Download this page in

અર્વાચીન ગુજરાતી નાટકનો વિકાસ અને વૈવિધ્ય

સાહિત્ય કલાનો મુખ્ય હેતુ આનંદ આપવાનો છે. પછી એ કવિતા હોય, નવલકથા હોય, વાર્તા હોય કે નાટક હોય. બધા સાહિત્ય સ્વરૂપોમાં નાટક એવું સ્વરૂપ છે કે જે આનંદ અને મનોરંજન આપે છે. મનુષ્યના સંબંધોને, જીવનને સમજવાનું મૂલ્યવાન સાધન છે. આથી નાટકને સમાજજીવનની આરસી કહી છે. કારણ કે નાટક એ સમુહભોગ્ય કલા છે. નાટક નાટ્યકલા એવી કલા છે કે સર્જક નાટ્યનું સર્જન્ કરે ત્યાર બાદ રંગમંચ ઉપર ભજવાય્ નહીં ત્યા સુધી નાટક સાર્થક ગણાય નહિં. આથી નાટક એ આંખ અને કાનની કળા તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં નાટકની પરંપરા પ્રમાણમાં જૂની છે. સંસ્કૃત નાટ્યપરંપરાની સગવડ તેમજ મધ્યકાળમાં ભવાઇ એ શિષ્ટ રંગભૂમિને અનેક રીતે પોષે છે. ગુજરાતી રંગભૂમિને તખ્તા પર લાવવા અર્વાચીન યુગથી આરંભથયો અને સમકાલીન સમય સુધી એનો વિકાસ થતો રહ્યો છે. સમય, પરિવેશ, પરિસ્થિતિ પ્રમાણે એના વિષયોમાં પણ વિવિધતા પ્રવર્તી છે. એનો ખ્યાલ અહિં મુકી આપવાનો પ્રયાસ કર્યો છે.

ઇ.સ. ૧૮૪૨માં ‘શંકર શેઠે’ મુંબઇમાં થિએટર બનાવ્યું. અંગ્રેજ અને ઇટાલિયન નાટક કંપનીઓ મુંબઇમાં આવી નાટકનો આરંભ કર્યો. એ સમય દરમ્યાન દક્ષિણી નાટક મંડળીઓએ ગુજરાતમાં હિન્દી અને મરાઠી ભાષામાં નાટકો ભજવ્યા. એ માંથી પ્રેરણા લઇ ગુજરાતી રંગભૂમિ ઇ.સ. ૧૮૫૩માં ડૉ. દાદાભાઇ નવરોજી એનાં સાથીઓ સાથે પારસી નાટક મંડળી’ સ્થાપીને ‘રુસ્તમજી સોહરાબ’ નાટક ભજવ્યું ત્યારથી ગુજરાતી નાટકની પા-પા પગલીઓ પડી. આ મંડળી સાથે ગુજરાતી નાટકના પિતા તરીકે ઓળખાયેલા ‘રણછોડભાઇ દવે’ જોડાયા હતા. પરંતુ એમની વચ્ચે મદભેદો થયા અને ઈ.સ. ૧૮૭૮માં ગુજરાતી નાટક મંડળીની સ્થાપના કરી. ત્યારબાદ મોરબી આર્ય સુબોધ નાટક મંડળી, મુંબઈ ગુજરાતીદેશી નાટક સમાજ, આર્ય નિતિદર્શક લક્ષ્મીકાન્ત નાટક સમાજ, રોયલ નાટક મંડળી, ભટ્ટી નાટક સમાજ, હિમ્મત દાદાની કંપની એવી અનેક સંસ્થાઓ અ જન સમાજનું નાટક દ્વારા મનોરંજન પૂરા પાડતા. આ તો થઇ આરંભની નાટક મંડળીઓની વાત. હવે એ દરમ્યાન લખાયેલા નાટકો તપાસીએ.

ઈ.સ. ૧૮૫૦માં દલપતરામે ગ્રીકના ‘પ્લૂટસ’ પરથી ‘લક્ષ્મી’ નાટક લખ્યું એ નાટક "ભૂંગળ વિનાની ભવાઇ" તરીકે ઓળખાયું. એમનું બીજું નાટક ઇ.સ. ૧૮૫૬માં ‘સ્ત્રી સંભાષણ નાટક લખ્યું પરંતુ નટક કરતા સંવાદાત્મક વર્ણનો વધુ હતા આથી આ નાટકો મૌખિક નાટકો તરીકે ગણના પામ્યા નહિ. ઇ.સ. ૧૮૬૨માં ગુજરાતીમાં પ્રથમ પુસ્તક તરીકે પ્રકાશિત થયેલ નગીનદાસ તુલસીદાસ મફતિયાનું ‘ગુલાબ’ નાટક પ્રથમ મૌલિક નાટક તરીકે ગણના પામ્યું આ રીતે ગુજરાતી નાટકનો આરંભ થયો. ફરી દલપતરામે ઈ.સ. ૧૮૭૧માં "મિથ્યાભિમાન નાટક લખ્યું પરંતુ એ સમયે એ નાટકને મંડળીઓએ ધ્યાનમાં ન લેતા છેક ઈ.સ. ૧૯૫૫માં આ નાટક ભજવયું. હસમુખ બારાડી આ નાટક માટે કહે છે કે ''મિથ્યાભિમાનની એ દિવસોમાં કોઇ મંડળીએ રજૂઆત કરી હોત, તો તત્કાલીન કોઇપણ નટ્-દિગ્દર્શકને જીવરામ ભટ્ટનું મંચનને યોગ્ય પાત્ર મળ્યું હોત, તો ભવાઈ કે સંસ્કૃત પ્રણાલીના આગવા નાટ્ય સ્વરૂપને લીધે પ્રેક્ષકોમાં નવી સમજ કેળવાઇ હોત, દલપતરામ અને એ પછીના અનેકોને એ દિશામાં જવા માટે પ્રોત્સાહન મળ્યું હોત અને ગુજરાતી નાટક-થિયેટરને અને ભવાઈ મંચનને પણ નવી દિશા મળી હોત." (હસમુખ બારાડી, ગુજરાતી થિયેટરનો ઇતિ. પૃ. ૧૯)

ગુજરાતી નાટકના પિતાનું બિરુદ પામેલા નાટ્યકાર ‘રણછોડભાઇ ઉદયરામ દવે ઇ.સ. ૧૮૬૨માં "જયકુમારી વિજય નાટક આપ્યું પણ ઉત્તમ કહી શકાય એવું નાટક ‘લલિતા દુ:ખ દર્શક’ નાટક ઈ.સ. ૧૮૬૬માં પ્રગટ થયું અને એ ગુજરાતી નાટકનું પ્રથમ ‘ટ્રેજેડી’ નાટક બન્યું અને સફળ પણ બન્યું. આ નાટકમાં સ્ત્રીની લાચારી અને દુર્દશના નિરૂપણની સાથે કજોડા, કુલિનતા, મિથ્યાભિમાનનું, વેશ્યાની યારી, જુગાર, વિરુદ્ધના ઉપદેશ આપ્યા. આ નાટક એટલું વખાણાયું કે એ સમયે લગતા સર્જકોએ અનેક કજોડા વિષયક નાટકો રચવાની હોડ જામી. પરંતુ પ્રચલિત બની શક્યા નહિ.

આ યુગના બીજા મહત્વના નાટ્યકાર નવલરામ ફ્રેન્ચ નાટ્યકાર મોલિયરનું જાણીતું પ્રહસન ‘મોક ડોક્ટર (ડબ વાઇફ)નું રૂપાંતર "ભટ્ટનું ભોપાળુ” (૧૮૬૭) અને ‘વીરમતી’ (૧૮૬૯) નાટક આપે છે. આર્થિક કારણોસર અને ઉદર નિર્વાહ માટે મહાકવ્યો લઈ નર્મદ પાસેથી કૃષ્ણકુમારી (૧૮૬૯), ‘રામજાનકી દર્શન’ (૧૮૭૬), ‘શ્રી દ્રૌપદી દર્શન’ (૧૮૭૮), ‘શ્રી શારશાકુંતલ’ (૧૮૮૧), ‘બાળકૃષ્ણ વિજય (૧૮૮૬) જેવા પૌરાણિક વિષય વાળા નાટકો મળે છે. તો ડાહ્યાભાઇ ધોળશાજી અને વાઘજી આશારામે ‘શાકુન્તલ’, સુભદ્રાહરણ ‘સીતા સ્વયંવર’, ‘રાવણવધ’, ‘ઓખા મંડળ’, ‘ચંપારાજ હાડો’, ‘સતી રાણક દેવી જેવા પૌરાણિક અને ઐતિહાસિક વિષયવસ્તુ વાળા નાટકો મોરબી આર્ય સુબોધક મંડળી દ્વારા ભજવાયાં, ડાહ્યાભાઇએ ગુજરાતી રંગભૂમિ માંથી બહાર કાઢી થિયેટરમાં લઇ જવામાં મહત્વનો ફાળો રહ્યો છે.

આ સમયગાળામાં પારસી લેખકોએ પણ નાટકો આપ્યાં એમાં ‘કેખુશરો કારાબજી એ ‘બેજન અને મનીજેહ’ (૧૮૬૯), જમશેદ (૧૮૭૦), સૂડી વચ્ચે સોપરી (૧૮૭૪) નિદાખાનું (૧૮૮૩), તો એદલજી ધોરીએ ‘રુસ્તમ અને શોહરાબ (૧૮૬૪), ‘ખોરાબદાસ’ (૧૮૭૧), જહાંગીર (૧૯૭૨) જામેલ જોર (૧૮૭૬) જેવા નાટકો પારસી સંસ્કૃતિને અનુરૂપ ભજવાયા.

ગુજરાતી નાટ્યસાહિત્ય નવી દિશામાં વળાંક લે છે. નવા વિષયો અને થિયેટરનો રંગ આ નાટકોને મળે છે. એમાં મણિલાલ દ્વિવેદી ‘કાન્તા’ (૧૮૮૯) નોંધપાત્ર નાટક છે. આ નાટક ‘કુલીન કાન્તા’ તરીકે પણ રંગભૂમિ પર ભજવાયું છે. રમણભાઇ નીલકંઠનું ‘રાઈનો પર્વત’ (૧૮૧૩), ન્હાનાલાલના. ‘ઇન્દુકુમાર (૧૯૦૯), ‘જયા જયંત’ (૧૯૧૪), ‘વિશ્વગીતા’ (૧૮૨૭) જેવા ભાવપ્રધાન નાટકો ડોલનશૈલીમાં રચે છે. મણિશંકર રત્નજી ભટ્ટ ‘રોમન સ્વરાજ્ય', અને 'ગુરુ ગોવિંદસિંહ’, નાટક લખ્યું. ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકમાં કાન્તે સ્ત્રી પાત્રોનાં આલેખનમાં કાન્તની ઊંડી સૂઝ વ્યક્ત થઇ છે. એ ઉપરાંત બીજા નાટ્યકારોમાં નૃસિંહ વિભાકર,' સિદ્ધાર્થ કુમાર' (૧૯૨૭), રમણલાલ દેસાઇ 'સંયુક્તા' (૧૯૨૮) 'શક્તિ હૃદય' (૧૯૨૫) જેવા નાટકોના ઠીકઠાક પ્રયત્નો થયા છે.

સુધારકયુગ અને પંડિત યુગમાં લેખકો ઉપરાંત દિગ્દર્શકો, નટો, સંગીતતજજ્ઞો, ચિત્રકારોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. સુધારક યુગમાં સ્ત્રીઓ નાટકોમાં ભાગ ભજવતી નહિં આથી સ્ત્રીના પાત્રો પણ પુરુષો ભજવતાં. એમાં મૂળજી આશારામ ઓઝા, જયશંકર ધનેશ્વર, સુરદાસ ભૈયાજી, છગન રોમિયો, ચીમન મારવાડી, અશરખફ ખાન, મૂળચંદ મામા, શનિ માસ્ટર જેવા પુરુષોના પાત્રો ભજવતાં તો સ્ત્રીઓના પાત્રોમાં પ્રખ્યાત જયશંકર સુંદરી, ચાંદમિયા, માસ્ટર પ્રહલાદ જોઇતારામ, માસ્ટર દોલત, જેવા અનેક નટોએ રંગભૂમિને નિખારવામાં તેમજ ટિકિટ બારીઓ છલકાતી રાખવામા મહત્વનો ફાળો છે.

આ પાંચ - છ દાયકામાં સંસ્કૃત, અંગ્રેજી, શિક્ષણ મેળવીને પાંડિત્ય ભોગવતા સાહિત્યકારો અને રંગભૂમિના માલિકો વચ્ચે પણ સંઘર્ષો થતા. તે સમયમાં નાટકમાં પ્રેક્ષકોને મનોરંજન માટે નાટકના સુધારા-વધારા ન કરવા દેતા નાટકો ભજવાતા નહિ. એમાં ન્હનાલાલનું ‘જયા જયંત’ મૂળજી આશારામે ભજવવા કહ્યું હતું. ત્યારે ભજવાનની ના પાડી. તો રમણભાઇ નીલકંઠનું રાઈનો પર્વત’ સુધારા-વધારા સાથે ભજવવા વિનંતી કરી ત્યારે આ સાહિત્યકાર માન્યા નહિ. આથી એ સમયે એ નાટક નિષ્ફળ નિવડ્યું હતું. કવિ કાન્તે "જાલીમ દુલિયા’ નાટક લખતા હતા એમાં સુધારો કરવા સુચવ્યું તો હું સુધારો કરું એમ કહી માર-મારી કાઢી મુક્યા. આથી આ દાયકાઓમાં સાહિત્યકારો પણ જોઇએ એટલા અપેક્ષિત ન હતાં. આમ, આરંભના ગુજરાતી નાટકોમાં ઇ.સ. ૧૮૫૩થી ઇ.સ. ૧૯૨૦-૨૫ સુધીમાં ગુજરાતી નાટકનો પોત બંધાયો અને એની અસ્મિતા પ્રગટ થઈ. આ યુગમાં સૌથી વધુ મનોરંજન આપતું સાધન ‘નાટક’ હોવાથી ધંધાદારીઓ આ પ્રાવાહનો લાભ લેવા ટુટી પડ્યા. આથી નાટક સ્વરૂપ નાટકના રહેતા વેપાર અને પૈસા કમાવવાનું સાધન માત્ર બન્યું. આથી એમાં અશ્લીલતા પ્રવેશી અને કેટલેક અંશે નાટકો નબળા પડ્યાં. પરંતુ આ યુગમાં નાટકનો દેહ બંધાયો નાટકના વિકાસ અને એના વિષય વૈવિધ્યમાં વધારો થયો. અને લોકોને જોડવાનું અને સુધારવાનું મહત્વનું માધ્યમ બન્યું.

ગાંધીયુગએ ગુજરાતી સાહિત્યનો ‘સુવર્ણ યુગ’ તરીકે ઓળખવામાં આવે છે. આ અરસામાં નાટકોનો ફાલ ઊતરતો રહ્યો. એમાં ચન્દ્રવદન મહેતા, અને કનૈયાલાલ મુનશી મુખ્ય હતા. આ નાટ્યકારોએ પ્રસ્થાપિત પરંપરાથી અલગ થઇ નવી શૈલીના નાટકો રંગભૂમિને આપ્યા. તેમજ નાટક ભજવણીમાં પણ વિવિધતા લાવ્યા. જૂની રંગભૂમિમાં સ્ત્રીના પાત્રો પુરુષો ભજવતાં ચંદ્રવદને એ ભૂલ સુધારી સ્ત્રીના પાત્રો સ્ત્રીએ જ ભજવવા જોઇએ એ આગ્રહ રાખ્યો અને સ્ત્રીઓ રંગમંચ પર આવી. તેઓ માનતા કે નાટક તખ્તા પર ભજવાઇ નહિ ત્યાં સુધી નાટકની કોઇ કિંમત નથી. એમના નાટકોમાં કાળજીપૂર્વકની નાટ્યગુંથણો, કલ્પના શીલતા, કથાવિસ્તાર, ચોટદાર વિષયવસ્તુ, વગેરે નાટકોમાં આલેખી નાટકમાં ધૂળ મૂળથી ફેરફારો કર્યા.

મુનશીએ ગુજરાતી નાટ્યક્ષેત્રે સામાજિક, ઐતિહાસિક, અને પૌરાણિક નાટકો લખ્યાં છે. એમાં ‘વાવા શેઠનું સ્વાતંત્ર્ય’ (૧૯૨૧) , ‘બે ખરાબ જણ’ (૧૯૨૪), ‘આજ્ઞાંકિત’ (૧૯૨૭), ‘કાકાની શશી’ (૧૯૨૯), ‘બ્રહ્મચર્યા શ્રમ’( ૧૯૩૧) ‘સ્નેહસંભ્રમ’ (૧૯૩૧), ‘પીડાગ્રસ્ત પ્રોફેસર’ (૧૯૩૩), ‘ડૉ. મધુરિમા’ (૧૯૩૬), ‘છીએ તે ઠીક’ (૧૯૪૬), ‘વાહ રે મે વાહ’ (૧૯૫૬) જેવા સામાજિક નાટકો; તો પૌરાણિક નાટકોમાં ‘પુરંદર પરાજય’ (૧૯૨૨) ‘અવિર્ક્ત આત્માં’, ‘તર્પણ’ (૧૯૨૪), ‘પુત્ર સમોવડી’ જેવા (૧૯૨૯), નાટકો છે. એમનું એક માત્ર ઐતિહાસિક નાટક ‘ધ્રૃવસ્વામિની દેવી’ (૧૯૨૫) આપે છે. એમના સામાજિક સ્વરૂપના પ્રહસન નાટકો છે. રા.વિ. પાઠકે ‘બ્રહ્મચર્યાશ્રમ’ નાટકને ફારસના શ્રેષ્ઠ નમૂના તરીકે ઓળખાવ્યું છે. એમના નાટકો વ્યંગ, કટાક્ષ, અને સમાજના વિવિધ વિષયોનો સમાવેશ કર્યો છે.

તો ચન્દ્રવદન મહેતાએ પણ વિપુલ પ્રમાણમાં નાટકો આપ્યાં. નાટ્યકાર તરીકે એમની સિદ્ધિ હાસ્યરસ છે. એમાંય અટ્ટહાસ્ય વિશે વધુ છે. એમનાં ૨૯ જેટલાં નાટકોમાં મુખ્ય જ્ઞાની કવિ આખાના જીવન પરથી ‘અખો’ (૧૯૨૭), ‘મૂંગી સ્ત્રી’ (૧૯૨૭) ‘આગગાડી’ (૧૯૩૩), ‘રમકડાની દુકાન’ (૧૯૩૪), ‘નર્મદ’ (૧૯૩૭),‘નાગાબાવા’ (૧૯૩૭)’, પ્રેમના મોતી અને બીજા નાટકો’ (૧૯૬૭) ‘સીતા’ (૧૯૪૩) શિખરણી (૧૯૪૩) ‘ધરા ગુર્જરી’ (૧૯૬૯) તેમજ ભવાઇના વેશથી રચાયેલું ‘હોહોલીકા’ નાટક એ ઉત્તમ નાટક છે. ચ.ચી. મહેતા એ અર્વાચીન નાટકોને નવા રૂપમાં કંડારવાનું ભગીરથ કાર્ય કર્યું છે. આથી સુભાષ શાહ લખે છે. "ચં.ચી મહેતા એ બીજું ગમ્મેતે કર્યું હશે પણ એમણે ગુજરાતને સતત રંગભૂમિનું શિક્ષણ આપ્યું છે. માટે જ્યાં સુધી રંગભૂમિ જીવશે ત્યાં સુધી ચં.ચી મહેતાનું ઋણી રહેશે”.

આ ઉપરાંત આ યુગમાં બટુભાઈ ઉમરવાડીયાએ લોમહર્ષિણો ને સમાવતો ‘મત્સગંધા’ અને ‘ગાંગેય’ તથા બીજા ચાર નાટકો’ (૧૯૪૫) ‘માયાદેવી જેવા નાટકો આપે છે. પ્રાણજીવન પાઠક-‘અનંતા’ (૧૯૨૧), યશવંત પંડ્યા- ‘પડદા પાછળ’ (૧૯૨૯), ‘મદન મંદિર’ (૧૯૩૦), ‘ઘરદીવડી’ (૧૯૩૨), કૃષ્ણ શ્રીધરાણીએ કાવ્ય નાટકો આપ્યાં. એમાં ‘વડલો’ (૧૯૩૧) ‘મોરના ઇંડા (૧૯૩૪)’, ‘પદ્મિની’ જેવા નાટકો આપે છે. આ ઉપરાંત ઇન્દુલાલ ગાંધી, ઉમાશંકર, સુન્દરમ ધનસુખલાલ, ધૂમકેતું, યશોધર, મહેતા જેવા સાહિત્યકારોના નાટકો પણ નોંધ પાત્ર છે.

આ યુગમાં નાટકોના વિકાસ માટે અનેક પરિબળો જવાબદાર હતા. એમાં સંસ્થાઓએ સ્પર્ધાત્મક નાટકોની શરૂઆત કરી એમાં મુંબઇની ઇષ્ટા, અને આઇ.એન.ટી., સુરતમાં રાષ્ટ્રીય કલાકેન્દ્ર, અમદાવાદમાં રમંગમંડળ, જવાનિકા, રાજકોટમાં, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર, વડોદરામાં કલા સમાજ, ભારતીય કલા કેન્દ્ર, સુભાષ કલા મંદિર જેવી અનેક નાટય સંસ્થાઓ જોવા મળે છે કલાકારો અને દિગ્દર્શકોમાં પણ જ્યોતિન્દ્ર દવે, ધનસુખલાલ મહેતા, મધુકર રાદેરિયા, બાબુભાઇ ભૂખણવાળા, ચન્દ્રવદન ભટ્ટ, વિષ્ણુકુમાર વ્યાસ, નીરૂ દેસાઈ, ચીનુભાઈ પટવા, જશવંત ઠાકર, દીના બહેન પાઠક, કૈલાસ પાઠક, ડૉ. જનકદવે, રતન માર્શલ, ઉર્મિલા ક્ષત્રિય, જનક દવે, વગેરે અનેક કલાકારો અને દિગ્દર્શકોએ નાટ્યવૃત્તિને વિકસાવવા મહત્વનો ભાગ ભજવ્યો.

આ ગાળામાં નાટકો સાથે એકાંકીનો ઉદભવ થયો અને રંગભૂમિની પ્રવૃત્તિને ગતિશીલ બનાવવા નોંધપાત્ર ફાળો આપ્યો. એમાં, ઉમાશંકર જોશી, જયંતી દલાલ, ગુલાબદાસ બ્રોકર, ચુનીલાલ મડિયા, શિવકુમાર જોશી, વગેરે સાહિત્યકારોએ આ લઘુ નાટકો (એકાંકી) પ્રેક્ષકો સમક્ષ ભજવ્યા અને એ ઘણા અંશે સફળ રહ્યા.

ઇ.સ. ૧૯૫૨માં ગુજરાતી રંગભૂમિની શતાબ્દી મુંબઇ અને ગુજરાતમાં ઉજવાઇ આ મહોત્સવ પછી નાટ્યપ્રૃત્તિમાં નવો ઉત્સાહ અને કસબ જોવા મળે છે. રંગભૂમિ પણ નવા રંગમાં જોવા મળે છે. રંગભૂમિ ઉપર પહેલા જંગલ, મહેલ, કે રસ્તાઓના પડદા હતા ત્યાં હવે આધુનિક ટેકનોલોજીના કારણે ગોળ-ગોળ ફરતા રંગમંચ, સરકતા મંચ, જોકનાઇફ, ટેકનિક અને ત્રણ ડાઇમેન્સલ સેટ પણ આવ્યા. આ ગતિવિધી સાથે ગુજરાતી લોકનાટ્ય અને લોકકલાને જાળવી રાખવાનું રામજી વાણીયાએ ‘ધગ્ય સૌરાષ્ટ્ર ધણી’, વસુધરાના વહાલા- દવલા, અને ‘મોતી વેરાણા ચોકમાં’ જેવા તળપદા નાટકો મળ્યા. તો રસિક છો. પરીખ, ભવાઇ તેમજ લોક નાટ્યના તત્વોનો સમન્વય કરીને ઇ.સ. ૧૯૫૫ માં ‘મેના ગુર્જરી’ અને ‘શર્વિલક’ નાટકો, જયંતિ પટેલ ‘રંગીલો રાજા’,‘નેતા-અભિનેતા’ જેવા નાટકો આપ્યા. આ સમયગાળામાં ઉત્તમ નાટ્યકાર અને એકાંકીકાર તરીકે શિવકુમાર જોશીનો ફાળો મહત્ત્વનો છે. એમના નાટકોમાં ‘સુમંગલ’, ‘અંગારભસ્મ’ (૧૯૫૬), ‘દુર્વાંકુમાર’ (૧૯૫૭), ‘સુવર્ણરેખા’ (૧૯૬૧), ‘કૃતિવાસ’ (૧૯૬૫), ‘સાપ ઊતારા’ (૧૮૬૬) આદિ સફળ ભજવાયેલા નાટકો છે. એમના વિશે ડૉ.દવે સાહેબ નોંધે છે." શિવકુમાર સનાતન અને સાંપ્રત વિષયને અવાર-નવાર પોતાના નાટકોમાં નિરૂપે છે. તેઓ વર્તમાન જીવનની સમસ્યા પ્રશ્નોને આલેખે છે. વિશ્વની રંગભૂમિ ઉપર ભિન્ન-ભિન્ન રોલ ભજવતાં માનવને આલેખનારો આ નાટ્યકાર ગુજરાતી નાટક અને તેની રંગભૂમિની ચિંતા ન કરે એવું બને જ કેમ?" (શિવકુમાર જોશીનું નાટ્ય સાહિત્ય- ડૉ. સોહન દવે, પૃ. ૫૯)

આ સમયના બીજા મહત્વના નાટ્યકારોમાં પન્નાલાલ પટેલ ‘જમાઇરાજ’, ‘ચાદો સે શામળો’, ‘ઢોલિયા’, ‘સાગ, સીસમ અને અલ્લડ છોકરી’, જેવા તળ ગુજરાતના નાટકો આપ્યા. તો ચુનિલાલ મડિયા ‘રામલો રોબિન હૂડ’, ‘શૂન્ય શેષ’, રક્ષતિલક જેવા નાટકો, ગુલાબદાસ બ્રોકર- ‘ધ્રુમસેન’,‘ઇતિહાસ એક પાનું’, ‘જ્વલંત અગ્નિ’, પુષ્યકર ચંદવાકરનું "પિયરનો પાડોશી’ ઇન્દુલાલ ગાંધીનું ‘પગરખાનો પાળિયો’ ધીરુબહેન પટેલનું 'વિનાશના પંથે' જેવા મહત્વના નાટકો મળે છે.

ઈ.સ. ૧૯૫૫ પછી વિશ્વના સાહિત્યિક પ્રવાહોના કારણે આપણે ત્યાં આધુનિકતાની હવા પ્રસરે છે. સુરેશ જોશી જેવા આધુનિક સાહિત્યકારો દ્વારા સાહિત્ય સ્વરૂપોમાં પણ આધુનિકતા પ્રસરી એમાં નાટક પણ બાકાત રહી શકયું નહિ. પશ્ર્ચિમમાં ‘એબ્સર્ડ’ નાટકોનો પ્રભાવ ઓછો થતો હતો ત્યારે આપણે ત્યાં આ પ્રકારના નાટકોનો આરંભ થયો. ‘રેમઠ’ ‘આકંઠ સાબરમતી' જેવી નાટ્ય લેખકોની સંસ્થાઓે નાટકોની ભજવણી અને રચના કરવા માટેની ઉત્તમ તક પુરી પાડી. નાટ્યસ્પર્ધાઓ, નાટ્ય તાલીમ, શિબિરો, યુવક મહોત્સવ, તેમજ આઇ.એન.ટી., ‘રંગમંડળ’, ‘દર્પણ’, ‘જવનિકા’, સપ્તબિંદુ’, ‘કોરમાં’, જેવી નાટ્ય સંસ્થાઓનું રંગભૂમિ માટેનું યોગદાન ગણનાપાત્ર રહ્યું. આ યુગના મહત્વના નાટ્યકારોમાં લાભશંકર ઠાકર, આદિલ મન્સુરી, ચિનુ મોદી, મધુરાય, સુભાષ શાહ, રમેશ શાહ, સિતાશુ પરાશ્ચંદ્ર, રઘુવીર ચૌધરી, ભૂપેન ખખ્ખર, રમેશ પારેખ, રવીન્દ્ર પારેખ, સલીમ વ્યાસ, હસમુખ બારાડી જેવા નાટ્યકારો મળ્યા. એમની નાટ્યવૃત્તિ કલાકેન્દ્ર હતી.

આ યુગના મહત્વના નાટ્યકાર લાભશંકર ઠાકર સામાન્ય કે ક્ષુલ્લક લાગતી ઘટનાઓ પરથી નાટકો રચે છે. એમણે સુભાષ શાહ સાથે મળી ‘વેઇટિંગ ફોર ગોદો’ પ્રકારનું ‘ઉદર અને જદુનાથ’, લખ્યું તે ઉપરાંત ‘પીળુ ગુલાબ અને હું’, ‘મનસુખલાલ મજીઠિયા’, ‘કાહે કોયલ શોર મચાયે’, એ ગુજરાતી નાટકને નવી દિશા ચીંધી આપે છે. એમના એકાંકીઓ પણ એટલા જ નોંધપાત્ર છે. લાભશંકર ઠાકર નાટક વિશે કહે છે કે..."નાટકનો સાચો જન્મ તો તખ્તા અવતરણ પામે ત્યારે જ થાય, બે પૂઠા વચ્ચે લખાયેલું પડી રહ્યું હોય તો તે એનો અર્ધજન્મ કહેવાય.''

લાભશંકર પછી "મધુરાય’ એ રંગમંચની સભાન અને સુસજ્જ નાટ્યકારની છાપ પાડે છે. એમના નાટકોમાં ‘ખેલદો’, ‘શરત’, સંતુરંગીલી’, 'કુમારની અગાશો', 'કોઇ એક ફૂલનું નામ બોલો તો?’', ‘આપણે કલ્બમાં મળ્યાં હતાં’', જેવા નાટકો ગુજરાતી સાહિત્યમાં અલગ તરી આવે છે. ‘એક ફૂલનું નામ બોલો તો’' નાટક સંઘર્ષ અને ટેકનિકથી આ ઉત્તમ બને છે. એમના નાટકો વિશે ભરતદવે લખે છે; "મધુરાયના નાટકો માત્ર પ્રયોગ નહી બની રહેતા, આધુનિક ભાવ જગતની નિ:સારતા સંબંધોની સંકુલતા અને વ્યક્તિગત સંવેદનાઓના તીવ્રતાને કલાત્મક પણ બહું રોચક રીતે આલેખી આપે છે.'' (વાસ્તવવાદી નાટક પૃ. ૩૯૯)

આ ગાળામાં નખશિખ અને પ્રયોગશીલ નાટ્યકાર તરીકે સિતાંશુ યશશ્ચંદ્ર નાટકોમાં 'આ માણસ મદ્રાસી લાગે છે'. 'કેમ, મકનજી ક્યાં ચાલ્યા?' ‘ખગ્રાસ’, ‘લેડી લાલકુંવર’, ‘છબીલી રમતું છાનુંમાનું’, વગેરે નોંધપાત્ર છે. ‘ખગ્રાસ’ નાટક એ ‘આખ્યાન શૈલીમાં રચાયેલું છે. તેમજ 'કેમ, મકનજી ક્યાં ચાલ્યા’, પૌરાણિક મિથ અને વાસ્તવવાદી શૈલીમાં રચાયેલું નાટક છે. બીજા નાટ્યકારોમાં ચીનું મોદી, હસમુખ બારાડી, તેમજ શ્રીકાન્ત શાહ મહત્વના નાટ્યકાર છે. ચીનુમોદીના નાટકોમાં ‘અશ્વમેઘ’, ‘જાલકા’, ‘ઢોલીડો’, ‘ઔરંગઝેબ’, ‘નૈષધરાય’, ‘શુકદન’, જેવા નાટકો લખ્યા. મૂળ તરફ પાછા ફરોની ચળવળમાં એમના નાટકોમાં વર્તમાન, મહાકાવ્યો, પુરાણો, લોકકથા, ઇતિહાસ જેવા વિષય રાઇનો પર્વત માંથી કથાવસ્તુ લઇ ચીનુ મોદી જાલકા નાટક રચ્યું તો હસમુખ બારાડીએ એ જ નાટકમાંથી ‘દર્પણદૃશ્ય’ થી આકર્ષાઇને ‘રાઇનો દર્પણરાય’ લખ્યું બંને સર્જકોએ નાટકના ભવાઇના લક્ષણોનો સમાન્તર અભિનય સમૂહગાન, સંવાદો, કાવ્યાત્મકતા, જીવનમુલ્યો વચ્ચેનો સંઘર્ષ, નાટકમાં સમાવેશ કર્યો. આ નાટ્યકારો ઉપરાંત શ્રીકાન્ત શાહે લખેલા નાટકોમાં ‘તિરાડ’, ‘બાલ્કની માંથી દેખાતું આકાશ’ તથા હું અને કેન્વાસ’ પરના ચહેરા’ જેવા નાટકો ભજવાયા છે.

આ બીજા મહત્વના નાટ્યકારોમાં દર્શકોનું ‘ગ્રહરણ્ય’, ‘ચરિત્રાણ’, ‘લોકોત્તર’, ‘વસ્ત્રાવરણ’ રઘુવીર ચૌધરીના ‘સિકંદર સાની’, ‘અશોકવન’, ‘નજીક’. વર્ષા અડાલજાના ‘આ છે કારાગાર’, ભૂપેન પખ્ખર ‘મોજીલા મણીલાલ’, જયંત પારેખના ‘રંગાદાદા’ સુભાષ શાહનું "સુમનલાલ ટી. દવે હરેશ નાગ્રેચાનું "એક લાલચી રાણી’, રવીન્દ્ર પારેખનું ‘સત્તરસો સત્તાવન’ મિહિર ભૂતાનનું ‘ચાણક્ય’ જેવા નાટકો ધ્યાનાકર્ષક છે.

આ પાંચ-છ દાયકાઓમાં નાટ્યકારો સાથે દિગ્દર્શકો અને અભિનેતાઓએ પણ નાટકને ઉજાગર કરવા અથાગ પ્રયાસો કરી રંગભૂમિને ધમધમતું રાખ્યું. એમાં પ્રવીણ જોશી, તારક મહેતા, જશવંત વ્યાસ, પ્રતાપ સાંઘાણી, ભરત દવે, કિશોર ભટ્ટ, શૈલેશ દવે, ‘ગિરિમા દેસાઇ, અરવિન્દ ઠક્કર જેવા દિગ્દર્શકો; તો કલાકારોમાં પરેશ રાવળ, મુકેશ રાવલ, પૂર્ણિમા ગાંધી, યક્ષા ભટ્ટ, સરીતા જોષી, ઉત્કર્ષ મઝમુદાર, ટીંકુ તલસાણિયા, મીનલ પરમાર અરવિન્દ જોશી, કાન્તિ મડિયાં, દર્શન જરીવાલા ભરત યાજ્ઞિક, નિમેશ દેસાઇ, ઉપેન્દ્ર ત્રિવેદી જેવા ઉત્તમ ગજાના કલાકારો ગુજરાતી રંગભૂમિને મળ્યા છે.

છેલ્લા બે દાયકાઓમાં નાટકોની ગતી ધીમી જોવા મળે છે. ૨૦મી સદીના નાટ્યકારો સાથે નવા નાટ્યકારો પણ જોડાઇ જાય છે. ચીનુ મોદી હસમુખ બારાડી, સિતાશુ, સતિશ વ્યાસ જેવા નાટ્યકારો સાથે લવકુમાર દેસાઇ, ઇન્દુપુવાર, પ્રવીણ પંડ્યા, આકાશ નાયક, પરેશ નાયક જેવા સર્જકો નવા સદીમાં નાટકોનો વેગ વિકસાવવા મહત્વનો ફાળો ભજવી રહ્યાં છે.

૨૦ સદીના છેલ્લા વર્ષોમાં સિતાંશુ એ એક સામટા છ નાટકો રજૂ કર્યાં. હરીશ નાગ્રેચાનું ‘એકલાલની રાણી’ (૧૯૯૯)માં મનોવૈજ્ઞાનિક અભિગમનો વિષય લઇ પ્રોઢવયના પુરુષોના અંતરમનની સંવેદનાઓ આલેખી છે. આજ સમયગાળામાં લવકુમાર દેસાઇ ‘પારિવાનો ચિત્કાર’ ત્રિઅંકી નાટકમાં આદિવાસી વિસ્તારના ભોળા આદિવાસીઓની સંવેદના અને સમસ્યાઓ સાથે નાટકની રજૂઆત કરે છે. ‘સતીશ વ્યાસ’, ‘પશુપતિ’માં જાતિ પરિવર્તન અને રૂપ પરિવર્તનનું નાટ્યબીજ વિવિધ શૈલીના નાટ્ય અનુભવ તેમજ કલ્પના પ્રતિભાનો સમન્વય કર્યો છે. તો ‘ઇન્દુ પુવાર’ ટાઇમ બોમ્બ’, રમેશ પારેખનું ‘સૂરજને પડછાયો હોય’, પરેશ નાયકનું "ઇ.સ. ૨૦૨૨’ જેવા નાટકો વિવિધ વિષય વૈવિધ્ય સાથે કલાત્મક ઓપ આપે છે.

૨૧મી સદીના આરંભમાં વીરુ પુરોહિતનું ‘પુરુ અને પૌષ્ટી’ નાટક પુરુ અને યયાતિના પાત્ર પર આધારિત છે. મધુરાય પાસેથી ‘વાનકોર નાકેજઇ’ (૨૦૦૪), ‘સુરા અને શકુજિત’ (૨૦૦૯) તથા ‘કિમ્બલ રેવન્સ વૂડ’ નવલકથા પરથી ‘યોગેશ પટેલનું વેવિશાળ’, નાટક મળે છે. તો હસમુખ બારાડીનું ‘હું જ સિન્ગરને હું જ બુટ્સ છું’ નાટક મળે છે. એ શેક્સપિયરના જુલિઅસ સિઝરનું અનુસર્જન છે. બીજું નાટક ‘સહુને એક ગણિકા જોઇએ’ (૨૦૧૦) મળે છે. ઇન્દુ પુવારનું બીજું નાટક "ગોરીલો’ (૨૦૧૦)માં માનવ સંવેદનાને નોખા દૃષ્ટિકોણથી રજુ કરે છે.

બીજા ઉલ્લેખનીય નાટ્યકારોમાં પ્રવિણ પંડ્યા, પાસેથી ‘હાથી રાજ અને બીજા નાટકો (૨૦૦૪), સોમ્ય જોશી ‘દોસ્ત, ચોક્કસ અહીં નગર વસતું હતું.’ (૨૦૧૦) આ નાટક સિતાશું પશશ્ર્ચંયની "નેશનલ બુકટ્રસ્ટમાં ગુજરાતી નાટકની એન્તોલોજીમાં સમાવેશ પામ્યા છે. આ સમયમાં બે ચરિત્ર નાટકો મળે છે. સતિષ વ્યાસ પાસેથી કવિ કાન્તના જીવન પર આધારિત ‘જળને પડદે’ તો ધનવંત શાહ પાસેથી ‘કવિ કલાપીના જીવન પરથી ‘રાજકવિ કલાપી (૨૦૦૪) મળે છે. બીજા મહત્વના નાટકોમાં ઇન્દુ પુવાર પાસેથી ‘પૂછ પરછ અથવા કમળનો ક એટલે ખ ગ નહીં’ નાટક મળે છે. બીજા નાટ્યકારોમાં ‘મહેશ દવે- ‘શિખંડી’, મધુ રામનાથનનો ‘છેલ્લો અંક’, ધ્વનિલ પરિખનું ‘અંતિમ યુદ્ધ’, ભાનુમતી શાહ- મુખ્યત્રીનું રાજીનામું જેવા નાટકો મળે છે. આ સમયગાળામાં કેટલાક બાળનાટકો મળ્યા છે.

આમ, છેક સુધારકયુગથી આજ સુધીના દીર્ઘ નાટકોના પ્રવાહનું સિંહાવલોકન કરતાં સ્પષ્ટ થાય છે કે ગુજરાતી રંગભૂમિ સતત સક્રિય રહી છે. રંગભૂમિમાં ઉત્તમ નાટકો પ્રમાણમાં ઓછા મળ્યા છે. પરંતુ અનેક વિશિષ્ટ નાટકો પ્રેક્ષકોનું સતત મનોરંજન અને મનોઘડતર કર્યું છે. વિષયોની દૃષ્ટિએ પણ વૈવિધ્ય જોવા મળે છે. આરંભમાં નાટકોમાં ધાર્મિક નાટકોથી આરંભાઇને પશ્ર્ચિમના અનુસર્જનવાળા નાટકો, તેમજ સમાજના વિવિધ ક્ષેત્રના માનવ જીવનને સ્પર્શતા નાટકો મળે છે. ચરિત્રાત્મક નાટકો સાથે મહાપુરુષોના જીવનને સાંકળતા નાટકો પણ મળે છે. સમકાલીન સમયમાં નાટકોનો ફાલ ભલે ધીમો પડ્યો હોય પરંતુ નાટકની દશા સુધારવાની અને દિશા બદલવાની જવાબદારી આપણી છે.

સંદર્ભ ગ્રંથ:::

  1. શિવકુમાર જોશીનું નાટય સાહિત્ય, ડો.સોહન દવે, નવપ્રભાત પિન્ટીગ પ્રેસ,
  2. વાસ્તવાદિ નાટક, ગુજરાતી વિશ્વ કોષ
  3. ગુજરાતી થિયેટરનો ઇતિહાસ, હસમુખ બારાડી
  4. ગુજરાતી રંગભૂમિઃ 1853-1978, (સવા શતાબ્દી સમિતી)
  5. ગુજરતી સાહિત્યનો ઇતિહાસ, ભાગ-1-8 ગુજરાતી સાહિત્યપરિષદ અમદાવાદ
  6. પરબ સમાયિક, મે.2012 અંક-11
  7. છેલ્લા બે દાયકાના ગુજરાતી નાટકો, પરમિતા રાવલ

ગામીત યોગેશભાઇ ઠાકોરભાઈ, પીએચ.ડી. સ્કોલર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર. મો. ૯૬૮૭૦૧૯૭૦૦ Email:yogugamit@gmail.com