Download this page in

સેવેલું સપનું સાકાર કરવાની પ્રેરણા આપતી નવલકથા: ‘ઍલ્કેમિસ્ટ’

ઈ.સ. ૧૯૮૮માં પ્રકાશિત થયેલી નવલકથા ‘O Alquimista’ મૂળરૂપે પોર્ટુગીઝમાં લખાયેલી ‘પોલો કોએલો’ની છે. અંગ્રેજી ભાષામાં આ નવલકથા ‘The Alchemist’ નામે અનુવાદ થયો. ૨૦૦૮માં ગુજરાતી ભાષામાં આ કૃતિનો અનુવાદ ‘સુધા મહેતા’ દ્વારા થયો છે. બીજા અન્ય અનુવાદકો દ્વારા પણ ગુજરાતી ભાષામાં આ નવલકથાના અનુવાદો થયેલા છે. ‘ઍલ્કેમિસ્ટ’ એટલે ગુજરાતીમાં ‘કીમિયાગર’. ‘કીમિયાગર’ એટલે સામાન્ય ધાતુઓને સોનામાં બદલી શકવાની કળાનો જાણકાર. ૧૫૦જેટલાં પૃષ્ઠની આ નવલકથા ઓગસ્ટ ૨૦૦૮ સુધીમાં વિશ્વની ૬૭ જેટલી ભાષામાં અનુવાદ થઈ. આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર તરીકે આ કૃતિ નામના મેળવી ચુકી છે. ‘પોલો કોએલો’નાં પુસ્તકોની ૧૦ કરોડ ઉપરાંત નકલોનું વેચાણ વિશ્વભરમાં થયું છે.

ઈ.સ.૧૯૪૭માં રિયો, બ્રાઝિલ ખાતે ‘પોલો કોએલો’ જન્મેલા. બાળપણથી જ લેખન પ્રવૃત્તિમાં આગળ વધી સારા લેખક બનવાની પ્રબળ ઇચ્છા ધરાવતા. જે તેમના માતા-પિતા વિરુધ હતી. આ કાર્યમાં તેમણે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો પણ કર્યો. આમ છતાં પોલોની નિયતિને કોઇ અવરોધી શક્યું નહીં. અને આજે તે વિશ્વસ્તરના બેસ્ટસેલર બની ચૂક્યા છે. ‘The Alchemist’ તેની પ્રથમ આવૃત્તિમાં માત્ર ૯૦૦ જેટલી નકલો વેચાઈ અને ત્યાર પછી પ્રકાશકે નવી આવૃત્તિ ન કાઢવી તેવો નિર્ણય લીધો. પોલોને આ ન ગમ્યું અને તેમણે બીજા મોટા પ્રકાશનનો સંપર્ક કરી આ નવલકથાને ફરીથી સમાજ વચ્ચે મૂકી અને આ નવલકથાની પ્રતોનું એટલું વેચાણ થયું કે બ્રાઝિલના સાહિત્યના ઇતિહાસમાં એક નવો વિક્રમ સ્થપાયો. પોલો પાસેથી બીજી ઘણી કૃતિઓ પ્રાપ્ત થાય છે, જેમાં ‘The Alchemist’ ઉપરાંત ‘બાય ધી રિવર પેએડ્રા આઇ સેટ ડાઉન એન્ડ વેપ્ટ’, ‘ધી ફિફ્થ માઉન્ટ’, ‘વેરોનિકા ડીસાઇડસ ટુ ડાય’, ‘ધી ડેવિલ એન્ડ મિસ પ્રીમ’, ‘મેન્યુઅલ ઑફ ધી વેરિયર ઑફ લાઇટ’, ‘ઇલેવન મિનિટ્સ’ અને ‘ધી ઝહીર’ જેવાં પુસ્તકો પ્રાપ્ત થયાં છે. અહીં ‘The Alchemist’ની ગુજરાતીમાં અનુવાદ થયેલ આવૃત્તિની વાત કરવાનો મારો ઉપક્રમ છે.

આ નવલકથામાં કથાનાયકે સેવેલું સ્વપ્ન સાકાર કરવા માટે સ્પેન થી ઈજિપ્ત વચ્ચેની ખેડેલી સાહસિક મુસાફરીની કથા છે. આ નવલકથામાં સ્પેન, આફ્રિકા, એન્ડાલુશિયા, ટારિફા, ઈજિપ્ત, સાલેમ, ટેન્જિયર્સ, અલ-ફ્યુમ (રણદ્વીપ), અલ-કૈરમ, સહરા વગેરે દેશ અને પ્રદેશના વિસ્તારો આવે છે.

આ નવલકથાનાં પાત્રો જોઈએ તો કથાનો મૂળનાયક ‘સાન્તિયેગો’ કે જે પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે નીકળી પડ્યો છે, સાન્તિયેગોના ‘માતા-પિતા’, ઊનની લે-વેચ કરતો ‘વેપારી’, વેપારીની ‘દીકરી’, કથાનાયકે જોયેલા સ્વપ્નનો ભેદ ખોલી આપતી ‘વૃદ્ધ સ્ત્રી’, સાલેમ પ્રદેશનો રાજા ‘મેલ્ચિઝેડેક’ કે જે કથાનાયકની ખૂબ મદદ કરે છે, સાન્તિયેગો જે કાચના વાસણની દુકાને કામ કરે છે તે ‘દુકાનમાલિક’, કથાનાયકને મુસાફરી કરતી વખતે રણમાં મળેલી તેની પ્રેમિકા ‘ફાતિમા’, સાન્તિયેગોને મુસાફરી દરમિયાન રસ્તામાં મળેલ ‘અંગ્રેજ’, ‘કીમિયાગર’, ‘સરદાર’, ‘પાદરી’ વગેરે જેવાં અન્યપાત્રો આ નવલકથાને આગળ ધપાવે છે, આ સિવાય પણ બીજાં પાત્રો થોડી ક્ષણ માટે આવે છે અને નવલકથા આગળ ચાલે છે.

નવલકથાની કથાની વાત કરીએ તો સ્પેનના એન્ડાલુશિયન પ્રદેશમાં જન્મેલ ‘સાન્તિયેગો’ નામનો એક છોકરો કથાનો નાયક છે. તેની પ્રબળ ઇચ્છા પ્રવાસો કરવાની છે, પરંતુ તેનાં માતાપિતા તેને પાદરી બનાવવા ઇચ્છે છે. પરંતુ સાન્તિયેગો તેમની ઇચ્છાનો વિરોધ કરતાં કહે છે, “હું પાદરી બનવા ઇચ્છતો નથી અને પ્રવાસ કરવા ઇચ્છું છું.” (પૃ.૧૯) વળતાં જવાબમાં તેના પિતા તેને સમજાવે છે કે પ્રવાસ કરવા માટે અઢળક પૈસા જોઈએ અને જેની પાસે અઢળક પૈસા હોય તે જ પ્રવાસ કરતા હોય છે અને આપણી પાસે એટલા પૈસા નથી. તેના પિતા એમ પણ સમજાવે છે કે, “આપણામાં તો ફક્ત ભરવાડો જ એવી રઝળપાટ કરે.” (પૃ.૨૦) ભરવાડો ઘેટાંની દેખરેખ માટે ઋતુ પ્રમાણે એક સ્થળેથી બીજા સ્થળે સતત સ્થળાંતર કરતું રહેવું પડે છે. અને સાન્તિયેગો ભરવાડ બનવાનો નિર્ણય લે છે. છેવટે પિતા પુત્રની ઇચ્છા સામે નમી જઈ ને તેને કેટલાંક સિક્કા આપે છે અને સાન્તિયેગોતે સિક્કા લઈને ઘેટાંની ખરીદી માટે પ્રવાસે નીકળી પડે છે. આ પ્રવાસને બે વર્ષ જેટલો સમય થઈ જાય છે. અને એક સ્થળે તે રાતવાસો કરે છે, અને નવલકથાનો આરંભ થાય છે, ‘છોકરાનું નામ હતું સાન્તિયેગો. ઘેટાંઓને હાંકતો હાંકતો તે જયારે એક સૂમસામ અપૂજ દેવળના સ્થળે પહોંચ્યો ત્યારે સાંજ થવા આવી હતી. દેવળની છત તો કેટલાંય વર્ષોથી પડી ગયેલી જણાઈ અને તેમાંના જૂના પૂજાસ્થળે અંજીરનું એક મોટું વૃક્ષ પણ ઊગી ગયું હતું.’(પૃ.૧૫) આ અંજીરના વૃક્ષ નીચે એ સૂઇ જાય છે. ઉંઘમાં તેને એક છોકરી ઇજીપ્તના પિરામિડો સુધી લઈ જાય છે. જ્યાં ખજાનો હોય છે. જે અગાઉ પણ તેને બરાબર આ જ વૃક્ષ નીચે આવ્યું હતું.

પોતાના આ બે વર્ષની મુસાફરીમાં તે ભરવાડ તરીકેનું લગભગ બધું જ કાર્ય શીખી ગયો હતો, ઘેટાંનું પોષણ, રક્ષણ, ઊન ઉતારવું વગેરે. સાન્તિયેગો પાસે સંપત્તિ કહી શકાય એવું તો કશું હતું જ નહીં આમ છતાં એનું જેકેટ, પુસ્તક અને હંમેશા સાથે રહેતી વાઇનની બોટલ એના માટે એની સઘળી સંપત્તિ હતી. એકવાર ઘેટાંનું ઊન વેપારીને વેચતી વખતે તેની મુલાકાત વેપારીની છોકરી સાથે થાય છે, તે તેના પ્રત્યે આકર્ષાય છે. વાતચીત કરે છે. થોડા વર્ષો પછી ફરી પાછો તે જ પ્રદેશમાં આવે છે અને તે જ દેવળમાં તે વૃક્ષ નીચે જ આરામ કરે છે અને ફરીથી પાછું તે પિરામિડના ખજાનાનું સ્વપ્ન આવે છે.

સ્વપ્નને વાગોળતો સાન્તિયાગો ‘ટારિફા’ નામના એક પ્રદેશમાં રહેતી એક વૃદ્ધ સ્ત્રી પાસે તેનાં સ્વપ્નનો ભેદ ખોલવા માટે પહોંચી જાય છે. વૃદ્ધ સ્ત્રી સ્વપ્નના ઉકેલના બદલામાં ખજાનાનો દસમો ભાગ માંગે છે અને સાન્તિયેગો દસમો ભાગ આપવાનું વચન આપે છે અને વૃધ્ધા સ્વપ્નનાં ભેદમાં સાન્તિયાગોને સ્વપ્નની જગ્યાએ પહોંચવાનું અનિવાર્ય હોવાનું જણાવે છે. વૃદ્ધાની વાતને તે ગંભીરતાથી લેતો નથી અને ત્યાંથી નીકળી નગરના ચોકમાં પુસ્તક વાંચવા બેસી જાય છે.

ત્યાં એજ સમયે તેને ત્યાં મળવા એક વૃધ્ધ આવે છે જે ‘સાલેમના રાજા’ છે અને તેનું નામ ‘મેલ્ચિઝેડેક’ છે અને તેઓ સાન્તિયેગોના સ્વપ્ન અને એ અંગેની તેના મનની તમામ વાતોને જાણે છે. સાન્તિયેગોને પહેલાં તો તેના ઉપર વિશ્વાસ નથી બેસતો પણ પાછળથી સાન્તિયેગો તેના ઉપર વિશ્વાસ મુકે છે. ચોર તેને લૂંટી ન લે તેથી તે છૂપા વેશે ફરે છે. સાલેમના રાજાને સાન્તિયેગો તેના સ્વપ્નની વિસ્તારથી વાત કરે છે, રાજા તેને મદદ કરવાના બદલામાં સાન્તિયેગો પાસે તેનાં ઘેટાંઓનો દસમો ભાગ માંગે છે, સાન્તિયેગો માની જાય છે. સાન્તિયાગોની સફળતા માટે તેઓ તેને ‘યુરિમ’ અને ‘થુમિમ’ નામનાં બે રત્નો આપે છે. કાળું ‘હા’ અને સફેદ ‘ના’ માટે. “જયારે તું શુકન વાંચવામાં મૂંઝવાઈ જાય ત્યારે તે માટે આ રત્નો તને મદદ કરશે અને તેમને હંમેશાં ‘હા’ કે ‘ના’માં પ્રશ્ન કરવો.”(પૃ.૩૭) રાજાની મુલાકાતની તેના સ્વપ્નને સાકાર કરવાનો નિર્ણય વધુ દ્રઢ બને છે. વચન આપ્યા મુજબ બે ઘેટાં રાજાને આપી બાકીનાં ઘેટાં વેચીને તે પોતાના સ્વપ્નને સાકાર કરવાની સફર ખેડવા નીકળી પડે છે.

આગળ જતાં હોડી દ્વારા તે અખાતને પાર કરી આફ્રિકા પહોંચે છે. પરંતુ તેને ખબર પડી કે ઇજિપ્ત જવા માટે દુનિયાનું સૌથી મોટું માનવવસ્તી વગરનું સહરાનું રણ પાર કરવું પડશે. ત્યાં તેને એક માણસ મળે છે જે તેને આફ્રિકાનું આ રણ પાર કરાવવાનું કહે છે, સાન્તિયેગો તેના ઉપર આંધળો વિશ્વાસ મૂકી તેને બધા પૈસા આપી દે છે પરંતુ તે માણસ તેના બધા જ પૈસા લઈને ભાગી જાય છે.

આમ, છતાં નિરાશ થયા વિના સાન્તિયેગો ત્યાંના એક પ્યાલા-બરણી વાળાની દુકાને કામ કરવાનું શરૂ કરે છે. દુકાનદારને તે અઢળક રૂપિયા કમાઇ આપે છે અને થોડાં રૂપિયા પોતે લઇ ઊંટ ખરીદીને સહરાનું રણ પસાર કરનારી એક વણઝાર સાથે તે જોડાઇ જાય છે. ખૂબ ભયાવહ મુશ્કેલીઓ પાર કરી સાન્તિયેગો ‘અલ-ફયુમ’ નામના રણદ્વીપ પર જઇ પહોંચે છે. અસંખ્ય રંગબેરંગી તંબુઓથી શોભતું અલ-ફયુમ રણનું સ્વર્ગ ભાસે છે. ત્યાં તેની મુલાકાત ફાતિમા નામની છોકરી સાથે થાય છે અને તે એક બીજાને ચાહવા લાગે છે અને સાન્તિયેગો ફાતિમાને ખજાનો મેળવી તેને પોતાની સાથે લઈ જવાનું વચન આપે છે.

સાન્તિયેગોની મુલાકાત એક અંગ્રેજ સાથે પણ થાય છે તે કોઈ પણ ધાતુને સોનામાં બદલી શકાય તેવી શોધ ઘણાય વર્ષોથી કરતો હતો. અંગ્રેજ અને સાન્તિયેગો બંને પોતાના લક્ષ્ય માટે ત્યાંથી છૂટા પડે છે. આગળની સફરમાં તેની મુલાકાત બીજા લોકો જોડે થાય છે. લોકોનો સરદાર રણ પાર કરવવાના બદલે તેની પાસેથી બંને રત્નો લઈ લે છે, આગળ જતાં થોડે દૂર રહેતાં કીમિયાગરને શોધવામાં સાન્તિયેગો સફળ રહે છે અને કીમિયાગર પાસેથી તે અનેક અવનવી બાબતો શીખે છે. ક્યારેય ન જોયેલાં પારસમણી તે રૂબરૂ જુએ છે. સાન્તિયાગો-કીમિયાગર બંને રણ પસાર કરી પિરામિડો તરફ આગળ વધતાં રણમાંનાં એક પડાવનાં સૈનિકોને હાથે પકડાઇ જાય છે જયાં સાન્તિયાગોને પોતાનામાં પડેલી એવી અજાણી શક્તિઓને ઉજાગર કરવાની અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે.

રણની આ આકરી સફર પુરી થાય છે અને કીમિયાગર સાન્તિયેગોને પાદરીના ઘેર લઈ જાય છે ત્યાં કીમિયાગર પાદરીના રસોડામાં સીસામાંથી સોનું બનાવી દેખાડે છે અને તે સોનાના ચાર ભાગ પાડે છે, એક ટુકડો પાદરીને બક્ષીશ તરીકે આપે છે પોતાને આશ્રય આપ્યો એટલે બીજો સાન્તિયેગોને, ત્રીજો પોતે રાખે છે અને ચોથો ટુકડો પાદરીને છોકરાને જરૂર પડે તો તે માટે આપે છે. પછી કીમિયાગર સાન્તિયેગો તે પિરામિડ પાસે મુકીને ત્યાંથી ચાલ્યો જાય છે.

સ્વપ્નમાં છોકરીએ જે જગ્યા બતાવી હતી ત્યાં સાન્તિયેગો ખોદવાનું ચાલુ કરે છે ખૂબ ઊંડે સુધી ખોદે છે પરતું કશું જ મળતું નથી. એટલામાં તેની પાસે લડાઈમાંથી આવેલા શરણાગતો તેને ખાડો ખોદતા જોઈ વિચારે છે કે તે અહીંયા કશુંક છુપાવી રહ્યો છે. સાન્તિયેગોની પાસેથી તેમને એક સોનાનો ટુકડો મળે છે જે કીમિયાગરે આપ્યો હતો, આ ટુકડો જોતાં તેમને લાગે છે કે તે અહિંયા સોનું છુપાવી રહ્યો છે. તે લોકો સાન્તિયેગોને મારે છે. સાન્તિયેગો જણાવે છે કે તે અહીંયા ખજાનાની શોધમાં આવ્યો છે. પરતું તે સાન્તિયેગો ઉપર વિશ્વાસ નથી કરતાં અને તેને છોડીને જતાં પહેલાં તેમનો સરદાર સાન્તિયેગોને એક શિખામણ આપે છે, “તું મરી નહીં જાય. તું જીવશે અને શીખશે કે માણસે આટલા મૂર્ખ ન બનવું જોઈએ. બે વર્ષ પહેલાં આ જ સ્થળે, બરાબર અહીં જ મને પણ એક સ્વપ્નું વારંવાર આવતું. મને તેમાં થતું કે મારે સ્પેનના મેદાનોમાં જવું, તેમાં એક ખંડેર થયેલું દેવળ શોધવું, જ્યાં ભરવાડો અને તેનાં ઘેટાં રાતવાસો કરે છે. મારા સ્વપ્નમાં ચર્ચના કેન્દ્રમાં એક અંજીરનું વૃક્ષ ઊગ્યું હતું. જો એનાં મૂળિયાં હું ખોદું તો મને છૂપો ખજાનો મળશે, પણ હું કંઈ એવો મૂર્ખ નથી કે આખુંય રણ પસાર કરીને માત્ર એક વારંવાર આવતા સ્વપ્નની પાછળ દોટ મૂકું.” (પૃ.૧૪૮) આટલું કહી તે લોકો ત્યાંથી જતા રહે છે. તે ધીમેધીમે ઉભો થાય છે, તેની ખુશીનો કોઈ પાર ન હતો કારણ કે હવે તે જાણતો હતો કે ખજાનો ક્યાં છે, તેની પાસે સોનાનો ટુકડો પણ છે, જેના દ્વારા તે પાછો સ્પેન જઈ શકશે. અને પોતે બધાંને આપેલાં વચનો હવે પૂર્ણ કરી શકશે.

આમ નવલકથા પૂર્ણ થાય છે, પોતે સેવેલા એક ખજાનાના સુધી પહોંચવાના સપનાને કથાનો નાયક કે જેની મુસાફરીમાં અઢળક મુશ્કેલીઓ આવે છે અને તે તેનો સામનો કરીને પણ ખજાના સુધી પહોંચવામાં સફળ થાય છે ને સેવેલું સપનું સાકાર કરે છે. આ નવલકથાના શીર્ષક નીચે એક ‘પંચલાઇન’ લખેલી છે કે, ‘સેવેલું સપનું સાકાર કરવાની પ્રેરણાત્મક કથા.’ આ વાક્ય ઉપરથી જ આપણે આ નવલકથાનું શું કહેવું છે તેનું અનુમાન લગાવી શકીએ.

સંદર્ભ પુસ્તક:

  1. એલ્કેમિસ્ટ, મૂળ લેખક:પોલો કોએલો, અનુ: સુધા મહેતા, પુનર્મુદ્રણ: ડીસે.૨૦૧૮, આર.આર. શેઠ એન્ડ કંપની પ્રા.લિ. મુંબઈ, કિંમત: ૧૬૦રૂ.

પ્રજાપતિ હાર્દિકકુમાર રૂપાભાઈ, અનુસ્નાતક, ગુજરાતી વિભાગ, શ્રી અને શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટ્સ કૉલેજ, પાટણ. મો: ૮૧૪૧૧૨૫૧૪૦ hardikkumar672@gmail.com