Download this page in

બંગલા લોકસાહિત્યમાં રવીન્દ્રનાથ ટાગોરની ભૂમિકા

રવીન્દ્રનાથ ટાગોર એ એશિયામાં પહેલા સાહિત્યકાર હશે કે જેમણે ઇ.સ.૧૯૧૩માં કાવ્યસંગ્રહ ‘ગીતાંજલી’ માટે નોબલ પરિતોષિક મળ્યું હોય.તેઓ સાહિત્યકારની સાથે સાથે ચિત્રકાર,ફિલસૂફ તેમજ સંગીતજ્ઞ પણ હતા. સાહિત્યમાં તેમણે કવિતા, નવલિકા, નવલકથા, નાટક, નિબંધ, અનુવાદ, વિવેચન, બાળજોડકણાં, લોકસાહિત્ય અને અન્ય ગદ્યસૃષ્ટિક્ષેત્રેનું સાહિત્યસર્જન કરેલું છે. રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ ઇ.સ.૧૮૬૧ ૭, મેના દિવસે પિતા દેવેન્દ્રનાથ અને માતા શારદામણીદેવીના ચૌદમાં સંતાન તરીકે કલકતાના પૈતૃક આવાસ જોડાસાંકોમાં પીરાલી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે આઠ વર્ષની ઉમરે તેમના ભાણેજ શ્રી જ્યોતિ પ્રકાશે તેમણે પોતાના ઓરડામાં બોલાવી ચૌદ અક્ષરના પયાર છંદની રચના સમજાવી અને કવિતા લખવાનું કહ્યું હતું અને એ સમયમાં પહેલી વહેલી કવિતા લખેલી. પણ કવિતામાં ખરી સફળતા તો તેમને ઇ.સ.૧૮૮૩માં ‘પ્રભાતસંગીત’ દ્વારા. 9મી ડિસેમ્બરે મૃણાલિની દેવી સાથે લગ્ન. ઇ.સ. ૧૮૯૧ શાંતિનિકેતન મંદિરની રચના કરી હતી.

સૌપ્રથમ બંગલા લોકસાહિત્યમાં સંગ્રહ અને વિશ્લેષણ રવીન્દ્રનાથ ટાગોરે કરેલું. એમના ‘છડા’ (બાળજોડકણાં, ગ્રામ્યજોડકણાં તથા બાળક્રીડાજોડકણાં ) નો સંગ્રહ લોકસાહિત્યના રૂપમાં કર્યો અને વિષાદ સાહિત્યિક વિશ્લેષણ પણ કર્યું. આવા અઘરા કાર્યને પણ પોતાના કર્તવ્યથી સ્વીકાર કર્યો. એમનું સાહિત્યિક વિશ્લેષણ ઘણું વિશિષ્ટ અને ઝીણવટપૂર્વકનું છે. તેમણે આ સંદર્ભમાં એક ગ્રંથ લખ્યો છે. ‘લોક સાહિત્ય’ વિશ્વભારતી ગ્રંથ વિભાગ, કલક્તા દ્વારા ઇ.સ. ૧૯૦૭માં પ્રકાશિત કર્યો. લોક સાહિત્ય પુસ્તકમાં ૧. ઘેલે ભૂલાનો છડા, ૨. છેલે ભૂલાનો છડા, ૩.કવિ સંગીત અને ૪. ગ્રામ્ય સાહિત્ય. એમ ચાર વિભાગ દ્વારા બંગલા લોક સાહિત્યની ચર્ચા કરી છે. ઘેલે ભૂલાનો છડા એટલે બાળકની માતાના મુખે ગવાતા જોડકણાં, બાળકની પાલનહાર માતા દ્વારા ગવાતા જોડકણાં અથવા તો વૃદ્ધસ્ત્રી પાસેથી ગવાતા જોડકણાં. એટલા માટે આમાં શરીર અને આત્મામાં પ્રૌઢ વૃદ્ધિની અસર હોય છે. આનો અર્થ બાળક નથી સમજતા પણ માતાના મુખ દ્વારા જે જોડકણાં સાંભળે છે તેના દ્વારા બાળક આનંદીત થઈ ઊઠે છે. બંગાળમાં બાળકને મનાવવા માટે સ્ત્રી દ્વારા ગવાતા બાળજોડકણાં પ્રચલિત છે. આ જોડકણાં સ્ત્રીઓ બાળકને મનાવવા માટે ઉપયોગ કરતી. આમાં બંગલાભાષા અને સમાજનો ઇતિહાસ નિરૂપાયેલો હોય છે. પરંતુ તેમાં એક સ્વાભાવિક કાવ્યરસ છે એ મને વધારે પડતો આદરણીય લાગે છે. બાળકને મનાવવા માટેના બાળજોડકણાંમાં જે રસાસ્વાદ છે તે હું બાળપણના સ્મરણમાંથી અલગ કરવો મારા માટે અસંભવ છે. આજના લેખકોમાં એ શક્તિ નથી કે આ બાળગીતોનું માધુર્ય કેટલું પોતાના સ્મરણમાં અને કેટલું સાહિત્યના ચિરસ્થાયી આદર્શ પર નિર્ભર છે. તેનો નિર્ણય કરવા માટે જોઈતી વિશ્લેષણ શક્તિ આ લેખકમાં નથી એ વાત પહેલેથી કબૂલ કરી લેવી સારી. ‘વૃષ્ટિ પડે ટાપુર-ટુપુર નદી એલો બાન’ આ જોડકણાં મારા માટે મોહમંત્ર સમાન છે. આ મોહને આજે પણ હું ભૂલી શક્યો નથી. આવી રીતે ન દેખાવાથી ‘છડા’ વિશેનું માધુર્ય અને ઉપયોગીતાને આપણે સમજી શકતા નથી. આ બધા ‘છેડોં’ (બાળગીતો) માં દીર્ધકાલીન છે. આ બાળગીતો કોણે ક્યારે લખ્યા, કોઈ જાણતું નથી અને એવો પ્રશ્ન કોઈના મનમાં આવતો નથી. આ છડામાં દીર્ધકાલીન ગુણ હોવાના કારણે આજે એની રચના થાય કે સો વર્ષ પહેલા થઈ હોય તો પણ નવી લાગે છે. વૃદ્ધ માનસમાં જે કઈ નવું પરિવર્તન થાય પરંતુ હજાર વર્ષ પહેલા જેવું બાળક હતું તેવું આજે પણ છે. છતા પણ બાળજોડકણાં માણસના મનમાં સ્વયં જન્મે છે.

યમુનાવતી સરસ્વતી કાલ યમુનાર બિયે / યમુના યાબેન શ્વશુરબાડિ કાજિતલા દિયે. / કાજિ-ફૂલ કુડતે પેયે ગેલુમ માલ, / હાત-ઝુમઝુમ પા-ઝુમઝુમ સીતારામેર ખેલા, / નાચો તો સીતારામ કોક્રાલ બેંકિયે, / આલો ચાલ દેબ ટાપાલ ભરિયે ! / આલો ચાલ ખેતે ખેતે ગલા હલ કાઠ, / હેથાય તો જલ નેઈ ત્રિપૂર્ણિર ઘાટ. / ત્રિપૂર્ણિર ઘાટે દુટો માછ ભેસે છે, / એકટિ નિલેન ગુરુઠાકુર એકટિ નિલેન કે, / તાર બોન કે બિયે કરિ ઓડફૂલ દિયે. / ઓડફૂલ કુડતે હયે ગેલ બેલા, / તાર બોનકે બિયે કરિ ઠિક દુક્ષુર બેલા.

યમુનાવતી સરસ્વતી ગમે તે હોય, આવતી કાલે એના શુભવિવાહ છે એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ જોવામાં આવે છે, હા, વિવાહ પછી યોગ્ય સમયે કજિતલા થઈને તેને શ્વશુરના ઘરે જવું પડશે એ વાત અત્યારે ન કાઢી હોત તો પણ ચાલત.ગમે તેમ, પણ એ વાત છેક અપ્રાસંગિક નથી લાગતી. પરંતુ વિવાહની કોઈ દોડાદોડી કે એને માટે કોઈને લેશમાત્ર પણ ઉચાટ હોય એવું કશું જણાતું નથી.જોડકાણાંનું રાજ્ય એવું રાજ્ય નથી ! ત્યાં તમામ વ્યાપારીઓ એવા અનાયાશે બને છે અને એવા અનાયાશે નથી પણ બંતા કે કોઈને યે કશા માટે જારી પાણ ચિંતાગ્રસી કે વ્યગ્ર થવું પડતું નથી. એટલે આવતી કાલે શ્રીમતી યમુનાવતીનું લગ્નદિન નક્કી થયેલૂ હોવા છતા એ ઘટનાને જરા પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી.તો પછી એ વાતથી જ શરૂઆત કેમ કરવામાં આવી એનો જવાબ આપવાની યે કોઈને ચિંતા નથી. કાજિફૂલ એટલે કયું ફૂલ એ હું શહેરીજન નક્કી કરીને કહી શકતો નથી, પરંતુ હું એટલું તો સ્પષ્ટ અનુમાન કરું છુ કે યમુનાવતી નામે કન્યાના નિરધારેલા લગ્નની સાથે આ પુષ્પ સંગ્રહને કોઈ સંબંધ નથી અને અચાનક અધવચાળે સીતારામે હાથના કંકણ અને પગના નુપૂર ઝમઝમ કરીને નૃત્યનો કેમ આરંભ કરી દીધો. તેનો કઇ પણ બિંદુવિસર્ગ જેટલું કારણ આપણે દેખાડી શકવાના નથી. આલોછાલનું પ્રલોભન એક મસ્ત કારણ હોય શકે છે, પરંતુ એ જ કારણ આપણને સીતારામના આકસ્મિક નૃત્યથી ભોળવીને એકદમ ત્રિપુર્ણિના ઘાટ પર લાવી મૂકે છે. એ ઘાટ પર બે માછલીઓ તરી આવે તેમાં કઈ નવાઈ પામવા જેવુ તો નથી. પરંતુ વધારે નવાઈની વાત તો આ છે ; બે માછલીઓમાંની એક માછલી જે માણસ લઈ ગયો છે તેનો કઈ હેતુ નહીં સમજવા છતાં યે આપણાં દ્રઢપ્રતિજ્ઞ રચિતા શા માટે તેની જ બહેનને પરણવા માટે ઓચિંતાનો નિર્ણય કરી બેસે છે, વળી પ્રચલિત લગ્નપ્રથાની સંપુર્ણ ઉપેક્ષા કરીને એકમાત્ર ઓડફૂલ ચૂંટી ભેગા કરવામાં શુભ કર્મની પૂરી તૈયારીઓ થઈ ગઈ એમ સમજે છે, અને લગ્નનું મુહૂર્ત એ નક્કી કરે છે તે પણ નુતન કે પુરાતન કોઈ પણ પંચકારના અભિપ્રાય પ્રમાણે શ્રેષ્ઠ નથી? આ જોડકણામાં પરસ્પર મેળ નથી પણ ચિત્ર ઉપસી આવે છે જેમ કે, કાજિતલા, ત્રિપૂર્ણિનો ઘાટ અને ઓડવાનની ઘટનાઓ સ્વપ્નના જેવી અદ્ભુત છે અને સ્વપ્નના જેવી સત્યવત છે.

વૃષ્ટિ પડે ટાપુર ટુપુર નદી એલ બાન, / શિબુ ઠાકુરેર બિયે હલ તિન કન્યા દાન ! / એક કન્યે રાહધેન ભાડેન, એક કન્યે ખાન, / એક કન્યે નાખેયે બાપેર બાડિ યાન !

રવિન્દ્રનાથ ટાગોર જ્યારે આ જોડકણું સાંભળે છે ત્યારે તેઓ નીચે મુજબ રજૂઆત કરે છે. તેઓ કહે છે કે, આજે આ ઉમરે જોડકણું સાંભળતાવેંત મનમાં પહેલો એ જ વિચાર આવે છે કે શિબુ ઠાકુર જે ત્રણ કન્યાઓને પરણ્યા છે તેમાં વચલી કન્યા જ સૌથી વધારે બુદ્ધિશાળી છે. પરંતુ એક વય હતી જ્યારે આટલી ચરિત્ર વિશ્લેષણની શક્તિ નહોતી . ત્યારે આ ચાર લીટીઓ મારી બલ્યવસ્થાના મેઘદૂત જેવી હતી. મારા માનસપટમાં તે વખતે ઘનઘોર વાદળમાંથી છવાયેલો ચોમાસનો દિવસ અને ધસમસતા પૂરવાળી નદી મૂર્તિમાન થઈ જતી, તે પછી હું એ નદીના કિનારે રેતીના ભાઠામાં સઢવાળી હોળીઓ બાંધેલી જોતો અને શિબુ ઠાકુરની નવપરણિત વધુઓ ને ભાઠામાં ઉતરી રસોઈ-પાણી કરતી જોતો. શિબુ ઠાકૂરનું ખૂબ સુખમય જીવન જોઈ મનમાં ઈર્ષા પેદા થતી એટલું જ નહીં, ત્રીજી વહુ રાણી મર્માન્તિક ગુસ્સો કરી બાપના ઘર ભણી લાંબા ડગલાં ભરી ચાલી નીકળી છે એ જોઈને પણ મારા આ સુખચિત્રને જરીકે આંચ આવતી નહીં. શિબુ ઠાકુર શું કોઈ કાળે થયો હશે તેવો પ્રશ્ન મનમાં આવતો , કદાચ એ નામની વ્યક્તિ હશે, કદાચ બીજા કોઈ જોડકણામાં આવો બીજો કોઈ ટુકડો હાથ પણ લાગે ખરો.

એ પાર ગંગા, ઓ પાર ગંગા, મધ્યેખાને ચર, / તારી મધ્યે બસે આછે શિવ સદાગર! / શિવ ગેલ શ્વસુરબાડિ બસતે દિલ પિડે, / જલુપાન કરિતે દિલ શાલિધાનેર ચિંડે ! / શાલિધાનેર ચિંડે નય રે, બિન્નિધાનેર ખઈ, / મોટા મોટા સબરિ કલા, કાગમારે દઈ !

અહીં ભાવઢંગ જોઈને વહેમ પડે છે કે શિબુ ઠાકુર અને શિબુ સોદાગર બંને એક હશે. દાંપત્ય બાબતમાં બન્નેયને જરા વિશેષ શોખ છે એમ મને લાગે છે કે આહાર બાબતમાં પણ એવું જ છે. વળી ગંગાની વચમાં જે જગ્યા પસંદ કરવામાં આવી છે. તે પણ નવપરણિતના પ્રથમ પ્રણય માટે બહુજ યોગ્ય સ્થળ છે. અહીં ધ્યાનથી જોવામાં આવે તો શિબુ સોદાગર જલપાનની જગ્યાએ શાલિધાનના પૌવાનો ઉલ્લેખ કરે છે પરંતુ બીજી જ ક્ષણે “ શાલિધાનેર ચિડે નય રે બિન્નધાનેર ખઈ! ” તેમ છતા આ સુધારા દ્વારા વર્ણવેલ ફલાહારની ખૂબ મોટી ધામધૂમ થઈ છે, અને જમાઈના આદર સત્કાર બાબતમાં શ્વશુરગૃહનું ગૌરવ ખૂબ ઉજ્જવળ સ્વરૂપ પરિષ્કૃત થયું છે. મને લાગે છે કે આ પણ સ્વપ્ન જેવુ છે. કે શાલિધાનના પૌવા જોતજોતામાં બીજી પણે બિન્નિધાનની ખઈ બની ગયા છે. મને લાગે છે કે શિબુ ઠાકુર પણ ક્યારે આવી રીતે શિબુ સોદાગર રૂપે પરણિત થઈ ગયા છે તે કોઈ કહી શકે તેમ નથી. નીચે ઉતરેલા જોડકણાંમાં અસંલગ્ન ચિત્રો જાણે પંખીના ટોળાંની પેઠે ઊડી ચાલ્યા છે. એમાંના પ્રત્યેકની સ્વતંત્ર દ્રુતગતિથી બાળકનું ચિત્ત ઉપરાઉપરી નવો નવો આઘાત પામી વિચલિત થતું રહે છે.

સીતાનાથ બલે રે ભાઈ ચાલ કડાઈ ખાબ ! / ચાલ કડાઈ ખેતે ખેતે ગલા હલ કાઠ, / હેથા હોથા, જળ પાબ ચિત્પૂરેર માઠ!

આ જોડકણામાં કોઈપણ ચિત્ર આપણને પકડી રાખતું નથી, અને આપણે પણ કોઈ ચિત્રને પકડી રાખી શકતા નથી. ચોટલી વાળા નુતન પારેવા, મોટા સાહેબ ની બીબીઓ નહાવા આવે છે, બે કિનારે તરતી રૂઈ કાત્લા માછલીઓ, સામા કિનારે સ્નાન કરતી બે છોકરીઓ, દાદાના વિવાહ, મેઘધનુષ્યના વાદ્ય સાથે સીતાનાથની રમત અને બપોરના તડકામાં તપેલી રેતીવાળા મેદાનમાં પ્રખર તાપથી ક્લિષ્ટ અને લોહીના ટશિયા ફૂટી આવ્યા છે એવું મોં- આ બધુય સ્વપ્ન જેવુ છે, પેલા કિનારે જે બે છોકરીઓ નાહવા બેઠી છે અને બેઉ હાથની ચૂડીઓનો ખણખણ અવાજ કરી વાળ ખંખેરી રહી છે, તેઓ ચિત્રના હિસાબે પ્રત્યક્ષ સત્ય છે. પરંતુ પ્રાસંગિકતાના હિસાબે અદ્ભુત સત્ય છે.

ઓ પારે જન્તિ ગાછટિ જન્તિ બડ ફલે, / ગો જન્તિર માથા ખેયે પ્રાણ કેમન કરે! / પ્રાણ કરે હાઈં ટાઈ ગલા હલ કાઠ, / કતક્ષણે યાબ રે ભાઈ હરગૌરીર માઠ. / હરગૌરીર માઠે રે ભાઈ પાકા પાકા પાન ,

સામે પાર નાના જયંતિ ઝાડ ને ઢગલે ઢગલા જયંતિ ફળ- જયંતિનું માથું ખાઈને જીવ ગભરાય છે, જીવ તરફડે છે, ગળું સુકાઈને લાકડું થાય જાય છે. ભાઈ રે, હરગૌરીના મેદાનમાં ક્યારે પહોચીશ ? હરગૌરીના મેદાનમાં ભાઈ, પાકા-પાકા પાન છે. પાન લીધા, ચૂનો લીધો , અમે નણંદભોજાઈએ ખાધા. એક પાન ખોવાઈ ગયું, તે મેં દાદાને કહી દીધું. દાદા દાદા કરીને હું બૂમો પાડુ છું, પણ દાદા ઘરે નથી, સુબલ સુબલ કરીને બૂમ પાડું છું, સુબલ ઘરે નથી, આજે સુબલનો અધિવાસ (લગ્ન પહેલાનો એક સંસ્કાર), કાલે સુબલના વિવાહ, સુબલને હું દિગનગર થઈને લઈ જઈશ. દિગનગરની છોકરીઓ નહાવા બેસે છે અરે, લાંબા લાંબા કેશ પાથરીને બેસે છે, ચમકતા ચમકતા કેશ ખંખેરવા માંડે છે, એમના હાથમાં દેવશંખની બંગડીઓ છે, જાણે વાદળાં લાગ્યા છે એમની ડોકમાં ચોરસ તકતાની તકતીમાલા છે. જાણે રક્ત ફૂટી આવે છે. એમને પહેરી છે ડૂરે (દોરાની) સાડી, ફરક ફરક ફરફરે છે. બે બાજુ બે કાત્લા માછલી ઉપર તરી આવે છે, એક લીધી ગુરુ ઠાકરે , બીજી લીધી ટીયેએ. ટીયેની મા પરણે છે, લાલગામ છોડી દઈને. પીપળાના પાન ધાણાગૌરી બેટી કન્યા, નકો બેટો વર. ઢમ ઢમ ઢમ વાદ્ય વાગે ચડકડાંગામાં ઘર.

પહેલા જોડકણામાં આપણે જોયું તો આલોચલ ખાધા પછી સીતારામ નામે નૃત્યપ્રિય લોભી બાળકને ત્રિપૂર્ણિના ઘાટ પર પાણી પીવા જવું પડયું હતું. / બીજા જોડકાણામાં આપણે જોયું તો સીતાનાથ ‘ચાલકડાઈ’ ખાધા પછી પાણીની શોધમાં ઠેઠ ચિત્પુરના મેદાન સુધી પહોચી ગયો હતો. / પરંતુ ત્રીજા જોડકાણામાં જોઈએ છે તો સીતારામ પણ નથી , અને સીતાનાથ પણ નથી. પરંતુ કોઈ અભાગણી ભોજાઈની દાઝે બળતી નણદી જયન્તિ ફૂલ ખાધા પછી તુષાતુર થતાં હરગૌરીના મેદાનમાં પણ ખાવા ગઈ હતી, અને પછી સાવધ ભોજાઈના તુચ્છ અપરાધની દાદાની આગળ ફરિયાદ કરવા એણે આખો મહોલ્લો માથે કર્યો હતો. ઘેલે ભૂલાનો છડામાં છોકરીને સાસરે મોકલવાના, બંગ જનનીનો આદિકાળથી વર્તમાનકાળ સુધીનો શોકનો ઇતિહાસ, વિવાહના દુ:ખને વ્યક્ત કરવાના, સ્ત્રીઓના બુધ્ધિ અને ભાવના વિશ્લેષણવાળા વગેરે જોડકણાનો સમાવેશા થયેલો છે. છેલે ભૂલાનો છડા એટલે બાળક્રીડાના જોડકણા.કિશોર વયના બુધ્ધિશાળી છોકરા-છોકરીઓની પોતાની રચના હોય છે. શિશુ રચના હોવાથી તે અર્થહીન છે, પરંતુ છંદ અથવા તાલ વગરના નથી પણ છંદ અને તાલનો પરિચય આ જોડકણા દ્વારા પરિચય થાય છે.

આગડુમ બાગડુમ ઘોડાડુમ સાજે, / ઢાક મૃદંગ ઝાંઝર બાજે. / વાજતે વાજતે ચલ્લ ડૂલિ, /ડૂલિ ગેલે સેઇ કમલા પુલિ. / કામલાપુલિ ટીયેટા, / સૂય્યાર મામાર વિયેટા. / આય રંગ હાટે યાઈ, / ગયા પણ કિને ખાઈ.

રમતના જોડકણા ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે જેમ કે, બાળકના રમતના, છોકરીના રમતના, છોકરાના રમતના, મિશ્ર રમતના જોડકણા હોય છે.શરૂઆતમાં છોકરા-છોકરીઓ એક સાથે રમે છે.પરંતુ થોડા દિવસો પછી બંને અલગ પ્રકૃતિમાં રહી રમત રમવા માંડે છે.આ જોડકણામાં રસ,અલંકાર, અને કાવ્યશાસ્ત્રીય ગુણોની દૃષ્ટિને આધારે કહે છે કે અલંકારશાસ્ત્રમાં જે નવરસોનો ઉલ્લેખ છે.પરંતુ બાળકને રમાડવાના જોડકણામાં જે રસ મળે છે તે બીજામાં શાસ્ત્રીય રીતે નથી આવતો. કવિ સંગીત ગ્રામીણ કવિઓની કાવ્યમાં લોકસાહિત્યના રૂપમાં ચર્ચા કરી છે. કવિતા જ્યારે પ્રયોગશીલતાનું સાધન બની જાય છે, હાર અને જીતનુંસાધન બની જાય ચ્હે ત્યારે પ્રશ્ન અને ઉત્તરની પ્રતિયોગીતા જ કવિતાની રચનાનું આંતરવસ્તુ બની જાય છે.વિષય અનેક હોવા છતા પણ સમૂહગાનને લોકસાહિત્ય જ માની શકાય. આને ‘કવિયાલ ગાન’ નામથી ઓળખાય છે.આ સંદર્ભમાં રવીન્દ્રનાથની ધારણા સારી રહી નથી.બંગલાના પ્રાચીન કાવ્યસાહિત્યમાં અને આધુનિક કાવ્યસાહિત્યની વચ્ચે ‘કવિયાલ ગાન’ એક નવી સામગ્રી અને થોડા પ્રમાણમાં જોવા મળે છે.સૌંદર્યની સરળતા ના હોય, ભાવની ગંભીરતા પણ ન હોય અને કેવળ અનુપ્રાસનો વધારે પ્રયોગ જ મનને વધારે આકર્ષિત કરી દે છે. આ અનુપ્રાસની પ્રચુરતા જ માણસો વાહ વાહ કરવા લાગે છે. કવિઓના ગાન માં અનેક જગ્યાએ અનુપ્રાસ,ભાવ,ભાષા અને વ્યાકરણને પણ ધકેલી દે છે. શ્રોતાઓની સામે પ્રદર્શન કરે છે.થોડા સમય માટે સમંત થનારો શ્રોતા બીજું કશું ધરતો નથી અને વિચાર પણ કરતો નથી અને વિચારવાની અપેક્ષા પણ નથી કરતો.

“ગેલ ગેલ કુલ કુલ, થાક કુલ / તહે નઇ આકુલ, / લયેછિ યાહાર કુલ, સે આમાર પ્રતિકુલ. / યદિ કુલ કુંડલિની અનુકુલા હન આમાય, અકુલેટ તરી કુલ ફાવ પુનરાય. / એખન વ્યાકુલ હયે કિ ટુકુલ હારાર સઇ. / તહિ વિપક્ષ હાસિવે યત રિપુચવ.”

‘કવિયાલ ગાન’માં બીજા વૈષ્ણવ કાવ્યમાં સૌદર્ય અને ગંભીરતા અયોગ્ય છે એમાં ‘કવિયાલા’ના ગાનમાં પ્રધાન વિષય કલંક અને છલના છે. વારંવાર રાધાની બહેનપણી કુબ્જાને અથવા અન્યને લક્ષ્ય બનાવી તેનો વધારે પડતો મજાક ઉડાવાય છે. કવિદલના ગાનમાં પણ રાધિકાનું અભિમાન જોવા મળે છે. ગ્રામ્ય સાહિત્યમાં બાલ જોડકણા, કવિયાલ ગાનની સાથે સાથે બીજું પણ સાહિત્ય છે. જેમાં શ્રમ સાહિત્ય, હોળી ચાલકો, ગોવાળો તેમજ પ્રૌઢ ગીતોની ચર્ચા રવીન્દ્રનાથ ટાગોરે ગ્રામ્ય સાહિત્યમાં કરી છે. આ ગીત અથવા ગાન લોકોની સાહજીકતા સાથે જોડાયેલા છે.શ્રમની સાથે ચાલવા વાળાનું આ ગીત સાહિત્યિક રીતે રવીન્દ્રનાથ ટાગોરે વિશ્લેષણ કર્યું છે. બાઢના સમયે ખેતરમાં દશ-પંદર માણસો નાચી-કૂદીને ગાન કરે છે. પાણીની ચંચળતાની સાથે ગીતનો છંદ પણ ચાલે છે.

“ યુવતી , ક્યાન વા કાર મન ભરી, પાવના બ્યાહે આન્યે દેવ ટ્યાહા-દામેર મોટરિ ” (યુવતી ક્યોં કરતી હો મન ભારી, પાવના સે કીને દેબો ટકે દામ મોટરિ)

યુવતીનું મન ભારે થાય છે ત્યારે ગ્રામ્ય કવિ આકાશ, તારા, નંદનવનનું પારિજાત અને પ્રાણ સમર્પણની નથી કરતાં સીધું સીધું મોટરિના દામની વાત કરીને સાની થઈ જાય છે.તેમાં હરગૌરી સંબધિત ગ્રામ્યગીત નારી વિવાહની અનેક સમસ્યાઓના ગીત, રાધા-કૃષ્ણની કથા, સીતા-રામ અને રામ-રાવણની કથા પણ મળી આવે છે પણ બીજાની તુલનામાં ઓછી છે. આમ, રવીન્દ્રનાથ ટાગોરના લોકસાહિત્ય વિશેનું જે સંપાદન કર્યું તે અન્ય સંપાદક કરતા સ્હેજ પણ ઉતરતું નથી.

સંદર્ભગ્રંથો:

  1. ભારતીય લોકસાહિત્ય કોશ ખંડ-૫, સંપા. ડૉ. સુરેશ ગૌતમ, સંજય પ્રકાશન, દિલ્હી, આવૃતિ-૨૦૦૮
  2. રવીન્દ્ર નિબંધમાલા, અનુ. નગીનદાસ પારેખ, રમણ સોની વગેરે, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, આવૃતિ- ૧૯૬૩

મનોજભાઇ ઉદેસિંહ પરમાર, શોધછાત્ર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦ મો.નં. ૯૯૦૪૧૬૯૪૩૨