Download this page in

'જીવતર'માં પ્રગટ થતી યોગેશ જોશીની વર્ણનકલા'

યોગેશ જોષી વર્ષોથી કવિતા. ટૂંકી વાર્તા, નિબંધ, જીવનચરિત્ર, બાળસાહિત્ય, અનુવાદ, સંપાદન આદિ વિવિધ ક્ષેત્રે સક્રિય રહ્યા છે. ગુજરાત સાહિત્ય સભાના જાગરુક મંત્રી અને ‘પરબ’ સામયિકના તંત્રી તરીકેની તેમની સૂઝ-સજ્જતા ધ્યાનપાત્ર છે. તેમનું સાહિત્ય વિપુલ અને વૈવિધ્યસભર છે. કવિ અને નવલકથાકારથી જાણીતા આ સર્જક પાસેથી ‘સમુડી’ (૧૯૮૪), ‘જીવતર’ (૧૯૮૭), ‘નહીંતર’ (૧૯૯૧), ‘આરપાર’ (૧૯૯૨), ‘વાસ્તુ’ (૨૦૦૧), ‘ભીનાં પગલાં’ (૨૦૦૪) અને ‘અણધારી યાત્રા’ (૨૦૧૧) જેવી નવલકથાઓ પ્રાપ્ત થઈ છે.

‘જીવતર’ (૧૯૮૭) મૂળે તો, પુસ્તકકારે પ્રગટ થતાં પૂર્વે ધારાવાહીરૂપે ‘નવનીત સમર્પણ’ સામયિકમાં પ્રગટ થયેલી. એમની પ્રથમ નવલ ‘સમૂડી’ની જેમ અહીં પણ અઢાર પ્રકરણ અને એકસોપાંત્રીસ જેટલાં પૃષ્ઠો પર કથાની માંડણી થઈ છે. ‘સમૂડી’ની સાદ્યંત સફળતા પછી તરતમાં તો નવલકથા લખવા માટે કોઈ થીમ ન હતું એ વાતને લેખકે નિવેદનમાં નોંધ્યું છે તેમ, ‘હા, એક વાર્તા લખવાનું મનમાં હતું – નાનકડું ગામ. એક ડોસો. એક ડોસી. સામ સામે રહે. એકલાં. છતાં એકલતા – શૂન્યતાથી પીડાતાં ન હોય. ભરપુર ‘જીવતાં’ હોય. પ્રેમ કરતાંયે વિશેષ તો એકમેક સાથેના માનવતાભર્યા, હૂંફાળા સંબંધની વાત.’ આમ, કૃતિના કેન્દ્રમાં વૃદ્ધ સ્ત્રી-પુરુષના જીવતરની લાગણી સંગોપાયી છે. સર્જકે આયુષ્યના અવશેષે પહોંચેલા વૃદ્ધ સ્ત્રી-પુરુષની આ કથામાં એકમેકના માનતાભર્યા સંબંધને સંવેદનાત્મક સ્તરે રજૂ કર્યો છે.

‘જીવતર’ એ વિષય અને કલાવિધાનની દ્રષ્ટિએ ધ્યાન ખેંચે એવી સબળ કૃતિ છે. માનવીના મનમાં આકાર લેતી ઘટનાઓની સંકુલ ક્રિયા-પ્રતિક્રિયા મનોવૈજ્ઞાનિક સ્તર આલેખવા માટે જે કળાસૂઝ સર્જકમાં હોવી જોઈએ એ પૂરતા પ્રમાણમાં છે એ વાત કથાના અનેક પ્રસંગો અને રેવામા અને માસ્તરના પાત્રોની સંવેદનામાંથી મળી રહે છે.

'જીવતર' એ યોગેશ જોશીની બીજી લઘુનવલકથા છે. લઘુનવલમાં પ્રયોજાયેલી લેખકની વર્ણનકલા એ કૃતિને ઉત્તમ બનાવે છે. કૃતિના થોડા વર્ણનો નીચે મુજબ લઈને, યોગેશ જોશીની વર્ણનકલા ઉપર જે વિશિષ્ટ પ્રતિભા છે તે બતાવવાનો મારો ઉપક્રમ છે.

યોગેશ જોષીએ 'જીવતર' લઘુનવલમાં મુખ્ય પાત્ર તરીકે રેવાને પસંદ કરી છે. રેવા પોતાના માતા પિતાનું એકનુ એક લાડકવાયું સંતાન હોય છે. તેથી તેને હરવા ફરવાની અને, ખીલવાની છૂટ મળેલી હોય છે. રેવાને બધાજ તહેવારોમાં ભરપૂર મ્હાલવા જોઈતું. મા-બાપની એકની એક દીકરી. તેથી બધા જ શોખ પૂરા થતા. તેના મન ગમતા તહેવારોમાં ગૌરીવ્રત, સાતમ-આઠમ અને, દિવાળી. પરણ્યા પછી તે સાસરે ગયેલી. ત્યારે તેણે ગૌરીવ્રત લિધેલું. અને ખૂબ સરસ તૈયાર થયેલી. જે આપણે લેખકના શબ્દોમાં જોઈએ તો -
'ગૌરીવ્રતના દિવસોમાં નાનકડી રેવા આખી પીઠ ભરી દેતા એના લાંબા કેશ છૂટા રાખી, ચણિયોચોળી પહેરી, ઓઢણી ઓઢીને, મૈદીરંગ્યા હાથો વડે અભિનય કરતી ગવડાવતી-'(પૃષ્ઠ -૨૪)
'ગોરમાનો વર કેસરીઓ કે નદીએ ના'વા જાય રે ગોરમા,' (પૃષ્ઠ-૨૫)

રેવાને સાસરે ગયે સાત દિવસો થયેલાને અચાનક તેના સસરા મૃત્યુ પામેલા. ત્યારબાદ રેવાના પરિવારમાં ફક્ત બે જણ જ, રેવા અને તેનો પતિ રમણ. રેવાના સસરાને અવસાન પામ્યે છ-સાત મહિના થયેલા અને સાતમ-આઠમનો મેળો નજીક આવેલો. રેવાને મેળામાં જઉ બઉ ગમે. પણ તેના સસરાને મૃત્યુ પામ્યે હજી સાતેક મહિના થયેલા; જેથી તે જઈ શકશે નહી તેવુ વિચારી થોડી વાર દુ:ખી થયેલી. પછી તેને વિચાર આવ્યો, કે લાય બાજુમાં રહેતા વડીલ ડોશી પાર્વતીમાને પુછું. ત્યારે પાર્વતીમાયે મેળામા જવાની હા પાડી. રેવા તૈયાર થતા થતા કઈ સાડી પેરુ તેવુ પૂછવા તેના પતી રમણ પાસે જાય છે. જુઓ: તે સમયનુ વર્ણન-
' ચણિયા-બ્લાઉઝમાં જ એ હાથમાં ત્રણ-ચાર સાડીયો લઈને પતિ પાસે દોડી.
ઉમળકાથી પૂછ્યું. 'કઈ હાડી પે'રું?'
'સત્તર વરસની રેવાના કાચ જેવા લમણામાં પથ્થરની જેમ ધણી જવાબ અફળાયો.' (પૃષ્ઠ-૨૮)

સાતમ-આઠમનાં મેળામાં જવા માટે રેવા ખૂબ ઉત્સાહિત હોય છે. રેવા મેળામાં જવા માટે તૈયાર થતી હોય છે. ત્યારે બાર તૈયાર થઈને બેઠેલા તેના પતિ રમણને તે સાડી બતાવીને પૂછે છે કે, કઈ સાડી પહેરુ. ત્યારે તેનો પતિ રમણ મેળામાં લઈ જવાની ના પાડે છે. અને રકઝક કરીને ચાલ્યો જાય છે. ત્યારે નિરાશ થયેલી રેવા સાડીઓને બાજુમાં મૂકીને થોડી બહાર આવે છે. ને દરવાજાની સામેજ માસ્તરનું ઘર હોય છે. માસ્તર સામે ઊભા ઊભા રેવા સામું જુએ છે. ત્યારે બંનેની નજર સામ સામી મળે છે. અને બંનેના મનમાં કંઈક અનુભૂતિ થાય છે. જે આપણે લેખકના શબ્દોમાં નિહાળીએ-
'ગુસ્સાથી રાતો થયેલો ગોરો ગોરો વાન, કાળી કાળી આંખોમાં ભભૂકતી રાતી-જાંબલી જવાળાઓ. રેવાના વાન પર દીપી ઊઠેલો ચોમાસાનો રજવિહોણો, પારદર્શક, કૂણો હૂફાળો તડકો. રેવાના વાનને તથા તડકાના રંગને ઉઠાવ આપતો બ્લાઉઝનો જાંબલી રંગ. બ્લાઉઝ ફાડીને બહાર ધસી આવે એવા પુખ્ત સ્તન.'(પૃષ્ઠ - ૨૯)

સૌ પ્રથમ વાર રેવાનું માસ્તર સાથેનું મિલન નરોત્તમના લગનમાં થાય છે. ત્યારબાદ ખૂબ લાંબા સમય પછી માસ્તરને રેવા જોવા મળે છે. સુંદર લાગતી રેવાને જોઈને માસ્તર પ્રફુલ્લિત થઈ જાય છે. રેવાના સૌંદર્યને લેખકના શબ્દોમાં જુઓ-
'જાંબલી પશ્વાદ્ભૂમાં ઝળહળતો સોનાનો હાર, એ હાર સ્તનના ઉભારને, લયયુક્ત વળાંકોને કેવો ઉઠાવ આપતો! જાંબલી બ્લાઉઝની નીચે નારંગી તડકામાં ચળકતો ગોરો ગોરો નાભિ પ્રદેશ. ઊંડી નાભિ. નાભિથી ત્રણેક આગળ નીચે ચણિયાનો પરિઘ. નાડાની ગાંઠ નીચે ' V' આકારનો કાપ...' (પૃષ્ઠ -૨૯)

સાતમ-આઠમના મેળામાં જવાની રેવાને ખૂબ જ ઈચ્છા હોય છે. પણ તેનો પતિ રમણ તેને લઈ જતો નથી. ત્યારે બાજુમાં રહેતા પાડોશી વિજ્યાબહેન અને તેમના પતિ માસ્તર (મનુભાઈ) તે તેમની સાથે મેળામાં લઈ જાય છે. મેળામાં બે દિવસ પહેલા વરસાદ ખૂબ જ પડેલો હોય છે. તેથી મેળામાં કાદવ-કિચડ ખૂબ હોય છે. રસ્તામાં કાદવ-કિચડ હોવાની ચાલવા માટે ઈટો મૂકવામાં આવે છે. જેના ઉપરથી એક એક વ્યક્તિ ચાલી શકે. કાદવ-કિચડ ના લીધે પુરુષો બધા પોતાના પેન્ટને નીચેથી થોડો ઊંચો ચડાવી ચાલે છે. અને સ્ત્રીઓ ચણિયાને ઊંચો પકડીને ચાલી જતી હોય છે. તે સ્થિતિને આપણે લેખકના શબ્દોમાં જોઈએ,
'જાળવી જાળવીને એક એક ઈંટ પર મુકાતા રેવાના પગમાં ચળકતા ઝાંઝર ઝીણું ઝીણું રણકી ઉઠતા. રેવાના મનમાંય જાણે ઝીણેરી ઘંટડીઓ રણકતી. રેવાના ઝાંઝર જ નહીં, ગોરા ગોરા પગની આછી સોનેરી રુંવાટીય ઉજ્જવળ તડકામાં ચળકતી હતી. ઉઘાડો ડાબો ઢીંચણ જાંબલી સાડીને કારણે અત્યંત ગોરો ને તડકાને કારણે પડતી નારંગી-જાંબલી ઝાંયવાળો દેખાતો હતો. ડાબો પગ જમીન પર પડતાં જ ઢીંચણ ઉપરનો માંસલ ભાગ થરથરતો ને નારંગી-જાંબલી ઝાંયના સળ હલબલતા. ચહેરા પરના બાવ, બદલાતા જતા. કાળી કાળી આંખો ક્યારેક વિસ્ફારિત થઈ ચમકી ઊઠતી ત્યારે આખીયે કીકી ગોળમટોળ દેખાતી. તો ક્યારેક આંખો ઝીણી થતી અને કીકીનો ચાપ ત્રીજચોથના ચંદ્ર જેટલો જ દેખાતો. હોઠના હલનચલનથી, હસવાથી, ગાલ ફૂલતા અને સંકોચાતા. ગાલ પર આછી સળ પડતી, ગાઢી થતી ને સાવ ઝાંખી થઈને અદ્રશ્ય થતી. જમણો હાથ ભાવ પ્રમાણે હલતો, અભિનય કરતો. ક્યારેક તર્જનીનિર્દેશ થતો. થોડી ક્ષણ વાત અટકી જતાં હાથ, વળી ચાલવાના લય સાથે લય મળવીને હાલવા લાગતો; વળી ઊંચો થતો ને ગોરા ગોરા હાથ પરની બંગડીઓ મીઠું મીઠું રણકી ઉઠતી. ક્યારેક બે હાથ પહોળા થતા, ખભા સહેજ પાછળ જતા, નીચલો હોઠ મચકોડાતો ને કશોક વિસ્મય પ્રગટ થતો. જાંબલી સાડી પર ભરેલા તારકસબના બુટ્ટા તથા પાલવ પરની ભાત તડકામાં ઝગમગતી. વિજ્યાબહેન સાથે વાત કરતાં, ડોક સહેજ હાલતાં જ કાનની સોનાની કડીઓ હલી ઉઠતી. નાકમાંની સોનાની ચૂની પરથી પરાવર્તિત થતી, એકમેકને કાટ ખૂણે છેદતી તડકાની બે રેખાઓ ડોકું હલતાં જ વર્તુળાની ને હીરાના ઝગમગાટનો ભાસ ઊભો કરતી.' (પૃષ્ઠ ૩૩ -૩૪)

મેળામાં રેવા, વિજ્યાબહેન,માસ્તર અને, માસ્તરનો પુત્ર વિષ્ણુ એમ ચારેય જણા મેળામાં જતા હોય છે. કાદવ-કિચડના લિધે તેમના પગ ગારાવાળા થાય છે. તેથી તેઓ પગ ધોવા માટે તળાવના કિનારે જાય છે. ત્યારે રેવાને પગ ધોતી વખતે એક વિચાર આવે છે. જુઓ: લેખકના શબ્દોમાં-
'અવઅ મારો પગ લપસઅ નં મું પડું તળાવમોં... પોંણી ખેંચી જાય મન ઊંડે હુંદી... અનં ધબાક્ કરતા માસ્તર કૂદી પડઅ પોંણીમોં અનં...' (પૃષ્ઠ -૩૫)

સાતમ-આઠમના મેળામાં રેવા, વિજ્યાબહેન,માસ્તર અને, વિષ્ણુ એમ ચારેય મહાદેવના દર્શન કરવા જતા હતા. ત્યાં વચ્ચે રસ્તામાં મેળામાં વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ વેચાતી હોય છે. જોતા જોતા વિષ્ણુની નજર ઓળા અને કાતરા તરફ ગઈ ત્યારે વિષ્ણુના મોઢામાં પાણી ફરી વળ્યું. અને રેવા તો જોતા જ... જુઓ: એ સમયનુ વર્ણન -
'રેવાની આંખો ચમકી. મોંમા પાણી છૂટ્યું. હોઠ સહેજ ખૂલી ગયા. થોડોક શ્વાસ મોં વાટે અંદર લઈ સિસકારો બોલાવ્યો. બે હોઠ દાબ્યા. જીભ તાળવા સાથે દાબીને બુચકારો બોલાવ્યો. માસ્તરે ત્રાંસી નજરે રેવા સામે જોઈ લિધું. આ જોઈ રેવાના હોઠ તો બંધ જ રહ્યા. પણ એની આંખો કાતરાના સ્વાદ જેવી મલકાઈ ઊઠી. એના સફેદ ચમકતા દાંત જાણે એની આંખોમાં આવીને હસી ઊઠ્યાં.' (પૃષ્ઠ -૩૭)

મેળામાં રેવા, વિજ્યાબહેન,માસ્તર અને, વિષ્ણુ ચારેય મેળામાં જાય છે. તેઓ સૌ પ્રથમ મંદિરમાં દર્શન કરવા જાય છે. ત્યારે વિષ્ણુના મનમાં તો ક્યારે દર્શન થાય ને ક્યારે મેળામાં જઈએ એમ ચાલ્યા કરે છે. માસ્તર અને વિજ્યાબહેન બે હાથ જોડીને દર્શન કરતા હોય છે. ત્યારે રેવા પણ બે હાથ જોડીને દર્શન કરતી હોય છે. જુઓ-
'રેવાએ વિષ્ણુને તેડ્યો. વિષ્ણુએ ઘંટ વગાડ્યો. દર્શન કરતી વખતે રેવાએ માથે ઓઢ્યું. માથે ઓઢેલી રેવા કેવી શોભતી હતી !'
'નમાવેલું શિર, મીંચેલી આંખો, મનમાં જ કંઈ બોલતી હોવા છતાં ફફડતા આછા ગુલાબી હોઠ, જોડાયેલી બે હથેળીઓ - જાણે ખીલું ખીલું થઈ રહેલી કમળની કળીઓ જ !'(પૃષ્ઠ -૩૯)
મેળામાં મહાદેવ-પાર્વતી અને, શીતળામાંના દર્શન કરી રેવા, માસ્તર, વિજ્યાબહેન સાથે મેળામાં ફરવા નીકળી. મેળામાં ફરતા ફરતા વિવિધ પ્રકારની મીઠાઈઓ અને ચીજવસ્તુઓને જોઈને રેવા મનો મન ખીલી ઉઠતી. માસ્તર બધાને લઈને ચગડોળ તરફ ગયા. ચગડોળમાં બેસવા માટે રેવા, માસ્તર, વિષ્ણુ તૈયાર થયા. પણ વિજ્યાબહેનને ડર લાગતો હોવાથી બેસવાની ના પાડેલી. ચગડોળમાં સીટ ખાલી થતા માસ્તર, વિષ્ણુ અને, રેવા બેસી ગયા. ત્યારબાદ ચગડોળ ધીરે ધીરે ફરવા લાગી. થોડી ઊંચે જતા જ રેવા ડરવા લાગી ને આંખો બંધ કરી બોલવા લાગી... તે વર્ણન જુઓ-
'બાપ રે ! પેટમાં કેવું થાય સ ! મનં તો બીક લાગઅ સ.' કહી રેવાએ માસ્તરનો હાથ પકડી લીધો.' (પૃષ્ઠ-૪૨)

મેળામાં માસ્તરના પરિવાર સાથે રેવાએ આખો મેળો માણ્યો. વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ જોઈને રેવા મનોમન ખુશ થતી. મેળા માંથી માસ્તરે ઓળા, કાતરા અને, શેકેલી મગફળી લીધેલી. મેળામાં ફર્યા પછી, એક જગ્યાએ ચારે જણા બેઠા. ત્યારે ફોફાં ફોલતી રેવાને જોઈને માસ્તર ખીલી ઉઠતા. જેને આપણે લેખકના શબ્દોમાં જોઈએ-
'રેવાની પાતળી શંકુ આકારની ગોરી ગોરી આંગળીઓ ફોફાં ફોલતાં કાળી થયેલી. તર્જની અને અંગૂઠા વચ્ચે મેંશવાળો ઓળો દબાતો. ફટ અવાજ સાથે તડ પડતી ને બે ફાડ જુદી. ને રતાશ પડતા ગુલાબી ગુલાબી સીંગદાણા રેવાની નાનકડી રતૂમડી મોં-ફાડ વચ્ચેથી એના મુખમાં સરી જતા.' (પૃષ્ઠ - ૪૩)

'જીવતર' એ ફ્લેશબેકમાં લખાયેલી લઘુનવલ છે. જેમાં શરૃઆતમાં જ અંત બતાવવામાં આવે છે. શરૂઆત જોઈએ તો, માસ્તરની લાશ પડી હોય છે. છ- સાત પાડોશી માસ્તરની લાશ પાસે બેઠા હોય છે. રાત્રીનો સમય હોય છે. ચોમાસુ હોવાથી સૂકા લાકડા મળતા નથી. જેથી લાશ જોડે બેઠેલા પાડોશીઓ ઈલેક્ટ્રિક સ્મશાનની વાત કરતા હોય છે. માસ્તરને બે સંતાન હોય છે. એક પુત્ર અને એક પુત્રી. બંને દૂર શહેરમાં રહેતા હોય છે. એટલે સવાર સુધી રાહ જોવામાં આવે છે. તે સમય દરમિયાન લાશ જોડે બેઠેલા રેવામાં સિવાય બધાને આળસ ચડતી હોય છે. ને બધા ધિરે ધિરે સૂવા માંડે છે. જ્યારે રેવામાંને ઊંઘ આવતી નથી. તે માસ્તર સાથે બનેલી ઘટનાઓનું સ્મરણ કર્યા કરે છે. રેવાનું માસ્તર સાથેનુ પ્રથમ મિલન નરોત્તમના લગનમાં થાય છે. ત્યારે એક ગાડામાં બેઠેલા માસ્તર અને રેવામાં નજર સામસામે મળતા બંને વચ્ચે સ્પંદન થાય છે. જે આપણે લેખકના શબ્દોમાં નિહાળીએ-
'રેવલીને નાનકડાં સ્તન ફૂટ્યાં હતા પણ હજી વિકસ્યાં ન હતાં. આથી એણે રેશમી ફ્રોક નીચે કશું પહેર્યું ન હતું.'
'છરીની ધાર જેવી મનુડાની નજર રેવલીનાં અર્ધ વિકસિત સ્તન ઉપર પડી ત્યારે તો રેવલીને કેવું થયું 'તુ ?!
'દર્પણમાં એ અવારનવાર સ્તનનો ઉભાર જોતી ખરી, છતાં પોતે આટલી જુવાન થઈ છે એની જાણ તો મનુડાની નજર પડ્યા પછ જ થઈ. ને તરત થયેલું કે એણે સ્ત્રીઓના ગાડામાં જ બેસવું જોઈતું હતું.' (પૃષ્ઠ-૫૯)

'જીવતર' લઘુનવલમાં મુખ્ય પાત્ર રેવા અને માસ્તર (મનુભાઈ). રેવા અને માસ્તર વચ્ચે કોઈ સંબંધ નથી હોતો. તેઓ ફક્ત પાડોશી હોય છે. તેમની વચ્ચે હૃદયનો સંબંધ હોય છે. પ્રેમનો સંબંધ હોય છે. તેમનુ પ્રથમ મિલન નરોત્તમના લગનમાં થાય છે. લગન દરમિયાન રાત્રિના સમયે પ્રોગ્રામ રાખવામાં આવે છે. બાજુના ગામ માંથી 'અમર બૅન્ડ' (બેન્ટવાજા) બોલાવેલું હોય છે. જેમાં રેવા બ્લાઉઝ-ચણિયામાં ખૂબ સુંદર લાગતી હોય છે. તેને જોઈને માસ્તર તેના ઉપર ફિદા થઈ જાય છે. જુઓ: તે સમયનુ વર્ણન-
'રેવલીએ એ દિવસે પહેલી જ વાર સાડી પહેરેલી ! લાલચટક, સોનેરી બુટ્ટાવાળી, તારકસબથી બરેલી. સાડીના કારણે એની ચાલ બદલાઈ ગયેલી. સાડીનો જાણે ભાર લાગતો હતો. પણ સાડીના કારણે એના પગ જાણે ચીપી ચીપીને લખાતા અક્ષરોની જેમ પડતા હતા. કમર પર લટકતો લાંબો ચોટલો લોલકની જેમ એક છેડેથી બીજે છેડે જતો.

આમ સમગ્ર રીતે જોતા વર્ણનકલા એ સર્જકની સિધ્ધિનો મુખ્ય આધાર છે. સર્જક વર્ણનકલા દ્વારા ભાવક સુધી પ્રત્યક્ષીકરણ પ્રસંગનું કરાવતો હોય છે. અહીં ઉપરના વર્ણનો જોતા તે સ્પષ્ટ થાય છે કે, યોગેશ જોશીની વર્ણનકલા તેમની નવલકથાની સફળતાનો મોટો આધાર બને છે. પાત્રો, પ્રસંગો કે ઘટનાઓ અહીં વર્ણનકલાની ભાવક સમક્ષ તાદ્રશ્ય થાય છે.

પ્રજાપતિ મેહુલકુમાર સોમાભાઈ, અનુસ્નાતક- ગુજરાતી વિભાગ, શ્રી અને શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટ્સ છે કૉલેજ, પાટણ.