Download this page in

રામ મોરી કૃત ‘મહોતું’ વાર્તાસંગ્રહમાં ગ્રામપરિવેશનું નિરૂપણ

૨૧મી સદીના બીજા દાયકાના ઉતરાર્ધમાં આપણે ત્યાં કેટલાક નવાં વાર્તા અવાજો આવ્યાં તેમાં રામ મોરીનો અવાજ કાન સરવા કરીને સાંભળવો પડે તેવો છે. તેમના પ્રથમ વાર્તાસંગ્રહ ‘મહોતું’ની વાર્તાઓમાંથી તેમની સાચી સર્જકતાના સગડ આપણને મળી રહે છે. આ સંગ્રહને સમયસર દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળે છે.

‘મહોતું’ વાર્તાસંગ્રહમાં ગ્રામીણ અને શહેરી ઉભય પરિવેશવાળી વાર્તાઓ આપણને સાંપડે છે. પણ આ વાર્તાઓનો પ્રધાન સૂર તો તળપ્રદેશની સ્ત્રીઓના જીવનકારુણ્યનો રહ્યો છે. સર્જકે ગ્રામજીવનના અનુભવોને આત્મસાત કર્યા છે. સૌરાષ્ટ્રના ગ્રામીણ સમાજમાં પુરુષોનું આધિપત્ય રહ્યું છે. એ કહેવાતા આધિપત્ય નીચે સ્ત્રીઓએ જે જીવતરનો ભાર વેંઢારવો પડે છે તેનું હૃદયસ્પર્શી નિરૂપણ આ વાર્તાઓમાં થયું છે.

સંગ્રહની શીર્ષક વાર્તા‘મહોતું’ છે. કહો કે એ મહોતામાંથી ચંદરવાની ભાત રચતી વાર્તા છે. કહેવાતા પુરુષપ્રધાન સમાજમાં પુરુષોના પ્રભાવ નીચે સ્ત્રીજીવનની લાચારીનું અહીં હૃદયસ્પર્શી નિરૂપણ થયું છે. કથક હરસુડી(હર્ષા)ની માની વેદના વાર્તાના કેન્દ્રમાં છે. મોટી દીકરીને જાગધાર પરણાવી પણ પતિ અને સાસરિયાના ત્રાસથી ભાગી આવે છે. એ નિમિતે ડેલીમાં એકઠા થતા ગામડાના સ્ત્રી-પુરુષોના આગમનને વાર્તાકાર સર્જકતાના જોરે કેવું આલેખે છે-
“એ પછી તો આખા ડેલામાં લાલ-લીલી પીળી –કેસરી બાંધણીઓ ને લેરિયાનાં ઘૂમટાઓ ઉભરાવા લાગ્યા હતા. ઓશરીને ફળિયામાં ગામનાં કડિયા ચોયણા સમાતા નહતા.”(પૃ.૧૨)

અહીં વસ્ત્રોથી વય અને જાતિનો સંકેત ઘણો સૂચક રીતે રજૂ થયો છે.
“હશે બેન......ગમે એમ તોય તારું હાચું ઘર તો ઇજ છેને !”
“સહન કરતાં શીખ્ય ભાવુ,મૂંગા મોઢે મજાનું કામ કરીને ટેસડા નો કરવી.”
“દખ તો કોને નથી પડતા હેં બેન ,પણ ઈ બધું જીરવી જાય એનું નામ માણસ.”(પૃ.૧૩)

ઉપરોક્ત સંવાદોમાં ગામની બાયુંના વિવિધ દાખલા-દલીલોમાંથી સ્ત્રી જાતિની લાચારી પ્રગટ થાય છે. ભાવુડી પણ આ મસોતા જેવી જ બની રહેવાની એનો સંકેત પણ ભાવકને મળી રહે છે. લેખક આ બધી સ્ત્રીઓની સામે કાંગસડીનું પાત્ર ભારે જહેમતથી આલેખે છે. આ એક માત્ર કાંગસડીના પાત્રનો બંડખોર અવાજ વાર્તામાંથી પ્રગટે છે. તે સાસરીયે ત્રાસ વેઠતી દીકરીને પોતાને ઘરે લઇ આવે છે અને પોતાના ધંધામાં જોડી દે છે. પણ કહેવાતાં સભ્ય સમાજ (?!)ની જેમ પુરુષોનું આધિપત્ય ભોગવતી નથી.તે કહે છે-
“બેન આદમી વગર કાંઈ તાવડી ટેકો લઈ જાય છે ? જીવતર તો એના વિનાય ધોડ્યું જાય, મારું ગ્યું એવું. મારી માય કાંગસ્યુ વેચતી, હુંય વેચું છું ને હવે મારી દીકરીય વેચશે ....હું ફેર પડી જાવાનો? પણ ઈ એની માંના વરો નચાવે એમ નાચીએ ઈ વાત ખોટી....”(પૃ.૧૯)

વાર્તામાં આવતું પુરુષપાત્ર (હરસુડીનો બાપ) જેને મહોતું ગણે છે એ આ કાંગસડીનું પાત્ર ચંદરવા જેવું બની રહે છે.વાર્તામાં પુરુષ પાત્રનું (હરસુડીનો બાપ) આગમન એક બે વખત થાય છે પણ એનો ડર સમગ્ર વાર્તા પર છવાય રહે છે.પુરુષ પાત્રના મુખમાં મુકાયેલ એ સંવાદો :-
“આવાને આવા મહોતા હાર્યે વળી હું સંબંધ રાખવાનો? એની હારે તો વાટકી વેવારેય નો હોય”(પૃ.૧૨)
“થા મોર્ય, નકર વારો પાડી દેશ માં-દીકરી બેયનો. તારી માને આખો ભવ ઘરમાં ગુડી રાખવી છે? વહવાયા સવી આપડે કાંય....!”(પૃ.૧૪)
“ખૂટ્યલ મારીની, ભીંસા ખેરવી નાખીશ તારા જો હવે ડેલીમાં પગ મુક્યો છે તો ટાંટિયા ભાંગી નાખીશ.”(પૃ.૧૬)
“તારી માને જધ્ધે ઘોડાઆણ્યની, તારી માએ મારી આબરુના ઓછા ધજાગરા કર્યા છે કે તારે હજી મને ન્યાં મોકલવો છે?”(પૃ.૧૭)
“ક્યાં મરી ગ્યું બેય ....રખડેલ ના પેટન્યું.” (પૃ.૧૯)
“ન્યાં હું એનાં બાપની દાટી હતી? ઠેક ....ઓલી આવી હશે હેને મહોતાવાળી.” (પૃ.૧૯)

વાર્તામાં આવતા બે સંવાદો ભારે પ્રભાવક બની વાર્તાના કરુણને વધુ ઘેરો બનાવે છે.જે નીચે મુજબ છે :-
બા:-“પોતાની વગ બધે જ વાપરી હકાતી હોત તો તો કેવું હારુ હોત!”
હરસુડી :-બાપુ,મહોતું તો મારી બાએ ઓઢ્યું છે.....લેરિયું પે’રીને ઓલી મા દીકરી તો ક્યારનીય નીકળી ગયું !”

લેખકની વર્ણનકલાના ચમકારા પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે.બદલાતા જતાં ગામડાનું ચિત્ર લેખકે આલેખ્યું છે.-
“પેલા તો એય મજાના તીનનાં તપેલાં ભરી ભરીને લૂગડાં લઈન નદીયે જાતા ને શીપર માથે લૂગડાંની હારોહાર કેટલીય વાતો પથરાય જતી. લૂગડાય નીચોવાય ને કઈ કેટલીય ફરિયાદોય નીચોવાય. પોતાનાં ધણીને કાંઈ નો કઈ હકતી બાયું ઇના વરના સોવણાને કે બુશર્ટપેન્ટને બમણા જોરથી ધોકાવતી હોય એવુંય જોયેલું. ને સાબુના ફીણ જેવાં બાયુંના હોંકારા ‘હશે બાપા ....અસતરી અવતાર ....બાંધી મૂઠી લાખની....’ આવા હોકારામાં તો ભલભલ્યુંના ઘરના કજિયાનો કદડો નીકળી જતો. પણ હવે તો ભમરાળા ઘરે ઘરે નળ ગુડાઈ ગ્યા. તે પોતે ધૂણવાનું ને પોતે ધૂપ દેવાનો.”(પૃ.૧૧/૧૨)

‘બળતરા’ વાર્તા ગામડાની સ્ત્રીઓનાં જીવનની કરુણ કથની આલેખે છે. આ વાર્તા પણ હરસુડીના મુખે કહેવાયેલી છે. નિ:સંતાનપણાને લીધે ઘરકંકાસનો ભોગ બનતી, ને પતિનો માર ખાતી વાઘ જેવી જશીકાકી રહસ્યમય સંજોગોમાં બળી મરે છે. જશીકાકીના મરણ પછી થતા વિધિવિધાનો, અને બીજીવાર પરણવા માગતા પુરુષોનો નિર્દય એવો વ્યવહાર, કહેવાતા સભ્યસમાજની એક બાજુને ઉજાગર કરે છે. વાર્તામાં આવતા મરશિયાનું નિરૂપણ કરુણને વધુ ઘેરો બનાવે છે. ઢળતી ઉમરને ઉંબરે ઊભેલા દેવુમાં જશીકાકીના મૃત્યું પછી થતા વિધિવિધાનો નવી પેઢીની છોકરીઓને સમજાવતા જાય છે. એટલે આ નવી પેઢીની છોકરીઓ પણ હવે એજ ચીલે ચાલશે એનો સંકેત પણ મળી રહે છે. વાર્તામાં આવતો હરસુડીની દાઝેલી આંગળીઓ અને બાએ મોર-પોપટ ભરેલા ઓછાડમાં બાપાની બીડીમાંથી પડેલા કાણાઓનો સંદર્ભ પણ સ્ત્રીજીવનના કારુણ્યને ચીંધે છે.

‘નાથી’ વાર્તામાં ફઈ પાછળ ભત્રીજી દેવાના રિવાજનો ભોગ બનતી, પોતાના બાપને પણ નમતું ન જોખનારી નાથીને કામી પતિ માણસુરને વશ થવું પડે છે એ કથાનક રજૂ થયું છે. આવા ફઈ પાછળ ભત્રીજી દેવાના સગપણના રીવાજો હજી પણ કેટલીક જ્ઞાતિ અને સમાજમાં જોવા મળે છે જે ગ્રામીણ જીવનની તાસીર પ્રગટાવે છે. મેળામાં પોતાના મંગેતરને મળવા તે ઉત્સુક છે પણ માણસુરની કામેચ્છાને વશ ન થતાં થપ્પડ ખાવી પડે છે. “રોણાને રોકતા શીખ્ય બટા, સાત વાના કરશું તોય કાંઈ નથ થાવાનું.....સગામાં સગું થ્યું છે.....લોઢે લીટો....”આવાં સંબંધોને વડીલોની શેહ શરમના ભોગે કોઈ પણ ભોગે નિભાવવા પડતાં હોય છે. જે સ્ત્રીજીવનની કરુણદશાને ઉજાગર કરે છે.

‘સારા! દિ’વાર્તાની નાયિકા ગીતા છે. જે સગર્ભા છે.પતિ કશુ કમાતો નથી. આથી સંયુક્ત કુટુંબમાં રહેતી ગીતાને મેણા સાંભળવા પડે છે. ગીતાની શારીરિક પીડા સાથે કામના ભારણની પીડાનું આલેખન ખૂબ ઝીણવટભર્યું થયું છે. લેખક ગીતાના માનસસંચલનોને આલેખવામાં સફળ રહ્યાં છે. વાર્તાની ભોંય ગામડાની છે અને તેમાં આવતો કૃષક પરિવેશ, તેમાં કામ કરતાં લોકો આ બધું ગ્રામચેતનાને ઉજાગર કરે છે.

‘વાવ’ સંગ્રહની ગણનાપાત્ર વાર્તા છે. ગામની ભાગોળે આવેલી અવાવરું વાવ ગામની દુઃખિયારી સ્ત્રીઓનો છેલ્લો આશરો બની રહે છે. વાર્તાનો પ્રારંભ લેખકની નિવડેલી સર્જકતાનો પરિચય આપે છે. ‘ધુબાંગગ...’ થતો અવાજ સમગ્ર વાર્તામાં ભયજનક વાતાવરણનાં નિર્માણમાં મહત્વનો બની રહે છે. આ ‘ધુબાંગગ...’ની અસર હવે ગામલોકોને સામાન્ય બની ગઈ છે. તે લેખક લોકોની રોજબરોજની ક્રિયા જોડે સાંકળવામાં સફળ રહે છે.વાર્તાની નાયિકા મંજુને આ વાવ વિશે ભારે કુતૂહલ છે. તે બાવલીને પૂછે છે.-
“હેં બાવલી, આ વાવમાં હું હશે?”
“કવ છું કાંક તો હોવું તો જોવે જ, નકર બધ્યું ધોડી ધોડીને ન્યાં હું લેવા પોગી જાત્યું હશે? બધ્યુંના વાંધાના ઉકેલ વાવની માલીપાથી જ મળે?”

આ સવાલનો જવાબ મંજુને પુરીમાં પાસેથી મળે છે.
“વાવમાં તો હું હોય ........ગંધાતું પાણી.....લીલ ....કદડો .....કાંટાળા ડાળખાં ને અનગળ અંધારા...”

મંજુએ સાસરિયેથી આવેલી સેજલની,ઘરમાં બાની અવદશા જોઈ છે.મંજુને સંસાર સાગર જ વાવ લાગતાં તે વાવ તરફ દોટ મુકે છે.તે વાવમાં ડોકિયું કરે છે તેને શું દેખાય છે?-‘વાવમાં તળિયે ક્યાંય પાણી નહોતું, કોઈ લીલ નહોતી,કોઈ ડાળખાં નહોતાં,નર્યો અજવાસ વાવના તળિયે પથરાયેલો હતો.’ સ્ત્રીનું જીવન એ પીડાઓથી ભરેલું છે અને એ પીડાઓનો અંત આ વાવમાં જ છે એવું સાદ્યંત વાતાવરણ નિર્માણ વાર્તાકાર કરી શક્યા છે.

‘ઠેસ’ વાર્તામાં માને ઉમરલાયક દીકરી સપના માટે ઘરે ખેતર–વાડી ને છોકરો સૂરત હોય એવું ઠેકાણું શોધવું છે.જેથી બન્ને દીકરા પણ સૂરતની કમાણી કરતા થાય.આમને આમ સમય પસાર થતો જાય છે અને વાર્તાન્તે નાયિકા કેસલા કહારા જોડે ભાગી જાય છે એવું કથાનક આકાર પામ્યું છે.વાર્તા પ્રતીકાત્મક છે.વાર્તામાં આવતો હીંચકાનો કિંચૂડાટ ને ગતિ વાર્તા નાયિકાના મનોગતને ઉજાગર કરે છે.

‘પોપડી’વાર્તામાં લગ્ન પછીના સ્ત્રીપુરુષોના સંબંધો વિશે અબૂધ રૂપલીની કથા નિરુપાય છે.

સમગ્રતયા આ વાર્તાઓનો ગ્રામપરિવેશના સંદર્ભે અભ્યાસ કરતાં એટલું કહી શકાય કે વાર્તાકારે ગ્રામીણ અને શહેરી એમ બન્ને પરિવેશની વાર્તાઓ આપી છે.પણ ગ્રામપરિવેશની વાર્તાઓમાં એમની હથોટી મજબુત છે. સર્જકે જે ગામડામાં શ્વાસ લીધો, એમનો ઉછેર થયો, જે ગામડાના અનુભવોને તેઓએ આત્મસાત કર્યા એ આ વાર્તાઓમાં પાને-પાને આલેખ્યું છે. ઉપરોક્ત વાર્તાઓની ભોંય ગામડું છે. આથી ગામડા ગામની જીવનશૈલી,રહેણીકરણી,તેમના ધંધા-ધાપા,તેમની માન્યતાઓ, વિધિવિધાનો વગેરેને આ વાર્તાઓમાં આલેખ્યું છે.વાર્તાની ભાષામાં તળબાનીનો સ્પર્શ અહીં અનુભવાય છે.ઘણીવખત જાહેરભાષામાં અયોગ્ય લાગતા શબ્દો વાર્તામાં જોવા મળે છે પણ એ અહીં વ્યવહારભાષાની ઓળખ સમા બની રહ્યા છે.એકંદરે આ વાર્તાઓ તળપ્રદેશની તાસીર પ્રગટાવે છે.

સંદર્ભ:-

  1. ‘મહોતું’- લેખક– રામ મોરી પ્રકા.ફ્લેમિંગો પબ્લિકેશન પ્રથમ આવૃત્તિ:૨૦૧૬ પુનર્મુદ્રણ:૨૦૧૭
  2. ‘પરબ’ માર્ચ -૨૦૧૮ ગુજરાતી સાહિત્ય પરિષદ

ડૉ.અશ્વિનકુમાર વી. બારડ, મદદનીશ પ્રાધ્યાપક (ગુજરાતી), સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ-તાલાળા(ગીર), જિ-ગીર સોમનાથ. મો.૯૯૨૪૬૫૮૮૪૬ Email:-ashvinbarad98@gmail.com