Download this page in

કૃષ્ણલાલ શ્રીધરાણીના કાવ્યોમાં ગાંધીવિચારોનો પ્રભાવ

કૃષ્ણલાલ શ્રીધરાણી ગાંધીયુગના તેજસ્વી કવિ છે. તેઓ વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા હતા એ સમયે ગાંધીજીના અને એમની પ્રવૃત્તિઓના પ્રત્યક્ષ પરિચયમાં આવ્યા. મહાત્મા ગાંધીની રાષ્ટ્રીય ભાવનાઓએ એમને આકર્ષ્યા. કવિએ આઝાદીની લડતમાં સક્રીય ભાગ લીધો. સ્વાતંત્ર્યસેનાની તરીકે નાસિકમાં જેલવાસ પણ વેઠ્યો. દાંડીકૂચના તેઓ એક સેનાની રહ્યા હતા. આથી, 'પૂજારી', ભરતી', 'સપૂત', 'ક્રાંતિનાદ', 'સર્જકશ્રેષ્ઠ આંગળા', સ્વરાજરક્ષક' જેવી રચનાઓમાં ગાંધીવિચારનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. ગાંધીયુગમાં સક્રિય સ્વાતંત્ર્યસેનાનીઓની શહાદત-ત્યાગ અને રાષ્ટ્રીય અસ્મિતાનું ગાન 'સપૂત' જેવા કાવ્યમાં થયું છે. દીનદલિત-પીડિતો પ્રત્યેની સહાનુભૂતિ તથા અનુકંપાનું સંવેદન 'પૂજારી', 'સર્જકશ્રેષ્ઠ આંગળા', તથા 'સ્વરાજરક્ષક' કાવ્યોમાં નિરૂપાયું છે. અહીં શોષકો પ્રત્યેનો આક્રોશ તથા શોષિતો પ્રત્યેની હમદર્દીમાં સામ્યવાદી વિચારધારાની અસર વર્તાય છે. ઈ.સ.૧૯૩૪માં એમનો પ્રથમ કાવ્યસંગ્રહ 'કોડિયાં' આઝાદીની લડતના કાળમાં પ્રગટ થાય છે. સ્વાતંત્ર્યપ્રેમ, દરિદ્રનારાયણો તરફનો સમભાવ, રાષ્ટ્રપ્રીતિ, ખુમારી અને શહાદતની ભાવના નિરૂપતાં કાવ્યોમાં ગાંધીજીનો પ્રભાવ જોવા મળે છે. 'ગાંધીજીને' કાવ્ય શ્રીધરાણીએ સોળ વર્ષની ઉંમરે રચેલું. આ કાવ્યમાં ગાંધીજી પ્રત્યેનો પૂજ્યભાવ અભિનવ આલેખનની કોઠાસૂઝ પ્રગટ કરે છે. ભારતમાતાની ગુલામી તથા એની વ્યથાવેદના અને માતાના આંસુ રૂપે ગાંધીજીના અવતારની કલ્પના ગજબની મોહિની પ્રગટ કરે છે :
"દાહભરી આંખો માતાની
તેનું તું આંસુ ટપક્યું."

પરાધીનતાની જંજીરોમાં જકડાયેલી ભારતમાતાની આંખોમાંથી સમસ્ત દેશવાસીઓ પ્રત્યેની કરુણાના પર્યાય સમાં આંસુ એ જ મહાત્મા ગાંધી. આમ, કવિ ભારતમાતાની આંખનાં આંસુ તરીકે ગાંધીજીને ઓળખાવી એમની વિરાટ વ્યક્તિમત્તાનું ગૌરવ કરે છે. એમાં કલ્પનાની અરૂઢતા તથા મૌલિકતા છે. માતાની આંખો દાહભરી છે. પરાધીનતાની આગ અંતરમાં બળી રહી છે. ભીતર ભંયકર બળતરા છે, છતાં ગાંધીજી સૌની સામે મીઠું મલક્યા છે. ગાંધીજીએ દેશાટન કરીને દેશવાસીઓની દરિદ્રતા અને લાચારી નજરે નિહાળી છે. અને એ અન્યાય સામે ઝઝૂમવા સત્ય, પ્રેમ તથા અહિંસાનો મર્મ અપનાવ્યો એ વિચારધારાનું ગૌરવ કવિએ પ્રતીકાત્મક રીતે આરંભની કડીમાં કર્યું છે. સુન્દરમે 'ત્રિમૂર્તિ' કાવ્યમાં ગાંધીજીને અંજલિ આપતા લખ્યું છે : "બન્યા ગાંધીરૂપે પ્રગટ ધરતીનાં રૂદન સૌ.' સુન્દરમ ગાંધીજીને ધરતીના પ્રગટ રૂદન સાથે સરખાવીને અટકી જાય છે. જ્યારે શ્રીધરાણી ભારત મૈયાની પરાધીનતાની વ્યથાની બળતરા અને એનાથી સ્રવેલ આંસુ રૂપે ગાંધીજીના અવતરણને સૂચવે છે, જેમાં ઘનીભૂત વેદનાનો સ્પર્શ મૂર્તરૂપ પામ્યો છે.

ગાંધીજીએ આઝાદી માટેની ચેતના અને ક્રાંતી પ્રજાજીવનમાં વ્યાપક રીતે જગાડવા સાહિત્યકારોને પ્રજાભિમુખ થવાનો અનુરોધ કર્યો હતો. 'સપૂત' કાવ્યમાં સ્વાતંત્ર્યસેનાનીઓની દેશદાઝ તથા દઢ સંકલ્પની ચિત્રાત્મક અભિવ્યક્તિ થઈ છે. આ સૌ સેનાનીઓ દેશના ખૂણે ખૂણે ફરી વળી અદના માનવી પાસે જઈ આઝાદીની ચેતના પ્રસારે છે. પ્રજાનો અવાજ કેળવે છે. આ સેનાનીઓની આગળ ગાંધીજી છે. તેઓ સૌની પ્રેરણામૂર્તિ છે. કવિએ ગાંધીજીને 'જુવાન ડોસલો' કહીને ઉચિત અંજલિ આપી છે....
"મોખરે ધપે હસી હસી જુવાન ડોસલો !
સર્વ સાથ, કોઈ ના-બધું સમાન : એકલો !"

હસી હસીને સેનાનીઓની સૌથી આગળ ચાલનાર ગાંધીજીની કૃતસંકલ્પતા વિલક્ષણ છે. કૃષ્ણલાલ શ્રીધરાણીએ 'સપૂત' કાવ્યમાં ગાંધીજીના કાર્યને બિરદાવ્યું છે. કવિએ સ્વાતંત્ર્યસેનાનીઓની પ્રબળ યુયુત્સા, રાષ્ટ્રપ્રેમ તથા ગાંધીજીની એકલવીર પ્રેરણામૂર્તિનું ચિત્રાત્મક આલેખન કરી આ કાવ્યમાં ગાંધીજીને રાષ્ટ્રના 'સપૂત' તરીકે ભવ્ય અંજલિ આપી છે. ગાંધીવિચારથી પ્રેરાઈને શ્રીધરાણીએ ગાંધીજી અને તેમના જીવનને આલેખતાં કાવ્યો રચ્યાં છે. 'ગાંધીજીને', 'પળે પાછો', 'સપૂત', 'મોહનપગલાં' જેવાં કાવ્યોમાં ગાંધીજીના વ્યક્તિત્વને ઉપસાવવામાં આવ્યું છે. ગાંધીજીને 'યુગવણકર' તરીકે વર્ણવી કવિએ ગાંધીવિચાર અને કાર્યને અંજલિ આપી છે. 'પળે પાછો' માં વિશ્વપયગંબરો એકી સાથે ગાંધીમાં પ્રગટ્યા હોય એવી કલ્પના કરી છે :
'ગાંધીને તો ટીપે ટીપે, અંગ દેવું બધું ગણી !'

દાંડીકૂચ સમયે ગાંધીજીએ કરેલા મહાભિનિષ્ક્રમણ વિશે 'મોહનપગલાં' નામે સાત સૉનેટોનું એક સુંદર ગુચ્છ શ્રીધરાણીએ રચેલું છે. ગાંઘીજીના પારસસ્પર્શે 'ચૌટે, ચોરે, પુર નગરમાં, ગામડે, લોક જાગ્યા.' ગાંધીસંકલ્પની દઢતા કવિએ વ્યક્ત કરી છે :
''એક જીવડું મરેય તોય ઉર આ રડી રહે,
સ્વતંત્રતા તણા સુયજ્ઞમાં કરોડ છો બળે.''

જીવનવ્યવહારના સંબંધો સ્વાર્થથી પ્રેરાયેલા છે એ વાત કવિએ કરુણતાથી પ્રગટ કરી છે. ગાંધીજીના કુસુમકોમળ તથા પ્રસંગ પડ્યે વજ્રકઠોર બનતા વ્યક્તિત્વને કવિએ નાટ્યાત્મક રીતે મૂર્તિમંત કરેલું છે.

'ક્રાન્તિનાદ' કાવ્યમાં પરોક્ષ રીતે સ્વાતંત્ર્યપ્રાપ્તિના યજ્ઞમાં ઝઝૂમવા દેશભરમાં જાગનાર ક્રાન્તિનું ચિંતન કવિ કરે છે. ગાંધીજીએ સ્વાતંત્ર્ય તથા તે માટેના પ્રજાના અધિકાર વિશે ગંભીર ચિંતન કર્યું હતું. પ્રજામાં આઝાદીને જીરવવાનું કૌવત અને ધૈર્ય એમણે જરૂરી ગણાવેલું. કવિએ અહીં નવા દષ્ટિકોણથી એક વિશિષ્ઠ પરિસ્થિતિને કાવ્યવિષય બનાવી છે. જો સમાજમાં ક્રાંતિ આણવી હોય તો પીડિતો તથા શોષિતોનો ઉદ્વેગ ઓછો ન થવો જોઈએ. શાંતિની રાહત મળી જાય તો એમનામાં રહેલ વિદ્રોહનો તંગ સંકલ્પ ઢીલો થઈ જશે. કવિનું દર્શન નિરાળું છે, જે અંતની બે પંક્તિમાં રજૂ થયું છે :
"સહુ વિતક વીતજો ! વિઘન ના નડો શાંતિનાં !
બળી - ઝળી ઊઠી કરો અદમ નાદ સૌ ક્રાંતિના !"

આ ક્રાંતિનાદને સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટેના આહ્વાન તરીકે આપણે નિહાળી શકીએ. દેશબાંધવોની વેદના-વ્યથા તથા વિપત્તિઓને જ ક્રાંતિની જ્વાળા પ્રગટાવવાનો સ્રોત બનાવવા પ્રેરી છે 'વિઘન ના નડો શાંતિના' કહેવામાં કવિની અભિવ્યક્તિની નવીનતા વર્તાય છે.

'પૂજારી' કાવ્યમાં કવિએ ગાંધીવિચારથી અભિભૂત થઈને મજૂર, લુહાર, માળી, ખેડૂત જેવા શ્રમિકોનું ગૌરવ કર્યું છે. કહેવાતી ધાર્મિકતા અને ક્રિયાકાંડો પ્રત્યેનો આક્રોશ વ્યક્ત કરીને કવિ ખેડૂત, માળી, લુહાર અને શ્રમિકો પ્રત્યેની અનુકંપા નિરૂપે છે, જેમાં ગાંધીજીની ભાવનાઓ તથા આદર્શોની અસર રહી છે. ગાંધીજીએ પણ બાહ્ય પૂજા-પ્રાર્થનાની ઔપચારિકતાનો વિરોધ કરેલો. એમણે જણાવ્યું છે કે સાચી પ્રાર્થના જીભની નહીં, હ્રદયની હોય છે. પ્રગતિવાદ અને સમાજવાદની વિભાવના અનુસાર શ્રમનું મૂલ્ય સ્થાપવાનો તથા દલિત-પીડિત અને શ્રમજીવી વર્ગ પ્રત્યે સહાનુભૂતિ ઊભી કરવાનો પ્રયાસ કવિએ આ કાવ્યમાં કર્યો છે. પરમેશ્વરની પૂજાનો અધિકાર પૂજારીનો નહિ, પણ ખેડૂત, માળી, લુહાર અને શ્રમિકોનો છે, કારણ કે તે જ સાચા શ્રમજીવી છે. સ્વાર્થના મંદિરને તો પથરા તરીકે ઓળખવ્યા છે. ગાંધીજીની દરિદ્રનારાયણની ભાવના 'કોડિયા'નાં કાવ્યોમાં વિશેષરૂપે રજૂ થઈ છે. 'પૂજારી', 'દેવ', 'મંદિર', 'અવલોકિતેશ્વર' કાવ્યોમાં ગરીબો પ્રત્યેનો માનવીનો તેમજ ઈશ્વરનો દષ્ટિકોણ વ્યક્ત થયો છે. 'દેવ'માં પણ પત્નીએ બધું નૈવૈદ્ય મંદિર બહાર બેઠેલા ગરીબોમાં વહેંચી દીધું એ ઘટનાને ઉપસવવામાં આવી છે. પ્રભુ કોઈ મંદિરમાં વસતો નથી, લોકોમાં વસે છે એ વિચાર વ્યક્ત કરવા 'મંદિર' કાવ્ય રચાયું છે. માનવીએ ઈશ્વરને મોટા ઘુમ્મટમાં ચણી લીધો છે તેની રજૂઆત શ્રી સ્નેહરશ્મિના 'ઝંઝા' કાવ્યમાં પણ થઈ છે. 'મંદિર'માં ન સમાયેલા દેવ છેવટે ઝૂંપડીમાં સમાય છે. હરિની માન્યતા પણ સ્પષ્ટપણે મૂકવામાં આવી છે :
''સાત નભોના ઘુમ્મટ તણો
માયે ન તાંડવ નારા:
તોયે તારું ઝૂંપડું મોટું
ત્યજાયાંને ઉર આળોટું''

'અવલોકિતેશ્વર'માં પણ હરિ સ્વર્ગમાં જવાનો વિચાર માંડી વાળે છે. 'દુ:ખાર્ત સંગે બનું એક હું દુ:ખી' એ જ એમની અભિલાષા છે. સમાજવાદી વિચારસરણી પણ આવા કાવ્યોમાંથી પ્રગટ થાય છે. 'પાપી'માં સામાન્ય માનવનો હરિજનો પ્રત્યેનો દષ્ટિકોણ રજૂ થયો છે. તો 'સ્તંભસ્વાતંત્ર્યનો' માં ખેડૂતોની ખુમારી પ્રગટ થઈ છે. 'નવ પાઈ એકે મળે' એ જ એમનો દઢ નિર્ણય છે. 'ધૂમ્રગાથા'માં મજૂરોનાં દૈન્ય તથા નિરાશાને વણી લેવામાં આવ્યાં છે. માનવીની કંગાલિયતનું સચોટ વર્ણન આ કાવ્યમાં થયું છે.

'સ્વરાજરક્ષક' કાવ્ય શ્રીધરાણીએ ઊગતી વયે લખ્યું હોવા છતાં એમાં અનુભવસિદ્ધ સર્જકની પ્રૌઢિનો અનુભવ થાય છે. અંગ્રેજોના અન્યાયી શાસન સામે દેશની પ્રજાએ વિદ્રોહ આદર્યો હતો. એ વખતે શ્રીધરાણી પોતે સક્રિય સ્વાતંત્ર્યસેનાની હતા. સાચા સ્વરાજનો આદર્શ એમના મનમાં ગાંધીવિચારના આદર્શ થકી રચાયો હતો. સ્વરાજનું રક્ષણ કરનાર રાજા અને પ્રજા બંને છે. પ્રજાના લૂંટનારને રાજ્ય પોતે મદદ કરે તો એ સાચું સ્વરાજ ક્યાંથી ગણાય ? આ વિભાવને મૂર્ત કરવાને કવિએ સમર્થ સ્વામી રામદાસનું પાત્ર તંતોતંત યથાર્થ પસંદ કર્યું છે. ગાંધીજીની કર્મનિષ્ઠતાનો પણ સૂચિતાર્થ એમાં પામી શકાય. આ કાવ્યમાં કવિએ ગાંધીવિચારને જ વિશિષ્ટ પરિપ્રેક્ષ્યમાં રજૂ કર્યો છે. શિવાજી તથા સ્વામી રામદાસ જેવાં ઐતિહાસિક પાત્રોના નિમિત્તે ખેડૂતના શ્રમનું ગૌરવ કર્યું એ ગાંધીભાવનાનો પડઘો છે. પણ કવિની રજૂઆત નવીન પ્રકારની છે. સત્યપ્રિય સ્વામી રાજાને સાચો ન્યાય સમજાવતાં કહે છે કે પેલો ખેડૂત પરસેવો પાડીને અનાજ પકવે છે એ ખરો સ્વરાજ-રક્ષક છે. બાકી મારા શિષ્યો હરામ-ભક્ષક છે. ઉદારચરિત, સત્યનિષ્ઠ અને કરુણામૂર્તિ સ્વામી રાજાને સાચી સ્વરાજભાવનાનો સંકેત આપે છે :
"બેટા, અમે સર્વ હરામ-ભક્ષક"

સ્વતંત્રતા અને સ્વરાજનો મહિમા તથા મૂલ્ય ગાંધીયુગના આ કવિને પ્રાણથી પણ અદકાં છે. આથી ગુલામીના અનિષ્ટ સામેનો પ્રતિકાર 'સર્જકશ્રેષ્ઠ આંગળાં' કાવ્યમાં નાયક કલાકાર દ્વારા વેધક રજૂઆત પામ્યો છે. આ કાવ્યમાં કવિ વણકર કલાકારના કારુણ્ય અને ખુમારીનું સંવેદન પ્રગટ કરે છે. આ કાવ્યનાયકની વ્યથા એ છે કે જે કળા થકી પોતે દેશવિદેશમાં મશહૂર બન્યો, એ જ કળાએ હવે તેને પરાધીન બનાવ્યો છે.
"કલા તણી સુંદર સર્જનાએ
હીણો કર્યો આજ મને-વદી ઝૂક્યો."

કાવ્યનાયક પરાધીન બને છે ત્યારે એ પોતાની ગુલામ અવસ્થા જીરવી શકતો નથી. અને એના પશ્વાત્તાપ રૂપે પોતાનાં આંગળાં કાપી નાખવાનું આત્મઘાતી પગલું ભરે છે. અત્યંત સંવેદનશીલ અને ભાવુક કલાકારની આત્મપીડક છતાં ખુમારીભરી આ ચેષ્ઠા કવિએ અનેરા લાઘવ અને વ્યંજનાથી વ્યક્ત કરી છે. આ કાવ્યમાં વણકરના જીવનની કરુણતા તેમજ ગુલામીની વ્યથા પ્રગટ થયાં છે. આ કાવ્યનાયકના સંવેદનને ભારતની પરાધીનતા સાથે સીધો સંબંધ છે.

ગાંધીજીના પ્રભાવથી સમગ્ર દેશવાસીઓના હ્રદયમાં સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાઈ જવાનો અદમ્ય ઉત્સાહ એક જુવાળની પેઠે ઉમટ્યો હતો. યુયુત્સાની કોટિનો આ અદમ્ય ઉત્સાહ 'ભરતી'ના પ્રતીક તરીકે કવિ સૉનેટમાં પ્રયોજે છે. 'ભરતી' સૉનેટ કાવ્યવિષય તથા અભિવ્યક્તિ રીતિ એમ બંને પ્રકારે ઊંચી કોટિનું કાવ્યત્વ પ્રગટાવે છે.
"ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે !
દિશા વિજય કૂચનાં કદમ ગાજતાં ઊપડે !"

સમુદ્રનાં મોજાની ભરતી સૉનેટના અંતે પ્રતીક બની સ્વાતંત્ર્યસેનાનીઓના હ્રદયની અદમ્ય યુયુત્સાને પ્રગટાવે છે.

વિશ્વવંદ્ય યુગપુરુષ એવા ગાંધીજીનો પ્રભાવ ભારતમાં જ નહીં, સમસ્ત વિશ્વ ઉપર પડ્યો છે. ગુજરાતી સાહિત્યમાં પણ એમનો વિરલ પ્રભાવ પડ્યો છે. કૃષ્ણલાલ શ્રીધરાણીના વ્યક્તિત્વઘડતરમાં ગાંધીજીના વિચારો-ભાવનાઓનો પ્રત્યક્ષ તથા પરોક્ષ ફાળો રહ્યો છે. જે એમની કાવ્યરચનાઓમાં પડઘાય છે.

સંદર્ભ ગ્રંથો :

  1. 'કોડિયાં' : કૃષ્ણલાલ શ્રીધરાણી
  2. 'કૃષ્ણલાલ શ્રીધરાણી' : ચિનુ મોદી
  3. 'ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ' : સં. ચિમનલાલ ત્રિવેદી અને અન્ય
  4. 'આધુનિક કવિતાપ્રવાહ' : જયંત પાઠક
  5. 'રાજેન્દ્ર-નિરંજન યુગના કવિઓ' : પ્રસાદ બ્રહ્મભટ્ટ

ડૉ. બીના ડી. પંડ્યા, એસોસિએટ પ્રોફેસર - ગુજરાતી, સરકારી વિનયન કૉલેજ, તળાજા.