Download this page in

લાભશંકર ઠાકર કૃત - ચંપકચાલીસા

પ્રસ્તાવના

‘ચંપકચાલીસા’ લાભશંકર ઠાકર લિખિત હાસ્ય-વ્યંગ-વિનોદ નિરૂપતી નવલકથા છે. ગુજરતી સાહિત્યમાં લાભશંકર ઠાકરનું નામ આદરથી લેવાય છે. તેમણે ગદ્ય અને પદ્ય સ્વરૂપોમાં નોંધપાત્ર સર્જન કર્યું છે. કવિ તરીકે તેમણે ‘વહી જતી પાછળ રમ્યઘોષા’, ‘ટોળાં,અવાજ અને ઘોંઘાટ’ અને ‘માણસની વાત’ જેવા કાવ્યસંગ્રહો આપ્યા છે. એવી જ રીતે ગદ્યકાર તરીકે પણ તેઓ સત્વશીલ કૃતિઓ આપી શક્યા છે. નાટક-એકાંકી આદિ ક્ષેત્રે પણ લા.ઠા.નું નામ આદરથી લેવું પડે એવું સશક્ત પ્રદાન તેમનું છે. ‘બાથટબમાં માછલી’ , ‘મરી જવાની મઝા’ , ‘પીળું ગુલાબ અને હું’ , ‘વૃક્ષ’ આદિ તેમનાં જાણીતા નાટકો છે. નવલકથાકાર લાભશંકર ઠાકર પણ મુદ્દલ પાછળ નથી. તેમણે ‘કોણ?’, ’અકસ્માત’, ‘લીલાસાગર-૧-૨’, ‘હાસ્યાસન’, ‘ચંપક ચાલીસા’ જેવી અસંખ્ય માતબર નવલકથાઓ આપીને ગૂર્જર કથા સાહિત્યને રળિયાત કર્યું છે. જાગૃતિ પટેલ નોંધે છે કે, “હાસ્યાસન’, ‘ચંપકચાલીસા’ અને ‘અનાપ-સનાપ’ તેમની હાસ્ય-વ્યંગ-વિનોદ અને વિડંબનાનાં તત્વો નિરૂપતી કથાઓ છે.”[1] ‘ચંપકચાલીસા’ નવલકથાના સ્વરૂપ-શૈલી અને કથાનક આદિ તપાસીને એને સાહિત્યિક વિવેચનીય દ્રષ્ટિથી જોવાનો પ્રયાસ કરીએ.

કથાવસ્તુ

‘ચંપક ચાલીસા’ નવલકથાના કથાવસ્તુ વિશે વિચારીએ તો આ નવલકથાનો નાયક ચંપક છે. જે ગામડાની એક માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે જોડાય છે. તે પ્રખર હનુમાન ભક્ત છે. ચંપકની પત્ની ચંપા છે. ચંપક જે શાળામાં શિક્ષક છે તે શાળાના આચાર્ય ભટ્ટસાહેબ છે. ભટ્ટ સાહેબ અને તેમનાં પત્ની ધર્મભીરૂ સજ્જન વ્યક્તિઓ છે. જે ચંપકને દરેક રીતે સહકાર આપે છે. આમ, ધારાપુરમાં રહેતો ચંપક પત્ની સાથે સુખરૂપ જીવન વિતાવી રહ્યો હતો ત્યાં એક તુચ્છ કહેવાય એવી ઘટના તેના જીવનમાં ધરતીકંપ આણે છે. ઘટના એવી છે કે, ચંપાએ ઢોકળાં બનાવ્યાં હોય છે અને તે પોતાના પતિ ચંપકને ખવડાવવા હાથ લંબાવીને મોંમાં ઢોકળું મૂકવા જાય છે ત્યાં ચંપક હાથનો ઝાટકો મારીને તેને તરછોડે છે. ચંપાનેઆ રીતનું ચંપકનું વર્તન અણધાર્યું અને અવાંછિત જણાય છે અને તે ચંપકને છોડીને-બલકે ત્યજીને પિયરની વાટ પકડે છે. ચંપક પણ ભાંગી પડે છે. એને કલ્પના પણ નહોતી કે પોતાની સાહજિક થઇ ગયેલી વર્તણૂકની આવી ભયાનક પ્રતિક્રિયા આવી શકશે. પછી તો ભટ્ટ સાહેબ અને તેમનાં પત્ની મેનાવતી ચંપકને સહાનુભૂતિ પૂરી પાડે છે. ચંપકને જમવા પોતાને ત્યાં બોલાવે છે. મેનાવતી ચંપકને ધર્મનો ભાઈ બનાવે છે. ચંપકનું દાંપત્ય જીવન પુન: ધબકતું થાય એ માટે ભટ્ટ સાહેબ અને મેનાવતી બાધાઓ રાખે છે. ચંપકને આખી હનુમાન ચાલીસા મોઢે છે. વળી, નવલકથામાં એકાધિકાર હનુમાનજીનો સંદર્ભ આવે છે. હનુમાનજીના મંદિરે ભારે વરસાદમાં પણ ભટ્ટ સાહેબ ચંપક જાય છે, એ શ્રદ્ધાનું પરિચાયક છે. તેથી નવલકથાનું શીર્ષક પણ ‘હનુમાન ચાલીસા’ ની જેમ ‘ચંપક ચાલીસા’ રાખવામાં આવ્યું છે. લેખકે આગળ ઉપર ચંપકને ચંપા પરનો ગુસ્સો ઉચિત ઠેરવવા જ સાવકી મા દ્વારા ખુબ જ તિરસ્કાર પામેલા ચંપકની કિશોરાવસ્થાનો સંદ્દર્ભ પણ આપ્યો છે. તેને ઢોકળાંને કારણે જ નવી માનો ત્રાસ સહન કરવો પડેલો. રિસાઈને ગયેલી ચંપા પણ ચંપક માટે ઘણો અને સાચો ભાવ ધરાવે છે. અને તેથી જ અંતે જતાં ઘીના ઠામમાં ઘી પડે છે. અને ચંપક અને ચંપાનું પુનર્મિલન શક્ય બને છે. લેખકે અહીં ગ્રામ્ય મધ્યમવર્ગના જીવનના ચડાવ-ઉતારને હળવી શૈલીમાં વાચકની સમક્ષ મૂકી આપવાનો પ્રયાસ કર્યો છે. અહીં આપણે લેખકના શબ્દોમાં જોઈએ. “ચંપક ચાલીસા’માં દાંપત્યની વિભાવનાને હસીહસીને જોવાનો આનંદ માણ્યો છે.”[2]

પાત્રાલેખન

નવલકથા સ્વરૂપમાં કથાવસ્તુથીય વધુ અગત્યનાં પાત્રો છે એમ કહી શકાય. મતલબ કે કથાવસ્તુ તો એક Frame છે. નવલકથાની ભીંતરના જીવનને તાદ્રશ્ય તો કરે છે પાત્રો જ. વળી, પાત્રો પણ સાહજિક અને ગતિશીલ હોવાં જોઈએ. લેખકના હાથની કઠપૂતળી જેવા પાત્રો અપેક્ષિત પ્રભાવ પાડી શકતા નથી. પાત્રવર્ણનને બદલે પાત્રાલેખન થવું જોઇએ. પાત્ર વિકસતું જાય ત્યારે જ નવલકથામાં પાત્રાલેખન કેવી રીતે થયું છે તે વિશે જોઈએ.

‘ચંપક ચાલીસા’ નવલકથાનાં મુખ્ય પાત્રોમાં ચંપક-ચંપા-ભટ્ટસાહેબ-મેનાબેન છે. આ ઉપરાંત કેટલાંક ગૌણ પાત્રો પણ છે. આપણે મહત્વનાં પાત્રો વિશે જોઈએ.

ચંપક - આ નવલકથાનું મુખ્ય પાત્ર છે. તે સરળ હ્રદયનો ભોળો અને નિષ્કપટ યુવક છે. ધારાપુરમાં તેને માધ્યમિક શાળાના શિક્ષક તરીકેની નોકરી મળે છે. તેની પત્ની ચંપા સાથે તે પ્રેમપૂર્વક રહે છે, શાળાના આચાર્ય ભટ્ટ સાહેબ અને તેમનાં પત્ની મેનાવતી ચંપક-ચંપા માટે સદભાવ દાખવે છે. આમ, ચંપકનું દાંપત્યજીવન સુખરૂપ વીતતું હોય છે. પરંતુ એક નાની સરખી ઘટના ચંપકના જીવનને અસ્થિર બનાવી મૂકે છે. એ પછી ચંપકની માનસિક યંત્રતાનો પ્રારંભ થાય છે. એની એકલતામાં ભટ્ટ સાહેબ અને તેમનાં પત્ની હૂંફ અને સ્નેહ પૂરાં પાડે છે. તેમનો સુપુત્ર મનભાવન પણ ચંપક–ચંપાની જોડીને મેળવી આપવામાં નિમિત્ત બને છે. ચંપાના પિતાશ્રી ચંપકને ત્યાં આવે છે. તેમની સાથેની વાતચીતમાંથી જાણવા મળે છે કે, ચંપા મુક્તા ફોઈની સાથે હરદ્વાર ગઈ છે. વાસ્તવમાં ચંપકથી રિસાઈને આવેલી ચંપાએ થોડોક વખત ભણવામાં ધ્યાન પરોવ્યું પરંતુ પછી તેને જાત પર ગુસ્સો આવ્યો અને વૈરાગ્યભાવથી ગ્રસિત તે હરદ્વાર ચાલી ગઈ હોય છે. એ પછી મનભાવન અને મંજુભાષિણી ચંપાને પુન: ચંપક પાસે લાવવાની પ્રતિજ્ઞા લે છે અને આખું કાર્ય સફળ બનાવે છે. એ ખરુ પરંતુ મૂળ મુદ્દો છે. ચંપકનું સૌજન્ય પોતાના સૌજન્યથી એણે દરેકનું દિલ જીતી લીધું છે તેમજ સસરા કે પત્ની ચંપાને પણ તેના પ્રત્યે મુદ્દલ અભાવ નથી એ દર્શાવે છે કે, ચંપક સાચા અર્થમાં સજ્જન છે એમનું જીવન પુન: નવપલ્લવિત થવા પાછળ પણ ચંપકનું સૌજન્ય જ જવાબદાર છે એમ કહી શકાય. આમ, ચંપક ભલે કવચિત છબરડા કરતો જણાય પરંતુ એના છબરડાના મૂળમાં એની ભલમનસાઈ જ છે તે આપણે ન ભૂલવું જોઈએ.

ચંપા - ચંપા આ નવલકથાની નાયિકા છે તે એક સ્વમાની યુવતી છે – શિક્ષિત પણ છે પરંતુ મિથ્યાભિમાની મુદ્દલ નથી. તેને પોતાના પતિ ચંપક માટે અત્યંત પ્રેમ છે, આદર પણ છે. ધારાપુર ગામે પતિ સાથે રહેતી ચંપાને નવપરિણીતા જેવા ઓરતા ઊઠવા સહજ બાબત છે. તે પતિ માટે અવનવી વાનગી પણ બનાવે છે. અને લાડમાં પતિને ‘ઓ રસિયા’ કહીને બોલાવતી હોય છે. એકવાર તે ઢોકળાં બનાવે છે. ઉલટથી બનાવેલ ઢોકળાંમાંથી એક ઢોકળું લઈને તે પતિને ચખાડવા લાગે છે. ત્યારે પતિ ચંપક સાવ જ એકાએક છેડાઈ – છંછેડાઈ જાય છે. એટલું જ નહિ, હાથથી ઝાપટ મારીને ઢોકળું તરછોડી દે છે. જેથી ચંપાને ભારી લાગી આવે છે. તે તરત જ પતિને મૂકીને પિયરની વાટ પકડી લે છે. વાસ્તવમાં એ પતિને ખૂબ જ ચાહતી હોય છે એને કારણે જ એને લાગી આવે છે. જો કે, પિયરમાં ગયા પછી પણ એને ચંપક માટે એટલો જ ભાવ છે. એ એક પળ પણ તેને ભૂલાતી નથી. કૉલેજમાં પણ તેના સારા ચરિત્ર અને વર્તનનો અભિપ્રાય મનભાવન (ભટ્ટ સાહેબનો પુત્ર) મારફતે જાણવા મળે છે. પરંતુ પતિથી વિખૂટી પડેલી તે વૈરાગ્યભાવનો અનુભવ કરીને હરદ્વાર ચાલી જાય છે અને પોતે પોતાની અંતરેચ્છાથી જ એમ કરી રહી છે, એવો લિખિત એકરાર પણ તે પત્રમાં કરે છે. જો કે , મનભાવન અને મંજુભાષિણીના પ્રયત્નો અને ભટ્ટ સાહેબ – મેનાવતીની સાચી ભાવના થાકી ચંપા પછી ચંપકની પાસે આવી જાય છે. આમ, અહીં થોડાક વખત માટે કોમેડી ઓફ ઈરર્સ જેવી પરિસ્થિતિ નિર્માણ પામે છે. જો કે, ચંપક કરતાં જરા જુદું આગવું ને સ્વમાની વ્યક્તિત્વ ધરાવતી ચંપા પોતાની અસર મૂકી જાય છે.

ભટ્ટસાહેબ - ભટ્ટસાહેબ ધારાપુરની માધ્યમિક શાળાના આચાર્ય છે. તેઓ ગુજરાતી સાથે બી.એ. ઓનર્સ બી.એડ્. છે. તેઓ ઔદિચ્ચ બ્રાહ્મણ છે. તેમને પણ ચંપકની જેમ સંગીતમાં ઘણો રસ. ચલચિત્રોનાં ગીતો ઘણાં ગમે. ચંપક અને ભટ્ટ સાહેબ સમાન રસરુચિ અને વ્યક્તિત્વ ધરાવતાં હોવાથી એકબીજાની નિકટ આવે છે. મેનાવતી.... ભટ્ટ સાહેબની પત્ની ચંપકને ભાઈ માને છે. ત્યારે પણ ભટ્ટસાહેબ જ ચંપકને સતત સંભાળતા રહે છે. તેને હિમ્મત આપતા રહે છે. તેઓ ધાર્મિકવૃત્તિના સજ્જન છે. અને હોદ્દાની રૂએ ચંપકના ‘સાહેબ’ થતા હોવા છતાં મિત્રવત વ્યવહાર કરે છે. ચંપકના જીવનમાં પુન:દાંપત્યની વસંત ખિલવવામાં ભટ્ટસાહેબની ભૂમિકા મહત્વની બની રહી છે.

જોબનવંતી–મેનાવતી - મેનાબેન ભટ્ટસાહેબનાં પત્ની છે. દીકરો બારમાં ધોરણમાં હોય છે. તેથી મેનાવતી એની સાથે સુરેન્દ્રનગર રહેતાં હોય છે ત્યારે ભટ્ટ સાહેબને ચંપક પોતાના ઘરમાં પોતાની સાથે રાખે છે. તેમને જમાડે છે અને ફિલ્મનાં મનગમતાં ગીતો સંભાળવે છે. મેનાવતી ત્યારબાદ જયારે ધારાપુર પાછાં ફરે છે ત્યારે ચંપક માટે એક મોટાં બહેન બની રહે છે. અને ખાસ તો ચંપકને તેની પત્ની ચંપા છોડી જાય છે, ત્યારે તો મેનાવતી ખૂબ જ કાળજી લે છે. એને જમાડે છે એને હિંમત આપે છે અને એના માટે બાધાઓ પણ રાખે છે. આમ, મેનાવતી એક ગુણિયલ –ધર્મભીરૂ – સાહજિક ને શ્રદ્ધાળુ નારી તરીકે આપણ સામે પ્રગટ થાય છે.

અન્યપાત્રોમાં ભટ્ટસાહેબ - મેનાવતીનો પુત્ર મનભાવન ગૌણ છતાં મહત્વનું પાત્ર બની રહે છે. તે તેના મામી યાને કે ચંપાને પાછી આણવામાં ઘણો જ સહાયરૂપ બની રહે છે. એવી જ રીતે મંજુભાષિણી પણ એક ધ્યાનપાત્ર ચરિત્ર બની રહે છે. સાથે સાથે ચંપકના સસરાનું પાત્ર પણ થોડીક વાર દેખા દઈને ચમત્કૃતિ પ્રગટાવે છે.

ભાષાશૈલી–સંવાદ

કવિતાની તુલનામાં નવલકથા સ્વરૂપ કળાની દષ્ટિએ ઊતરતું જરૂર છે પરંતુ એનો અર્થ મુદ્દલ એવો નથી કે એમાં કળાત્મકતાને અવકાશ નથી જ. અલબત, એમાં સવાર્ધિક મહત્વની તો કથા જ છે. પરંતુ કુશળ સર્જક જયારે નવલકથા સ્વરૂપમાં હાથમાં લે ત્યારે સર્જનાત્મક કલાકૃતિ અચૂક સાર્જી શકે છે કારણ કે, આખરે તો કોઈ પણ સાહિત્ય-સ્વરૂપ માટે મહત્વની તો ભાષા જ છે. નવલકથાની ભાષા સર્જનાત્મક બનાવીને નવલકથાને કળાત્મક ઊંચાઈને જરૂર આપી શકાય. જો કે, મૂળે નવલકથામાં વાર્તા –Factionનું વધુ મહત્વ છે તેથી કેવળ ગદ્ય છટાઓથી પણ કામ સરતું નથી. વિશેષ તો સાહિત્યિક ગદ્ય, પાત્રોચિત ભાષા – યોગ્ય કથન-વર્ણન થકી નવલકથાની ગુણવતા વધારી શકાય છે. તેમાં સંવાદ પણ તેટલા જ મહત્વનાં છે. આપણે હવે ‘ચંપક ચાલીસા’ નવલકથાની ભાષાશૈલી અને સંવાદ વિશે જોઈએ.

‘ચંપક ચાલીસા’ નવલકથાની ભાષાશૈલી સાદી-સરળ-નિરાડંબરી અને નિરર્થક વાગ્મિતાહીન છે, જે સારી બાબત છે. લેખકે કૃતક આલંકારિક ભાષા વાપરવાનો મોહ રાખ્યો નથી તે સારું થયું છે. હા, લેખકનો ઉદ્દેશ્ય અહીં હળવી શૈલીમાં રમૂજપ્રેરક કથા આપવાનો હોઈ તેમણે ભાષામાં કાકુ–વ્યંગ્ય અને કટાક્ષનો આશ્રય લીધો છે. કયાંક કયાંક શાબ્દિક ચમત્કૃતિ પણ જોવા મળે છે. ‘ઓ રસિયા’ જેવા શબ્દને ‘ઓરસિયા’ કરીને રમૂજ પેદા કરવી વગેરે બાબતો લેખકે હેતપૂર્વક મૂકી છે. લેખકે અહીં મધ્યમવર્ગના લગ્નજીવનનું હળવા ટોનમાં ચિત્રમાં મૂકી આપ્યું છે. લેખકના ગદ્યની છટાઓ જોઈએ :-
“પરસ્પરને અભિન્ન કરી દેતા એ આશ્ર્લેષના, પ્રમત આશ્ર્લેષના સ્મરણમાં પલભર ભટ્ટસાહેબની ડોક ઢળી ગઈ. એ ખોવાઈ ગયા. પછી ડોક હલાવીને વર્તમાનમાં આવી એમણે શ્રીમતી મેનાવતી રસિકલાલ ભટ્ટને લખેલો પત્ર કવરમાં મુક્યો.”[3]

અહીં ગદ્યમાં જરાતરા હળવા ટોનનો અનુભવ થાય છે જુઓ: “એક યુવતી ઉભી છે. ગુજરાતી સાડી પહેરી છે. ઝીણાં-મોટા લાલ ફૂલોની અને લીલાંછમ પાંદડાની ડિઝાઇન છે. લલિત લાવણ્યમય પાંદડી જેવી મુખકળાને સ્તબ્ધ થઈને પોતે નિષ્પલક જોઈ રહ્યો. લજ્જામયીના હાથમાં ડીશ છે.”[4] આમ, અહીં પરિષ્કૃત અને પરિપક્વ ગદ્ય રચાયું હોવાનો અનુભવ મળે છે.

કેટલાક સંવાદો જોઈએ-
‘ મને તમારી ઈર્ષ્યા આવે છે, યસ ઈર્ષ્યા. પૂછો ઓરસિયા, શા માટે ? ’
શા માટે ?
- ‘તમે લિજ્જતનો સ્વાદ માણી રહ્યા છો.’
- ‘યુ મીન લિજ્જત પાપડ, ભટ્ટ સાહેબ ?’
- ઓહ નો,ઓરસિયા, સુક્ષ્મ વાત છે, અતિ સુક્ષ્મ ![5]

લેખકે સંવાદ ટૂંકા, ઉતાર-ચડાવયુક્ત અને પાત્રોચિત મૂક્યા છે. પાત્રોચિત ભાષા વાપરવા ઉપરાંત જરૂર પડ્યે બોલચાલની ભાષાનો વિનિયોગ પણ તેમણે કર્યો છે. જે ઠેકાણે વર્ણન કરતાં કથન વધી જાય છે. ત્યાં નવલકથા સરેરાશ બનવા લાગે છે. લા.ઠા. જેવા મોટા સર્જક પણ ઘણીવાર સામાન્યતામાં સરી પડે છે. વળી, આવશ્યક પુનર્લેખન પણ ન કરતા હોઈ કેટલીક નબળાઈઓ ઉડીને આંખે વળગે છે. આમ છતાં કવિ પાસે શબ્દો હાથવગા હોવાથી ભાષાનું પોત ઉત્તમોત્તમ નહિ હોય તોય નમૂનેદાર તો બન્યું જ છે.

પરંપરા અને પ્રયોગ

નવલકથા મૂળે વિદેશી સાહિત્ય પ્રકાર છે. એનાથી આપણે સૌ અવગત છીએ. તેમાં ‘કથા’ નું મહત્વ છે - Faction યાને કલ્પનાશીલ કથા કે જે મોટે ભાગે ઉપજાવી કાઢેલી હોય તે Faction પરંતુ અહીં ‘કથા’ની આગળ ‘નવલ’ વિશેષણ વિચારપૂર્વક મૂકવામાં આવ્યું છે. ‘નવલ’ યાને નવું –Novelty ધરાવતું તત્વ. જો કોઈ કથામાં કશીક નવી વાત નહિ હોય નવું તત્વ નહીં હોય તો એ ‘કથા’ બની રહેશે, નવલકથા નહિ બની શેક. આપણા સર્જકો ઘણીવાર પરંપરાગત રીતે નવલકથા લખે છે. તો કોઈવાર પ્રયોગના આશ્રમે જતા હોય છે. જો કે, પ્રયોગ કરવો એ સરળ નથી. ઘણીવાર એવા પ્રયાસો કેવળ પ્રયોગખોરીમાં જ ખપી જતા હોય છે. લાભશંકર ઠાકર લિખિત નવલકથા ‘ચંપક ચાલીસા’ પરંપરિત ઢબે લખાયેલી નવલકથા છે. અહીં મધ્યમવર્ગના પાત્રો છે. નાયક –નાયિકા છે, પાત્રવિકાસ છે, સંવાદો અને સંઘર્ષ છે અને નવલકથા સુખાન્તમાં વિરમે છે. આમ અહીં નવલકથાનું માળખું (Framework) પરંપરિત Traditional-છે.

નવલકથાનું કથાવસ્તુ સાદું–સીધું અને સરળ છે. અહી જરા રમૂજપ્રેરક પ્રસંગો – ઘટનાઓ છે. અહીં. કથાવસ્તુ જ એ પ્રકારનું હોઈ પ્રયોગ માટે જગ્યા નથી. લેખકને જરા હળવી રીતે ચંપકના પાત્ર દ્વારા મધ્યમવર્ગીય જીવનશૈલી વાચકો સામે મૂકવી હતી તે લીલયા મૂકી છે. નવલકથા જેમ-જેમ આગળ વધે છે તેમ તેમ વાચકની ચંપક માટેની સહાનુભૂતિ વધતી જાય છે અને સાથે સાથે ચંપકની પ્રવૃત્તિ-પ્રકૃતિ પર જરાતરા હસવું પણ આવતું રહે છે. આમ, પરંપરાનાં તત્વોને વળગી રહેતી આ નવલકથા પરંપરિત રહીને પણ ધાર્યું નિશાન પાર પાડ્યા વિના રહેતી નથી.

સંઘર્ષ

બાહ્ય અને આંતરિક – સંઘર્ષ યાને તનાવપૂર્ણ પરિસ્થિતિ. કલાકૃતિમાં સંઘર્ષ તત્વ element- અનિવાર્ય છે. પાત્ર-પાત્ર વચ્ચે તેમજ પાત્ર અને પરિસ્થિતિ વચ્ચેનો સંઘર્ષ કળાકૃતિને – એમાંય તે નવલકથા હોય ત્યારે તો ખાસ રસપ્રદતા અને સઘનતા આપે છે. કથાપ્રવાહ એકસરખો જ રહે તો વાચકને રસભંગ થાય બલકે એકવિધતા ઊભી થાય. સંઘર્ષ દ્રારા આરોહ-અવરોહની સ્થિતિ સર્જાવાથી નવલકથા વિશેષ રસપ્રદતા પ્રાપ્ત કરે છે. સંઘર્ષ મોટે ભાગે બે પ્રકારના છે. બાહ્ય સંઘર્ષ અને આંતરિક સંઘર્ષ. એને આપણે સ્થૂળ સંઘર્ષ અને સૂક્ષ્મ સંઘર્ષ તરીકે પણ ઓળખી શકીએ . ‘ચંપક ચાલીસા’ નવલકથામાં સંઘર્ષનું તત્વ યોગ્ય અને ઉચિત રીતે પ્રયોજાયું છે કે નહિ તે દિશામાં વિચાર કરીએ.

બાહ્ય સંઘર્ષ-

‘ચંપક ચાલીસા’માં બાહ્ય સંઘર્ષનું તત્વ જોવા મળે છે. નવલકથા આરંભાય છે. ત્યારે ચંપકની પત્ની ચંપા રિસાઈને ચાલી ગયેલી છે. ચંપક તે ઘટનાને કારણે દુઃખી છે. ચંપાના જવાનું કારણ સ્થૂળ રીતે સામાન્ય લાગે તેવું છે. ચંપાએ ઢોકળાં બનાવ્યાં છે અને તે પ્રેમપૂર્વક પોતાના પતિને જાતે જ ખવરાવવા જાય છે ત્યાં ઝાપટ મારીને ચંપક ઢોકળું ઊડાવી દે છે અને ઢોકળાં બનાવા બદલ પત્નીને ધિક્કારે છે એ ઘટના પછી ચંપા રિસાઈને ચાલી જાય છે. આમ, આ સ્થૂળ – બાહ્ય સંઘર્ષનું ઉદાહરણ છે. તેવી જ રીતે ઉપવાસ - વ્રત રાખતો ચંપક મૂશળધાર વરસાદમાં પણ હનુમાનજીના મંદિરે ભટ્ટસાહેબની સાથે જે રીતે તરીને જાય છે ઘટના પર બાહ્ય સંઘર્ષપૂર્ણ સ્થિતિનું નિર્માણ કરે છે. નવલના ઉત્તરાધૅમાં ચંપા – મુક્તાભાઈ જે ટ્રેનમાં મુસાફરી કરે છે તેને ષડ્યંત્ર દ્વારા લૂંટવાની ઘટના પ્રસંગ પર સંઘર્ષપૂર્ણ જરૂર છે. પરંતુ તેમાંનો હાસ્યનો પુટ તણાવ પેદા કરી શકતો નથી.

આંતરિક સંઘર્ષો-

નવલકથામાં આંતરિક સંઘર્ષ વિશેષ કરીને બે મુખ્યાપાત્રો અનુભવે છે. ચંપક અને ચંપા વાસ્તવમાં તો આખી કથા એ બેઉ મુખ્ય પાત્રોના આંતરસંઘર્ષની જ બની રહી છે. ચંપક પોતાની પત્નીના ચાલ્યા ગયા પછી સતત વ્યગ્રહ રહે છે. નાની – નાની બાબતો યાદ કરીને રડે છે. મેનાવતી – ભટ્ટસાહેબ સતત તેને હૂંફ આપતાં હોવા છતાં તેનું દુ:ખ ઓછું થતું નથી. વળી, ચંપકની માતા પર નાની વયે અવસાન પામ્યાં છે. આમ, તે પહેલેથી દુ:ખીયારો છે. પતિની નાની સરખી ભૂલને કારણે ઉશ્કેરાઈને પિયર ચાલી આવેલી ચંપાનો પતિપ્રેમ પણ મુદ્દલ ઓછો નથી. તેથી જ એ પિયર આવી ગયા પછી સતત તે પતિ વિશે જ વિચારે છે. હરદ્વાર જઈને આત્મશોધન પણ કરે છે. વ્રત રાખીને એ માનસિક રીતે સ્વસ્થતા મેળવવા મથે છે. આમ, અહીં સંઘર્ષનું તત્વો ઓછું ધ્યાનપાત્ર નથી.

વાતાવરણ

કોઈ પણ નવલકથા કૃતિમાં કથાનક, પાત્રો, ઘટના, સંવાદ અને વાતાવરણ અગત્યનાં હિસ્સા છે. ઘણીવાર સર્જક પાસે ઉત્તમ કથાનક હોય એવા જ ઉત્તમ પાત્રો હોય તેમજ રસપ્રદ ઘટનાઓ હોય આમ છતાં નવલકથા અપેક્ષિત અસર જન્માવી શકાતી નથી કારણ કે તેમાં અગત્યનાં પાસાંની ગેરહાજરી હોય છે. એમાં અગત્યનું પાસું એટલે વાતાવરણ. વાતાવરણને આપણે જુદું પાડીને જોઈ શકતા નથી. વાસ્તવમાં તો સમગ્ર કૃતિની વાચકના મન પર પડતી અસરના મૂળમાં વાતાવરણ હોય છે જે સર્જક પરિવેશ અને વાતાવરણને યોગ્ય રીતે ઝીલી શક્તો નથી તે નવલકથા ધારી અસર ઉપજાવી શક્તી નથી. પન્નાલાલ પટેલ હોય ત્યાં ઉત્તમ નવલકથાકાર તરીકે પોંખાય હોય તો તેનું કારણ તેમની રચનાઓમાં ઉભું થતું વાતાવરણ પણ ખરું.

આપણે અહીં ‘ચંપક ચાલીસા’ના સંદર્ભે વાતાવરણની ચર્ચા કરીએ. ‘ચંપક ચાલીસા’ નવલકથામાં લેખકે ધારાપુર નામના પ્રકૃતિને ખોળે વસેલા ગામનો પરિવશ ખપમાં લીધો છે. આ ગામમાં ચંપક માધ્યમિક શાળામાં નોકરી કરે છે. તે પત્ની ચંપા સાથે રહે છે. લેખકે ચંપકનું ઘર ભટ્ટસાહેબનું ઘર તેમજ ગામનું હનુમાનજીનું મંદિર આદિ પરિવેશ યથાતથ નિરુપીને વાતાવરણ સજીવ બનાવ્યું છે. ચંપકના બાળપણની ઘટનામાં પણ તત્કાલીન વાતાવરણ પમાય છે. એવી જ રીતે મનભાવન પોતાની કૉલેજનું વર્ણન કરે છે. ત્યારે આપણી આંખ સામે કૉલેજ તાદ્શ્ય થઇ શકે છે. મુક્તા ફોઈ સાથે હરદ્વાર ગયેલી ચંપા ત્યાં યમુના કાંઠે જે કંઈ પૂજા-અર્ચના કરે છે તે વિશેના દશ્યો પણ વાતવરણ રચી આપવામાં પૂરક બને છે. જો કે આ નવલકથા મૂળભૂત રીતે વાતવરણ પ્રધાન નથી. લેખકનો ઉદ્દેશ તો અહીં મધ્યમવર્ગનાં પાત્રો પ્રયોજીને હાસ્ય પ્રધાનની કથામાં વાતાવરણ તો કોઈને કોઈ રીતે આવવાનું જ ! લેખકે બહુ શબ્દોની ભરમાર કર્યા વિના સાદી સરળ અને ટૂંકી પણ મુદ્રાસર ભાષામાં વાતાવરણને નિયોજવાનો પ્રયાસ કર્યો છે. ઘણે ઠેકાણે લેખકે પાત્રોની ગતિ દર્શાવી છે, સંવાદો રચ્યા છે પરંતુ ઉતાવળને લીધે વાતાવરણ સર્જી શક્યા નથી ત્યાં કૃતિનું પોત નબળું જણાય છે. બાકી તો ઘણે ઠેકાણે સુંદર પરિણામ મળ્યું છે તેમ કહી શકાય.

શીર્ષક સાર્થકતા

લેખકે આ નવલકથાનું શીર્ષક ‘ચંપક ચાલીસા’ રાખ્યું છે. આ શીર્ષક નવલકથાના કથાવસ્તુને કેટલા અંશે યોગ્ય છે એ વિશે વિચાર કરીએ

લાભશંકર ઠાકર ગુજરાતી ભાષાના એક એવો સર્જક છે કે જેઓ શબ્દની કળામાં માને છે. મતલબ કે તેમને માટે સાહિત્યપ્રવૃત્તિ એક લીલાથી વિશેષ કંઈ નથી. તેઓ પાત્રો ઘડે છે અને પાત્રોની લીલાને રજુ કરે છે. તેથી તેમની નવલકથામાં કોઈ સુઘટ્ટ કથાનક હોતું નથી. મતલબ કે પાત્રોની લીલા તેમને માટે મહત્વની છે. પોતાના પાત્રોને વિકસાવવા માટે તેઓ અનુભવી યુક્તિ-પ્રયુક્તિ પ્રયોજે છે. આ નવલકથામાં નાયક ચંપક છે જે હનુમાનજીનો ભક્ત છે વળી બ્રાહ્મણ છે. ચંપક જે હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે તે શાળામાં આચાર્ય ભટ્ટસાહેબ છે. તેમના પત્ની મેનાવતી છે અને પુત્ર મનભાવન છે. ભટ્ટસાહેબ અને મેનાવતી પણ શ્રદ્ધાળુ દંપતી છે. ભટ્ટસાહેબ ચંપકની જેમ જે હનુમાનજીના ઉપાસક છે. સાથે હનુમાનજીના મંદિરે જાય છે એક વાર તો ભારે વરસાદમાં પણ તેઓ બને માથોડા પાણીમાં પણ હનુમાનજીની પૂજા કરવા જાય છે. ચંપકની પત્ની ચંપા રિસાઈને પિયર ચાલી ગઈ હોય છે. ત્યારે પણ વિવિધ બાધાઓ રાખવામાં આવે છે તે પણ હનુમાનજીને લગતી હોય છે. શાળામાં પણ ચંપકને પીઠ પાછળ સૌ ચંપક ચાલીસા કહીને બોલાવવા લાગ્યા છે. ચંપકને આખી હનુમાન ચાલીસા મોઢે છે. આમ, લેખક અહીં હનુમાન ચાલીસા શબ્દનો આધાર લઈને ‘ચંપક ચાલીસા’ એવું શીર્ષક રાખ્યું છે. સાથે સાથે લેખક અહીં મધ્યમવર્ગનો મનુષ્ય પોતાની નાની મોટી સમસ્યાઓનો ઉકેલ મંદિરમાં જવાથી બાધા આખડી રાખવાથી હનુમાન ચાલીસા કે એવા બીજા મંત્રોને પાઠ કરવાથી મળશે. એવું માનીને જીવન વિતાવતો હોય છે. ચંપક અહીં મધ્યમવર્ગના મનુષ્યનો પ્રતિનિધિ છે. તો ચંપા પણ પોતાના મનની શાંતિ માટે હરદ્વાર પહોંચી જાય છે. આમ અહીં લેખકે ચંપકના જીવનના કેટલાંક કપરા દિવસોને હળવા ટોનમાં મનોરંજક રીતે મૂકી આપ્યા છે તેથી નવલકથાનું શીર્ષક ‘ચંપક ચાલીસા’ યોગ્ય અને ઉચિત જાણાય છે.

જીવનદર્શન:

‘ચંપક ચાલીસા’ નવલકથાને લેખકે હાસ્યનવલ તરીકે ઓળખાવી છે. જો કે અહી સ્થૂળ હાસ્યના વિકલ્પે લેખકે સૂક્ષ્મ અને ઊંડાણપૂર્વક વ્યંગની કક્ષાનું હાસ્ય નિપજાવ્યું છે. તેથી સાધારણ વાચકને કદાચ આ નવલકથામાંથી પસાર થતી વખતે અપેક્ષા મુજબનું હસવું ન પણ આવે પુરતું તેથી કંઈ આ નવલકથા હાસ્ય નવલકથા નથી એમ ન કહી શકીએ. મતલબ કે લેખકે ગંભીરતાપૂર્વક હાસ્ય પીરસ્યું છે.

‘ચંપક ચાલીસા’ નવલકથાનું જીવનદર્શન શું એવો સવાલ કરતા પહેલાં આ નવલકથામાં ઓછુંવત્તું પણ જીવનદર્શન છે કે નહિ એવો સવાલ થવો જોઈએ. વાસ્તવમાં તો સાવ સાદી સરળ સીધી રીતે આગળ વધતી કથા છે. અને એવાં જ નિષ્કપટ અને ભોળાંભટાક પાત્રો છે બે એક ઘટનાને બાદ કરતાં ઉશ્કેરાટ કે તણાવપૂર્ણ સ્થિતિ નથી. લેખકને જે કહેવું છે તે શું છે. તો એનો સાદો સરળ ઉત્તર એ છે કે, જીવન જેવું છે જે સ્થિતિમાં છે તે જીવવાજોગું છે. વિશેષ કરીને ચંપકના જીવનમાં જે કંઈ બને છે તે કદાચ પ્રત્યેક મધ્યમવર્ગના માણસના જીવનની વાત છે. નવપરણિત ચંપક પત્ની ચંપા સાથે ધારાપુરમાં રહે છે અને એક તુચ્છ કહેવાય તેવી ઘટના તેના જીવનને ડહોળી નાખે છે. પતિ-પત્ની વચ્ચે ગાઢ સ્નેહ છે. શરીરનું જ નહિ પણ મન અને આત્માનું પણ આકર્ષણ છે બેઉ એકબીજા વિના રહી ન શકે એટલા સંનિકટ હોવા છતાં એક નાની સરખા ઘટના - કે જ્યારે ચંપા ઢોકળાં બનાવે છે અને પોતાના રસિયા વાલમ ચંપકને ખવડાવવા માટે હાથ લંબાવે છે. ત્યાં તો ચંપકનો ચેહરો ફરી ગયો છે ને ઝાટકો મારીને પત્નીના હાથને તરછોડી દે છે અને ઢોકળાં બનાવવા બાબત પત્નીને ધિક્કારે છે. જેનું પરિણામ સારૂં નથી આવતું. ચંપા રિસાઈને ચાલી જાય છે જો કે ચંપકનો ઢોકળાં પ્રત્યેનો દ્રેષ અકારણ નહોતો પોતાની નવી મા દ્રારા આ ઢોકળાંને કારણે જ ચંપકને બહુ વેઠવું પડેલું અને આજીવન તેને ઢોકળાં માટેની નફરત થઇ ગયેલી મતલબ કે તેણે ચંપાને ધિક્કારી નહોતી. અહીં લેખક મધ્યમવર્ગના મનુષ્યના જીવનની પીડાને હળવા ટોનમાં રજુ કરે છે. મતલબ કે અહીં હાસ્યના પૂટ દ્વારા પર જીવનની કરુણાનો મહિમા થયો છે કદાચ લેખકનું જીવનદર્શન પણ એ જ છે.

પાદટીપ :::

  1. ડૉ.પંકજ પટેલ, નાટ્ય સર્જક લાભશંકર ઠાકર, પૃ.નં – ૫૬
  2. સંપા.હર્ષદ ત્રિવેદી, નવલકથા અને હું, પૃ.નં – ૫૬
  3. લાભશંકર ઠાકર, ચંપક ચાલીસા, પૃ.નં.- ૦૫
  4. લાભશંકર ઠાકર, ચંપક ચાલીસા, પૃ.નં.- ૦૮
  5. લાભશંકર ઠાકર, ચંપક ચાલીસા, પૃ.નં.- ૪૪

સંદર્ભ સાહિત્ય:::

  1. ચંપક ચાલીસા, લાભશંકર ઠાકર, રન્નાદે પ્રકાશન–અમદાવાદ
  2. નાટ્ય સર્જક લાભશંકર ઠાકર, ડૉ.પંકજ પટેલ & જાગૃતિ પટેલ, આદર્શ પ્રકાશન, અમદાવાદ.
  3. નવલકથા અને હું, સંપા.હર્ષદ ત્રિવેદી, ગુજરાતી સાહિત્ય અકાદમી–ગાંધીનગર

ડૉ.વિનુભાઈ એલ. ચૌહાણ, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સમી, જિ.પાટણ