Download this page in

વર્તમાનની વાર્તાઓઃ ખાંડણિયામાં માથું

છેલ્લા ત્રણ-સાડા ત્રણ દાયકામાં પોતાની આગવી રીતે અને સામાજિક પ્રતિબદ્ધ એવી વાર્તાઓ દ્વારા હિમાંશી શેલતે જે વાર્તાઓ સરજી છે તે એમને પુરોગામીઓથી એમને જુદા પાડે છે. એમની વાર્તાસમજ સ્પષ્ટ છે, એ લખે છે- ‘તીવ્ર અનુભૂતિની ક્ષણો, ક્ષુબ્ધ કરનારી ઘટનાઓ, મારો હાથ ઝાલીને અડખેપડખે બેસી ગયેલાં સ્ત્રીપુરુષો, દાહક અંગત સ્મૃતિઓ કે સંબંધો- સઘળું મારી વાર્તામાં પૂરપાટ પ્રવેશ્યું છે...અને વ્યક્ત થવામાં, વ્યક્ત થતાં-થતાં, હું ટકી છું. શબ્દની, જે ખળભળાટ અનુભવ્યો તેને વહેંચવાની, જરૂર મને સમજાઈ છે. આ ભીતરી દબાણને અનુસરવામાં વાર્તા મંગાવવામાં આવી હોય ત્યારે અચૂક પ્રતિસાદ આપવાનું મારાથી બન્યું નથી....(પૂર્વે) જે સમજાયું તેમાં ઉમેરણ માત્ર આટલું જ કે સામગ્રી, શૈલી, રચનારીતિ કે સર્જકની સૂઝ વાર્તાને સશક્ત બનાવી જ શકે એ નિશ્ચિત નથી. એકાદ કાચી ક્ષણે વાર્તા કથળી શકે, સર્જકના હાથમાંથી છટકી શકે...બે હજાર બેના ગુજરાતને જોયા પછી સમકાલીન વાસ્તવને વાર્તામાં ઝડપી લેવાનો પડકાર ઉપાડવાની મારી તાકાત અંગેયે હું સાશંક બની છું. માનવકુળમાં જન્મેલી હું મારા કુળના દાવપેચ અને જૂઠણના નાનાવિધ વેશથી ડઘાઈ છું...’ (પથને અંતે...પ્રસ્તાવનામાંથી)

એમની વાર્તાને તપાસવાના ઓજાર અહીં પડેલા જોઈ શકાશે. એક, પોતાની જાત અને જાત જેમાં સંમિલિત છે એ સમાજ સાથેની નિસબતનો સ્પષ્ટ સ્વીકાર છે એમનામાં. બીજું, બાહ્ય જરુરીયાતથી નહીં- એટલે કે ફરમાઈશથી વાર્તા નથી સર્જી શકતાં અને ત્રીજી બાબત, તે સમાજના નહીં પણ માનવતાનાં મૂળ મૂલ્યો અને સત્યને માનદંડ તરીકે સ્વીકારતું એમનું મન, એનાથી વિપરિત થતી ઘટનાઓનો તીવ્ર પ્રત્યાઘાત આપે છે- આ ત્રણ બાબતોને જો આધારરૂપ ગણીએ તો એમની વાર્તા, વાર્તા રચવાનો પ્રપંચ અને એની પડછે પ્રગટતું ભાવવિશ્વ આપણી સામે ઉઘડી આવે.

એકરીતે જોઈએ તો કોઈપણ સર્જક સ્વાભાવિક જ સંવેદનશીલ હોવાનો. એનું ચિત્ત એના આસપાસના પરિવેશથી માંડી આસપાસની ઘટનાઓ, આસપાસના મૂલ્યો, પાત્રો, પ્રસંગો પ્રત્યે સતત પ્રતિભાવ આપવાની મુદ્રામાં તો હોય જ. બધા જ સર્જક એ પ્રતિભાવને વ્યક્ત કરવાની રીતિમાં, એને જોવાના દૃષ્ટિકોણ અને એની કેળવાયેલી વિવિધ સ્તરની સજ્જતાથી અલગ પડતા હોય છે. હિમાંશી શેલત એમની રચનાઓ દ્વારા સમકાલીન પ્રશ્નો, પ્રસંગો, સમસ્યાઓ અને યુગબળને ઝીલવામાં ખાસ્સા સફળ રહ્યાં છે અને એટલે એ છેલ્લા દાયકાઓના ગુજરાતી સાહિત્યમાં અગ્ર હરોળમાં બેસે છે.

‘ખાંડણિયામાં માથું’ - વાર્તા સંગ્રહમાં કુલ ઓગણીસ રચનાઓ સમાવાઈ છે. એમાં ગુજરાતમાં વિવિધ સ્થળે સર્જાયેલા તોફાનો અને હડતાળોના વિવિધ પરિમાણો પ્રગટાવતી સાત વાર્તાઓ છે. પછીની વાર્તાઓ ક્રમશઃ ચૈતસિક આંદોલનો, ખાસ કરીને નારીની વિવિધ સમસ્યાઓ, અને આંતરપીડાને આલેખવા તરફ ગતિ કરતી વાર્તાઓ છે. પહેલા તો આરંભની સાત વાર્તાઓ વિશે-
‘આજે રાતે હું આત્મહત્યા કરીશ...’ - આ વાક્યથી આરંભાતી ‘આજે રાતે-‘ વાર્તા આત્મહત્યા કરતા પહેલા લખાયેલ આખરી નોંધરૂપે છે. એમાં સાઠ વટાવી ગયેલી શિક્ષિકા આ પત્ર લખી રહી છે. સમાજસેવાની સમાન્તરે જીવનભર એણે આદર્શ ભણાવ્યા ને એ જ બાબતને આદર્શ ગણીને બાળકોમાં માનવીય મુલ્યો, અહિંસા, એકતા અને નાત-જાતના ભેદથી પર થવાનું શીખવ્યું- એવી સંવેદનશીલ શિક્ષિકા (દેવી) આત્મહત્યા કરતા પહેલા પત્ર લખી રહી છે. શહેરમાં કોમી રમખાણ ફાટી નીકળ્યા. કેમકે, ‘સૈફી પાર્ક’માંથી ગઈ સાલ કોઈ ‘મુન્નાભાઈ’ પકડાયેલા જેનો આતંકી સંગઠન સાથે ઘરોબો હતો...! પણ કંઈ બીજા બધા એવા નહોતા. શાંતિવન સોસાયટીમાં રહેતા વંદનાબેનનો ફોન આવ્યો કે ‘અમારું ઘર ભરાઈ ગયું છે આખું. હવે જે આશ્રય માટે આવે તેને તમારે ત્યાં મોકલું છું’ - બસ. ખરો સમય આવ્યો છે. ‘સૈફી સોસાયટી’ના નિવાસીઓને આશ્રય આપવાનો.- એ પછી જે રીતે ઘરના સભ્યો, પોલીસ, એણે ભણાવેલા વિદ્યાર્થીઓથી માંડી સમાજસેવાના કાર્યોમાં સંકળાયેલ બહેનો- આ બધાના સહકારની અપેક્ષા જે રીતે ઊંધી પડે છે- તેનું આલેખન અદ્ભુત અને હચમચાવી નાંખનારું છે. સામાન્ય સમયે જે જે બોલાતું હોય છે- તે આ સમયમાં હવાઈ જતું અનુભવતી નાયિકા માટે આ બધું અસહ્ય છે ને એમ છતાંય પોતે કંઈ જ કરી શકતી નથી- એનો ખટકો એના ચિત્તને રહેંસી નાંખે છે. નજર સામે જ ટોળાએ કરેલ હિંસક હત્યાઓમાં કાદરભાઈના નિર્દોષ ફેમિલી સહિત ઘણાની હત્યા થઈ જાય- ઘર સળગાવાય ને છતાં પોલિસ કે કોઈ જ સહાય પહોંચતી નથી- લખે છે- ‘રાત તો વિતી ગઈ પણ સવાર ન પડી..’ માણસો કઇ રીતે વિકટ સમયે પોતાની જાતને બચાવવા અથવા તો આખીએ ઘટનાથી ચોક્કસ અંતર જાળવી લેવા ખોખલાં તર્કનો આશ્રય લેતા હોય છે, ને ખરા ચહેરાઓ ખુલ્લા પડી જતા હોય છે- તેનું આલેખન આ વાર્તાને બહુપરિમાણીય બનાવે છે. એટલે જ શબ્દોની ખોખલાઇ- એના પાછળના તર્કની ખોખલાઈ કેવી લાગે છે તે લખે છે- ‘ત્યારથી બોલેલા અને સાંભળેલા, લખેલા અને વાંચેલા શબ્દો મારી સામે ફાંસીને દોરડે લટકતા શબ જેવા ટીંગાય છે. બોલું છું ત્યારે કોઈ શબ્દ સમજાતો નથી, લખું છું ત્યારે એનો અર્થ એની સાથે જતો નથી. આ રમત હવે ચાલુ નથી રાખવી...- આ એબ્સર્ડની અનુભૂતિ એના માટે જીવન સમાપ્ત કરવાનું કારણ બની રહે છે. (પૃ-9)

‘વામન’- વાર્તામાં નાયકની અકળામણ- આર્થિક સંકડામણ તો ખરી જ પણ ટોળાની માનસિકતા તરફની અકળામણ અને બાકીનાની અસહાય હાલત નવા પરિમાણ સાથે પ્રગટ થઈ છે. જૂઓ- ‘જમ ઘર ભાળી ગયો હોય એવું. આજે આ પક્ષનું બંધ, તો પરમ દહાડે પેલા પક્ષનું. આજે આ વિરોધ તો આવતે અઠવાડિયે પેલો. બાકી હતું તે સ્કૂલ-કૉલેજનાં છોકરાંય મન ફાવે ત્યારે શહેર બંધ કરાવે, બસો સળગાવે, પથ્થર મારે, તોબા પોકારાવે. – એટલે ધંધો બંધ. માંડ માંડ ખર્ચા કાઢતા હોય. માંડ માંડ બધું પાટે ચડતું હોય ત્યાં કશુંક છમકલું થાય ને બધું બંધ. કર્ફ્યુ લાગી જાય ! વાર્તાનાયક અકળાય છે. – ‘આ તો સાલું શહેર છે કે કસાઈવાડો...?’ પંદર પંદર દિવસ ધંધા બંધ રહે એને તો જંગલ કહેવાય. નરી અંધાધૂંધી અને ગરબડ. અહીં ટોળાઓને મઝા, મારે લૂંટે, બાળે, ધક્કે ચડાવે ને તોય એમનો વાળ વાંકો ન થાય...! અહીં બાપાને લકવો, માને સતત ખાંસી, ભદ્રાને ઢીંચણની પીડા, મોંઘીદાટ દવાઓ, જરૂરિયાતોનો લગાતાર મારો...’ (પૃ.15) આ મૂંઝવણ એકલા નાયકની થોડી છે ? પણ કોઈ ઉકેલ નથી. વાર્તાને અંતે કંટાળીને નાયક ધરાર દુકાન ખોલવા નીકળી પડે છે. ઘરના સૌનો વિરોધ હોવા છતાં. હાથમાં ચાવીનો ઝૂડો ઝૂલાવતો... સામે ટોળાની ચીચીયારીઓ, બરાડાઓ અને ધમાસાણ સંભળાય છે પણ એ પહોંચે દુકાન નજીક, એ પહેલા પોતે માટા ડગલા ભરતો, દુકાને પહોંચવા સાડા-ત્રણ ડાંફ ભરીને પહોંચવા અધીરો છે- વાર્તાનો અંત અહીં જ લાવી દેવાયો છે. હુલ્લડો, હત્યારાઓ તરફનો આ મુક વિરોધ. અંત તો કેવો આવવાનો એ આપણે જાણીએ જ છીએ.- એ આપણા સૌની જાણે કે નિયતી થઈ ગઈ છે. કાયદો ભલે વ્યાપાર વ્યવસાય અને પોતાની રીતે જીવવાનું અભય આપતો હોય, પણ એવું છે ખરું...?

‘વળતી મુસાફરી’ - વાર્તા ગોધરાકાંડના પશ્ચાદભૂમાંમાં લખાયેલી અને એક વ્યક્તિગત પરિમાણ પર વિસ્તરતી વાર્તા છે. ગોધરામાં રહેતા મામા-મામીને વર્ષો પછી મળવા ગયેલો નાયક અજાણતા જ કોમી રમખાણોમાં ફસાઈ જાય છે. જેમતેમ પોતાના ઘરે પહોંચવા ટેક્સી કરીને વડોદરા સુધી પહોંચવાની એને ઉતાવળ છે. માહોલ બગડી ચૂક્યો છે બધે જ. સુમસામ થઈ ગયેલા રસ્તાઓ- આ ટેક્સીમાં ડ્રાઈવર અને વાર્તાનાયક ઊંચા જીવે મુસાફરી કરી રહ્યા છે- ટોળું આવે છે. નાયકે શોખની દાઢી રાખેલી, બસ...ટોળુ આવી પહોંચે છે. ધર્મ કયો- પૂછવાનો કે કહેવાનો ય સમય રહેતો નથી.

‘રેશમી રજાઈમાં બાકોરું’ - આ વાર્તા નાયિકા શચિને, એ નાની હતી ત્યારથી એની મા, દાદીમાં જેવી ઘરની સ્ત્રીઓ એને શીખવતી કે, એક સ્ત્રી માટે શરીર કેટલું મહત્ત્વનું છે, શા માટે શરીરને સાચવવાનું છે, આરંભે ન સમજાતી વાત એ પછી ક્રમશઃ કઈ રીતે સમજ કેળવાતી ગઈ અને ‘બળાત્કાર’ શબ્દ કઈ કઈ રીતે એના અર્થો સાથે ચિત્તમાં વિસ્તરતો ગયો- એની બારીક ગૂંથણી સાથે ઘૂંટાયા છે. શહેરમાં ફાટી નીકળેલા હુલ્લડ વખતે એ શબ્દ એના ભયંકરરૂપે કઇ રીતે એની સામે આવે છે તેનું આલેખન આ વાર્તાને કલાત્મક બનાવે છે. ઓફિસ બહાર કચરો વાળતી, પોતા કરતી – કદાચ એનો ચહેરો જ ઝાંખો-પાંખો યાદ છે, નામ તો ખબર પણ નથી. એવી - સ્ત્રી પર સામુહિક બળાત્કાર કરતા પુરુષોએ એને પીંખી નાંખી છે- શચિ એને મળવા જાય છે. ભયંકર રીતે હચમચાવી નાંખનારી આ રચના નારીસંવેદનને બરાબર ઉપસાવી આપે છે.

‘એકાવનમો એપિસોડ’- ટી.વી. સિરિયલના એપિસોડની હોય તેવી પ્રયુક્તિએ આલેખાયેલી આ વાર્તામાં બે સમાન્તરે ચાલતી ઘટના છે. મદનિકા મિશ્રા નામની સ્ત્રીએ બનાવેલ વિધવાઓ પરની ફિલ્મ રિલિઝ થઈ છે અને એમાં ‘ધર્મનું અપમાન’- આગળ ધરીને ધમાલ થઈ છે. તો ભાગ્યે જ ફિલ્મો જોવા જતી માધવીને આ ફિલ્મ થિયેટરમાં જોવાની ઇચ્છા જન્મી ને એ જાય છે- પણ ધર્માંધ ટોળાઓએ ધમાલ મચાવી એ ફિલ્મ રિલિજ થવા દીધી નથી. બાહ્ય રીતે બનતી ઘટના પાછળ ચિત્રકાર માધવી અને એના પતિ સાથેના ક્રમશઃ ક્ષીણ થઈ રહેલું દાંપત્ય ખુલતું જાય છે. ઘટી રહેલી ઉષ્મા અહીં ઘૂંટાતી જાય છે. છેલ્લે પતિ હોવા છતાં આજે કંઈક નવું કરવા માટે એ ચાંલ્લો કાઢી નાંખે છે- અને હયાત પતિએ પણ વિધવા હોય એવી કેટલી નારીઓ આ દેશમાં હશે ? ફિલ્મ બનાવનાર મદનિકા માટે આ વિષય સૂચવવા જેવું ખરું. આ વાર્તામાં, વિધવા, દેવદાસી, કલાકાર કે સામાન્ય ગૃહિણી- સ્ત્રીની આ વિવિધ અવસ્થાઓ વચ્ચે એની પરતંત્રતા અને અભિવ્યક્ત થવાની આઝાદી પર લાગતી બ્રેક મુખ્ય સૂર બનીને ઉપસી આવે છે.

‘સજા વાર્તા’ - આવેશમાં આવીને ટોળાનો ભાગ બની જતા પુરુષો કઈ રીતે સામાન્યમાંથી રાક્ષસ બની જાય- ને પછી એ પૂર ઓસર્યા પછી સજા ખરેખર કોને મળતી હોય છે-તેનું આલેખન છે. હુલ્લડ વખતે વિધર્મીની સ્ત્રીઓને પીંખીને આવેલ ટોળું, અને પોતે એ સ્ત્રીને કઈ રીતે ‘ફાડી નાંખેલી’ની ડંફાસો મારતા મરદો- લતાનો પતિ નરેશ આવા દુષ્કર્મનો હિસ્સો હતો. લતા એક રીતે તો અન્ય સ્ત્રીઓની જેમ લાચાર જ છે પણ મહિનાઓ સુધી ભાગતો ફરતો પતિ પાછો આવ્યો છે, અને પત્ની લતાને ભોગવવાની પ્રબળ ઇચ્છા સાથે, પણ એને ઓરડીમાં પૂરી દઈ, જે રીતે લતા ચાલની શેરીમાં ખાટલા ઢાળી સુવે છે – એનો આવો પ્રતિકાર આ વાર્તાને નવું પરિમાણ આપે છે.

‘પચીસમી જાન્યુઆરી’ - વાર્તામાં સાવ છેવાડાના ગામમાં, ટોળાએ કરેલ બળાત્કારની ઘટના આલેખાઈ છે. પણ સર્જકનો કેમેરા આ વાર્તામાં મિડિયાકર્મીઓ ઉપર મંડાયો છે. છેવાડાના ગામડામાં બનેલી ઘટનાને કવર કરવા જતા પત્રકાર- એની માનસિકતા, એના પ્રશ્નો, પીડિતાની પીડા કરતા ‘સ્ટોરી બને’ એવો મસાલો મેળવવાની એની લાલચ, એના વાણી-વર્તન અને પ્રતિભાવોમાંથી પ્રગટતી જળકમળવત્ છબી- આ વાર્તામાં ઝીલાઈ છે. પીડિતાએ કંઈ વધારે, કંઈ મસાલેદાર કહ્યું નહી - એનો અફસોસ. એ ગામ છોડી પાછા ફરવા સાથે - આ આખીયે ઘટના સાથે એને કંઈ જ લેવા દેવા ન હોવાની જે માનસિકતા આલેખાઈ છે તે પત્રકારોની સંવેદનહિનતાને ચીંધે છે. તનુશ્રીને સાથે રાખીને આ વાતને વધારે ગાઢ રીતે ઉપસાવાઈ છે.

આ એવી વાર્તાઓ છે જેના કેન્દ્રમાં કે પશ્ચાદભૂમાં કોમી તોફાનો, હુલ્લડ, સામુહિક બળાત્કાર કે પછી કોઈને કોઈ રીતે પ્રગટતું સામુહિક જનમાનસ છે. દરેક વાર્તામાં લેખકે આ બાબતને જોવા માટેનો ખુણો બદલ્યો છે. ટોળું આવે એ પહેલાથી થતી માનસિક તૈયારી અને અસહાય સ્થિતિથી શરુ કરીને, ભોગ બનતો વેપારી, ભોગ બનતી પૂરાં કપડાં પહેરેલી, જરા પણ ફેશન કે ગ્લેમર વગરની કામવાળી સ્ત્રી, જેને કોઈ જ લેવા દેવા નથી એવા નિર્દોષ લોકો, આ ધર્મ કે તે ધર્મ-ને પણ ઓળખવાની તસ્દી ન લેતું, આવેશના પ્રવાહમાં તણાતું ટોળું, સમાજસેવીઓ અને કલાકાર જેવા પ્રબુદ્ધવર્ગની દૃષ્ટિએ આવી ઘટનાઓ, આ આખીએ ઘટનાઓને તટસ્થ રીતે જનમાનસ સુધી પહોંચાડવાની જેની જવાબદારી છે એવું મિડિયા. વાર્તાઓને આવા આવા ખૂણેથી આલેખવામાં આવી છે. આલેખન રીતિમાં અલગપણું છે, કોઈ પત્રની શૈલીએ તો કોઈ સર્વજ્ઞની પેઠે તો કોઈ પાત્ર દ્વારા કહેવાઈ છે પણ કથન સરળ અને સીધું છે. આ વાર્તાઓનો સૌથી મોટો વિશેષ હોય તો તે છે એમાં ઠાંસીને સમાયેલ સંવેદનો. મુખ્ય વાતને ઘૂંટતી વખતે જે નાનીનાની સંચારી લાગણીઓ ગૂંથાતી જાય છે તેની અલગથી વાત કરવી પડે એટલું વૈવિધ્ય મળે.

આ વાર્તાઓમાં અલગ પડી જતી વાર્તા એટલે ‘ઇતિહાસ’- આદિવાસી વિસ્તારમાં વધી રહેલી સાંસ્કૃતિક અને રાજકીય દખલનું આલેખન છેવટ જતા ફોટોગ્રાફર સમરેશની માનવતા પર ફોકસ પામ્યું છે. આ વાર્તાનું આખું કમઠાણ છે, વનવાસીઓને અપાતી ખોટી લાલચો અને ચૂંટણી પછી વચનો ફોક કરીને દબાણના નામે એમના ઝૂંપડાઓ હટાવવાની કામગીરીમાંથી જન્મતા આક્રોશની વાત અંતભાગે ફંટાઈને લાઇવ ફોટોગ્રાફી કરતા કરતા આદિવાસીઓ સાથે એકાકાર બની ગયેલા ફોટોગ્રાફરની સંવેદનશીલતા છે. વાર્તા મજાની છે, ખાસ તો વનવર્ણન અને પ્રસંગનું આલેખન આ વાર્તાને અલગ પાડે છે સંગ્રહની બીજી વાર્તાઓથી.

‘ઓન ડ્યુટિ’ - વાર્તામાં પોલિસવાળા ગંભીરસિંહના આંતરમનની સાથે એની બાહ્ય ડ્યુટિની પ્રવૃત્તિઓનો ચિતાર વાર્તાને અનોખી બનાવે છે. આરંભનો ગંભીરસિંહ ક્રમશઃ કેવો પલટાતો ગયો છે ને છતાં એની અંદરનો માણસ જીવે છે- એ એક કસ્ટડીમાં થયેલ અજાણ્યા વ્યક્તિના મૃત્યુ નિમિત્તે ઉજાગર થાય છે. દારુબંધીની પોકળતા, અજાણતા જ થઈ જતાં અપરાધો, આખીએ સિસ્ટમની એવી ગોઠવણ કે જાણે સૌ અસહાય અને ભગવાન ભરોસે ચાલતું જીવન- એ આલેખવામાં સર્જક સફળ રહ્યા છે. તો ‘ઉર્જા’- નામની વાર્તામાં બે સમાન્તર ઘટનાઓને આલેખીને સન્નિધિકરણની શૈલી અપનાવાઈ છે. ગરીબ કુટુંબમાં જન્મેલો અને મોટો જ ન થતો- માનસિક નબળાઈને કારણે- લાલો જ્યારથી માછલીઘર સામે બેસી રહ્યો છે તે એની મા માટે બહુ જ શુભ ઘટના બની રહે છે- પણ એ જ માછલીઘર(એક્વેરિયમ) કોઈ શ્રીમંતના ઘરમાં (ફેંગશુઈ પ્રમાણે) પનોતીરૂપ નીવડ્યું હતું- એવી બે ઘરની, સમાજના બે સ્તરની એક જ ચીજ બાબતે થતાં અલગ પ્રભાવને આલેખતી સામાન્ય કક્ષાએ કેળવાયેલી વાર્તા બની રહે.

છેલ્લી નવ વાર્તાઓમાં હિમાંશી શેલતે નારીચેતનાને કેન્દ્રમાં રાખી છે. ક્યાંક એ ઉગ્રરૂપે- ‘નાયિકાભેદ’- જેવી વાર્તામાં પુરુષોના મુખે કરાયેલા સંવાદોમાંથી અભિવ્યક્ત થાય છે. પુરુષો ભેગા થઈને નારીઓ વિશેની- જેમાં એમની પત્નીઓ કે ઉપપત્નીઓની જ વાત છે. ઉપપત્ની શા માટે છે ? એના કારણોમાં પુરુષોની માનસિકતાને વેધક રીતે રજૂ કરવામાં આવી છે. તો ‘બ્રાહ્મમૂર્હુતમાં’ - વૃદ્ધાની નાનકડી ઇચ્છા ‘નખ કપાવવા’ની કઈ રીતે, કેવા સંજોગોમાં પૂરી નથી થતી ને એ મૃત્યુ પામે છે- જેવી નાજૂક પળને કેન્દ્રમાં રાખીને આપણાં ચિત્તમાં મોટા વર્તુળો જન્માવનારી મજબૂત રચનારૂપે ઉપસી આવે છે. વૃદ્ધત્વ વ્યક્તિને કઈ રીતે સમાજમાંથી બાકાત કરી દે છે, તેટલું જ નહીં, કઈ રીતે ઘરમાં ગૌણ નહીં, પણ અતિગૌણ બનાવી દેતું હોય છે એ મજબૂત રીતે આ વાર્તામાં સિદ્ધ થયું છે તો એનું જ એક બીજું પરિમાણ પ્રગટાવતી વાર્તા એટલે ‘આસમાની દીવાલ’- આ વાર્તામાં વૃદ્ધ થઈ ગયેલી ત્રણ બહેનો એકલી રહે છે. એવું નથી કે એમને કુટુંબ નથી. છે પણ...એમાં એ ગૌણ બની ગયા છે, સંજોગોના કારણે, કે સગાઓની વ્યસ્તતાને કારણે. ફ્લેટમાં એકલી રહેતી એવી ત્રણ બહેનોનું રુટિન જ આલેખાયું છે અને દેખાય એવી કોઈ જ ઘટના એમની સાથે ન બનતી હોવા છતાં- છાપા દ્વારા એમના સુધી પહોંચતી સમાજમાં બનતી ઘટનાઓ – એકલા રહેતા વૃદ્ધોને લૂંટી લેવાની, એમની હત્યાઓ કરી નાંખવાની ઘટનાઓ વાંચીને એમના ચિત્તમાં જે વલયો ઊઠે છે એનું અદભુત આલેખન આ વાર્તામાં મળે છે. એમાંય જ્યારે એમની જ સોસાયટીમાં છઠ્ઠા માળે રહેતી એકાકી વૃદ્ધાનું ખૂન થયું- એ ઘટના એ એમને વધારે હચમચાવી નાંખ્યાં ! રોજ સવારે બેસીને જે બાલ્કનીમાંથી એ ત્રણેય રસપૂર્વક સોસાયટીના માણસોને નીહાળતા ત્યાં દીવાલ ચણી લેવાનો નિર્ણય- ‘આસમાની દીવાલ’...આ જાતે જ ઊભી કરવી પડતી કેદ. કામવાળા પર પણ વિશ્વાસ ન મુકી શકાય અને કોઈને કંઈ કહી ન શકાયની લાચારી આ વાર્તાની ખુબી છે.

‘વટાળનો કિસ્સો’- પ્રમાણમાં હળવી અને છતાંય વેધક રચના છે. માયા અને મનહર શાહ- હસબન્ડ અને વાઈફ. તદ્દન વિરોધી વિચારના. માયાને વહેંચવામાં આનંદ છે, એ હળવી ફૂલ, ઉદાર, ગમતાનો ગૂલાલ કરનારી ને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા મનહર શાહ તદ્દન ગણતરીથી ચાલનારાં, એક એક પાઈનો હિસાબ રાખનારાં- પછી શરુ થાય છે હાવિ થવાના પ્રયાસો. મનહરલાલ બહુ સભાન રીતે માયાને પૈસાના મોહનો પુટ ચડાવે છે-ને એક સંવેદનશીલ, પતંગિયા જેવી નારી ક્રમશઃ વટલાતી જાય છે વ્યવહારમાં. તો ‘લાચારી’- વાર્તામાં દારુ પીને દર રવિવારે ધમાલ મચાવતા પિતા જયસુખભાઈને દારુ અને આ કંકાસ છોડાવવા મથતી દીકરી દીપાની વાત છે. છેક નાની હતી ત્યારથી દર રવિવારે થતો તમાશો એણે કાયમ જોયો છે. ભૂતકાળમાં એની મમ્મીએ પ્રયત્નો કરેલા પણ ગાળો બોલે, ધમાલ કરે અને પાડોશીઓ પોલીસમાં ફરિયાદ કરે –ત્યાં સુધી વાત પહોંચી ગયેલી એટલે પત્નીએ મૌન રહેવાનું શીખી લીધું, તેથી એમને ભાવતું મળ્યું. દર રવિવારે એમનામાં રાક્ષસ આવી જાય. એનાથી છૂટવા સમાજસેવિકાની સલાહ મુજબ દીપાએ બારણું નહીં ખોલવાનું- અને પિતાને બહાર જ રાખવાનું મમ્મી સાથે મળીને નક્કી કર્યું છે- એ મોટાભાગે સફળ પણ થઈ...પણ સ્ત્રી હોવાની લાચારી. બહાર ઊભેલાને પોતનો ગણે છે એ ‘લાચારી’ સાથે વાર્તાનો અંત.

‘વિચ્છેદની ક્ષણ’ અને ‘અગિયારમો પત્ર’- વાર્તાઓ લગ્નેતર સંબંધો અને એની સાથે સંકળાયેલ નારીની સંવેદના ઉપર કેન્દ્રીત છે. પુરુષનું બેવડું ધોરણ બંનેમાં જુદા જુદા પરિમાણો સાથે પ્રગટ થઈ રહે છે. ‘ભંગુર’- વાર્તાની નાયિકાને કેન્સર હોવાની ખબર પડ્યા પછી પતિ અને બાળકો- પછીના સમયે પોતાના વિના કઈ રીતે રહેશે, ઉછરશે એની ચિન્તા કરતી આલેખી છે. અચાનક જ સર્જાયેલ આ દુર્નિવાર્ય એવી ઘટના પછી પોતાની હાજરી વિનાના સંસારની કલ્પનામાં એ ક્યાં સુધી પહોંચે છે- એની અત્યંત સૂક્ષ્મ એવી અનુભૂતિ એ આ વાર્તાનો મોટો વિશેષ બની રહે. કશાય કલાપ્રપંચ વિના સીધા સાદા કથનથી પણ વાર્તા કેવી નખશીખ નીપજી આવે તેનો આ નમૂનો લેખાય.

સંગ્રહની છેલ્લી વાર્તા ‘ખાંડણિયામાં માથું’ની નાયિકા સમાજસેવા સાથે જોડાયેલ છે. થોડી વિગતે વાત કરવી પડે એવી વાર્તા છે આ. નાયિકાનું ચિત્ત આરંભના ફકરામાં જ, એના કથનમાં વ્યક્ત થઈ જાય છે- ‘માત્ર કનડવા સારું જ પૂછ્યું હોત કે આ માણસ તમારા શું થાય, તો મેં ફટ દઈને જવાબ વાળ્યો હોત કે સ્વજન, એટલે કે પોતીકું કહેવાય એવું કોઈક. આત્મીય અને પ્રિય.’- એટલું કહ્યા પછી પણ વાતને દૃઢાવે છે- ‘મેં કલ્પનામાં અનેક વાર જાહેર કર્યું છે કે હા, આ પુરુષના ગુણોની હું ચાહક છું. એના દોષો એ જે નિખાલસતાથી સ્વીકારે છે તેનીયે હું ચાહક છું. આમ જુઓ તો એ મારો કોઈ નથી અને છતાં મારો એની સાથે સંબંધ છે.’ - આવું જાહેર કરતી નાયિકા અન્ય સાથીઓ આવી શકે એમ ન હોવાથી એકલી જ સેક્સવર્કરના લત્તામાં ગઈ છે. ત્યાંની સ્ત્રીઓએ નોંધ્યું છે કે બેન-ને છોડવા કોઈ ગાડી આવી હતી ગલી બહારના પેટ્રોલપંપ સુધી- ‘એટલે જીજાજીને સાથે ન લાવ્યા ?’ -ની મશ્કરી કરે છે. અહીં પણ નાયિકા સીધો કશો ફોડ પાડતી નથી. એવી એને જરૂર પણ લાગતી નથી. એક કિસ્સો બન્યો છે. રોઝી કે સુનિતા એવા નામવાળી એક સ્ત્રીની હઠ છે કે એ એક જ પુરુષ સાથે સંબંધ રાખશે, ધંધો નહીં કરે. જે એની છોકરીનો બાપ પણ છે. નાયિકાની સાથે એ પેલા મરદ તરફી દલીલ કરે છે કે એ મારું ભરણપોષણ આપે છે, મારું ચાલ્યા કરશે. લગ્ન થઈ શકે એમ નથી પણ એનો પ્રેમ સાચો છે.- આ સમસ્યા વિચિત્ર હોવા છતાં એક હકીકત છે. – આ ઘટનામાં પેલા (સમાજસેવિકાના મિત્ર) એને લેવા આવવાના છે, સમય થઈ ગયો છે એની ચિન્તા નાયિકાના મનમાં સમાન્તરે ચાલે છે. એ પેટ્રોલપંપ પાસે ઊભા રહેશે. ગાડીમાંથી બહાર નીકળ્યા વિના..- એવું જ થાય પણ છે. એ ઉતાવળે પહોંચે છે ને થોડી વાતો પછી જે વાક્ય પેલાના મુખમાંથી નીકળે છે- એ ભારે સ્ફોટક છે. કહે છે- ‘એક બે વાર તો થઈ આવ્યું કે બહાર નીકળીને તું જ્યાં જાય છે ત્યાં લગી એક આંટો મારી આવું. પછી અટકી ગયો. ચિંતા થતી હતી, એરિયા એવો એટલે સ્વાભાવિક રીતે જ એમ થાય કે- પણ આવી જગ્યાએ બહાર નીકળી ડાફરિયા મારું તો કોઈ શુંનું શું ધારી લે ? આપણા લોકો છે ભાઈ, છાપે ચડાવી દે તો ભારે થઈ જાય ને...?’

બારુદ ભરેલું આ વાક્ય વાર્તાને કલાત્મકતા આપે છે. આગળનો બધો જ વાર્તાપ્રપંચ હવે આ વાક્યની રોશનીમાં નાયિકાની સ્થિતિ- ખાંડણિયામાં માથું- અને એ નિમિત્તે પુરુષ માનસિકતાને વેધક રીતે ઉઘાડી આપનારું નીવડે છે.

એક બાજુ સામાન્ય વર્ગની અને વેશ્યાવાસમાં જીવન વિતાવતી બાઈ છે જે એના પ્રેમી માટે કેટલું સહન કરવા તૈયાર છે, બીજી બાજુ ભલે સમાજસેવી બેનને રોકતો નથી, એને પ્રેરક એવું વર્તન દાખવે છે- પણ ચિત્તમાં તો ઐક્ય નથી જ એવો એ પુરુષમિત્ર. સમાજસેવીકાના સ્વીકાર છતાં એની સાથેના સંબંધનો જાહેર સ્વીકાર તો નથી જ. સમાન્તરે આલેખાતા આ બે છેડાઓની વાર્તા કલાત્મક બની રહે છે.

સમગ્ર સંગ્રહની વાર્તાઓમાં સૌથી પહેલું અને મોટું લક્ષણ ઉભરી આવે છે તે છે સામાજિક પ્રતિબદ્ધતા. ઘટનાઓ અને સર્જકના વિચારો સમાન્તરે ઘૂંટાતા રહ્યા છે, આ વિચારોમાં બે પેટર્ન જોવા મળી- એક તો જનસમુહનો સર્વસામાન્ય હોય છે એ દૃષ્ટિકોણ. એ કેવો તકલાદી, તકવાદી અને અમાનવીય છે એ ઉપસાવતો સર્જકનો દૃષ્ટિકોણ. એ સ્પષ્ટ દૃષ્ટિકોણને ભાવક તાર્કીક રીતે સ્વીકારે એ રીતનું આલેખન એ સર્જકનો અન્ય વિશેષ. હિમાંશી શેલતનો દૃષ્ટિકોણ સ્પષ્ટ છે- કશો ગૂંચવાડો એમાં નથી, આ ત્રીજો વિશેષ. રચના રીતિમાં નાવિન્ય લાવવા સતત પ્રયત્નો કરતા રહ્યા છે, પણ એના આશ્રયે રહેતા નથી. એ ધ્યેય પણ નથી. એમને ‘સ્ટોરી ટેલિંગ’ બરાબર આવડે છે- એટલે મોટાભાગે નાનીમોટી ગિમિક્સ અપનાવ્યા પછીએ ઉભરી આવે છે, તે છે- સીધું સાદું અને સત્વશીલ કથન. એ ‘હિમાંશી શેલત’ બ્રાન્ડ લક્ષણ છે.

વિષયોનો એમની પાસે તોટો નથી. અંત મોટાભાગે ભાવક પર છોડવાનું વલણ છે, પણ ભાવકને છૂટો મુકી દેતા નથી. પોતાને અભિપ્રેત દિશામાં વાળ્યા પછી જ એને છોડે છે- ધાર્યું નિશાન પાડે છે એમ પણ કહી શકાય. એ અર્થમાં એ લાગણીથી છલોછલ હોવા સાથે સ્માર્ટ વાર્તાકાર બની રહે છે. સ્વાભાવિક જ એ માનવજાતની નરી સચ્ચાઈ અને કાળી બાજુને વધારે ગાઢ બનાવી- જે કલાની આવશ્યકતા છે- રજૂ કરે છે.

ખાંડણિયામાં માથું (વાર્તા સંગ્રહ) હિમાંશી શેલત. પ્ર. અરુણોદય પ્રકાશન, 202, હર્ષ કોમ્પલેક્સ, ખત્રી પોળ, પાડા પોળની સામે, ગાંધીરોડ, અમદાવાદ-1, પ્ર.આ.2004. કુલ પાનાં-152. કિં.70.00 રૂ.

નરેશ શુક્લ, એ-2, પ્રોફેસર ક્વાટર્સ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ઉધના-મગદલ્લા રોડ, સુરત-7 ફોન- 9428049235, મેઈલ આઈ.ડી. – shuklanrs@yahoo.co.in