Download this page in

‘ભાષાવિમર્શ’ સામાયિક : ઉદ્દભવ અને વિકાસ

જગતમાં એવું કોઈ જ્ઞાન નથી
જે શબ્દ સાથે સંકળાયેલું ન હોય
જ્ઞાન માત્ર શબ્દ વડે અંર્તવ્યાપ્ત ભાસે છે."
-ભર્તૃહરિ

સામાયિક એ લોકશિક્ષણનું સસ્તુ અને સુલભ માધ્યમ છે. અન્ય માધ્યમોની તુલનાએ સામયિકો લોકમાનસને વધુ સ્પર્શે છે. આ ઉપરાંત કોઈપણ દેશ-પ્રદેશનું સાહિત્ય ગ્રંથસ્થ થાય એ પૂર્વે મોટાભાગે સામયિકોમાં પ્રગટ થાય છે. આપણે ત્યાં પ્રકારલક્ષી, સ્વરૂપલક્ષી, પ્રતિબદ્ધ, સર્વલક્ષી જેવા સામયિકો પ્રકાશિત થાય છે તેમાં ગુજરાતી ભાષા-સાહિત્ય ક્ષેત્રના સામયિકો-લેખો ઘણા ઓછા જોવા મળે છે. ગુજરાતી ભાષા-સાહિત્યમાં 'ડાંડિયો', 'વસંત', 'સત્યપ્રકાશ', 'બુદ્ધિપ્રકાશ', 'રાજભાષા', 'ફાર્બસ ગુજરાતી સભા', 'વિવેચન' વગેરે જેવા સામયિકોમાં ભાષવિજ્ઞાન અંગેના લેખો પ્રકાશિત થતાં રહ્યા છે; પરંતુ શુદ્ધ ભાષાને વરેલું એકમાત્ર સામાયિક જોવા મળે તે છે 'ભાષાવિમર્શ'. ભારતીય ભાષામાં ભાષાવિજ્ઞાનને લગતું સામાયિક આ એકમાત્ર હતું. અંગ્રેજીમાં Linguistics Society of India નું ‘Indian Linguistics’ એ વખતે ભારતીય ભાષાઓમાં અસ્તિત્વમાં નહીં હોવાથી સ્થાપક-તંત્રી હરિવલ્લભ ભાયાણી સામે મોટો પડકાર હતો.

ગુજરાતી સાહિત્ય પરિષદ, હ.કા. આર્ટ્સ કૉલેજ (અમદાવાદ)ના પરિસરમાંથી જાન્યુઆરી ૧૯૭૮માં ‘ભાષાવિમર્શ’ ચાલું થયું. આ પ્રકારના વિશષ્ટ વિષયનું ત્રૈમાસિક શરૂ કરવાનું શક્ય બન્યું છે તે વિદ્વાન અધ્યાપક નગીનદાસ પારેખે સાહિત્ય પરિસદને રૂ. ૧૧.૦૦૦નું દાન આપ્યું તેને આભારી છે. આ સામાયિક જાન્યુઆરી ૧૯૭૮ થી જુલાઈ-ડિસેમ્બર ૧૯૮૯ સુધી એકાદ દાયકા જેટલું ચાલ્યું. ‘ભાષાવિમર્શ’માં તંત્રીઓમાં ફેરફાર થતો રહેતો હતો, પરંતુ માત્ર ૧૨ વર્ષ આ સામાયિક ચાલ્યું હોવાથી તેના તંત્રીઓમાં મુખ્યત્વે ત્રણ રહી ચૂક્યા છે.

‘ભાષાવિમર્શ’ સામાયિકના તંત્રીઓ
ક્રમ તંત્રીનું નામ તંત્રીપદ સંભાળ્યા વર્ષ કાર્યકાળ પૂરો થયા વર્ષ
હરિવલ્લભ ભાયાણી જાન્યુ-૧૯૭૮ ડિસે-૧૯૮૨
ચંદ્રકાંત શેઠ જાન્યુ-૧૯૮૩ ડિસે-૧૯૮૪
ચંદ્રકાંત ટોપીવાળા જાન્યુ-૧૯૮૫ ડિસે-૧૯૮૯
પાંચ વર્ષ આદ્યસ્થાપક-તંત્રી સ્વ.હરિવલ્લભ ભાયાણી, બે વર્ષ ચંદ્રકાંત શેઠ અને પછીનાં પાંચ વર્ષ ચંદ્રકાંત ટોપીવાળા તંત્રીપદે રહી ચૂક્યા હતા. જે સમયે વિવેચનને લગતાં સામયિકો ચલાવવાનું કામ અઘરું ગણાતું હોય ત્યારે આવાં સમયે ભાષવિજ્ઞાન જેવા ઓછા લોકપ્રિય વિષય અંગેનું સામાયિક કાઢવાનાં ભયસ્થાનો તો રહેવાનાં જ હતાં. આ વિષયનો વાચકવર્ગ પણ મર્યાદિત મળતો. આથી જ ભાયાણીએ તેનું લક્ષ્ય ગુજરાતી ભાષાસહિત્યના અધ્યયન-અધ્યાપનની તત્કાલીન સ્થિતિને ધ્યાનમાં રાખીને બહુ મર્યાદિત નક્કી કર્યું હતું. પ્રથમ અંક (જાન્યુઆરી ૧૯૭૮) નાં અંતભાગમાં આપેલા સંપાદકીયમાં ભાયાણી કહે છે કે ; “ભાષાવિજ્ઞાનનું ગુજરાતી સામાયિક સારું કરવું એ ચોખ્ખું સાહસ નહીં, દુ:સાહસ હોવાનું સહેજે ગણી શકાય. વિષય વિશિષ્ટ, વ્યાપક વર્ગનાં હાથનો નહીં, તેમ તેના જાણકારો અને અભ્યાસીઓ આપણે ત્યાં ગણ્યાગાંઠયા.”

આ સામાયિક અનેકાનેક વિદ્યાશાખાઓ પર ફેલાયેલ હોવાને કારણે ભાષાવિજ્ઞાનની ગતિવિધિથી વિદ્યાર્થીઓ, વિદ્વાનો, જિજ્ઞાસુઓને કંઈક પ્રાપ્ત અવશ્ય થાય. ‘ભાષાવિમર્શ’ તેના મૂળસ્વરૂપ ભાષવિજ્ઞાન કેન્દ્રિત અભિગમથી પાંચ વર્ષને પછી પણ ચાલ્યું, પરંતુ ભાયાણી સાહેબે સ્થાપક તંત્રી તરીકે લેખ સામગ્રીની ગુણવત્તા જાળવીને ઉત્તમ લેખો આપવાનો પ્રયાસ કર્યો છે અને તેમાં સફળ થયા છે. હર્ષવદન ત્રિવેદી ‘ભાષાવિમર્શ’ના લેખોને ત્રણ ભાગમાં વહેંચે છે. 1). સિદ્ધાંતવિચારના લેખો 2) વ્યાકરણના કોઈ મુદ્દાની ચર્ચા કરતાં લેખો 3) સારદોહનો, અવલોકનો તેમજ ટૂકીનોંધો. આ સિવાય અત્રતત્ર શીર્ષકથી ભાયાણીએ વિદ્યાર્થી કક્ષાના પરિચયાત્મક લેખો આપ્યા છે.

ભરતી મોદીએ ‘ધ્વનિઘટકની વિભાવના’ જેવી અત્યંત મહત્વપૂર્ણ લેખમાળા ત્રણ ભાગોમાં આપી છે. કેટલાક મહત્વના પુસ્તકો અને પાશ્ચાત્ય ભાષાવિજ્ઞાનીઓએ આપેલ ધ્વનિઘટકની વિભાવનાની જે રજૂઆત કરી હતી તે પ્રમાણમા સરળ ભાષામાં મૂકી આપી છે. હરિવલ્લભ ભયાણી અત્રતત્ર શીર્ષકથી ‘આખ્યાતિક ધાતુઓની ચર્ચા’, ‘ગુજરાતી દેવી નામોમાં સંબંધા વિભક્તિનો ‘ચ’ પ્રત્યય’ તથા ‘ગુજરાતીમાં હ>હે અને હૉ એવા દ્વિવિધ પરીવર્તનની સમસ્યાઓને તેમણે ઉકેલી છે. વિદ્યાર્થીવર્ગને આ લેખો ઉપયોગી નીવડે તેવા છે.

‘ભાષાવિમર્શ’માં હરિવલ્લભ ભાયાણી પછી શાંતિભાઈ આચાર્યના લેખો સૌથી વધુ જોવા મળે છે. વિષયને અનુરૂપ વૈજ્ઞાનિક પદ્ધતિએ જે રીતે ભાયાણી સાહેબ કામ કરે છે એ જ રીતે શાંતિભાઈ પણ કાર્ય કરે છે. શાંતિભાઈ આચાર્યએ ખાસ કરીને ઉત્તર ગુજરાતનાં પટ્ટને પસંદ કરી ત્યાં બોલતી અલગ અલગ લોકકથાને આધારે મળતી અલગ અલગ બોલીના નમૂના પ્રાપ્ત કર્યા છે ઉપરાંત તેનું ભાષાવૈજ્ઞાનિક અધ્યયન કર્યું છે. પોશીના પટ્ટાની ભીલી બોલી, હાલારી બોલી, ચરોતરી બોલી, મેઘરજ વિસ્તારની બોલી, બોટાદ વિસ્તારની બોલી અંગે ભાષાવૈજ્ઞાનિક અધ્યયન કર્યું છે. બોલીવિજ્ઞાન અને ભાષવિજ્ઞાન ક્ષેત્રે શાંતિભાઈનું આ ખૂબ જ મહત્વનું કાર્ય છે. સાબરકાંઠાનાં સામાન્ય ભાષાસ્વરૂપને વૈજ્ઞાનિક પદ્ધતિએ તપાસે છે. પાંચ મહત્વના કેન્દ્રો પસંદ કરી, કથાનું રેકોર્ડિંગ કરી, બોલીના નમૂના ભેગા કરી ગુજરાતી સાહિત્યમાં લોકસાહિત્ય અને ભાષવિજ્ઞાન એમ બંને ક્ષેત્રોને ઉજાગર કર્યા છે. મારી જાણ છે તે મુજબ આ પ્રકારની રજૂઆત ગુજરાતી ભાષામાં પ્રથમવારની છે. આ ઉપરાંત દયાશંકર જોશી, જયદેવભાઇ શુક્લના લેખો પણ ‘ભાષાવિમર્શ’માં પોતાના લેખો થકી સારું એવું યોગદાન આપ્યું છે. તો જયંત કોઠારી સાહેબે પણ મધ્યકાલીન સાહિત્યની શુદ્ધિ-વુદ્ધિના લેખો આપ્યા છે. આશરે ૧૯૮૨-૮૭ સુધીમાં ૧૬-૧૭ લેખો આ વિષય સંદર્ભે આપે છે. આ લેખો પણ સામાયિકની વિશેષતામાં વધારો કરે છે.

‘ભાષાવિમાર્શ’ને યોગ્ય ભાષાવૈજ્ઞાનિક લેખો મળવવાની મુશ્કેલીને કારણે હરિવલ્લભ ભાયાણીના તંત્રીપદ હેઠળના છેલ્લા અંકમાં તેઓ કહે છે કે “ભાષાવૈજ્ઞાનિક ઉપરાંત સાહિત્ય સંશોધનને લગતા અન્ય લેખો પણ પ્રકાશિત કરવાનું ઠરાવ્યું છે.” તો બીજી બાજુ જાન્યુ-૧૯૮૩માં ‘ભાષાવિમર્શના તંત્રી પદે ચંદ્રકાંત શેઠ આવે છે. તેઓ પણ નોંધે છે કે ‘કેવળ ભાષાકીય સામગ્રી પર નિર્ભર રહી વિદ્યાવિમર્શના ઉચ્ચ ધોરણો જાળવીને આવું સામાયિક ચલાવવું એ અત્યંત કઠિન કાર્ય ગણાય ; પરંતુ ડૉ.ભાયાણીએ તે કાર્ય પૂરા પાંચ વર્ષ ઉત્તમ રીતે બજાવ્યું“. (‘ભાષાવિમર્શ’ જાન્યુ – માર્ચ -૧૯૮૩, પેજ નં ૧) આ ઉપરાંત હવેથી ગુજરાતી સાહિત્ય પરિષદનું અનુસ્નાતક સંશોધન કેન્દ્રને (શ્રી કસ્તુરભાઇ લાલભાઇ સ્વાધ્યાય મંદિર) ‘ભાષાવિમર્શ’નું સંપાદન કાર્ય સ્વાધ્યાય મંદિરના નિયામકને સોપવામાં આવ્યું. હવેથી જાન્યુ-1983ના ‘ભાષાવિમર્શ’ અંકમાં ભાષા ઉપરાંત ભાષા સાથે સંકળાયેલ સાહિત્યના વિવિધ ક્ષેત્રોના વિચારવિમર્શને પણ અવકાશ આપવામાં આવ્યો. આ ત્રણેય બાબતો સ્પષ્ટ નિર્દેશ કરે છે કે અહીથી ’ભાષાવિમર્શ’ નવું કલેવર પકડે છે. ભાષાને લગતા ઓછા લેખો મળ્યા હોવાને કારણે જ આવો કંઈક નિર્ણય લેવો પડ્યો હશે. જાન્યુ-૧૯૮૩-ડિસે-૧૯૯૪ સુધીમાં હરિવલ્લભ ભાયાણી અને શાંતિભાઈ આચાર્યના લેખોની સાથે સાથે રમેશ શુક્લ, મધુસૂદન પારેખ, ભરતી મોદી, જયદેવભાઇ, નિરંજન વોરા વગેરેના આલેખો આ સમય દરમ્યાન પ્રકાશિત થતાં હતા.

જાન્યુ-૧૯૮૫ થી ડિસે-૧૯૮૯ સુધીના પાંચ વર્ષ ‘ભાષાવિમર્શ’ના તંત્રીપદે ચંદ્રકાન્ત ટોપીવાળા રહ્યા. અહીથી તો ‘ભાષાવિમર્શ’ સામાયિક લેખોની બાબતમાં ઘણું બદલાય છે. લોકસાહિત્ય વિષયક લેખો, સંસ્કૃતમીમાંસાને લગતા લેખો, આધુનિક વ્યાકરણના લેખો, કર્તા વિષયક લેખો (નવલરામ, ઉમાશંકર જોશી, રામનારાયણ પાઠક વગેરે) ઉમાશંકર જોશી વિવેચન વિશેષાંકમાં તો ઉમાશંકરની કૃતિનિષ્ઠ વિવેચના તેમનું સંશોધનકાર્ય વગેરેની ચર્ચા કરી છે. આ ઉપરાંત અર્થઘટનવિજ્ઞાન અને અર્થઘટનશાસ્ત્ર સંલગ્ન લેખો, મધ્યકાળના લેખો પણ સારા છે. અંતિમ અંક ૩-૪ માં ચંદ્રકાંત ટોપીવાળા ગુજરાતી ટૂકીવાર્તાકોશ આપે છે. આ અંક પણ સાહિત્યરસિક જિજ્ઞાસુઓને ઉપયોગી નીવડ્યા વગર ન રહે. પારૂલ માંકડ, સુમન શાહ, ચીનુ મોદી, ઉર્મિ દેસાઇ, નિતિન મેહતા વગેરેએ બને તેટલા વિષયને મઠારીને લેખો આપ્યા છે. આ રીતે શબ્દ અને ભાષાને વરેલું આ સામાયિક ધીરે ધીરે લુપ્ત થાય છે.

‘ભાષાવિમર્શ’ના બાર વર્ષોના તમામ અંકોમથી પસાર થતા એક વાત નવાઈ પમાડે કે આવા ગંભીર અને શાસ્ત્રીય, ભાષાકીય વિષયને લગતા સામાયિકમાં પત્રચર્ચાનો સદંતર અભાવ જોવા મળે. વિવાદ કે ઉહાપોહ તો ઠીક પરંતુ પરિપુષ્ટિ કરવામાં પણ સમખાવા પૂરતો એકે પત્ર પ્રકાશિત થયો નથી. આ જ અરસામાં ‘ફાર્બસ ત્રૈમાસિક સભા’, ‘એતદ્’ જેવા સામયિકોનો પત્રચર્ચા વિનાનો અંક ભાગ્યે જ નીકળ્યો હશે જોકે, એ પૈકીના ઘણા પત્રોની ગુણવત્તા અને તેમની પાછળના સંભવિત આશયો વગેરે અલગ બાબત છે. ‘ભાષાવિમર્શ’માં વિવાદ, ઉહાપોહ કે ચર્ચા વિચારણાને અવકાશ હોય એવાં અનેક લેખોનો પ્રકાશિત થયા હતાં. દા.ત. ભાયાણી સાહેબે કે.કા.શાસ્ત્રીના શબ્દકોશની આકરી ટીકા કરી તો મધુકર સાહેબે અને હરિવલ્લભ ભાયાણી વચ્ચે શબ્દોની વ્યુત્પતિ અંગેનો ચર્ચાઓ થઈ હતી બીજી વાત એ કે લેખકો, મુદ્રકો, સંપાદકો, પ્રૂફરીડરો સિવાય ‘ભાષાવિમર્શ’ કોઈ વાંચતું જ ન હતું કે શું? આ ઉપરાંત શરૂઆતના પાંચ વર્ષોના અંકોમાંથી પસાર થતાં એ પણ નોંધવું જ રહ્યું કે યોગેન્દ્ર વ્યાસ કે અરવિંદ ભાંડારી જેવા ભાષવિજ્ઞાનના અભ્યાસીઓનું એકે લખાણ જોવા મળતું નથી.

'ભાષાવિમર્શ'માં ગુજરાતીમાં અંગ્રેજી શબ્દો એટેલે કે નામોના ઉચ્ચારણો ડેન્યલ જોંઝની 'ધી ઇગ્લિશ પૂના પ્રનાઉન્સિંગ ડિકશનરિ' પ્રમાણે આપ્યા છે. અંગ્રેજી શબ્દો રોમનના બદલે ગુજરાતી લિપિમાં મુદ્રિત થયેલા જોવા મળે. પાશ્ચાત્યના ભાષાવિજ્ઞાનીઓની જાણ કોઈને પણ નહોતી તેની જાણ વાચકોને, જિજ્ઞાસુઓને કરાવી છે.બોલી અંગેનું મહત્વનુ કાર્ય પણ કદાચ બીજા કોઈપણ સામાયિકમાં આટલી શાસ્ત્રીય રીતે ચર્ચા કરી નહીં હોય એમ હું માનું છું. ભાષાને આવરી લેતા તમામ પાસાઓની ચર્ચા અહી આ સામાયિકમાં કરવામાં આવી છે તે જ તેની સૌથી મોટી સિદ્ધિ છે.

‘ભાષાવિમર્શ’ની શરૂઆતથી જ હરિવલ્લભ ભાયાણી સંપાદકીય નોંધે છે કે “આ સાહસ જ નહીં દુ:સાહસ હોવાનું પણ સહેજે ગણી શકાય. તેમ છતાંય હરિવલ્લભ ભાયાણીની એક સંપાદક તરીકેની સુજનો પરિચય અહી થાય છે. લેખકો અને મુદ્રાલયો વચ્ચે ટપાલીનું કામ કરવાને બદલે ભાયાણી બધા જ લેખો ધ્યાનથી વાંચી જઈને તેમની ભાષા મઠારવાનું તેમજ તેના પુનઃલેખનનું કામ પણ કરતાં હતા. ચંદ્રકાંત શેઠ પણ બે વર્ષ તંત્રીપદે રહીને ભાષા સિવાયના અન્ય લેખોને 'ભાષાવિમર્શ'માં સૂઝ અને ચીવટતાથી ગોઠવતા. ભાષા ઉપરાંતના લેખો સમાવવાનો આગ્રહ તેમણે રાખ્યો હતો. ઉપરાંત તેઓ દરેક અંકમાં કોઈકને કોઈક બાબતની ચર્ચા સંપાદકીય નોંધમાં કરતાં જે તેમની સંપાદક તરીકેની આગવી વિશિષ્ટતા હતી. ખરેખર આ કાર્ય દુ:સાહસભર્યું નથી પણ સિંહની ત્રાડની જેમ સાહસભર્યું છે. અત્યારે પણ હાલમાં ભાષાવિજ્ઞાનના લેખો થોડાઘણા સામયિકોમાં પ્રકાશિત થતાં હશે પરંતુ, ભાષાને વરેલું, ભાષાથી પ્રકાશિત ભાષાવિજ્ઞાનનું સામાયિક એક પણ નથી 'ભાષાવિમર્શ' સિવાય. 'ભાષાવિમર્શ'ના અંતિમ અંક ડિસે-૧૯૮૯માં છેલ્લે એક નોંધ કરી છે કે "૧૯૯૦ ના જાન્યુઆરી થી 'ભાષાવિમર્શ'ને 'પરબ' સાથે જોડી દેવામાં આવ્યું છે. અહીંથી 'ભાષાવિમર્શ'બંધ થાય છે.

"જો શબ્દનો જ્યોતિ સર્વત્ર પ્રકાશતો ન હોય તો આખુંય વિશ્વ અંધકારમય બની જાય".-દંડી આ રીતે ભાષાથી ભરપૂર અને ભાષાના વિષયોથી છલકાતું આ સામાયિક બંધ પડે ત્યારે એમ લાગે કે દુનિયામાંથી ભાષાવિજ્ઞાનનો મહત્વનો સ્તંભ તૂટી પડ્યો.

સંદર્ભસૂચિ :::

  1. 'ભાષાવિમર્શ' જાન્યુ-૧૯૭૮ થી ડિસે-૧૯૮૯ અંક, ગુજરાતી સાહિત્ય પરિષદ , અમદાવાદ
  2. 'ભાષાવિમર્શ' લેખસંચય- હર્ષવદન ત્રિવેદી પ્ર.આ. ૨૦૧૧, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
  3. 'સાહિત્યિક સામયિકો (પરંપરા અને પ્રભાવ) -ડૉ.હસિત મહેતા પ્ર.આ. ૨૦૧૨ રન્નાદે પ્રકાશન, અમદાવાદ
  4. ‘ગુજરાત શાળાપત્ર’:અભ્યાસાત્મક પર્યટન- જયના પરમ પાઠક, પ્ર.આ. ૨૦૧૨, ગુરુ ડિઝાઈન શૉપ, વલ્લભ વિદ્યાનગર

ઠાકોર આશાબેન રમેશભાઈ (રીસર્ચ સ્કૉલર) અનુસ્નાતક ગુજરાતી વિભાગ, વલ્લભ વિદ્યાનગર, આણંદ ૩૮૮૧૨૦