવશ્યક છે. આ ગુણોનો ઉલ્લેખ કુંતકે કર્યો છે.[6] ઇતિહાસનો ઉદ્દેશ્ય કેવળ ઇતિવૃતનો નિર્વાહ કરવાનો જ હોય છે. પરંતુ કવિ કલ્પના અને વાણીના રક્તમાંસને શરીરમાં યથેષ્ઠ ભરીને જીવિત રમણીય મહાકાવ્યનું નિર્માણ કરે છે.

અનુત્પાદ્ય વસ્તુમાં પોતાની ઈચ્છા મુજબ ફેરફાર કરી શકાતો નથી. પણ વસ્તુ ઉક્તિનું સૌંદર્ય, અલંકાર અને બીજી બાહ્ય વસ્તુઓ એટલી મહત્વની નથી જેટલી મહત્વની બાબત કવિ પ્રતિભા છે.[7] આવી પ્રતિભાની રીતે મૂલ્યાંકન કરતાં પણ કવિ ઉચ્ચ પ્રકારના જણાય છે.

વર્ણનો:-

મહાકાવ્યનું શરીર બૃહદ્ હોય છે. તેમાં જીવન સાથે સુસંબંધ કથાનક ઉપાદેયતામાં વૃદ્ધિ કરે તેવા પ્રાકૃતિક વર્ણનો તેમજ જનમાનસને રૂચે તેવા વર્ણનો હોવા જોઈએ. તે પ્રમાણે આ મહાકાવ્યમાં સહજાનંદસ્વામીનાં જન્મનું, વિન્ધ્યવાસીની દેવીનો શાપ, દુર્વાસાનો શાપ, અશ્વત્થામાનો શાપ વગેરે શ્રી ઘનશ્યામ ગૃહનિષ્ક્રમણ, સ્વજનોનો વિલાપ, ઉન્મતગંગા અને ઘેલા નદીમાં સ્નાન ક્રિડાનું વર્ણન, તપનું વર્ણન, આશ્રમ, જંગલો, તથા વિવિધ વૃક્ષો – પુષ્પોનું વર્ણન, જગન્નાથપુરીમાં યુદ્ધનું વર્ણન, જળઝીલણી, હોળી વગેરે ઉત્સવોનું વર્ણન, યાત્રાવર્ણન વગેરે વર્ણનો મહાકાવ્યને આસ્વાદ્ય બનાવે છે. આ ઉપરાંત અન્નકુટોત્સવ, પાકશાળા અને પકવાનોનું વર્ણન, ગંગાનદીના સાત પ્રવાહોનું વર્ણન અને જ્યાં-જ્યાં સહજાનંદસ્વામી વિચર્યા તે સ્થળોનું મનોહર વર્ણન જોતા ‘સત્સંગિજીવનમ્’ માં મહાકવિ શતાનંદ મુનિની વર્ણનકળાના સર્વત્ર દર્શન થાય છે.

ઉદેશ્ય:-

ચાર પુરુષાર્થમાંથી અહીં ધર્મ અને મોક્ષને આપણે ફળ કે ઉદેશ્ય ગણીશું. શ્રી સહજાનંદસ્વામીની કથા અને તેના રસપાનથી ભગવત ભક્તિ થતા ધર્મ અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. જ્ઞાન વગેરેનાં વર્ણનમાં ધર્મ પુરુષાર્થ અને જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે. તેથી નિર્વાણ પ્રાપ્તિમાં મોક્ષ પુરુષાર્થનું નિરૂપણ છે. કવિની કાવ્ય રચનાનો હેતુ ધર્મપ્રસાર અને માનવોના આધ્યાત્મિક કલ્યાણ માટેનો છે. આ મોક્ષાર્થ લક્ષી કૃતિ છે.

શીર્ષક:-

દેશ, કાળ, ક્રિયા, દેવતાનું ધ્યાન, શાસ્ત્ર, દિક્ષા, મંત્ર એ સાત જે સત્ શબ્દથી કહ્યા છે. અર્થાત, સારા દેશાદિનો જે સંગ તેને પણ શ્રેષ્ઠ મુનિઓએ સત્સંગ માનેલો છે.[8]

સત્સંગ એટલે પરબ્રહ્મ પરમાત્મા શ્રી સહજાનંદસ્વામી પોતે. તેમનો સંગ તે સત્સંગ. સત્સંગનો આ મુખ્ય અર્થ છે. “સત્સંગ સર્વ સાધનાના ફળરૂપ તથા આત્યંતિક કલ્યાણનું કારણ છે.”[9] શ્રીમદ્ભાગવતનાં વચનાનુસાર સત્સંગથી અનુક્રમે શ્રદ્ધા, પ્રિતી અને ભક્તિનો ઉદય થાય છે. એ સર્વેની વૃદ્ધિ પણ સત્સંગથી જ થાય છે અને રક્ષણ પણ સત્સંગથી થાય છે. સત્સંગ અને ભક્તિ પ્રગટ પ્રભુને અનુક્રમે ઓળખાવનાર તથા મોક્ષ પમાડનાર હોઈ પરમ કલ્યાણકારી છે.

ઉપસંહાર:-

‘સત્સંગિજીવનમ્’ ને મહાકાવ્યના લક્ષણોની એરણે ચઢાવતાં જણાય છે કે અઢારમી સદીના આ કાવ્યમાં મહાકાવ્યના તમામ લક્ષણો સુસ્પષ્ટ જણાય છે અને આ કાવ્યને મહાકાવ્ય તરીકે સિદ્ધ કરે છે. સાહિત્યાચાર્યોએ આપેલા લક્ષણોની શતાનંદમુનિએ ક્યાંક-ક્યાંક બાંધછોડ કરી છે. પરંતુ એક-બે લક્ષણોની બાંધછોડથી મહાકાવ્યના મહાકાવ્યત્વને હાનિ પહોંચતી નથી. આથી આ મહાકાવ્યને અઢારમી સદીનું શ્રેષ્ઠ મહાકાવ્ય ગણી શકાય.

સંદર્ભ:-

  1. સાહિત્યદર્પણ : વિશ્વનાથ, ૬/૩૧૫ - सर्गबन्धो महाकाव्यं |
  2. ઇશાનસંહિતા : अष्टसर्गात् न न्यूनं त्रिशत्सर्गाच्च नाधिकम् |
  3. સત્સંગિજીવનમ્ :
  4. સાહિત્યદર્પણ : વિશ્વનાથ, ૬/૩૧૬
  5. ધ્વન્યાલોક : આનંદવર્ધન, ઉદ્યોત ૪/૧૪
  6. વક્રોક્તિજીવિતમ : આચાર્ય કુંતક, ઉન્મેષ – ૪/૧૮-૨૦
  7. સ્વાધ્યાય પુસ્તક – ૩, જાન્યુ. અંક – ૪ : શ્રી આર. સી. ત્રિપાઠી, પ્રાચ્ય વિદ્યામંદિર - વડોદરા
  8. સત્સંગિજીવનમ્ : ૩/૨૬/૫૭
  9. વચનામૃત : ગઢડા પ્રકરણ – ૨

નારણભાઈ મુળજીભાઈ દુબરીયા, વ્યાખ્યાતા – સંસ્કૃત વિભાગ, શ્રી વાણી વિનાયક આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ભચાઉ કચ્છ.