Download this page in

ધ્વજભંગ : મનોરચનાની રૂપકાત્મક અભિવ્યક્તિ કરતી વાર્તા

ભૂમિકા:

‘એક ખાલી નાવ’(૧૯૮૪)માં હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય’નાં કાવ્યો સંગ્રહિત છે અને ‘ગુજરતી કાવ્યચયન:૧૯૯૧’(૧૯૯૨)માં બીજા કેટલાક કાવ્યોનું સંપાદન જોવા મળે છે. તેમ છતાં પોતાના અનુભવો, લાગણીઓ અને મહેચ્છાઓને કાવ્યરૂપે અભિવ્યક્ત ન કરી શક્યા તે દરેક અનુભવો, લાગણીઓ અને મહેચ્છાઓને અભિવ્યક્ત કરવા તેમણે ગદ્ય-સ્વરૂપને પસંદ કર્યું અને તેમાં વિશેષ રૂપે ટૂંકીવાર્તાનાં માધ્યમને પસંદ કર્યું. ‘પ્રાસન્નેય’નો એક માત્ર વાર્તાસંગ્રહ તે ‘જાળિયું’ છે. જેમાં સોનું(ગદ્યપર્વ:૧૯૮૮), જળો(વિ:૧૯૯૦), સાહેબ(ઓળખ:૧૯૯૦), જાળિયું(ગદ્યપર્વ:૧૯૯૦), ધ્વજભંગ(દસમો દાયકો:૧૯૯૧), પરુ(ગદ્યપર્વ:૧૯૯૨), અપૈયો(નવનીત-સમર્પણ:૧૯૯૨), નિયતિ(પરબ:૧૯૯૪), આઢ(વિ:૧૯૯૩), કમળપૂજા(નયામાર્ગ:૧૯૯૦) જેવી વાર્તાઓનો સમાવેશ કર્યો છે. આ દસે વાર્તાઓ ઇ.સ.૧૯૮૮થી ૧૯૯૩સુધીમાં વિવિધ સામયિકો (ગદ્યપર્વ, વિ, નવનીત-સમર્પણ, પરબ, નયામાર્ગ, ઓળખ)માં પ્રકાશિત થઈ અને અંતે ઇ.સ.૧૯૯૪માં ‘જાળિયું’ નામે વાર્તાસંગ્રહમાં પ્રકાશિત કરે છે.

ભોળાભાઈ પટેલે ‘જાળિયું’ની બધી વાર્તાઓ વિશે પ્રસ્તાવનામાં લખ્યું છે. પરંતુ તેમાં ‘ધ્વજભંગ’ વાર્તા વિશે ચર્ચા કરી નથી. તેથી મેં અહીં ‘ધ્વજભંગ’ વાર્તાને મૂલવવાનો ઉપક્રમ રાખ્યો છે.

ધ્વજભંગ :

આ વાર્તામાં મુખ્ય નાયક રસિકલાલ છે. જેની આસપાસ આખી વાર્તાનું બંધારણ બંધાયું છે. વાર્તાનો આરંભ રસિકલાલનાં પોતાના ખંડમાં આવીને બેસવાથી થાય છે અને પોતાના પુત્ર મનોહરને પંખો ચાલુ કરવા કહે છે. રસિકલાલ ટોપી ઉતારીને બાજુ પર મુકે છે અને સામે પડેલી ટીપોઈ પર પગ લંબાવી ફેલાઈને બેસે છે. પોતે પહેરેલા ધોતિયાંથી પરસેવો લૂછે છે અને લૂછવામાં એટલો આનંદ પ્રાપ્ત થાય છે કે, પોતાની ટાલને વધારે ઘસી ઘસીને લૂછે છે. તેટલામાં રસિકલાલની પત્ની કાન્તા રસોડામાં રહેલા વંદાને મારવા માટે સાવરણી લેવા બહાર આવે છે. ત્યારે રસિકલાલની આ ક્રિયા જોઈને કાન્તા ધોતિયું નીચે મુકવા બૂમ પાડે છે, “ઝાડની ડાળી પડે તેમ રસિકલાલનો હાથ ધોતિયાંનાં છેડાં સોતો સોફાપર પડ્યો”(પૃ.૩૦) અને રસિકલાલ ભૂતકાળમાં સરી પડે છે. પોતે જે સોસાયટી મીટિંગમાં ગયા હતા તેની ક્ષણોને યાદ કરે છે. જેમાં પોતાને ખૂબ માનપાન મળ્યું અને બધાનાં અતિઆગ્રહથી તે સોસાયટીના પ્રમુખ બને છે. જો પ્રમુખ ન બને તો પોતાના પડોશી અને સહકર્મી નવીનને પ્રમુખ બનાવવામાં આવત અને રસિકલાલને તે પસંદ ન હતું. અહીં વાર્તાકારે બતાવ્યું કે, જયારે પોતાનો પડોશી, સહકર્મી કે મિત્ર પોતાનાથી આગળ નીકળી જાય અથવા તો આગળ નીકળવાનો હોય ત્યારે વ્યક્તિને કેવી ઈર્ષા અને અદેખાઈ ભાવ જન્મે છે, જેના પરિણામે અહંપણાનો ભાવ જાગે છે.

વાર્તાકાર ફરી વાર્તાને ભૂતકાળની ઘટનામાં લઇ જાય છે. જેમાં નવીન અને રસિકલાલ મિત્રો છે. બંને એક જ મિલમાં રહે છે અને એક જ ચાલમાં રહે છે. મિલ બંધ થતા નવીન કડિયાકામનું શીખી ગયો ને કોન્ટ્રાકટરનું કામ કરે છે. જયારે રસિકલાલ હિસાબ-કિતાબનું કરતો અને ચાર-પાંચ પેઢીનું નામું લખતો. આમ બંનેએ જુદા જુદા રસ્તા પકડ્યા પરંતુ રહેવાનું તો એક જ સોસાયટીમાં થયું. વાર્તા વર્તમાનમાં આવે છે. રસિકલાલ પ્રમુખ બન્યા બાદ હવે કેવા કેવા કામો કરશે તે કાન્તાને જણાવે છે. પરંતુ કાન્તા તેને ગણકારતી નથી અને રસિકલાલનાં પ્રમુખપદનાં નિર્ણયને ઘેલસાગરાપણું ગણાવે છે. આખી વાર્તામાં કાન્તા નવીન પ્રત્યે લાગણીભાવ રાખે અને પતિ રસીકલાલને હડધૂત કરતી રહે છે.આવું કેમ થાય છે તે બતાવવા માટે વાર્તાકાર ફરી ભૂતકાળમાં વાર્તાને લઇ જાય છે. કાન્તા પરણીને આવી ત્યારથી વાર્તા આગળ ચાલે છે. “શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું, પણ પછી કાન્તાનો સ્વભાવ ચીડિયો થઈ ગયો.”(પૃ.૩૩) કાન્તાના ચીડિયાપણાનું કારણ બતાવતા વાર્તાકાર લખે છે કે, “જાત આખી વલોવાતી હોય, છેક મૂળમાંથી જીવ લબલબ થતો હોય ને આ રસિકલાલ નસકોરા બોલાવતા. કાન્તા રાત આખી પગને આંટી મારી, અંદર અંદર વલખા મારતી, છત સામે આંખો ફાડીને સૂકા લાકડાની જેમ પડી રહે. આખા શરીરે ખાલી ચડી જાય ત્યારે એનાથી ન રહેવાય. રસિકલાલની છાતીનાં બધા વાળ ખેંચી કાઢવાનું એને મન થઈ જાતું. પણ પછી તે વહાલથી એમના જમણા પગના અંગૂઠા સાથે રમત કર્યા કરતી...(પૃ.૩૩) આખી વાર્તાનું સૌંદર્યસ્થાન આ વર્ણનમાં આપણને જોવા મળે છે. સારા વાર્તાકાર પ્રમાણે હર્ષદ ત્રિવેદીએ કાન્તાની ક્રિયાઓ દ્વારા જે કહેવું છે તે સાંકેતિક રૂપે કહી દીધું.

મનોહર, કાન્તા અને રસિકલાલનો પુત્ર છે. તેને લશ્કરમાં ભરતી થવાનો ભારે શોખ. એક વખત ગામમાં લશ્કરની ભરતી આવે છે. પરંતુ તેમાં મનોહરની ભરતી થતી નથી. આ ઘટનાથી મનોહર આંખો દિવસ ગુસ્સામાં ફરતો.(એના ગુસ્સાનું કારણ તો કઈક બીજું જ છે. વાર્તા ફરી ભૂતકાળમાં ચાલે છે. રસિકલાલ પોતાની જ મિલમાં રાતપાળીની દિવસપાળી ન કરી શક્યો. તેના કારણે તે કાન્તા સાથે રાત વિતાવી શકતો નથી. પરંતુ નવીને તો મેનેજરને કહી જ દીધું કે, “આપણને તો રાત બહાર રહેવું પાલવે જ નહીં, જોવે એટલે જોવે જ!...(પૃ.૩૫) એટલે કે રાતે પત્ની સાથે સમય વિતાવવા જોઈએ જ, પત્નીના સહવાસ વિના ચાલે જ નહીં. કારણ કે પરણીને આવી ત્યારની કાન્તા અને અત્યારે જે કાન્તા છે તેમાં અતૃપ્તિ વધતી ગઈ. જેથી વાતે-વાતે કાન્તા રસિકલાલને ઉતારી પાડતી. મનોહરને નવીન પોતાની સાથે કોન્ટ્રાકટરનાં કામમાં રાખી લે છે. તે વખતે પણ કાન્તા રસિકલાલને કહે છે, “પારકા પનોતાં થાય ઈ કરતા ઘરનો જણ શું ખોટો ? બાકી તમારું મોઢું જોઇને કોઈ ટીલુંય ન કરે !(પૃ.૩૬)

મનોહર લશ્કરની ભરતીમાં જાય છે ત્યારે લશ્કરના અધિકારી તેના પિતાનું નામ પૂછે છે અને ત્યારે પાછળ ઊભેલા જગાએ કંઈક કીધું એટલામાં મનોહરે જગાને માર માર્યો અને ગુસ્સામાં ઘરે આવતો રહ્યો. વાર્તાકારે અહીં ‘?’(પ્રશ્નાર્થચિહ્ન) કરીને તેનો અર્થ સાંકેતિક રીતે ભાવક ઉપર છોડી દીધો છે. વાર્તા અંતે જયારે નવીન રસિકલાલનાં ઘરે ગયો ત્યારે તે બહાર ઊભો ઊભો કાન્તા સાથે વાત કરતો હોય છે. ત્યારે કાન્તા નવીનનો આભાર માનતા કહે છે, “સારુ થયું કંત્રાટી તમે મનોહરને તમારી ભેળો લઇ લીધો. તે હવે...પાટે ચડશે...!(પૃ.૩૫). ત્યારે નવીન ઉત્તર આપતા કહે છે, “કાતુંડી...તું ય તે શું ભૂંડી ! આવી વાત કરાય ? ગમે તેમ તોય...”(પૃ.૩૫). વાર્તાકાર અહીં પણ ભાવક પર તેનો અર્થ છોડે છે. ગમે તેમ તોય મારો જ દીકારોને. મનોહર ખરેખર તો કાન્તા અને નવીનનો દીકરો છે. આ વાતની ખબર છોકરાઓને પણ છે. પરંતુ રસિકલાલને નથી. તેટલામાં ત્યાં રસિકલાલ આવે છે અને કાન્તાના પડખે થોંડા ઘસાયને અંદર પ્રવેશે છે ત્યાં બારણાંનાં આગળીયમાં એમનું ધોતિયું ભરાયું..ને ચરર અવાજ સાથે ફાટી ગયુ. વાર્તા આરંભે જે ધોતિયું ઊચું કરીને પરસેવો લૂછતા તે જ વાર્તા અંતે ધ્વસ્ત થાય છે. એક ઉત્તમ રૂપક તરીકે ધોતિયાંને ધ્વજ તરીકે પ્રાયોજે છે. વાર્તાનું શીર્ષક ‘ધ્વજભંગ’ આપણને અહીં ધ્વનિત થાય છે. “શેઠ વાગ્યું તો નથી ને !” ઉદ્દગાર સાથે વાર્તા પૂર્ણ થાય છે.

તારણો:

વાર્તાના કેન્દ્રસ્થાને રસિકલાલ છે. પરંતુ સાથે સાથે વાર્તાકારે અણધારી રીતે કાન્તાની અતૃપ્ત ઈચ્છાઓનું પણ સાંકેતિક રીતે વર્ણન કર્યું છે. અતૃપ્ત ઈચ્છાઓને વાર્તાકારે ક્યાંક ભૂતકાળના કોઈ પ્રસંગ દ્વારા તો ક્યાંક કાન્તાની ક્રિયાઓ અને તેના ઉદ્દગારોનાં વર્ણનમાં વ્યકત કર્યું છે.-“ભમરડા ફરતી જાળીને બરોબર કચકચાવીને વિટાળે, આપણને થાયે ખરું કે હમણાં ધમધમાવશેને હંમમ કરતો ભમરડો જમીન પર થિર ! પણ એ તો ભમરડા ભેળી જાળીએ નાખી દે ઈ માંયલા !”(પૃ.૩૩) આ રીતે વાર્તાકારે વાર્તામાં રૂપકનો પણ વિનિયોગ કર્યો.

વાર્તામાં પ્રયોજાયેલી ભાષા તળપદી-ગામઠી છે અને સાથે શહેરી ભાષાનો પણ વિનિયોગ કર્યો છે. પાંહે, ભૈશા’બ, પચ્ચી, વરહ-ગામઠી શબ્દો અને ઘેલસાગરાપણું-શહેરી શબ્દ. સાથે સાથે ‘નથી’ અને ‘અ’ જેવા પ્રત્યયોને પણ તળપદી ભાષમાં ‘નથ્ય’ અને ‘ઈ’ રીતે પ્રયોજે છે.

વાર્તાકારે આખી વાર્તાને વર્તમાનની ઘટના સાથે બીજી ભૂતકાળની ઘટનાને મુકીને વાર્તાની સન્નિધિ યોજી છે. જે વાર્તાને સાંકેતિક રૂપમાં રજૂ કરવામાં ખૂબ મહત્ત્વનું બન્યું છે. વાર્તાનો આરંભ વર્તમાનમાં થાય છે અને આગળ વધતા ભૂતકાળ-વર્તમાન-ભૂતકાળ અને વર્તમાનમાં વાર્તા પૂર્ણ થાય છે, એટલે કે કાળસંક્રતીની(Bifocal) પ્રયુક્તિનો વિનિયોગ વાર્તાકારે કર્યો છે. સન્નિધિ યોજના અને કાળસંક્રાંતિની યુક્તિ આ વાર્તાને પાત્રોના મનોગતને સારી રીતે અવગત કરાવે છે.

સંદર્ભ:

  1. જાળિયું (૧૯૯૪), ત્રિવેદી હર્ષદ, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ.

દેસાઈ કુલદીપ વી., એમ.ફિલ., ગુજરાતી વિભાગ, સરદાર પટેલ વિશ્વવિદ્યાલય, વલ્લભ વિદ્યાનગર, મો.:૯૫૮૬૯૮૯૫૭૮ k.desai107@gmail.com