Download this page in

લોકસાહિત્યના સંશોધક-સંપાદક તરીકે મહિપતરામનું પ્રદાન

ઓગણીસમી સદીમાં થઈ ગયેલા સુધારાવાદી સર્જકોમાં મહત્વના ગણાતા મહિપતરામ નીલકંઠનો જન્મ 3 ડિસેમ્બર ૧૮૨૯ના રોજ સુરતમાં થયો હતો. સાત વરસની વયે મહિપતરામે સુરતમાં પ્રાણશંકર મહેતાજીની શાળામાં પ્રવેશ મેળવ્યો.બાળવયે તેમનુંલગ્ન સુરતના નાગર ગૃહસ્થ સાહેબરાયની સૌથી નાની દીકરી પાર્વતીકુંવર સાથેથયું હતું.ઈ.સ. ૧૮૫૧માં મદદનીશ શિક્ષક અને પછી ઈ.સ. ૧૮૫૨માં મુંબઈમાં દુર્ગારામ મહેતાજીની ઓળખાણથી દાક્તર હાર્કનસ એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરવા માટે ગયા. કોલેજના ત્રણેય વરસે પ્રથમ ક્રમાંકે આવવાથી શિષ્યવૃતિ પણ મળે છે.ઈ.સ. ૧૮૫૬માં મહિપતરામના ઘરે બુદ્ધિવર્ધક સભા ભરાય છે તેના મંત્રી તથાઈ. સ. ૧૮૫૯માં ‘હોપવાચનમાળા’ સમિતિના સભ્ય તરીકે તેમની પસંદગી થાય છે. સરકારે કૉલેજનો અનુભવ લેવા માટે ઈ. સ.૧૮૬૦માં શાળાનો અભ્યાસ કરવા મહિપતરામને ઈંગ્લેન્ડ મોકલ્યા ત્યારે દલપતરામ અને નર્મદ જેવા સુધારકો એ તેમને સાથ આપ્યો હતો. વિદેશ ગયા હોવાથી મહિપતરામને નાત બહાર કાઢી મૂક્યા હતા. ઈ. સ. ૧૮૬૧માં એપ્રિલમાં મુંબઈ આવી પરદેશ ગમન અંગે પોતાને થયેલા નાત બહિષ્કાર સામે લડતા રહ્યા અને ૩૦ મે ૧૮૯૧ના રોજ કોલેરાની બીમારીના કારણે અવસાન પામ્યા.

મહિપતરામના સાહિત્યસર્જનની વાત કરીએ તો તેમણે ગુજરાતી ભાષામાં વીસેક જેટલા પુસ્તકો લખ્યા છે. તેમાં નવલકથા, પ્રવાસ વર્ણન, ચરિત્રગ્રંથ તથા ‘ભવાઈસંગ્રહ’નો સમાવેશ થાય છે. તેમની નવલકથાઓમાં લોકસાહિત્યનો વિનિયોગ થયેલો જોવા મળે છે.

ભવાઈ સંગ્રહ:

મહિપતરામે લોકકલાના સ્વરૂપ લેખે સંપાદિત કરેલા ‘ભવાઇસંગ્રહ’માં ઓગણીસ જેટલા ભવાઈના વેશ આપ્યા છે. આ પુસ્તક ઈ.સ. ૧૮૬૬માં પ્રકાશિત થયું. ઈ.સ. ૧૮૬૬ થી ૧૯૧૮ સુધીમાં આ પુસ્તકની પાંચ આવૃતિ થઈ છે. છઠ્ઠી આવૃતિ ૨૦૦૩માં થઈ. કુલ ૩૪૪ પાનનું આ પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રકાશિત થયું છે. લોકસાહિત્યક્ષેત્રે લોકનાયક ‘ભવાઈ’ ના પિતા અસાઇત ઠાકરના ૩૬૦ વેશો છે જેમાંથી હાલમાં આપણને ૬૦ જેટલા સંપાદિત વેશો મળે છે. આ વેશોમાં ઘણી વિવિધતા જોવા મળે છે.તેમાં મુસ્લિમ પાત્રો હોય એવા હિંદુ જાતિના મિશ્રણવાળા વેશો મળે છે.જેમ કે, જૂઠણનો વેશ, ઝંડા ઝૂલણ, અડવો વાલિયો, છેલબટાઉ, લાલ-બટાઉ, મિયાંબીબી અને લાલજી મણિયાર વગેરે. તો કેટલાક હિંદુ જાતિનું પ્રતિનિધિત્વ કરતા વેશો જેવા કે, કંસારો, બાવો, પાંચચોર, કાબો વગેરે મળે છે. શૂરો શામળો, રામદેશ, વિકો સિસોદિયો, સઘરા જેસંઘ, રામદેવ વગેરે વેશોમાં રાજપુત રાજકુમાર મુખ્ય પાત્ર તરીકે આવે છે. આ ઉપરાંત પૌરાણિક અને પ્રકીર્ણ વેશોજેવા કે,ગણપતિ, બેચરજી, જોગણી, કજોડો વગેરે મળે છે.

ભવાઈ વેશોનો ટૂંકમાં પરિચય:

મહિપતરામેભવાઇસંગ્રહમાં ‘ગણપતિનો વેશ’માં જે દુહા આપ્યા છે તે લોકસાહિત્યનો જ એક ભાગ છે.તો ‘જૂઠાણનો વેશ’માં એક ગાંડા મુસલમાન દ્વારા ગમે તેવું, ગમે તેને ગંદું ઘેલું બોલીને, રમત દ્વારા સમાજમાં જે જાતજાતના ને ભાતભાતના ધર્મનાં ભેદભાવ હોય છેતે ઈશ્વરના દરબારમાં એકાત્મકતા છે. એવો સંદેશ આપે છે. આ વેશમાં સમાજની વાસ્તવિકતાનો ખ્યાલ આપ્યો છે. ભેદભાવને ભૂસવાની વાત કરવામાં આવી છે.

‘કંસારાના વેશ’માં મુસલમાન સમાજનું તે સમયનું ચિત્ર રજૂ કર્યું છે. જેમાં મુસલમાન રાજ્યમાં બૈરી વેચવાનો, ઘરેણે મૂકવાનો તથા દેવાને પેટે આપવા લેવાનો ચાલ હોય તે બતાડવાનો તથા મુસલમાન ફકીરોનો જુલમ, તેમના ત્રાસો અને રિવાજો આ વેશમાં દેખાડવામાં આવ્યા છે.

‘જોગણીના વેશ’માં ઢોંગી,જોગી દ્વારા આખા જોગનો પર્દાફાશ થાય છે તેની વાત કરવામાં આવી છે. ‘મિયાંબીબીનાં વેશ’માં મુસલમાનો દારૂ પીને કેવા વ્યસ્ત રહે છે, અને પતિ પત્નીના પ્રેમ પ્રત્યેની આશંકા અને પછી સુખદ મિલનના પ્રસંગો વર્ણવી તેમના પ્રણય ત્રિકોણ વર્ણવી તેમના પ્રેમમાં આત્મા, શરીર ને મનનો એકાત્મકતાનો સંદેશ આપે છે. ‘લાલજી મણિયારના વેશ’માં પણ મુસલમાન સિપાઈઓ દ્વારા લાંચિયા ચુસ્ત અને આળસુ લોકોની છબી ચીતરી છે.

‘ઝંડા જુલણના વેશ’માં મક્કા અને કાશી જવા નીકળેલા ફકીરો બંને પવિત્ર સ્થાને જવા નીકળે છે. જેમાં જીવનનો ઉલ્લાસ, જીવનનો રસ, ધર્મ, નીતિ વગેરે દ્વારા સર્વ ધર્મની એકતાનો નિર્દેશ કર્યો છે. ‘છેલબટાઉન અને મહેતા રાણીનો વેશ’માં સ્ત્રી પોતાની ઈચ્છા મુજબ લગ્ન કર્યા પછી પણ બીજા પુરુષ સાથે ભાગી જાય છે. તે ના થવું જોઈએ એ દ્વારા સમાજ સુધારની વાત કરવામાં આવી છે.

‘કજોડાના વેશ’માં ગીતો અને કહેવતનો વિનિયોગો થયેલો છે. તે સમયના સમાજનું પ્રતિબિંબ જોવા મળે છે. સ્ત્રી પુરુષ ના કજોડા દ્વારા આ વેશમાં પણ સમાજ સુધારાની વાત કરવામાં આવી છે. ‘રામદેશના વેશ’માં પતિ પત્નીના સદ્દભાવનું નિરૂપણ છે. તો ‘શુરા શામળાનો વેશ’માં સુરતમાં સતી થયેલી નાગર સ્ત્રીનો ગરબો અને સ્ત્રીના પરાક્રમ, સ્ત્રીની શૂરવીરતા નો નિર્દેશ કરી સમાજ સુધારાની વાત કરી છે. ‘કાબાના વેશ’માં ચોર બ્રામણને છેતરે છે ત્યારે બ્રામણ પોતાની વિદ્યા પ્રગટ કરે છે એ દ્વારા કેટલાક અંશો સત્ય છે એવો નિર્દેશ કરવામાં અવ્યો છે. ‘વિકા સિસોદિયાનો વેશ’માં રાજપુતોની શૂરવીરતા અને બ્રામણોને મળતી દાન દક્ષિણાની મશ્કરી કરી છે અને પછી તેમને મહેનત કરીને વાણિયાની જેમ ધનવાન બનવાનો ઉપદ્દેશ આપે છે. ‘બેચરજીના વેશ’માં ગૌ હત્યા કરનારની શોધખોળ કરાવી એક સારા રાજાની વાત કરવામાં આવી છે અને જે પાપ કરે છે તેને ભોગવવા જ પડે છે. એવો સંદેશ આપવામાં આવ્યો છે. ‘રાજાદેધમનો વેશ’માં માળીને પ્રધાનની પદવી આપી કામનું કેવું પરિણામ લાવવું તેની વાત કરે છે અને રજપૂત સિપાઈઓની હાલત કેવી ખરાબ થાય છે તેની દુર્બળતા બતાવી છે. ‘બાવાના વેશ’માં વૈરાગી બાવા કેવી રીતે લોકોને છેતરે છે અને સ્ત્રીઓ વિધવા થવાથી કેવા કુકર્મ કરી બેસે છે તેની વાત કરી છે.

‘સઘરાં જેસંગનો વેશ’માં રાજા પતઈ રાવળની માતાજી ઉપર કરેલી કુદ્રષ્ટિ તેમજ જસમાં કે રાણક દેવીને અંત:પૂરમાં લાવવા માટે સિધ્ધરાજે પ્રયત્ન નહીં કર્યો હોય તે દર્શાવવા ભાટ લોકો દેશ પરદેશની વાતો રાજા સુધી પહોંચાડે છે, અને રાજા સંભાળ પણ રાખે છે. રાજા શાસ્ત્ર પ્રમાણે બધા નિયમો અને આચાર-વિચારથી વર્તે છે. આ વેશમાં ન્યાય અન્યાયની વાત કરવામાં આવી છે. ‘પાંચ ચોરનો વેશ’માં વેપારીઓ મજુરને કેવા છેતરે છે અને વાણિયો કેવો લાલચુ હોય છે તેના પર કટાક્ષ કર્યો છે. અને છેલ્લે કારકુનના ખભે પાપનો ગાંસડો બંધાવી મફતનું લે તેને ભોગવવું પડે છે, એવો સંદેશ આપ્યો છે.

ભવાઈના વેશની સમીક્ષા:

મહિપતરામ રૂપરામ નીલકંઠ સંપાદિત ‘ભવાઇ સંગ્રહ’માં બધા વેશોમાં સ્થાનિક પ્રણાલિકા, લોકપ્રિય પરંપરા, સ્થાનિક દંતકથાઓ, સ્થળાંતરીત દંતકથાઓને આધારે વાસ્તવિકતાનું નિરૂપણ કર્યું છે. કથામાં સ્થળ સાથે બનેલી ઘટના, ઐતિહાસિક પાત્ર પ્રસંગનો ઘણો આધાર લીધો છે. ભવાઈએ પેઢીદર પેઢી ચાલી આવેલ મૌખિક સ્વરૂપ હોવાથી ભાષા-બોલી, સમય, સ્થળ, સ્થાન સતત પરીવર્તનશીલ રહે છે. જેથી જૂની લાગતી નથી. પ્રદેશ પ્રમાણે શબ્દોમાં ભિન્નતા જોવા મળે છે. આ ગ્રંથમાં ઐતિહાસિક ઘટના, સ્થળ અને રચનાકાળ અને પ્રશ્નો પાઠકના મનમાં થાય છે.લોકકથાને સરળ, સહજ રીતે માનવ સ્વભાવ, ભાવનાઓને પ્રગટ કરતો તેમજ જીવન, જીવનની સમસ્યા, પ્રેમ, ક્રોધ, સંકટ,સંઘર્ષ, બલિદાન, સમાજ,વગેરેને પ્રગટ કરતો લોકસાહિત્યનો સાહિત્ય પ્રકાર છે. ‘રામદેશ અને શૂરા શામળા વેશ’માં ઇતિહાસ અને બે રાજયોની સંસ્કૃતિનું દર્શનનું નિરૂપણ છે. ‘બેચરજીના વેશ’માં સોલંકી અને રજપુતો તેમજ પાવૈયાની ઉત્પત્તિ બતાવી છે. ‘કાબાનો વેશ’ અને ‘વિકો સિસોદિયાનો વેશ’માં તે સમયના સમાજ અને ભાષાનું દર્શન થયેલું છે. ‘બાવાનો વેશ’ અને ‘જોગણીનો વેશ’માં ધાર્મિક અને સામાજિક પરંપરાનો ઉલ્લેખ મળે છે. ‘લાલજી મણિયારનો વેશ’માં અમદાવાદનો ઉલ્લેખ આવે છે. ‘સઘરાં જેસંગના વેશ’માં રાણક દેવીના સતીનો ગરબો મળે છે. જેમાં તે સમયના સમાજમાં અને વિવિધ જાતિની સમજૂતી આપી છે. આમાં લોકસાહિત્યનું આ સ્વરૂપે અન્ય પ્રકારો કરતાં જુદી રીતે પ્રગટ થાય છે. જેમાં વેશોનું વસ્તુ સામાજિક અને સાંકૃતિક તેમજ સંસારિક હોય છે અને એ સંગીત, નૃત્ય, નાટ્ય, રંગભૂષા, વેશભૂષા, કાંઠોપકંઠ ભજવવાનું હોય છે. વિવિધ જાતિઓનો ઉલ્લેખ થયેલો છે. આમ આ ભવાઈ સંગ્રહમાં મહિપતરામે સુધારક તરીકે સમાજ સુધારનું કામ કર્યું છે.

મહિપતરામ નીલકંઠની નવલકથાઓમાં પ્રગટ થયેલું લોકસાહિત્ય:

મહિપતરામે મુખ્યત્વે ત્રણ નવલકથાઓ આપી છે.‘સાસુવહૂની લડાઈ’ (૧૮૬૬),‘વનરાજ ચાવડા’ (૧૮૮૧) અને‘સઘરા જેસંગ’ (૧૮૮૦). તેમની નવલકથાઓમાં લોકગીતોના ઘણા પ્રકારો મળે છે. જેવા કે લગ્નગીતો, હાલરડાં, ફટાણાં, મરશિયા, જોડકણા, સ્લોકા વગેરે. લગ્નગીતોમાં પીઠીના ગીતોથી માંડી કન્યા વિદાય સુધીના ગીતો મળે છે.

મહિપતરામની નવલકથામાં કુવંરને ઊંઘાડતી વખતે ગવતાં હાલરડાં તેમજ રાણીના હાલરડાં મળે છે.તેનું એક ઉદાહરણ જોઈએ,
“હાલોને તો ગોરી રે,
ભાઈને પારણે હીરની દોરી, હાલો.
ભાઈ તો મારો ગોરો ને બાવા,
એની કેડે હીરાનો કંદોરો, હાલો...”

આ હલરડામાં નાના બાળકના વખાણ કરીને તેને સુવડાવવામાં આવે છે. પારણાંને હીરની દોરી તેમજ કેડે હીરનો નો કંદોરો જેવા ઉલ્લેખથી તે સમયની જાહોજલાલીનો ખ્યાલ આવે છે. આ ઉપરાંત નીચેના જેવા રાણીના હાલરડાં મળે છે.
“સૂવો સૂવો બાવા રે ઘોઘર આવ્યા,
ઢાંકણીએ ઢંકાતા આવ્યા,
સૂપડીએ સંતતા આવ્યા,
વાદળ જેવડો રોટલો લાવ્યા,..”

આ હાલરડામાં ‘છોકરાં પરણે ને માં કુંવારી’ જેવી કહેવત પણ મળે છે. આ રીતે સંપાદક પોતે લોક ગીતોમાં જ કહેવતો અને ઉખાણાંને એક સાથે પોતાના સાહિત્યમાં વણી લે છે.

‘સાસુવહૂની લડાઈ’ નવલકથામાં તે સમયના સમાજના લગ્નગીતો, મરસિયા અને દંતકથાઓ મળે છે.‘સઘરાજેસંગ’ નવલકથામાં કેટલીક લોકકથાઓ તેમજ કહેવતો મળે છે.તથા ‘વનરાજ ચાવડો’ નવલકથામાં નાગરી નાતમાં ગવાતાં લગ્નગીતો, ફટાણાં તેમજ જોડકણાનો વિનિયોગ થયેલો છે. તેમાં આવતાં પીઠીના ગીતોનું ઉદાહરણ જોઈએ,
“પીઠી પાવલાની પાશેર, પીઠી અડધાની અર્ધેર,
પીઠી સોનૈયાની શેર,
પીઠી આણી અમારે ઘેર, પીઠી વાડકડે ઘોળાય,
પીઠી લાડકડાને ચોળાય.”

પીઠીના ગીત દ્વારા તે સમયના માપ પાશેર,અર્ધેર અને શેર વગેરેનો ખ્યાલ આવે છે. આ રીતે લોકો પોતાના ગીતોમાં જે-તે સમયના રીત-રિવાજ, રહેણી-કરણી તેમજ રોજિંદા વ્યવહારના શબ્દોને પ્રગટ કરતાં હોય છે. આ નવલકથામાં મંડપના ગીતો, વરઘોડાના ગીતો, ગણેશ સ્થાપનાના ગીતો, કન્યા વિદાયના ગીતો તેમજ જોડકણા પણ મળે છે. કન્યા વિદાય વેળાએ ગવાતા ગીતોનું ઉદાહરણ જોઈએ,
“સવામણ સોનાની દીવી,
અધમણ રૂપાનું ચાડું,
દીવી મૂકો માંડવે હેઠે કે સજ્જનને અજવાળું...”

આ ગીત ‘સવા મણ સોનુંને અધમણ રૂપું, એની મે તો ટીલડી ઘડાવી હો રાજ..’ લોકગીતને મળતું આવે છે. આ રીતે લોકગીતોમાં બોલી,સમય કે પ્રદેશગત ભિન્નતા હોવા છતાં ઘણી સમાનતા પણ જોવા મળે છે.આ લગ્નગીતો એ નાગરી નાતમાં ગવાતા ગીતો છે જેથી વારંવાર નાગર સમાજનો ઉલ્લેખ આવે છે.

મહિપતરામની મર્યાદા એ ગણી શકાય કે તેમણે જે લોક સાહિત્યનો ઉપયોગ કર્યો છે તે ક્યાંથી મેળવ્યું તેની વિગતો તથા માહિતીદાતાઓનો ઉલ્લેખ કરતા નથી. તેમ છતાં તેઓ સુધારક યુગના સારા સર્જક ઉપરાંત સંપાદક પણ છે. તેમણે પોતાના સાહિત્યમાં તે સમયનાં લોકસાહિત્યનો સારી રીતે ઉપયોગ કર્યો છે. તેમાં ભવાઈના વેશો,લોકગીતો,લોકકથા, ઉખાણાં અને કહેવતોને સાંકળી લીધી છે.કટાક્ષ દ્વારા કે ઉપદેશ આપીને તેમણે સમાજ સુધારણાંનું મહત્વનુ કાર્ય પણ કર્યું છે.

સંદર્ભ ગ્રંથ :

  1. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ગ્રંથ-૩, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.
  2. ‘સાસુવહૂની લડાઈ’, મહિપતરામ નીલકંઠ.
  3. ‘વનરાજ ચાવડો’, મહિપતરામ નીલકંઠ.
  4. ‘સધરા જેસંગ’, મહિપતરામ નીલકંઠ.

ગોબરસિંગભાઈ રેમલિયાભાઈ રાઠવા, પી એચ.ડી શોધછાત્ર,અનુસ્નાતક ગુજરાતી વિભાગ,સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર. ૩૮૮૧૨૦