Download this page in

‘આગંતુક’-યાયાવર સમા ઇશાનની વાત-લેખક: ધીરુબહેન પટેલ

‘આગંતુક’ ટૂંકું કદ ધરાવતી,નાના ફલકમાં સમાયેલી,નાટ્યાત્મક રીતે વસ્તુ નિરૂપણ કરતી એકાદ ચરિત્ર દ્વારા જીવનની વિલક્ષણ પરિસ્થિતિને અનુલક્ષતી ધીરૂબહેન પટેલની લઘુનવલ છે. આ કૃતિમાં સર્જકે એક પરિસ્થિતિ કલ્પી છે.સંસાર છોડીને ચાલી ગયેલી વ્યક્તિ પંદરેક વર્ષ પછી ઓચિંતી પાછી ફરે તો? આ પ્રશ્નને કેન્દ્રમાં રાખી સર્જકે આખીય પરિસ્થિતિને ખુલ્લી કરી છે. એમાં ઇશાન આ કૃતિનું કેન્દ્રવર્તી પાત્ર છે. કથાના ચૈતસિક પરિવેશની ઝલક આ નાન્દી વાક્ય દ્વારા થઈ છે.

“રોશનીથી ઝળહળતા ખંડમાં જામેલી મહેફિલમાં બહારના અંધકારમાંથી ઊડીને આવેલું પક્ષી એક બારીએથી પ્રવેશી બીજી બારીએથી નીકળી જાય એટલા સમયની વાત.”

વર્તમાનના એક નાના સમય ખંડને આવરી લેતી આ કથા ન સંન્યાસી કે ન સંસારી ત્રિશંકુ સમા ઈશાનના અતીત અને અનાગતની ગતિવિધિને સમાવિષ્ટ કરે છે. કથાનાયક ઈશાનના આંતરજીવનના વહેણ-વમળની અહી વાત છે.

ઉત્તરકાશીના આશ્રમમાં પંદર વર્ષના સાધુજીવન પછી ભગવો ઉતારી પોતાના સ્વજનો પાસે આવવા નીકળલો ઈશાન ટ્રેનમાં વહેલી સવારે જાગી જાય છે.તે ક્ષણથી જ વિકટ પરિસ્થિતિનો સામનો કરવાની શરૂઆત થઈ જાય છે. મુંબઈમાં પગ મૂકતાં જ ઉત્તરકાશીના પવિત્ર વાતાવરણમાં રહેલા મોહમુક્ત ઈશાનને ભાવશૂન્યતા,સ્વાર્થ,સંકુચિતતા,યાંત્રિક્તા જેવા શહેરી તત્વો સાથે જીવવું ગમતું નથી. મોહમયી મુંબઈ નગરીની ભભકદાર રોશનીમાં જાણે આવી ચડેલું એક ‘આગંતુક’પંખી પોતાના મોટાભાઈ આશુતોષના આંગણે જાય છે. પણ ભાભી રીમા તરફથી જે ઠંડો પ્રતિસાદ,ઉપેક્ષા અને અવગણના મળે છે. તે છોડી તેને બીજા ભાઈ અર્ણવના ત્યાં ‘ધ નેસ્ટ’ નામના વૈભવશાળી ફ્લેટમાં રહેવા જવું પડે છે. શ્યામલીભાભી ગેસ્ટરૂમ હોવા છતાં નોકરની ગંદી ઓરડી તેને આવાસ અર્થે આપે છે. પરંતુ ‘તે જલદી ભાગી જશે’ એવું શ્યામલીભાભીનું અનુમાન ભ્રામક નીવડે છે. “અતિથિ દેવો ભવ’’ના સંસ્કારથી પ્રતિષ્ઠિત ભારતીય સંસ્કૃતિના આ બે સગા ભાઈઓ પોતાના જ નાનાભાઈને ઘરમાંથી કાયમ માટે કાઢી મૂકવા જે નુસખા અજમાવે છે તે જોઈ ભારતીય સંસ્કૃતિ પણ કદાચ છાને ખૂણે આંસુ સારે. આ જ બિલ્ડિંગના સૌથી ઉપરના મજલે રહેલા ધનાઢ્ય નિરંજનભાઇના વૈભવશાળી ઘરમાં અને તેમના હ્રદયમાં પણ ઇશાનને આદર,સત્કાર અને આત્મીયતાપૂર્ણ આવકાર મળે છે. તેમનો એકનો એક પુત્ર રજત જે જ્ઞાનતંતુઓની જીવલેણ બીમારીથી પીડાયા કરે છે. ઉત્તરકાશીના આશ્રમમાં ઇશાન,રજત અને ઇપ્સિતાએ થોડો સમય સાથે વિતાવ્યો હોય છે.ઇપ્સિતા ‘ઇશાનબાબા’ ને ઓળખી જાય છે. આ ઘટનાને ચમત્કાર ગણી તેઓ ઇશાનને પોતાના ઘરે બીમાર રજત સાથે રહેવા બોલાવે છે. ને ઇશાનનો હાથ ફરતાં જ જાણે ચમત્કાર થયો હોય તેમ રજતની તબીયતમાં સુધારો આવવા લાગે છે. પરંતુ નોકર ફ્રાંસીસની ઓરડીમાં તેને જે અનુભવ થયો હતો તે નિરંજનભાઇના ફ્લેટમાં ક્યાંક જોખમાતો લાગે છે. ધનનો ઢગલો કરવા આવતા તેમના મિત્રો અને સગાંસંબંધીઓને જોઇ ત્યાંથી ચાલ્યા જવાનુ તે નક્કી કરે છે.પરંતુ પોતાના બંને ભાઇઓ ઇશાન તો સોનાના ઇંડા મુકતી મરઘી છે એ બાબત જાણી તેની ચમત્કારીક શક્તિનો લાભ ઉઠાવવાની દાનતે પોતાને ઘેર લઇ જવા અંદરોઅંદર ઝઘડે છે. પરંતુ ઇશાન આ માયાજાળમાં ફરી ફસાવા નથી માગતો.આધ્યાત્મિક સાધનાના જીવનધ્યેયથી ચલિત થઇ જાય તેવો તે તકસાધુ નથી. તકસાધુ હંમેશા તકલાદી હોય છે. પોતાના ગુરુએ સોંપેલા અનુવાદનું કાર્ય પુર્ણ કરી ઋણમુક્ત બની તે સાધનાપંથે પ્રયાણ કરવાનો સંકલ્પ કરે છે. યાયાવર પક્ષી ઋતુચક્ર પ્રમાણે નિવાસ કરતું હોઇ તેને સ્થળાંતર કરવુ પડે છે. પણ ઋતુ પુર્ણ થતાં ફરી તે પોતાના મૂળવતન ભણી પ્રયાણ કરે છે. પુર્ણયોગીનુ આદર્શ પુરુ પાડતું ઇશાનનું જીવન નથી અવગણના કે અવહેલનાથી અકળાતું કે નથી વૈભવમાં લપસી પડતું. ઇશાન ઉપેક્ષા અને પ્રલોભનો વચ્ચે પણ અવિચળ રહી પોતાના નિશ્ચિત ધ્યેય તરફ આગળ વધવા પ્રયાણ આદરી દે છે.ઇશાન એક એવો આગંતુક છે, જે પદ-પ્રતિષ્ઠા અને સાધન સંપત્તિમાં રાચતા સાધુઓની જમાતમાં સરખી રીતે ગોઠવાઇ શકે એમ નથી, તો વ્યવહારુ અને ગણતરીબાજ ગણાતા સંસારીજનોના સમાજમાં પણ સુખેથી રહી શકે એમ નથી. આ કૃતિ ચરિત્રલક્ષી હોઇ કથાનાયકની સંવિતધારા જ એનો પ્રધાન અંશ બની રહે છે. કદાચ તેથી જ ઇશાનને આવી સંકુલ ભાવસંવેદનોની ક્ષમતા ધરાવતી સ્થિતિમાં મુકી સર્જકે તેના મનોગતનુ મર્મદર્શન કરાવ્યું છે. એક સાચો અધ્યાત્મ સાધક કેવો હોય તેનું ઉત્તમ દ્રષ્ટાંત ધીરુબહેન પટેલે ઇશાનના ચરિત્ર દ્વારા સિદ્ધ કરી બતાવ્યું છે.

‘આગંતુક’ને ઇચ્છિત સ્થાને પહોંચાડવાનું લક્ષ્ય આ લઘુનવલ સિદ્ધ કરે છે.

સંદર્ભસુચિ::

  1. ‘આગંતુક’- ધીરુબહેન પટેલ
  2. ‘ગુજરાતી કથાવિશ્વ:લઘુનવલ’-લે.;બાબુ દાવલપુરા /નરેશ વેદ

પ્રા. ડૉ.વંદના રામી, મદદનીશ પ્રાધ્યાપક, સરકારી વિનયન કૉલેજ, માંડલ